ઝંડાધારી — મહર્ષિ દયાનંદ/અશ્રુધારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અશ્રુધારા

એક દિવસ સાંજે ગંગાના તટ ઉપર બેસીને સ્વામીજી સૃષ્ટિસૌંદર્ય જોતા હતા. તે વખતે એક મરેલા બાળકને લઈને એક સ્ત્રી કિનારે આવી. પોતાના બચ્ચાના મૃતદેહને હાથમાં ઉપાડીને એ બાઈએ પાણીમાં પ્રવેશ કર્યો. થોડા ઉંડા પાણીમાં જઈને એણે એ શબ ઉપર લપેટેલું કપડું ઉતારી લીધું અને ‘હાય! હાય! એવા આર્તનાદ કરતાં કરતાં એણે શબને પ્રવાહમાં વહેતું મેલ્યું.' સ્વામીજીએ જોયું કે એ ખાંપણના ટુકડાને ધોઈ, સુકવીને, રડતી રડતી એ માતા ઘેર ઉપાડી જાય છે. આ દેખાવ જોઈને એમનું હૃદય ચીરાઈ ગયું. એમણે વિચાર્યું કે અરેરે! દેશની શું આટલી ગરીબી, કે આ જનેતાએ પોતાના કલેજાના ટુકડા, સરખા પેલા પ્યારા બાળકને નદીમાં ફેંકી દીધું, છતાં વસ્ત્રનો ટુકડો ન જવા દીધો! ગરીબીનો આથી વધુ સજ્જડ પૂરાવો બીજો કયો હોઈ શકે? તેજ પળે એમણે પ્રતિજ્ઞા કરી કે આ ગરીબોની ભાષામાંજ મારા જ્ઞાનનો પ્રચાર કરી એમનાં દુઃખો ફેડવાના ઈલાજો ઉપજાવીશ.

ભાગલપુરમાં મુકામ હતો તે વેળા એક રાત્રિએ સ્વામીજીએ ભોજન ન લીધું. ભેાજન મેાકલનાર ભક્તે કારણ પૂછતાં જવાબ મળ્યો કે ‘ભાઈ! ભોજન આજે ભાવે તેમ નથી. અહીં મેળામાં આવનાર લોકો પંડાઓને પોતાની દીકરીઓ સુદ્ધાંનાં પણ દાન કરે, એટલું બધું અજ્ઞાન આ દેશમાં પ્રવર્તેલું જોઈને મને ધાનનો કોળીયો ઝેર લાગે છે!' એવા અંધકારવાલી અજ્ઞાન-રાત્રિમાં આ દેશ ફસાએલો હતો અને એવાં અંધારાં ભેદીને દયાનંદને પોતાનો જીવનપંથ કાપવાનો હતો.

ગામડાંના લોકો આવી વિનવવા લાગ્યા કે ‘મહારાજ, નગરવાસીઓ તો ઉત્તમ પદાર્થો વડે આપનાં સ્વાગત કરે છે. અમ કિસાનોની પાસે તો એવા ફળ મેવા ક્યાંથી હોય? એક વાર પધારો તો પોંક ખવરાવીએ.' સ્વામીજી બોલ્યા ‘ભાઈ, ધનવાન અને નિર્ધન વચ્ચે મારી દૃષ્ટિએ કદિ ભેદ દીઠા નથી. ઉલટાનો તમારો પોંક મને વધુ મીઠો લાગશે. આજ તો નહિ, કાલે આવીશ.' કિસાન રથ જોડીને આવ્યા. પણ સ્વામીજી રથમાં ન બેઠા. પગપાળા જ ચાલ્યા. રસ્તે એટલી ઝડપથી ચાલતા કે કિસાનો પાછળ રહી જતા. માર્ગે પોતે સાદી વાણીમાં ઉપદેશ આપતા જાય છે કે ‘બાળવિવાહ ન કરો. જેમ કાચા લણેલા મોલ એળે જાય છે તેમ કાચી ઉંમરે પરણાવેલાં સંતાનો પણ વહેલાં નાશ પામે છે.' વડલાને છાંયડે સ્વામીજી ભોંય ઉપર જ બેસી ગયા. લોકો વીંટળાઈ વળ્યા. મીઠાશથી પોંક ખાધો. કિસાનો કહે ‘મહારાજ, અમ જેવાં કંગાલો પર મહેર કીધી.' ‘ભાઈ તમે કંગાલ શાના? તમે તો પરિશ્રમી છો. તમારી આજીવિકા નિર્દોષ છે, તમે જ પરસેવો રેડીને ઉગાડેલ અનાજ ઉપર રાય ને રંક સહુ ગુજારો કરી રહ્યાં છે.'

ફરૂકાબાદમાં જ્ઞાન-ચર્ચા ચાલી રહી છે. એવે ટાણે એક સ્ત્રી પોતાના મરેલા બાળકને મેલાં, ફાટેલાં વસ્ત્રો લપેટીને દાટવા લઈ જાય છે. સ્વામીજીએ પૂછ્યું ‘માતા! મૃત્યુનું યે આટલું અપમાન! તારા પ્રાણ સરખું બાળક મરી ગયું અને તારે ગળેથી એક સ્વચ્છ, સફેદ વસ્ત્રનો ટુકડો યે ન છુટ્યો!' સ્ત્રી રડી પડી. બોલીઃ ‘ટુકડો ક્યાંથી કાઢું? પૈસા નથી.' આ જવાબ સાંભળીને સ્વામીજીની આંખોમાંથી પણ દડ દડ આંસુની ધારા ચાલી.​