ચિત્રકૂટના ઘાટ પર/રૂપસાગરે ડુબ દિયેછિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રૂપસાગરે ડુબ દિયેછિ

કવિવર ટાગોરે એક ગીતમાં કહ્યું છે કે, ‘અરૂપ રતન મેળવવાની આશા લઈને રૂપસાગરમાં ડૂબકી મારું છું.’ ટાગોરની આ પંક્તિમાં તો ઊંડો આધ્યાત્મિક ભાવ છે. રૂપનો સાગર એટલે ટાગોરને મન અનંત વિશ્વમાં વ્યાપ્ત સૌંદર્ય જેવો કંઈક હોવો જોઈએ, કેમકે ટાગોર કવિ છે,

અને કવિ હંમેશાં સૌન્દર્યનો અન્વેષ્ટા હોય છે.

એવી કોઈ કવિ-નજરથી નહિ પણ એક સૌન્દર્યપ્રેમીની નજરથી વિશ્વસુંદરી સ્પર્ધાના ભવ્ય સમારોહને દૂરદર્શનના નાના પડદા પર લગભગ ત્રણ કલાક સુધી નિમગ્ન બનીને નિહાળ્યા કર્યો, એ રૂપસાગરમાં ડૂબકી લગાવવા જેવું હતું. હા, ટાગોરની જેમ કોઈ ‘અરૂપ રતન’ પામવાનો કશો પરમ ઉદ્દેશ નહોતો. બસ, એ રૂપસાગરમાં ડૂબકીનો નિર્હેતુક આનંદ હતો.

રૂપ અર્થાત્ સૌન્દર્યની વ્યાખ્યા કરવા સૌન્દર્ય-મીમાંસકોએ મથામણો કરી છે. કવિઓ અને ચિત્રકારો કે શિલ્પીઓએ વ્યાખ્યાના ગૂંચવાડામાં પડ્યા વિના રૂપ કે સૌન્દર્યને શબ્દોમાં, રંગરેખામાં કે શિલ્પિત પાષાણોમાં વ્યક્ત કર્યું છે અને ભાવકોને અલૌકિકનો અનુભવ કરાવ્યો છે.

પરંતુ, અહીં તો કોઈ કવિતા વાંચવાની નહોતી કે કોઈ ચિત્રફલક પર અંકિત કલાકૃતિ નિહાળવાની નહોતી. અહીં તો પ્રત્યક્ષ (જોકે આમ તો પરદા પર) સૌન્દર્યને માણવાની ક્ષણો હતી. પ્રશ્ન થયો : સૌન્દર્યને માણવાની કે પામવાની? ‘પામવાની’. એ પદ જ કદાચ વધારે યોગ્ય છે.

કેમકે કવિ કલાપીએ કહેલી પંક્તિઓ યાદ આવી : ‘સૌંદર્યો પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે.’ આ ઉક્તિની વ્યાખ્યા વળી પાછી કોઈ તાત્ત્વિક ચર્ચામાં લઈ જાય, જે આ લખનારની ગુંજાઈશની બહાર છે. ગમે તેમ, પણ આ પામવાનું તે રસમીમાંસકોની પરિભાષા પ્રમાણે તો લૌકિક અનુભવ છે.

વિશ્વના અબજો લોકો એકીસાથે આ રૂપસાગરમાં ડૂબકી દઈ રહ્યા હતા. આ સૌની અનુભૂતિઓનો સરવાળો કરીએ (કે બાદબાદી કરીએ) તો પૂર્ણમાં પૂર્ણ ઉમેરતાં કે પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરતાં છેવટે પૂર્ણ જ બાકી રહે છે એવા ઉપનિષદ મંત્રની નિકટ પહોંચી જવાનો વારો આવે. રૂપ કે સૌન્દર્ય પૂર્ણરૂપે જ આપણી સામે આવે છે. પછી એ રૂપ પુષ્પનું હોય કે નારીનું હોય.

