ચિત્રકૂટના ઘાટ પર/નષ્ટનીડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નષ્ટનીડ

રવીન્દ્રનાથની એક પ્રસિદ્ધ વાર્તા છે : ‘નષ્ટનીડ’ – એટલે કે પીંખાયેલો માળો. સત્યજિત રાયની જાણીતી ફિલ્મ ‘ચારુલતા’ એ વાતને આધારે રચાઈ છે. આ વાતમાં એક દામ્પત્યજીવનના વિચ્છિન્ન થઈ જવાની વાત છે. ટાગોરે એ ઘટનાને પ્રતીકાત્મક મથાળું આપ્યું – નષ્ટનીડ. કુટુંબજીવનનો માળો અનેક કારણોથી પીંખાય છે; પણ ખરેખરનો પંખીજીવનનો એક માળો કેવી રીતે પીંખાયો તેની વાત ડાયરીનાં કેટલાંક પાનાંમાંથી અહીં ઉતારી છે :

૧૯ જૂન, ૧૯૯૭

પરમ દિવસે બપોરના બરાબરનો વરસાદ પડ્યો, પણ કાલે તો શરદઋતુનાં હોય એવાં સફેદ વાદળ સ્વચ્છ ભૂરા આકાશમાં તરતાં હતાં. રાત્રે અગાશીમાં સૂવા ગયો ત્યારે ચંદ્ર પણ ખુલ્લો હતો. પછી રાતમાં વાદળ જતાં આવતાં રહ્યાં. સવાર પડતાં પડતાં તો આષાઢી દિવસ. અત્યારે (સવારે) ૧૦ વાગ્યે પણ એમ જ છે, મેઘભીનો સમય.

બારી બહાર જોઉં છું તો જરા દૂર એક મકાનના કંપાઉન્ડમાં રસ્તાની બાજુના તરુણ લીમડાના ઝાડની ટોચની ડાળીઓના ચૉકમાં કાગડાનો માળો છે. લાગે છે કે, તેમાં કાગડીએ ઈંડાં મૂક્યાં છે. માળામાં બેઠેલ કાગડીને જોઈ શકાય છે. રહી રહીને એની પાંખો જરા જરા હલે છે. પવનમાં ઝૂમતા લીમડા સાથે માળો પણ ઝૂમે છે.

ચાર-પાંચ દિવસ ઉપર આંધી જેવા પવનમાં એ માળાને અમળાઈ જતી ડાળીઓ સાથે હલતો જોઈ થયેલું કે, માળો પડી જશે, પણ ડાળ ગમે તેટલી હલવા છતાં માળાને કંઈ થયું નહોતું. એ માળામાં કાગડો/કાગડી છે. એની પૂંઠ દેખાયા કરે છે. બાજુમાં ચંપો મહોર્યો છે. ગાઢ લીલાં પાંદડાં વચ્ચે તારા જેવાં સફેદ ફૂલ.

હું કાકાસાહેબ કાલેલકર જેમ કાગડા-ખિસકોલીઓના જીવનનું નિરીક્ષણ કરનાર નથી. તોપણ વાંચતાંવાંચતાં ચોપડીના પાન ઉપરથી નજર હટાવી પેલા કાગડાકાગડીના માળા ભણી નજર કરવાની ઇચ્છા કરી બેઠો : શું કરે છે પેલું કાગ-દંપતી? સવારનો ઑફિસે જવાનો સમય છે અને આખું અમદાવાદ વેગથી દોડી રહ્યું છે. લીમડાથી જરા દૂરની ડ્રાઈવઈન રોડની સડક પર વાહનો વેગોન્મત્ત બની ગયાં છે. સૌ ઉતાવળમાં છે. એવે વખતે પવનમાં ઝૂલતા લીમડાની ડાળીઓ વચ્ચે ઝૂલતા માળામાં દંપતીમાંથી કોઈ એક દેખાય છે. આજુબાજુના અમદાવાદની ત્યાં કોઈ વ્યસ્તતા નથી. સમય જાણે થંભી ગયો છે એ માળામાં. ત્યાં એક જ કામ છે : ઈંડાં સેવવાનું.

નિર્ધારિત સમયમાં કામ પૂરાં કરવાની વ્યગ્રતાવાળા મારા મનને એવી નિરાંતનો ભાવ ક્યારે અનુભવાશે? એવું નથી કે માળામાં પ્રવૃત્તિ નથી, પણ ભાગાભાગ નથી. એક લીધું ને બીજું લઉં એવી કાર્યશૃંખલા રાહ જોતી નથી. મને થાય કે, બસ બધું બાકી રાખી કવિતા વાંચું. પણ

ક્યાં? નિરાંત ક્યાં છે, પેલા માળામાં જેવી છે તેવી.

