દિવ્યચક્ષુ/૪૧. સહુ સહુના માર્ગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૧. સહુ સહુના માર્ગ


પધારો પંખીડાં પરદેશવાસી હો !
પધારો, મોકળી છે અમ અગાસી હો !
… … … … … … … … … … … … … …
પધારો આગળા ઊઘડે છે અંતરના !
વિરાજો દેવ સંગે દિવ્યવાસી હો !

−ન્હાનાલાલ

પોલીસ-સ્ટેશને આગ લાગે જ કેમ ? એ પ્રશ્ન ભારે ચર્ચાનો વિષય થઈ પડયો. સરકાર પક્ષનાં વર્તમાનપત્રોએ લગભગ નક્કી જ કરી નાખ્યું કે એ ચળવળિયાઓનું જ કામ હતું. પ્રજાપક્ષનાં વર્તમાનપત્રોએ યુક્તિપુરઃસર એ વાતને એવો ઝોક આપ્યો કે જાણે ત્રણ મહાન કેદીઓનું કાસળ કાઢી નાખવા માટે સરકારે અને તેમ નહિ તો તેમના હિતસ્વી નોકરોએ આગનું બહાનું કાઢયું હતું. સરકારપક્ષ એમ બૂમ મારી ઊઠયો કે ચળવળિયાઓને મજબૂત હાથે દાબી દેવા જોઈએ, કારણ પોલીસ-થાણા જેવી સતત રક્ષાયેલી ઈમારત સલામત ન રહે તો બીજું શું સલામત રહે ? પ્રજાપક્ષની સભાઓમાં એમ પોકાર ઊઠતો કે કેદીઓની જિંદગી વિષે બેદરકાર રહેલી સરકાર પ્રજાનું રક્ષણ કરવાને જ નાલાયક છે.

પોલીસખાતામાં પણ ઊથલપાથલ થઈ રહી. છૂપી પોલીસના બાહોશ અમલદારો અને અનેક મદદનીશોનાં ટોળાંએ અનેક માણસોના જવાબો લઈ અનેક નોંધો લખી મહાભારત છપાય એટલા કાગળો ભરીને કેસ તૈયાર કર્યો. કેદીઓ વિરુદ્ધ આગ લગાડયાનો ગુનો સાબિત થઈ શકે એમ સરકારી વકીલની સુદ્ધાં ખાતરી થઈ ગઈ. કેદીઓ ચળવળિયા હતા, સરકારી હુકમનો તેમણે અનાદર કર્યો હતો અને લોકલાગણી ઉશ્કેરી મૂકી હતી. ખરી કે ખોટી રીતે તેઓ રૈયતના માનીતા હતા, તેમની જાળ બધે પથરાયલી હોવી જોઈએ. સારાં, પૈસાદાર અને પ્રતિષ્ઠિત કુટુંબોની તેમને સહાય હતી, એટલું જ નહિ; પરંતુ હલકી વર્ણના અંત્યજોની સાથે પણ તેઓ સંબંધ ધરાવતા હતા. તેથી તેમનાં કાવતરાં સર્વવ્યાપી બની ગયેલાં માનવાને હરકત નહોતી.

ત્રણે કેદીઓને સાથે રાખ્યા હતા; સારી જગ્યાએ રાખ્યા હતા; તેમને મળવા-હળવાની ઘણી છૂટ આપવામાં આવી હતી. આવી સગવડનો લાભ ન લે એવા તેઓ મૂર્ખ નહોતા. આગ લાગી તે પહેલાં થોડા કલાક ઉપર જ એક મોટરમાં કેદીઓની સાથે કામ કરતી રંજન મકાન પાસે આવી થોભી હતી, અણે પોલીસના માણસે સાદ કર્યો ત્યાં સુધી ત્યાંથી ખસી નહોતી. રંજને પોતે એક કથનને ટેકો આપ્યો હતો . કેદીઓના લાભાર્થે રાખવામાં આવેલી જાળી કેદીઓએ જ તોડી પાડી હતી એ તો કેદીઓ પોતે જ કબૂલ કરતા હતા. વળી તેમણે પ્રામાણિકપણે પેલા યુરોપિયન છોકરાને બચાવ્યો હતો એમ કહેવામાં આવે તો કંદર્પ શા માટે પોલીસને દેખીને નાસી ગયો ? પોલીસને આગની ખબર આપી તેમની સહાય માગવી એ જ વધારે કુદરતી હતું – જો તેઓ ગુનેગાર ન હોય તો. પણ તેઓ ગુનેગાર હતા જ, એટલે પોલીસને દેખીને નાસવાનું કંદર્પને મન થયું; એ જ પ્રસંગ તેમનો ગુનો પુરવાર કરી આપે છે !

