દેવતાત્મા હિમાલય/૧. દેવતાત્મા હિમાલય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧. દેવતાત્મા હિમાલય

ભોળાભાઈ પટેલ

અત્યુત્તરસ્યાં દિશિ દેવતાત્મા
હિમાલયો નામ નગાધિરાજઃ |
પૂર્વાપરૌ તોયનિધી વગાહ્ય
સ્થિતઃ પૃથિવ્યા ઇવ માનદણ્ડઃ ||

‘કુમારસંભવમ્’ — કવિ કાલિદાસ

અસ્તિ ભાગીરથીતીરે…

નિધાનં ધર્માણાં કિમપિ ચ વિધાનં નવમુદામ્
પ્રધાનં તીર્થાનામલપરિધાનં ત્રિજગતઃ |
સમાધાનં બુદ્ધેરથખલુ તિરોધાનમધિયા
શ્રિયામાધાનં નઃ પરિહરતુ તાપં તવ વપુ: ||

‘ગંગાલહરી’ — પંડિતરાજ જગન્નાથ

મસૂરી એક્સપ્રેસના વાતાનુકૂલિત બીજા વર્ગની બંધ બારીના કાચમાંથી શિવાલિકની પર્વતશ્રેણી દેખાઈ. છાયાદૃશ્ય જેવી એ પર્વતશ્રેણી જોતાં કિશોરાવસ્થામાં એ પર્વતશ્રેણીએ જગવેલી રહસ્યમય વિરાટની પ્રથમ ક્ષણો સ્મૃતિમાં આવી. કેટલીક એવી સંચિત ક્ષણો રહસ્યમય કે અનિર્વચનીય જ રહે છે.

ધીરેધીરે એ પર્વતશ્રેણી પર લાલ આભા પ્રકટતી હતી. હમણાં સૂર્ય બહાર નીકળશે, પણ તેની ને અમારી વચ્ચે રેલગાડીની બંધ બારીનો આ કાચ હશે. છતાં ગાડીની બારીમાંથી સૂર્યોદય કે સૂર્યાસ્ત જોવાનો આનંદ જુદો જ હોય છે. રેલગાડીની વેગવંત ગતિમાં આપણે સ્થિર હોઈએ અને સૂર્ય પ્રસન્ન ગતિએ પ્રવેશ કરતો હોય કે પછી શ્રાન્તપદે ડૂબી જતો હોય. આ દૃશ્ય ઘરની બારીમાંથી જોઈએ ત્યારે જુદું, જરા ઘરેલું લાગે.

સવારના છ થવા આવ્યા હતા. ગઈ કાલે સવારે આ સમયે અજમેર આવવામાં હતું. અરવલ્લીની પર્વતમાળા ચઢીને સૂર્ય જાણે આકાશમાં કૂદવાની તૈયારી કરતો હતો. આજે એ સૂર્ય હિમાલયને ઓળંગવામાં હતો.

હવે અડધા કલાકમાં હરદ્વાર આવશે.

હરદ્વાર કે હરિદ્વાર? કે પછી ગંગાદ્વાર?

હરદ્વાર કહો તો હર યાને શિવનું દ્વાર. એટલે કે કેદારનાથને માર્ગે જવાનું દ્વાર. હરિદ્વાર કહો તો હરિ યાને કૃષ્ણ કે વિષ્ણુનું દ્વાર એટલે બદરીનાથને માર્ગે જવાનું પણ દ્વારા ગંગાદ્વાર કહો એટલે ગંગાનું આ ભૂમિ પર પ્રવેશદ્વાર તો સ્વામી આનંદ તો કહેશે કે, હરની જટા હિમાલયનું પ્રવેશદ્વાર તે હરદ્વાર, બધાં નામ સાર્થક છે.

પ્રભાતના આ દેશયથી મનમાં પ્રસન્નતા આવી ગઈ. અમદાવાદથી હરિદ્વારની બારસો કિલોમીટર લાંબી બે દિવસની પ્રવાસની ક્લાન્તિ જતી રહી. હરિદ્વાર સ્ટેશન આવી ગયું. બહુ ભીડભાડ ન લાગી.

ગુજરાતી ભવનમાં એક ઓરડો અગાઉથી રખાવ્યો હતો. આચાર્ય અમૃતલાલ યાજ્ઞિક હરદ્વારના આ પ્રસિદ્ધ ગુજરાતી ભવનના એક ટ્રસ્ટી છે, અને વર્ષમાં એકબે વાર મહિનો માસ હરિદ્વાર નિવાસ કરે છે. આ દિવસોમાં અહીં છે.

રિક્ષાવાળાને કહ્યું કે, અમને ગુજરાતી ભવન લઈ જા. એક-બે જણ રાજી ન થયા. કારણ સમજાયું નહીં. પછી લાગ્યું કે નજીકમાં જ ભવન હોવું જોઈએ. એક રિક્ષાવાળાએ અમારો સામાન રિક્ષામાં ગોઠવી દીધો. પછી કહે : આપ ગુજરાતી ભવન મેં ઠહરના ચાહતે હૈં? વહાં તો કોઈ અચ્છી સુવિધા નહીં હૈ. ગરમ પાની ભી નહીં મિલતા. બહુત ભીડ હોતી હૈ. મેં આપકો અચ્છી હોટલ મેં લે જાઉં. કિરાયા ભી બહુત નહીં હૈ. ગંગાજી કે કિનારે હૈ… વગેરે એ બોલતો ગયો. પણ અમે તો ગુજરાતી ભવનમાં જ જવાનો આગ્રહ રાખ્યો. એક વખત મનમાં વિચાર જરૂર આવ્યો કે, ચલો એવું જ હોય તો હોટલમાં જ જતાં રહીએ, પણ એક વાર ગુજરાતી ભવનમાં તો જવું જ જોઈએ.

પાંચમી કે છઠ્ઠી મિનિટે તો ગુજરાતી ભવનનો ખાંચો આવી ગયો. ઓછું ભાડું મળે એટલે રિક્ષાવાળા જલદી તૈયાર થતા ન લાગ્યા. પછી તો વ્યવસ્થાપક શ્રી કાકુભાઈ દ્વારા એ પણ ખબર પડી કે બધી હોટલોએ રિક્ષાવાળાને સાધેલા હોય છે. આપણા ગુજરાત બાજુના પ્રવાસી હોય અને સ્વાભાવિક રીતે જ ગુજરાતી ભવનમાં ઊતરવા ઇચ્છતા હોય તેમને આ લોકો ભરમાવી દે.

ગુજરાતી ભવનમાં અમુક દિવસોમાં અવશ્ય ભીડ તો રહેવાની જ, પણ એના વ્યવસ્થાપકો આવેલા યાત્રિકોને ઊતરવાની કોઈ ને કોઈ વ્યવસ્થા કરી આપે, કંઈ નહીં તો તત્કાલ પૂરતી. પછી તો ઓરડા ખાલી થાય તેમ મળતા રહે.

ભવનના સ્વાગત કક્ષમાં પહેલાં તો અમને પણ દાસકાકા દ્વારા એમ જ કહેવામાં આવ્યું કે, ઓરડો તો મળી શકે એમ નથી. થોડો સમય સામાન મૂકવાની વ્યવસ્થા કરીએ. પછી અમે કહ્યું કે, શ્રી યાજ્ઞિક સાહેબને લખીને અમે પંદર દિવસ પહેલાં રૂમ રિઝર્વ કરાવ્યો છે. તમે અમારું નામ જુઓ.

જાતજાતના યાત્રિકો આવતા હતા અને જતા હતા. બધે બિસ્તરાં-પોટલાં દેખાયા કરે. આ પણ એક દૃશ્ય છે. થોડી વાર પછી અમને કહ્યું કે, હા, તમારે માટે ઓરડો રાખ્યો છે. આ મુખ્ય મકાનનો રસ્તો પાર કરીને બાજુની ગલીમાં ગુજરાતી ભવનના જ નવા બ્લોક છે. રૂમ નંબર પપ. અમને ઓરડો મળી ગયો.

ઓરડામાં આવ્યા. આટલી ઓછી રકમમાં આટલી વ્યવસ્થાવાળો ઓરડો ભાગ્યે જ મળે. ગરમ પાણીની પણ ભરપૂર વ્યવસ્થા, પરંતુ ગંગાજીને કિનારે આવીને નળના પાણીથી નાહવાનો વિચાર શા માટે કરવાનો હોય? અલબત્ત બધાંને ગંગાનાં શીતલ જળમાં સ્નાન અનુકૂળ ન પણ હોય. પુષ્યલાભ કે પાપક્ષયને લોભે એકાદ વાર પગથિયે બેસી ગંગાસ્નાનનો સંતોષ માનનાર ઘણા યાત્રિકો હોય છે.

પરંતુ, અમેય તે બે દિવસના પ્રવાસનો શાક ઉતારવા પહેલાં તો આ ગરમ પાણીનો જ લાભ લીધો. બકુલ અને એનાં મમ્મીને પણ એ વધારે માફક આવી ગયું. નવા બ્લોકની બાજુમાં નીચે નાનકડી હોટલ છે. ત્યાંથી ગરમ ગરમ ચા અને નાસ્તાની વ્યવસ્થા કરી લીધી. પછી તો અમે પણ હરિદ્વારની સવાર જેટલાં જ પ્રફુલ્લિત બની ગયાં.

