દરિયાપારથી.../વતનનું વૈષમ્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વતનનું વૈષમ્ય – 1

કેટલાંક વર્ષો પહેલાં ન્યૂયોર્કના એક જાણીતા નાટ્યમંચ પર, માર્શા નોર્મન નામની એક યુવાન, અમેરિકન લેખિકાનું લખેલું “નાઇટ, મધર” નામનું નાટક ખૂબ ખ્યાતિ પામ્યું હતું. આમ તો સીધુંસાદું નામ છે – ગુડનાઇટ, મધર, એટલેકે ‘શુભ રાત્રી, મા’. નાટક ખૂબ સરસ, ગંભીર, અર્થપૂર્ણ અને હૃદયદ્રાવક હતું. મંચ પરની ગોઠવણીમાં સાધારણ એક ઘરનો રસોડા અને બેસવાના ઓરડાનો ભાગ દેખાતો હતો. લાગે કે કોઈ પૈસાદારનું ઘર નથી. બે જ પાત્રો હતાં – મા અને દીકરી. મા આધેડ હતી, દીકરી અસુંદર અને ખૂબ જાડી હતી. એ ભણી નહતી, તેથી રસ પડે તેવી નોકરી મળી શકે તેમ નહતી. એનો પતિ એનાથી છૂટો થઈ ગયો હતો. ફરી ભેગાં થવાની કોઈ શક્યતા નહતી. એનો એક ભાઈ હતો, પણ એ તો, સ્વાભાવિક રીતે જ, પોતાના કુટુંબ સાથે બીજે રહેતો હતો. જેમતેમ મા-દીકરીનો ગુજારો નીકળતો હતો. આવી આ કદરૂપી, જાડી, નિષ્ફળ ગયેલી છોકરીને જીવવામાં રસ નથી રહ્યો. એ પોતાના જીવનનો અંત લાવવા માગે છે. નાટકની શરૂઆતમાં જ એ પોતાનો આ નિર્ણય જણાવી દે છે – માતાને, અને સાથે જ સર્વે પ્રેક્ષકોને. દોઢેક કલાકના સાવ ટૂંકા ગાળામાં, આખા આ નાટક દરમ્યાન, માતા દીકરીને સમજાવવાનાં પ્રયત્ન કર્યા કરે છે, જુદાં જુદાં કારણ આપી એનો નિર્ણય બદલવા મથે છે. એમ કે એ કદાચ પાતળી થઈ શકે, સારી નોકરી મેળવી શકે, એના વર સાથે સમાધાન થઈ જઈ શકે, એ નહીં હોય તો પછી એના દીકરાનું શું થશે?, એના ભાઈને કેવો આઘાત લાગશે, વગેરે. માતા આવાં અનેક કારણો આપતી ને બોલતી રહે છે. એ દરમ્યાન દીકરી રસોઈનું, સાફસૂફીનું, બિલો ભરવાનું વગેરે રોજિંદાં કામો કરતી રહે છે. આત્મહત્યા કરવાનો એણે નક્કી કરેલો સમય પાસે આવતો જાય છે. આક્રંદ કરીને છેવટે મા બોલી ઊઠે છે : “તો પછી મારું શું થશે? એનો વિચાર તારે નહીં કરવાનો?” આમ તો અહીં જ આ વાત પૂરી કરવી જોઈએ, આખા નાટકનો જલદ સાર અહીં સ્પષ્ટ છે. નાટકનો જ નહીં, જીવન સ્વયંનો પણ આ સાર છે. “તો પછી મારું | અમારું શું?”, એમ કહી બેસનારાંને ખાતર કેટકેટલા લોકો શરીરનો નાશ નહીં કરવા છતાં જીવ વગરનું જીવન જીવતા રહે છે. એ દરેકને કાંઈ આત્મહત્યા કરવાની ઈચ્છા ના પણ હોય. ઈચ્છા તો હોય ફક્ત સાદા-સાધારણ આનંદથી, ઉમંગથી, મોકળા થઈને રહેવાની – પણ એ બને કઈ રીતે? એ તો જાણે સ્વાર્થની વાત થઈ કહેવાય. પણ શું ખરેખર? કોઈ વ્યક્તિ જો પોતાનું જીવન પોતાના મનના આનંદ માટે જીવવા માગે તો એ સ્વાર્થ થયો