ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૨૪

[યુદ્ધમાં તેને પહોંચી નહીં શકાય તેમ સમજી ચંદ્રહાસને મારવાનો ધૃષ્ટબુદ્ધિ એક વધારે પેંતરો અજમાવવાનો વિચાર કરે છે ત્યાં ગાલવ મુનિ ભરી સભામાં ધૃષ્ટબુદ્ધિને પૂર્વનાં વચન ‘પુત્રી આ જે તારી તેને પરણશે ભિખારી’ સંભારી તેનાં ક્રોધ અને ઈર્ષા વધારી દે છે. ધૃષ્ટબુદ્ધિ ચંદ્રહાસને અરધી રાતે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને ગામના પાદરમાં રહેલા મંદિરે કાલી માતાની પૂજા કરવા મોકલી ચાર મારાઓને હથિયાર વિનાના ચંદ્રહાસને મારી નાખવાનું કામ સોંપે છે.]

રાગ : મારુ

નારદ કહે : સાંભળ, અર્જુન, ધૃષ્ટબુદ્ધિ વિચારે મન :
‘જામાત્ર તે મુજને મળિયો, સસરાનો સ્નેહ નવ કળિયો.’         

ધૃષ્ટબુદ્ધે વાત વિચારી : ‘આ પુત્રીને પરણ્યો ભિખારી;
કહો, શત્રુને દેખી કેમ રાચું? ગાલવિયાનું વચન થયું સાચું.         

એ જામાત્રને જુગતે[1] મરાવું, વિષયાને ત્યાં વિધવા કરાવું;
જે જુદ્ધે નહિ જિતાય, કરું કપટ કે બીજો ઉપાય.         

જદ્યપિ જો છે મુને પાપ, પુત્રીને વિધવા કરે છે બાપ,
પૂજ્ય માર્યે હત્યારો થાઉં, પેરે અડસઠ તીરથ નાહાઉં’         

એવી વાત વિચારી છે જેવે, ઋષિ ગાલવ પધાર્યા તેવે,
સભા સરવેએ માન દીધું, શ્યામ મુખ પ્રધાને કીધું.         

પ્રધાન બોલે છે રે વચન : ‘સાંભળો, ચંદ્રહાસ રાજન;
કહોજી, વિપ્ર દેખીતા મોટા, પણ પશ્ન પડે છે ખોટા.         

પૂર્વે કોઈ એક હુતો અધિકારી, તેને પુત્રી એક કુંવારી;
એક જુગમાં જાણીતો પુર્ખ,[2] વણવિચાર્યે બોલ્યો મૂર્ખ :         

અધિકારી, પુત્રી આ જે તારી, તેને પરણશે રંક ભિખારી;
તે વેળાએ હુતો હું પાસે; મેં તો નિશ્યે જાણ્યો વિશ્વાસે.         

તે ભિક્ષુક રડવડી મૂઓ જોજો, તે કન્યાને પરણ્યો બીજો;
એમ સાચું બ્રાહ્મણ બોલે! જાણે નથી જાણતા અમ તોલે!         

પણ કહ્યું જેનું નવ થાય, તે દેશ ત્યાગી ઊઠી શે ન જાય?’
એમ મર્મ બોલ્યો વાણી, જમાઈને નથી ઓળખતો જાણી.          ૧૦

ત્યારે જામાત્રે નીચું નિહાળ્યું, પણ ગાલવે પાછું વાળ્યું;
પોતાનો હાથ ઊંચો કીધો, પ્રધાનને લટપટમાં લીધો :          ૧૧

‘અલ્યા, એમ શું બોલે હો ત્રાડે? બ્રાહ્મણનું ખોટું કોણ પાડે?
મિથ્યા થાય રામનું બાણ; પણ વિપ્રનું વચન પ્રમાણ.          ૧૨

કદાપિ પડે આકાશના તારા, તોયે બ્રાહ્મણ ન હોય ખોટારા;
રવિ ચંદ્ર મંડળ ધ્રુવ ચળે, પણ ઋષિનાં કહ્યાં નવ ટળે.          ૧૩

ડગે શેષનાગ ને મેર, તોયે ન પડે કહ્યામાં ફેર.
સાત સાગર મર્યાદા મૂકે; પણ વિપ્રવચન નવ ચૂકે.          ૧૪

જો એક થાયે ચૌદ લોક, બ્રાહ્મણ બોલે તે નોહે ફોક.
વિપ્રથી વાજ આવ્યો[3] વિધાતા, મઘવા મહાદેવ વિષ્ણુથી માતા[4].          ૧૫

તો કોણ માત્ર તું રાંક, જે કાઢે છે વાડવ[5]નો વાંક?
તે જે કહ્યો અધિકારી તેની પુત્રીને પરણ્યો ભિખારી.          ૧૬

તેણે મારવાનો ઉપાય કીધો, ત્યાં કૃષ્ણે ઉગારી લીધો.
તેને કોઈયે ન શકે ગાંજી[6], પરણ્યો સસરાના હાથ ભાંજી.’          ૧૭