પછી, સૌથી પહેલું કામ અમૃતલાલ યાજ્ઞિકસાહેબને મળવાનું કર્યું. ગુજરાતી ભવનમાં આખું કુટુંબ રહી શકે એવડા અને બધી સગવડવાળા બ્લોક્સ પણ મળે છે. યાજ્ઞિકસાહેબ આવા એક બ્લોકમાં હતા. અમે ગયા ત્યારે એ તડકામાં બેસીને વાંચતા હતા. તેમણે સ્નેહથી અમારું સ્વાગત કર્યું. મુંબઈની જેમ અહીં પણ એમના મુલાકાતીઓ વધારે, મુલાકાતીઓનો પ્રકાર અને પ્રશ્નો જુદા હોય. અમે હતાં ત્યાં ઇસ્કોનના એક ભક્ત ગોપીનાથ તેમને મળવા આવ્યા. પછી વડોદરાના જશવંતસિંહ ચૌહાણ આવ્યા. રાજકારણમાં આગળ પડતા આ સજ્જન યાજ્ઞિકસાહેબના વિદ્યાર્થી હતા. તેમણે પોતાના છાત્રજીવનની અને તેમાંય યાજ્ઞિકસાહેબ સાથે કરેલા અજંતા-ઇલોરા પ્રવાસની વાત કાઢી.

અમે થોડા દિવસ હરિદ્વારમાં રહેવાનાં હતાં. થોડા દિવસના આ પ્રવાસને અધિક ફળદાયી કેમ બનાવી શકાય એની તેમણે ચર્ચા કરી. પછી એમણે કહ્યું : આપણે દશ વાગે ગંગાસ્નાન કરવા જશું. તમે આવી જજો.

ઠંડી તો હતી, પણ ગંગાસ્નાન કરવું જ હતું. યાજ્ઞિકસાહેબે કહ્યું કે, પહેલાં જરા ઠંડી લાગશે, પણ પછી સ્ફૂર્તિ આવી જશે. એમની વિદાય લઈ અમે નીચે ઊતરી હરિદ્વારની ઊભી સડકે થોડાં ચાલ્યાં. ત્યાં બકુલે પોતાના રસના કેન્દ્ર તરફ ધ્યાન દોર્યું. થિયેટર હતું. ફિલ્મ હતી : ‘રામ તેરી ગંગા મૈલી.’ બકુલે કહ્યું : આ ફિલ્મમાં ગંગાની શરૂઆત થાય છે ત્યાંથી જ બધાં દૃશ્યો છે. બકુલે ફિલ્મ ના જોઈ હોય એવું બને?

ઉતારે આવી, નાહવાનાં વસ્ત્રો વગેરે લઈ ગુજરાતી ભવનના કાર્યાલયમાં આવ્યાં. યાજ્ઞિકસાહેબ રાહ જોતા બેઠા હતા. અમે ગંગાના કિનારા ભણી ચાલ્યાં.

આ ક્યારનો હું ‘ગંગા ગંગા’ કરું છું, પણ હરિદ્વારમાં કોઈ એમ સાંભળે તો નારાજ થઈ જાય. ગંગાજી અથવા ગંગામૈયા કહેવું રહ્યું. જો કે આપણે ગંગા કહીએ એટલે એમાં અસમ્માનનો ભાવ નથી જ હોતો.

ચાલતા ચાલતા આર્યનિવાસના પ્રાંગણમાં થઈ, ત્યાંથી નીચે પગથિયાં ઊતરી ગંગાઘાટ પર.

પાણી એકદમ સ્વચ્છ. પેલી ફિલ્મ સાથે અહીંનો જરાયે અનુબંધ નહીં. ગંગા શુદ્ધીકરણ યોજના અભિયાન શરૂ થઈ ગયું. સ્વચ્છ પાણી જોતાં માત્ર રાજી રાજી થઈ જવાય. આ ઘાટે નાહવાની વ્યવસ્થા સારી છે. વેગવંત પ્રવાહમાં ખેંચાઈ ન જવાય માટે ઘાટનાં પગથિયાંની અંદર સુધી સળિયાની આડશ છે. બહેનો માટે પણ આ જ ઘાટે, વચ્ચે દીવાલ રાખી અલગ વ્યવસ્થા કરી છે.

પહેલે પગથિયે પગ દેતાં પહેલાં નમીને મૈયાનાં પાણી માથે ચઢાવ્યાં. પાણીમાં હાથ બોળતાં એની શીતલતાનો ખ્યાલ આવી ગયો. અતિ વેગથી આ બદ્ધ પ્રવાહ વહી જતો હતો. યાજ્ઞિકસાહેબે તો યુવાનની સ્ફૂર્તિથી જળપ્રવેશ કર્યો. હું એક એક પગથિયે ઠંડીથી કંપતો પછી આડશ પકડી ગળાડૂબ પાણીમાં ઊભો રહ્યો. કેટલો આનંદ! એક વાર પાણીમાં ડૂબકી મારી સવગે ગંગાવારિનો સ્પર્શ પામી ધન્યતા અનુભવી રહ્યો.

હવે તો બહાર નીકળવાની ઇચ્છા જ ન થાય. બકુલને બહુ ટાઢ વાતી હતી, પણ હુ હુ કરતાં એનેય અંદર ખેંચ્યો. એનાં મમ્મી પણ પાણીમાં ઊતરી સ્નાન કરી રહ્યાં. હું તો ગળાબૂડ પાણીમાં ઊભો રહી ગંગાનાં જળથી ગંગાની અર્ચના કરી રહ્યો. પછી આકાશમાં દેખાતા સૂર્યદેવને ગંગાનાં જળથી અંજલિ આપી. એનું હોવું અત્યારે ગંગાનાં જળને સ્નાનક્ષમ બનાવતું હતું. મેં તો ગંગાલહરીના શ્લોકનો પાઠ શરૂ કર્યો : નિધાન ધર્માણાત્… જે ધર્મનું નિધાન છે, તીર્થોમાં મુખ્ય છે, ત્રણ લોકનું સ્વચ્છ પરિધાન છે, એ ગંગા અમારા દુન્યવી તાપને દૂર કરો.

ગંગાનાં પાણી દેહને સ્પર્શી, આલિંગી ચોતરફ વહી રહ્યાં હતાં. મનમાં કોઈ ધર્મભાવ ન હોય તોપણ આ સ્વચ્છ વેગવંત જળમાં સ્નાન બાહ્યભીતર પ્રસન્નતા જગાવનાર હતું. ગંગામૈયાના ઉછંગમાંથી નીકળવાનું મન થતું નહોતું.

હરિદ્વારમાં પ્રાતઃકાલનું ગંગાદર્શન અને સાયંકાળનું ગંગાદર્શન આનંદ તો આપે જ છે, એક વિશિષ્ટ પ્રકારનો દિવ્ય બોધ પણ જગાડે છે. જાણે કોઈ કારણ વિના જ ચિત્તમાં પ્રસન્નતા પ્રસરી જાય છે. હર કી પૌડી એટલે હરિદ્વારમાં આવેલા સૌ યાત્રિકોનું સાંધ્યવેળાનું એકમાત્ર ગંતવ્ય સ્થાન. ગંગાની સાયં આરતી વખતે સાક્ષી બનવાનું સૌને ગમે છે.

ગુજરાતી ભવનથી અમે સાંજવેળાએ ચાલતા હર કી પૌડી ભણી નીકળ્યાં. આ સાંજે પણ યાજ્ઞિક સાહેબની આગેવાની હતી. આગેવાની શબ્દ મોટો છે. એ મૈત્રીભાવે જ મળે છે. બકુલને પણ એમની સાથે ગોઠી ગયું હતું. મારાં પત્નીને પણ ઉત્સાહભેર વાતો કરતાં જાય.

હજી તો પાંચ સાડા પાંચ થવામાં હતા, પણ સૂર્ય ડૂબવાની તૈયારી કરતો હતો. અમે પુલ વટાવી સૌ પ્રથમ તો નીલધાસ ભણી ચાલ્યાં. આ નલધારા એ જે ગંગાની અસલ ધારા. અત્યારે મુખ્ય પ્રવાહ જેમાં વહે છે એ તો છે નહેર. સો વર્ષ એને પણ થઈ ગયાં છે.

યાજ્ઞિકસાહેબ અનેક સંતો, સંન્યાસીઓની, યાત્રિકોની વાતો કરતા રહે. એમણે વાતવાતમાં સ્વામી આનંદની વાત કાઢી. સ્વામી આનંદ જેવા હિમાલયપ્રેમી-ગંગાપ્રેમી દેશમાં કેટલા હશે? સ્વામીએ તો ગાંધીજી સાથે વર્ષો સુધી કામ કરેલું. સંન્યાસી ખરા, પણ પ્રવૃત્તિમય સંન્યાસી. ભગવાં વસ્ત્ર પણ ન પહેરે. એકદમ નિસ્પૃહી. એક દૃષ્ટાંત આપ્યું. એક શાન્તાબહેન સ્વામી આનંદના ભક્ત હતાં.

એમણે હરિદ્વારમાં એક આવાસ બંધાવ્યો. સ્વામીના હાથે પ્રવેશવિધિનો કાર્યક્રમ યોજ્યો હતો. સ્વામી આવ્યા પણ ખરા. આવાસનું નામ ‘આનંદનિવાસ’ કોતરાયેલું જોતાં જ તરત પાછા વળી ગયા!

