ચિત્રદર્શનો/કુલયોગિની

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩, કુલયોગિની


ભરેલા સરમાં નીર ખાતાં’તાં મન્દ હેલિયાં;
ને હૈયું યે ચ્હડ્યું હેલે, દર્શ ત્ય્હાં દેવીનાં થયાં.

છે એક ઉજ્જ્વળ પુરાણપ્રસિદ્ધ દેશ,
ઉષ્માપ્રતાપભર સૂર્ય તપે હમેશ;
અતિથ્યની નગરીઓ જ્યહીં ન્હાની ન્હાની,
ત્ય્હાં છે અમારી કુલની લઘુ રાજ્યધાની.

તોફાની બાળુડાંને ત્ય્હાં જોતી નેન ઊંડાં ભરી,
બેઠી’તી દામણી દેવી, દેહે સૌ દીનતા ધરી.

સખિ! ત્ય્હાં સુકુમાર વાંકડી
નમતી એક હતી બદામડી;
બુચના દ્રુમ ધીમું ડોલતા,
ધ્વજ જેવા ગગને વિરાજતા.

બારણામાં કરે રક્ષા સદા યે હનુવો જતિ;
લીમડાની શીળી છાયા આંગણે પાથરી હતી.

ઝાંખો પ્રકાશ તરુજાળી મહીંથી આવે,
ને ઓશરી મહીં સુજાજમ તે બિછાવે;
ત્ય્હાં લીલી એકસર માલતી વેલ દીપે,
ને એક ડોલર હતો તુલસી સમીપે.

માંડેલો માંડવો આછો ચોકમાં છાંયડી કરે;
એક-બે જૂઈની વેલો સૂકાતી હતી તે પરે.

તે તેજલીંપી શીળી ઓશરીમાં
પ્રારબ્ધની પોથી ઉઘાડી ધીમાં
દેવી જુવે તે મહીં ભાગ્યલેખ,
મુખે હતી દુઃખિણી કેરી રેખ.

અન્તરિક્ષે હતી દૃષ્ટિ, સૂની ને કાંઈ શોધતી,
હતું તે પેખતી ન્હોતી, ન્હોતું ત્હેને નિહાળતી.

ત્હેને ન શોધ, તુજને જડશે નહીં તે,
ત્હારો નઠોર નથી નાથ અહીં ક્‌યહીંયે;
આઘે ભમે શરીર, ભૂલ્યું મને ભમન્ત,
એકાકિની મૂકી ત્હને અતિ એ દમન્ત. ૧૦

આંખડી શૂન્યતાની એ પછી પાછી વળી નમે;
કાદવે કમળો જેવાં બાળ જ્ય્હાં ધૂળમાં રમે. ૧૧

કદીક સ્નેહે તુજ કંઠ ગેલતા,
કદીક હેતે મુજ નામ બોલતાં;
કદીક મિઠ્ઠી નિજ મસ્તીમાં મચે;
હમેશ ન્હાનાં કંઈ નાટકો રચે. ૧૨

ઉતાર્યાં દિલથી એવાં દિલે સમૃદ્ધ બાલકો;
વિસાર્યાં વ્હાલસ્હોયાં મ્હેં આત્મશ્રીભર અર્ભકો. ૧૩

લજ્જાળુ લોચન મનોહર કેરૂં ચારુ,
તેજસ્વી આનન અનુપમનું સુપ્યારૂં;
સોહાગશોભિત વિલાસ વિનોદિનીતા,
આનન્દનાં ગહન હાસ્યઃ કશી કમીના? ૧૪

અન્તરે કોઈ યે બાપુ! ઓછું મા આણશો રજે;
આપણા બાળની, દેવિ! તું માત-તું પિતા થજે. ૧૫

તજિયાં બાળ, તજી મનોરમા;
કરુણાળું! કરજો બધું ક્ષમા,
પ્રિય! ડાહ્યાં થઈ માનું માનજો,
કુલને છાજતી રીત ચાલજો. ૧૬

આવશે અતિથિરૂપે દેવી કે કોઈ દેવતા
કે સ્નેહી કો’, સગાં કો,’ કે હરીનાં જન ભાગતાં. ૧૭

