નારીસંપદા : ટૂંકી વાર્તા/જેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જેલ

વર્ષા તન્ના

અત્યારે કાના ભરવાડના ઘરની પરસાળમાં બધા બેઠાં બેઠાં નક્કી કરતા હતા કે, 'હવે જેલમાં દૂધ કોણ પહોંચાડશે?’ આટલાં વરસોથી કાના ભરવાડને ત્યાંથી દૂધ જતું હતું. થોડા વરસ પહેલાં જ્યારે જેલમાં દૂધ પહોંચાડવાની વાત આવી હતી ત્યારે... ગામવાળા ગભરાયા... ‘જેલમાં તો બધા ગુંડા મવાલી જ હોય. આપણા છોકરાને મોકલીએ તો કોઈનો કાંય ભરોસો નહીં.’ 'કાલ ઉઠીને આપણા છોકરાને કાંય થાય તો?’ 'કાલ કાંય થાય તો પોલીસ આપણને વગર વાંકે દંડી નાખે. પછી મારી મારી ધોઈ નાખે.' ‘ઈ પોલીસને ના નો પાડવી, પણ જેલ બહુ આઘી છે એમ કહી દેવું.’ અંતે આમ કહી ગામ લોકોએ હાથ ઊંચા કરી દીધા હતા. પણ કાના ભરવાડ તો ગામને છેવાડે રહેતા હતા એટલે આ કામ વગર પૂછ્યે તેના પર ગામવાળાઓએ નાખી દીધું. ગામને છેવાડે એટલે કાના ભરવાડનું ઘર જેલથી ઓરું. પોલીસ માઈબાપનો હુકમ એટલે આ કામ કાનાભાઈએ કમને પણ લેવું પડ્યું. કાનાભાઈએ રઘાને આ કામ સોંપી દીધું, રઘો ઘોઘો હતો એટલે કશું બોલ્યા વગર રોજ સવારે પ્હો ફાટ્યા પહેલાં જેલના રસોડે પહોંચી જાય અને એક મોટું કૅન ભરી દૂધ ઠાલવી આવે. એના પૈસા પણ સારા મળે એટલે કાનાભાઈ રઘાને નિભાવતા. કોકવાર એકાદ રૂપિયો રઘાને આપતા અને ઘરનો ચા રોજ. એટલે અત્યાર સુધી ગાડું બરાબર ચાલતું, ત્યાં રઘો ભગવાનને ઘરે પહોંચી ગયો. કશા કહેણ વગર. ...હવે?... કાના ભરવાડે કુટુંબના બધાને ભેગા કર્યા પરસાળમાં અને સહુ એકબીજાની સામે જોતા હતા. ‘કોણ જાશે જેલમાં દૂધ દેવા..?' કાનાભાઈએ બધા સામે જોઈને પૂછ્યું. 'દાદા... તમે ના પાડો છો નહીંતર હું જાવ.' કાનાદાદાના મોટા દીકરા નરોતમનો નાનો દીકરો માધવ બોલ્યો. 'હજી તો મૂછનો દોરો માંડ ફૂટ્યો છે ને જેલ ભણી જાવું છે ! છાનોમાનો બેસ...’ માધવના પિતા નરોતમે ધમકાવ્યો. 'હું તો જાઉં...પણ મને તો આવડું મોટું કેન લઈ સાયકલ હાકું તો હાંફ ચડી જાય...’ કાનાભાઈનો નાનો દીકરો શંકર બોલ્યો અને મોટું ઠૂસકું ખાધું. 'તે દિ' જેલમાં ધીંગાણું થ્યું'તું તો રઘાને ઉપાડીને લઈ ગ્યા'તા.' નરોતમ બોલ્યો. 'પણ ના પાડશું તો આવક જાશે.. અને સરકાર છે. એને ના નો પડાય.' હરજીવન બોલ્યો. ‘કોઈ અસ્ત્રીને મોકલીએ. વાંધો નો આવે...?’ નરોતમે બધા સામે જોયું, શિયાળની જેમ. 'કોણ જાય?' તેની સામે નજર માંડીને કાના ભરવાડે પૂછ્યું. ‘નિમકી...!' જરા અટકીને નરોતમ બોલ્યો. ‘ઈ લંગડી છે... તેના પગમાં જોર નથી પણ બાવડામાં બહુ જોર છે અને પોલીસ એને કાંય નય કરે. અસ્ત્રી મા’ણા અને પાછી લંગડી, એટલે વાંધો નો આવે.’ નરોતમની વાત સાંભળી કાનાબાપાએ માથું ધુણાવ્યું. પહેલી વખત કાનાબાપાને નિમકીના લંગડાપણાનો ટેકો મળ્યો. 'પણ જાશે કેવી રીતે?’ કાનાબાપા બોલ્યા. ‘એક રેંકડીમાં કેન મૂકી દેવાનું... રેંકડીને લઈ જાવાની.' નરોતમે હલ કાઢ્યો. નરોતમે બાપાની આંખોમાં જોયું. જાણે અરીસો ! ‘નિમકીને કાંય થાય તોયે ભલે થાતું...’ આવું જ કંઈક કાનાબાપાની આંખોમાં...