હરિદ્વારમાં સ્વામી, સંન્યાસી, સંત, મંડલેશ્વરની કદી કમી રહી નથી, પણ આવા સંત કેટલા? ગંગાને કિનારે અમે ચાલતાં હતાં. સ્વામી જે સ્થળે સ્નાન કરતા તે ઘાટ બતાવ્યો. અત્યારે એ ઘાટ પર ઘણા યાત્રીઓ અને સાધુસંન્યાસીઓ હતા. ગંગાનો વેગવંત સ્વચ્છ પ્રવાહ પ્રસન્નકર હતો.

હજી સૂરજ આથમ્યો જ હતો કે એ પ્રવાહમાં ક્યાંક ક્યાંક દીવા તરતા આવતા હતા. અમે ઝડપ વધારી, બકુલનાં મમ્મીને ખેંચાવું પડ્યું.

સામેનો બીજો પુલ ઊતરી અમે હરકી પૌડીના સ્થાને પહોંચી ગયાં. હર કી પૌડીને હર કી પૈડી પણ કહે છે. પૈડી એટલે પાયરી, પગથિયાં. મનસાદેવીના ડુંગરના ઢોળાવવાળા માર્ગેથી આવતા ગંગાપ્રવાહ સુધી પહોંચવા પગથિયાં છે. અમે નીલધારાને માર્ગે આવ્યાં હતાં. સમગ્ર ભારતને એક સ્થળે જોવું હોય તો આવી કોઈ સાંજે હર કી પૌડી પહોંચી જવું. દેશના ખૂણેખૂણેથી ધનિક, ગરીબ, ગૃહસ્થ, સંન્યાસી, યુવા, વૃદ્ધ, સૌ જોવા મળે. એક ગંગામૈયા જ સૌને ખેંચી લાવે છે. એ મહાપ્રવાહમાં અમે પણ ભળી ગયાં.

હર કી પૌડીના બ્રહ્મકુંડમાં ઘણા યાત્રિકો સ્નાન કરતા હતા. આરતી થવાની થોડી વાર હતી. અહીં ગંગામૈયાનું મંદિર છે. ગંગોત્રીમાં પણ છે. ગંગામૈયા જ્યાં મૂર્તિમંત પ્રવાહરૂપે ચાક્ષુસ અને સ્પર્શક્ષમ હોય ત્યાં વળી મંદિરની જરૂર ખરી? પણ છે. જોકે અહીંના સમગ્ર વાતાવરણની જો કશુંક વિરુદ્ધ હોય તો તે છે બિરલાનો ટાવર. આખા વાતાવરણને બેડોળ અને વરવું બનાવે છે. છતાં એ પણ છે.

બકુલ ચાર દીવા લઈ આવ્યો. દીવા પેટાવી અમે ગંગાના પ્રવાહ પાસે ગયાં. બીજા અસંખ્ય દીપકો તરતા જઈ રહ્યા હતા. અંધારું ઊતરતાં વેગવંત પ્રવાહમાં પોતાની શક્તિ જેટલો પ્રકાશ પાથરતા કંપતા જતા હતા. એક એક દીવાની નિયતિ આગવી. કોણ કેટલે પહોંચે છે! કોઈ તરત જળનિમગ્ન થઈ જાય, કોઈ બુઝાઈ જાય, કોઈ ઝાપટ ખમતો દૂર સુધી પહોંચી જાય. ગંગામાં આ દીપદાન એ જ તો ગંગાજીની પૂજા. હર કી પૌડીનું આ સનાતન કાવ્ય છે. પેઢી દર પેઢી અસંખ્ય યાત્રિકો આવતા ગયા છે અને દીપ વહાવતા રહ્યા છે. ગંગાની ધારા વહેતી રહેશે ત્યાં સુધી હરસંધ્યાટાણે આ દીવા પણ પ્રકટતા રહેશે. આ હિન્દુધર્મની શ્રદ્ધાના દીવા છે.

બકુલે, બકુલનાં મમ્મીએ, યાજ્ઞિકસાહેબે અને મેં દીવા તરતા મૂક્યા, પણ જુઓ : મેં જેવો દીવો મૂક્યો કે પાણીની છાલક વાગતાં બુઝાઈ ગયો. ફરી બીજો દીવો તરતો કર્યો. એને દૂર સુધી વહેતો ઉદ્વેગ દૃષ્ટિથી જોઈ રહ્યો.

દરમિયાનમાં તો હર કી પૌડીનાં સામેનાં પગથિયાં, ટાવરવાળો દ્વીપ અને પુલ યાત્રિકોથી ભરાઈ ગયાં હતાં. આરતીની ભવ્યતા માણવી હોય તો પુલ પર ચઢીને જોવું રહ્યું. ત્યાં લાઉડ સ્પીકરના અપ્રિય અવાજો ગુંજતા થયા.

અને થોડી વારમાં ઘંટનાદ બજી ઊઠ્યા. આરતી શરૂ થઈ. મોટી આરતી સાથે પૂજારીઓ ગંગાના મંદિર આગળ દેખાયા. તેઓ સ્રોતસ્વરૂપા ગંગાજીની આરતી ઉતારી રહ્યા. આરતીની જ્યોતો એકબીજામાં ભળી એક ઊંચી દીપશિખા બની જતી હતી. પાણીના પ્રવાહમાં એ દીપશિખાઓનું નર્તન, ઘંટનાદનું ગુંજન અને યાત્રિકોનો સસ્વર આરતીપાઠ એક ભવ્ય વાતાવરણ સર્જતાં હતાં. આ વખતે અહીં ઊભેલાં સૌ સાચેસાચ એકતાર બની ગયાં હતાં. એવું લાગ્યું કે, ભાગીરથી કંઈ નહીં તો આ ક્ષણો પૂરતી તો સૌના હૃદયમાં વહી રહી છે.

આરતી એકસાથે પાંચ મંદિરોમાં થાય. આરતીનાં દર્શનનો આનંદ એ ગંગાસ્નાનના આનંદથી જરાય ઊતરતો નહીં. એકાએક ઘંટનાદ શમી ગયા. આરતી પૂરી થઈ હતી. ધીમે ધીમે ભીડ વિખરાવા લાગી. ભીડ વચ્ચે બકુલ એનાં મમ્મીને જે રીતે સાચવીને પગથિયાં ઉતરાવતો હતો – મા-દીકરાની સન્નિધિનું એ દૃશ્ય ગમ્યું. આવાં દૃશ્યો આ તીર્થસ્થાનો પર વિરલ નથી.

અમે પછી હરિદ્વારના બજારમાં થઈને નીકળ્યાં. કશી ઉતાવળ નહોતી. રસ્તે બંગાળીઓનું એક મંદિર આવ્યું. ગંગાકિનારે જ છે. એ ઘાટ બંગાળી ઘાટ તરીકે ઓળખાય છે. અમે મંદિરમાં તો જઈ આવ્યાં પણ પછી આછા અંધારામાં એ ઘાટ પર ઊભાં રહ્યાં. વળી પાછું કર્ણાટકવાળાનું મંદિર આવ્યું. ત્યાં પણ ડોકિયું કરી હાથ જોડી દર્શન કર્યાં. સાત વાગ્યે તો અમે ગુજરાતી ભવન પર આવી પહોંચ્યાં. કોઈ પ્રાચીન મહાકાવ્યનો એક સર્ગ વાંચ્યો હોય એવી અનુભૂતિ આ વખતે મને હતી. કંઈ કેટલીયે ઉપમાઓ, કલ્પનો, ભાવો મનમાં આવતા હતા. સમગ્રપણે એક ઉદાત્તનો – સબ્લાઇમનો અનુભવ હતો. ઠંડી ઊતરી પડી.

હરિદ્વારનાં કેટલાંક મહત્ત્વનાં સ્થળોનાં દર્શન કરવાનું અમે વિચારી રાખ્યું હતું. ઘોડાગાડીવાળા કે રિક્ષાવાળા આપણને એવાં નિયત સ્થળોએ લઈ જાય, થોડી ગાઇડની ફરજ પણ બજાવે. ગુજરાત ભવનના કાકુભાઈએ અમને રાજુ રિક્ષાવાળાનો ભેટો કરાવી આપ્યો. એ સાથે અમારા હાથમાં દર્શનીય સ્થળોની એક સૂચિ પકડાવી દીધી. રાજુ રિક્ષાવાળા સાથે વાત થઈ ગઈ અને અમે નાનકડા રંગીન પરદા ઝુલાવતી એની રિક્ષામાં હરિદ્વાર જોવા નીકળ્યાં.

હરિદ્વારમાં મંદિરોની ખોટ નથી, જુદા જુદા પંથોના અખાડાઓની ખોટ નથી. મહેલોનાં પ્રવેશદ્વાર હોય એવાં કેટલાંક તો અખાડાઓનાં પ્રવેશદ્વારા પણ જાણે હવે આ બધાંનો વૈભવ ક્ષીણ ન થઈ ગયો હોય! એક-બે મંદિરોમાં જઈ દર્શન કર્યો, પછી અમે રાજુને કહ્યું કે, હવે અમને સીધા કનખલ ભણી લઈ જા.