ગણાય? કે અન્ય દ્વારા, પોતાની કાળજી અને સંભાળને માટે બીજાનો ‘ભોગ’ લેવાની વૃત્તિમાં સ્વાર્થ થયો ગણાય? બહુધા સ્વાર્થનો અર્થ ઘણો સીમિત અને સંકુચિત થતો હોય છે. સ્વ ઉપર નિર્ભર થવું તે ખરાબ વાત નથી. અંતમાં તો એની જ જરૂર પડતી હોય છે, તો પહેલેથી જ એને માટે પ્રયત્ન કેમ ના કરવો? આપણે ત્યાં સ્ત્રીઓને દેવી કે માતા જલદી કહી દેવાતી હોય છે, પણ મિત્ર કે સમાનધર્મા કે સરખેસરખી નહીં. સ્ત્રી નોકરી કરી શકે, કારણકે એમાં પૈસા મળે છે. આમ પગભર થઈ શકે, પણ મનભર કે દિમાગભર નહીં. સ્વાર્થ અને ત્યાગ – આ બે શબ્દોના અર્થમાં કૈંક ઓછો ન્યાય જોવા મળતો હોય છે. ખરેખર તો, અન્યોને હાનિકારક સ્વાર્થીપણું એટલું જ ખોટું છે, જેટલું સ્વને હાનિકારક ત્યાગીપણું હોઈ શકે છે. કેટલીયે કુંવારી કન્યાઓ મા-બાપની સેવા કરતાં કરતાં નિસ્તેજ પ્રૌઢા થઈ ગયેલી કોને જોવા નહીં મળતી હોય? મને થાય, તો જીવવાના એમના આનંદ માટેના એમના હક્કનું શું થયું? આનાં કરતાં પશ્ચિમમાંનાં “ઘરડાંનાં ઘર” સારાં, જ્યાં વૃદ્ધોની સગવડો સચવાય છે, એમને એકબીજાંની કંપની રહે છે, અને કોઈને માટે એ ભારરૂપ થતાં નથી. ‘પહેલું સુખ તે જાતે નર્યાં’, એમ કહેવાય છે, તે ફક્ત શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં. મનના સ્વાસ્થ્યની જરૂર એટલી જ છે, કદાચ વધારે પણ હોય. આપણે શરીર કરતાં મનને ભાંગી જતાં વધારે જોઈ શકીએ છીએ. સ્ત્રી પોતાના મતામત, શોખ કે પ્રવૃત્તિઓ છોડી દે, તો એ સાસરામાં સરસ ભળી ગઈ એમ કહેવાય છે. ગાવામાં કે નૃત્યમાં નિપુણ કન્યા પસંદ કરાય છે, પણ લગ્ન પછી (ઘણા દાખલામાં) એ નૃત્ય તો શું, ઘેર બેસીને ગળાનો સૂર પણ છેડી શકતી નથી. સંસારમાં અટવાઈ ગયેલી અગણ્ય સ્ત્રીઓ પોતાની શું, ક્યાં, કેટલી જગ્યા છે તેની સમજણ કે સભાનતા પણ ખોઈ બેઠેલી હોય છે. વ્યક્તિ પોતાના મનનો વિચાર કરે, કે વિકાસ કરે તે ફક્ત સ્વાર્થ નથી, બલ્કે એ સ્વ-ધર્મ પણ છે. કોઈએ, ક્યાંયે, ક્યારેય એક સ્ત્રીની કે એક વ્યક્તિની પોતા પ્રત્યેની ફરજની વાત નથી કરી. આમ કેમ હશે? સાચો ધર્મ તો માનવ-ધર્મ કહેવાય. દુનિયામાં બધાં મરતાંને જીવાડવા તત્પર હોય છે, પણ જીવવા ઈચ્છતાંને મરવા દેતાં હોય છે. પેલા વિચારપ્રેરક નાટકમાં એ દીકરી એની માની સચવણીને ખાતર આત્મહત્યા કરતી અટકી પણ ગઈ હોત, પણ પોતાના મનને એ જીવતદાન આપી ના શકી હોત. અંતે તો એમ જ કહેવું પડે, કે નાટકમાં જોવા મળી તેવી ઉભયપક્શી કરુણતા ને અસહાયતા જીવનની ક્રૂર વાસ્તવિકતા છે, અને દેશમાં, અને પરદેશમાં પણ, નજરે ચઢતી જ હોય છે.