નીરખ ને/નારી અને નારીવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

સ્વતંત્રતા મળ્યે ત્રીસ ઉપરાંત વર્ષ (૧૯૭૭) વીતી ગયાં છે. ભારતના ભાગલાના પરિણામે જાગેલી ભયંકર અવસ્થાનો સહેજ પણ અનુભવ થયો ન હોય એવી એક પેઢી પણ આજે મોટી થઈ ગઈ છે. ભાગલાના દેખાતા ઘા રુઝાઈ ગયા છે અને તેનાં ચાઠાં પણ હવે ઝાંખાં થવા લાગ્યાં છે. પરંતુ જેમણે માણસની સામે માણસે અને સ્ત્રીની સામે પુરુષે આચરેલી ક્રૂરતા જોઈ હતી અથવા અનુભવી હતી તે તેને કદી વિસારે પાડી શકશે નહીં. તેમનાં હૃદય અને મન બંધ થઈ ગયાં છે, અને તેમને થયેલા આ ભયંકર અનુભવો તેમની જાગ્રત અવસ્થામાં ભૂતની માફક તેમનો પીછો છોડતા નથી. એકાએક આવી પડેલી આપત્તિમાં સપડાયેલી નિર્દોષ બહેનોને બચાવવા માટે, ભાગલાએ જગાડેલી આગમાં કૂદી પડનાર આપણા દેશની બહાદુર નારીઓ પૈકીનાં એક શ્રીમતી કમળાબહેન પટેલ (‘મૂળસોતાં ઉખડેલાં’ના લેખિકા) હતાં. આ પૈકી અન્ય બહેનોમાં યાદ આવે છે : શ્રીમતી મૃદુલાબહેન સારાભાઈ, સુચેતા કૃપલાની, શ્રીમતી રામેશ્વરી નહેરુ. પોતાના જાનના જોખમે પણ આ બહાદુર બહેનોએ વિધવા બની ચૂકેલી, વિકલાંગ બનેલી અને બળાત્કાર સુધ્ધાંનો ભોગ બનેલી દુર્ભાગી બહેનોની ભાળ કાઢી તેમને બચાવવાનો ભગીરથ પ્રયત્ન કર્યો હતો. તેમના માથા ઉપર બેવડી જવાબદારી હતી. એક તો તેમણે મુસ્લિમ બહેનોને શોધી કાઢી આ દેશમાંના અથવા પાકિસ્તાનમાંના તેમના સગાંસંબંધીઓને સુપરત કરવાની હતી; અને બીજી તેથીય વધારે મુશ્કેલ જવાબદારી પાકિસ્તાનમાં રહી જવા પામેલી હિંદુ અને શીખ બહેનોને શોધી કાઢી ભારત ભેગી કરવાની હતી. ભારતમાં તેમણે જે કાર્ય કરવાનું હતું તે પ્રમાણમાં ઓછું મુશ્કેલ હતું કેમ કે અહીંના સત્તાવાળાઓ તરફથી પ્રત્યેક પ્રકારની સહાય અને સહકાર મળતાં હતાં. પરંતુ સરહદની પેલી પાર તો જાન હથેળીમાં લઈને તેમણે તેમની જવાબદારી ઉઠાવવાની હતી.

આલુબહેન દસ્તૂર



નારી અને નારીવાદ

નારીવાદ શબ્દ થોડાં વર્ષોની નીપજ ભલે હોય, પણ સ્વતંત્ર નારીની ચેતના કંઈ માત્ર આજકાલની દેણ નથી, વર્ષોથી એ પાંગરી રહી છે, અને એ ઇતિહાસ પણ કંઈ ઓછો રસપ્રદ નથી. નારીવાદ શૂન્યાવકાશમાંથી નથી સર્જાયો. ‘પરબ’ના જુલાઈ, ૧૯૯૦ના નારીવાદ વિશેષાંકમાં શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા લખે છે, “પરંતુ આ વાત (એટલે કે સ્ત્રીની ગુલામીની વાત) વીસમી સદીના સાતમા દાયકાના અંત સુધીની છે. આ પછી કશુંક એવું બન્યું કે સદીઓની પિતૃસત્તાક શૃંખલાને તોડતી એક નવી નારીનો જન્મ થયો છે. પહેલી વાર એને ભાન થયું છે કે પુરુષોની સાથે એ જે રમતમાં ભાગ લઈ રહી છે અથવા પુરુષો જે રમત એને રમાડી રહ્યા છે, એ રમતના નિયમો પુરુષોએ ઘડેલા છે. પહેલી વાર એને ભાન થયું છે કે સ્ત્રી અને પુરુષ બંનેમાંથી એક