નિમકી નરોતમના મોટા દીકરા પરેશની વિધવા. બહુ દેખાવડી ન કહેવાય... ઈ તો ઠીક, પણ પાછો પગ લકવાને લીધે વાંકો થઈ ગ્યો. નાનપણમાં પેટે ચાંદલા થઈ ગ્યા'તા. કાનાબાપાના ખોરડાની આબરૂ બહુ મોટી એટલે કાનાબાપા જો હવે ના પાડે તો ગામમાં એના નામનું થું... થું... થાય. પરેશને પરાણે પરણાવ્યો હતો એની ભેગો. નિમકી કાનાબાપાના કુટુંબમાં વહુ બની આવી આવી ને થોડા વખતમાં પરેશ સ્કૂટર એક્સીડંટમાં મરી ગયો. પછી તો ધનીમાય એને ડાકણ જ કહેતાં હતાં. કાનજીબાપાએ પણ દીકરો ગયા પછી અપશુકનિયાળનું લેબલ મારી દીધું હતું. પરેશ જીવતો હતો ત્યારે પણ નિમકીને કોઈ દિવસ વહુ જેવું લાગ્યું ન હતું. પરેશ તો આખો દિવસ એના દોસ્તારો ભેગો ભટક્યા કરતો હતો. અને રાત પડે આવતો... ત્યારે કોક દિ’ ગંધાતોય ખરો. નિમકીને ખાલી પરેશનો જ નહીં પણ આખા ઘરનો અણગમો વાગતો. આ અણગમાને આઘો કરવા તે આખો દિવસ ઢસરડા કરતી. અને હવે તો દીકરો ગયો… નિમકીને એમ કે હવે બાપાને ઘરે મૂકી જાશે...પણ કાનાબાપાના ખોરડાનું નામ મોટું એટલે કામ ઘણું અને કામ કરવાવાળા પણ ઘણા... પગાર આપે… નિમકી તો મફતમાં ઢસરડો કરે. એટલે તે સાસરીમાં જ રહી. ઘરમાં તો આખું કુટુંબ રહે છે. આને તો ગાય-ભેંસની ગમાણની બાજુમાં એક ખોલકી જેવી અંધારી, ગંધારી ઓરડીમાં રહેવાનું અને સ્વસ્તિ વચનો સાંભળવાના. ગમાણનું વાસીદું પાણી કરવાનું. ઘરનાં કામ કરવાનાં. આજે નિમકીએ જલદી બધું કામ આટોપી લીધું હતું, મેળે જાવા માટે. 'ઈ કેમ કરી આવવાની? મેળામાં હૈયાથી હૈયું દળાય એટલું માં’ણા હોય. એને ક્યાંક બીજા પગે વાગી જશે તો ઘર ભેગી કરવી ભારે પડશે અને ગામના લોકો વાત્યુ કરશે...’ ધનીમાએ વટહુકમ બહાર પાડ્યો એટલે નિમકી ખોલકીમાં જ પડી રહી.

