નારીસંપદા : ટૂંકી વાર્તા/બોલતું મૌન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બોલતું મૌન

ભારતી વૈદ્ય

આમ અચાનક પમીને આવી ઊભેલી જોઈ સહુ અવાક્ થઈ ગયાં. આવું ક્યારેય બનશે. ૫મી ફરી આવી શકશે એવું કોઈએ કલ્પનામાં પણ ધાર્યું નહોતું. ન બનવાનું બન્યું હતું. એનું આશ્ચર્ય હતું. એના કરતાં વધારે હતી ભીતિ, પોતાની યોજનાઓ ધૂળમાં મળી જશે એની. પમીની ધારણા પણ એ સાથે ધૂળમાં મળી હતી. એણે ધાર્યું હતું : મને જોઈને નંદુ હરખનો માર્યો પાગલ થઈ જશે. હું જઈને બારણામાં ઊભી રહીશ અને નંદુ ઘડીક આશ્ચર્યથી જોઈ રહેશે. પછી પોતે સ્વપ્નમાં છે કે જાગે છે એ નક્કી કરવા પોતાના ગાલે ચૂંટી ખણશે. ચૂંટીની વેદના થતાં ‘હું જાગું છું' એવી એને ખાતરી થશે અને એ દોડીને સામે આવશે. ૫મી, તું? તું આવી? સારી થઈને?' 'હા, જો નંદુ હવે કંઈ જ બીવા જેવું નથી. જો હવે ક્યાંય ડાઘ નથી.' એમ કહીને હું સાડી ઊંચી કરી પગની એ જગ્યા બતાવીશ જ્યાં પહેલવહેલો એ ડાઘ દેખાયો હતો. 'ફકત આ એક આંગળી ગઈ, નંદુ.' 'હશે, કંઈ નહીં. એ આંગળી વિના અટક્યું નહીં રહે.' નંદુ કહેશે. એકલો એકલો આટલા દિવસ મૂંઝાઈ રહેલો નંદુ ખુશ ખુશ થઈ જશે. અને આજનો એક જ દિવસ તો છે. પછી કાલથી પાછી એને ઑફિસ હશે. આજના રવિવારનો લાભ લેવા તો એ શનિવારની રાત્રે નીકળી આવી પહોંચી હતી, આનંદભર્યા આવકારનાં સ્વપ્નમાં રાચતી રાચતી. એને બદલે બન્યું સાવ ઊલટું. નંદુ એકલાને સૂનું ઘર ખાવા ધાતું હશે એ વિચારે કેટલી વાર એ રડી છે, કેટલી વાર એણે ઈશ્વરને પ્રાર્થના કરી છે કે હે ઈશ્વર મને જલદી સારી કરી દે. પણ અહીં તો ઘર ભરેલું ભરેલું છે. નંદુની મા સરસ્વતી, પિતા નરહરિ, કાકા અને એની નાની તથા વિનોદ, નાનાં ભાઈબહેન બધાં જ અહીં છે, જે બધાંએ પમી સાથેનાં નંદુનાં લગ્નના વિરોધમાં સંબંધ તોડી નાખ્યા હતાં અને વાતાવરણમાં હતો, ઉત્સવનો હર્ષોલ્લાસ. ‘નડતર જેવી હું નો'તી, એટલે જ હશે.' આ વિચાર આવતાં જ પમીનું મન કડવું કડવું થઈ ગયું. અને નંદુ? એણે તો એક આવકારનો શબ્દ કહેવો જોઈએ. પણ વારાફરતી પમી, મા, બાપુ અને કાકા તરફ જોઈ રહ્યો હતો. પણ તે થોડી જ વાર, પછી પ્રયત્નપૂર્વક સ્વસ્થતા આણી એણે પમીને બોલાવી. ૫મી? આવ આવ, અંદર આવ. એમ બારણામાં કેમ ઊભી છે?' દબાતે પગલે પમી અંદર