છૂપી પોલીસનો પંકાયેલો અધિકારી કે કસાયેલો સરકારી વકીલ આવી રીતે દલીલ કરતો, તેમાં એક જ મોટો વાંધો આવી રહ્યો હતો. મકાનમાં રહેતો ગોરો પોલીસ-અમલદાર ચાર્લી કેદીઓ વિરુદ્ધ કાંઈ પણ દલીલ સાંભળવા તૈયાર નહોતો. તે તો કહેતો જ કે :

‘જેમણે મારી પત્નીને બચાવી, બાળકોને બચાવ્યાં ને પોતાના જીવ જોખમમાં નાખ્યા, તેઓ આગ લગાડે એમ હું માનતો જ નથી.’

‘પણ તમે શા ઉપરથી કહો છો કે એ કેદીઓએ જ તમારા કુટુંબને બચાવ્યું ? તમે તો ઘરમાં જ નહોતા.’

‘તો પછી મારાં પત્નીને પૂછો.’

ઘરમાં જઈ ચાર્લીની પત્નીને ભયંકર અકસ્માતમાંથી બચી જવા માટે અભિનંદન આપી તપાસ કરનાર અમલદારે તેમને પૂછવા માંડયું :

‘આગ કેમ લાગી તે જાણો છો ?’

‘ના, મને સમજાતું નથી.’ જેને જવાબ આપ્યો. ચાર્લીની પત્નીનું નામ જેન હતું.

‘આવી રક્ષિત જગાએ આગ લાગે એમાં કાંઈક કાવતરું હોય એમ તમને લાગતું નથી ?’

‘એમ પણ હોય.’

અમલદાર ખુશ થયો. તેણે કહ્યું :

‘એમ જ છે; માત્ર આપ બરાબર સમજીને હકીકત કહો તો આ ક્ષણે જ ગુનેગાર પકડાય એમ છે.’

‘હું સમજીને જ જવાબ આપીશ.’

‘એક ભયંકર રાજદ્રોહી ચળવળને દાબી દેવામાં તમે સહાયભૂત થઈ શકો તેમ છો.’

‘તે હું જાણું છું.’

‘અમારી પાસે એવો પુરાવો થયો છે કે જનાર્દન, અરુણ અને કંદર્પે રંજનની સહાયથી આગ લગાડી.’

‘તે તમે જાણો. મને તેની ખબર નથી. હું તો આગ લાગ્યા પછીની હકીકત જાણું છું.’

‘આગ લાગ્યા પછી તમે અરુણ અને કંદર્પને તમારા મકાનમાં જોયા હતા, ખરું ?’

‘હા.’

‘તેથી જ પૂછું છું કે આ લોકોએ આગ નથી લગાડી એમ તમે કેવી રીતે કહી શકો ?’

‘ના, ના, ના ! એ લોકોએ આગ નથી લગાડી એમ હું ખાતરીથી કહું છું. ગૂંચવનારા સવાલો મને ન પૂછો.’

જેન ઉશ્કેરાઈ ગઈ; પરંતુ તપાસ કરનારાઓ એવી ઉશ્કેરણીનો સારો લાભ લે છે.

‘પણ એ તમે ખાતરીથી શી રીતે કહી શકો ? આગ લાગ્યા પહેલાં તમે તેમને જોયા હોત તો તમારું કહેવું મનાય !’

‘મારી અને મારાં બાળકોની જિંદગી બચાવનાર આગ લગાડે એવું હું કદી માની શકું નહિ.’

‘એ તમારી માન્યતા છે; હકીકત નહીં.’

‘એ જ હકીકત છે. જેણે આગમાંથી મારા છોકરાને ઉગાર્યો, બળતામાંથી મને બચાવી અને મારી છોકરીને છાતી નીચે રાખી પોતાની આંખને અગ્નિમાં સળગાવી દીધી, એ શૂરવીરોએ આગ લગાડી એમ તમારે મારી પાસે કહેવરાવવું છે ? શરમ ! શરમ !’

‘એમ ઉશ્કેરાવાનું કારણ નથી ચાર્લી ! Look here. This is the feminine hero-worship complex.’

‘અને ચાર્લી ! જો આ લોકો વિરુદ્ધ કામ ચાલશે તો હું તારી નોકરી છોડાવી દઈશ.’