આતિથ્ય યોગ્ય સહુનું સખિ! તું કરીશ,
ચિન્તા નથી લગીર, અર્ધ્ય પદે ધરીશ;
સૌ પૂછશે કુશળ, તું મુજ સાંઈ કહેજે,
મ્હારી વતી ય સખિ! અંજલિ અર્ઘ્ય દેજે. ૧૮

દેવી! તું કુલની રાણી, હુંયે મ્હેમાન તાહરો;
માંડ્યું ત્હેં કુલનું રાજ્ય, રાજયોગ ખરો કર્યોં. ૧૯

ક્‌ય્હારેક તો તું કુલ માટ રાંધતી,
ક્‌ય્હારેક તું મેલ ચ્હડ્યા ઉતારતી;
ક્‌ય્હારેક પૂજી પ્રભુ આશિષો લહેઃ
નિત્યે ય ચિન્તા કુલક્ષેત્રની વહે. ૨૦

ઉપાડે કુલનો ભાર, ભાર્યા તે સતીને ભણીઃ
સંભાળે ગૃહની શોભા, તે દેવી ગૃહિણી ગણી. ૨૧

દેવિ! સતિ! પરમ પાવનકારી ભાર્યા!
કલ્યાણિનિ! ગૃહિણિ! ઓ પ્રભુપ્રેમી આર્યા!
ઢોળે શિરે નફિકરો પતિ સૌ ગુમાને,
‘સર્વસ્વ સોંપ્યું મુજને જ’ તું એમ માને . ૨૨

ન બૂઝે ભાવ એ ત્હારો, કે લેશે સ્હમઝે નહીં
ત્હોયે તું શાન્તિથી સેવા સદા સૌની કરી રહી. ૨૩

ભમે–ભમે દેહ ભલે વિદેશે,
ભલે ભમે આ મનડું વિશેષે;
નથી–નથી એક ઘડી ય ન્યારૂં
કલ્યાણિ! આકર્ષણ દૈવી ત્હારૂં. ૨૪

માહરી જિંદગી કેરૂં સુહાગી મધ્યબિન્દુ તું
અન્ધારી રાત્રિમાં મ્હારી અમીનો પૂર્ણ ઇન્દુ તું. ૨૫

માંડી જ વેદી ગૃહની, લીંપી પંચગવ્ય,
ત્હેં આદર્યો ગુણવતિ! કુલયજ્ઞ ભવ્ય;
પંચાગ્નિ પંચશિખ પંચ દિશે જલે છે,
હોમાઈને હવિ રૂપે મહીં તું બળે છે. ૨૬

સદાની યે ત્હને લાધી સમાધિ કુલયોગનીઃ
આત્મામાં જ્યોતિએ ધારી સોહેતું યોગિની બની. ૨૭

વિચરે તું નહિ કલ્પના વિશે,
વિસરે ના કંઈ ભ્રાન્તિને મિશે;
તુજને લાધી સમાધિ કર્મની,
કવિતા જીવ છ તું સ્વધર્મની. ૨૮

કરીને સેવના મ્હારી કીધો ત્હેં નિત્યનો ઋણીઃ
નમેરો–નગુણો છું હું, તું તો સાધ્વી મહાગુણી. ૨૯

એ ત્હારૂં ઋણ સખિ! કેમ ફીટ્યું ફીટાશે?
એ ઋણના ઋણી તણું સજનિ! શું થાશે?
ઓ શાન્તમૂર્તિ! વરદાયિની કુલદેવિ!
ત્હારી શુભાશિષથી મ્હારૂં અશુભ જાશે. ૩૦

કો નથી અધૂરૂં વિશ્વે? હું નથી ? કે શું તું નથી?
કે ત્હારા ગુણનું ગાને દેવિ! આ અધૂરૂં નથી? ૩૧

અહો! મહાભાગ તળાવતીર!
અહો! મહાભાગ હુંયે લગીર;
જેવી ત્હમારાં જલમાં વનશ્રી,
ત્હેવી જ મ્હારા ઉરમાં કુલશ્રી. ૩૨

માહરા કુલમાં, બીજે, જ્ય્હાં હો ત્યહાં, ઓ તપસ્વિનિ!
નમો–નમો, મહાદેવિ! ૐ નમો, કુલયોગિનિ! ૩૩