ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૧૯

[ચંદ્રહાસ હવે પોતાના પુત્ર મદનના હાથે મોત પામ્યો હશે એવું માની ધૃષ્ટબુદ્ધિએ રાજા અને રાણીને બાંધી આખું નગર લૂંટી લીધું. રાણી લગ્નલાયક પુત્રને પરણાવ્યા વિના પોતાની અવદશાથી અતિ દુઃખી છે.]

રાગ : પરજીઆનો

નારદજી એમ વાણી વદે, સુણ, પારથ પાંડુકુમાર રે,
હવે કુલિંદની શી વલે થઈ, તે તણો કહું વિસ્તાર રે.         

ચંદ્રહાસ વળ્યો વેગે પુરથી, પ્રધાને કીધું કપટ રે,
પછે કુલિંદ રાજા તેડિયો, મુખે કીધી લટપટ રે.         

જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો હશે, ને સરિયું મારું કાજ રે.’
પાપીએ પછે વાહી[1] બાંધ્યો, રાણી સાથે કુલિંદ મહારાજ રે.         

સેના સર્વે મારીને કાઢી, પાપી પડિયા તૂટી રે.
હય હસ્તી ને કનક કચોળાં, રાજ્યભવન લીધું લૂંટી રે.         

પોતાની ત્યાં આણ વરતાવી, મારગ ચાલતો કીધો રે.
પછે મેધાવિની રાણી સંગાથે, કુલિંદને બાંધી લીધો રે.         

ઢાળ
રાજા રાણી બાંધિયાં ને હવો તે હાહાકાર રે.
જમકિંકર સરખા સેવક પાપી કરતા પાટુના પ્રહાર રે.         

મસ્તક તે મુગટવહોણું કીધું, વિખેર્યા તેના વાળ રે.
કાંટા તે ભાંગે પાગ વિષે, ભૂમિ પડે ભૂપાળ રે.         

સોટા વાગે, ધૂળે દાઝે, જેની ચંપકવર્ણી પાહાની રે,
રોળાઈ ધોળાઈ તે ચતુરા, જે મહારાજની માની[2] રે.         

ઓશિયાળાં મુખ ને પામ્યાં દુઃખ, નર નારી સામું જોય રે.
પોતાના પુત્રને સંભારી, સાધવી માતા રોય રે.         

તીવ્ર તાપ તે તેને લાગે, તેણે અકળાયો પ્રાણી રે;
વાટે ચાલતાં ચરણ થાકે, પણ સેવક હીંડે તાણી રે.          ૧૦

પછે રાજાએ સ્કંધે વળગાડી મેધાવિની જે રાણી રે.
કાંટા તે પડે કંઠ વિષે, પ્રેમદા માગે પાણી રે.          ૧૧

શ્યામા પૂછે છે : ‘સ્વામીજી આપણું શું થાશે રે?
સુતની સંભાળ નથી તો કેઈ પેરે રહેવાશે રે?          ૧૨

મોટું દુઃખ એ મન વિષે, પુત્ર પરણી ઘેર ન આવ્યો રે,
દીપક સરખી દીપતી વહેલે વહુઅર ન લાવ્યો રે.          ૧૩

પુત્ર સાથે કુળવધૂ તે લાડકોડે ચરે દશૈયાં[3] રે;
આદર કરીને અન્ન પીરસું, દેખી ઠરે મારાં હૈયાં રે.          ૧૪

હાક મારતાં ‘જી, જી’ કહીને ઉત્તર આપે વહુ રે;
તે સુખ તો મેં કાંઈ યે ન દીઠું, કેઈ પેરે રોતી રહું રે?’          ૧૫

એવાં રાણી તણાં વચન સુણીને રાજા રોતી રાખે રે.
‘સામું જુઓ, રે સુંદરી,’ પછી વચન મરમનાં દાખે રે.          ૧૬

વલણ


વચન દાખે મરમનાં, જાતાં તે મારગ વિષે રે.
મેધાવિની અતિ દુઃખ પામી, કેઈ પેરે કહીએ મુખે રે?          ૧૭




  1. વાહી – છેતરી
  2. માની – માનીતી
  3. દશૈયા – લગ્ન પછી સસરા દ્વારા જમાઈને અપાતાં દસ જમણ