આપણા પુરાણોમાં હરિદ્વાર કરતાં કનખલની જ ચર્ચા વધારે આવે છે. મને તો કનખલનો ઉચ્ચાર કરતાં કાલિદાસના મેઘદૂતનો પેલો શ્લોક ‘તસ્માદ્ ગથ્થરનુકનખલમ્’ યાદ આવે. એમાં યક્ષ મેધને કુરુક્ષેત્રની સરસ્વતીને તીરેથી પછી તરત કનખલ નજીક શૈલરાજ હિમાલયથી ઊતરતી જાનવી પાસે પહોંચવાનું કહે છે. કાલિદાસે કનખલ પાસેથી વહેતી જાનવીને જરૂર જોઈ હશે.

પણ આજે તો કનખલ પાસે ગંગાની એક પાતળી ધારા વહે ન વહે એમ વહે છે. અહીં ગંગા પૂર્ણપણે વહેતી હોત તો અહીંનું દૃશ્ય કંઈક જુદું જ હોત. રાજુએ કનખલમાં લાવીને રિક્ષા ઊભી રાખી.

આ કનખલ શબ્દની વ્યુત્પત્તિ જુદી રીતે કરવામાં આવે છે. ‘ખલઃ કો નાત્ર મુક્તિ વૈ ભજતે તત્ર મજ્જનાત્, અતઃ કનખલં’ તીર્થ નામ્નાચ કુ મુનીશ્વરાઃ’ – એવો કોઈ ખલ નથી, જે અહીં ગંગાસ્નાન કરીને મુક્તિ ન પામે, પણ હવે તો અહીં સ્નાનક્ષમા જાહ્નવીની ધારા જ ક્યાં રહી છે? કનખલમાં દક્ષ પ્રજાપતિનું મંદિર છે. દક્ષયજ્ઞ અને સતીના દેહત્યાગની ઘટનાનાં ચિત્રો અંકિત છે. આપણા પુરાણોની આ એક અતિમહત્ત્વની કથા કનખલ સાથે જોડાયેલી છે.

દક્ષ પ્રજાપતિની કન્યા સતી સાથે શિવનું લગ્ન થયું હતું. એક વાર દક્ષના આગમન છતાં શિવે એમના પ્રત્યે આદર ન બતાવતાં અપમાનિત દક્ષે એક યજ્ઞ આદર્યો, જેમાં શિવ સિવાય સૌને આમંત્રણ હતું. નારદ દ્વારા આ યજ્ઞની ખબર પડતાં સતીએ પિતાને ત્યાં જવાનો આગ્રહ કર્યો. પિતાને ત્યાં વળી નિમંત્રણની શી જરૂર? પણ શિવ તો દક્ષના યજ્ઞઆયોજનનું પ્રયોજન સમજી ગયા હતા. એમણે સતીને જવાની ના પાડી, છતાં સતી ગયાં. યજ્ઞ ચાલતો હતો. સતીનું આગમન પિતાને ન ગમ્યું. તેઓ શિવ વિશે અપમાનજનક વચનો કહેવા લાગ્યા. યજ્ઞની જ્વાળામાં પડી સતીએ દેહત્યાગ કર્યો.

આ બાજુ શિવને આ ઘટનાની ખબર પડતાં તેમણે વીરભદ્રની આગેવાનીમાં પોતાના ગણો મોકલ્યા. તોડીફોડી દક્ષયજ્ઞનો ભંગ કરવામાં આવ્યો અને ઉન્મત્ત બનેલા શિવ સતીના મૃતદેહને ખભે લઈ તાંડવ નૃત્ય કરી રહ્યા. કોઈ પણ રીતે એ સતીના મૃતદેહને છોડવા તૈયાર નહોતા. પછી વિષ્ણુ આદિ દેવોએ તીરોથી એ દેહને વિસર્જિત કરવાનો ઉપક્રમ રચ્યો. આખા દેશમાં મૃત સતીનાં અંગ વિખેરાયાં. એ બધાં પછી શક્તિપીઠો બન્યાં. આ સતીનો બીજો અવતાર તે પાર્વતી.

કનખલમાં આવતાં એવું લાગ્યું કે, એક સમયે આ બધી ઘટનાઓની આ ભૂમિ હશે. ત્યારે દેવો સદેહે આ સ્વગપમ સ્થાનોમાં વિચરણ કરતા હશે અને આવી અદ્ભુત ઘટનાઓ ઘટતી હશે.

રાજુ રિક્ષાવાળાએ એક વૃક્ષ તરફ અમારું ધ્યાન દોર્યું. એક નહીં, પણ ચાર વૃક્ષ. ચાર વૃક્ષ ભેગાં ઊગ્યાં હતાં. પીપળો, વડ, બીલી અને પીપળ, પીપળો તે વિષ્ણુ, વડ તે બ્રહ્મા, બીલી તે શંકર અને પીપળ તે વીરભદ્ર. બકુલનાં મમ્મી એ વૃક્ષ નીચે ઊભાં હતાં. બકુલે ફોટો પાડી લીધો.

અહીં બાજુમાં મા આનંદમયીનો આશ્રમ છે. વચ્ચેના માર્ગોમાં થઈ અમે ત્યાં ગયાં. બહુ સુંદર સ્થાન. અમે ગયાં ત્યારે કેટલાક ભાવિકો ગીતાપાઠ કરતાં હતાં. અમે પણ એમાં થોડી વાર માટે જોડાયાં. આશ્રમમાં નવા નવા ખંડો બનતા જાય છે.

પછી, ત્યાંથી રાજુએ રિક્ષા ચલાવી મૂકી. રિક્ષાવાળા યાત્રિકોને બિલ્વકેશ્વર લઈ જતા નથી. બીજાં તીર્થોના રસ્તાથી જરા ઊફરા જવું પડે છે, પણ એ સ્થળ ઘણું રમ્ય છે. થોડું પહાડી પર ચઢવાનું રહે છે. અહીં ગૌરીકુંડ છે. અમે થોડી વાર ત્યાં બેઠાં. એક સાધુ મહારાજ રસદબુક લઈને દાન લેવા આવી પહોંચ્યા. અહીં એમને મોટું મંદિર બનાવવાની ઇચ્છા છે.

હવે હરિદ્વારનગર પાર કરી પૂર્વ દિશા ભણી ગયાં. અનેક આશ્રમો આવતા ગયા, પણ અમને જે ગમી ગયો તે સપ્તઋષિ આશ્રમ. વૃક્ષોની સુંદર ઘટા, શાંત સ્થળ, અનેક મંદિર મુખ્ય, તેમાં શંકરનું મંદિર. સાત ઋષિઓને નામે સાત કુટિરો છે. આ સાત ઋષિઓ કોણ? મંદિરમાં એક શ્લોક લખ્યો હતો. જેનો અર્થ છે કે, અહીં સાત મંત્રદ્રષ્ટા મહાભાગ તપસ્વી ઋષિઓ વસતા હતા : કશ્યપ, ભારદ્વાજ, ગૌતમ, અત્રિ, જમદગ્નિ, વશિષ્ઠ. વિશ્વામિત્ર. આ સાત દેવર્ષિઓ ઉપરાંત મહાભાગ અરુંધતી પણ રહેતાં હતાં.

પરંતુ વિશેષ વાત તો એ છે કે, અહીં ગંગા સાત ધારાઓમાં વિભક્ત થઈને વહે છે. અહીં ગંગાનું પ્રકૃત રૂપ છે. કહે છે કે, આ બધા ઋષિઓ તપ કરતા હતા અને ગંગાજીનો પ્રવાહ ભગીરથને અનુસરતો ત્યાં થઈને નીકળ્યો. ઋષિઓ તો ધ્યાનમાં હતા, એટલે ગંગાજીને સાત ધારામાં વહેંચાઈને વહેવું પડ્યું!

આ બાજુએ એક પરમાર્થ આશ્રમ છે. સાધુબેલા આશ્રમ છે. એક પાવનધામ છે. અહીં દેવદેવતાની મૂર્તિઓ કાચના ટુકડાઓથી બનાવવામાં આવી છે. હનુમાનની આવી એક વિરાટ મૂર્તિ છે. તે ઉપરાંત કૃષ્ણ અને અર્જુનનો રથ છે. યાત્રિકોને આ બધું જોવામાં રસ પડતો હતો, પણ કોણ જાણે મારી રુચિને બંધ બેસે નહીં. બધી મૂર્તિઓ કલાભાવના પર ભારે આઘાત કરતી હતી.

એવો જ પ્રતિભાવ ભારતમાતા મંદિર જોતાં થયો. સૌથી પહેલાં તો એ પ્રશ્ન મનમાં આવ્યો કે, આ સ્થળે આટલી ઊંચી ઇમારત બાંધવાની અનુમતિ કોણે આપી હશે? કયા સાધુ મહારાજે, કયા સુખી ગૃહસ્થોને આવું મંદિર બાંધવા માટે ધન વહાવવાની પ્રેરણા આપી હશે? એક તો સાંકડી જગ્યા છે, આજુબાજુ દુકાનો ઊગી ગઈ છે, જે સપ્તધારાના નૈસર્ગિક દૃશ્યનો આપઘાત કરે છે, પણ આ સ્થળ એટલું જ યાત્રિકોને ખેંચે છે અને લિફ્ટથી ઉપર ચડવા લાંબી લાંબી લાઈનો જામે છે.

