નિરંજન/૨૦. વાત્સલ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૦. વાત્સલ્ય

નિરંજન પિતાજીના ચરણોમાં ઝૂક્યો કે તરત શ્રીપતરામભાઈ ખડા થઈ ગયા, પુત્રને ઊંચો કરી બાથમાં ઘાલ્યો ને કહ્યું: ``બેટા, `प्राप्ते तु षोडशे वर्षे पुत्रं मित्रं समाचरेत् ।' તું હવે મિત્ર છે, નાનેરો ભાઈ છે, હવે મારે પગે પડવું ન ઘટે. નિરંજન નીચું જોઈ ગયો. પિતાએ પોતાનો દુર્બળ પંજો પુત્રની પીઠ પર થાબડ્યો. પુત્રના દેહમાં માંસની નવી પેશીઓ બંધાઈ ગઈ હતી તેને વારે વારે સ્પર્શ કરી ડોસા પત્નીને કહેવા લાગ્યા: ``છ મહિનામાં તો ભાઈ ભારી ગજું કરી ગયોને શું! આમ તો જુઓ, ભાઈને શરીરે હાથ તો ફેરવો. પણ માતાની હામ ચાલી નહીં. એનું વહેમીલું હૃદય ફફડતું હતું. એણે પતિને વાર્યા: ``આવડું બધું હેત ન રાખીએ, ને હોય તોયે બહાર ન બતાવીએ. વધુ હેતની વધુ વમાસણ, જાણો છો ને? ``લ્યો રાખો રાખો હવે! ડોસાએ પત્નીના આર્દ્ર બનતા હૃદયને ભાંગી જતું રોકવા હાંસી કરી: ``જગતમાં હેતના સાગર ને સાગર તો તમ જનેતાઓએ જ ભેળી થઈને ભરી દીધા છે. સ્ત્રીઓ ન હોત તો અમે પુરુષો આટલાં બધાં પોચાં હૈયાંને ન સાંખી લેત. તમે સ્ત્રીઓએ જ આ સ્નેહ-દુર્બળતા આણી દુનિયાનો દાટ વાળ્યો છે. નિરંજને કપડાં ઉતારતાંઉતારતાં આ ડોસાડોસીની કરામત નિહાળી. રેવાના મૃત્યુની આછી છાયા પણ દીકરાના અંતર પર પડી ન જાય તે ખાતરની આ ચીવટ હતી. ``હવે જમવાનું? માએ પુત્રને પૂછ્યું. ``કશું નવું ન કરશો, બા. હું જે હશે તેથી ચલાવી લઈશ. ``ચલાવ્યાં ચલાવ્યાં! પિતા ફરીથી હસ્યા, ``જો ચલાવવાવાળો આવ્યો છે! ચલાવી લેવાનું સૂત્ર જ તમારા જેવા જુવાનોનો ઘાણ કાઢે છે. જાઓ, તમે ચૂલો પેટાવો. ``શું કરવું છે? પત્નીએ પૂછ્યું. ``શેરો ને ભજિયાં. આજ છ છ મહિને કાચાંપાકાં ભઠિયારાં ખાઈને દીકરો ઘેર આવ્યો છે, જાણો છો? હલાવી નાખો શેરો. ``ભજિયાં શેનાં કરું? ``લ્યોને, હું ઝડપમાં જઈને મરચાં, બટાટા ને કાંદા લઈ આવું. ``પણ શા માટે? નિરંજન દુભાતો હતો, ``ખાલી ભજિયાંથી ચલાવી... ``વળી પાછી ચલાવી લેવાની વાત કરી, ગાંડિયા! પિતાએ જુવાન દીકરાને ગાલે કોમળ ટાપલી મારી: ``કહું છું કે ચલાવી લેવાનો કાયર સિદ્ધાંત છોડ. આજે ભજિયાં વગર ચલાવી લેવાની ટેવ પાડીશ તો કાલે ભૂખ જેવી