૨૧ જૂન, ૧૯૯૭

એકદમ મેઘભીનું વાતાવરણ છે. વરસાદ રહી રહીને પડે છે. બારી સુધી જલ-સીકરો વહી લાવતો પવન રહી રહીને વાય છે અને ત્યાં બારી બહાર એના ઝપાટામાં કાગડાનો માળો ઝૂલે છે. કાગદંપતી ઈંડાં સેવવામાં વ્યસ્ત છે. દંપતીમાંથી એક માળામાં છે, અન્ય બાજુની ડાળી પર છે. ત્યાંથી ટૂંકી-લાંબી ઉડાનો ભરે છે. કોઈ ઘરના આંગણા સુધી પણ પહોંચી જતો હશે. સંભવ છે, ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવ્યાં હોય – અને એમની પહોળી થતી પીળી ચાંચમાં ખાવાનું મૂકવાનું લેવા માટે એ ‘ગૃહબલિભૂક્’ (કાલિદાસે ‘કાગડા’ માટે યોજેલ શબ્દ) માળાથી દૂર જતો હોય.

એ કાગદંપતીનું આખું વિશ્વ એ માળામાં જ કેન્દ્રિત છે. આજુબાજુ દોડાદોડ કરતી આખી વ્યસ્ત દુનિયાનું અસ્તિત્વ એમને મન ફાજલ લાગે એવી તેમની આત્મ-સ્થ હિલચાલ છે. લીમડાને તો આ કાગદંપતીનું પ્રસૂતિગૃહ બનવાનો આનંદ હશે જ.

૨૪ જૂન, ૧૯૯૭

આજે આબુ જવાને બદલે ઘેર જ રહ્યો. ગઈકાલથી ઘનઘોર વાતાવરણ છે. વરસાદની ઝડી રહી રહીને પડી જાય છે. કાલે ટી.વી.ના વેધર રિપોર્ટમાં તો આખું ગુજરાત મોટાં વાદળોની છાયા નીચે ઢંકાયેલું દેખાયું હતું. આજે ‘સંદેશ’માં અનુભાઈનો સુંદર ફોટો છે : એન્ટેના પર બેઠેલાં પંખીઓનો. એની નીચે ‘પશુપંખીવેડા’ પ્રયોગ કરેલો તે ગમ્યો.

પડતા વરસાદ વચ્ચે પણ આખા ગુલમહોરની એક ડાળીએ ચુપચાપ એક હોલાને બેઠેલો જોઈ પ્રસન્ન થવાયું. ફૂલોથી લચેલો ગુલમહોર ‘નંદકિશોર’(કૃષ્ણ) જેવો લાગે છે. આપણા સદ્દગત કવિ હરિશ્ચંદ્ર ભટ્ટે આપેલું ઉપમાન. એકલા હોલાને એ ગુલમહોર પર જોઉં છું. એ વરસાદ ઝીલી રહ્યો છે. સામે મારવાડીના ત્રણ માળના ઘરની અગાશીના એન્ટેના પર કબૂતરો હારબંધ બેસી ગયાં છે. દૂર ડ્રાઈવ-ઈન સડકને પાર કરી એક સોસાયટીના કંપાઉન્ડમાં ઊંચે ઊંચે ગયેલાં યુકેલિપ્ટસ હવામાં ઝૂલે છે.

કાગડાના માળાવાળો લીમડો અને માળો પણ.

૨૯ જૂન, ૧૯૯૭

સતત ચાર દિવસની હેલી, પછી ઉઘાડ. કાલ સાંજથી જ આમ તો (ઉઘાડ) નીકળ્યો છે, જોકે વાદળ તો છે જ. બારી બહાર પેલા કાગડાના માળા પર નજર ગઈ. કાગડો/કાગડી બેઠેલાં જ છે. પવનમાં ડાળ સમેત માળો ઝૂલે છે. છાપામાં સમાચાર છે. ટી.વી. પર પણ તે દૃશ્યમાન થયા હતા. ભારે વરસાદથી અનેક ઝાડ તૂટી પડ્યાં છે, અનેક ઘર-બાર પડી ગયાં છે, પણ ખુલ્લા આકાશ તળે ઊગેલા લીમડાના ચોકમાં માળો સલામત છે – આટઆટલા પવનપાણીના સપાટાઓ પછીય. વચ્ચે એક રાતે ધોધમારના આંધીપાણીમાં મને વિચાર આવ્યો હતો કે, હવે એ માળાની શી હાલત હશે? વેરવિખેર થઈ ગયો હશે? હશે? એ નવજાત બચ્ચાંનું શું થશે એવી ચિંતા થઈ હતી. પણ જોઉં છું કે, સખત આંધીપાણી પછી પણ લીમડાની ડાળી પરના માળામાં બધું કુશળ છે. હાશ! ભારે હેલીમાં ઠપ્પ થઈ ગયેલું નગર હવે ધીમે ધીમે રાબેતામાં ગોઠવાતું જાય છે. ટિટોડીનો ભીનો અવાજ અહીં સુધી પહોંચે છે.