આ બહુમાળી મંદિરમાં મજલે મજલે જુદાં જુદાં દેવીદેવતાઓ છે. અમે ગયાં ત્યારે લિફ્ટ બંધ થઈ ગઈ, એટલે થોડા મજલા ચાલીને ઉપર ચઢતાં ગયાં. બકુલ છેક ઉપર જઈ આવ્યો. એટલો લાભ થયો કે ઉપરના મજલેથી ગંગાની સપ્તધારાનો અને હિમાલયની શિવાલિક પર્વતમાળાનો દૂર સુધીનો રમ્ય વિસ્તાર જોઈ શકાયો. નીચે ઊતરી પ્રાંગણમાં દાતાઓની કોતરાયેલી નામાવલિ જોઈ.

ચરોતરના પટેલોનાં નામ સૌથી વધારે લાગ્યાં. આટલી સાત મજલાની ઇમારત, પણ યાત્રિકોને આજુબાજુ નિરાંતે બેસવાની જગ્યા નહીં. કોઈ જાડી કલ્પનાનું પરિણામ છે આ ઇમારત.

રાજુએ ત્યાંથી રિક્ષા ચલાવી. અમે દૂધાધારી આશ્રમે પહોંચ્યાં. દરવાજા પર એક લારીમાં તાજા મૂળા. મૂળા કાપી મસાલો ભરી લારીવાળો વેચતો હતો. એ મૂળાનો સ્વાદ સાચે જ રહી ગયો છે. આ આશ્રમમાં શ્વેત આરસપહાણનાં મંદિરો છે. અહીં ગોશાળા છે. પ્રવેશ પછી તરત વૃક્ષો છે. મંદિર કરતાં આ વૃક્ષોની શીતળતામાં બેસવાની કોઈને કદાચ વધારે ઇચ્છા થાય.

એક આશ્રમ ગાયત્રીની ઉપાસનાને કેન્દ્રમાં રાખે છે. અહીં અનેક ઓરડાઓ છે અને યાત્રિકોને રહેવાની સુવિધા છે. આયુર્વેદમાં વર્ણિત અનેક વનસ્પતિઓને ઉગાડવામાં આવી છે. અહીં તાંત્રિકોની સારી ભીડ રહે છે.

મને થયું કે, આશ્રમોની આ પ્રવૃત્તિ ચાલશે તો હરિદ્વાર અને ઋષિકેશ વચ્ચેની આખી રમ્યભૂમિ વિરૂપ ઇમારતોથી ભરાઈ જશે. અને એ દિવસો બહુ દૂર નથી. હરિદ્વારની પરિક્રમા કરાવી રાજુની રિક્ષા પાછી વળી. ગુજરાત ભવનમાં પહોંચ્યાં ત્યારે બપોર ઢળવા લાગી હતી.

સાંજે તો હર કી પૌડી.

હરિદ્વારથી એક દિવસ માટે ઋષિકેશ જઈ આવવાનો વિચાર કર્યો હતો. વહેલી સવારે તૈયાર થઈ બસ સ્ટેશને પહોંચી ગયાં. થોડી વારમાં જ એક બસ આવી. પૂછ્યું : ‘ઋષિકેશ જશે?’ હા પાડી. તરત અમે ગોઠવાઈ ગયાં. સાડાસાતે તો બસ ઊપડી.

થોડે સુધી તો ગઈકાલવાળો રસ્તો. પેલી ન ગમતી ભારતમાતાના મંદિરની ઊંચી ઇમારત દેખાતી હતી. પછી જંગલ શરૂ થયું. જંગલ હતું તો આછું, પણ બકુલનાં મમ્મીને ગાઢ વન જેવું લાગ્યું. માર્ગમાં બે નાની નદીઓ મળી. ઠંડો પવન હતો, પણ સહૃદય.

હરિદ્વારથી ઋષિકેશ બહુ દૂર નથી. ચોવીસ-પચીસ કિલોમીટર, પણ આખો પરિવેશ જાણે બદલાઈ જાય છે. નગાધિરાજ હિમાલયની ઉપત્યકામાં આવીને ઊભવાનો અનુભવ થાય છે. જોકે હરિદ્વારની ઇમારત-આશ્રમનિર્માણની વૃત્તિ અને પ્રવૃત્તિ ઋષિકેશ સુધી પહોંચી ગઈ છે.

ઋષિકેશના બસ સ્ટેશનથી એક રિક્ષા કરી લીધી લક્ષ્મણઝૂલા સુધી. લક્ષ્મણ ઝૂલા પહેલાં ઊતરી ગયાં. જાણે ઉત્તુંગ હિમગિરિની છાયામાં અમે હતાં. ચાલતાં ચાલતાં એમ થતું હતું કે આ માર્ગે કેટલા યાત્રીઓ કેટલા યુગોથી ગયા હશે? ખરેખર તો આ બધા ચાલવા માટેના માર્ગો છે. એક એક ડગલે યાત્રિક ઊંચો ચઢતો થાય.

ગંગા દેખાઈ હતી. પહાડો વચ્ચેથી બહાર મેદાનમાં આવતી ગંગાનું કેવું રમ્ય રૂપ! નદીનું પણ આવું રૂપ હોઈ શકે? એટલે કાલિદાસ જેવા કવિને નદી એટલી નારી લાગી છે. હરિદ્વાર-ઋષિકેશની ગંગાને એમણે કાં તો જલુષિની કન્યા કે શિવપ્રિયા તરીકે ઓળખી છે. ગંગાની અહીં વયઃ સંધિ છે. કૂદતી કિશોરી અને અલસગમના યુવતી – બંને અવસ્થાઓની સંધિ છે.

અહીં ગંગાનો એવો વળાંક છે, જાણે તલવાર! આધુનિક ઉપમા કહેવી હોય તો સ્ટેઇનલેસ સ્ટીલની તલવાર. સ્વચ્છ નીલ પાણી. ઠંડા પવનની લહરીઓમાં પણ ગંગાનું આ બંકિમ લાલિત્ય મનને મોહી રહ્યું. ઓછામાં પૂરું પર્વતમાળા પરથી સૂર્યના લાંબા પ્રકાશસ્તંભ પથરાતા જતા હતા. અડધી ગંગા પર્વતમાળાના પડછાયામાં હતી અને પછી થોડા ભાગ પર સવારનો ઠંડો તડકો પથરાયો હતો. પથ્થરો વચ્ચે વહેતી ગંગાનું કલસંગીત સંભળાતું હતું. આ સુંદર સ્થળે ભિખારીઓ ગોઠવાઈ ગયા હતા. કેટલાક યાત્રિકો દાન આપી પુણ્ય અર્જન કરતા હતા. લક્ષ્મણઝૂલાને છેડેથી ગંગાનાં દર્શન આ સવારે મનને ઊંડે સુધી પહોંચી ગયાં.

અહીં જે મંદિરો છે તેમાં, ભરતજીના મંદિરનો વિશેષ મહિમા છે. પણ આવાં રમ્ય – ભવ્ય પ્રકૃતિસ્થળોમાં દિવ્યતા ચક્ષુગોચર-શ્રુતિગોચર હોય છે. મંદિરની મૂર્તિઓમાં કદાચ એવો અનુભવ ન થાય, તેમ છતાં આપણી પૌરાણિક સંસ્કૃતિની એક રહસ્યમય આબોહવા આ જૂનાં મંદિરોમાં અનુભવાય. સ્વામી આનંદ અને કાકાસાહેબ કાલેલકરે ઈ. સ. ૧૯૧૨માં હિમાલયનો પ્રવાસ કરેલો, પગપાળા. કાકાસાહેબનું ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તક અને સ્વામીનું ‘હિમાલયનાં તીર્થસ્થાનો’ પુસ્તક અનેક વાર જાણે વાંચીએ. ઋષિકેશની વાત કરતાં કરતાં ભરત-રામનાં મંદિરોની વાત પરથી આપણી પ્રાચીન ધર્મપરંપરાના ચિંતનમાં સ્વામી સરી પડે છે. સ્વામીએ લખ્યું છે : જ્યાં સુધી ઓગણીસ કરોડ (એ વખતે એટલી સંખ્યા હશે) હૃદયોમાં રામકૃષ્ણનું નામ ભૂંસી નથી નખાતું, જ્યાં સુધી આપણા ઘરમાં રામાયણ અને મહાભારત છે, ત્યાં સુધી હિંદુઓનું રાષ્ટ્રીયત્વ ભૂંસી નાખવા કોઈ સમર્થ નથી…’

ભૌતિક જગતની પ્રવૃત્તિઓમાંથી અહીં આવતા સંવેદનપટુ યાત્રિકને આવા વિચારો આવે. અમે ગંગાના બે કાંઠાને જોડતા એ પુલને જોઈ રહ્યાં. પછી એ પુલ ઉપર.

