નારીસંપદા : ટૂંકી વાર્તા/નિશ્વાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિશ્વાસ

તરુલતા દવે

વિવેક ટેકસીમાંથી ઊતર્યો ત્યારે શેરીના દરેક ઘરના બારીબારણાં પછવાડેથી અનેક આંખો એને તાકી રહી હતી. વિવેકને તો જાણ જ નહોતી કે આટલા બધા સામટા માણસો તેને જોઈ રહ્યા છે. ટેક્સીનું ભાડું ચૂકવી, હાથમાં બેગ લઈ, આરામથી સામેના મકાનમાં પ્રવેશી ગયો... અને એ જેવો મકાનમાં ગયો કે તરત જ બારી-બારણાં પાછળથી લોકોના ડોકાં દેખાવા શરૂ થઈ ગયાં. પહેલાં આંખોથી પછી હાથના ઈશારાથી, અને છેવટે વાણીથી તેમની વાતો શરૂ થઈ ગઈ – ‘આ માણસ વારંવાર કેમ આવતો હશે?’ ‘કશી જ ખબર પડતી નથી. અને આના વિષે વિભાબેન પણ ક્યાં કશું બોલ્યાં છે?’ ‘એની વાત જ જવા દે, એ મીંઢી ક્યાં કોઈ દિ’ કશું બોલે જ છે?’ ‘કંઈ સગો થતો હશે !’ બોલનાર સ્ત્રીએ આંખો મીંચકારી. ‘ભગવાન જાણે !’ કહીને એક આધેડ સ્ત્રી હસી પડી; બોલી : ‘ચાલો, આપણા કામ ખોટી થાય છે. તેની વાતોથી પેટ નહીં ભરાય. નહીં ઓળખાણ, નહીં પીછાણ એની તે વળી શી પંચાત?’ ત્યાં વળી ટોળામાંથી એક સ્ત્રી બોલી ઊઠી : ‘કેમ માસી; તમને એનામાં રસ નથી? તો પછી બારીની તિરાડમાંથી શું લેવા જોતા’તા?’ ‘જા, જા, હવે હું તો બારીની ધૂળ સાફ કરતી હતી !’ કહી એ સ્ત્રી જવા ઊભી થઈ. પરંતુ જતાં જતાં એ વિવેકવાળી ડેલી તરફ જોવાનું ચૂકી નહીં. ‘કેમ જાણે એને રસ જ ના હોય !’ એને જતી જોઈને બીજી સ્ત્રી બોલી ઊઠી : ‘જવા દો, આપણેય ઊઠીએ. પણ આના વિષે આપણે જ વિભાને પૂછવું જોઈએ !’ ‘ના રે ના ! જે હશે એ, આકૂડી ખબર પડશે ! ઊઠો બધાં !’ ટોળું ધીરેધીરે વિખરાઈ ગયું. વિવેક બહાર નીકળ્યો ત્યારે શેરીમાં સૂનકાર વ્યાપી ગયો હતો. તેને નવાઈ લાગી. અત્યારમાં શેરી આવી શાંત? ખરા છે અહીંના લોકો ! શહેર જેવા શહેરમાંય અત્યારે ધમાચકડી ચાલતી હોય ત્યારે મેં તો અહીંના લોકોને ભેગા મળીને વાતો કરતાં પણ જોયા નથી. કેવા નિરૂપદ્રવી છે – અહીંના લોકો ! ટેક્સી આવી ગઈ હતી. એ ટેક્સીમાં બેસી ગયો. એણે એક નજર ડેલી તરફ નાખી ને ટેક્સી ઊપડી ગઈ... બારીબારણાં પાછાં ઊભરાઈ ગયાં માણસોથી ! ‘ગયાંને...?’ ‘હા, આ વખતે ખાસ રોકાયો નહીં, ખરું કે નહીં?’ ‘હા.’ પછી વિભાની ડેલી તરફ જોઈ કહે : ‘જુઓ, વિભાબેન !’ વિભા ડેલી બંધ કરવા ગઈ ત્યારે તેની નજર આ લોકો ઉપર પડી. પણ સહેજ જોઈ એણે ડેલી બંધ કરી દીધી; અંદર પલંગ પર બેસી ગઈ. પ્રકાશ તેની બાજુમાં જ બેઠો હતો – દસ-બાર વરસનો છોકરો ! એણે જોયું તો મમ્મી હતાશ થઈ ગઈ હતી. વિવેક અંકલ આવ્યા ત્યારે જે ખુશી તેના ચહેરા ઉપર હતી તે વિલાઈ ગઈ હતી. વિભાએ પ્રકાશને કહ્યું : ‘આપણે શહેરમાં જવું છે?’ ‘હા મમ્મી, ત્યાં તો બહુ મજા પડે, નહીં?’ ‘હા, બેટા ! ત્યાં વિવેક અંકલ પણ હશે !’ ‘પણ મમ્મી, પછી તારી નોકરીનું શું?’ ‘ત્યાં બીજી મળી જશે !’ વિભાએ જોયું તો પ્રકાશ આનંદમાં આવી ગયો હતો. પણ એના અંતરનો આનંદ વ્યક્ત કરવાનો તેને બહાર અવકાશ નહોતો. વિભાની જ મનાઈ હતી. ઘરની કોઈ પણ વાત બહાર કરવી નહીં. તે ઊઠી. નાસ્તાની ટ્રે રસોડામાં મૂકી. પણ એનું મન ચકરાવે ચડ્યું હતું. દસ વરસ પહેલાં... ને એની સ્મૃતિ તેને વધુ તીવ્ર બનીને સતાવી રહી. રમેશ હજુ તાજો જ ઓફિસર બન્યો હતો. બન્ને ખૂબ જ આનંદથી દિવસો વિતાવતાં ત્યારે વિવેકને તો પોતે ઓળખતી પણ નહોતી. કેવા હતા એ જિંદગીના દિવસો ને પ્રકાશ તો પછી આવ્યો જીવનમાં. એણે એક નજર પ્રકાશ પર નાંખી – કૂમળું કૂમળું મોં, વાંકડીયા વાળ અને ગોરો ગોરો ચહેરો. એને તમ્મર આવવા જેવું થવા માંડ્યું-વિચારતાં વિચારતાં ! એ દિવસની સાંજ પણ તે ભૂલી શકે તેમ નહોતી. રમેશ સાંજે ઓફિસેથી આવ્યો ત્યારે એકલો નહોતો. તેની સાથે હતો વિવેક; ખૂબ નમ્ર અને સાલસ, તેની આંખો સ્વપ્નશીલ હતી ને પહોળા કપાળ ઉપર થોડા ગભરાટના ચિહ્નો. ‘આ મારો મિત્ર-વિવેક !’ વિવેકની ઓળખાણ આપતાં રમેશ બોલેલો ને ‘આ મારી પત્ની-વિભા !’ કહી એણે વિભા સામે જોયેલું. ત્યારે વિભાને લાગેલું કે આજ તો રમેશ જુદો બની ગયો છે. ચહેરા ઉપર કૃત્રિમતાની ઝલક આવી ગઈ છે. આનંદની જગ્યાએ થોડી દુઃખની છાયા ઉપસી ગઈ છે. રોજ સાંજે હસતો આનંદ કરતો આવતો રમેશ આજે થોડો ગંભીર બની ગયો છે. વિભાએ વિવેકનું સ્વાગત ચા-નાસ્તાથી કર્યું હતું. રમેશ ને વિવેક વચ્ચે થતી વાતોના તૂટક તૂટક શબ્દો રસોડાની દીવાલો વિંધીને પણ સંભળાઈ રહ્યા હતા. ‘વિભા આમ તો ખૂબ સરળ અને ભોળી છે; પાછી છે ય દયાળું !’ રમેશના શબ્દો હજુ પણ તેના કાનમાં ગૂંજતા હતા. ‘પણ રમેશ હું શરમ અનુભવું છું. જિંદગીમાં મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે. ને માબાપ...’ વિવેકનું વાક્ય અધૂરું જ રહ્યું. રમેશે કહ્યું હતું : ‘વિવેક, મિત્ર કોને કહેવાય. ખબર છે ને? સુખદુઃખમાં સમભાગી હોય તે જ સાચો મિત્ર હોઈ શકે ! તારા બાળકને આપણે અહીં લઈ આવીશું; લગ્ન પછી તું અને સરયુ અવાર-નવાર તમારાં બાળકને મળી શકશો !’ ને વિભા એ કશું જ સાંભળ્યું ના હોય તેમ પ્રવેશ કરેલો – ચા નાસ્તો લઈને. ત્યારે વિવેકની નજર અને તેની નજર એક બની ગયેલી. એ આંખોમાં વિભાએ જોયું. લાચારી હતી, દુઃખ હતું, યાચના હતી. શું નહોતું એ આંખોમાં? પણ વિભાએ કશું બોલ્યા વગર તેને હસીને ચાનો પ્યાલો ધરતાં કહ્યું હતું : ‘વિવેકભાઈ ! ખરેખર તમને મળીને ખૂબ આનંદ થયો. અવારનવાર તમારા નામનો ઉલ્લેખ અમારા ઘરમાં થાય છે જ – નજરે જ જોયા નહોતા. જોયા પછી લાગે છે કે રમેશે તમારા વિષે કશું જ ખોટું કહ્યું નથી.’ ‘જો, સાંભળ ! હવે તો તને ખાતરી થઈ ને, અમે તને કેટલું યાદ કરીએ છીએ?’ વિવેક નીચું જોઈને હસેલો જ માત્ર. જમવાનો આગ્રહ કરેલો વિભાએ પણ હવે ફરી કોઈવાર કહીને એ જતો રહેલો. પછી રમેશે તેને જે કહેલું તે જિંદગી બનીને એ જીવી ગઈ હતી. વિભાએ નાસ્તાની ટ્રે સાફ કરી. બહાર આવી ત્યારે પ્રકાશ બારીની બહાર જોતો હતો. ને તેના ચહેરા ઉપર આનંદના ભાવો લહેરાતા એ જોઈ રહી. એણે શહેરમાં જવાનો નિશ્ચય કર્યો એ વાતથી કેટલો ખુશ હતો પ્રકાશ? એણે કેલેન્ડરમાં જોયું. પંદર દિવસમાં જ એને બધું આટોપવાનું હતું. નોકરીનું રાજીનામું; ઘરનું પેકિંગ – બધું જ એકલાં હાથે કરવાનું હતું. રમેશ ગયો ત્યારે કહીને ગયેલો : ‘વિભા, બહુ બહુ તો વરસ દિ’માં જ પાછું આવવાનું થશે. એક વરસ મારે રહેવું જ પડશે. પણ તું ચિંતા કરીશ નહીં; પ્રકાશ પણ છે હવે તો !’ વિભાથી વળી પ્રકાશ સામે જોવાઈ ગયું. પ્રકાશ... ખરેખર જીવનમાં આવી તેણે પ્રકાશ જ ફેલાવ્યો છે પણ એની આંખો ભીની બની ગઈ. વળી તેને વિવેકના શબ્દો યાદ આવી ગયા. ‘ભાભી ! આને થાપણ ગણશો નહીં. આ તમારો જ છે. મારો તમામ હક્ક-દાવો ઊઠાવી લઉં છું. એને સ્વીકારી લો !’ એ વાક્ય એના કાનમાં ગૂંજતું હતું. વિવેક આવતો ખબર કાઢવા ને વિભા જાણતી હતી કે એ પ્રકાશને જોવા માટે આવે છે. એ આવવા પણ દેતી ને વિવેક મારફત જ રમેશ પૈસા મોકલતો રહેતો. પરદેશથી પણ હવે રમેશ આવવાનો હતો. ને એને શહેરમાં જવાનું હતું... તો વળી વિવેક ટેક્સીમાં બેઠા બેઠા વિચારતો હતો : ‘વિભાભાભી કેવા સાલસ છે? દર વખતે રકમ આપવા, ને પ્રકાશને જોવા જાઉં છું ત્યારે થોડી વાર માટે પણ કેવા ખસી જાય છે? મારું કેવું ઊમળકાથી સ્વાગત કરે છે? રમેશની ગેરહાજરીમાં પણ ક્યાંય એમના અતિથિ સત્કારમાં ખામી આવી નથી.’ પણ વિચારતાં વિચારતાં એ ખિન્ન થઈ ગયો. એનું મન ઝણઝણી ઊઠ્યું : ‘અરે ભગવાન ! મારી થાપણ સાચવનાર સ્ત્રીને મારે પોતે આ કેવા કપરા ખબર દેવાની ઘડી આવી?’ ક્ષણભર એની આંખો સામે વિભાનો ભોળો ચહેરો સજીવ થઈ ઊભો. કેવા પ્રત્યાઘાત પડશે આ ચહેરા ઉપર? પણ બીજી જ ક્ષણે એને રમેશ કહેતો હોય એવો આભાસ થયો : ‘વિવેક, દોસ્ત ! એક વરસનું કહીને ત્રણ વરસે હું પાછો આવ્યો છું. પણ એકલો નહીં; બે વરસનું બાળક પણ મારી સાથે. મારી ભૂલ-પણ શું કરું? એને ક્યાં લઈ જાઉં? એટલે જ ત્રણ વરસે પાછો ફરીને ઘેર જવાને બદલે સીધો તારે ત્યાં જ આવ્યો છું. વિભાને સમજાવી અહીં શહેરમાં લઈ આવવાનું કામ તારે જ કરવું પડશે...!’ વિવેકના હૃદયની ગતિ વધી ગઈ. વિભાભાભીને ટપાલ તો લખી જ નાખી હતી, કે શહેરમાં આવવા માટે તૈયાર રહેવાનું છે. અહીં જ સ્થિર થવાનું છે. પણ આજ તો તેડવા જ જવાનું હતું... અને... અને... સ્ફોટ કરવાનો હતો.

