દરિયાપારથી.../પ્રેમનો સ્પર્શ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રેમનો સ્પર્શ

‘વેલેન્ટાઇન ડે’ – એટલેકે જેને “પ્રેમ-દિન” ગણવામાં આવે છે તે – શું વર્ષમાં એક જ હોય છે? અને ‘રોમાન્ટીક પ્લેસ’ – એટલેકે જ્યાં “પ્રેમ-રત” થઈ જવાય તેવું સ્થળ – શું દુનિયામાં એક જ હોઈ શકે? પ્રેમને વિષે જે બધાં વિચાર કરતાં હશે તે બધાંનો જવાબ સરખો જ હશે, તેમ માની શકાય. ‘વેલેન્ટાઇન ડે’ ભલે વર્ષમાં એક વાર આવે, પણ સાચા, સાદા, આનંદસભર અને ઉષ્માપૂર્ણ પ્રેમનાં સંચેદન પ્રત્યેક દિવસે અનુભવી, તેમજ વ્યક્ત કરી શકાય છે. મારે માટે પ્રેમનો અર્થ આવો છે, અને મારે માટે પ્રેમ તે જીવન આખાનો પર્યાય છે. ક્શણે ક્શણે ચિત્તમાં ઊંડે સુધી પૃથ્વના અનેકવિધ સૌંદર્યનો સ્પર્શ પામતાં રહેવાની ઈચ્છા હંમેશાં થતી રહે છે, અને પછી તે પરિણમે છે પ્રેમ અને આનંદનાં સંવેદનોમાં. મને પ્રેમ છે ધરતી માટે, અને આકાશ માટે. મને પ્રેમ છે ઘર માટે, અને માર્ગ માટે – જેમ પંખીને ગમતો હોય છે હુંફાળા માળામાં રહેવાસ, તેમજ ઊડવા માટે અમાપ અવકાશ. પંખીને પૂછીએ કે તને શું વધારે ગમે? – વાદળાંની સંતાકૂકડી, કે તણખલાંનું બનેલું ઘર? – તો એ શું કહેશે? હા, પંખીની જેમ જ હું પણ કહીશ કે મને બંને ગમે. મારા હૃદયમાં ઘરને માટે, તેમજ માર્ગને માટે ભરપુર પ્રેમ છે. વર્ષોથી હું સમગ્ર વિશ્વમાં પ્રવાસ કરતી આવી છું. આ પ્રવૃત્તિએ મને શીખવાડ્યું છે, કે લગભગ દરેક સ્થળને ચાહવું શક્ય છે. આ મનોવૃત્તિને કારણે લગભગ દરેક સ્થળ મારે માટે ઘર બની જઈ શકે છે. પ્રવાસની પ્રક્રિયાને હું પ્રેમલક્શણા ભક્તિ કહેતી થઈ છું. પૃથ્વીની ઈશ્વરે સર્જેલી સુંદરતાને પ્રેમ કરવો એટલે સર્જનહારને માટે આદર અને ભક્તિનો ભાવ હોવો. મેં એકસો-પંદર જેટલા દેશોમાં ભ્રમણ કર્યું છે. વળી, દરેક દેશમાં કેટલાં બધાં સ્થાન જોયાં હોય. તો આટલા મોટા સરવાળામાંથી કોઈ એક જ નામ કઈ રીતે કહેવું? ઉપરાંત, હું છું“એકાકિની પ્રવાસિની.” કોઈ પણ સ્થાન સાથેનો મારો સંપર્ક યુગલ તરીકે જનારાં, કે જૂથમાં જોડાનારાં સહેલાણીઓ કરતાં ઘણો જુદો હોય છે. એકલાં હોવાથી, ક્યાંય પણ, મારો આનદ ક્યારેય ખૂટતો નથી, બલ્કે ક્યારેક તો એ અતિશયોક્તિની માત્રા પર પહોંચે છે. સ્થાનોની જીવંતતા મને હંમેશાં વીંટળાઈ વળે છે, અને જરાય એકલું લાગવા દેતી નથી. સૌંદર્યને માણવા માટે, પ્રેમ-ભાવ અનુભવવા માટે, સ્થાન પોતે જ પૂરતું બનતું હોય છે. જ્યાં જાતને ભૂલી જઈ શકીએ, અને ત્યાંના જ વાતાવરણમાં રમમાણ થઈ શકીએ, તે સ્થાનને હું રોમાન્ટીક કહીશ. એક જ ઉદાહરણ આપું. પૂર્વ આફ્રીકાના ઝામ્બિઆ દેશમાં ઊંડે ઊંડે, દૂર દૂર, એના લીલા ને બદામી તળ-પ્રદેશમાં ગઈ હતી. રહેવા માટે એક લૉજ હતો, બાકી કોઈ વસાહત નહીં. પાછલી બાજુના કમ્પાઉન્ડમાં બનાવેલી છાપરીની નીચે દિવસના બધા કલાકો હું બેસી રહેતી. કમ્પાઉન્ડની ધારની નીચે જતા સૂકા ઢોળાવ પછી એવા જ સૂકા પર્વતો હતા. બધું જ સ્તબ્ધ, સ્થિર ને નીરવ. ક્યારેક બે-ચાર હરણ ઉપર ચઢી આવે. સુંદર આંખોથી મને જુએ, કાન ઊંચા કરે, અને પાછાં નીચે ઊતરી જાય. હું મનથી ને તનથી એવી તો મુગ્ધ થઈ ચૂકી હતી, કે એટલું પણ હાલીચાલી ના શકતી. જ્યાં કશું જ દુન્યવી નથી – વસ્તી, મનોરંજન, ટ્રાફીક, ઘોંઘાટ – તેવી એ જગ્યા હતી. વળી, એ વખતે લૉજમાં મારા સિવાય બીજું કોઈ જ પ્રવાસી હતું નહીં. સંપૂર્ણ રીતે વિરલ, વિશિષ્ટ જગ્યા તેમજ સમય હતાં. અને મારી ચેતના ત્યાં ધ્યાનમગ્ન સ્થિતિમાં હતી. અસાધારણ સંયોગ હતો એ – સ્થાન અને સાક્શીનો (એટલેકે મારો). ફરીથી અન્યત્ર આવા અનન્ય સંયોગના અનુભવ મને થયા છે, પણ તે ક્યારેક ક્યારેક. મોટે ભાગે તો ભ્રમણ દરમ્યાન દુનિયા, અને એની જંજાળો જ સાથે હોય, ને એમને સહન કરવાં પણ પડે જ. વળી, પ્રશ્નો પણ આવા સંદર્ભોમાં જ પૂછાય – એકલાં હો છો ત્યારે એકલું નથી લાગતું? કંટાળો નથી આવતો? ડર નથી લાગતો? ઉપરાંત, એમ પણ પૂછે, કે સરસ સૂર્યાસ્ત જુઓ ત્યારે કોઈ સાથે હોય તો વધારે ના ગમે? આ ને આવા બધા પ્રશ્નોના જવાબ પણ એકસરખા છે – ના, ના, ના રે ના. છેલ્લે, તાજેતરમાં પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ આપું છું. પ્રશ્ન હતો, “સૌથી સરસ પૂનમ તમે ક્યાં જોઈ છે?” હા, એમ તો પૂનમ તાજમહાલના પરિસરમાં રહીને પણ જોઈ છે, પૂનમ પર ઈટાલિના ફ્લૉરેન્સ શહેરના મહાદેવળની નિકટ પણ રહી છું, અને ગ્રીનલૅન્ડની ઊંચી ભેખડોની વચમાં બનતી જળાંગુલિઓ પર જતાં જતાં પણ પૂર્ણચંદ્રનો રજત ઉજાસ અનુભવ્યો છે. પણ આવું તો તે-તે સ્થાને એક એક વાર. સદ્ભાગ્ય તો એ છે કે વર્ષના ઘણા મહિનાના પૂર્ણચંદ્રનાં દર્શન મને થાય છે, મારા પોતાના ઘરમાંથી જ. ઊઠતાં, બેસતાં, અને પથારીમાં રહ્યે રહ્યે પણ રૂપેરી તેજ મને પાવન કરતું રહે છે. તે જાણે દૈવી પ્રેમનો જ સ્પર્શ. આવાં કારણોને લીધે હું માનતી થઈ છું કે પ્રેમ, આનંદ અને રોમાંચ સર્વત્ર હોય છે – અન્ય લોકપ્રિય સ્થાનો પર, તેમજ પોતાના ઘરમાં. આથી જ હું ખાત્રીપૂર્વક કહી શકું છું કે જીવનનો દરેક દિવસ ખાસમાં ખાસ ‘પ્રેમ-દિન’ બની શકે છે.