જનાન્તિકે/તેતાલીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તેતાલીસ

સુરેશ જોષી

માહીમના કૉઝવે આગળ એક સરસ જગા છે. ‘સરસ’ તો નકામો શબ્દ છે તે જાણું છું. રાતને વખતે અમે સૌ ત્યાં જઈ ચઢેલા. કિલ્લાના બુરજ ઉપર ઊભા હોઈએ એવું લાગે, ને અંધકારમાં સમુદ્રની ફેનિલ વીચિમાળા દેખાય. એને અંધકારમાં જ જોવી જોઈએ. એ શ્વેત પ્રલાપ આજુબાજુના સન્નિવેશ વચ્ચે સાંભળવો ગમે છે. આપણા નેપથ્યમાં બહુ ઊંડે ઊંડેથી, ભાષાનાં બધાં પેટાળને ય ફોડીને, એના પડઘા પડતા સંભળાય છે, આવા જ કોઈક બુરજની પાળ પર ઊભા રહીને હૅમ્લેટ ‘To be or not to be’ના તરંગે ચઢ્યો હશે. અમે હતા તો છ સાત જણ. પણ ત્યાં જતાંની સાથે સૌ આપમેળે ચૂપ થઈ ગયા. કેટલાક શબ્દોને એ સ્થળથી ફેનિલ વાચાળતા વચ્ચે હું મૂકી આવ્યો છું. ભલે થોડોક વખત ત્યાં ગાળે. વરસેક રહીને એ શબ્દોને પાછો લેવા જઈશ ત્યારે એમને કેવું રૂપ મળ્યું હશે? મને હમેશા લાગ્યા કર્યું છે કે કવિએ પોતાના શબ્દોને જુદા જુદા વાતાવરણમાં ને ભિન્ન ભિન્ન સ્થળે દેશાટન કરવા મોકલી આપવા જોઈએ. આથી એ શબ્દો પુષ્ટ થઈને આવે છે. આ પુષ્ટિ કાવ્યને તો ઘણી ખપની છે. આયુર્વેદમાં જેમ ધાતુને સિદ્ધ કરવામાં આવે છે તેમ આપણા શબ્દોને પણ અનેક પ્રકારના જુદા જુદા પુટ આપીને સિદ્ધ કરવા જોઈએ. આપણી કવિતામાં કશું eotic તત્ત્વ જ દેખાતું નથી. એની આબોહવા જાણે બદલાતી જ નથી. બૉદ્લેરનું ‘Invitation to voyage’ નથી યાદ આવતું? શબ્દોને એકાન્તનો ય પુટ આપવો જોઈએ – ને એકાન્તના ય કેટલા પ્રકાર છે? બિડાઈ ગયેલી બે પાંપણો વચ્ચેનું એકાન્ત, વિષાદ ઝરી ગયા પછીની શૂન્યમનસ્ક દૃષ્ટિનું એકાન્ત. હદપાર થયા વિના કવિ થઈ શકાતું નથી. આપણો કવિ તો ‘કીર્તિ કેરા કોટડા’ પર ચન્દ્રકો લટકાવીને નિરાંતે પડ્યો રહે છે. એ કોટડા તોડીને એને રઝળતો કરી મૂકનાર કોઈક આવશે ખરું?