દેવદાસ/પ્રકરણ ૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મધરાતનો એક વાગી ગયો હોય એમ લાગે છે. હજુ મ્લાન જ્યોત્સ્ના આકાશમાં પથરાઈ રહી છે. પાર્વતી બિછાનાની ચાદર પગથી માથા સુધી વીંટી દઈ ધીમે પગલે નિસરણી ઊતરી નીચે આવી, પહોંચી. ચારે બાજુ જોઈ લેવું – કોઈ જાગતું નથી. ત્યાર બાદ, બારણું ઊઘાડી ચુપચાપ રસ્તા ઉપર આવી ઊભી રહી. ગામડારસ્તાનો રસ્તો- બિલકુલ ઉજ્જડ, બિલકુલ નિર્જન –રસ્તામાં કોઈ મળી જશે એવી આશંકા પણ નહોતી. તે વિનાઅડચણે જમીનદારના ઘર આગળ આવી પહોંચી. દેવડીના ઓટલા ઉપર વૃદ્ધ દરવાન કિશનસિંહ ખાટલો પાથરીને તે વખતે પણ તુલસી-રામાયણ વાંચતો હતો; પાર્વતીને અંદર જતી જોઈ આંખ ઊંચી કર્યા વિના પૂછ્યું, “કોણ ?” પાર્વતી બોલી, “હું.” દરવાને અવાજ ઉપરથી જાણ્યું કે સ્ત્રી છે. દાસી હશે એમ ધારી બીજું કશું વધારે પૂછ્યા વિના, રાગડા ખેંચી રામાયણ વાંચવા લાગ્યો. પાર્વતી ચાલી ગઈ. ગ્રીષ્મકાળ હતો. બહારના આંગણામાં કેટલાક નોકરચાકરો સૂઈ ગયા હતા; તેમાંના કેટલાક ઊંઘતા તો કેટલાક વળી અરધા જાગતા હતા. તન્દ્રાના ઘેનમાં કોઈકે વળી પાર્વતીને જોઈ, પણ દાસી માની કંઈ પૂછ્યું નહિ. પાર્વતી નિર્વિઘ્ને અંદર દાખલ થઇ, સીડી ચડી મેડે પહોંચી ગઈ. આ ઘરનો ઓરડેઓરડો, ગોખલે-ગોખલો તેનો જાણીતો હતો. દેવદાસનો ઓરડો ઓળખી કાઢતાં તેને વાર લાગી નહિ. બારણું ઉઘાડું હતું અને અંદર દીવો બળતો હતો. પાર્વતી અંદર આવી જોયું. દેવદાસ પથારીમાં નિદ્રાધીન પડ્યો છે. ઓશીકા આગળ એક પુસ્તક હજુ પણ ઉઘાડું પડ્યું છે-વિચાર કરતાં લાગ્યું કે તે હમણાં જ જાણે ઊંઘી ગયો છે. દીવો મોટો કરી તે દેવદાસના પગ આગળ આવી નિઃશબ્દ બેઠી. દીવાલ ઉપરની મોટી ઘડિયાળ માત્ર ટક્ટક્ અવાજ કરે છે; એ સિવાય બધું નિઃસ્તબ્ધ, બધું સુપ્ત છે ! પગ ઉપર હાથ મૂકીને પાર્વતીએ તેને ધીમે ધીમે બોલાવ્યો, “દેવદાસ!” દેવદાસે ઊંઘના ઘેનમાં સાંભળ્યું, કોક જાણે બોલાવે છે. આંખ ઉઘાડ્યા વિના જ જવાબ વાળ્યો, “ઊં-” “ઓ દેવદાસ !” તરત જ દેવદાસ આંખ ચોળીને બેઠો થઇ ગયો. પાર્વતીના મોઢા ઉપર આવરણ નથી, ઓરડામાં દીવો પણ ઝળહળ પ્રકાશી રહ્યો છે; સહેજમાં દેવદાસ ઓળખી શક્યો. પરંતુ પહેલાં તો જાણે ભરોસો પડ્યો નહિ. ત્યાર બાદ બોલ્યો, “આ શું ! પારુ કે શું ?” “હા, હું.” દેવદાસે ઘડિયાળ તરફ જોયું. નવાઈ ઉપર નવાઈ લાગી. પૂછ્યું, “આટલી રાતે ?” પાર્વતીએ ઉત્તર આપ્યો નહિ, મુખ નીચું રાખી બેસી રહી. દેવદાસે ફરીથી પૂછ્યું, “આટલી રાતે શું એકલી આવી છે કે?” પાર્વતી બોલી “હા.” દેવદાસ ઉદ્વેગથી અને આશંકાથી રોમાંચિત થઇ બોલ્યો, “કહે છે શું ! રસ્તામાં બીક ન લાગી ?” પાર્વતી મૃદુ હસીને બોલી, “ભૂતની બીક મને એવી લાગતી નથી.” “ભૂતની બીક નથી લગતી, પણ માણસની બીક લાગે છે ને ? શું કરવા આવી છે ?” પાર્વતીએ જવાબ આપ્યો નહિ; પરંતુ મનમાં ને મનમાં બોલી : “અત્યારે મને માણસનીયે બીક નથી.” “ઘરમાં પેઠી શી રીતે ? કોઈએ જોઈ નથી ને ?” “દરવાને જોઈ છે.” દેવદાસે આંખો ફાડી પૂછ્યું, “દરવાને જોઈ છે ? બીજા કોઈએ ?” “આગણામાં ચાકરો સૂતા છે- એમનામાંથીય કોઈએ વળી જોઈ હશે !” દેવદાસ પથારીમાં કૂદી ઊઠ્યો ને બારણું બંધ કરી દીધું. “કોઈએ ઓળખી કે?” પાર્વતીએ કશી ઉત્કંઠા દર્શાવ્યા વિના જ અત્યંત સહજ ભાવે જવાબ વાળ્યો, “તેઓ બધા જ મને જાણે છે, કોઈએ કદાચ ઓળખી પણ હોય.” “શું કહે છે ?આવું કર્યું શું કરવા, પારુ ?” પાર્વતી મનમાં મનમાં બોલી, “તે તમે શી રીતે સમજો ?” પરંતુ મોઢેથી કશું કહ્યું નહિ-નીચે મોઢે બેસી રહી. “આટલી રાતે ! છી-છી ! કાલે મોઢું શી રીતે બતાવશે ?” મોઢું નીચું જ રાખી પાર્વતી બોલી, “એ હિંમત મારામાં છે.” આ સાંભળી દેવદાસ ચિડાયો નહિ. પણ અતિશય ઉત્કંઠિત થઇ બોલ્યો, “છી-છી ! હજુય તું શું બાળક છે? અહીંયાં, આ રીતે આવતા શું તને લગીરે શરમ આવી નહિ ?” પાર્વતીએ માથું હલાવી કહ્યું, “લગીરે નહિ ?” “કાલે શરમથી તારું માથું કપાઈ જશે નહિ ?” પ્રશ્ન સાંભળીને પાર્વતી તીવ્ર છતાં કરુણ દ્રષ્ટી વડે દેવદાસના મુખ તરફ ક્ષણવાર જોઈ રહી, વિના સંકોચે બોલી, “માથું કપાઈ જાત- જો મને ખાતરી ન હોત કે મારી બધી લજ્જા તમે ઢાંકી દેવાના છો તો.’ દેવદાસ આશ્ચર્યથી હતબુદ્ધિ બની જઈ બોલ્યો, “હું ?પણ હુંય શું મોઢું બતાવી શકીશ ?” પાર્વતીએ તેવા જ અવિચલિત કંઠે ઉત્તર આપ્યો, “તમે ?