હા, નરની જેમ નારીને પણ વિધાતાએ ઘડી છે એ ખરું, પણ ટાગોર કહે છે તેમ, ‘નારી’ માત્ર વિધાતા એકલાનું જ સર્જન નથી, પુરુષ પોતાના અંતરના સૌન્દર્યથી તેને ઘડે છે, કવિઓ એને માટે સોનેરી ઉપમા સૂત્રથી તેનું વસ્ત્ર વણે છે, કલાકાર નારી પર નવો મહિમા ઉમેરી તેની પ્રતિમાને અમરત્વ આપે છે. એ તો ઠીક, સાગર જેવો સાગર નારીનાં આભૂષણો માટે રત્નાભરણો આપે છે, ધરતી સોનું આપે છે, વાસન્તી વન એને માટે પુષ્પો ધરે છે અને નારી પણ પોતાને શોભિત કરી, થોડીક હાસથી, થોડીક લાજથી એક એવું આવરણ ધારણ કરી પોતાને જાણે દુર્લભ બનાવી દે છે. એ નારી પર પડે છે એક બળબળતી વાસના. એ નજરથી નારી અર્ધી માનુષી છે અને અર્ધી તો કલ્પના બની રહે છે (છેલ્લી પંક્તિનું અંગ્રેજી ભાષાંતર છે – ‘વુમન, યુ આર વનહાફ વુમન એન્ડ વનહાફ ડ્રીમ).

દૂરદર્શનને પડદે દેખાતી આ સુન્દરીઓ વાસ્તવિક અર્થમાં માત્ર સર્જનહારનું સર્જન નહોતી. કેટકેટલા લોકોએ એમને ઘડી હતી? દરેક સુન્દરી જે પરિધાનમાં અબજો નેત્રો સામે દેખાતી હતી તેની એ મોહક તસવીર નીચે એ પરિધાનના ડિઝાઈનરની ચિઠ્ઠી ચોડેલી હોય. એક એક સુન્દરી મંચ પર એવી રીતે આવતી હતી, જાણે કોઈ અધર લોકમાંથી ઊતરી રહી ન હોય! ‘વનહાફ વુમન – વનહાફ ડ્રીમ’ – કેમકે જોનારી આંખોની પ્રદીપ્ત વાસના એમના પર પડતી હશે.

પણ આ હતી સૌન્દર્યની સ્પર્ધા વિશ્વની સૌથી સુંદર નારી કોણ? ઉર્વશી, હેલન, ક્લિઓપેટ્રા, વિનસ, પદ્મિની – પુરાણઇતિહાસ પ્રસિદ્ધ સુન્દરીઓની પ્રાચીન નામાવલિને અતિક્રમી જતી આ મિસ કોલંબિયા કે મિસ બેલ્જિયમ કે મિસ વેનેઝુએલા કે મિસ ઇન્ડિયા કે મિસ બ્રાઝિલ? દેશદેશની આ અદ્યતન સુંદરીઓ વચ્ચે સ્પર્ધા હતી કે વિશ્વની સૌથી સુન્દર નારી કોણ?

વિશ્વશ્રેષ્ઠ સુન્દરી નિશ્ચિત કરવાના માપદંડો કયા? વર્ષોથી યોજાતી આ સૌન્દર્યસ્પર્ધાના આયોજકોએ એ નક્કી કર્યા છે. છાતી કમર કે જઘનનું માપ કે ઊંચાઈ, વજનનું સમપ્રમાણ તો ખરું, પણ સૌન્દર્ય તો આ બધાને અતિક્રમી જતું હોય છે. આપણા આલંકારિકોએ શ્રેષ્ઠ કાવ્યના ઉપમાન તરીકે અંગોની શોભા મળતાં જે અતિરિક્ત ‘લાવણ્ય’ પ્રકટે છે, તેવા લાવણ્યની વાત કરી છે. સૌન્દર્ય એ માત્ર સુંદરીનાં આંખ, કાન, નાક, ગાલ કે હાથપગના સૌન્દર્યનો સરવાળો નથી; એ એથીય કંઈક વિશેષ છે. લાવણ્યની સાથે લજ્જા એ કદાચ ભારતીય સૌન્દર્યદષ્ટિએ મહત્ત્વનું અમૂર્ત ઉપકરણ ગણાય. પણ લજ્જા તો એક આંતરિક ભાવ છે. આ વિશ્વસુન્દરીઓ માટે ‘લજ્જા’ એ આભૂષણ નહોતું કદાચ.