બાપુના ઘરે કોઈ દિ’ તેના પગની ખોટ ક્યારેય વર્તાઈ ન હતી. આખો દિવસ આખા ફળિયામાં તેના એક પગલાની રંગોળી છલકતી. માની તો હાથ વાટકી... એટલે બૂમ મારી જોઈતી વસ્તુ મગાવે અને નિમકી હડી કાઢી હાજર કરે. મંદિરમાં ભજન ગાવા તો મોંઘીમા બોલાવે... અને જે હલકથી પોતે ભજન ગવરાવે ! કે ભગવાનની મૂર્તિ પણ રાજી થઈ જાય. પણ જ્યારથી સાસરે આવી ત્યારથી તેના પગની ખોટ તેને દેખાવા લાગી હતી. એમાં પાછો વર મરી ગયો. વર મરી ગયો એમાં એનો શો વાંક? એ આજ દિ' લગી નિમકી સમજી શકી ન હતી. ‘પોતે શું પાપ કર્યાં છે? ઈ તો ભજન ગાતી. નોરતામાં વાંકા પગે પણ ગરબા રમતી. આને પાપ થોડું કે'વાય...!' નિમકી ખોલકીના જાળિયામાંથી જોતી. હવે ભજન અને નાનકડી વાછરડી ટબુડી – આ જ તેના ભેરું. તે કેટલીયે વખત એકલી એકલી બોલતી. ટબુડી સંધુય સાંભળતી હોય તેમ માથું ધુણાવતી. ટબુડીનેય હવે ખબર પડતી હતી કે ક્યારે આભ ચૂવે છે ને ક્યારે આંખ ! 'વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા આવશે...' આ સાંભાળતી વખતે ટબુડીને અંધારામાંય નિમકીની આંખોના આંસુ દેખાતાં... ટબુડીની આંખોય ઝરવા લાગતી...

‘નિમકી, તને આતા બોલાવે છે.’ કોઈકે આવીને કહ્યું. નિમકી ગભરાઈ. ‘શું ભૂલ થઈ? હમણાં સ્વસ્તિવચનનો આખો ગીતાપાઠ થશે..’ પહોંચતાં નિમકીને ઠેબું વાગ્યું. તેનાથી બેસાઈ જવાયું ત્યારે 'ઊતાવળ નો કરવી.’ એમ વિચારતી નિમકી જલદી ઊભી થઈ. હજી તો બાઈજીની અડબોથ કદાચ... પોતાના ભૂરા ભૂખરાં થયેલા રંગના ઓઢણાથી અર્ધો ચહેરો ઢાંકી, લાજ કાઢી ઊભી રહી. ‘કાલથી સવારે મોંસૂઝણાં પે’લા જેલે દૂધ દેવા જાવાનું છે.' કાનાબાપા બોલ્યા. બધા ચૂપ... એટલે નિમકીએ પાછા ફરવા પગ ઉપાડયો. ‘દૂધ ટેમ ટુ ટેમ પોંચવું જોશે. આ સરકારી કામ સે. વે'લુ મોડું નય ચાલે.’ કાનાબાપા પોલીસની જેમ બોલ્યા. નિમકી માથું ધુણાવી ચાલવા લાગી.

નિમકીનું નવું કામ શરૂ થઈ ગયું. પ્હો ફાટતાં જ નિમકી ઊઠી દૂધ દોહી જેલ તરફ રવાના થાય. પે'લે દિવસે ફૂલ જોયું...એના પર ઝાંકળ જોઈ... બીજે દિવસે તો પતંગિયું હતું. ‘બાપુના ઘરેથી આવ્યું હશે !’ આકાશમાં કોક તારોય મલકતો’તો. ખોલકીમાં તો તારો નહીં, આભનો ટૂકડો જ જોયો હતો. એમાં વાદળી બિચારી એકલી દેખાય ! રમે કોની હારે...? આ ધૂળમાં રમવાની મઝા આવે છે. પણ બાપુના ગામ જેવી નહીં... હવે બેનપણી બનાવી લઈશ ! જેલ તો જેલ... પણ નિમકીને તો મજા પડી ગઈ. પણ આ ધૂળ સાથે તેની ઓળખાણ થઈ. એક વખત તો સવારે કુંડાળા કરેલાં જોયાં. પોતે પણ નાની હતી ત્યારે રમતી હતી, રમવા માંડી... એકલી એકલી... એટલામાં અવાજ આવ્યો, ‘શી... શી...સ.’ તેણે આમતેમ જોયું. કોઈ દેખાયું નહીં. આકાશ સામે જોયું... ‘અરે... રે.. રે. મોડું થાશે.’ રમત અર્ધી મૂકી રેંકડી દોડાવતી ભાગી. પડી ખરી ને ઊભીયે થઈ. પણ પાછળ જોયા વગર દોડ્યા કર્યું. હવે પહેલાં જેટલું દોડાયું નહીં... શ્વાસ ભરાઈ ગયો. હૈયું જોરથી ફફડતું હતું.