ગાલવે વિકાર્યું રૂપ ત્યારે થરથર ધ્રુજ્યો ભૂપ;
જાણ્યું : શાપે બાળશે વળી.’ પછે પ્રધાન બોલ્યો મળી :          ૧૮

‘થનાર હોય તે તે થાઓ આ ઘડીએ, પારકી વાતમાં શિદ પડીએ?’
પછે ઊઠી ગયો અજાણ; ઋષિનાં વાયક થઈ વાગ્યાં બાણ.          ૧૯

‘સહી ના શકાય હવે આવું, એ જામાત્રને કપટે મરાવું.
ઋષિને વચને થયો પરિતાપ : ‘એને માર્યાનું મુને ન લાગે પાપ.’          ૨૦

પાછલો દિવસ ઘટિકા ચાર, તે વેળા તેડ્યો કુલિંદકુમાર;
દેખી મુખડું હસતું કીધું, મન-વોણું માન જ કીધું :          ૨૧

‘તમને હું બોલાવું છું લાડે, જે સગપણ સીધ્યાં આડે;
સાંભળો; કુલિંદજીના કાલા, મુને મદનપેં ઘણું વહાલા.          ૨૨

સગા તે સોનાનું ઢીમ, આંખ થાય છે ટાઢી હિમ
પણ એક કામ ભૂલ્યા છો તમો, હિત માટે કહું છું અમો.          ૨૩

બીજા ભૂંડું મનાવે શાનું? વહાલા હોય તે કહેશે છાનું,
એક અમારા પૂર્વજે સેવી, અમારી કાલિકા છે કુળદેવી.          ૨૪

જે કોઈ નવો જમાઈ થાય, તે કરે દેવીની પુજાય,
આયુધ વિના એકલો જાતે, પુણ્ય પૂનમની મધ્યરાતે.          ૨૫

જો શક્તિ સંતોષ થાયે, તો વિઘ્નમાત્ર તેનાં જાયે,
દેહેરું નગરથી ઓતરાડું[7], વાટ તેની એંધાણી દેખાડું.          ૨૬

છેક પુરની પૂંઠે ફરજો, પવિત્રપણે પૂજા કરજો.’
સાંભળી હરખ્યો હરિનો દાસ, ‘જાઉ’ કરી ઊઠ્યો ચંદ્રહાસ.          ૨૭

આઈની પૂજા વિધવિધ અણાવી, તે મદનને વાત ન જણાવી.
ધૃષ્ટબુદ્ધે કર્યો વિચાર, ચાંડાલ તેડાવ્યા ચાર.          ૨૮

છાની વાત એક તેને કહી : ‘પહેલાંની પેઠે કરવું નહિ.
પૂર્વે કામ મારું ન કીધું, છેતરી ધન મારું લીધું.          ૨૯

એક તમને દેઉં છું કાજ, જોઉં કેવું કરો છો આજ.
પૂર્વમાં અવડ જૂનું છે દેહરું, ત્યાં તમને મોકલું છું હેરું[8].          ૩૦

પૂજાનું પાત્ર જેને હાથ, એકલો, બીજો નહિ કો સાથ,
તમો રહેજો દેહરા પૂંઠે, તે જ્યારે પૂજા કરી ઊઠે.          ૩૧

દ્વારે ખડગ સામાં ધરજો, નીસરતાં કાપી કટકા કરજો.
જો કરશો એટલું કામ, તો આપીશ એકેકું ગામ.’          ૩૨

ચાંડાળ કહે શિર નામી : ‘એ કારજ અમારું, સ્વામી,’
હરખીને ચારે ચાલ્યા; ખાંડાં પાણીવાળાં[9] કરે ઝાલ્યાં.           ૩૩

દહેરે સંતાઈ ચારે રહ્યા, પણ ચંદ્રહાસ નવ ગયા.
જેના હરિએ ગ્રહ્યા છે હાથ, શાલિગ્રામ બાંધ્યા કંઠ સાથ.          ૩૪

તેને કોણ કપટે મારે, જેને અવિનાશી ઉગારે?          ૩૫

વલણ


ઉગારે અવિનાશી જેને, તેને કોઈ ગાંજે નહિ રે;
નારદ કહે : સાંભળ ઓ અર્જુન, એ કથા એટલેથી રહી રે.          ૩૬




  1. જુગતે – યુક્તિથી
  2. પુર્ખ – પુરુષ
  3. વાજ આવવું – કંટાળવું
  4. માતા – મોટા
  5. વાડવ – વિપ્ર
  6. ગાંજી – હરાવી
  7. ઓતરાડું – અલાયદું, દૂર એકાંતમાં
  8. હેરુ – ગુપ્ત રીતે
  9. પાણીવાળા – લોખંડના તીક્ષ્ણ હથિયાર બનાવતી વખતે એને વધારે પાણી પાવાથી એની ધાર વધારે કડક બને છે.