નારીસંપદા : ટૂંકી વાર્તા/અસમજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અસમજ

માના વ્યાસ

‘શ્લોકમાં ઋષિ કહે છે...તને દસ પુત્રો થાવ અને તારો પતિ તારો અગિયારમા પુત્ર સમ બની રહો.. અર્થાત્ સમય જતાં સમગ્ર વાસનાઓનો નાશ થાવ... કૈરવી, સાસુ નંદિતાબેનને ટીવીના પ્રોગ્રામમાં ઓતપ્રોત થઈ સાંભળતાં જોઈ રહી. છેલ્લું વાક્ય સાંભળીને એની નજર ડ્રોઈંગ રૂમને સામે છેડે એક એક હાથમાં દસ દસ કિલોના ડમ્બેલ્સ ઉપાડી કસરત કરતા નિવાન સાથે મળી. કદાચ નિવાને પણ એ વાક્ય સાંભળ્યું હતું એટલે એણે ત્યાંથી જ કૈરવીને આંખ મારી. થોડો કૃત્રિમ ગુસ્સો બતાવી કૈરવી ઝટપટ કામ કરવા લાગી. આજે નક્કી ટ્રેન ચૂકી જઈશ – એ મનમાં બબડી અને બારી બહાર જોયું. કેલિફોર્નિયાના રળિયામણા ટાઉન રેડવૂડ સિટીમાં સવારના સાત વાગી રહ્યા હતા. બારી બહાર દેખાતાં લીલાંછમ વૃક્ષોની હારથી સજેલો રસ્તો સુંદર દેખાતો હતો. કૈરવીએ કામ અર્થે રોજ રેડવૂડ સીટીથી સાનફ્રાન્સિસ્કો જવું પડતું હતું. એ માટે એને ‘કેલ’ ટ્રેન પકડવી પડતી. પોતાની કાર સ્ટેશન પર પાર્ક કરી દોડતી પ્લેટફોર્મ પર આવી. સામે જ રેડવૂડ સીટીની ટેગલાઈન, ’ક્લાઇમેટ બેસ્ટ, ગવર્મેન્ટ ટેસ્ટ’ દેખાઈ રહી હતી. એણે એક ઊંડો શ્વાસ ભર્યો. ચોખ્ખી હવાએ એના શરીરમાં તાજગી ભરી દીધી. કેલ ટ્રેન રેડવૂડ સીટીથી સાનફ્રાન્સિસ્કો પહોંચવા લગભગ એક કલાક લેતી હતી. કૈરવી એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરતી હતી. મીલી બ્રે સ્ટેશન આવવાની તૈયારી હતી. કૈરવીનો ફોન રણક્યો. મમ્મી? ઓહ નો ! આજે ફરી કિચનની બારી બંધ કરવાનું ભૂલી હોઈશ અને જાડી ખિસકોલી અંદર આવી ગઈ હશે. એ પઠ્ઠી નક્કી ગયા જન્મે ભારતમાં જન્મી હશે કે એને ઇન્ડિયન ફૂડ આટલું ભાવે છે. ‘હલો મમ્મી, બારી ઉઘાડી...? હેં... ઓહ ! ક્યારે... કેવી રીતે? ઓહ, માય ગોડ ! તમે રડો નહીં. પહેલાં ઘરનો ફોન લઈ 911 ડાયલ કરો. હું આવું છું.’ નિવાનને હાર્ટએટેક આવ્યો લાગતો હતો. કૈરવી મીલી બ્રે સ્ટેશન પર ઊતરી પડી. એણે ચાલતાં ચાલતાં નણંદ નિત્યાને અને મિત્રોનાં વોટ્સએપ ગ્રૂપ ‘હમ હિન્દુસ્તાની’ પર મેસેજ પોસ્ટ કર્યો, ‘નિવાન અનકોન્શિયસ. મોમ અલોન, રીચીંગ હોમ.’ ‘મા અંબા ! નિવાનને જીવાડજે.’ કૈરવી રડું રડું થઈ ગઈ. પછીના કલાકો કૈરવી માટે અત્યંત કપરાં નીવડ્યાં. જ્યારે ક્યાંય સુધી નિવાન કસરત પછી બહાર ન આવ્યો ત્યારે નંદિતાબેન અંદર જોવા ગયાં. નિવાન બંને હાથ છાતી પર દાબેલી હાલતમાં નીચે પડી ગયો હતો. નિવાને કદાચ બૂમ પાડી હોય પણ નંદિતાબેન ઊંચા ટીવીના વોલ્યુમમાં સાંભળી ન શક્યાં હોય.. નિવાનને પહેલાં સ્થાનિક હોસ્પિટલ અને પછી સ્ટેનફોર્ડ કાર્ડિયાક સેન્ટરમાં લઈ જવાયો. અતિશય ચિંતા, ઉચાટ અને અદૃશ્ય રીતે તોળાતો ભય કૈરવીને ઘેરી વળ્યાં હતાં. મિત્રો આવતા ને જતા રહેતા હતા. ઇંડિયાથી કૈરવીનાં મમ્મી-પપ્પા પણ આવવાની તૈયારી કરતાં હતાં. નિવાનને ભાન આવતું નહોતું. અઠવાડિયા પછી કૈરવીને ડોક્ટરે કેબિનમાં બોલાવી. “ ‘સેરીબ્રલ હાપોક્સિયા’. હ્રદય રોગના હુમલાને કારણે નિવાનના મગજને પાંચથી વધુ મિનિટ સુધી લોહી સાવ ઓછી માત્રામાં કે નહીંવત્ મળ્યું હતું. મગજનાં કોષોને સતત પૂરતાં પ્રમાણમાં રક્ત ન મળે તો એ નાશ પામતાં હોય છે. એની તંદુરસ્ત લાઇફસ્ટાઇલને કારણે બીજાં કોમ્પ્લીકેશન થયાં નથી, પરંતુ લાંબો સમય કોમામાં રહ્યાં પછી દિમાગના કયા ભાગમાં નુકસાન થયું છે એ કહેવું મુશ્કેલ છે. કદાચ થોડી વિસ્મૃતિ થાય કે એક આખો સમયખંડ ભૂલાઈ જાય એવું બને પણ એ સમય જ કહી શકશે.” કૈરવી સાંભળી રહી. એક સાવ નોર્મલ માણસ, જિંદગીથી છલકતો માણસ, જેણે હંમેશા તંદુરસ્તીને પ્રાધાન્ય આપ્યું હોય એ આમ અચાનક ઢળી પડે! મા અંબાને નિવાનને જિવાડવા સાથે હેમખેમ રાખજો એ કહેવું રહી ગયું. કૈરવીને લગ્નનાં ચાર વર્ષ પહેલાંની નિવાન સાથેની મુલાકાત યાદ આવી ગઈ. કોઈ મેરેજ બ્યુરોથી પ્રોફાઈલ મળેલો. પહેલાં વોટ્સએપ પર થોડી વાતચીત થતી રહેતી હતી. અચાનક એક દિવસ નિવાનનો સવારે ફોન આવ્યો, ‘હાય કેરવી, આજે સાંજે મળશે?’ એ એક પરની બીજી માત્રા ભૂલી જતો. પહેલાં તો કૈરવી માની ન શકી, ક્યારે? કેલિફોર્નિયાથી મુંબઈ? એ હજી અવઢવમાં હતી. ‘ઓકે... ધેન, છ વાગે, સન એન્ડ સેન્ડ કોફી શોપ !’ કહી ફોન મૂકી દીધો. આ તે રિકવેસ્ટ હતી કે ઓર્ડર? સવા છ વાગે કૈરવીએ કોફી શોપના પારદર્શક દરવાજામાંથી જોયું તો બે ચાર વિદેશીઓ સિવાય એક યુવાન અધીરપણે ટેબલ પર આંગળીઓ ઠપકારતા સામે દેખાતા અફાટ દરિયાને જોઈ રહ્યો હતો. એ અંદર આવી. નિવાને વોટ્સએપ પર મોકલેલા અનેક ફોટાઓ કરતાં એ અત્યારે હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. ‘કેરવી?’ ‘યસ, આઈ એમ કૈરવી.’ ‘હાય ! આઈ એમ નિવાન. કેમ છો?’ મઝા આવતી હતી. નિવાનની વાતો ખૂટતી નહોતી. એની મસ્તી-મજાક અને વાતે વાતે કૈરવીને ખભે ટપલી મારી લેવાની આદત શરૂઆતમાં અજીબ, પણ પછી ગમવા લાગી હતી. એમ જ એણે અચાનક એક દિવસ સાંજે ડીનર પછી કહ્યું હતું, ‘લે્ટ્સ ગેટ મેરીડ.’ રેડવૂડ સીટીથી નિવાનની ઓફિસ દસ મિનિટ દૂર હતી. સુંદર હાઉસના બેકયાર્ડમાં ફળોથી લચી પડેલાં લીંબુ, સંતરા અને અંજીરનાં ઝાડ હતાં. અનેક ફૂલો સાથે પાપડી, લીલાં મરચાં અને દૂધી પણ વાવેલાં હતાં. આખું અઠવાડિયું થાકી જવાય એટલું કામ કરવાનું હતું અને શનિ-રવિ નિવાનની મોટી બહેન નિત્યાના ઘરે હિન્દી પિક્ચર કે પછી મંદિરમાં ભારતીય સમાજના કાર્યક્રમોમાં સંસ્કૃતિને જીવંત રાખવાની કોશિશ કરતાં રહેવાનું હતું. સોળમે દિવસે નિવાનને સવારથી ભાન આવવા માંડ્યું હતું. પોતે હોસ્પિટલમાં છે એ સમજાતા જ ઘણી વાર થઈ ગઈ. વચ્ચે વચ્ચે ગુજરાતી, મરાઠી અને હિન્દીમાં બોલતો રહેતો. નર્સને બૂમો પાડીને બોલાવતો અને‌ એની સાથે અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં વાત કરતો. ડૉક્ટરની વોર્નિંગ હતી કે વારાફરતી ફક્ત એક જ જણ મળવા જાય, એ પણ પાંચ મિનિટ માટે. રૂમનો કેમેરા બધું નોંધતો હતો. પહેલાં કૈરવી ગઈ. નિવાન સ્વસ્થ લાગતો હતો. વધેલી દાઢી અને અને ઉતરેલા વજન સાથે જુદો લાગતો હતો. કૈરવી ધડકતા દિલે પ્રવેશી. ‘નિવાન...!’ ‘ઓહ ! ક...કેરવી, તું અહીં... દવાખાનામાં ! આઈ મીન.. હોસ.. હોસ્પિ..ટલ...! વાહ... આવી જ છે તો... લેટ્સ ગેટ મેરીડ...’ કૈરવી આઘાતથી જોઈ રહી. ‘નિવાન...!’ એ ધ્રૂજતા અવાજે બોલી, ‘આર યુ ઓકે?’ ‘યસ... થોડું માથું દુઃખે છે. જરા પડી ગયો એમાં મમ્મી અહીં લઈ આવી.’ એણે માથા પરના ઘા પરની પટ્ટી પર હાથ લગાડી કહ્યું, ‘મૈં ઠીક હૂં. માલા ઘરી જાયેચા આહે.’ નિવાનનું મગજ ચાર વર્ષના સમયગાળાને સંપૂર્ણ વિસરી ચૂક્યું હતું. એ પહેલાંનાં દસ વરસ ભેળસેળ થઈ ચૂક્યાં હતાં. આખરે બરાબર વીસમે દિવસે નિવાન ઘરે આવ્યો. ડૉક્ટરે ખાસ તાકીદ કરી કે નિવાનને સ્વાભાવિક રીતે વાત યાદ આવે એટલી જ રીતે વાતચીત કરવી. એના દિમાગને શ્રમ પડે એવી વાતો ટાળવી. ઘણા મિત્રોમાંથી થોડાને નિવાન ઓળખી શક્યો. રાહુલનાં લગ્ન બે વરસ પહેલાં થયેલાં તે એને યાદ નહોતું. ઘરનું વાતાવરણ એકદમ ઔપચારિક બની ગયું. બહારથી સ્વસ્થ લાગતો નિવાન અંદરથી વિખરાઈ ગયો હતો. એક તરફ વારે વારે રડી પડતાં નંદિતાબેનને સાચવવાનાં, બીજી તરફ નિવાનના મગજમાં ઉદ̖ભવતી ગૂંચોને હળવેથી ઉકેલવાની હતી. બેડરૂમમાં પલંગ પાસે ટેબલ પર મૂકેલી નાજુક ચાંદીની ફ્રેમમાં લગ્નનો ફોટો નિવાન અચરજથી જોઈ રહ્યો હતો. ‘નિવાન !’ કૈરવીએ હળવેથી પાસે બેસતાં કહ્યું. ‘નિવાન, આપણાં લગ્નને ચાર વર્ષ થઈ ગયાં છે.’ નિવાન તદ્દન હેરાનીથી એની સામે જોઈ રહ્યો. એનાં જ્ઞાનતંતુ એને સાથ આપી નહોતાં રહ્યાં. એ બે હાથ વચ્ચે માથું પકડી બેસી રહ્યો. થોડીવાર પછી એ નંદિતાબેનના રૂમમાં જઈ સુઈ ગયો. કૈરવીનાં માતા-પિતા આવી ગયાં. સૌ એટલાં અસહાય હતાં કે એકબીજાને સાંત્વન પણ નહોતાં આપી શકતાં. વાતવાતમાં નંદિતાબેન અસ્પષ્ટ રીતે લગ્ન પહેલાં કુંડળી મેળવવી જોઈએ એવું કંઈ બોલી ગયાં પણ નિત્યાએ તરત વાત વાળી લીધી. મહિના પછી કૈરવીએ જોબ પર જવાનું ચાલુ કર્યું. આમ પણ નિવાન નંદિતાબેન સાથે વધુ સહજતાથી વાત કરી શકતો હતો. વીજળીના ઝબકારાની જેમ એની સ્મૃતિ આવતી અને બીજી સેકન્ડે હોલવાઈ જતી. એને દસ વર્ષ પહેલાંના મરાઠી પડોશી યાદ હતા, જ્યાં એમનો ઘર જેવો સંબંધ હતો. પરંતુ ઓફિસ, એનું કામ અને સહકાર્યકરો વિશે ભાગ્યે જ બોલી શકતો. ‘આવતા છ સાત મહિનામાં નિવાન જેટલું શીખશે એ એને યાદ રહેશે. નિવાનના મગજમાં જ્યાં ભાષા, શબ્દો કે વસ્તુનાં નામનું અર્થઘટન થાય એ જ જગ્યાએ સૌથી વધુ નુકસાન થયું છે. એની વાતચીતની ભાષા અને રોજિંદા કાર્યોની સ્મરણશક્તિ અસ્પષ્ટ છે. એને ઘણું બધું ફરી શીખવવું પડશે. જાણીતા ફિલ્મ સ્ટાર, ક્રિકેટર, સગાંવહાલાંના ફોટા ઓળખવા, ડીશવોશર કે વોશિંગ મશીન વગેરે ચલાવતાં શીખવવું પડશે. હવે નિવાન ડ્રાઇવિંગ નહીં કરી શકશે. હમણાં જોબ પણ નહીં.’, ડૉક્ટરે કહ્યું હતું. કૈરવી થાકી જતી. ઓફીસ, ઘરનું કામ, નિવાનની સ્પીચ ટ્રીટમેન્ટ અને એની અસમજ. બેડરૂમના એકાંતમાં નિવાન સાવ પાસે હોવા છતાં જોજનો દૂર હતો. કૈરવી એની કેરટેકરથી વિશેષ કંઈ નહોતી. આ તે કેવી વિવશતા હતી ! એક દિવસ બધા મિત્રોએ માઉન્ટેન વ્યૂમાં આવેલા શોરલાઇન એમ્ફિથિયેટરમાં સોનુ નિગમનો પ્રોગ્રામ જોવાનું ગોઠવ્યું. વિશાલ અને પ્રિતેશ લેવા આવ્યા હતા. ‘હાય, નિવાન... હાઉ આર યુ બડી?’ આવતાં જ પ્રિતેશ બોલ્યો. ‘બડી?’ નિવાને તો પ્રિતેશને પોતાની કંપનીમાં જોબ અપાવી હતી. હજી સુધી એ નિવાનને બોસ કહેતો હતો. કૈરવીથી નિસાસો નંખાઈ ગયો. વિશાલે કૈરવીને હળવું આલિંગન આપી ગાડીમાં બેસાડી દીધી. શો હાઉસફૂલ હતો. બધાં નિવાન સાથે સ્વાભાવિકતાથી વર્તતાં હતાં. કાયમ ‘લિટલ ફ્લર્ટિંગ ઈઝ ગુડ ફોર હેલ્થ’, કહી નિવાન સાથે મસ્તી કરતી તાન્યા નિવાનને ફક્ત ‘હાય’ કહી જતી રહી અને કૈરવી સાથે વાત કરતા પતિને પણ ખેંચીને લઈ ગઈ. નિવાન બે હાથ ગજવામાં નાંખી ખભા ઉલાળીને બધાં સાથે ગરબડિયા શબ્દો અને તૂટક ભાષામાં વાતો કરતો હતો. કૈરવીને શોમાં મઝા ન આવી. વિશાલે પૂછ્યું : ઘરે જવું છે? તો એણે તરત હા પાડી. બે વર્ષ વીતી ગયાં. નિવાનની હાલત બસ બે ડગલાં આગળ તો ચાર ડગલાં પાછળ જેવી હતી. ડૉક્ટરે સૂચવેલી સ્પીચ થેરાપી કરવી, ટીવી જોવું, ચીંધેલું કામ કરવું, ઘરની નજીક આવેલા ટાર્ગેટ સ્ટોરમાં જઈ જોઈતી વસ્તુઓ લઈ આવવી અને મિત્રો લઈ જાય ત્યારે ફૂટબોલ રમવા જવું, સૂઈ જવું એ એનું રોજિંદુ કામ હતું. ઘણીવાર ઇંડિયા પોતાના સ્કૂલ ફ્રેન્ડને ફોન કરતો અને બીજા સહાધ્યાયી વિશે પૂછ્યા કરતો. એ સમયે નિવાન અત્યંત આનંદ અનુભવતો. કૈરવીનું જીવન એક સઢ વિનાની નાવ જેવું બની રહ્યું હતું. અફાટ જીવનપટ પર એક એક દિવસ ખરતો રહેતો હતો અને એ ખરેલી રાખનો ઢગલો બનતો જતો હતો. એ ઢગલામાં આશાની એક ચિનગારી પણ ઝબકતી નહોતી. એક શનિવારે નિત્યા ઘરે આવી. કૈરવીને જિંદગીથી વિમુખ થતાં જોઈ એકદમ સહજતાથી કહ્યું, ‘કૈરવી, તારે ડેટ પર જવું જોઈએ. આમ એકલી ક્યાં સુધી રહેશે? યુ હેવ યોર ઓન લાઈફ. મને લાગે છે ડિવોર્સ પછી વિશાલ પણ એકલો છે. એન્ડ હી ઈઝ અ જેન્ટલમેન.’ ‘એવું થોડું થાય?’ નંદિતાબેન તમતમી ગયાં. પોતાનો વીસ વરસનો આકરો વૈધવ્ય કાળ નંદિતાબેનની નજર સમક્ષ તરી આવ્યો. ‘મમ્મી, તારે બે છોકરાં હતાં. કૈરવી હજી કેટલી નાની...’ ‘અરે, મારો નિવાન જીવે છે હજી...’ નિત્યાની વાત કાપી નાંખતાં નંદિતાબેન રડી પડ્યાં. પણ નિત્યા ન માની. એણે ધરાર કૈરવીને વિશાલ સાથે ડેટ પર જવા મનાવી લીધી. શનિવાર આવી ગયો. નિત્યા પતિ કુશલ સાથે ટેસ્લા કાર લઈ આવી પહોંચી. એ નિવાન અને નંદિતાબેનને પેસેફિકા લઈ જવાની હતી. આખા દિવસનો પ્રોગ્રામ હતો. કચવાતા મને નંદિતાબેન કૈરવીની સામે પણ જોયા વિના બહાર જઈ ગાડીમાં બેસી ગયાં. કૈરવી દરવાજા પાસે ઊભી રહી. પેસેજમાં બંને હાથ ગજવામાં નાંખી નિવાન ઊભો રહી ગયો. ‘ચાલ નિવાન, મોડું થાય છે.’, નિત્યાએ કહ્યું . ‘વ વ વેઇઇટ, કેરવી આવે છે ને...’ ‘નો નિવાન. મેં કહ્યું હતું ને, એ નથી આવવાની. એ વિશાલ સાથે ડેટ પર જવાની છે.’ નિત્યા નિવાનનો હાથ પકડી ચાલવા લાગી. નિવાન ખેંચાતો ગયો. અચાનક એણે પાછળ ઊભેલી કૈરવી તરફ જોયું, જોયા કર્યું... કૈરવીથી એ અસમજભરી દૃષ્ટિ જીરવાઈ નહીં. એ બોલી ઊઠી, ‘વેઇઇટ...’