તુલસી-ક્યારો/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન
[પહેલી આવૃત્તિ]

આ વાર્તા પણ ‘વેવિશાળ’ની જેમ, ‘વેવિશાળ’ની પછી, ‘ફૂલછાબ’ની ૧૯૩૯-૧૯૪૦ની ચાલુ વાર્તા લેખે પ્રગટ થઈ હતી, ને તેની જ માફક કટકે કટકે લખાઈ હતી. ‘વેવિશાળ’માં એક વૈશ્ય કુટુંબનો સંસાર આલેખવાનો યત્ન હતો, ને આમાં એક બ્રાહ્મણ કુટુંબનો. આ બેઉ વાર્તાઓમાં મારી જે દૃષ્ટિ કામ કરી ગઈ છે તેને વિશે આપણા જાણીતા વિવેચક શ્રી નવલરામ ત્રિવેદીએ એવું લખ્યું છે કે – દરેક માણસ જગતની દૃષ્ટિએ મહાજન ન થઈ શકે, પણ નૈતિક જીવનમાં ઉન્નતિ મેળવી સાચી મહત્તા તો પ્રાપ્ત કરી શકે – એવું એમની આ નવલકથાઓમાં ખાસ દેખાયું છે. ‘ભાભુ’ (‘વેવિશાળ’) અને ‘ભાભી’ (‘તુલસી-ક્યારો’) જેવાં પાત્રો બતાવે છે કે ગુજરાતનાં ગામડાંની અભણ સ્ત્રીઓ પણ પોતાના દરરોજના જીવનમાં કેટલી વીરતા, ઉદારતા તથા ઉચ્ચતા બતાવી શકે તેમ છે. શ્રી મેઘાણીનાં આવાં સ્ત્રી-પાત્રો તેમ જ ‘માસ્તર’ જેવાં પુરુષ-પાત્રો સામાન્ય વાચકોનાં મનમાં સિદ્ધ થઈ શકે તેવી પ્રશસ્ય મહત્ત્વાકાંક્ષાઓના અંકુરો પ્રકટાવે છે... આથી વધુ કશું જ મારે મારી આ વાર્તાનાં પાત્રો વિશે ઉમેરવાપણું રહેતું નથી. ‘સામાન્ય માનવીમાં રહેલી આંતરિક મહત્તાની સિદ્ધિની શક્યતા’ – એ રૂપી તુલસી-ક્યારે જો મેં મારી શક્તિની આ નાની-શી ટબૂડી સીંચી હોય, તો તેને હું મારી જીવનભરની કૃતાર્થતા માનીશ. આ વાર્તાનો વાચક-સમૂહ ‘વેવિશાળ’માં જે આત્મીયતા અનુભવી ગયો છે, તે જ આત્મીયતા આમાં બતાવી ચૂક્યો છે. પણ ‘તુલસી-ક્યારો’ સાથેનો તેનો તાદાત્મ્યભાવ એક કદમ આગળ ચાલ્યો છે : અકસ્માત એવો થયો કે બીજા અંતરાયોને કારણે ‘તુલસી-ક્યારો’નાં છેલ્લાં ચારેક પ્રકરણોનો અંતભાગ મારે મોકૂફ રાખવો પડેલો. એટલે એ સમાપ્તિ હું કેવી રીતે લાવવાનો હોઈશ તે વિશેની પુષ્કળ અકળામણ, કંઈક ધાસ્તી ને કેટલોક સંદેહ અનુભવી રહેલાં વાચક ભાઈ-બહેનોએ મને ચેતવણીના કાગળો લખેલા. અમુક પાત્રને રખે તું અમુક રીતે બગાડી કે દુ:ખી કરી મૂકે! – એવા એવા એ ચેતવણી-સ્વરો પરથી મને લાગ્યું કે વાચકો પોતે જ આ વાર્તાનો અંત કેવો ઇચ્છે છે, ને કલ્પી શકે છે, તે તેમની પાસેથી જ જાણી લેવું. નિમંત્રણ દીધું. જવાબો આવ્યા. ‘ફૂલછાબ’માં એ જવાબો પ્રગટ કર્યા. અને જવાબોએ મને ખાતરી કરાવી કે વાચકો પોતાને પ્રિય થઈ પડેલી સર્જાતી વાર્તાને કેવળ વાંચતા જ નથી, પણ તેના સર્જનમાંય સક્રિય સાથ આપે છે, ને પોતાની ઉકેલબુદ્ધિથી એ પારકી કૃતિને (એનું પારકાપણું બિલકુલ ભૂલી જઈ) પોતાપણાથી રસી દે છે. આવા ઉકેલો અનેક આવ્યા. આપણા વાર્તાસાહિત્યના સર્જનની એ નવીન વિશેષતાને