શ્વાસભેર તે ઘરે પહોંચી. સીધી ટબુડી પાસે. 'આજ તો રમવાની મજા આવી પણ કાંક અવાજ આવ્યો ને ભાગી.’ ‘સારું કર્યું અવાજ આવ્યો, નહીંતર રમ્યા જ કરત... ભગવાને સનકારો કર્યો.’ બીજા દિવસે પણ તે નિયમ મુજબ દૂધ ઠાલવી કૅન રેંકડીમાં મૂકી ચાલતી હતી ત્યાં ફરી એ જ સીસકારાનો અવાજ. આભે જોયું... ‘ભગવાન ઈને ભાળે છે...!’ કાનમાં આંગળી નાખી. હલાવી. ફરી એ જ અવાજ... અવાજ આભેથી નહીં જાળિયામાંથી આવે છે. રેંકડીને જોરથી પકડી ઊભી રહી ગઈ. જાળિયામાં ધ્યાનથી જોયું તો એક ઘોઘરો અવાજ તેને બોલાવતો હતો. તેની વધી ગયેલી દાઢી અને જાડા હોઠ અને લાલ ખૂણાવાળી આંખો દેખાયા. જાળી પકડેલા હાથની આંગળી તેના ચહેરા કરતાં કોમળ લાગી. 'તું અહીં રોજ દૂધ દેવા આવે છે?’ પેલાએ પૂછ્યું, નિમકીએ તેની સામે જોયું. પેલાએ ફરી એ જ પૂછ્યું. નિમકીએ હકારમાં માથું ધુણાવ્યું. ‘મને અહીંથી બહાર કાઢીશ?' નિમકી ગભરાઈને આજુબાજુ જોઈ રેંકડી દોડાવવા લાગી.

નિમકી ઘરે પહોંચી ત્યાં સુધી તેના મનમાં પેલો અવાજ પડઘાયા કરતો હતો. 'મને અહીંથી બહાર કાઢીશ?' તે ટબુડીના કાનમાં બોલી ‘મને અહીંથી બહાર કાઢીશ?' ટબુડીએ સમજ્યા વગર તેની સામે જોયા કર્યું. નિમકીએ ભજન ગાવાનું શરૂ કર્યું, ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ.’ ઓચિંતા... બસ અટકી... જાળિયામાંથી જોયું. આભમાં વાદળો માળો બાંધતાં હતાં.

હવે તે જેલમાં દૂધ આપી નીકળતી ત્યારે પેલો અવાજ સાવ ચૂપ... પણ તેની આંખોમાં વીજળી જેવો ચમકારો દેખાતો હતો. નિમકીને આકાશનાં વાદળાં તેની આંખોમાં દેખાયાં. આજે તે ઊભી રહી પેલી જાળિયામાંથી દેખાતી આંખો પાસે. 'તારું નામ શું છે?' નિમકીએ પૂછ્યું. 'નામ...? 126.' પેલાએ કહ્યું. ‘126...? એવાં કાંય નામ હોય? હું તારું નામ પૂછું છું.’ નિમકી બોલી. 'જલાલ.' પેલાએ આમતેમ જોઈ જવાબ આપ્યો. જલાલ બોલતાં તેની આંખોમાં ચમક આવી તે નિમકીએ જોઈ. 'કેવી રીતે છોડાવું?’ નિમકી રેંકડી પર ચડી ઊભાં ઊભાં વાત કરતી હતી. નીચે ઉતર... કોઈ જોઈ જાશે તો આવી બનશે. મારા ભેગા બીજા બે જણ છે, ઈ બા’ર ગ્યા છે... આવ્યા લાગે છે. કાલે વાત.' જલાલનો ચહેરો દેખાતો બંધ થઈ ગયો અને નિમકીએ પણ જલદીથી નીચે ઉતરીને રેંકડીને ધક્કો માર્યો. ‘હવે વજન ઓછું થઈ ગ્યું છે તોય રૅંકડી દોડતી કેમ નથ?' નિમકીએ વિચાર કર્યો. પાછાં ફરતાં પૈડામાં હવા ભરાવી અને રેંકડી દોડાવતી તે જલદી ઘરે પહોંચી ગઈ. બીજા દિવસે જાળિયા નીચે પોતાની રેંકડી ઊભી રાખી. પેલી આંખો તેની રાહ જ જોતી હતી. ‘મને એક આઈડિયા આવ્યો છે.' નિમકી રેંકડી પર ચડીને સાંભળતી હતી. ‘કાલે તું આવીશ ત્યારે આ જાળિયાના બધા સળિયા કાઢી નાખીશ.' આમ બોલી તેણે એક સળિયાને હાથમાં લઈ લીધો. નિમકીની આંખો મોટી થઈ અને હોઠ ફફડવા લાગ્યા. પણ કશો અવાજ ન નીકળ્યો. ‘હવે એક બે જ બાકી છે... એ કાઢી નાખીશ. અટાણે કોઈને ખબર ન પડે એમ ગોઠવી દીધા છે. પછી તારી રેંકડી મને દેજે એને દોડાવીશ. રેંકડીથી દોડાય પણ ફાસ અને અવાજેય નો આવે.’ જલાલ બોલ્યો. 'મને લઈ જઈશ?' નિમકીએ પૂછ્યું. 'તને?’ વીજળીના ગડગડાટ વગર જલાલ ચમક્યો. ‘ક્યાં? હજી મારું ઠેકાણું નથ.’ જલાલ બોલ્યો. 'હું મુસલમાન છું.’ 'તું માણાં તો છો ને?' હવે નિમકી હિંમતથી બોલી. 'મારો વશ્વાસ છે?’ પેલાએ નિમકીની સામે જોયું, ‘એક ખૂનીનો?’ હવે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. નિમકી રેંકડી લઈ ચાલવા લાગી. દૂરથી જલાલને સમજ ના પડી કે નિમકીના ગાલ કેમ ભીના છે? આંસુ છે કે વરસાદનાં ફોરાં !