આવી. વડીલોના આશીર્વાદ લેવા પહેલાં સરસ્વતીને પગે પડવા ગઈ. પણ એણે પગ ખસેડી લીધાં અને એક અક્ષર બોલ્યા વિના અંદર ચાલી ગઈ. નરહરિએ પણ પત્નીનું અનુસરણ કર્યું. રહ્યા ત્યારે કાકા. પમીને પોતાના તરફ વળતી જોઈ એમણે કહી દીધું, 'બેટા, પ્રણામ પહોંચી ગયા. દીર્ઘાયુષી થાવ.' કાકાસસરાએ 'બેટા' સંબોધન કર્યું. 'વહુબેટા' ન કર્યું એ વાત પમીને મન વારવા છતાં ખટકી, તો પણ સાસુસસરાના વર્તનની સરખામણીમાં એને એ પણ સારું લાગ્યું. 'જરા બહાર જઈ આવું.' કહી કાકા ગયા. નંદુએ રૂમમાં આંટા મારવા માંડયા. 'નાની-વિનોદ જાવ તો અંદર જઈ ભાભી માટે ચા લઈ આવો.' ૫મી અને નંદુ એકલાં પડ્યાં. પણ નંદુના આંટાફેરા ચાલુ હતા. ‘હું પાછી આવી એથી તું ખુશ થયો નથી લાગતો...' નંદુ એના તરફ ફર્યો. 'એમ કેમ લાગ્યું, તને?' 'એમ જ.' ફરી ચુપકીદી અને આંટાફેરા. “આપણે રાત્રે નિરાંતે વાતો કરીશું. અત્યારે તું કંઈક વિચારમાં લાગે છે. હમણાં તો હું અંદર જઈને કામે લાગું.' 'રહેવા દે, પમી. અહીં જ બેસ. મારે તારી સાથે ઘણી ઘણી વાત કરવી છે,' નંદુએ અંદર જવા ફરતી પમીને રોકતાં કહ્યું. ‘રાત્રે નિરાંતે નહીં થાય? અત્યારે આમ બેસી રહું એ કેવું લાગે?” ‘ખરાબ શું કામ લાગે? બેસ તું. માને કામની ટેવ છે.' ‘હું ન હોઉં ત્યારે કરે એ વાત જુદી છે. અત્યાર સુધી હું નો'તી. હવે આવી તો...' 'હજી હમણાં તો આવી છે. બેસ આટલા દિવસ મા કરતી હતી ને...' પમીને નવાઈ લાગી. "આટલા દિવસ? એટલે? એ લોકો ક્યારથી અહીં છે?' જવાબ ન મળ્યો. 'બોલો ને... ક્યારથી છે?… સમજી. હું ગઈ ત્યારથી... ખરું ને? શા માટે સાચું કહેતાં અચકાય છે, નંદુ… એ લોકોને જોયાં ત્યારથી જ મને થયું હતું કે મારી આડખીલી નીકળી જતાં એ લોકો અહીં આવ્યાં છે... 'મને મદદ કરવા...' 'હા, તને મદદ કરવા. મેં ક્યાં બીજા કોઈ હેતુનો ઉચ્ચાર કર્યો છે. આવા પ્રસંગે સગાંસંબંધી જ પડખે ઊભાં રહે, એ તો હું પણ સમજું છું. પણ હવે હું આવી ગઈ છું. તો ઘેર આવેલાં સાસરિયાંની સગવડ સાચવવાની મારી ફરજ ખરી કે નહીં?’ અંદર જવા વળતી પમીને સામેથી ચાની ટ્રે લઈ આવતી નાની દેખાઈ. એટલે એ પાછી ફરી. મોટાભાઈ, આ તમારો પ્યાલો છે. પહેલાં લઈ લ્યો, બાએ કહેવડાવ્યું છે; ભાભીને પછી લેવા દેજો.' બાલસહજ નિર્દોષતાથી નાનીએ માતાની સલાહના શબ્દો બોલી સંભળાવ્યા. અને એ સાંભળતાં જ પમીને પલકભરમાં આખી પરિસ્થિતિ સમજાઈ ગઈ. એ સ્તબ્ધ બની ગઈ. થોડી વારે એણે નંદુને પૂછયું : તારા મનમાં તો એવું કંઈ નથી ને? તારે કંઈ જ ડરવાનું કારણ નથી. ડૉક્ટરે સર્ટિફિકેટ આપ્યું છે. ચોખ્ખું લખી આપ્યું છે કે એ કંઈ વાંધો નથી... શી સંભાળ રાખવાની એ પણ એમણે મને સમજાવ્યું છે. મને સ્પર્શ કરનારને વાંધો નહીં આવે...' એને યાદ આવી ડૉક્ટરકાકાની વાત. સાચું જ કહેતા હતા ડૉક્ટરકાકા. ૫મી, હવે તારે અહીં રહેવાની જરૂર નથી. તું તારે ઘેર જઈ શકે છે. તું કહેતી હોય તો ઘેર લખીને જણાવું કે તને લઈ જાય.' 'ના ડોક્ટરકાકા, હું અચાનક જઈને ઊભી રહીશ. નંદુને ખૂબ આનંદ થશે.' 'કોણ જાણે, બેટા, મને તો લાગે છે, આવીને લઈ જવાનું લખવા દે તો ઠીક છે. ખબર પડી જાય...' 'શેની ખબર પડવાની છે, કાકા?' કાકાએ પછી એને, એક સંતોક હતી, એક હતી ચંપા એમ શરૂ કરી કરીને આશ્રમમાં સારવાર લઈ જનાર કેટલીક સ્ત્રીઓની વાત કરી હતી; જેમને પછી ઘરમાં આશરો મળ્યો ન હતો; સ્પર્શની બીકે. કાકાએ તો એમ પણ કહ્યું હતું, કે હા, પુરુષ દરદી એકેય પાછો નથી આવ્યો. આવ્યો હશે તોયે એકાદો. બાકી તો નિયમિત રીતે ખબર કાઢવા આવતી પત્ની જ કાકલૂદીથી પૂછતી જાય, ડોક્ટરસાબ, હવે તો ઠીક લાગે છે, ક્યારે ઘેર લઈ જવા દેશો? પણ પમીની હઠ હતી. ‘ના ડૉક્ટરકાકા, નંદુ એવો નથી. તમે એને ઓળખતા નથી. હું એને સારી રીતે ઓળખું છું.” અને આમ જ વાત કરતાં કરતાં પમીએ ડૉક્ટરકાકાને માબાપની મરજી વિરુદ્ધ કરેલાં લગ્નની, પ્રારંભનાં બેત્રણ વર્ષની સુખી જિંદગીની, વીતી ગયેલાં સ્વપ્નાં સમી કેટલીક આનંદની ક્ષણોની વાત કરી હતી. અચાનક વિધાતાએ ક્રૂર હલ્લો કર્યો. ડોક્ટરનો રિપોર્ટ લઈને આવ્યો ત્યારે નંદુ કેવો બારણામાં જ ફસડાઈ પડયો હતો! ‘મેં જ એને આધાર આપ્યો હતો, કાકા. એ તો મારી સારવાર કરવા માગતો હતો, મને ઘેર રાખીને. પણ મારા જ આગ્રહથી હું અહીં આવી...' 'તારી બધી વાત સાચી હશે, બહેન પણ... પણબણ કંઈ નથી, કાકા...’ 'તારી શ્રદ્ધા મારે ડગાવવી નથી, બહેન. પણ વિચાર કર. તું કહે છે એમ જ હોય તો હમણાં હમણાંનો એ તને મળવા આવતો નથી. એમ કેમ?' ‘એને કામ હોય છે. એણે જ લખ્યું નો'તું? ઓવરટાઇમ, થાક... સારવારના પૈસા જોઈએ તે કંઈ એમ ને એમ ઊભા થાય છે?' એના આગ્રહને વશ થઈને ડૉક્ટરકાકાએ એને સર્ટિફિકેટ આપી દીધું અને ઘેર જવા દીધી હતી. તે જ સાંજે પમી નીકળી ગઈ. ડોક્ટરકાકાને પગે લાગી ત્યારે પણ એમણે બહુ જ દર્દભર્યા અવાજે કહ્યું હતું. 