ડોલરરાય માંકડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

માંકડ ડોલરરાય રંગીલદાસ (૨૩-૧-૧૯૦૨, ૨૯-૮-૧૯૭૦) : વિવેચક, સંશોધક, કવિ. જન્મ કચ્છ જિલ્લાના જંગી-વાગડમાં. વતન જોડિયા (જિ. જામનગર). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જોડિયા અને રાજકોટમાં. ૧૯૨૦માં મૅટ્રિક. ૧૯૨૪માં કરાંચીની ડી. જે. સિધ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. અને ૧૯૨૭માં એમ.એ. અભ્યાસકાળ દરમ્યાન થોડો સમય કરાંચીની શાળામાં શિક્ષક અને આચાર્ય. ૧૯૨૭થી ૧૯૪૭ સુધી ડી. જે. સિંધ કૉલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના અધ્યાપક. ૧૯૪૭થી ૧૯૫૩ સુધી વલ્લભવિદ્યાનગરની વિઠ્ઠલભાઈ પટેલ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. વચ્ચે બે વર્ષ એ જ સંસ્થામાં આચાર્ય. ૧૯૫૩થી ૧૯૬૪ સુધી જામનગર પાસે અલિયાબાડામાં સ્થપાયેલા દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલયમાં આચાર્યપદે. ૧૯૬૦થી ૧૯૬૬ સુધી અલિયાબાડાના હરિભાઈ સંશોધન મંદિરના નિયામક. ૧૯૬૬થી ૧૯૭૦ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ. ૧૯૪૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૪માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર, ૧૯૫૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારીમાં મળેલા અઢારમા અધિવેશનમાં સાહિત્યવિભાગના પ્રમુખ. ‘ગુજરાતીના અધ્યાપક સંઘની સ્થાપનામાં પ્રેરક. એમની વિવેચનપ્રવૃત્તિનો પ્રારંભ આમ તો ૧૯૨૭થી થયો, પરંતુ એમનું પ્રથમ પુસ્તક ‘સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા’ ૧૯૪૩માં પ્રગટ થયું. એમાં એમણે ઐતિહાસિક દૃષ્ટિએ સંસ્કૃત નાટ્યવિવેચનનો અભ્યાસ કર્યો છે. એમનો બીજો વિવેચનગ્રંથ ‘કાવ્યવિવેચન' (૧૯૪૯) પ્રગટ થયો ત્યારે ગાંધીયુગના અગ્રણી ગુજરાતી વિવેચકોમાં એમનું નામ પ્રતિષ્ઠિત થઈ ગયેલું. સંસ્કૃત સાહિત્ય અને વિવેચન સાથેના ઘનિષ્ઠ સંબંધ, સાહિત્યને સામાજિક-સાંસ્કૃતિક-નૈતિક ભૂમિકાએ જોવાનું વલણ, વિષયની પાછળ રહેલા તાવિક મુદ્દાને પકડવા તરફનું લક્ષ, દૃષ્ટિમાં શાસ્ત્રીયતા, મૌલિકતા અને વિશદતા એ એમના વિવેચનગુણો આ ગ્રંથમાં પૂરેપૂરા ઊપસી આવે છે. સાધારણીકરણ વ્યાપાર’, ‘ઊર્મિજન્ય ભાવાભાસ', ‘ધ્વનિની પ્રભેદો’, ‘અનુભાવની શક્તિ', ‘સંગીત કાવ્યોઇત્યાદિ સૈદ્ધાંતિક ચર્ચાના લેખે, કેટલીક કાવ્યસમીક્ષાઓ અને ગ્રંથાવલોકનો એનાં દ્યોતક છે. પછીના ગ્રંથોમાં એમની આ વિવેચનદૃષ્ટિ એવી ને એવી એકનિષ્ઠ ચાલુ રહી છે. ‘સાહિત્ય મીમાંસાના બે પ્રશ્નો' (૧૯૫૮) નામક પુસ્તિકામાં ‘રસાભાસનું સ્વરૂપ’ અને ‘અલંકારની વ્યંગતા’ એ વ્યાખ્યાનરૂપે અપાયેલા બે અભ્યાસલેખ છે. નૈવેદ્ય' (૧૯૬૨)માં ‘કલામાં ધ્વનિ', ‘એકાંકી નાટકો' જેવા સિદ્ધાંતચર્ચા ને સ્વરૂપચર્ચાના લેખો છે; ‘સરસ્વતી ચંદ્ર’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી', ‘શર્વિલકજેવી પ્રશિષ્ટ કૃતિઓ પરના સમીક્ષામૂલક લેખે છે; તે સંશોધન અને ભાષા વિશેના લેખો પણ છે. ‘ભગવજજુકમનો અનુવાદ પણ એમાં છે. ગુજરાતી કાવ્યપ્રકારો' (૧૯૬૪)માં એમણે માનવજીવન-નિરૂપણ, વસ્તુ ઉદ્દીપન અને વસ્તુ-આલંબનની દૃષ્ટિએ ગુજરાતીના કાવ્યપ્રકારો. પાડી જે ચર્ચા કરી છે તેમાં કેટલાક નવો અભિગમ છે. ‘ભગવાનની લીલા' (૧૯૪૮) અનુષ્ટ્રપમાં રચાયેલું એમનું લાંબુ કથાકાવ્ય છે. ‘કર્ણ' (૧૯૩૯) એમનું બાળવાર્તાનું પુસ્તક છે. ‘એકસૂત્રી શિક્ષણ યોજના' (૧૯૫૦), ‘વિક્રમોર્વશીયમ’ (૧૯૫૮) ઇત્યાદિ એમની શિક્ષણવિષયક કૃતિઓ છે; ‘ઋગ્વદમાં વશિષ્ઠનું દર્શન' (૧૯૬૪), ‘હિંદુ ધર્મમાં મધ્યમમાર્ગ’ (૧૯૬૪), ધર્મસંસ્થાપકોની વાણી' (૧૯૬૮), ‘ગીતાની બુદ્ધિયોગ’ (૧૯૬૯), મરણોત્તર પ્રકાશન ‘રાસપંચાધ્યાયી' (૧૯૭૩) ઇત્યાદિ એમનાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો છે; તો ‘શક્રાદયતેત્ર' (૧૯૨૯), અહુનવર' (૧૯૩૫), ‘પ્રાચીન ભારતમાં શિક્ષણ યોજના' (૧૯૫૦) ઇત્યાદિ એમના અનુવાદગ્રંથ છે.