પત્ની વડે પણ ચલાવી લેવાની પામરતા પ્રવેશી જશે તારા હૃદયમાં, ભાઈલા! એમ કહેતા માંદલા ડોસા ટટાર બની ગયા, બંડી ઉપર ફાળિયું ઓઢી લીધું, માથા પર દુપટ્ટાનો ફટકો વીંટ્યો. ચાંખડીએ ચડી શાક લેવા ચાલ્યા. બહાર નીકળીને એક મોટા મકાન તરફ હાથ જોડી બોલ્યા: ``ભગવતી! શારદે! પુત્રને આશીર્વાદ દેજે, પુત્રની રક્ષા કરજે. તારો દીધેલો છે, તારે ખોળે રમ્યો-ઊછર્યો છે. એક જ છે. એ ગુજરાતી શાળાનું મકાન હતું. ડોસા નિવૃત્ત થયા તે પછી પણ શાળા જોડેનો ત્રીસ વર્ષનો સ્નેહ ન ત્યજી શક્યા. શાળા એની સજીવ સંગિની બની ગઈ હતી. તેથી પોતે શાળાની નજીકમાં જ એક મકાન રાખી લીધું હતું. શાળાને ફરતા વિશાળ મેદાનમાં છુટ્ટીની વેળાએ છોકરાં કિકિયારીઓ કરતાં, બોરડી પર ચડી બોર પાડતાં, આંબલી-પીપળી ઉપર ઓળકોળાંબો રમતાં, ઊંચા પાટિયા પરથી લપસતાં, શિયાળાની ગુલાબી તડકીમાં મેદાનને ખૂણે ખૂણે વર્ગો બેસતા, આંકની મોંપાટો ગુંજી ઊઠતી, ને વચ્ચે વચ્ચે શિક્ષકોના હાકલા-પડકારા તેમ જ સોટીના ફડાકા સંભળાતા. એ બધું જોઈ જોઈ શ્રીપતરામભાઈને જીવન જીવવા જેવું લાગતું; જીર્ણ નાડીઓમાં નવચેતનના ધબકારા બોલી ઊઠતા. શાળાનું રોજનું ગુંજારવ કરતું વાતાવરણ કેમ જાણે પોતાના શાસન તળે હોય, કેમ જાણે શાળાની હસ્તીના, સ્ફૂર્તિના, ને આબાદાનીના પોતે જ સર્જક હોય, કેમ જાણે પોતાના નજીક રહેવાથી શાળાનું જગત સદા જામતું, કલ્લોલતું, ફાલતું-ફૂલતું હોય, એવા સુખદાયક અભિમાનની લાગણી એને ટકાવી રહી હતી. બજારે નીકળ્યા ત્યારે જેટલા ઓળખીતા મળ્યા તે તમામને ડોસા કહેતા ગયા: ``ભાઈ આવી ગયો છે. દુકાને-દુકાને કોઈક નિમિત્ત કાઢીને ઊભા રહી સમાચાર આપતા ગયા: ``ખબર છે ને? નિરંજન મુંબઈથી આવી ગયો. ``આ જુઓને, ભાઈ આવ્યો છે તે એના સારુ શેરો-ભજિયાં કરવાનાં હોવાથી કાંદા-બટાટા લેવા જાઉં છું. ડોશી ચૂલો ફૂંકતાં હતાં. નિરંજન રેવાવાળા ખંડમાં આંસુ ખાળતો હતો. સાથેસાથે પોતાના હૃદયને એ જાણે કે હાકલો પાડી કહેતો હતો: ``આ તો સુખનાં સ્મરણોનાં આંસુ છે, હાં કે? આ કંઈ નબળા દિલની ઝાકળ-કણીઓ નથી. રસ્તે ત્રણચાર ગડથોલિયાં ખાઈ ડોસા પાછા ઘેર પહોંચ્યા. નિરંજનને જમાડી માતાપિતા ને પુત્રે શરીરો ઢાળ્યાં. એકેયને ઊંઘ આવી નહીં. વાતો કરતાં જ જાણે કે વહાણું વાયું.