***

ટેક્સી વિભાની ડેલીએ આવીને ઊભી રહી. વિવેક એમાંથી ઉતર્યો. ડેલીમાં ગયો. ને ટોળું હંમેશની જેમ વાતો કરતું હતું : ‘વિભા હમણાં બહુ કામમાં રહેતી લાગે છે.’ ‘કશી યે ખબર પડતી નથી – એની કે આ ભઈનીય. વળી રમેશભાઈના તો કશા ય ખબર નથી.’ ‘મને લાગે છે કે કશું છે ખરું હોં, નહિતર આમ વારેવારે કોણ આવે?’ બધાની નજર વિભાની ડેલીએ ખોડાયેલી હતી. ત્યારે વિવેક બોલતો હતો : ‘ભાભી ! તમે તો સમજુ છો; વિશાળ મનનાં છો. રમેશને અપનાવી લો. ખૂબ ભાંગી પડ્યો છે, બિચારો ! કેટ-કેટલી તકલીફ વેઠીને પાછો આવ્યો છે. પરદેશનો મામલો ને એમાં રમેશ જેવો માણસ ! પણ ભાભી, એ ખરા દિલથી તમને જ ચાહે છે ! એક ભૂલ થઈ છે જીવનમાં...’ વળી સ્થિર મૂર્તિ જેવી બેઠેલી વિભા સામે જોઈને કહે : ‘ભાભી ! એ જ આવવાનો હતો પણ એની હિંમત ચાલી નહીં. ત્યાં જ સ્થિર થઈને મને લેવા મોકલ્યો છે. એને માફ કરી દો !’ વિભા ઊભી થઈ. બાંધેલો સામાન એણે ધીરે ધીરે છોડવા માંડ્યો. વિભાએ પ્રકાશને બોલાવ્યો. તૈયાર થઈને એ તો ઊભો જ હતો. એને દફ્તર આપતાં વિભા બોલી : ‘જાઓ બેટા, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે !’ પ્રકાશ મમ્મીના આ ફેરફારને સમજી ના શક્યો. વિરોધ કરવા જતો હતો પણ મમ્મીની આંખો જોઈને જ એ સ્કૂલે જતો રહ્યો પછી ધીરે પગલે વિવેક પાસે આવીને વિભા બોલી : ‘વિવેકભાઈ ! તમે હવે જાઓ; પ્રકાશને મેં મારો બનાવી લીધો છે. પણ રમેશને ચાહવા છતાં અપનાવીશ નહીં. સ્ત્રી બધું જ સહન કરી શકે છે. ગમે તેવા દુઃખના પહાડો સહન કરી શકે... પણ આવી કોઈ વાત આવે ત્યારે એના હાથની વાત રહેતી નથી. કહેજો રમેશને કે અમારી ચિંતા કરે નહીં.’ વિભા આગળ કશું બોલી નહીં. વિવેકનું એણે કશું સાંભળ્યું પણ નહીં. જ્યારે એ ઘરમાંથી નીકળ્યો ત્યારે વિભા એને ડેલીએ મૂકવા આવી. કોઈ દિ’ આવતી નહીં. આજે જ આવી. વિવેકે જોયું તો આજે આખી શેરીના માણસો એમને તાકી રહ્યા હતા. આટલા બધા માણસો આ શેરીમાં વિવેકે પહેલી જ વાર જોયા. એણે એક નજર વિભા તરફ નાખી. વિભાએ હાથ ઊંચો કર્યો ને એ ટેક્સીમાં બેસી ગયો. એની ટેક્સી પૂરપાટ દોડી રહી હતી. ઉત્તર અને દક્ષિણ ધ્રુવની વચ્ચે ગામડા અને શહેરની વચ્ચે – પતિ અને પત્ની વચ્ચે ખૂબ લાંબો પટ હતો. કદાચ ક્યારેય ન કપાય એવો. અને એનાથી એક જબરો નિઃશ્વાસ નંખાઈ ગયો.

વાર્તા અને વાર્તાકાર :

તરુલતા દવે (૧૯-૦૯-૧૯૩૮)

એક વાર્તાસંગ્રહ :

1. કોઈ ને કોઈ રીતે (1983) 21 વાર્તા