ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ/૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


: ૨

‘સાહેબજી... સાહેબજી, ત્રિકમભાઈ. તમારી સોસાયટીવાળું કેમનું ચાલે છે? સાંજે વાત.’ સાળી નવ ને આડત્રીસ...ઘડિયાળ પાંચેક મિનિટ વહેલું તો છે જ. પાન ખાવાનો સમય... ભૈયાજી–જરા જલ્દી કરના… આજ લેટ હૈ ગયા હૂં...હાં...હાં વોહી બનારસી–જરદાલુ—રોજરોજ ક્યા બતાના? એક ઝૂડો બીડી આપો—પૈસા શામકો...છૂટા નહીં હૈ.... ‘અં... હું....એં...હં...અં... હં...અ... હં... આં.... હાં... અં ...હં...આ હાંફ ચઢી જાય છે એની વાત વૈદ્યને કરવાનું યાદ જ નથી આવતું તો? કબજીઆતની મોકાણમાં. કેમ છો, ગિરીશચન્દ્ર? નવચાળીસની તૈયારી ને? હેં…. અ...ગઈ? ક્યારે...એ...એ...આ પેલી જાય એ જ બસા આ નવ ચાળીસ તો હજુ હમણાં થાય છે... ભૈયાજીઓ સાલાઓ પાનની દુકાનો માંડીને શું કરવા બેઠા હશે? આ નવાઈનો તો એક પાન બનાવતાં જન્મારે આખો પૂરો કરે છે... એના ડોઝરામાં રાત દિવસ ઠંડાઈ નાંખીને ધંધો કરવા બેસે છે... ના ભઈ, મકાન બાંધવાનું તો એવું છે ને... બીજી બસ તો હવે છેક દસ ને પાંચની છે...સાળું આ આપણને બહુ દુ:ખ છે. વીસ વીસ, પચ્ચીસ પચ્ચીસ મિનિટે એક બસ આવે... મ્યુનિસિપાલિટી સાલી ઊંઘે છે... અમારી સોસાયટીમાંથી સહીઓ ઉઘરાવી ચાર અરજીઓ ઠોકી છે. જવાબ જ ક્યાં છે? એ...મ ! તમારે પ્લીન્થ સુધી પહોંચી ગયું?! તમારે એલ. આઈ. સી.વાળાઓને સાલું સુખ છે... અમારી બૅન્ક લોન તો આપે છે પણ શરૂઆતમાં ભરવાનાં ફદિયાં...જોઈએ ને? શું કો’છો? ! સાડા દસ રૂપિયે? ક્યાં છે?…. હા... આ... તો આપણને રસ છે. તમે ત્યાં પણ ત્રણસો વાર જમીન રાખી છે? તે હવે કંઇ…આપણને રસ છે. કહેતા હો…….તો કાલે સવારે જ જોવા જઇએ. અહીંથી બીજો પોણો માઈલ દૂર છે? સાળુ દૂર તો કહેવાય... પણ સાડાદસ રૂપિયે ખોટી નહીં...હા, ગિરીશચન્દ્ર. એકાદ મકાન તો ઊભું કરવું જ જોઈએ પણ હજુ મોટીને પરણાવવાની છે... તમે છીંકણી તાણો છો...ઓ... ગિરીશચન્દ્ર...હ...હા...હા.... આ ડોશીડગરાની ટેવ....શું કો’છો? યુનિવર્સલ હેબીટ છે એમ? ચર્ચિલ પણ છીંકણી તાણતો? જાવ જાવ... ચીરુટનું આપણે જાણીએ. હુમ...એટલા તો ઊભા કરી દઈશું, ગિરીશચન્દ્ર...જમીન હાથમાંથી જાય નહિ...એ... જોજો... લાવો જોઉં, હું ય જરા તાણું- હું એમ કહેતે...ઓ... આ..હા..ક...છીંક્! આપણી ત્રેંસઠ નંબરની જ બસ લાગે છે... આ તમારી છીં...ક આ..હા..ક્...છીંક! ગિરીશચન્દ્ર, તમારા એલ...આઈ.... આ..હા..ક્... શું છે ભઈ...આ તમારી બસો તો બહુ જ સમયસર આવતી લાગે છે. પણ આની પહેલાંની બસ ત્રણ મિનિટ વહેલી આવી. એ ન ચાલે, મે’રબાન...પણ તે નવ ચાળીસની વાટ જોનારા... હું લઉં છું….ગિરીશ... બે ઈલેકિટ્રક હાઉસ... છૂટા નથી? પણ....તે અત્યાર સુધીમાં તમારી પાસે પાંચનું છૂટું. ના....ના...ગિરીશચન્દ્ર...લઉં...એ તો આપશે છૂટા... તે....આટલા રુઆબથી શેનો વાત કરે છે? તમારે ઇલેકિટ્રક હાઉસથી પાંચ મિનિટ હીંડવાનું... કેમ? હું ઝડપથી ચાલું તો સાત જ મિનિટમાં બૅન્ક ભેગો....પાનકોર-નાકું... એ આવજો.