‘પણ એથી કામ ચાલતું કાંઈ અટકશે નહિ.’ હસીને ચાર્લીએ જવાબ વાળ્યો.

‘કચેરીમાં શું કહેવું તે મને બરાબર આવડશે. એવો જુલમ નહિ સંખાય.’

‘અમે જુલમ કરવા માગતા જ નથી; અમે તો સત્ય ખોળવા માગીએ છીએ.’ તપાસ કરનારે કહ્યું.

‘તો મેં કહ્યું એ જ સત્ય છે. ખોટી તપાસો કરી સત્યનું નામ લજવાશો નહિ.’

‘તમને બચાવ્યાં કે કદાચ અકસ્માત હોય તો ? તમે પહેલવહેલા એ બે જણને જોયા ત્યારે એમનાં મોં કેવાં દેખાતાં હતાં ?’

‘ફિરસ્તા જેવાં.’

‘એ તો આવા લોકોની પહેલેથી જ યુક્તિ છે : મુખ ઉપર નમનતાઈ, સાકર જેવી મિઠ્ઠી ભાષા અને નમસ્કારદર્શક હસ્તસંપુટ. જુઓ, એક બાબત ઉપર બરાબર ધ્યાન આપો. તમને બારીમાંથી કંદર્પે ધક્કો માર્યો એ તો ખરું ને ?’

‘હા, મને બળતામાંથી બચાવવા માટે.’

‘એ તમારી માન્યતા ભલે હોય, પણ ધક્કો માર્યો એ વાત સાચી. હવે આગળ વધીએ. જુઓ, નીચે પેલા સરકસવાળાઓએ જાળી રાખી હતી એ તમે જોઈ હતી ?’

‘હા.’

‘તમારા પડતા પહેલા ?’

‘હા.’

‘હવે એ જ પ્રમાણે કંદર્પે જાળી જોઈ હતી એમ તમે ખાતરીથી કહી શકો છો ?’

‘હા.’

‘એણે તમને કહ્યું હતું કે જાળી દેખાય છે ?’

‘ના.’

‘ત્યારે તમે શા ઉપરથી કહી શકો છો કે એણે જાણીજોઈને જ તમને ધક્કો માર્યો?’

‘વગરજોયે મને ધક્કો મારી નીચે પાડી મારી નાખવાની એણે કોશિશ કરી એમ તમારે પુરવાર કરવું છે ?’ જેનની આંખ રાતી થઈ ગઈ.

‘એમ પણ હોય. જુઓ, મારો પ્રશ્ન મહત્ત્વનો છે; તમે પડયાં તે જ વખતે એક બીજો પણ બનાવ બન્યો. કંદર્પને પણ તમે સાથે જ ઘસડયો. એ બતાવી આપે છે કે તમારી મરજી વિરુદ્ધ એણે ધક્કો માર્યો. અને તમે…’

‘હું કાંઈ પણ જવાબ આપીશ નહિ. તમને જવાબ આપવા હું બંધાયેલી નથી; ન્યાયાધીશ પૂછશે તેને કહીશ. અને ચાર્લી ! આજ ને આજ નોકરીનું રાજીનામું આપી દે !’

જેન બોલી અને પાસે બેઠેલી પોતાની દીકરીને લઈ અંદર ચાલી ગઇ. એટલું જ નહિ પણ તત્કાળ દવાખાને અરુણને જોવા નીકળી પડી.

જેને છાપામાં પોતાની હકીકત પણ છપાવી, અને કંદર્પ તથા અરુણની બહાદુરી વિષે મુક્તકંઠે વખાણ કરી, એ બંનેને એવી પ્રસિદ્ધિ આપી દીધી કે તેમનાં વીરકાવ્યો છાપામાં છપાવા માંડયાં. બંને પક્ષનાં છાપાંને જેનનો પત્ર તો છાપવો પડયો; પરંતુ દરેક પત્રે પોતપોતાના મત પ્રમાણે જેનના લખાણને અગ્રલેખોમાં ઘટાવ્યું. પ્રજાપક્ષનાં પત્રોએ જાણે અરુણ અને કંદર્પ હિંદની સામાન્ય જનતાના નમૂના હોય એમ મોટાઈ લીધી. સરકારપક્ષનાં પત્રોએ અરુણ અને કંદર્પના શૌર્યને અપવાદ સરખા બતાવી એકાદ લીટીમાં પતાવી દઈ, જેને સરખી અંગ્રેજ બાઈની નિખાલસતા એ જ આખા પ્રસંગનું રહસ્ય હોય એમ દર્શાવી અંગ્રેજોનો સંસર્ગ એટલે તેમનું ઉપરીપણું – લાંબા સમય સુધી કાયમ રાખવાની જરૂર ઉપર ભાર મૂક્યો.