'તારી હઠ છે એટલે જ આમ એકલી જવા દઉં છું. પણ મારું મન નથી માનતું. તું દુનિયાને જાણતી નથી. આ પત્ર સાથે રાખ. જરૂર જણાય તો નંદુને આપજે. અને જો પાછા આવવું હોય તોપણ આ તારું ઘર જ જાણજે.' 'ભલે કાકા, જાઉં.' બે વર્ષમાં કાકાની ખરેખરી માયા થઈ ગઈ હતી. બાપુની જગ્યા એમણે લઈ લીધી હતી. દિવસ તો માંડ કરીને પૂરો થયો. ઘરનાં માણસોના વ્યવહારમાં વરતાતી હાડછેડ હર પળ એના હૃદય અને મનને સતત વીંધતી રહી હતી. રાત્રે પમી વહેલી વહેલી પોતાના રૂમમાં ભરાઈ ગઈ. એને હતું કે નંદુયે પાછળ તરતોતરત નહીં તો થોડી વારે તો આવી જ જશે. એની સાથે પેટછૂટી વાત કરી લઈશ. 'તને મારાં સ્પર્શની બીક લાગતી હોય તો ચોખ્ખેચોખ્ખું કહી દે, હું તારા જીવનમાંથી ચાલી જઈશ, પણ આ રીતનું જીવન મારાંથી નહીં જિવાય કે નહીં સહેવાય.' પણ નંદુ આવ્યો નહીં. આખા દિવસની માનસિક તાણથી થાકેલી પમીને ઘડીક એક ઝોકું આવી ગયું. અચાનક જાગીને જોયું તો નંદુ હજી આવ્યો ન હતો. હજી સુધી શું કરે છે કે પછી બહાર જ સૂઈ ગયો છે? જોઉં તો ખરી. એમ વિચારીને એ બહાર નીકળી. દીવાનખાનામાં પરિવાર-મેળો જામ્યો હતો. વાતચીત બધી પતી ગઈ હોય અને સહુ વિખેરાવાની તૈયારીમાં હોય એમ લાગતું હતું. 'સવારે સહુ ધ્યાન રાખજો. તમારાં દાતણ પાણિયારે માટલાની પાછળ મૂક્યાં છે. આળસમાં ને આળસમાં આગળનાં દાતણ ખેંચશો મા. એનો હાથ લાગેલો હશે.' સરસ્વતી સહુને સલાહ આપી રહી હતી. ‘અને હા... ડાબા હાથે રાખેલો પાણીનો પ્યાલો પણ કોઈ ન લેશો.’ પમીના મનમાં ચરરર થયું. પણ એ ધીરજ ધરીને ઊભી રહી. ‘નંદુ, અત્યારે તો સૂઈ જા. તારું મન, પણ અસ્વસ્થ હશે જ. આજ ને આજ, અત્યારે ને અત્યારે જવાબ નથી માગતો. પણ હવે સુમીનું કંઈક વિચારવું પડશે.' આ સુમી કોણ હશે? એનું શું વિચારવાનું હશે? મારા આગમન સાથે એને કંઈ સંબંધ હશે? “વિચાર શું કરવાનો છે વળી? આ રક્તપિત્તનો વળી ભરોસો કરાય ? ફરી ઊખળે તો ક્યાં જવું? અને એ સંતાન વળી કેવાં થાય? ના ભાઈ ના, મારા કુટુંબમાં એ ન ચાલે.' પણ નંદુનું મન તો જાણવું જોઈએને, ભાભી...' ‘નંદુનું મન? એક વાર જાણી લીધું. આપણે ના ના કરતાં રહ્યાં અને પરણ્યો તે પસ્તાયો જ ને. એ તો સારું થજો ભગવાનનું કે હજી સુધી સુમીનું ઠેકાણું પડયું નથી...’ બિચારી ગરીબ ઘરની દીકરી છે. પટ કરતું કોણ હાથ ઝાલે?' તેય આપણાં સારાં નસીબે જ તો.' 'એ હવે નક્કી થશે. ઉતાવળાં થાવ મા, ભાભી.* 'તારો ને તારી ભાભીનો વિચાર તો જાણ્યો. પણ આ સરકારી ગુનો થશે એ ખબર પડે છે તમને?' 'એમાં વળી ગુનો શેનો?' 'એની પહેલી પત્ની જીવે છે એવી ફરિયાદ કોઈ કરે તો? 'સુમીનાં માબાપ કે સુમી જ નાકબૂલ થાય તો... એય હવે તો વિચારવાનુંને?' 'એ તો પહેલાંય ક્યાં નો'તાં જાણતાં. આ અહીં આવીને ઊભી છે એટલું નવું છે ને? એ લોકો ના નહીં પાડે. મને ખાતરી છે.' 'પણ નંદુ...' પમીના કાન બીજા કોઈના અવાજ સાંભળતા બંધ થઈ ગયા હતા. નંદુ શું કહે છે એ જાણવાની જ એને ઉત્કંઠા હતી, એના મનમાં. કાળજું એના કાનમાં આવી બેઠું હતું. પણ નંદુ ચુપચાપ બેસી રહ્યો. પમીને એનું મૌન પણ બોલકું લાગ્યું. એ એને અસહ્ય થઈ પડ્યું અને એ પાછી દોડી ગઈ. રૂમનું બારણું એણે અંદરથી બંધ કરી દીધું. મનના કોલાહલમાં બારણે પડેલા ટકોરા સંભળાયા નહીં. પણ પહેલાં ટક ટક, પછી ટક ટક એમ ટકોરાની સંખ્યા અને જોર બન્ને વધતાં ગયાં. એણે મન સ્વસ્થ કરીને બારણું ખોલ્યું. આનો કંઈક નીવેડો લાવવો જ જોઈએ. નંદુ નીચું જોઈને બેઠો હતો. પમી એની પાસે જઈને ઊભી. પાસે અને છતાં દૂર... 'મેં બધું સાંભળ્યું છે...' ‘શું?’ 'સુમીની વાત... તમારા મૌનનો જવાબ. બધું જ, બધું.' નંદુની નજર ઊંચી થતી ન હતી. ‘તમે શા માટે મૂંઝાવ છો? આપણે રસ્તો કાઢીશું... ખરેખર? સાચે જ પમી? નંદુએ આશાભરી નજર એના ચહેરા પર માંડતાં પૂછ્યું. 'સાચે જ, પણ તમે આમ મારી આંખમાં આંખ મેળવીને વાત કરશો તો... આમ જ... આમ જ ...' 'તમારી બધી વાત સાંભળી છે. સમજી ગઈ છું. પણ મન તમારા શબ્દોમાં એ વાત સાંભળવા ઇચ્છે છે. કહો, બોલી નાખો, તમારે સુમીની સાથે લગ્ન કરવાં છે? ‘તું નો'તી એ દિવસોમાં બહુ એકલું લાગતું હતું, પમી...' ‘મને મારાં રોગ કરતાં એ જ કલ્પના સાલતી હતી. પણ એ કંઈ મારાં સવાલનો જવાબ નથી.' દિવસોમાં સુમી આવતી-જતી થઈ.' ‘ઓહ... વધારે કંઈ...’ 'ના. પણ મને એનો ઘણો આધાર હતો. મારું બધું કામ એ જ કરતી.' ‘હું ન આવી ચઢી હોત તો લગ્ન ક્યારે થવાનાં હતાં?' 'આવતા અઠવાડિયે.' 