બૅન્કના એકાઉન્ટન્ટની જવાબદારી એટલે લોહીનું ઊંચું દબાણ..... હાઈ બી. પી... પણ અમદાવાદ આવી હસમુખલાલ આ હાઈ બી.પી. સાથેની કુસ્તીમાં અત્યાર સુધી જીતી ગયા હતા... તંગ નસોને ઢીલી કરવાના એક નહિ પણ અનેક ‘નુસખા’ એમણે શોધી કાઢ્યા હતા. જેમ કે, બૅન્કમાં અડધા કલાકની મળતી રીસેસમાં સમગ્ર ચિત્તતંત્રને મસાલાની ચામાં ડૂબાવી દેતા. એમને એક જુનિયર ક્લાર્ક ( સાલો જીભનો બેફામ મીઠડો છે...એ વારંવાર કહેતા ) મફતની રોમૅન્ટીક વાતોમાં... કે જીભના ટેરવાને લાળથી લદબદ કરી નાખતાં માણેકચોકના બટેટાવડાં કે પાણીપુરીમાં કે ચન્દ્રવિલાસની જલેબીમાં એ કેન્દ્રિત કરતા. રીસેસમાંથી પાછા ફરતાં પાનકોરનાકાના વેપારીઓની ‘સલામો’ ઝીલવામાં ‘મૈં ભી હું કુછ, મેં ભી હું’ના ડ્રાઉં-ડ્રાઉંમાં થોડી તંગ નસોને આશાયેશનો અનુભવ થતો. બૅન્કના ધાંધલિયા કલાકો પસાર થઈ જતા ને એમની બબડવાની ટેવ ઉપર સરકી જતા, ને ભલભલું યાદ કરી લેતા...ને કાંઈ વેંતવગરનું ને કમાલનું મનમાંથી ફૂટ્યા કરતું. અમદાવાદની મિલોના ભૂંગળામાંથી નીકળતા ઘેરા, ધૂળિયા, કાળા ધુમાડા જેવી વાતો... એમનું બૅન્કનું કામ લાલ પેન્સીલ ને એક હાથ કર્યે જતાં હોય, ટોકનની અદલાબદલી ભીડમાં થતી હોય, લેજરનો ચોપડો ને ચેકની થપ્પીઓ વચ્ચે એ વિચાર્યા કરતા... ધીમેથી બબડી લેતા. બૅન્કમાં પૂછો તો વ્યાસસાહેબ એટલે મળતાવડા ને રમૂજી જીવ... ક્યારેક ઉંમરને શરમાવે એવી થોડી મજાકો પણ બૅન્કના સ્ટાફ સાથે માણી લેતા ને સાથે મનના માંહ્યલા વિશ્વમાંથી મળતા ‘બીપ’ બીપ’ જેવા વિચારોને વાગોળવામાં ય ગૂંથાઈ જતા. ચાળીસ પછી અને એમાં ય ખાસ કરીને અમદાવાદ આવ્યા પછી એ વધારે ને વધારે એકલવાયા બનતા ગયા હતા. એમ તો સોસાયટીના ચાર માણસો સાથે સારો કહી શકાય એવો વાણી-વ્યવહાર અમદાવાદની રીતરસમ પ્રમાણે ચાલતો ને અમદાવાદમાં સગાંવહાલાં ય કંઈ ઓછાં નહોતાં. ન્યાતના ઉપપ્રમુખની રૂએ એમની પ્રતિષ્ઠા ચાર માણસમાં ગણતરી થાય એવી હતી... ‘અમદાવાદની આ ધરતી આપણને તો માફક આવી ગઈ છે,’ એમ ઘણાંને મોઢે હસમુખલાલે કબૂલ કરી દીધું છે. ખાસ કોઈ ખરીદી કરવાની ન હોય તો રૂપિયાના પરચુરણથી વધારે એ ગજવામાં કશું વધારે રાખવાના નહિ. બધા ક્લાર્ક સાંજ પડે બૅન્કમાંથી જાય એટલે નિરાંતે ‘હાશ’ કરીને એ ઊભા થવાના. મેનેજર દેસાઈ સાહેબને ‘જાઉં ત્યારે’ કહે ત્યારે ચહેરો આખો મીઠાશ ને મધુરતાથી ખરડાઈ જાય. ને આસ્તે આસ્તે, પગનાં તળિયાંથી લાદી ચૂમતા જાય. બૅન્કની બગલાની પાંખ જેવી શ્વેત-સ્નિગ્ધ દીવાલોને આંખ વડે પંપાળતા રહે. શ્વાસ ઊંડો ખેંચે, છાતી ‘ઑટોમેટીક’ પહોળી થાય એમ ચાલવાના ને ત્યારે બબડી લેવાના ‘સુખ શું... તે આનું નામ.’ પણ એથી વધારે આનંદ ને લિજ્જતની ક્ષણો તો બૅન્કનાં દસ પગથિયાં ઊતરે ત્યારે આવે... હસમુખલાલને સમજાતું નહિ કે એ સ્વર્ગથી ઊતરી રહ્યા છે કે પગથિયાં ઊતરવાની પ્રક્રિયામાં સ્વર્ગ તરફ પ્રયાણ કરી રહ્યા છે. આટલી ઉંમરે જો કે હસમુખલાલને સ્વર્ગનો મોહ ને મહિમા રહ્યાં હોય એમ લાગે નહિ.

*

પહેલા પગથિયા ઉપર જાણે એ ઊભા રહ્યા છે-ઊંડો શ્વાસ ફરી એક વાર લેતા હોય એમ... ને વિશ્વ આખું મુઠ્ઠીમાં હોય એવા વિશ્વાસનો લેપ એમના ચહેરા ઉપર લાગી જાય જાતને થોડું સૂંઘી પણ લે– પેલી વિશ્વાસની સોડમ માણવા...ને લાગ હોય તો ઊંચે આકાશ સામું નજર કરી લે ને બબડતા જાય : ‘એ તો બધું સ્વાભાવિક છે ને? માણસને જાતમાં વિશ્વાસ આવે એટલે એની નજર આકાશ સુધી પહોંચે.’ કદાચ એમ કરતાં ક્યાંક ઉચ્છવાસ કે નિઃશ્વાસ મુકાઈ જાય તો કહેવાના, ‘ચિંતા નહિ, ઘણા બધા શ્વાસ લેવાનો વિશ્વાસ...’ ના, હસમુખલાલ કવિ ક્યારે ય નો’તા. પણ આવો શ્વાસ-વિશ્વાસનો પ્રાસ અનાયાસ મળી જાય. પહેલું પગથિયું છોડી હવે બીજું પગથિયું ઊતરતા હોય ત્યારે એમના ચહેરા ઉપરથી તમે તુર્ત જ કહી શકો કે એ ભલે નીચે ઊતરતા હોય પણ એમની સુખની ક્ષણોનો ગ્રાફ તો ઊંચો વધતો જવાનો...આ પગથિયે હસમુખલાલ કશીક બદ્ધતામાંથી મોક્ષ મળ્યાની લાગણીનો ક્ષણેક અનુભવ કરવાના. ચેર્યાસી લાખ ફેરા ફરતા માનવીને મોક્ષ મળવાનું એલાન થતું હશે ત્યારે આવી કોઈક બૅન્કના બીજા પગથિયે એ ઊભો હશે એમ એમને જોઈને લાગે. અને એકાઉન્ટન્ટ હસમુખલાલ વ્યાસ બૅન્કના દસેદસ પગથિયાં ઊતરી રહે ત્યારે સંપૂર્ણ મોક્ષ ને મુક્તિનો આનંદ, કવિતાનો પ્રાસ મળ્યાનો આનંદ, વિશ્વાસની સુગંધનો આનંદ, કૃતકૃત્યની ધન્યતાનો આનંદ, કેમ અવતર્યા--કેમ જીવી રહ્યા છીએ—ની જટાજાળમાંથી ફૂટતા જ્ઞાનનો આનંદ...ને એમ આનંદની ગઠરી બાંધી હસમુખલાલ બૅન્ક છોડતા. બૅન્કનાં પગથિયાં ઊતરતાં એમના વિચારોની આખી ભૂમિકા આધ્યાત્મિક રૂપ ધારણ કરી લેતી. ને એ ભૂમિકા ઉપર વધારે સમય સુધી ટકી રહેવા માટે હોય કે કેમ, પરન્તુ સાંજ પડે તુર્ત સીધા ઘરે આવી જવાનું એમને મન થતું નહિ. સરિતા-સ્વાતિ માટે કંઈક અમસ્તી ખરીદી કરવાની છે એ બહાને કે કબજીઆત, હરસમસાની વૈદ્યની દવા ચાલે છે એ બહાને કે હવે હજામત કરાવવાની થઈ ગઈ છે એવા કોઈને કોઈ ઓઠા હેઠળ બૅન્ક છૂટ્યા પછી ફરંદા જીવ બની જવામાં એ અનેરો આનંદ અનુભવતા. એવા કાંઈ ખાસ શ્રદ્ધાળુ રહ્યા નો’તા પણ ક્યારેક ભદ્રનાં માતાજીને મંદિરે પણ દર્શન કરી આવતા. ને અખંડ-આનંદ હોલ આગળ થઈ એલિસબ્રિજના સાંકડા ભીડિયા માર્ગ ઉપર કીડીવેગે ચાલી, અમદાવાદની સાંજ અનુભવતા. મિલના ધુમાડાનું જગત જોતા. હાથમાં દસ પૈસાના ચણા કે ખારી સીંગ કે સીઝન પ્રમાણે બોર જમરૂખ લઈ વિશ્વાસભેર ચાલતા. એક ચણો, એક સીંગ કે એકાદ બોરને મોંમાં મૂકતાં પહેલાં એક ગોળાકાર નજરથી આજુબાજુના માણસોને માપી લેતા. અસંખ્ય અપરિચિતોની ભીડમાં એ ચાલ્યા જતા. ઘણી વાર એવું લાગતું કે અમદાવાદના જ નહિ, વિશ્વભરના હસમુખલાલો સાથે કદમ મિલાવતા એ ચાલ્યા જાય છે. ને ઘણી વાર એવું પણ થતું કે ચાલતા હોવા છતાં હસમુખલાલને લાગતું કે એ તો ઓચિંતા ‘ટપ્પ’ દઈને અમુક મુદ્રામાં સ્થિર જ ઊભા છે ને પગે જાણે ગોળ ગરગડી મૂકી છે ને હસમુખલાલની તકતીવાળું એક પૂતળું ગરગડે છે—એ ખરેખર તો ઊભા નથી રહ્યા ને? એની ખાતરી કરવા અચાનક ઊભા રહી જતા, પેલું પૂતળું ગબડી પડતું ને એ પાછા ચાલવા લાગતા. કોઈ દિવસ એલિસબ્રિજના ખોળામાં બેઠેલા ભિખાભાઈ પાર્કમાં લીલોછમ એવો ખૂણો ખોળી ગોઠવાઈ જાય. અને આજુબાજુ કોઇ નથી એની પૂરતી ખાતરી થાય ત્યારે ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ જેવી એમની માનીતી રમત રમતા. શરૂઆત થતી : ‘આ જાણે કે ‘હું’... (વર્ષો પહેલાંનું ઉપનિષદનું, ગીતાનું ને અખંડ-આનંદ જેવાં સામયિકોમાંથી મેળવેલું આધ્યાત્મિક જ્ઞાન એમને ઉપયોગી નીવડતુ) ‘હું એટલે શું?’ ‘હું એટલે હસમુખલાલ તો નહીં જ... હું ને ‘હ’ ને હસમુખલાલનો ‘હ’ બંન્ને ભિન્ન... કબૂલ? હા, કબૂલ. અચ્છા... તો આ જાણે કે ‘હું’... (આવો, બેસો) ને તમે હસમુખલાલ, ત્યાં જ બેઠા રહો. ‘હવે કહો, તમારે કઈ વાતે ઉપાધિ છે? ‘જુઓ ભાઈ આ દેહાદિના વ્યાધિ, કબજીઆત, હરસ-મસો ને ડહાપણનો દાંત...ને આ શારદા... અઠ્ઠાવીસ વર્ષમાં મારી નસો ખેંચી કાઢવામાં એણે કંઈ બાકી રાખી નથી... ને આ નીતાના હોસ્ટેલનો ખરચ...ને આ...’ અકરાંતિયા બની હસમુખલાલ બોલ્યે જતા હોય ત્યારે અટ્ટહાસ્ય સંભળાય- ‘હું’નું : ‘ભૂલ્યા તારે—એ તમારાં દેહાદિનાં વળગણો— એ આધિ, વ્યાધિ ઉપાધિ મારાં નહિ. ‘હું’ કહું છું કે બસ, નચિંત રહો... બ્રહ્મ માની પરબ્રહ્મને...’ ‘હુવે બેસ ડાહ્યલું...અલ્યા આ આવ્યાઉં તારા નહિ? —તો તુ મને વળગેલો છે કે જુદો?? ‘જુદો રે ભાઈ, જુદો. ‘હું’ તારો આત્મા કહેવાઉં-સમજ્યો?’ ‘જો ભાઈ એમ છટકવાની વાત મને નહિ પોસાય. આ બધુ મને નહિ પચે. એમ ‘હું’ કહી છૂટો પડવા માંગતો હોય એવા આતમ રામનો આપણને શો ખપ?’ તો આ રોજનું લાગ્યું છે એમ સમજજો. ઊઠો...ને લગાવો તાળી.’ ‘લે તાળી’ કહી હસમુખલાલ અને એમનો ‘હું’ એકબીજાને ભેટી પડતા.