પરંતુ આને લીધે ગૂંચવાડો વધી ગયો. જેન અને તેનાં બાળકોની સાક્ષી વિરુદ્ધ પડતી હતી એટલે બધી ઘટના ગોઠવ્યા છતાં તે કાચી રહી જતી. મૅજિસ્ટ્રેટ રહીમે આગના પ્રસંગ પછી વગરજામીને આરોપીઓને છૂટા કર્યા હતા; ઉપરાંત પોતે અરુણનો મિત્ર છે એમ સરકારમાં જાહેર કરી મુકદ્દમો આગળ ચલાવવાની પોતાની અશક્તિ તેણે જાહેર કરી; એટલું જ નહિ, પરંતુ જીવના જોખમે પરાયાં સ્ત્રી-બાળકોના જીવ બચાવનાર બહાદુરો વિરુદ્ધનું કામ પાછું ખેંચી લેવાનું સૌજન્ય બતાવવા સરકારને ભલામણ કરી. રહીમ પણ દરરોજ દવાખાને જઈ પોતાના બાળમિત્ર અરુણની સારવારમાં બનતો ફાળો આપતો હતો.

એક દિવસ સવારમાં જ તેને હુકમ મળ્યો કે કેટલાક સંજોગોનો વિચાર કરી સરકારે કૃપાવંત થઈ અરુણ, કંદર્પ અને જનાર્દન વિરુદ્ધના મુકદ્દમા આગળ ચલાવવાનું માંડી વાળ્યું છે. સરકારે જે કાંઈ કરે છે તે કૃપાવંત થઈને જ કરે છે. રહીમ બીજી ટપાલ વાંચવી મૂકી તત્કાળ દવાખાને દોડયો. તે વખતે કેટલાક આશ્રમવાસીઓ પણ હાજર હતા. કૃષ્ણકાંત અને ધનસુખલાલ પણ ત્યાં જ હતા, અને જેન તથા તેની દીકરી ગરટુડ પણ આવી ગયાં હતાં. ગરટ્ડુની હાજરી હોય ત્યારે અરુણની માલિકી પોતાની જ હોય એમ તે વર્તન કરતી હતી; પુષ્પા પણ બહુ બેસે તે ગરટુડને ગમતું નહિ.

રહીમે અરુણ પાસે આવીને કહ્યું :

‘તમારા વિરુદ્ધનાં કામો પાછાં ખેંચી લેવામાં આવ્યાં છે. આજથી તું છુટ્ટો છે.’

સહુ કોઈ આ સાંભળી આનંદ પામ્યાં; પરંતુ ગરટ્ડુ તો તાળીઓ પાડી કૂદવા માંડી.

‘ગર્ટી, ગર્ટી ! શું કરે છે ?’ તેની માએ તેને વારી.

‘હવે મજા પડશે. કેમ, મેં કહ્યું તેની બધાંને કેવી બીક લાગી ?’

ગર્ટીએ પોતાનું મહત્ત્વ આગળ કર્યું. તેની ખાતરી થઈ કે તેને બીકે જ અરુણને છોડી દેવામાં આવ્યો છે.

‘પણ એમાં તને શી મજા પડી ? શું સમજીને કૂદે છે ?’ ચાર્લીએ હસતાં હસતાં પૂછયું.

‘અરુણકાંતને આપણે ઘેર લઈ જઈશું. એમને શરબત હું બનાવી આપીશ. બીજા કોઈને આવડતું નથી; બધું ખરાબ કરી નાખે છે.’

ગર્ટીને અરુણે પાસે બોલાવી ખાટલામાં બેસાડી. જરા રહીને અરુણે ગર્ટીને ઉદ્દેશીને બધાંને કહ્યું :

‘ગર્ટી ! હજી અમારી કેદ પૂરી થઈ નથી. અમારો આખો દેશ કેદખાનારૂપ બની ગયો છે.’

‘તમારા દેશને છોડાવીશું. પછી કાંઈ ? તમારે જોઈએ તે મને કહેજો ને !’