આ સૌન્દર્યસ્પર્ધા જોતાં જોતાં સમાંતર ભાવે કેટલાય વિચાર મનમાં ચાલતા. જે અણગમતી બાજુ હતી તે હતી પ્ર-દર્શન ભાવની. સમગ્ર સુન્દર દેહ પ્ર-દર્શનની વસ્તુ બની જતી હતી, એની સાથે ચહેરા પર ફરકતું સ્મિત, પેલી પ્રસિદ્ધ ‘કૅટ વૉક’ કે આંખના ઉલાળ. જે નિસર્ગ સુન્દર હોય તેની વાત જુદી. દિવસો મહિનાઓથી સાધના પછી ઉપલબ્ધ પ્રદર્શનસુન્દરતા જોવી ગમે. પણ મનમાં ઊંડે સુધી સ્પર્શી ભાગ્યે જ વ્યાકુળ કરે.

એકસાથે આટલી બધી સુન્દરીઓ! આટલું બધું રૂપ! આંખને એ મહોત્સવરૂપ લાગે, પણ આંખ દ્વારા ભીતરી ચેતના પર ખળભળાટી મચાવી દે એ ક્યાં? સૌ સુન્દરીઓની પરેડ પછી ૧૦ સુંદરીઓનાં નામ ઘોષિત થતાં ફરી એ દશને નવે રૂપે જોઈ. ‘ક્ષણે ક્ષણે નવતા ધરે તે સુંદર’ એવી વ્યાખ્યા કંઈ નહિ તો, સુંદરીઓમાં પરિધાન બદલાતાં ચરિતાર્થ થતી હતી. દશમાંથી વળી પાંચની પસંદગી અને ફરી નવાં પરિધાનમાં વીંટળાઈને આવતું સૌન્દર્ય. તે પછી અમને થયું કે, ચાલો, આપણે નક્કી કરીએ કે હવે આ કટોકટ ક્ષણોમાં કોણ શ્રેષ્ઠ સુંદરી તરીકેનો મુકુટ ધારણ કરશે? મને પહેલેથી જ મિસ ગ્રીસનો ચહેરો ગમી ગયેલો. મેં મિત્રને કહ્યું કે, મિસ હેલન જ પહેલી આવશે. એમણે પૂછ્યું : મિસ હેલન?

મેં કહ્યું : હા, ગ્રીસની સુંદરી હોય તે હમેશાં મિસ હેલન કહેવાય. ગ્રીક સુન્દરીઓમાં તે સિરમોર રહી છે. સૌન્દર્ય દેવી વિનસ પણ એની પછી, કેમકે હેલનમાં એક વિશેષ ગુણ – તે માનવી હતી. દેવીને સુખદુઃખનો ભાવ નથી હોતો, માનવીને હોય છે. મધ્યકાળના યુરોપમાં ફાઉસ્ટની લિજેંડ જાણીતી છે. એ મહાવિદ્વાને પોતાનો આત્મા વેચીને મેફિસ્ટોફેલિસ (શેતાન) સાથે કરાર કર્યો હતો કે ૨૪ વર્ષ સુધી એ જે કંઈ માગે, કહે તે લાવી આપવું. કરાર થયા પછી મેફિસ્ટો પહેલી વાર હાજર થયો અને ફાઉસ્ટને કહ્યું : ‘કહો શી આજ્ઞા છે?’