રોજ દૂધ તો જેલ પર પહોંચી જતું. નિમકી ચૂપચાપ ત્યાંથી જાળિયા સામે જોતી. પેલી આંખો પણ. બન્નેની નજર એકમેકને કશુંક પૂછતી. કશુંક કહેતી પણ વીજળી ચમકતી ન હતી. 'આ અઠવાડિયાની ચા બનાવવાનું કામ પેલા બે જણ પર છે. એટલે આ ટાણે ઈ રસોડામાં જ હશે.' જલાલ બોલ્યો. 'સળિયા પણ નીકળી ગયા છે. આભે પણ વાદળનો અંગરખો પે'રી લીધો છે. જો તડામારી થાય તો ભાગવામાં સીધું પડે, બાકી અલ્લાતાલાની મરજી.' આભ સામે જોઈ જલાલ બોલ્યો. નિમકીએ પણ આભ સામે જોયું અને પછી રેંકડી પરથી નીચે ઊતરી ધીમે ચાલવા લાગી. રાત્રે વરસાદ અનરાધાર વરસતો હતો. ધોધમાર વરસાદે આજ ગામમાં અને કાનાઆતાના ઘરમાં રાત વહેલી પડી ગઈ હતી. બધા જલદીથી પોતપોતાના ખાટલામાં ગોદડાં લઈ સૂતા હતા. બેઠા હતા. સાવ ચૂપચાપ. માત્ર ધોધમાર ઝાપટાં અફળાતાં હતાં ચારે બાજુ. છાપરાં પરથી પાણી ધોરિયા; કુદરતનાં સંગીતમાં તાલબદ્ધ સાથ પૂરાવતાં હતાં. અને નિમકીએ ટબુડીને પંપાળી. આખી ખોલકી પાણી પાણી થઈ ગઈ હતી. છાપરું આખું નીતરતું હતું. એક તૂટેલ ખાટલી પર નિમકીએ બેઠે બેઠે જાળિયામાંથી આભના ટુકડા સામે નજર માંડી. નિમકીએ ધીરા સ્વરે ગાવાનું શરૂ કર્યું. ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ, ઓચિંતા અંધારા આવશે...’

