નવલકથાપરિચયકોશ/સરસ્વતીચંદ્ર ભાગ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

‘સરસ્વતીચંદ્ર’ ભાગ - ૧ : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

– રાઘવ ભરવાડ
Saraswatichandra 1.jpg
બુદ્ધિધનનો કારભાર :

ઈશ્વરની લીલાનો જેમ છેડો નથી તેમ સર્જકની કલ્પનાઓનો પણ છેડો નથી. સર્જકની કલ્પનાનું એક અદ્ભુત ઉદાહરણ છે, ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’. ઈ. સ. ૧૮૮૭માં તેનો પ્રથમ ભાગ પ્રગટ થયો અને ન્હાનાલાલ કહે છે એ પ્રમાણે ગુજરાતી નવલકથાએ વિશ્વસાહિત્યના ઉંબરે પગ મૂક્યો. ગુજરાતી ભાષામાં ‘સરસ્વતીચંદ્ર’ એટલે ગોવર્ધનરામ અને ગોવર્ધનરામ એટલે ‘સરસ્વતીચંદ્ર’ એમ કશી અતિશયોક્તિ વિના કહી શકાય. ગુજરાતી ભાષા અને અન્ય ભારતીય ભાષાના ભાષીઓમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ મળે, જે ‘સરસ્વતીચંદ્ર’કારના નામથી અજાણ હોય. ગોવર્ધનરામ એ કાળજયી નામ છે, એ અવિનાશી નામ છે. સાહિત્યનો એ એક શિલાલેખ છે. ગુજરાતી કથાસાહિત્યના ઇતિહાસમાં આ નામ સુવર્ણાક્ષરે લખાયેલું છે. ઋષિ, મહર્ષિ, તપસ્વી, મહામનીષી, વ્યાસ જેવાં વિવિધ વિશેષણોથી ગુજરાતી પ્રજાએ તેમને ઓળખાવ્યા છે. એ મહામનીષીનો જન્મ ૧૮૫૫ની વિજયાદશમીએ નડિયાદમાં થયો હતો, અને ૧૯૦૭માં બાવન વર્ષની કાચી ઉંમરે એમનું અવસાન થયું હતુ. કેટલીક નવલકથાઓ એક જ ઘટનાને કેન્દ્રમાં રાખી, સીધી ગતિએ આગળ વધતી હોય છે. તો કેટલીક નવલકથાઓ મુખ્ય વસ્તુની સાથે અનેક ગૌણ વસ્તુઓને પણ સાથે લઈને ચાલે છે. ‘સરસ્વતીચંદ્ર’ બીજા પ્રકારની નવલકથા છે. તેમાં મુખ્ય કથાવસ્તુ સાથે અનેક ઉપકથાઓ, આડકથાઓ કુશળતાપૂર્વક ગૂંથાયેલી છે. વિશાળ વ્યાપ ધરાવતી આ કથામાં ગોવર્ધનરામને અભિપ્રેત એવું જીવન વિષયક ચિંતન અનેક શાખા-પ્રશાખાઓમાં પ્રસ્તરીને પ્રગટ થાય એવી રીતે તેનું આયોજન થયું છે. સરસ્વતીચંદ્ર, કુમુદ અને કુસુમની કથા એ આ નવલકથાનું હાર્દ છે. ગોવર્ધનરામ એક વિશિષ્ટ હેતુને પાર પાડવા માટે નવલકથામાં આ ત્રણની પ્રણયકથા જ આલેખતા નથી, પણ એની સાથે સંકળાયેલાં અન્ય પાત્રોની કથા પણ વિગતવાર રજૂ કરે છે. સાથે સાથે સંયુક્ત કુટુંબ, દેશી રાજ્યો, તેમનો અંગ્રેજો સાથેનો સંબંધ, દેશ તથા વિશ્વનું રાજકારણ, દેશનો કલ્યાણમયી ઉદ્ધાર, સુંદરગિરિ પરના સાધુઓનાં આદર્શ જીવન – એમ વિવિધ વિષયોને પણ તેઓ આવરી લે છે. ગોવર્ધનરામે સરસ્વતીચંદ્ર તથા કુમુદ સાથે સંકળાયેલ બુદ્ધિધન, વિદ્યાચતુર-ગુણસુંદરી, ભૂપસિંહ, નાગરાજ-મલ્લરાજ-મણિરાજ, સુરસંગ-પ્રતાપ, લક્ષ્મીનંદન-ગુમાન, ચંદ્રકાન્ત અને એના પરિવારજનોની કથાને મૂળ કથા સાથે ગૂંથી છે. ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના ચારેય ભાગમાં અનુક્રમે ૨૧, ૧૧, ૧૫ અને ૫૨ પ્રકરણો છે. ‘બુદ્ધિધનનો કારભાર’ નામનો પ્રથમ ભાગ નવીનચંદ્ર નામે સરસ્વતીચંદ્ર સુવર્ણપુરનો અતિથિ બને છે ત્યાંથી શરૂ થાય છે, અને તે સુવર્ણપુર છોડીને જાય છે ત્યાં પૂરો થાય છે. ગોવર્ધનરામ પહેલા ભાગમાં દેશી રજવાડાની તત્કાલીન પરિસ્થિતિનું નિરૂપણ કરવા માંગે છે, એટલે કથા મુંબઈથી નહિ, સુવર્ણપુરથી શરૂ થાય છે. એમાં સૂચક અને નાટ્યાત્મક રીતે સમુદ્ર તથા ભદ્રા નદીના સંગમસ્થળે નવલકથાનાં નાયક-નાયિકાનો સંગમ યોજે છે. મહા (માઘ) મહિનાના એક દિવસે પશ્ચિમ સાગર અને સુભદ્રાના સંગમ આગળ આવેલા સુવર્ણપુરમાં ત્રેવીસ-ચોવીસ વર્ષનો એક યુવાન-નવીનચંદ્ર આવે છે. તે રાજેશ્વર મહાદેવના મંદિરમાં રોકાય છે. ત્યાં સુવર્ણપુરના અમાત્યની પુત્રવધૂ કુમુદ, પુત્રી અલકકિશોરી અને તેમની સખીઓ પણ આવે છે. બુદ્ધિધન અને રાણા ભૂપસિંહ પણ દર્શનાર્થે એ જ દેવાલયમાં આવે છે. બુદ્ધિધનનો નવીનચંદ્ર સાથે ભેટો થાય છે. નવીનચંદ્રને અંગ્રેજીનું જ્ઞાન છે એ જાણી બુદ્ધિધન તેના રહેવા-જમવાની વ્યવસ્થા પોતાના ઘરે જ કરે છે. ત્યારબાદ બુદ્ધિધનના ભૂતકાળનું આલેખન થાય છે. તેની માતાનું શઠરાય અપમાન કરે છે એટલે તે બદલો લેવા તૈયાર થાય છે, અને અનેક કાવતરાં-ષડ્યંત્રો-ચતુરાઈ દ્વારા તથા નસીબને જોગે જડસિંહનું અવસાન થવાથી ભૂપસિંહ સુવર્ણપુરનો રાજા બને છે, ને બુદ્ધિધન અમાત્ય. શઠરાયને સજા થાય છે ને એ પ્રમાણે બુદ્ધિધન વેરનો બદલો વાળે છે. તો આ બાજુ સરસ્વતીચંદ્ર અને કુમુદનાં લગ્ન નક્કી થયાં હોય છે. બંને વચ્ચે પત્રોની આપ-લે પણ થાય છે. સરસ્વતીચંદ્ર પોતાના ઓરડામાં-મહેલમાં કુમુદનો મોટો, કિંમતી ફોટો લગાવે છે, તેથી તેની અપર મા ગુમાન લક્ષ્મીનંદનને ભરમાવે છે. લક્ષ્મીનંદન ગુમાનના કહેવામાં આવી સરસ્વતીચંદ્રને ખોટા ખર્ચા ન કરવા કહે છે. તેથી સરસ્વતીચંદ્રને આઘાત લાગે છે. કુમુદ અહીં આવી સુખી નહીં