એક ઐતિહાસિક પાના લેખે આંહીં ગ્રંથસ્થ કરવાની મારી ઉત્કટ ઇચ્છા હતી. મેં આણેલી સમાપ્તિમાં બધું જ સુખ, સુખ ને સુખ જ નથી વેરી દીધું. કંચન-વીરસુત વચ્ચેનો વિયોગ મૂકવાની મારી ગણતરી તો અગાઉથી જ હતી. લડાઈનો અકસ્માત તો એ નક્કી કરેલ સમાપ્તિને લટકાવવાની ખીંટી બનેલ છે. વસ્તુત: મારે તો વાર્તાને કંચનની પ્રસૂતિવાળા ૪૩મા પ્રકરણના છેલ્લા બોલ ‘બડકમદાર’ સાથે જ થંભાવી દેવી હતી. ‘સુખકારક સમાપ્તિ’ની મારી જે કલ્પના છે તે ત્યાં જ બંધબેસતી થતી હતી. કોઈ કહેશો ના કે ભદ્રાને કે ભાસ્કરને મારે હજુ આગળ લઈ જવાં જોઈતાં હતાં. નહીં, એમ કરવા જતાં મેં વાર્તાનું પ્રધાન દૃષ્ટિબિંદુ જ ગુમાવી દીધું હોત. આ વાર્તા ભદ્રાના પુનર્લગ્ન કે ચિરવૈધવ્યનો પ્રશ્ન છણવા માટે લખાઈ જ નથી. કુટુંબજીવનના ક્યારામાં ‘તુલસી’ સમી શોભતી ભદ્રાને એ ક્યારામાંથી ઉપાડી બીજે કોઈ ઠેકાણે વાવવાનું કશું પ્રયોજન નહોતું. ભદ્રાને તો જે રૂપે મેં આલેખી છે એ રૂપે જ એ મારા મનોરાજ્યમાં પરિપૂર્ણપણે જીવતી છે – ને એ રૂપે એનું જીવન મને સભરભર ભાસે છે. જીવનની એ ‘સભરતા’માં દુ:ખ ને સુખ, હાસ્ય ને આંસુ, ઉચ્છ્વાસ ને નિશ્વાસ ભેળાં જ ભર્યાં છે. એને પરણાવી દેવા જેવું કે કોઈ દવાખાનાની નર્સ નિમાવી દેવા જેવું બનાવટી જીવનસાફલ્ય બતાવીને શું કરું! ‘ભદ્રા જીવતી છે’ એમ કહ્યું તે પરથી રખે કોઈ કલ્પજો કે મેં ભદ્રાને જીવતા કોઈ માનવ-સંસારમાંથી ઉઠાવી છે! ‘વેવિશાળ’ના વાચકો તેમ જ વિવેચકોમાં પણ એ ભ્રમણા રમી ગઈ છે કે આવાં હૂબહૂ પાત્રો કોઈક જીવતાં માનવજીવનમાંથી મને જડ્યાં હોવાં જોઈએ. આ વિભ્રમ પર લંબાણથી લખવાની જરૂર છતાં અહીં એ શક્ય નથી. પણ ખાતરી આપું છું કે ‘વેવિશાળ’ કે ‘તુલસી-ક્યારો’માંનું એક પણ પાત્ર આલેખતી વેળા મારી જાણનું કોઈ જીવતું માનવી મારી નજર સામે હતું નહીં. એ બધાં પાત્રો આ બેઉ વાર્તાઓમાં સાવ સ્વતંત્રપણે જન્મેલાં, જીવેલાં, હસેલાં ને રડેલાં છે. ને મારે મન તો એ સત્ય-જગતનાં માનવીઓ જેવાં જ – બલકે એથી પણ વધુ – ‘જીવતાં’ છે. વાચકની લાગણીમાં પણ એ ‘જીવતાં’ છે. પણ તેનું કારણ એ નથી કે તેઓ કોઈ જીવતાં માનવીની તસવીરો છે. એના વાચનથી આસપાસની દુનિયાનાં અમુક માનવો યાદ આવે છે એ વાત ખરી; પણ તે તો વાચકે વાચકે જુદાં જુદાં માનવો હોય છે. એ જ બતાવે છે કે અમુક ચોક્કસ નરનારીઓ પરથી આ આલેખનો થયાં હોવાનું સંભવિત નથી. વાર્તા લખાઈ ગયા પછી એક અકસ્માત થયાનું યાદ આવ્યું છે : ‘નિરંજન’ની જેમ આંહીં પણ માસ્તર પિતા ને પ્રોફેસર પુત્ર પેસી ગયા છે. આમ કેમ બન્યું હશે? હું પણ સમજી શક્યો નથી. રાણપુર : ૨૭-૭-’૪૦ ઝવેરચંદ મેઘાણી