૧ જુલાઈ, ૧૯૯૭

આજે દિવસ ખુલ્લો છે. રોજની જેમ ટેવ પ્રમાણે જ, માળો છે જ એમ માનીને માળા સામે આંખો કરી, તો પહેલી નજરે માળો દેખાયો નહિ. પહેલાં તો થયું કે, વચ્ચે બીજી ડાળ આડી આવી ગઈ હશે. પછી બરાબર આંખ ફાડીને જોયું, બહાર બાલ્કનીમાં આવીને જોયું તો ખરેખર માળો નહોતો! લીમડો ઊભો હતો. પણ માળો? મારી નજર જાણે વંધ્ય બની ગઈ. ક્યાં ગયું એ બચ્ચાં સમેતનું કાગકુલ? માળો, જે પ્રચંડ આંધી વરસાદમાં ઝૂલતા લીમડા સાથે ઝૂલતો રહી ટકી રહ્યો હતો, તે હવે ક્યાં? લીમડાને લગભગ અડીને આવેલી અગાશીવાળા મકાનમાં રહેતા કોઈ નિષાદ હાથોની કરામત? પણ એવી જઘન્યતા એ શા માટે આચરે? આખો કાગપરિવાર માત્ર પોતાનામાં જ નિમગ્ન હતો. વળી, એ કા…કા… અવાજોથીય વાતાવરણને આકુલ પણ નહોતો કરતો.

તો પછી કાગદંપતીએ પોતે જ માળો વિખેરી નાખ્યો? કે કોઈ બાજ-સમડીએ? પણ કાગદંપતી કે બાજસમડી લીમડાના ચોક વચ્ચે બરાબર ટકી રહેલા આખા ને આખા માળાને એકદમ કેવી રીતે હટાવી શકે? માળો તો ઘણા સમયથી હતો. બચ્ચાં ઊડવા જેવાં થયાં પછી. પણ, કે ઊડી ગયા પછી પણ, માળો તો એ લીમડાના ચોકમાં, ભલે ખાલી, પણ રહી શક્યો હોત.

હવે વારેવારે મારી નજર જ્યાં માળો હતો ત્યાં લીમડાની ટોચની ડાળીઓના ચૉક વચ્ચે જઈ જઈને પાછી ફરે છે. કશીક મિથ્યા આશાથી ફરી જોઉં છું, ક્યાંક લપાયેલો માળો દેખાઈ જાય.

કાલિદાસે મેઘદૂતમાં ચોમાસાની શરૂઆતમાં કાગડાઓની માળો બાંધવાની પ્રવૃત્તિનો નિર્દેશ ‘નીડારમ્ભૈર્ગૃહબલિભુજામાકુલાગ્રામચૈત્યાર:’ પંક્તિથી કર્યો છે. આ ‘ગૃહબલિભુજ્’ એટલે જ કાગડા – ઘરના રસોડામાંથી ફેંકાયેલી કે દેવને ધરાવેલા નૈવેદ્યમાંથી વધેલી ચીજ ખાનાર. ઘરમાં દેવતાને ધરાવેલું નૈવેદ્ય નેવે કે ચકલે મૂકવામાં આવે, એને આરોગનાર. આ વિશેષણથી જાણે કાગડાનો અર્થ કાલિદાસે બદલી નાખ્યો છે.

હા, તો જે લીમડો આ ગૃહબલિભુજ્  – કાગદંપતીની શાન્ત પારિવારિક પ્રવૃત્તિથી આકુલ હતો, તે હવે ખાલી છે. માળો ઊજડી ગયો છે. અચાનક પોતાનું નીડ નષ્ટ થતાં હવે પેલો કાગ-પરિવાર ક્યાં હશે?

*

રવીન્દ્રનાથે તો ‘નીડ’ શબ્દ પ્રતીકરૂપે વાપર્યો. નીડ એટલે ઘર. પંખીનું ઘર અને પછી માનવીનું ઘર. ઘર એટલે પરિવાર. પરિવારને આશ્રય આપે તે નીડ. એ પરિવાર પંખીનો હોય કે માનવીનો. માનવી કે પંખીની મહેચ્છા હોય છે : પોતાનો નીડ – માળો રચવાની. એ ‘નીડ’ રચાય છે ત્યારે એમાં કેટલી બધી આશા-આકાંક્ષા હોય છે.

પણ એ નીડ જ્યારે ‘નષ્ટ’ થાય છે, પીંખાય છે ત્યારે? શું પંખીની કે માનવીની કદી કદી એવી નિયતિ હોય છે?