દેવદાસ/પ્રકરણ ૭
બીજે દિવસે દેવદાસે તેના પિતાને વાત કરી. વાત ટૂંકમાં જ પતી ગઈ. પિતાએ કહ્યું, “રાતદિવસ તું મને બાળ્યા કરે છે ને જીવીશ ત્યાં લગી બાળ્યા જ કરવાનો. તારે મોઢે આ વાત સાંભળવી કંઈ નવાઈ જેવું નથી.” દેવદાસ બોલ્યાં વિના મુખ નીચું કરી બેસી રહ્યો. પિતાએ કહ્યું, ‘’હું હવે એમાં કંઈ ન જાણું. મરજીમાં આવે તેમ તું ને તારી બા મળીને કરો.” દેવદાસની બાએ આ વાત સાંભળી રડતાં રડતાં કહ્યું, “ભાઈ, આયે મારા નસીબમાં લખ્યું હશે ત્યારે ને !” તે જ દિવસે દેવદાસ સરસામાન બાંધીને કલકત્તા ચાલ્યો ગયો. પાર્વતી એ ખબર સાંભળી કઠોર મુખ કરી અને એથી પણ વધુ કઠોર હાસ્ય કરી મૂંગી થઇ રહી. ગઈ રાતની વાત કોઈ જાણતું નહોતું, તેણે પણ કોઈને કહી નહિ. તોપણ મનોરમા આવી વળગીને બેઠી, “પારુ, કહે છે કે દેવદાસ ચાલ્યા ગયા.” “હા.” “તો પછી, તારો શો રસ્તો કાઢ્યો?” રસ્તાની તેને પોતાને જ ખબર નહોતી, તો બીજાને તો શું કહે? આજે કેટલા દિવસ થયા તે નિરંતર એનો જ વિચાર કરતી હતી; પરંતુ કોઈ પણ પ્રકારે નક્કી કરી શકતી નહોતી કે, એમાં આશા કેટલી છે અને નિરાશા કેટલી છે. તોપણ એક વાત તો છે જ, કે માણસ ગમે તેવા દુઃખને સમયે જ્યારે આશાનિરાશાનો કાંઠોકિનારો જોવા પણ ન પામે, ત્યારે પણ દુર્બળ મન ખૂબ બીતું બીતું પણ આશા તરફ જ ઢળી, તેને જ વળગી બેસી રહે છે, જેનાથી તેનું મંગળ થવાનું હોય તેની જ તે આશા કરે છે. ઈચ્છા-અનિચ્છાએ પણ એ જ દિશામાં પરિપૂર્ણ ઉત્સુક નયને તે ટગરટગર જોઈ રહેવા ઈચ્છે છે. આ સ્થિતિમાં પાર્વતીને પાકી આશા હતી કે, કાલ રાતની વાત જરૂર નિષ્ફળ જવાની નથી. નિષ્ફળ જાય તો તેની દશા શી થાય, એવી ચિંતા સરખી પણ તેને થતી નહિ. એટલે જ તે વિચારતી હતી કે, “દેવદાદા પાછા આવશે, પછી મને બોલાવી કહેશે, ‘પારુ, તને હું જીવતો છું ત્યાં સુધી બીજાના હાથમાં જવા દઈશ નહિ.’ પરંતુ બે દિવસ પછી જ પાર્વતીને નીચે પ્રમાણે પત્ર મળ્યો : “પાર્વતી ! આજે બે દિવસ થયાં મને તારા જ વિચાર આવ્યા કર્યા છે. પિતામાતા કોઈની ઈચ્છા નથી કે, આપણાં લગ્ન થાય. તને સુખી કરવા જતાં તેમને આવડો મોટો આઘાત આપવો પડે- એ મારાથી બને એમ નથી. તે ઉપરાંત, તેમની વિરુદ્ધ એ કામ હું કરું જ શી રીતે? તને હવે કદી કાગળ લખીશ એમ આજે તો લાગતું નથી. તેથી આ કાગળમાં જ બધુ ખુલ્લેખુલ્લું લખું છુ. તમારું કુટુંબ ઉતરતું. કન્યાવિક્રય કરનારાઓની છોકરી મા કોઈ પણ પ્રકારે ઘરમાં આણે નહિ; અને વળી ઘરની પડોશમાં જ વેવાઈ હોય એ પણ તેમના મત પ્રમાણે છેક જ અઘટિત. બાપુનું કહેવું તો તું બધું જાણે છે. તે રાતની વાત યાદ કરીને હું ખૂબ ક્લેશ પામું છું. કારણ કે, તારા જેવી ગર્વિતાને એમ કરતાં પહેલાં કેટલું ભારે દુઃખ થયું હશે એ હું જાણું છું. “બીજી એક વાત- તને હું ખૂબ ચાહતો, એવું તો કદી મને લાગ્યું નથી, આજ પણ તારે માટે મારા હૃદયમાં અપાર વ્યથા પામું છું એમ પણ નથી. માત્ર એનું જ મને ખૂબ દુઃખ થાય છે કે, તું મારે કારણે દુઃખી થઈશ. પયત્ન કરીને મને ભૂલી જજે; અને આંતરિક આશીર્વાદ આપું છું કે તું એમાં સફળ થજે. -દેવદાસ” કાગળ જ્યાં લાગી પોસ્ટ કર્યો નહોતો ત્યાં લાગી દેવદાસને એક પ્રકારે વિચાર આવતો; પરંતુ ટપાલમાં નાખ્યા પછી બીજી જ ક્ષણથી બીજી જ વાત તે મનમાં ઘૂંટવા લાગ્યો. હાથમાંનો પથરો ફેંકી દીધા પછી એકીટસે તેની તરફ જોઈ રહેતો. એક અણધારી શંકા તેના મનમાં ક્રમશ: ઊંડી ઊતરતી જતી હતી. તેને વિચાર આવતો હતો કે, આ પથરો તેના માથામાં કેવો ઘા કરશે ? ખૂબ મન મૂકીને તે કેવી રીતે રડી હતી –એ જ વાત પોસ્ટ ઓફિસથી ઘેર પાછા આવતાં આખે રસ્તે ડગલે ને પગલે દેવદાસને યાદ આવી. મેં આ બરાબર કર્યું શું ? આ બધા ઉપરાંત, દેવદાસને એ જ વિચાર આવતો કે, પાર્વતીનો પોતાનો કશો વાંક નથી, તો શાને માતાપિતા ના પડે છે ? ઉંમર વધતી ગઈ તેમ તેમ અને કલકત્તામાં રહ્યા પછી એ એટલું તો સમજતો થયો હતો, કે માત્ર લોકોને બતાવવાની કુળમર્યાદા ખાતર અને એક હીન ખ્યાલ ઉપર બધો આધાર રાખી નિરર્થક કોઈનો પ્રાણ લેવો ન જોઈએ. જો પાર્વતી ન જ જીવવા ઈચ્છે, જો તે નદીનાં પાણીમાં અંતરની જ્વાળા શમાવવાને દોડી જશે તો શું વિશ્વપિતાને ચરણે એક મહાપાપનું કલંક લાગશે નહિ ? ઘેર આવી દેવદાસ પોતાની ઓરડીમાં જઈ સૂઈ ગયો, આજકાલ એ એક ‘મેસ’માં રહેતો હતો. મામાનું ઘર એણે ઘણા દિવસ થયાં છોડી દીધું હતું- ત્યાં તેને કેમે કર્યું ફાવતું નહોતું. જે ઓરડીમાં દેવદાસ રહેતો તેની જોડેની ઓરડીમાં ચુનીલાલ કરીને એક યુવક આજ નવ વરસ થયાં રહેતો આવ્યો હતો. બી.એ. પાસ થવા માટે તેને કલકત્તામાં આટલો બધો લાંબો કાળ નિવાસ કરવો પડ્યો હતો. આજે પણ એ ઈચ્છા સફળ થઇ નહોતી એટલે અત્યારે અહીં જ રહેવાનું ચાલુ હતું. ચુનીલાલ તેના નિત્યકર્મે –સાંજે ફરવા નીકળી પડ્યો હતો. મળસકા સુધીમાં ઘરે પાછો આવશે.