*

હસમુખલાલ તંદ્રામાંથી જાગતા ને બબડતા ‘સાલું કમાલનું દિવાસ્વપ્ન આવે છે... નર્યું આધ્યાત્મિક સ્તો.’ –ને ઊઠીને છેલ્લે ઠળિયો સાબરમતીમાં પધરાવી, ને પછી સમય હોય તો મા. જે. લાયબ્રેરીમાં આંટો લગાવી આવતા. લાયબ્રેરીમાં જઇ કોઈ એકાદું મેગેઝીન વાંચતાં વાંચતા કદીક બબડતા ને સાથે મનની વાવમાં ડૂબકી પણ લગાવી લેતા. આ દરેકને એમના ઘરની કંઈને કંઈ કંઈને કંઈ... ઉપાધિઓ વળગેલી હશે.’ એમ મન મનાવી લીધા પછી જીભ કાઢી વાંચતા કે આંખ નચાવી વાંચતા કે ભ્રમરો ખેંચીને વાંચતા ને એમની જેમ બબડી બબડી વાંચતા સહુ હસમુખલાલો ચોપડીમાં ઊંધે માથે લટકી પડેલાં ચામાચીડિયાં જેવા લાગતા ત્યારે એ ઊઠતા. ઊઠતાં ઊઠતાં ‘હૅલ્થ’ જેવું મૅગેઝીન ઊંચકતા, થોડાં પાનાં ફેરવતા, પણ મોટા ભરાવદાર મસલ્સ સાથેનાં રોમન શરીરો જોતાં, કબજીઆતથી પીડાતા એમના એકવડિયા દેહની એટલી બધી દયા આવતી કે બબડી પડતા, ‘તમારાં માંસ-મજ્જાને ગોળાકાર કર્યા કરો, બાપલા. એમ તો અમે ય એક જમાનામાં લંગોટી પહેરી કુસ્તી લઢતા હતા એ ભૂલશો નહિ’ કહી નાનપણમાં સૂરતના બાલાજી મંદિરના અખાડામાં કેવા દંડ બેઠક ને મગદળ ફેરવતા એ યાદ આવી જતું. ‘એન્કાઉન્ટર’ કે ‘પોએટ્રી’ ભૂલમાં ઊંચકી લેતા ને ‘આ તો પેલા ફિલોસૉફર કવિનાં મેગેઝીન’ કહી, એમના દૂધેશ્વરના નવા, યુવાન મિત્રના લાભાર્થે યથાવત્ ગોઠવી દેતા. ‘સેવિયેટ લેન્ડ’માં તંદુરસ્ત યુવતીઓના ચહેરાઓ સામે જોઈ નિઃશ્વાસ મૂકતા. એમની ત્રણ દીકરીઓ...યાદ આવી જતી ને હૃદયની એક નસ થોડી ખેંચાતી. ને જેમ તેમ પાનાં ફેરવી દઈ, જરા પછાડી ને મૂકી દેતા. અંતે તો ‘ચિકિત્સા’ કે ‘આયુર્વેદજ્ઞાનભંડાર’ જેવાં કોઈ દ્વૈમાસિક ઉપર માખ બણબણે એમ નજરથી એ બણબણતા. ને કબજીઆત કે હરસમસા માટે લખાયેલો લેખ પહેલા શબ્દથી છેલ્લા શબ્દ સુધી વાંચી જતા ને ઘરગથ્થુ ઉપાયમાં ટપકાવવા જેવું કશુંક એમની ડાયરીમાં ટપકાવી લેતા. રવિવાર સિવાયનો કોઈપણવાર હોઈ શકે ને સાંજ પડ્યે ‘હજામત થઈ છે?’ એવી લાગણી માત્ર થવી જોઈએ. બેએક કલાકનો એકધારો સમય એ ખોળી કાઢતા. સલૂન…કોઈ અમુક જ હોય એવો ખાસ નિયમ હવે રહ્યો નો’તો...જરા ભીડવાળી હોવી જોઇએ, પણ સાવ અમદાવાદી ને ગંદી હોય એ ના ચાલે. હજામત કરાવવા સલૂનમાં જતાં પહેલાં કોઈ એકાદ મિત્ર પાસેથી કે કોઈ ઓળખીતું કે સગુંવહાલું હોય એના ઘરેથી અડધો કપ ચા પી, ટાઈ જરા ઠીકઠાક કરી, રૂઆબભેર સલૂનમાં પહોંચવાનું. બે ત્રણ જણ વાટ જોતા બેઠા હોય, ભાતભાતની ઊંચી નીચી, લાંબી પહોળી કટ લેવાતી હોય, ફીણથી બેત્રણ દાઢી ઊભરાઈ ગઈ હોય એવી સલૂનમાં જરા રુ...આ...બ.. ભે...ર થોડા સમ ખાવા જેટલા વાળ ઉપર સમાલીને હાથ ફેરવી બેસતા. અહીં સલૂનમાં આવતાંવેંત એમની આગળ વીસથી ત્રીસનો મિસ્ટર હસમુખ બી. વ્યાસ હાજરાહજૂર થઈ જતો. કુસ્તી ને અખાડો ગોડી ચૂકેલો, છાનો-છાનો પરણી ચૂકેલો, રતૂમડો-ગોરો ને સાહેબ, છાતી કાઢીને દમામથી ફરતો ફાંફડો-ફિતુરી ! નવું સિવડાવેલું પૅન્ટ ને સફેદ બગલા જેવું ખમીસ, બાંયો વાળેલી ને સુરતના હોપબ્રિજ તરફ પગલાં માંડતો. શું ખુમારી હતી એ જમાનામાં–વાતેવાતે એ શબ્દોને લડાવતો ને રમાડતો ને સૂરતી ‘જોક’ એવી કરતો કે મિત્રો બધા ખી.. ખી... ખૂ... ખૂ... હી.. હી.. હા.. હા..થી તાપીના નીરને વહેવડાવી દેતા. પેલો બૂચિયો જરીવાલો, ને પટિયાં પાડીને આવતો બંગડીવાળો ને વેદિયો વિબુધ ને આંખ મીંચકાર્યા કરતો બાસ્તાવાળો ને મેલી-ભૂરી તાપીના કિનારે નાગરણોની છોકરીઓ તો બસ, સૂરતી જ…રોમેન્ટીક વાતો ચાલતી. લટ ઉછાળી હસમુખ પેલી વિભૂતિની વાતો કરતો ત્યારે સાંભળનાર પાણી-પાણી થઈ જતા…ને એકવાર પોંક ખાવા ગઈલા ત્યારે પેલા મજમૂદારની તો જે રેવડી દાણદાણ કરેલી... હસમુખલાલે ફિલ્મફેર ઉઘાડતાં એક નિઃશ્વાસ લીધો...વિભૂતિ...… ટૂંકું ફ્રોક પહેરીને કૉલેજમાં આવતી ને ચાલતી ત્યારે જાણે ક્લીઓપેટ્રા... ( ચાલજો સાહેબ, તમારો વારો, બેસી જાઓ !) હસમુખલાલ ગોળ ફરતી ખુરશીમાં ગોઠવાઈ જતા. સામેના અરીસામાં તો નહિ, એના પાછળના અરીસાના હસમુખ બી. વ્યાસ એમને ‘સલામ’ કરી આંખ મીંચકારતો... કૉલેજના વિશાળ એવા કૉમન-હૉલના સ્ટેજ ઉપર પારસીબાવા તરીકે એમણે અભિનય કરેલો ને પારસી બોલી તો જીહ્વાના ટેરવા ઉપરથી જે દડદડ કરતી રેલાઈ જાય... ‘આંય એ પોટ્ટી સામે ટગર ટગર શું જોયાં કરો ચ્...’ થી શરૂઆત કરી એ એવા તો રંગમાં ચગેલા કે... સલૂનમાં બેઠાંબેઠાં એમના કાનમાં તાળીઓના ગડગડાટ સંભળાવા લાગ્યા. (એ તો સાલી જિંદગી હતી જિંદગી...) હસમુખલાલ બબડતા ને અમદાવાદી હજામ એ ‘હુરતી ઓહવાનું હમજ્યા’ વગર એમની સાથે હસતા ને એમની ટાલ ઉપરના વાળ છોડી, બીડી ફુંકવા લાગતો. હસમુખલાલ આંખો ઉઘાડી બીજા હસમુખલાલ, મી. ઓગણપચાસને અરીસામાં જોતા, ને ત્યારે કોઈ કાગડો એમની ટાલમાં ચાંચ માર્યા કરતો હોય એવી વિચારવ્યથા અનુભવતા. બીડી પિવાઈ જતી, આંખ ફરી મીંચાતી, કાગડો ઊડી જતો ને ફરીથી... ‘હલ્લો, હસમુખ...’ થી સૂરત આખું વાગોળતા. અંબાજી રોડની પેલી પોટ્ટી હસમુખ તરફ રોજ સાંજે આંખ મીંચકારતી. હસમુખ મૂઓ શરમાળ હતો. બાકી એ જમાનામાં કેવી કેવી પોટ્ટીઓ હતી…ને એક વખત... કૉલેજનું સ્નેહસંમેલન પતી ગયું પછી ‘બાવાજી’ને મળવા એ જ પોટ્ટી આવી. સીતા ભટ્ટ કહે : ‘કોન્ગ્રેચ્યુ... હસમુખ વ્યાસ પાણી-પાણી. પણ તાપીનું પાણી બરોબર પીધેલું નહિ કે શું....ઘડીભરમાં સાલા વિવાહ હો ગયા... ને ક્યારે ઉનાળો આવ્યો ને વેકેશન પડ્યું ને પરણી બેઠા. છૂપાછૂપા. નામ બોલ્યા : વહાલી શારદા. છૂપુંછૂપું. ને કાગળો લખ્યા: ‘વહાલી શારદા’. છૂપાછૂપા... એ પછી ય સીતા ભટ્ટ તો મલક્યા કરતી, પણ પછી દોસ્ત તમે જ મ્યાઉં થઈ ગયા—

*

ચહેરા ઉપર ઠંડા પાણીનો ઝરો રેડાતો ને મિસ્ટર હસમુખ વ્યાસ ઘડીભરમાં કબજીઆતે-જાલીમ-યુનિયન બૅન્ક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટન્ટ રાજમાન્ રાજર્ષિ હસમુખલાલ બી. વ્યાસ બની જતા. તો બીડી ફૂંકતા ફૂંકતા સ્વાતિનો કંપાસબોક્સ ને સરિતાનો એટલાસ લઈ ઘરે આવી જતા. કોઈક એવો જ અઠવાડિયાનો બીજો દિવસ...સોમ–મંગળ કે બુધ...શુક્ર...બધા સરખા ને એકઘાટીલા હતા. બીજી કોઈ સાંજ... ધૂમાડિયા...ભીડભરેલી...મેલી. થોડી ઉદાસી ભરેલી, માથું ખંજવાળવા જેવી...ને સાત થઈ ગયા હોય તો ભદ્રના માતાજીને બહારથી કાળી ટોપી ઉતારી, માથું નીચું નમાવી એ એડવાન્સ થિએટર આગળ આવતા ને સામેની એક ઈરાની બેકરી-કમ-રેસ્ટોરાં તરફ ફંટાતા. ને કશુંક સૂંઘતા, હોટેલમાં મૂકેલી અનંત યુગોજૂની, અતીતના લાકડામાંથી બનાવેલી એકાદ ખુરશીમાં બેસતા. અહીં આવવાનું હસમુખલાલ માટે એક ખાસ આકર્ષણ રહેતું. અહીં આવતા લગભગ બધા જ ‘ચ્હાવડિયાઓ’ ને ‘કેકિયાઓ’, કલાકો સુધી એકલા બેસતા ને બસ, બબડતા...બધા જ...સૌ સૌના તાને–મશગૂલ જેવી એક ‘સિમ્ફનની’ની હવા આ હોટેલમાં હંમેશાં પ્રસરેલી રહેતી. એકવાર હસમુખલાલે એમના પેલા જુવાન મિત્રને ક્યારેક વાતવાતમાં આ ઈરાનિયન હોટેલની વાત કરેલી ત્યારે એ પણ આ હોટલથી પરિચિત નીકળ્યો હતો. ને એણે આ હોટેલનું નામ પાડ્યું હતું: દોસ્તોએસ્કી રેસ્તુરાં’. ને એ ઉશ્કેરાટમાં આવીને હસમુખલાલને કહેતો : ‘તમે દોસ્તોએસ્કી વાંચ્યો છે, સાહેબ? અમદાવાદમાં દોસ્તોએસ્કી ફરતો હોય તો ફરતો-ફરતો આ હોટેલમાં આવી બેસે. ને અહીં આવી શું કરે, ખબર છે, સાહેબ? એનાં એકએક પાત્રને સદેહે જોઈને એ નાચી ઊઠે...’ ‘પણ દોસ્ત, એ હોટેલમાં તો હું પણ જઈને બેસું છું.’ ‘તો તમને જોઈને એને કોઈ બીજું પાત્ર ચાકડે ચઢાવવાનું મન થઈ જાય ને સાહેબ, તમે અમર થઈ જાઓ—’ હસમુખલાલ પોરસાતા ને મિત્રની એ વાતો યાદ કરતા ઈરાની—રેસ્તુરાંમાં બેસી અડધો પાંઉ— માખણ વગરનો—કે બે-ચાર બટર-બિસ્કીટ ને ચા મંગાવતા ને આજુબાજુના બબડાટમાં એમને સૂર પૂરાવતાઃ ‘મારાં કબજીઆત ને હરસમસા મુંબઈએ મને આપ્યાં... કાંદીવલી ટૂ ચર્ચગેટ ને ચર્ચગેટ ટૂ કાંદીવલી... મારો આખો એક દાયકો એમાં ઘસડાઈ ગયો... સાળુ કૂતરાની જેમ જીવ્યો... જરા વહેલી મતિ સૂઝી હોત ને અમદાવાદ આવી ગયો હોત તો આ શારીરિક લ્હાયમાંથી છૂટી શક્યો હોત... આંતરડાં ઊંચકીને ટ્રેઈનમાં બેસી બૅન્કમાં જઈ ગંધાતી ટાઈ સાથે પાછા ફરવાનું--એ દસકામાં બધું બેલેન્સ ડૉકટરની શીશીમાં સમાવી દીધું ને સ્વભાવ ચીઢિયો થઇ ગયો એ નફામાં. રે ભોદાભાઈ, રે લાલજી, થોડા વહેલા અમદાવાદ આવી ગયા હોત તો અત્યારે ક્યારનાય ‘હસમુખભવન’ કે ‘શારદાકુંજ’ માં હોત. બીડી ટેસથી ચૂસતા હસમુખલાલ કલાકેક બેસતા. ને આ તો એક ન સમજાય એવો ધારે થઈ ગયો હતો કે સલૂનમાં સુરત યાદ આવે અને મુંબઈને યાદ કરું-યાદ કરું થાય, ત્યારે એમનાં પગલાં અનાયાસ આ ઈરાની-રેસ્તુરાં તરફ વળતાં ને અહીં બેસી ઘણું બધું બીડીના સ્વાદે વાગોળવા જેવું વાગોળ્યા કરતા. કોઈક શુભ દિને સવારના ચા પીતાં છાપાની ‘રોજનીશી’ હાથ ચઢી ગઈ હોય ને એકાદું વ્યાખ્યાન, પછી એ સાહિત્યનું હોય કે રાજકારણનું હોય કે વૈદ્યકીય સંમેલન હોય કે આધ્યાત્મિક હોય કે ચિત્ર પ્રદર્શન હોય, એ ડાયરીમાં નોંધી લેતાં. ને સાંજ પડે યાદ રાખી, બરોબર સમયસર પહોંચી જતા. એકવાર આ રીતે ‘કૉસમૉસ’ નામના ગ્રુપમાં બેસી ગયેલા. પ્રેક્ષકો બધા બુદ્ધિથી ચમકતા હતા ને આવા પ્રેક્ષકો આગળ વ્યાખ્યાન આપનાર વિદ્વાનનું તો કહેવું જ શું? આવી સભામાં સુંદર અંગ્રેજી સુંદર રીતે રજૂ થતું સાંભળતા ને એની વાત હોંશે હોંશે પ્રા. વિદ્યુતકુમારને રાતની બેઠકમાં કરતા. એકાદ યાદ રહી ગયેલું આખું વાક્ય પણ અંગ્રેજીમાં કહેતાઃ જેમકે ‘યુ સી સર, ઇન ધીસ એન્લાઈટન્ડ એઈજ, આઈ એમ બોલ્ડ ઈનફ ટુ કન્ફેસ...ધેટ...વી આર જનરલી મૅન ઓવ અનટૉટ ફીલીંગ્સ...’ને વિદ્યુતકુમારને પૂછતા, ‘આ અનટૉટ ફિલીંગ્સ’ શું? ને વાત જામતી- અથવા... ‘ઑલ ધી ઈન્સીડૅન્ટસ’, ઑલ ધી પાર્ટ્સ લુક લાઇક ચૅન્સ, વ્હાઈલ્સ્ટ વી ફીલ એન્ડ આર સેન્સીબલ ધેટ ધ હોલ ઇઝ ડીઝાઈન’ ને “ઑલ ધી ઇન્સીડન્ટસ” “ઑલ ધી પાટર્સ” બબડતા હસમુખલાલ ઘરે આવી ભાખરી, કોળાનું શાક ને પાપડ ખાતા હોય ત્યારે ચંચળબા કહી બેસતાં, “હસમુખ, આ જમતી વખતે શું માંડ્યું છે...લગીર ભગવાનનું નામ...