'ઝટ કરો... દોડો દોડો... જેલ તૂટી છે.' લોકો અને તેનો અવાજ જેલ તરફ દોડતા હતા. વહેલી સવારે કેટલાક કાનાઆતાના ઘર સુધી જ દોડયા... ગાભરું ખરા ને ! અને જોણું જોવા ઊભા રહી ગયા. 'ત્યાં જાશું તો ખોટા પોલિસની હડફેટે ચડશું.' પોલિસની નહીં તો ભાગેડું ભટકાઈ જશે.' ‘ભાગેડું અટાણ લગી આપણી વાટ જોઈને બેઠો હોય... કે મને જોવા કો’ક આવે?’ અનરાધાર વરસાદ ગમે તેટલું જોર કરે, લોકોની ભીડ વધતી જતી હતી. સામેથી પોલિસ નિમકીને લઈને આવતો હતો. નિમકીના બીજા પગનું જોર પણ હરાઈ ગયું હોય તેમ ઘસડાતી હતી. ‘શું થ્યું?’ કાનાઆતાએ પૂછ્યું. નીતરતી નિમકી એક શબ્દ બોલ્યા વગર ચૂપચાપ ઘર તરફ ઘસડાતી જ રહી. ‘અરે, મૂઈ કાંક તો બોલ... રેંકડી ક્યાં ગઈ?’ ધનીમાએ નિમકીને હાથ પકડીને ઊભી રાખી. ‘અરે, મોંઢામાંથી કાં’ક ફાટને...’ ધનીમાએ તેનું બાવડું જોરથી પકડ્યું. નિમકીના મોંમાંથી જોરથી ઉંહકારો નીકળી ગયો. ‘“અરે, માડી નસીબદાર છો. તમારાં સત છે. ઓલાના હાથમાં ખાલી રેંકડી આવી. આ બચાડી બહુ ધોડી રેંકડી પકડવા, પણ ઈ પડી. ઓલી જેલની પાછળની ટેકરી પરથી રેંકડી ઉતારી ગ્યો. આ લંગડી એટલે જાજું દોડી હકી નય... તોયે રેંકડી પાછળ દોડી. રાડુંય ઘણી પાડી... અને પસે પડી... આનો એક પગ... અને રેંકડીનાં ચાર પૈડાં... આ બીજો પગ જોવો ને, કેટલું લોહી નીકળે છે. ઓલો તો મરદ માંણા એટલે તે રેંકડી ધોડાવી બેહી ગ્યો... અને ઉતરી ગ્યો ટેકરીનો ઢાળ. અમારા સા’બ પણ ગાડી લઈને અમદાવાદ મોટી ઓફિસ ગ્યા છે. આ વરસાદમાં ઈને’ય આવતા મોડું થાહે.’ પોલિસે આખી વાત કાનાઆતાને સમજાવી. 'લોહી બહુ નીકળવા માંડ્યુ એટલે બેહી ગઈ. નય તો ધોડી ઘણું.’ પોલિસ પણ નિમકીના પગની દયા ખાવા લાગ્યો. 'અમે ઝટ પોં’ચી ગ્યા ને માંડ ઊભી કરી.’ નિમકીની સાથે આવેલો પોલીસ બોલ્યો. ધનીમા અને કાનાઆતાએ નિમકી સામે જોયું. નિમકી સાવ જડ બની ગઈ હતી. 'બચાડી...’ પોલીસે નિમકીની દયા ખાતાં કહ્યું. ‘હાલ, હવે ઘર ભેગી થા...’ ધનીમાએ હાથ પકડીને નિમકીને ખેંચી અને તેની ખોલકીમાં જોરથી ધક્કો માર્યો. નિમકીનું માથું દરવાજા સાથે જોરથી ભટકાયું. વરસાદના ટીપાં સાથે લોહીની ધાર ભળી તેના ચહેરા પર રેલાઈ ગઈ. તેની નજર જાળિયા સામે ગઈ પણ ક્યાંય વીજળી ચમકતી ન હતી. માત્ર અનરાધાર વરસતો હતો અને ટબુડીની આંખ પણ ઝરતી હતી.

વાર્તા અને વાર્તાકાર :

વર્ષા તન્ના (૨૪-૦૭-૧૯૫૭)

‘જેલ’ વાર્તા વિશે :

લકવાગ્રસ્ત પગને કારણે નિમકીને સાસરિયે બધા હડધૂત કરતાં. ઘરમાં એ જાણે કે વધારાની જ હતી. મજૂરની જેમ કામ કર્યે રાખતી. રેંકડી લઈને જેલમાં દૂધ પહોંચાડવા જતી. એક કેદીને સાથે લઈ જવાની શરતે નિમકીએ ભાગી છૂટવામાં મદદ કરી. પણ એ કેદી પણ એની રેંકડી લઈને ભાગી ગયો. એને સાથે ન લઈ ગયો. એ લંગડીને શું કરે? બધાની જેમ એણે પણ નિમકીનો ફાયદો જ ઉઠાવ્યો. પોલીસને લાગે છે નિમકીએ પેલાને પકડાવવા માટે ઘણી મહેનત કરી. એ ઘણું દોડી એ વાત સાચી પણ પેલાને પકડવા નહીં, એની સાથે જવા માટે. પેલો તો છૂટી ગયો પણ નિમકીની સાસરિયાની જેલ તો ચાલુ જ રહી.