સઘળાં હસી પડયાં; પરંતુ એ હાસ્યની નીચે ગંભીર સત્ય દેખાઈ આવતું હતું. રાગદ્વેષરહિત બાળકો રંગભેદથી પર હોય છે. બાળકોની ઉદારતા જો મોટેરાંમાં હોય તો સ્વરાજ માટે સત્યાગ્રહ કરવાની જરૂર રહે નહિ.

કૃષ્ણકાંત અને ધનસુખલાલ થોડી વાર રહી ત્યાંથી ચાલ્યા ગયા. સાજા થયેલા કિસનને ઠાકોરજીનાં દર્શન કરવાનું મુહૂર્ત આજે જ હતું; તેથી સીડીની ઉતાવળ કરવા અને બધી વ્યવસ્થામાં કૃષ્ણકાંતની સંમતિ મેળવવા ધનસુખલાલ વહેલા નીકળ્યા.

નિત્ય આવતી પુષ્પાને આજે દવાખાને આવેલી ન જોવાથી રંજન પુષ્પા પાસે ગઈ. આંખ વગરનો અરુણ પુષ્પાને ગમતો નથી એમ ધારી રંજને અરુણ પાસે જવાનો પુષ્પાનો આગ્રહ સ્વીકાર્યો અને બંને દવાખાને આવ્યાં.

ગર્ટી તેને જોઈને કંટાળી :

‘આ લોકો કેમ નકામાં આવ્યાં કરે છે ! તેમાં આ એક સ્ત્રી તો તમને બહુ જ હેરાન કરે છે. ખરું ? કેટલી દવા પાય છે ? એને દયા જ આવતી નથી.’

અરુણે આંખ વિનાનું માથું હલાવી હા પાડી. તે સમજ્યો કે સુશીલા અને પુષ્પા આવ્યાં હશે. સુરભિ તો ત્યાં હતી જ. રંજન આવે એમ તે માનતો નહોતો – જેકે તેની ઝંખના તે ક્ષણે ક્ષણે કરતો હતો.

ગોરા ડૉક્ટરે આવી ખબર પૂછી. અરુણ કાયદાની ચુંગાલમાંથી છૂટયો એ ખબર સાંભળી તેણે અરુણને અભિનંદન આપ્યાં અને હસતાં હસતાં જણાવ્યું :

‘તમે સરકારના મહેમાન મટી ગયા એટલે હું પણ તમને અહીં પૂરી રાખીશ નહિ. આજથી તમે છુટ્ટા છો. હવે પથારીવશ રહેવાની જરૂર નથી. તમે સુખેથી ઘેર જાઓ.

સહુએ ડૉક્ટરનો આભાર માન્યો. અરુણની આંખ બચાવવા માટે એ ગોરા ડૉક્ટર જમીન-આસમાન એક કરી નાખ્યાં હતાં. ભૂખ, તરસ અને થાકનો વિચાર સરખો કર્યા વગર ખડે પગે તેણે કરેલી મહેનત બરબાદ જશે અને આવો યુવક આંખવિહીન બની જશે એવી ખાતરી થતાં નિરાશા અને દુઃખથી એ ડૉક્ટરે પોતાનું કિંમતી ઓજાર જમીન પર પટકી તોડી નાખ્યું. અને પોતાની બુદ્ધિને જાણે સજા કરતો હોય તેમ તેણે જોરથી પોતાના ગાલ બે હાથે ત્રણ-ચાર ક્ષણ પકડી રાખ્યા. એ દૃશ્ય સહુની આંખ આગળ તરતું હતું.

‘ડૉક્ટર !તમે મને જ જિવાડયો એ માટે હું આભારી છું; પણ આ આંખ વગરનું જીવન ન હોય તો ન ચાલે ?’ અરુણે ઉપકાર માનતા કહ્યું.

‘એ જ ભૂલ છે. આંખનું મહત્ત્વ ખરું, પણ આપણે તેને બહુ માનીતી બનાવી દીધી છે. જગત સાથેનાં સંસર્ગસ્થાનોમાંનું એ એક છે; આંખમાં જ સઘળું આવી ગયું એમ કહેવું એ બીજાં અંગોને અન્યાય કરવા સરખુંઇ છે. જગતનો સંસર્ગ તો આંખ વગર પણ રહી શકે છે.’ ડૉક્ટર જવાબ આપ્યો.