*

એક વાર આમ જ ફરતા ફરતા હસમુખલાલ કાંકરીએ જઈ ચઢેલા. ઋતુ હતી સૂકાં ચણીબોરની ને ગજવામાં ઢગલો ચણીબોર નાંખી કાંકરીઆની પાળે એ બેઠા હતા. થોડા સમય પછી એક કૉલેજીઅન યુગલ એમની પાછળ, થોડે જ દૂર બેઠું. એમણે હસમુખલાલના અસ્તિત્વની છે જ નહીં લીધી હોય. એટલે સંભળાય એટલા મોટા ને એટલા ધીમા અવાજથી વાત ચાલતી હતી. ચણીબારનો મીઠો ઠળિયો મોંમાં જ મમળાવતાં હસમુખલાલને કાને શબ્દો ઝિલાયા હતા. ઠળિયો વાગોળાતાં અટકી ગયો હતો—ડાબા ગલોફામાં–ને... ‘નીલાંબરી, એક વાત કહું?’ લાડ લડાવતો એક અવાજ આવ્યો. થોડીક વાર ચૂપકીદી છવાઈ. હસમુખલાલને પાછળ જોવાનું મન થયું, પણ રોકી રાખ્યું. ‘હું જાણું છું. તું શું કહેવાનો છે?’ ‘શું? કહે, જોઈએ? ‘હું શું કરવા કહું? તું કહેને…’ ‘તું મને બહુ જ ગમે છે...’ ‘ઓહ, કેટલી વાર તેં આ શબ્દો કહ્યા?’ ‘કેમ...નથી ગમતી આ વાત?’ ‘ન શું કરવા ગમે?’ ‘તો?’ ‘એ સિવાય બીજી કંઈ વાત કરને...’ ‘તું... તારા સિવાય હું નહિ જીવી શકું...’ ‘શકુન્ત, તું આવું ના બોલીશ. હું બ્રાહ્મણ છું, ને તું…’ ‘હું પટેલ છું એ જ મારો વાંક ગુનો?’ ‘ચલ જવા દે આ વાત...’ ‘નીલા...’ ‘હં...’ ‘હું તારા સિવાય નહીં જીવી શકું.’ ‘ફરી પાછી એ જ વાત?’ ‘મને તારા સિવાય બીજું કંઈ સૂઝતું નથી...બસ રાત-દિવસ નીલા-નીલા...’ ‘ઓહ શકુન્ત...’ હસમુખલાલ કંટાળી ગયા. ઠળિયામાંથી મધુરતા ચૂસાઈ ગઈ હતી. એ ઊભા થઈ ગયા. ને બબડ્યા, ‘હું તારા સિવાય નહિ જી...વી શકુ’ -તો પડ સાલા કાંકરિયામાં-પણ બીજી જ પળે એમને નીતા યાદ આવી. ધારો કે...ધારો કે... ‘નીલા’ નહિ. પણ ‘નીતા’ અહીં આવીને આમ બેઠી હોય ને... અશક્ય. એની ઉંમર થઈ છે, ને આ ઉનાળામાં એનાં લગ્ન લેવાઈ જાય...પણ એ તો નોકરી કરી બાપને મદદ કરવાના ઉમંગમાં છે...પણ ધારો કે...ના, એ અશક્ય. ‘શું આ ‘અશક્ય’ ‘અશક્ય’ બબડો છે?’ ‘કશું નહિ. ચટણી લાવ.’ છેલ્લો ઓડકાર લઈ, જૂની બંડી પહેરી, મફલર ને બાવાટોપી લઈ રોજ કરતાં નવા સ્વરૂપે હસમુખલાલ ઘરમાંથી બહાર આવ્યા. શનિવારની સાંજ પડે એટલે એમની પ્રિય ભૂમિ દૂધેશ્વર તરફ એમનાં પગલાં મંડાતાં. સોસાયટીમાંથી બહાર નીકળ્યા ને એમને લાકડી ને બેટરી લેવાનું યાદ આવ્યું એટલે એ પાછા આવ્યા ને પાછા ઝડપથી બહાર નીકળી પડ્યા. સોમની સવારથી તો છેક શનિવારની સાંજ સુધી અનેક નિત્ય-નિયત ક્રિયાકર્મ ને ફરજો બજાવતાં એમણે ‘સંસ્કાર’ ને ‘સંસ્કારિતા’ વિષે વિચારો કર્યે રાખ્યા હતા. જાન્યુઆરીનું ત્રીજું અઠવાડિયું પસાર થઈ ચૂક્યું હતું. દરમ્યાન, વ્યાધિમાં એકને ઉમેરો થયો હતો; ડાબી બાજુના પેઢામાં એક દાંત ઢીલો પડી ગયો હતો. દાંતના ચોકઠામાં ને એની પીડામાં થોડો સમય જડાઈ ગયો. સંસ્કારી માનવીને ન શોભે એવો કબજીઆતનો રોગ તો છેલ્લાં પંદર વર્ષથી એમનાં આંતરડામાં ઠરીઠામ થઈ ગયો હતો. કબજીઆતને દૂર કરવાના અખતરા રૂપે જાજરૂ જતાં શરૂ કરેલી બીડીઓ એમના નિત્યક્રમમાં વણાઈ ગઈ હતી. આ ટેવ પણ સંસ્કારિતાનું નખ્ખોદ વાળે એવી હતી, એ મનોમન એમણે કબૂલ કર્યું. આ બધી શારીરિક વ્યાધિનું આક્રમણ શરીરનો ગઢ ઝીલી શકે એવી તૈયારીમાં ગૂંથાયા હતા ત્યાં જ એક દિવસ વૈદ્ય ને ડૉક્ટરે મળીને જાહેર કરી દીધું કે એમને હરસમસા છે ને એનું ઑપરેશન કરાવવું સલાહજનક છે. પરંતુ વૈદ્ય ડૉક્ટરને ને પોતાની જાતને સમજાવી ફોસલાવી પાંચ વર્ષ સુધી આ ઑપરેશન કર્યા સિવાય જ જીવી જવાનું હોય તો સારું... મનને એ આ રીતે મનાવી લેતા. ઉસ્માનપુરાનું રેલવે ક્રોસિંગ ઓળંગતાં અમદાવાદમાં પ્લીન્થ સુધી આવેલાં અનેક મકાનો એમની નજર આગળથી પસાર થઈ ગયાં. બબડતા ને હાંફતા એ ઉસ્માનપુરાના બસસ્ટેન્ડ સુધી આવી પહોંચ્યા ને એમણે ખોળી કાઢેલી કેડીએ જરા ઝડપભેર સાબરમતીના પટ ઉપર આવી પહોંચ્યા ને દૂધેશ્વરને રસ્તે પગલાં માંડ્યાં. સૌથી પહેલી વાર, કોઇની પણ નનામી ઊંચક્યા વગર એ ફરતા ફરતા અહીં આવી પહોંચ્યા હતા. ને કલાકેક બેઠા હતા. એ વખતે મૃત્યુના બિહામણા ઓળા ને આજુબાજુનું વાતાવરણ એમને સહેજ ભડકાવી ગયું હતું, પણ એ સાથે જ એક ન સમજાય એવી શાતાનો અનુભવ એમને અહીં ખેંચી લાવવા માંડ્યો. હવે આ ભૂમિ ઉપર બેસી, મૃત્યુના કેન્દ્રમાં વિકસી રહેલા ને એ કેન્દ્ર તરફ ધસતા જીવનનો, એમના સંસારનો વિચાર કરતા... શાંતિ-શાંતિ-શાંતિ પરમ શાંતિ... જેવો બબડાટ કરી સુકાયેલી, ક્ષીણ સાબરમતીના પાતળા વહેણથી થોડે દૂર બેઠા. કોઇની ચેહના ભડકા અત્યારે ઊડતાં ન હતા. દૂર નાનકડા લાકડાના પુલ ઉપરથી મિલ-મજૂરો ને પારકાનાં ઘરની દીવાલો ને ધાબાં ચણતી મજૂરિયાત સ્ત્રીઓનાં ટોળાં ને ડચકારો બોલાવી ગધેડાં હાંકતાં ને રેતી ઉલેચતા મારવાડી વણઝારાઓ પસાર થતા હતા. ‘જોયું આ... મૃત્યુની પડખે પડખે જીવનની આ કેવી વણઝાર ચાલી જાય છે. મૃત્યુનો ઉપહાસ એ જ તો જીવન, સાહેબ !’ પેલા જુવાન ફિલસૂફમિત્રે એકવાર એમને કહ્યું હતું. સાળો એવી તો કમાલની વાતો કરે છે... આટલી જુવાનીમાં ય મોતની વાત કરતાં ડરતો નથી.’ રીતસર પલાંઠી વાળી હસમુખલાલ બેસી ગયા. ને હંમેશની ટેવ પ્રમાણે ડાબા હાથની હથેળીમાં રેતીનો મૂઠો ભરી, ખાલી કરે...મૂઠો ભરે, ખાલી કરે..ને અનેક ગૂંચળામાં ફરતું મન ધીરે ધીરે શાંત થઈ જતું. વળી એકાદ વિચાર ધક્કો લાગતો ને બે હાથે રેતીના બાચકા... મિલના ધુમાડાઓથી મલિન થઈ ગયેલું આકાશ ધીરે ધીરે સ્વચ્છ થતું જતું હતું. જાન્યુઆરીની શીતળતા એક બિહામણો આકાર ધારણ કરતી, માથું ધુણાવી ઘૂમ્યા કરતી. હસમુખલાલે માથા ઉપર બાવાટોપી પહેરી લીધી, ને ઘડીક આંખો મીંચી દીધી. બીડી ચેતવવા એમણે દીવાસળી સળગાવી ને એમને પૂડછાયો દોડી આવ્યો. આ પડછાયાનું રૂપ વાણીનું ને એમાંથી પ્રગટતા ધ્વનિનું હતું. હસમુખલાલની રોજિંદી એકોક્તિના પડઘા આ પડછાયો પાડતો. આ પડઘા સાંભળી ‘સંસ્કારી’ બનવા મથતો એમનો જીવ ડાબા હાથની હથેળીમાં ભરેલી રેતીના કણમાં છૂપાઈ ગયો; સ્વાતિ...ઈ...ઈ. એની મા જેવી થવા માંડી છે કે શું? સાવ બહેરકુડી... એ... ઈ... સ્વાતિ... અલ્યા, હું મારી છોકરીને બોલાવું છું ને તમે શાનાં આમ હાંફળાં ફાંફળાં થઈ ને આવી પહોંચો છો? એને એમ કેતો’તો કે તપેલીમાં પેલું મીઠાનું પાણી ગરમ થઈ ગયું હોય તો લાય. હો...વે લ્હાય લાગી છે તેથી સ્તો. આ જડબામાં લ્હાય લાગી છે. આ પેટું આખું તૂટી પડે છે. રહી રહીને સાલો આ ઉમ્મરે કાં તો ડહાપણનો દાંત ઊગ્યો કે ડહાપણના દાંતનું તદ્દન ચસકી... હું ઘાંટા પાડીને બોલું છું તો કાઈ તારે અવાજ ઓછો...અરે, જવા દે ને હવે. અમારો અવાજ તમારા જેવો ઘોઘરો નથી, સમજી ને? સત્તર વખત કહ્યું કે મારે આ દાંત ચસ્ક્યો હોય ત્યારે આવી ટેં ટેં ટેં ટેં નહિ કરવી... આવ-બેટા શું લાવી? આ બે દીકરીઓ...એ તો મારા બેટ્ટા છે ...મારી લાગણી સમજે છે. શું ઉઉઉ...હા...વરંડામાં મૂક. બેટા...હું કોગળા કરી લઈશ...હું કોગળા કરી લઉં ને..એ એ...પછી તને અંગ્રેજી શીખવીશ...હું……હોઉમ્…ગણિત હઉ—બધ્ધું...ભાગાકાર ને ગુણકાર...ના, બેટા એ લઘુતમ દૃઢભાજક મને નથી આવડતા. એ તો તારા જોષીમાસ્તરને પૂછજે...બસ, એટલું જવા દે... હા...આ...ક...થૂ...ક્ મારી સસરીને વૈદ્યને ગાંઠે એવો લાગતો નથી. હા...આ...ક દુશ્મનને ય આ દાંતનું દુઃખ ના થજો... ...થૂક્ હોવે કોગળા કરી રહ્યા... તો ચાને ઢરહોડોને હીંચકા ઉપર. એમાં આટલી રાડરાડ શી કરવાની છે? હું એમ પૂછું છું કે એમાં...ચાર ગામે જાણી લીધું કે આપણે ત્યાં ચા થયો. ઢરહોડો. મારી જીભ કરવત જેવી છે તો તમારી ક્યાં કુહાડા જેવી નથી...ઈ? ઓ બાપલિયા...આટલા આ દાંતના ત્રાસમાંથી છોડાય. હજાર ઉપાધિમાં આને હું કેટલો પંપાળી રાખું? શ... ઈ.. ડ.. કુ... ક્ શ... ઈ.. ડ.. કુ... ક્ બેટા, હુ તારો બાપ, તારો ‘પપ્પો કહેવાઉં ને...... મારા ચા પીવાના... શ... ઈ.. ડ.. કુ... ક્ કરીને ચાળા ના પાડીએ. બાજુમાં પેલા કાકા આયા છે ને તે કહેશે કે સ્વાતિબેટો એના બાપના ચાળા પાડે છે... એ…મ? તું કાકાને…બહુ સારા છે એમ? અને કાકી....ધીરેથી બોલીએ...ને કાકી...એમ કે! વાહ રે મારે સ્વાતિબેટ્ટો, શકરપારો આપ્યો? બહુ ના ખઈ એ હં…. માંદા પડીએ...બા શકરપારા નથી બનાવતી તે હવે બનાવશે...કાકીનું જોઈને બધું ય બનાવશે...હં... (મારો ય શકરાપારો કરશે...) ના-ના-બેટા, તને નહિ...એ તો અમસ્તું... હં…એમને શું કહેવાનું તે વિદ્યુતકાકા. વિદ્યુત એટલે... એ તો નામ છે, બેટા, ના-હમણાં નહિ. હું આ છાપું વાંચી લઉં ને? શ... ઈ.. ડ.. કુ... ક્ આ પ્યાલો અંદર મૂકી આવ ને હવે તું તારું લેસન...અરે, આવે છે રસોડામાંથી આવી બૂમાબૂમ કેમ કરો છો? જા, બેટા તારી મા બોલાવે છે. આ હીંચકે ઘડીક ઠરીઠામ બેઠા ને હાથમાં છાપું લીધું કે રસોડામાંથી મિલના ભૂંગળાની જેમ એનો ઘોઘરો અવાજ ચારે બાજુએ ફેલાઈ જવાનો આ સંસારીઓ ક્યારેક પોતડી હાથમાં લઈને મા’ત્મા બનવા કેદારનાથ કે હિમાલય ચાલ્યા જતા હશે એ અમથા નહિ. શાંતિ-શાંતિ-શાંતિ...કશુંય નહિ. ઘડીક જીવ હેઠો તો બેસે... શાંતિ તો મળે. આ તો ઊઠ્યા ત્યારની લ્હાય-લ્હાય-લ્હાય તો છેક સૂતાં સુધી. સૂતાં ય જંપ નહિ. અઠવાડિયામાં એકાદ ટંકનો સંયમ ગયો તો પેટમાં લ્હાય લાગે. પેટની લા’ય ના હોય તે દા’ડે મનમાં લા’ય જેવું લાગે ક્યારેક પેટની ને મનની બધી લા’ય ભેગી થાય. પેલે દિવસે કશાક સાહિત્ય સમારોહમાં ચાલ્યો ગયેલો. પણ સાંભળેલાં બે ચાર વાક્યો ડહાપણના ભંડાર જેવાં હતાં.. એ ભારેખમ શબ્દોની વાત મનમાં ઊંડે ખૂંપી જાય એવી હતી; ‘આ યુગ જ અજંપાનો યુગ છે.’ મારી બબડવાની રંગતમાં છાપું બગાસું ખાતું થઈ ગયું-દાંત લગીર જંપ્યો ખરો.