[બીજી આવૃત્તિ]

આ વાર્તા ‘ફૂલછાબ’માં ચાલુ હતી ત્યારે વાચકોના જે પત્રો, સમાપ્તિ કેવી રીતે લાવવી તે વિશે, આવેલા તે આ નવી આવૃત્તિમાં ‘વાચકોની કલમે’ એવા મથાળા નીચે આપી શકાયા છે. એમાંના કેટલાક કાગળોનાં લખનારનાં નામ નથી આપી શકાયાં; કારણ કે જે મૂળ કાગળો ‘ફૂલછાબ’માં નામ વગર છપાયેલા, તે અત્યારે મોજૂદ નથી. એ લખનારાઓની ક્ષમા યાચું છું. વાર્તાને જુદાં જુદાં સામયિકોમાં અને વાર્ષિક ગ્રંથસ્થ વાઙ્મયના અવલોકનમાં સારી પેઠે આદર મળ્યો છે. એ સર્વ અભિપ્રાયો સુશિક્ષિતોના-અર્વાચીનોના છે; એટલે આ વાર્તા પર કોઈક કોઈક સ્થળોએથી મુકાયેલો પીછેહઠવાદીપણાનો આક્ષેપ ટકી શકતો નથી. જૂની પેઢી સારી અને નવી ખરાબ – એવા કોઈ પણ વાદ પર આ વાર્તા મંડાઈ નથી. અમુક પાત્રો તો પોતાના પરથી આલેખાયેલાં છે એવી કુશંકાથી પ્રેરાઈને પણ કોઈ કોઈ ભાઈઓએ વાર્તા વિશે માઠો મત બાંધ્યો હશે. મેં તો પહેલેથી જ ખાતરી આપી દીધી છે કે એક પણ પાત્ર મેં કોઈ જીવતી વ્યક્તિ પરથી દોર્યું નથી; એટલું જ નહીં પણ, વાર્તા લખતાં લખતાં એવી કોઈ વ્યક્તિ મારી નજર સામે ભૂલેચૂકેય આવી નહોતી. પણ માનવીમાત્રની અંદર કામ કરી રહેલ અજ્ઞાત મનનો જો મારી કૃતિમાંયે ગુપ્ત ફાળો હોય તો હું લાઇલાજ છું, ને એના પરિણામે ટોપી કોઈ પણ માથા પર બંધબેસતી બની જઈ આંગળીચીંધણું પેદા થયું હોય તો અંત:કરણથી દિલગીર છું. સત્ય જીવનને વફાદાર બનતી કૃતિના લેખકને માર્ગે આ તો અનિવાર્ય જોખમ છે. આટલું કહેવા માત્રથી કલાકાર કંઈ છૂટી શકતો નથી, એ તો હુંય કબૂલ કરું છું. સંસારમાં પડેલી સુજનતાને સુજનતારૂપે આલેખવાથી જ શિલ્પી જેમ નિહાલ થઈ જતો નથી, તેમ જગતની ખલતા-ધૂર્તતાને એના નગ્ન-નફ્ફ્ટ સ્વરૂપે રજૂ કરવાથી જ એ કૃતકૃત્ય થતો નથી. એ ભલે શ્રદ્ધાવાન હોય તો વર્ગ-સંઘર્ષ આલેખે, કે પછી વર્ગ અને વ્યક્તિના સમરાંગણમાં શ્રદ્ધા ન ધરાવતો મારી માફક માનવ-ભાવો અને માનવોર્મિઓનાં તોફાનો આલેખે; એની કૃતિનો સાચો આંક એ કાવ્યન્યાય (‘પોએટિક જસ્ટિસ’) કેટલા પ્રમાણમાં ઉતારી શકે છે તે પરથી જ નીકળશે. રાણપુર : ૧-૧-’૪ઝ.મે.

[ત્રીજી આવૃત્તિ]

એક દિવસ મારા મુરબ્બી સ્નેહી ડૉ. હરિપ્રસાદ દેસાઈને મળ્યો. જેલમાંથી તાજા બહાર આવ્યા હતા. કહે કે, “તારું ‘તુલસી-ક્યારો’ જેલમાં વાંચ્યું. મારે એક વાત કહેવી છે : વાસ્તવ જગતની અંદર ભલે પારાવાર દુ:ખ, સંતાપ અને અગ્નિપરીક્ષા પડેલાં હો; તમે સાહિત્યકૃતિઓમાં જે પાત્રો રચો તેમના પર વધુ પડતા આકરા ન બનો, તેમની કસોટીમાં ઉગ્રતા ઓછી કરો. વીરસુત અને કંચન વચ્ચેનો વિયોગ લંબાવવા માટે તેં વીરસુતને વિલાયતમાં રોકી રાખ્યો છે, એ તો વધુ પડતી સખ્તાઈ કહેવાય. તમારાં પાત્રો પ્રત્યે તમે સર્જકો ઉદારતા સેવતા રહો.” આ શબ્દોએ પેદા કરેલું મનોમંથન હજુ સુધી શમ્યું નથી. મારાં વાર્તાપાત્રો મને પૂર્વે લાગતાં હતાં તેના કરતાં પણ, ડૉક્ટર સાહેબના શબ્દો સાંભળ્યા પછી, વધુ જીવતાં જણાયાં છે. મેં એમાંનાં કેટલાંક પર જુલમ કર્યો છે, એવું પણ થઈ આવે છે. નવી આવૃત્તિ વેળા આથી વધુ કંઈ કહેવાનું નથી. બોટાદ : ૧૯૪૬ ઝ.મે.