અરુણના સમાધાન માટે ઉચ્ચારેલી સંભાવના અરુણને સંતોષી શકે કે નહિ તે કોણ જાણે ! પરંતુ તેને ક્યાં લઈ જવો તેની મીઠી તકરાર તે રસથી સાંભળી રહ્યો. સુરભિ તેને પોતાને ઘેર લઈ જવા માગતી હતી; પરંતુ જનાર્દને કહ્યું :

‘એનું સ્થાન તો મારા આશ્રમમાં છે. એણે મારા આશ્રમને દીપાવ્યો છે.’

‘પણ ભાઈની સારવાર ત્યાં કોણ કરશે ?’ સુરભિએ શંકા બતાવી.

‘અમે શું એટલા બધા નકામા છીએ ?’ કંદર્પે પૂછયું.

રહીમે તોડ પાડયો :’ હમણાં અરુણને સુરભિબહેન સાથે જવા દો. એના પિતા પણ ત્યાં જ છે. તે અને અરુણ એ બંનેને થોડા દિવસ સાથે રહેવા દો. પછી એ જરા ટેવાશે એટલે આશ્રમમાં આવશે.’

રંજનને તો કોઈ બોલવાય દેતું નહોતું – કે પછી તેનાથી બોલાતું જ નહોતું? સહુએ રહીમનો અભિપ્રાય માન્ય કર્યો. અને રંજનના મુખ ઉપર આનંદ પ્રગટી નીકળ્યો; પરંતુ પુષ્પાની વિચિત્ર માગણી સાંભળી તેને આશ્ચર્ય થયું. પુષ્પાએ કહ્યું :

‘સુરભિબહેન ! પણ અરુણકાંતને ઘેર લઈ જાઓ તે પહેલાં મારે ત્યાં લાવવા પડશે.’

‘કેમ ?’

‘મેં બાધા રાખી છે કે એ અહીંથી ઊઠે એટલે પહેલાં મારા ઠાકોરજીનાં દર્શન કરે.’

રંજનને નવાઈ લાગી. પુષ્પાએ પણ રંજનની સામે જોયું. ચંદ્રને ભેટવા ધસતી બે વાદળીઓ જાણે ભેગી થઈ ગઈ !

સહુએ પુષ્પાની ઈચ્છા પ્રમાણે કરવા કબૂલ્યું અને પુષ્પા અરુણને મળ્યા વગર જ ચાલી ગઈ. બધાંને એક પ્રકારનો આનંદ થતો હતો. માત્ર અરુણની આંખ આંસુથી ભરાઈ ગઈ.

એક અંગ ઘટયું તેમાં આટલી પરવશતા ! બધાંય મારી દયા ખાય છે !…અને ઠાકોરજીનાં દર્શન હું કઈ આંખે કરવાનો ?

અરુણની આંખ ઉપર સુંવાળો રૂમાલ દબાયો. જરા રહીને અરુણે રૂમાલ ખસેડવા હાથ ઊંચક્યો, કોઈ સુંવાળો હાથ રૂમાલને પકડી રહ્યો હતો. અરુણે પોતાનો અંગૂઠો માત્ર એ હાથ ઉપર સહજ ફેરવ્યો. તેને લાગ્યું કે પોતે કોઈ પુષ્પાનો સ્પર્શ કરે છે. સુંવાળશ અનુભવવા માટે આંખની જરૂર અરુણને લાગી નહિ.

‘એ તો હું છું.’ રંજન ટહુકી.

‘રંજનગૌરી !’ ધીમેથી અરુણે પૂછયું; પરંતુ તેના પ્રશ્નમાં કોઈ સુખભર્યા આશ્ચર્યનો અર્ણવ રેલાતો હતો. ઉષામાંથી અપ્સરા ઊતરી કે પુષ્પમાંથી પરી પ્રગટી ?

‘હા. કેમ ચમકો છો ?’

અરુણની આંખ જીવતી હોત તોય તે આ પ્રસંગે આંખ મીંચી જ દેત. કેટલાંક સૌંદર્ય આંખ મીંચીને જ અનુભવાય; કેટલાક રસ આંખ મીંચીને જ ઝિલાય.

તેમાંયે આપણાં સુખસ્વપ્નો તો આંખ મીંચીએ ત્યારે જ બરાબર દેખાય છે. અરુણે કાંઈ જવાબ આપ્યો નહિ. તેની આંખો રંજનને દેખતી નહોતી; તોય જાણે તેમાં દૃષ્ટિસામર્થ્ય રહ્યું છે એમ લાગવાથી અરુણે પોતાના હાથ વડે પોતાની અંધ આંખોને પણ ઢાંકી દીધી.