દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧. મુક્તકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧. મુક્તકો

થોડા જનો ઠગાય પણ, પ્રસિદ્ધ જ્યાં તે થાય;
લક્કડના લાડુ પછી, કોઈ ન લેવા જાય.
તુજ ઘર પાણી પડે, પરઠવ ત્યાં પરનાળ;
નભ સઘળું ઢંકાય નહિ, તું તારું સંભાળ.
મન ઢોંગી મન ધૂર્ત છે, મન મેગળ મસ્તાન;
મન સુધરે તો મિત્ર છે, નહિ તો શત્રુ સમાન.
ઘટમાં જે ઘૂંટાય, છાનું છેક રહે નહિ;
બે બાંકે દેખાય, કીધાં ઢાંકણ કાંચનાં.
નિર્મળ જનને ક્યમ કરી, ગુપ્ત ભેદ કહેવાય
કમાડ જેના કાચના ગુપ્ત ચીજ ન રખાય
મરતાં સુધી મટે નહીં, પડી ટેવ પ્રખ્યાત;
ફાટે પણ ફીટે નહીં, પડી પટોળે ભાત.
જે જેને મન સહિ રહ્યું, તે તેને સુખરૂપઃ
મગરને સાગર ગમે, કચ્છપને મન કૂપ.
પ્રથમ પડાવી પુષ્પને, છેવટે છાંટે છાર;
ધમ્યું કનક ધૂળે ધરે, એ પણ એક ગમાર.
શિલા સુધારણ કાજ, સલાટ ટાંકે ટાંકણે;
ટુકડા થાય તમામ, સલાટ તેને શું કરે?
સદા સોયનું સોયથી કામ થાય,
કૃપાણે કહો કે કરી શું શકાય?
ખીલો ખુદ ધાતુ તણો, અતિ બરડ દેખાય;
જંતરડામાં નીકળે, તેમ નમ્ર તે થાય.
સત્ય સાચવે તેહને, ખળ જન શું કરનાર;
કેમ શ્વાન કરડી શકે, જે ગજ શિર અસ્વાર.
સજ્જન સમ ગણી સેવતાં, દુર્જન સુજન ન થાય
એરંડે રસ નવ ચઢે, શેલડી સંગ સિંચાય.
મૂરખ જીવ જતાં લગી છોડે નહિ છંછેડ;
મંકોડો મૂકે નહિ બચકું તૂટે કેડ.
મગજ જેહનું પવનવશ, તેનો શો વિશ્વાસ?
પવન કદિ વૃષ્ટિ કરે, કદી વૃષ્ટિનો નાશ.