બીજું કોઈ હજુ આવ્યું નહોતું. નોકરડી દીવો સળગાવી ચાલી ગઈ. દેવદાસ બારણું બંધ કરીને સૂઈ ગયો. ત્યાર બાદ એક પછી એક બધા પાછા આવ્યા. ખાવાને વખતે દેવદાસને બૂમ મારી બોલાવ્યો, પણ એ ઊઠ્યો નહિ. ચુનીલાલ કોઈ દિવસ રાતે ઘેર આવતો નહોતો, આજે પણ આવ્યો નહોતો, એ વખતે રાતનો એક વાગ્યો હતો. ઘરમાં દેવદાસ સિવાય બીજું કોઈ જાગતું નહોતું. ચુનીલાલે ઘેર આવીને દેવદાસની ઓરડી સામે ઊભા રહી જોયું તો બારણું બંધ હતું પણ દીવો સળગતો હતો; બૂમ મારી, “દેવદાસ, જાગે છે કે શું ?” દેવદાસે અંદરથી જવાબ વાળ્યો, “તમે કંઈ આજે વહેલા આવી પહોંચ્યા ?” ચુનીલાલ જરા હસતાં કહ્યું, “હા, શરીર સારું નથી.” કહીને એ ચાલ્યો ગયો. થોડી વારે પાછો આવી બોલ્યો, “દેવદાસ, જરા બારણું ઉઘાડ તો !” “ઉઘાડું, કેમ ?” “ગડાકુની સવડ છે ?” “છે,” કહીને દેવદાસે બારણું ઉઘાડયું. ચુનીલાલે ચલમ ભરતાં ભરતાં બેસીને કહ્યું, “દેવદાસ, તું હજુ લગી જાગે છે ? શાથી?” “રોજ રોજ તે શું ઊંઘ આવે ?” “ના આવે, નહિ ?” ચુનીલાલે જાણે મશ્કરી કરતાં કહ્યું, “મને થતું કે તારા જેવા સારા છોકરાઓએ કદી મધરાતનું મોં પણ નહિ જોયું હોય. આજે મને એક નવો પાઠ મળ્યો.” દેવદાસ કંઈ બોલ્યો નહિ. ચુનીલાલ તાનમાં આવી ચલમ પીતો પીતો બોલ્યો, “દેવદાસ, ઘેરથી આવ્યો ત્યારથી તને જાણે કે સારું નથી. તારા મનમાં જાણે કશોક ક્લેશ છે.” દેવદાસ અન્યમનસ્ક થયો હતો. જવાબ આપ્યો નહિ. “મન પ્રસન્ન નથી, નહિ ?” ચુનીલાલે પૂછ્યું. દેવદાસ એકાએક પથારીમાં બેઠો થઇ ગયો. વ્યગ્ર ભાવે તેના મુખ તરફ જોઈ બોલ્યો, “ઠીક, ચુનીલાલ, તમારા મનમાં શું કંઈ જ ચિતા નથી?” ચુનીલાલ હસી પડ્યો, “કંઈ જ નહિ !” “કદી પણ આ જીવનમાં તમને ચિંતા થઇ નથી ?” “આવું કેમ પૂછે છે?” “મને એ સાંભળવા બહુ મન છે.” “તો, કોઈ દિવસ કહીશ.” દેવદાસ બોલ્યો, “વારુ ચુનીબાબુ, તમે આખી રાત ક્યાં રહો છો?” ચુનીલાલ મૃદુ હાસ્ય કરી બોલ્યો, “તે શું તને ખબર નથી ?” “જાણું છું, પણ બરાબર જાણતો નથી.” ચુનીલાલનું મુખ ઉત્સાહને લીધે ચમકવા લાગ્યું. આ બધી ચર્ચામાં બીજું કશું ભલે, ન હોય, પણ આંખની થોડીક શરમ તો હોય જ છે. તે પણ લાંબા કાળની ટેવને લીધે તેનામાંથી અદ્રશ્ય થઇ હતી, કૌતુક કરતો હોય તેમ આંખો બંધ કરી બોલ્યો, “દેવદાસ બરાબર જાણવું હોય તો મારા જેવા થવું પડશે. કાલે મારી સાથે આવશે?” દેવદાસે એક વાર વિચાર કરી જોયો. પછી બોલ્યો, “સાંભળ્યું છે કે, ત્યાં ખૂબ આંનદ પ્રાપ્ત થાય છે, કશું દુઃખ મનમાં રહેતું નથી, એ શું સાચું છે?” “બિલકુલ સોળેસોળ આના સાચું.” “એમ હોય તો મને લઇ જાઓ, હું આવીશ.” *