થાય એમ વિચારી તે ઘરનો તથા કુમુદનો ત્યાગ કરે છે, ને અનુભવાર્થી થવા નીકળી પડે છે. તેનો મિત્ર ચંદ્રકાન્ત ઘણું સમજાવે છે, છતાં તે ચંદ્રકાન્તને કહ્યા વિના જ જતો રહે છે. અમુક કારણોસર કે અજાણતાં જ સરસ્વતીચંદ્ર કુમુદના સાસરે (સુવર્ણપુરમાં) જઈ પહોંચે છે. બંને એક છત નીચે રહેતા હોવા છતાં વાત કરી શકતાં નથી. કારણ કે કુમુદનાં લગ્ન પ્રમાદધન સાથે થયાં છે અને સરસ્વતીચંદ્ર હવે એના માટે પર-પુરુષ થયો છે. સરસ્વતીચંદ્ર, નવીનચંદ્ર નામ ધારણ કરી બુદ્ધિધનના ઘરે રહે છે. એ દરમિયાન જમાલ દ્વારા અલકકિશોરીની ઇજ્જત લૂંટવાનો પ્રયત્ન થાય છે. મહાપ્રયત્ને નવીનચંદ્ર બારીમાંથી અલકકિશોરીની ઓરડીમાં જઈ તેને બચાવે છે, પણ જમાલના હાથે તે ઘવાય છે. તેની સારવાર કરવાનું અલકકિશોરીને માથે આવે છે. નવીનચંદ્રની સારવાર દરમિયાન અલકકિશોરી તેના તરફ આકર્ષાય છે. નવીનચંદ્ર પણ અર્ધનિદ્રામાં તેના ખભા પર હાથ મૂકે છે. એ વનલીલા જોઈ જાય છે, ને કુમુદને કહે છે. તેથી કુમુદને ઘણું દુઃખ થાય છે. તે સારંગી લઈ ગીત ગાય છે, જેથી નવીનચંદ્ર જાગૃત થાય છે અને પવિત્ર વિચાર ધરાવનાર તે અલકકિશોરીને, ‘અલકબેન હું તો તમારો ભાઈ થાઉં હોં!’ એમ કહે છે, એટલે અલકકિશોરીનું ચિત્ત પણ શુદ્ધ બને છે. તેનામાં જે અભિમાન હોય છે તેને સ્થાને નમ્રતા આવે છે, ઉન્મત્તપણાને બદલે શાણપણ આવે છે, અને પતિ પ્રત્યેની તેની ઉદાસીનતા આદરમાં પરિણમે છે. એ જ રીતે કુમુદ પણ ‘રાત્રિ સંસાર’ નામના પ્રકરણમાં અમુક ક્ષણ માટે સરસ્વતીચંદ્ર તરફ આકર્ષાય છે. રાત્રિના સમયે તે સરસ્વતીચંદ્ર પાસે જવા ઇચ્છે છે, એ પણ પ્રેમવશ. પણ તે જેવો દરવાજો ખોલવા જાય છે ત્યાં તેની માતાની છાયા તેને રોકે છે, પિતા સલાહ આપે છે, સાસુ પણ સમજાવે છે. આ ત્રણેય છાયારૂપે તેની સામે પ્રગટ થાય છે. આખરે કુમુદની પવિત્રતા જળવાઈ રહે છે. પછી સરસ્વતીચંદ્રને મુંબઈ પાછો મોકલવા માટે તે એક પત્ર લખી શુદ્ધ ભાવે સરસ્વતીચંદ્રના ઓરડામાં જાય છે. સરસ્વતીચંદ્રને પોતાના વિશે, પોતાની સ્થિતિ વિશે કંઈ જ ન વિચારવા અને મુંબઈ પાછા જવા કહે છે. તેથી બીજે દિવસે સરસ્વતીચંદ્ર સુવર્ણપુરની વિદાય લે છે.

ડૉ. રાઘવ એચ. ભરવાડ
ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
મો. ૮૮૬૬૩૮૩૪૩૩
Email: raghavbharvad૯૩@gmail.com