એકદમ જોરદાર ઠંડા પવનની લહેરો આવવા લાગી. બે બાજુ પર્વતમાળા, પૂર્વની થોડી દૂર. ત્યાંથી વચ્ચે રચાતા અવકાશમાંથી ગંગા પર થઈ આ લહરીઓ આવતી હતી. પુલ પર તડકો હતો. ત્યાં બકુલે ફોટો લેવાની ઇચ્છા કરી. કંપતા પુલ પર કંપાવતા પવનમાં બકુલે એનાં મમ્મીના ફોટા લીધા. ત્યાં ઊભા રહી મા દીકરાને આ લક્ષ્મણ ઝૂલાની કિશોરાવસ્થામાં મેં કરેલી યાત્રાનાં સ્મરણ કહી સંભળાવ્યાં. તે વખતે વન વધારે ગાઢ હતું, સ્થળ વધારે નિર્જન હતું. આ પુલ નીચે એક સવારથી બપોર સુધી ગંગાસ્નાન કરેલું. મે મહિનાના દિવસો હતા. મને બધું યાદ આવતું હતું. પુલ પર ઊભા રહી પૂર્વ ભણી જોતાં ગંગા એક હતી, પશ્ચિમ ભણી જોતાં ગંગા બીજી ભાસતી હતી. એક જાણે કિશોરી છે, બીજી જાણે હવે યુવાવસ્થામાં પ્રવેશી રહી છે. શાંત, ધીર, ગંભીર છતાં પ્રચ્છન્ન રૂપે ચંચલ. પુલની સામે પાર જ્યાં પહાડીના આંબાછાયા ઢોળાવ હતા, ત્યાં ઊંચી ઊંચી ઇમારતો થઈ ગઈ છે, તેમાં એક છે : પાંચ-છ માળનો કૈલાસ આશ્રમ. ભીડ ભીડ થઈ ગઈ છે.

પુલ પાર કરી એ તરફ ન જતાં પૂર્વ દિશામાં ઘાટનાં પગથિયાં ઊતરી ગંગાની ધારે જઈને બેઠાં. એકદમ સ્વચ્છ જળ. પ્રસાદ ગણી ગંગાજળ પીધું. મન ગંગાના ઉપરવાસ ભણી ગતિ કરતું હતું. પહાડોમાં વહેતી ગંગાને કાંઠે કાંઠે ચાલતું તે ગંગોત્રી સુધી પહોંચી જતું હતું. ગિરિમાળાની પૃષ્ઠભૂમિમાં આ સ્થળેથી ગંગાદર્શન જાણે કર્યા જ કરીએ. લક્ષ્મણઝૂલાની પૂર્વની ગંગા જાણે જુદી જ. પછી લક્ષ્મણ ઝૂલાની પશ્ચિમે આવ્યા. ત્યાં ઝૂલાનાં દોરડાં પર દોડતા મર્કટોએ બકુલને પ્રસન્ન કરી દીધો.

ઠંડી હોવા છતાં મને આ સ્થળે સ્નાન કરવાની ઇચ્છા થઈ આવી. ગંગાસ્નાન કરતાં ઠંડી ભલે ચઢી ગઈ, પણ સ્નાનનો રોમાંચ રહી ગયો. સ્નાન કરતાં સૌ સ્નેહીઓનું સ્મરણ કરી લીધું. પછી પગથિયાં ચઢી ગરમ કૉફી પીવાનો આનંદ લીધો. હોટલના બાંકડા પર બેસી એક પરદેશી કન્યા એની ડાયરીમાં નોંધો કરી રહી હતી.

પછી અમે સ્વર્ગાશ્રમ ભણી ચાલ્યાં. લગાતાર આંબાનાં ઝાડ અને યાત્રિકોને વિશ્રામ કરવાના બાંકડા. ગંગાની આ દક્ષિણ બાજુ. કાકાસાહેબના ‘હિમાલયના પ્રવાસ’માં બાબા કાલીકમલીવાળાની ધર્મશાળાનું અને એ સંસ્થાની વ્યવસ્થાઓનું વર્ણન વાંચ્યું હતું. સ્વર્ગાશ્રમની કાલીકમલીવાળાની ધર્મશાળાની સ્વામી આત્માનંદજીએ સ્થાપના કરી હતી. એના પ્રાંગણમાં થોડો વિરામ કર્યો.

ભોજનવેળા થઈ હતી. અહીં ઢાળ ઊતરતાં ગંગાકિનારે ચોટીવાળાની પ્રસિદ્ધ લૉજ છે. ત્યાં જમી લીધું. વળી પાછા ગંગાકિનારે કિનારે ભ્રમણ. બકુલ અને એનાં મમ્મીને મેં ગંગાસ્નાન કરવા પ્રેરિત કર્યા. આટલે આવીને એમ જવાય? એમણે પણ સ્નાન કરી લીધું.

પ્રસિદ્ધ ગીતાભવન. થયું કે, અહીં તો થોડા દિવસ રહેવું જોઈએ. ફરતાં ફરતાં કોતરેલા શ્લોકો વાંચતાં જ ગીતાપાઠ પણ થતો રહે. ગીતાપ્રેસની એક ગીતા ખરીદી. અહીં હમણાં ગંગા શુદ્ધીકરણનો કાર્યક્રમ ચાલે છે. ગંગામાં વહેતી ડ્રેનેજોને બંધ કરી, નવી ડ્રેનેજો બનતી હતી.

અહીં પરમાર્થ-નિકેતન છે. થોડે દૂર મહર્ષિ મહેશ યોગીએ સ્થાપેલ શંકરાચાર્યનગર છે, પણ એ ઊંચાઈએ આવેલું છે. અમે ત્યાં ન ગયાં. એને બદલે ગંગાઘાટનાં પગથિયાં પર બેસી ગંગાના પ્રવાહ સાથે યાત્રિકોના પ્રવાહને જોતાં રહ્યાં.

અહીંથી સામે પાર જવા મોટર બોટ ચાલતી હતી. અમે મોટર બોટમાં બેસી ગયાં. નદીમાં વહેવાનો જુદો જ અનુભવ હોય છે. જાણે બે બાજુ બાંધતા કિનારેથી છૂટી ગયા, પણ એ તો થોડી વાર માટે. પછી ઊતરવું તો કિનારે જ પડે છે. લક્ષ્મણ ઝૂલા પર ચાલીને ગંગા પાર કરતાં એના ચંચલ કિશોરી કન્યા રૂપના આખરી અણસાર જોયા હતા. થોડે દૂરથી હવે નૌકામાં બેસીને એને પાર કરતાં એવું લાગ્યું કે, એવી તે કઈ ક્ષણે આ કન્યા મુગ્ધા યુવતી બની ગઈ છે! જહુનુકન્યા ગંગા શિવપ્રિયા બની ગઈ છે.

કાળીચૌદશનો દિવસ હતો. હરિદ્વારથી આજે દહેરાદૂન થઈ મસૂરી જવાનું વિચાર્યું હતું. હરિદ્વારથી મસૂરી બસો પણ દોડતી હોય છે, પણ ખાનગી પ્રવાસી કંપનીઓ ટેક્સીઓ પણ દોડાવતી હોય છે. અમે એક આવી ટૅક્સીનું નક્કી કર્યું હતું. સવારે લઈ જાય, સાંજે મુકામ પર પાછા લાવી દે.

એકાદ દિવસ માટે મસૂરી જેવા ગિરિમથકે જઈ આવવું એટલે, ત્યાં જઈ આવવાના સંતોષ કરતાં ત્યાં વધારે કેમ ન રહ્યા એનો અસંતોષ જ લઈને આવવા જેવું છે, પરંતુ થોડા સમયનું ભલે, આવા સુંદર સ્થળોનું પ્રથમ દર્શન હંમેશાં યાદ રહી જાય છે. ફરી જઈશું એવું મનોમન કહીએ છીએ, પણ એમ ક્યાં જવાય છે? અને જઈએ તો પ્રથમનો વિસ્મયાભિભૂત મનોભાવ ક્યાં હોય છે?

વર્ષો પહેલાં દહેરાદૂન સુધી તો ગયો હતો, પણ મસૂરીની તો ત્યાંથી માત્ર કલ્પના જ કરી હતી. એટલે આ વખતે એક દિવસ તો એક દિવસ, પણ જઈ આવવાનું રાખ્યું. હિમાલયનાં ગિરિનગરોમાં સૌથી વધારે સુંદર કયું હશે? સિમલા, મસૂરી, નૈનીતાલ, દાર્જિલિંગ કે છેક પૂર્વોત્તરનું શિલોંગ? આ ગિરિનગરોને પોતાની ઊંચાઈનાં સૌંદર્ય અને ભવ્યતા તો છે, પરંતુ એ પણ નગાધિરાજ હિમાલયનાં અનેક ઉન્નત બરફ આચ્છાદિત ચિરંતન મૌનમાં ડૂબેલાં શિખરોનાં દર્શન માટેની પીઠિકા બને છે. દાર્જિલિંગની ટાઇગર હિલ પરથી હિમાલયનાં શિખરોનાં પલપલ પરિવર્તિત રંગરૂપ જોવા કેટલા સૌદર્યપ્રેમીઓ રોજ વહેલી સવારે ત્યાં ઊભા હોય છે, ઉત્સુક આંખે, કાશ્મીરમાં, ગઢવાલ કુમાઉમાં ફરતાં પણ આ શિખરો ભવ્યતાનો સાક્ષાત્કાર કરાવતાં રહે છે.

ટૅક્સીમાં અમારી સાથે મુંબઈના એક ઍડવોકેટ અને એમનાં પત્ની હતાં. હરિદ્વારથી ઋષિકેશને માર્ગે થઈ પ્રથમ દહેરાદૂન ભણી. ઋષિકેશ પછીનો માર્ગ રમ્ય છે, પણ વચ્ચે માઈલો સુધી સડકનું મરામત કામ ચાલતું હોવાથી ડાઇવરઝન ઘણાં આવ્યા. અમારે દહેરાદૂન રોકાવાનું હતું, પણ અમને દહેરાદૂનનું એક સુંદર નૈસર્ગિક સ્થળ બતાવવાનું હતું. સડકથી એ માટે ફંટાવું પડે છે. એ સ્થળ તે સહસ્રધાર.