પણ તમારે શું, દેવદા ?” જરાક મૌન રહી ફરીથી બોલી, “તમે પુરુષમાણસ. આજે નહિ તો કાલે તમારા કલંકની વાત બધા ભૂલી જશે. બે દિવસ પછી કોઈને યાદ પણ રહેશે નહિ કે ક્યારે કઈ રીતે હતભાગિની પાર્વતી તમારા ચરણે માથું મૂકવા માટે બધું તુચ્છ ગણીને આવી હતી !” “એ શું; પારુ ?” “અને હું-” મંત્રમુગ્ધની જેમ દેવદાસે પૂછ્યું, “અને તું ?” “મારા કલંકની વાત પૂછો છો ? ના, મને એમાં કલંક નથી. તમારી સાથે ગુપ્ત રીતે આવી હતી એટલા માટે જો મારી નિંદા થતી હોય તો નિંદા મને અડકી પણ નહિ શકે. “ “આ શું , પારુ ? તું રડે છે ?” “દેવદા ! નદીમાં કેટલું પાણી હોય છે ! આટલા પાણીમાંય શું મારું કલંક ધોવાઇ જશે નહિ ?” એકદમ દેવદાસે પાર્વતીના બંને હાથ ઝાલ્યા, “પાર્વતી !” પાર્વતી દેવદાસના પગ ઉપર માથું રાખીને રૂંધાયેલે અવાજે બોલી, “આ ચરણોમાં સ્થાન આપો, દેવદા !” ત્યાર બાદ, બંને જણાં મૂંગાં રહ્યાં. દેવદાસના પગ ભીંજવીને આંસુની ધારા સફેદ પથારી ઉપર રેલાઈ ગઈ. બહુ વાર પછી દેવદાસે પાર્વતીનું મોં ઊંચું કરી પૂછ્યું, “પારુ, મારા સિવાય શું તારે બીજો કોઈ માર્ગ નથી ?” પાર્વતી બોલી નહિ. તેમ ને તેમ પગ ઉપર માથું નાખીને પડી રહી. શાંત ઓરડામાં માત્ર તેનો અશ્રુ વ્યાકુલ ઘન દીર્ધ શ્વાસ ઊછળી ઊછળી ઊભરાવા લાગ્યો. ટન્ ટન્ કરતા ઘડિયાળમાં બે વાગ્યા. દેવદાસે બોલાવી, “પારુ !” પાર્વતી રુંધાયેલે અવાજે બોલી, “કેમ ?” ‘માતા પિતા છેક જ અસંમત છે તે તો જાણે છે ને ?” પાર્વતીએ માથું હલાવી જવાબ આપ્યો કે, તેને ખબર છે. ‘બાદ, બંને જણાં મૂંગાં રહ્યાં. બહુ વખત પસાર થયા પછી દેવદાસ દીર્ધ નિશ્વાસ નાંખી બોલ્યો, “તો હવે શું થાય ?” પાણીમાં ડૂબેલું માણસ જેવી રીતે અંધભાવે જમીનને વળગી રહે, કેમે કરી છોડે નહિ તેવી રીતે જ પાર્વતી અણસમજુની માફક દેવદાસના બંને પગને વળગી રહી. મુખ તરફ જોઈ તેણે કહ્યું, “મારે એ કશું જાણવું નથી, દેવદા !” “પારુ, માબાપની વિરુદ્ધ થાઉં ?” “ખોટું શું ? થાઓ.” “પછી તું ક્યાં રહીશ ?” પાર્વતી રડી પડી બોલી, “તમારા ચરણમાં-” વળી બંને જણ સ્તબ્ધ બની બેસી રહ્યાં. ઘડિયાળમાં ચાર વાગી ગયા. ઉનાળાની રાત-હવે થોડીવારમાં જ સવાર થઇ જશે જોઈ, દેવદાસે પાર્વતીનો હાથ ઝાલી કહ્યું, “ચાલ, તને ઘેર મૂકી આવું-” “મારી સાથે આવશો ?” “વાંધો શો ? જો ખરાબ વાતો ફેલાશે, તો કદાચ કંઇક માર્ગ નીકળી રહેશે.” “તો ચાલો.” બંને નીરવ પગલે બહાર નીકળી ગયાં.