બીજે દિવસે સંધ્યા પહેલાં ચુનીલાલે દેવદાસની ઓરડીમાં આવીને જોયું તો તે ઉતાવળો ઉતાવળો સરસામાન બાંધી ગોઠવી તૈયાર કરે છે, આશ્ચર્ય પામી પૂછ્યું, “કેમ રે, જવું છે ને?” દેવદાસે બીજે ક્યાંય જોયા વગર કહ્યું, હાસ્તો, જવું છે, બીજું શું ?” “તો પછી આ બધું શું કરે છે ?” “જવાની તૈયારી કરું છું.” ચુનીલાલ જરાક હસ્યો, એને થયું- આ કંઈ બહુ ખોટી તૈયારી નથી; પૂછ્યું, “ઘરબાર બધું ત્યાં લઇ જવું છે કે શું?” “તો વળી કોને સોંપતો જાઉં ?” ચુનીલાલ સમજી શક્યો નહિ, તે બોલ્યો, “હું કોને સરસામાન સોંપી જાઉં છું ? બધું તો અહીં પડ્યું રહે છે.” દેવદાસ જાણે એકાએક સચેતન બની આંખો ઉંચી કરી; લજ્જિત થઇ તે બોલ્યો, “ચુનીબાબુ, આજે ઘેર જાઉ છું.” “એ શું રે ? ક્યારે આવીશ ?” દેવદાસે માથું હલાવી કહ્યું, “હવે પાછો નહિ આવું !” ચુનીલાલ તેના મોઢા તરફ આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યો. દેવદાસ કહેવા લાગ્યો, “આ રૂપિયા લો; મારું જે કંઈ દેવું હોય એ એમાંથી પતાવી દેજો, જો કંઈ બચે તો ‘મેસ’નાં ચાકરદાસીને વહેંચી આપજો, હું હવે કદી કલકત્તા આવવાનો નથી.” પછી મનમાં બોલવા લાગ્યો, “કલકત્તામાં આવીને મેં ખૂબ ગુમાવ્યું છે- ખૂબ ખોયું છે.” વનના ધુમ્મસથી ઘેરાયેલા અંધકારને ભેદીને તેની આંખો સમક્ષ તોફાની, મગરૂર, કિશોર વયની પેલી અયાચિત, પદદલિત રત્નકણિકા આખા કલકત્તાની સરખામણીમાં પણ અનેકગણી મોટી, અનેકગણી કીમતી છે ! તે ચુનીલાલના મુખ તરફ જોઈ બોલ્યો, “ચુનીબાબુ ! શિક્ષા, વિદ્યા, જ્ઞાન, ઉન્નતિ- જે કંઈ હોય તે બધું સુખને માટે છે. ગમે તે રીતે વિચાર કરોને, પોતાનું સુખ વધારવા સિવાય આ બધાંનો કશો ઉપયોગ નથી-” ચુનીલાલ તેને અટકાવી બોલ્યો, “તો તું શું હવે ભણવાનો નથી, એમ જ ને?” “ના, ભણવામાં તો મેં ઘણું ગુમાવ્યું છે. પહેલાંથી જો જાણતો હોત કે આટલા બધાના બદલામાં આટલું અમસ્તું ભણવાનું મળવાનું છે. તો હું જિંદગીમાં કદી કલકત્તાનું મોં સુધ્ધાં જોત નહિ.” “તને થયું છે શું?” દેવદાસ વિચારમાં પડ્યો, થોડીવારે બોલ્યો, “ફરીથી જો કદી મળવાનું થશે તો બધી વાત કરીશ.” તે વખતે રાતના લગભગ નવ વાગ્યા હતા. ‘મેસ’ના બધા સભ્યો તથા ચુનીલાલ અપાર આશ્ચર્ય પામી જોઈ રહ્યા- દેવદાસ ગાડીમાં બધો સરસમાન ભરી દઈ હંમેશને માટે ‘મેસ’નો ત્યાગ કરી ઘેર ચાલ્યો ગયો. તે ચાલ્યો ગયો કે તરત ચુનીલાલ ક્રોધ કરી ‘મેસ’ના બીજા બધાઓને કહેવા લાગ્યો, “આવા મીંઢા માણસોને બિલકુલ ઓળખી શકાતા નથી.”