વાંકાચૂંકા, ઊંચાનીચા માર્ગેથી અમે સહસ્ત્રધાર આવી પહોંચ્યાં. અહીં કેટલા બધા ટૂરિસ્ટ કોચ, ટેક્સીઓ આવીને પડ્યાં હતાં. ચારે બાજુની પહાડી વચ્ચે એક બાજુએથી સ્વચ્છ પાણીનો ઝરો પથ્થરો પર જાય છે. સામે પર્વતની આખી લીલી પીઠ સહસ્ત્રધારાઓમાં ઝમ્યા કરે છે. ઝરાનું પાણી એટલું સ્વચ્છ હતું કે તેમાં પગ ઝબકોળ્યા વિના રહેવાયું નહીં. બકુલ પણ જ્યાં પર્વત દ્રવતો હતો, એ તરફ ગયો. અહીં યાત્રિકોને રહેવાની પણ સુવિધા છે.

પછી તો દેહરાદૂનના રાજમાર્ગો વટાવતી અમારી ટેક્સી અમને નગરના પ્રાણીસંગ્રહાલયમાં લઈ ગઈ, પણ અમને એ પ્રાણીઓમાં રસ નહોતો. અમારે જલદીથી મસૂરી પહોંચી જવું હતું એટલે તરત નીકળી પડ્યાં. બહુ સરસ માર્ગ શરૂ થયો. પણ એથી વધારે નિમંત્રક તો દૂર ઊંચે પહાડ પર દેખાતું મસૂરીનું ગિરિનગર. ત્યાં પહોંચવા સુધીમાં તો ઘણા વળાંકોમાંથી ગુજરવું પડ્યું. આવા વળાંકોએ ઘણી વાર વાહનચાલકોને અન્યથા ઉત્તેજિત કરે એવી સૂચના હોય : ‘બી જેન્ટલ ઑન કર્વ્ઝ’ કર્વ્ઝ – વળાંકોનો શ્લેષાર્થ નીકળે. રસ્તામાં વળાંકો કે પછી નારીના દેહના વળાંકો? ટ્રાફિકવાળાઓમાં પણ રસિકતા હોય છે.

મસૂરીની ઊંચાઈએ અમે ચઢતાં ગયાં. આ બધાં ગિરિનગરો અને આ બધા માર્ગો એક રીતે તો અંગ્રેજોનો વારસો. સ્થળોનાં નામકરણોમાં જૂની ઇમારતોમાં, દેવળોમાં એ થોડો સચવાયો છે. અમારી ટેક્સી નગરની બહાર ઊભી રહી. ત્યાં તો પગ રિક્ષાવાળાઓ દોડતા આવી ગયા. રિક્ષાવાળા આખું નગર બતાવે, પણ આ ઊંચાનીચા માર્ગો પર રિક્ષા ચલાવવી એટલે બે ખેંચનાર અને બે ટેલનાર જોઈએ. મોંઘી પડે. અમે પગે જેટલું ફરી શકાય એટલું ફરવાનું વિચાર્યું.

બપોર થઈ ગઈ હતી. પહેલું કામ તો જરા જમવાનું. હરિદ્વારથી આચાર્ય અમૃતલાલ યાજ્ઞિકે અમને અહીંની એક હોટલના માલિક અને સંચાલિકા પર ચિઠ્ઠી લખી આપી હતી. હોટલનું નામ હોટલ પધિની. સંચાલિકાનું નામ હર્ષદા વોરા. મુંબઈનાં ગુજરાતીબહેન.

ટૅક્સીસ્ટેન્ડથી થોડેક જ દૂર મુખ્ય માર્ગથી જરા નીચેના માર્ગે આ હોટલ આવેલી છે. અમે ત્યાં પહોંચી ગયાં. જમવા માટે ભરપૂર ગુજરાતી થાળી. રૂમો પણ હતી. અમારે રહેવાનો પ્રશ્ન તો હતો જ નહીં, પણ રહી પડ્યાં હોત તો ગમ્યું હોત.

હર્ષદાબહેનને અમે થોડા સમયમાં જોવાયોગ્ય સ્થળો વિશે પૂછ્યું. મસૂરી જનારનું એક મોટું આકર્ષણ તો કેમ્પટી ફૉલ્સ. અહીંથી ૧૫ કિલોમીટર દૂર. પણ આ ફૉલ્સ – ધોધવા જોનાર અને એની નીચે સ્નાન કરનાર કે દૂરથી એની જલફુહારોથી ભીંજાનાર કેમ્પટી ફૉલ્સની પ્રવાહી સુંદરતાની વાત કરતાં ઉત્સાહમાં આવી જાય. દીપ્તિ, રૂપા એ રીતે ભીને અવાજે એનું વર્ણન કરે છે.

પણ અમે કેમ્પટી ફૉલ્સ જઈ શકીએ એમ નહોતાં. અમે ઊંચી મસૂરીના સૌથી ઊંચા સ્થળ ગનહિલ પર જવું વિચાર્યું. હોટલ પદ્મિનીથી થોડે દૂર રોપવેનું ટર્મિનલ છે. માલરોડની છેડે છે. અમે માલરોડના છેડાથી ગનહિલ જતા તાર – રોપવે પર પસાર થતી ટ્રોલી જોઈ. એમાં બેસીને જવાનું છે એ વિચારતાં મારાં પત્નીને શરૂમાં જરા ડર લાગ્યો હતો. અમારે સૌને માટે રોપ-વે દ્વારા ઊંચાઈએ ચઢવાનો આ પ્રથમ અનુભવ હતો. હરિદ્વારમાં મનસાદેવીની ટેકરી પર ચઢવા આવો રોપ-વે છે, પણ ત્યાં જવાનો કાર્યક્રમ હજી બાકી છે. આવતી કાલે દિવાળીને દિવસે જવાનો ખ્યાલ છે.

ખરેખર તો આવાં ગિરિનગરો પર ચાલવાનો જ આનંદ હોય છે. શિલોંગના કે દાર્જિલિંગના ઊંચાનીચા વળાંકોવાળી ચીડ, દેવદારનાં વૃક્ષોથી શોભતા અને પર્વતોની પૃષ્ઠભૂમિ ધરાવતા માર્ગો વિઠંભ આલાપ માટે પણ અનુકૂળ બની રહે છે. આ ઊંચાઈએથી નીચે દેખાતી મસૂરીની દુનિયા પણ રમ્ય લાગતી હતી, પરંતુ થોડા દિવસ રહીએ તો એનાં માર્ગોની મોહકતા પમાય.

થોડી વાર ઊભાં ત્યાં અમારો વારો આવી ગયો અને અમે ટ્રોલીમાં બેસી ઉપર જવા લાગ્યાં. અવકાશમાં ઝૂલવાનો આ અનન્ય અનુભવ હતો. જોતજોતામાં તો અમે ગનહિલના ટર્મિનલ પર પહોંચી ગયાં.

જેવાં બહાર આવ્યો કે સામે પૂર્વ દિશા તરફ જોતાં સ્તબ્ધ. દેવતાત્મા હિમાલય પથરાઈને પડ્યો હતો.

માત્ર આ દર્શન માટેય મસૂરી આવવું સાર્થક બની ગયું. નજર ડાબી તરફથી જમણી તરફ ફેરવો, જમણીથી ડાબી તરફ ફેરવો અને બરફથી છવાયેલાં ઉન્નત શિખરોને જોયા કરો. ઓછામાં પૂરું આજે આકાશ ભૂરું હતું. એ દૂરનાં શિખરો સાથે ક્યાંક વાદળ હતાં.

આ હિલ પર દૂરબીનવાળા હતા. દૂરબીનમાંથી પ્રવાસીઓને આ શિખરોના નૈકટ્યનો અનુભવ કરાવે. નરી આંખે દેખાવા છતાં નજીકથી જોવાનો લોભ થયો. દૂરબીનવાળા ઓળખાણ પણ કરાવતા ગયા. સામે દેખાય છે તે જમનોત્રી, પછી બંદરપૂંછ, પછી શ્રીકંઠ, પછી ગંગોત્રીપિક, કેદારનાથ રેંજ, ડાબી બાજુએ સિમલા રેંજ.

એક વાર દૂરબીનથી જોયું તે બરાબર. પણ હવે મારે એ શિખરોની મોઢામોઢ થવું હતું. ભલે માઈલોનું વ્યવધાન. પરંતુ તેમના ઉચ્ચ શ્વેત પાવનત્વનો અનુભવ થતો હતો. એક રીતે આ વિરાટનું દર્શન હતું. મને દાર્જિલિંગમાં થોડી ક્ષણો દેખાયેલા કાંચનજંઘાની યાદ આવતી હતી. દાર્જિલિંગ ગયાં ત્યારે સતત ત્રણ દિવસ ધુમ્મસનો સાગર લહેરાતો રહ્યો હતો. બરફનો પહાડ જોવાનું સ્વપ્ન ક્ષણેક માટે મળેલું એય તે શું ઓછું હતું? પણ આજે તો આખી ક્ષિતિજ ભૂરા આકાશ નીચે ખુલ્લી છે. વચ્ચે ક્યાંક વાદળનાં વિમાન હતાં.