‘મારે હેલન જોઈએ.’ ફાઉસ્ટે કહ્યું. અને મેફિસ્ટોએ સાચે જ હેલન રજૂ કરી. ફાઉસ્ટ તો એનું રૂપ જોઈ રહ્યો અને એકાએક બોલી ઊઠ્યો : ‘આ જ એ ચહેરો છે, જેને માટે હજારો જહાજ ટ્રોયને સાગરતટે નાંગર્યા હતાં, અને જેને લીધે ટ્રોય નગરની આભ ઊંચી અટ્ટાલિકાઓ બળીને રાખ થઈ ગઈ હતી!’ ફાઉસ્ટ મુગ્ધ ભાવે જોતાં જોતાં કહી ઊઠે છે :

‘સ્વીટ હેલન, મેઈક મી ઈમ્મોર્ટલ વિથ અ કીસ’

પ્રિય હેલન, એક ચુંબન કરી મને તું અમર કરી દે.

આ તો ‘હેલન’ નામ ઉચ્ચારતાં મિસ ગ્રીસને જોતાં જોતાં ઊઠેલા સમાંતર ભાવો છે. મિસ ગ્રીસની સ્પર્ધામાં તરત ઊભે તેવી મિસ વેનેઝુએલા લાગેલી. પરંતુ આપણા માપદંડો જુદા અને છેલ્લા કેટલાય દિવસથી જેઓ આ સુન્દરીઓને જુદેજુદે રૂપે નિરીક્ષણ હેઠળ જોતા રહ્યા છે તેમના માપદંડો જુદા જ હોય. ગમે તેમ, પણ સુંદરતા કે રૂપ સૌને સમાન રીતે પ્રભાવિત કરે છે એ તો નક્કી.

પછી છેવટે ત્રણ નામોની ઘોષણા થતાં છેવટે મિસ વર્લ્ડ – વિશ્વશ્રેષ્ઠ સુંદરી તરીકે અઢાર વર્ષીયા મિસ ગ્રીસની તાળીઓના ગડગડાટ વચ્ચે પસંદગી થઈ. મિત્રે કહ્યું : ‘સાચે જ તમારી “હેલન” જીતી ગઈ!’ એ વખતે એ સુન્દરીનો ચહેરો આનંદના નૈસર્ગિક ભાવથી ખરેખર સુંદર બની ગયો હતો.

બીજે દિવસે વર્તમાનપત્રોમાં અન્ય સુન્દરીઓની તસવીરો વચ્ચે વિશ્વસુન્દરી આઈરીન સ્ક્‌લીવાની પ્રસન્નવદન તસવીર જોઈ. એને વિષે પ્રગટ થયેલ ‘આંકડા’ વાંચ્યા. વય, ઊંચાઈ વગેરે. એ પછી આજે સવારે

એક અંગ્રેજી અખબારમાં સ્ક્‌લીવાની એક અતિ સુંદર તસવીર જોઈ, ભૂરા ખુલ્લા ખભે ઢળેલા કેશ સુન્દર મુકુટથી વિભૂષિત હતા. ગુલાબી કોરની જાંબલી સાડી અને લાલ બ્લાઉઝમાં તે ભારતીય સુન્દરી જેવી લાગતી હતી, કંઈક બાકી રહી જતું હોય તેમ, તેણે ભૂરી આંખો પરની બે મોહક ભ્રમરો વચ્ચે કપાળે ‘લાલ બિન્દી’ કરી હતી! એ તસવીરને હું જોતો રહ્યો. તસવીરકારે ફોટા નીચે લખ્યું હતું :

‘ગ્રીક ગૉડિસ’ – ગ્રીક દેવી.

હેલન શું સ્ક્‌લીવાથી સુંદર હશે?

[૧૫-૧૨-’૯૬]