*

લ્યો, છે કશુંય વાંચવાનું આ છાપામાં? આ એની એ જ... એની એ જ વાતો; દુનિયામાં બખડજંતર ચાલ્યા જ કરવાનું. રશિયા ડાહ્યુંડમરું થયું તો અમેરિકા સળવળવાનું... છાપાંવાળા તો ઘરમાં અમેરિકા ને રશિયાને લઢાવી મારે છે... આ પરમ દિવસે જયંતિભાઈ કોઈની સાથે ટપાટપીમાં પડી ગયેલા. પેલા કે’કે રશિયા સૌથી બળવાન.... ચન્દ્ર ઉપર પહોંચ્યું સમજો... ને આવો આ મંડેલો કે અમેરિકા... બન્નેની ચા ઠંડી પડી ગઈ. આપણે તો ગરમાગરમ હતી ત્યારે જ ગટગટાવી ગયેલા. ને બધી ચર્ચાને અંત આવ્યો ત્યારે મેં જયંતીભાઈ ને ધીરેથી કહ્યું કે ભલાભાઇ, આ અમેરિકાનું આટલું બધું તાણવાનું છોડી દઈને આ અમારાં ભાભી ફિક્કાં પડતાં જાય છે તો જરા લોહી આવે એવું કરો...ને મારે બેટો મારી ઉપર ગરમ થઈ ગયો—કહેઃ ધૂળ લોહી આવે. મેથીઆં-મઠીઆમાંથી ઊંચી આવે ત્યારે ને? અમેરિકાની સ્ત્રીઓ ને ગૃહિણીઓ... એના પિતામહનું તોરડું ! સાળાને સાચી સલાહ આપી કે... એટલે ટૂંકમાં આ છાપાનું કામ જ એવું. ઘરમાં ઘૂસી જાય તો પતિને ઝૂંટવી લે, પુરુષની સવાર ભરખી જાય ને એની દાઢી વધી જાય... આ સ્વાતિ...ઈ...બેટા, તારી માને હજામતનું પાણી ગરમ કરવાનું કહેજે ને. બીજીવાર ‘ક્લીઅરન્સ’ માટે જઈ આવવું પડશે, એમ લાગે છે. પેટમાં ગુડગુડી...ગુડગુડી...ને ભડભડ ચાલ્યા જ કરે છે. નાલાયક મફત પાણીપુરી ઝપટાવવા છેક માણેકચોક સુધી ખેંચી જાય છે. ને આવી આંને હું તહીં બેસી રહું છું એની જ ચીઢ ચડે છે. ‘અડધો કલાક બીડી ફૂંકતા મહીં બેસી રહે છો તો શું મંત્ર ભણો છે?’ ‘હોવ્વે... મંત્ર ભણીએ છીએ-પેટના મંત્ર.’ ‘મારા નસીબને કબજીઆત લાગુ પડી છે તે સુખે મરવા નહિ દે ને તું સુખે જીવવા નહીં દઉં—’ હજામતનું પાણી ઠંડું પડી ગયું એમાં આટઆટલી બૂમરાણ શાની મચાવે છે? હા...આ આ…તહીં બેઠાં ધ્યાન ધર્યું ને પચ્ચીસ બીડીઓ પીધી. બોલ, તારે કંઈ કહેવું છે હવે? તું તારું રસોડું સંભાળ ને જો, આ ટાઇમ માપી લે. નવ ઉપર પાંચ થઈ. અડધા કલાકમાં થાળી જોઈશે. રસોઈ મોડી થયાનું મારો મેનેજર સાંભળવાનો નથી. આ એકાઉન્ટંટ બન્યા ત્યારના તો—ઝટિયાં ખેંચાઈ ગયાં- હા-મૂક-બેટા-મૂક હજામત કરવાની મારી પીંછી ભૂલી ગઈ? જે તંઈ..ઈ પડી છે એ તો પીંછી જ કહેવાય, બેટા... ફીણથી મોઢું રંગવાનું ને પછી ચોખ્ખું કરવાનું... હું દાઢી કરતાં બબડું છું એમાં તારા બાપનું... અલ્યા...ભૂલ્યા....સ્વાતિ.. સાંભળી લે...જો, તારી માના આગળથી સાણસી, તબેથો, તપેલીઓ દૂર કરી નાંખ. નહિ તો આવી બનશે. નહિ લઈએ...હવે આ કાનની બૂટ પકડી... તમારા પિતાશ્રીને યાદ નહિ કરીએ. કહું છું: ભૂલ થઈ ગઈ. એ ભૂલ જ એવી છે કે હજાર વખત થાય છે, પણ હવે નહિ થાય—વાસણ પછાડવાનું રહેવા દે... સવારના પો’રમાં હા નામ લેવાઈ ગયું બાપાનું...પણ તું કકળાટ ના કરીશ. આ સારા સંસ્કાર નથી પડતા, હં...અ. આના કકળાટમાં આઠ વાગી ગયા. સરિતા…..પેલે ફટકડીનો ગાંગડો લાવ જોઈએ, આ જે, તારી માને કહે કે બાપાને લોહી નીકળ્યું. એમ કહેતાં ય કંઈ કકળાટ ઓછો કરે છે... જા... કહે...કે... કહું છું. ભૈ’સાબ હવે બસ કરને–મેં કહ્યું ને કે હવે જીભનો એવો લોચો નહિ વળે. હું શું કે’તો’તો. જે આ રવિવારે પૂનમને જોગ આવે છે. તું કહેતી હોય તો ડાકોર જઈ આવીએ. ના-ચોક્કસ જઈશું. વાયદા નહિ. આ તારી સરિતાના સોગન, બસ. (હવે છાંનાં રહ્યાં, ડાકોરનું નામ આવ્યું એટલે સઢનાં સુકાન બદલાયાં.) અલ્યા જુવાનિયાઓ, નોંધી રાખજો આ વાત. તમારી બૈરીના બાપનું એક વખત ભૂલમાં નામ લેશો તો મારી જેમ રૂપિયા વીસની ઊઠશે. આ એની ડાકોરની ટ્રીપ પાકી થઈ, હોવે...દાઢી થઈ ગઈ. પાણી કાઢ્યું બાથરૂમમાં? સરિતા—પેલી પોતડી લાય, બેટા... તપોવનાદિ ગમન, હત્વા...આ મૃગં... અં કાગ્યનમ્ પ્રશ્ચાત્ રામેણ કુમ્ભકર્ણ હનંન...અં એતદ્દભિ... સ્નાનાદિથી પરવાર્યો છું...એ...ય પીરસજો.

*

હસમુખલાલ બેઠા હતા ત્યાંથી ઊભા થઈ ગયા. પચ્ચીસ વર્ષ શારદા સાથે જીવતાં એમણે આ વાણીનું નિર્માણ કર્યું હતું. ને એનો આઘાત એમને કેમ લાગતો નથી એનું આશ્ચર્ય એ અનુભવી રહ્યા. એમને લાગ્યું કે આવી વાણી બોલનાર એ તો નહોતા જ. નર્યું નાટક...ઘણી બધી કડવાશ, થોડો ઉપહાસ...જે જીભના ટેરવે એ સ્વાદના લોલુપ પુરવાર થઈ ગયા હતા એ જ ટેરવું ‘એમને– સાચા હસમુખલાલને વ્યક્ત કરતું હતું. પણ અહીં આવ્યા પછી એ આ વાત માનવા તૈયાર નો’તા. પણ કાલનો રવિવાર જશે ને સોમની સવાર ઊગશે તે શનિવારની સવાર સુધી એ કબૂલ કરતા રહેશે કે, ‘આ, તો હું જ... કડવો–બળેલો…દાઝેલો…ફૂંકી મારતો...વેવલો, ઉતાવળિયો...ઝાંઝી’ પણ શનિવારની સાંજે અહીં આવતાં વાર એ એમની આ મૂર્તિને પડકારશે મૃત્યુના ઓળામાં બેઠાં બેઠાં... હસમુખલાલ બેસી ગયા–પલાંઠી વાળીને ને આટલા સ્થિર, આટલા સ્વસ્થ એ બીજે ક્યાંય બેસતા નથી. બાકી તો, પૂછડે સંસારના ગાભા વીંટી, જાતે સળગાવી ને એનાથી બચવા દોડાદોડ કરતા હોય એમ... અહીં...તો.... સ્થિર બેસીને, શાંત ચિત્તે વિચાર કરતા...એક નવી વાત શીખ્યા હતા હસમુખલાલ-શાંત ચિત્તે વિચારવાની...વાગોળવાની !

* * *