ગિરિનગર એટલે હોટલો તો હોય જ, પણ આ ગનહિલ પર એટલી બધી કેબિનો થઈ ગઈ છે કે આપણને ગમે નહીં. પ્રવાસીઓ છલકાતા હતા. રંગબેરંગી વસ્ત્રો ફોટાવાળાઓ પાસેથી પહેરી યુવતીઓ તસ્વીરો પડાવતી હતી. એમાં ગુજરાતી અવાજો સંભળાતા હતા. સામે હિમાલય છોડી આ તસ્વીરોમાં વ્યસ્ત આ કન્યાઓ-યુવતીઓ હતી. એ પણ જીવનનો ઉલ્લાસ ગણવો! અમે ચા પીધી.

હું અમારા નાના ગ્રુપમાંથી પણ છૂટો પડી એક બાજુએ એકલો જઈ નગાધિરાજનું દર્શન કરતો બેઠો. તડકો તો પથરાયેલો હતો. કાલે ગંગાનાં દર્શન હતાં, આજે હિમાલયનાં. બકુલને કેમલબેક ભણી જવું હતું. એડવોકેટ અને સાથી એમનાં પત્ની તથા બકુલ ચાલતાં એ તરફ ગયાં.

અમે પતિ-પત્ની રોપ-વેથી નીચે ઊતરી ગયાં. અમારી પાસે થોડો સમય હજી હતો. થોડાક માર્ગો પર, બજારમાં, એકાદ મંદિરમાં દુકાનોમાં જઈ આવ્યાં. કોઈ કોઈ સ્થળેથી પૂર્વસ્થિત પર્વતશ્રેણી દેખાઈ જાય. ઢોળાવો પર વસેલાં ઘર, ઇમારત, હોટલો સારાં લાગતાં હતાં. કેમ્પટી ફૉલ્સ ન જઈ શકવાનો મારા મનમાં વસવસો હતો. પણ સાંજ પડ્યે તો નીકળી જવાનું હતું.

સાંજ પણ પડી ગઈ અને એ સાથે એકદમ ટાઢ ઊતરી આવી. બકુલ અને લોકો બહુ લાંબી પ્રદક્ષિણા કરીને થાક થાક કરતાં આવી ગયાં. ત્યાં અમારો ટેક્સીવાળો ગાયબ. ઘણા બધા ટેક્સીવાળા ઊપડી ગયા હતા. ટાઢ તો એકદમ વધી ગઈ. બીજા કેટલાક ટેક્સીવાળાઓએ મદદ કરી, પેલાને શોધી લાવ્યા. થોડી વારમાં તો અમે દહેરાદૂનને વટાવી ઋષિકેશના માર્ગે હતાં. અંધારું થયું હતું. તેમાંય કાળીચૌદશનું અંધારું, છતાં આંખો સામે રહી રહીને શ્વેત બરફથી આચ્છાદિત હિમાલયની દિગંતવ્યાપી ગિરિમાળા ઝબકી જતી હતી.

રાત્રે અમે હરિદ્વાર પાછાં આવી ગયાં ત્યારે ગુજરાતી ભવનમાં યાત્રિકોની ભારે ભીડ થઈ ગઈ હતી. આવતી કાલે હતી દિવાળી. એના સ્વાગતની પણ ભવનમાં તૈયારી હતી. કોઈએ સુંદર ચિત્રાંકન કર્યા હતાં. યાજ્ઞિકસાહેબ મળ્યા. એમણે કહ્યું : વર્ષાબહેન અને એમનો પરિવાર આવી ગયો છે. વર્ષાબહેન એટલે વર્ષા અડાલજા. ગુજરાતી ભાષાનાં પ્રસિદ્ધ કથાલેખિકા. જરા થોડી વાર પછી વર્ષાબહેન, મહેન્દ્રભાઈ અને એમની બે પુત્રીઓ માધવી અને શિવાની સૌ મળ્યાં. ચિત્રાંકનમાં માધવી અને શિવાનીનો હાથ હતો. વર્ષાબહેન, એટલે વાતો તો ખૂટે જ શાની? જેમની રાહ જોવાતી હતી તે શ્રી ઈશ્વરલાલ દવે પણ આવી ગયા હતા – વિવેચક અને અધ્યાપક.

દિવાળીનો દિવસ ઊગ્યો. આજે તો જરા વહેલાં ગંગાસ્નાન માટે જવાનું. આજે તો અમારી મંડળી મોટી થઈ ગઈ હતી. આર્યનિવાસ પહોંચી ગયાં.

વર્ષાબહેનને યાજ્ઞિકસાહેબે શીતલ ગંગાપ્રવાહમાં સ્નાન કરવા પ્રેરિત કર્યા. પોતે યુવાનની સ્કૂર્તિથી વેગવંત પ્રવાહમાં ઊતરી સુરક્ષા માટે રાખેલ ફ્રેમનો સળિયો પકડી ઊભા. પછી બકુલ, એનાં મમ્મી, વર્ષાબહેન પણ. પાણીમાં ન ઊતરવામાં ઈશ્વરલાલ. એમને ઘણું સમજાવ્યા પણ એમને જળનો ભય. કાંઠે બેસીને લોટેથી દેહ પર પાણી રેડી સ્નાન કર્યું. માધવી-શિવાનીએ માત્ર આચમન કર્યું. એક વખત પાણીમાં પડનાર એનું મહાસુખ માણી શકે. પાણીમાંથી બહાર નીકળવાની ઇચ્છા થતી નહોતી.

આજે બપોર પછી મનસાનાં દર્શને જવાનું હતું. હરિદ્વારમાં ગંગા મેદાનમાં આવે છે, પણ બે પહાડીઓની વચ્ચેના. એક છે મનસાની પહાડી, બીજી છે ચંડીની પહાડી. આ પહાડીઓ હિમાલયની ગિરિમાળાની આ તરફની અંતિમ ઊંચાઈ છે. એ પછી શરૂ થઈ જાય છે ગંગાનું મેદાન. ગંગાની અસલ ધારા ચંડી પહાડીની બાજુમાં પસાર થઈ, દક્ષિણ તરફ વળતી આગળ વધી જાય છે. ગંગાપ્રવાહ જ એ પહાડીનું સીમાંકન કરી આપે છે.

ચંડીને બદલે મનસા જવાનું એક આકર્ષણ તે ઉપર ચડવા માટેનો રોપવે. મસૂરીના રોપ-વે કરતાં અહીં ટ્રોલીની સંખ્યા વધારે હતી, પણ આ ટ્રોલીઓ ખુલ્લી હતી. થોડો ભય લાગે, પણ અનુભવ વધુ રોમાંચકર. અમારે વધારે રાહ જોવી ન પડી. ટ્રોલીમાં મનસાની પહાડી પર જોતજોતામાં પહોંચી ગયાં. મનસા તો બંગાળીઓમાં વધારે પ્રતિષ્ઠિત દેવતા છે, પણ આ પહાડી પર એનો વાસ જોઈ આશ્ચર્ય થયું. હરિદ્વારના યાત્રીને સુદૂર સુધીનું હવાઈ નિરીક્ષણ કરવા માટે મનસાની આટલી ઊંચાઈએ આવવું રહે. મનસાદેવીને મમરાનો પ્રસાદ ચઢે છે. આખી પહાડી યાત્રીઓથી શોભતી હતી.

સાંજે વળી હરકી પૌડી પર.

ગુજરાતી ભવનમાં નવા વર્ષનો અભિનંદન મેળાવડો યોજાયો હતો. સૌનાં મન ઉત્સવી હતાં. એક વાર યાત્રાએ નીકળ્યા પછી દેશકાળ ભુલાઈ જવાં જોઈએ. ઘણી વાર એવું બને છે : કયો વાર છે, કઈ તારીખ છે એ યાદ કરવું કરાવવું પડે. વર્તમાનપત્રો, ખાસ તો આપણા વિસ્તારનાં ન મળતા હોવાને કારણે ત્યાં શું થાય છે, નવી રાજસરકાર બની કે જૂની ઊથલી, કૉર્પોરેશનના સભ્યોએ માઇકો ઉછાળ્યાં કે નહીં, ક્યાંક હડતાળ પડી કે નહિ એ બધાથી અજાણ. માત્ર જે સ્થળે જે સમયમાં છીએ એની અભિજ્ઞતા. હરિદ્વાર એટલે હિમાલય અને ગંગા. સવારમાં ગંગાના શીતલ જળમાં સ્નાન અને સાંજે હરકી પૌડીમાં આરતી દર્શન.

હરિદ્વારના ગુજરાતી ભવનમાં અજાણ્યા યાત્રીઓ નવા વર્ષનાં પરસ્પરને અભિનંદન આપતા હતા. અમારાં પરિચિતોમાં યાજ્ઞિકસાહેબ. એમના તો આશીર્વાદ લેવાના હોય. પછી ઈશ્વરભાઈ અને શારદાબહેન, વર્ષાબહેન અને મહેન્દ્રભાઈ અને માધવી-શિવાની. ત્યાં દૂર અમદાવાદમાં સૌ ઉમંગપૂર્વક નવા વર્ષનો પ્રથમ દિન ઊજવી રહ્યા હશે.

સાંજે અમે સૌ હરકી પૌડી પર. આજે ગ્રુપ મોટું હતું. હરકી પૌડીની સામે આરતીની કવિતા, પછી અમે વળતાં થોડી ખરીદી કરી, હસ્તે વર્ષાબહેન.

રાતના અગિયાર વાગ્યાની અમારી દિલ્હી ભણીની વળતી ગાડી હતી.