ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૧

{{Color|Blue|[[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેધના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતાને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે. એવું જાણ્યા પછી અર્જુનને આ બાળકોના પિતા ચંદ્રહાસની કથા સાંભળવાની ઇચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]}}

રાગ : કેદારો

પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ;
જેથી સરે મનોરથ મન તણો રે.         

સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી;
સતી શારદા, સેવક છઉં તમ તણો રે.         

ઢાળ


સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય;
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય.         

વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાજન;
અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા-વક્તા ધન્ય.         

પાંડવે પરાક્રમ કીધું ઘણું, ક્રોધ ધરીને કાય,
શત કૌરવ સંઘારિયા, તે કુરુક્ષેત્રની માંહ્ય.         

પછે હસ્તિનાપુરમાં રાજ્યે બેઠા, કુંતીકુંવર જે ધર્મ;
પાંચાલીના મનોરથ પૂરી, પધાર્યા પરબ્રહ્મ.         

પણ યુધિષ્ઠિર અતિ દુઃખ પામ્યા, ઉપન્યો અંતર તાપ;
‘એ રાજ્યને માથે ધિક્‌ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’         

એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભેદ
પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ.         

અશ્વની પૂંઠે રક્ષા કરવા, સંચર્યો અર્જુન;
પૂંઠે વૃષકેતુ[1] પરવર્યો, વળી વીર પ્રદ્યુમન[2].         

વાટમાં જાતાં નીલધ્વજ[3] ને હંસધ્વજ[4] ભૂપાળ;
સુધન્વા ને સુરથ[5] નામે, હણ્યા બન્યો બાળ.          ૧૦

મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન[6];
જેણે મહાબળિયા પારથનું, મસ્તક કર્યું છેદન.          ૧૧

પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર;
તે તુરી તામ્રધ્વજે બાંધ્યો અર્જુનનો નિર્ધાર.          ૧૨

રાય મયૂરધ્વજ મળ્યો આવી, કૃષ્ણને રહ્યો કર જોડ;
પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ.          ૧૩

એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઊતર્યો વાજીન;
ત્યાંહાં આગળ રમતા હતા, બે ચંદ્રહાસના તન.          ૧૪

વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ;
તે અશ્વ અનુપમ દેખી, લઈ ગયો પોતાને ગામ.          ૧૫

ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર;
શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હતા, ત્યાંહાં લાવ્યા સમાચાર.          ૧૬

વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ;
અશ્વની સંભાળ લેવાને, મોકલ્યા મહાજોધ.          ૧૭

પણ પાર તે પામ્યા નહિ, કહ્યો કિરીટીને નકાર;
સાંભળીને સવ્યસાચી[7] પામ્યા દુઃખ અપાર.          ૧૮

વિચારીને વીનવ્યા અર્જુને ત્યહાં શ્રીકૃષ્ણ;
પારથ પછે પ્રભુજીને : ‘કહો અશ્વ ગયાનું પ્રશ્ન.’          ૧૯

વળતા વિશ્વંભર ઊચર્યા : ‘સાંભળ, પાંડુકુમાર;
તારા તુરીને સંભાળ તાહાં, જો કોણ છે ઝાલણહાર.’          ૨૦

એવું કહીને મૌન લીધું પ્રભુ શ્રીગોપાળ;
એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ.          ૨૧

હરિગુણ ગાતા વીણા વાતા આવ્યા નારદ ભગવાન;
નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન.          ૨૨

ત્યારે દેવર્ષિ એમ બોલિયા, અર્જુન દીઠો દીન :
‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન?          ૨૩

પછે ગદ્‌ગદ કંઠે થઈને બોલિયા તે પારથ :
‘મારા અશ્વ બન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ.          ૨૪

સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય;
જાણતા હો તો કહો મુને, મારા અશ્વ ગયાનો ઉપાય.’          ૨૫

વળતા ઋષિ એમ ઊચરે; ‘સાંભળ અતલિબલ અર્જુન;
‘તારા તુરીને લઈ ગયા છે ચંદ્રહાસના તન.          ૨૬

દેવ દાનવ યક્ષ કિન્નર, ત્રૈલોક્ય ટોળે થાય;
સહસ્ર વસા સતવાદી રાજા, કોણ ન જીત્યો જાય.’          ૨૭

ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ :
‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.[8]          ૨૮

વલણ

‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’
ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે.          ૨૯





  1. વૃષકેતુ – કર્ણનો પુત્ર
  2. પ્રદ્યુમન – કૃષ્ણનો પુત્ર
  3. નીલધ્વજ – માહિષ્મતીનો રાજા
  4. હંસધ્વજ – ચંપકપુરીનો રાજા
  5. સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો
  6. બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર
  7. સવ્યસાચી – ડાબા અને જમણા બન્ને હાથે તીર ચલાવી શકે તેવો,અર્જુન
  8. વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