'તો હવે?' 'તું જ રસ્તો કાઢવાનું કહેતી હતી ને...' પમીને આ નિર્બળ પુરુષની દયા આવી ગઈ, ચન્દ્રનાથની સરયૂની જેમ. ‘હું ફરિયાદ ન કરું તો?' 'તોપણ તું અહીં હોય તો કોઈ બીજુંય કરે...' 'હું ન હોઉં તો?' 'તો તું નથી, તેને ગંભીર બીમારી છે, તું મને છોડીને ચાલી ગઈ છે. ગમે તે કહીને છૂટાછેડા...' “એમ એકદમ છૂટાછેટા નથી મળતા, નંદુ, હું જાણું છું.' નંદુ ચૂપ રહ્યો. ‘એનો અર્થ એ કે તમે પહેલેથી જ અરજી દાખલ કરી દીધી છે. ખરું? કારણ શું આપ્યું છે? બીમારીનું? ત્યાગનું? બોલો. નથી જવાબ… આપવો? તો રસ્તો શી રીતે નીકળશે?' પત્ની છોડી ગઈ છે, એનો પત્તો નથી.” 'નંદુ...' પમીનો અવાજ ફાટી ગયો. ‘નંદુ, તું આમ કહી શક્યો?' પણ એ તરત સ્વસ્થ થઈ ગઈ. 'સારું ત્યારે. આ સર્ટિફિકેટ અને પત્ર. મારે એનું કામ નથી. હું સવાર થતાં ચાલી જઈશ.' ખરેખર? એ બદનામીનો ભાર તારાથી વેઠાશે?' 'બદનામી? મારી? તારીસ્તો. લોકો કહેશે, કોઢિયણ...' …નહીં તો ભાગી ગયેલી. ખરું ને? પણ એ બદનામી મારી નહીં હોય, એ તમે તો જાણશો જ અને જાણો છો. એમાં જ બધું આવી ગયું. એ બદનામી પછી મારી નહીં રહે. તમારો અંતર્યામી જે કહેશે એ જ સાચું હશે. મારે તો કબીર કહે છે એવું થશે. આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા.' 'તું પાછી નહીં આવે?' “તમારે જોઈએ તો લેખિત વચન આપું. ચિંતા ન કરશો.' નંદુ કંઈ ન બોલ્યો. પમીએ જ પાછી વાત શરૂ કરી. 'કેમ કંઈ બોલતા નથી?’ ‘શું બોલું, પમી? મને પોતાને જ સમજાતું નથી. તું મહાન છે એવો ભાવ મનમાં જાગે છે. મન પોતાની તુચ્છતા સમજે છે. બીજું કંઈ સૂઝતું નથી.’ પમી નંદુનું મન સમજી ગઈ. એના અંતરની ગડમથલ સમજી ગઈ. આ સંજોગોમાં એને કંઈ જ કહેવું ઉચિત નથી. અત્યારે હું આગ્રહ રાખીશ તો એ મને ઘરમાં સ્થાન આપશે. પણ પછી? એના મનમાં ભવિષ્યમાં કોઈ શલ્ય ઊભું નહીં થાય એની ખાતરી? એવું થાય તો એ સંસારમાં બીજું બધું ભલે હોય, પ્રેમ તો નહીં જ હોય. એ કરતાં અત્યારે માર્ગ કરી આપું તો પ્રેમ રહેશે, બીજું બધું ભલે જાય. મનમાં નિર્ણય થતાં એણે વાતનો અંત આણવા માગ્યો. 'તારા મનની વાત સમજું છું, નંદુ. અત્યારે સૂઈ જા. પછી ક્યારેક વાત.' ક્યારેક એટલે ક્યારે એ સવાલ નંદુ પૂછવા ધારે તોય બીજી સવારે પમીનો પત્તો ન હતો.

('કથાસંગ્રહ')