અન્યના પૂરક કે અન્યના શાસિત ન હોઈ શકે. પહેલી વાર એને ભાન થયું છે કે પોતાની ફળદ્રુપતાને પોતે નિયંત્રી શકે છે, એની ઇચ્છા વિરુદ્ધ કોઈ એને ફળદ્રુપ કરી શકે તેમ નથી. પહેલી વાર એને ભાન થયું છે કે સ્ત્રીપુરુષના કોઈ પણ પક્ષપાતપૂર્ણ કાર્યવિભાજનને એ નહીં ચલાવી લે, જીવનની બધી જ પ્રવૃત્તિઓ, બધી જ શોધ અને બધાં જ સાહસોનાં દ્વાર એને માટે ખુલ્લાં છે. પહેલી વાર એને ભાન થયું કે પિતૃભાષામાં જૂઠાણાંઓ અને શાસનનાં પડકારવા જેવાં માળખાંઓ પડેલાં છે. આ નવી જન્મેલી નારીનું જોમ, એનો સહજ પુરુષદ્વેષ, એનો આક્રમક મિજાજ, એની મુક્તિનો નિર્બંધ અવાજ એક ઝુંબેશમાં પરિણમ્યો છે. આ ઝુંબેશ છે નારીવાદી ઝુંબેશ. ફ્રાન્સ, જર્મની એનાં મુખ્ય કેન્દ્ર છે.” એમના આ જ સંપાદકીય લેખમાં ચન્દ્રકાન્તભાઈએ સ્પષ્ટ કર્યું છે કે આ નારી વિશેષાંક નથી, પણ નારીવાદ વિશેષાંક છે. નારીવાદ એક સભાન, નારી-મુક્તિ ઝુંબેશ છે, એ વાત બરાબર છે, કબૂલ, ચન્દ્રકાન્તભાઈ. પણ આમ કહેવું કે પહેલી વાર (એટલે કે નારીવાદ શબ્દના જન્મ સાથે) એને ભાન થયું છે કે પુરુષોની સાથે એ જે રમતમાં ભાગ લઈ રહી છે અથવા પુરુષો જે રમત એને રમાડી રહ્યા છે, એ રમતના નિયમો પુરુષોએ જ ઘડેલા છે. પહેલી વાર એને ભાન થયું છે સ્ત્રી અને પુરુષ અન્યના પૂરક કે અન્યના શાસિત ન હોઈ શકે – એ પરિસ્થિતિનું અતિ સરલીકરણ છે. અચાનક સ્ત્રી જાગી નથી ઊઠી, અચાનક એની સમજ ખીલી નથી ઊઠી. આની પાછળ સ્ત્રીમુક્તિચેતનાનો ક્રમિક ઇતિહાસ છે. ભલે, ‘પરબ’નો આ નારીવાદ વિશેષાંક છે, પણ આટલી સ્પષ્ટતા થવી જોઈતી હતી. આપણે થોડી પાછળ નજર નાખીએ – રસપ્રદ છે આ જોવું. નર્મદ ક્યા સ્ત્રી પ્રશ્નોથી ચિંતિત છે? શું કહે છે એ? ‘મારે બાળલગ્ન-કજોડાંનો સદંતર નાશ કરવો છે. કેળવણીનો પ્રચાર કરવો છે. વિધવા-વિવાહો કાયદાનુસાર કરાવવા છે. જ્ઞાતિભેદ, જાતિભેદ, ઊંચનીચ કુળ, મોટાઈના ભેદ પણ તોડવા છે. સ્ત્રી-કેળવણી માટે ઝુંબેશ ઉપાડવી છે, સામાજિક બંધનો તોડવાં છે. ધર્મને નામે થતા ઢોંગસોંગ પૂરા સ્વરૂપમાં બહાર આણવા છે. ગુજરાતને શું પણ આપણા આ ઘરડા ચીંથરેહાલ થઈ ગયેલા ભારત દેશને એક સંપ કરી જોબનવંતો કરવો છે.’ અને કરસનદાસ મૂળજી? નાની વયે ૧૮૫૧માં બાળવિધવાનાં દુઃખ સંબંધી નિબંધ લખે છે; પકડાઈ જતાં કાકીનું પર છોડી દેવું પડે છે. ૧૮૭૨ની સાલમાં માધવનાથ રુગ્નાથદાસ વિધવાને પરણે છે. પછી આવે છે શારદાબહેન અને વિદ્યાબહેન. જાણીતી વાત છે કે વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠનાં પત્ની હતાં, અને શારદાબહેન એમના બહેન ડૉ. સુમન્ત મહેતાનાં પત્ની હતાં. ૧૯૦૧ની આસપાસ આ બન્ને પ્રથમ ગુજરાતી સ્ત્રી-સ્નાતકો થયાં અને પંકાયા. પરિવારનું પ્રોત્સાહન અને તક હતાં અને ભણવાનો એમનો ગમે એટલી વિટંબણાઓ કેમ ન હોય પણ મક્કમ નિર્ધાર હતો. શારદાબહેન લખે છે કે કૉલેજકાળ દરમ્યાન ખાસ કરીને પ્રથમ વર્ષમાં “લોકોએ ટીકા કરવામાં બાકી નહોતી રાખી. છોકરાઓએ પણ કનડગત કરવામાં બાકી નહોતી રાખી. નનામા કાગળો આવે. અમારી બેઠકની ખુરશીઓ તોડી નાખે. ડેસ્ક ઉપર ગમે તેવાં લખાણો લખે. બેઠક ઉપર કૌવચ નાખી પજવણી કરે. આ બધું તો સહન કર્યું, પણ મારા લગ્ન વખતે છોકરાઓએ તોફાન કરવા માંડ્યું ને વિઘ્નો નાખવાની ધમકી આપી ત્યારે મનને બેસુમાર દુઃખ થયું.’ બ્રહ્મસમાજ વિચારધારાનો પ્રભાવ, માર્ક્સવાદી ચળવળો અને ગાંધીજીનાં વિશાળ રાષ્ટ્રવ્યાપી આંદોલનોએ સ્ત્રીને ઘરમાંથી બહાર લાવવાનું મોટું કાર્ય કર્યું હતું, આ બધું તે કાળના સાહિત્યસર્જનમાં પણ સુપેરે પ્રતિબિંબિત થયું છે. ટાગોરે ૧૯૦૮માં ‘ગોરા’ નવલકથા લખી. એમાં પાત્રોનાં મુખે બ્રહ્મસમાજ અને હિંદુસમાજ બાબતે પુષ્કળ વાદવિવાદ ચાલે છે. પુસ્તકની નાયિકા સુચરિતા બ્રહ્મસમાજી છે. જે યુવક સાથે એનું સગપણ થયું હતું એની સાથે એનો મેળ ખાય એમ નથી. એમ લાગતાં સુચરિતા યુવકને જણાવે છે, ‘ન્યાય-અન્યાય શું ફક્ત વચનમાં જ સમાઈ જાય છે?... એક સત્ય શું હજારો જૂઠ કરતાં મોટું નથી?’ મેં જો એકસો વાર ભૂલ કરી પણ હોય તો તમે શું જબરદસ્તી કરી મારી ભૂલોને જ આગળ કર્યા કરશો? આજે મને જ્યારે મારી ભૂલ સમજાઈ છે ત્યારે હું મારા પહેલાંના કોઈ પણ વચનને વળગી રહીશ નહીં. એમ કરું તો એ જ ખોટું કહેવાય.’ અહીં સ્ત્રી-નાયિકા સ્વતંત્ર રીતે પોતાના થયેલા સગપણને તોડવાનો નિર્ણય કરે છે એ એ કાળની ઘણી મોટી વાત કહેવાય. હવે એક માર્ક્સવાદી પ્રભાવ હેઠળનું દૃશ્ય જોઈએ : ‘એક દિવસ ચોપાટીની રેતીમાં કોઈ મોટી સભા મળી હતી. વખતે લોકમાન્ય ટિળક માટે હશે. સભા બહુ મોટી હતી. ઊંચી કાઠીએ કૉંગ્રેસી ધ્વજ ફરકતો હતો. મજૂરો છેક પરેલથી સરઘસ આકારે પગપાળા આવતા હતા. સરઘસને મોખરે સુનલિની ધસી આવતી હતી. વિખરાયેલા વાળ, લાલચોળ આંખમાંથી તણખા વેરાતા હતા. એ પ્રમુખસ્થાન-ટેબલ પર ધસી ગઈ. એક ક્ષણના છઠ્ઠા ભાગમાં આ બધું બની ગયું. પ્રેક્ષકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ચંડિકાસ્વરૂપ બાઈએ કૉંગ્રેસી ધ્વજ નીચે ઉતાર્યો અને પાછા બન્નેને સાથે ઊંચા ચઢાવ્યા. સુનલિનીની સાથે આવેલા મજૂરોએ ખુરશીઓ હઠાવી દીધી. ઘણા પ્રતિષ્ઠિતો નાઠા, અને ત્યાં મજૂર આગેવાનો ગોઠવાઈ ગયા. તેમને પાછળ બેસાડવાનું કાવતરું નિષ્ફળ ગયું.’ આ પ્રસંગ ડૉ. સુમન્ત મહેતાએ એમના પુસ્તક ‘સમાજદર્પણ’માં વર્ણવ્યો છે. ગાંધીજીની લડતોએ ખૂબ વ્યાપકપણે મોટો સ્ત્રીવર્ગ આવરી લીધો. માત્ર શિક્ષિત વિદગ્ધ સ્ત્રીઓ જ નહીં, પણ અશિક્ષિત સ્ત્રીઓ પણ મોટા પ્રમાણમાં બહાર આવી. દારુના પીઠાઓ સામે પિકેટિંગ કરવું, ખાદીના પ્રચારકામમાં લાગી જવું, બીજાં અનેક અન્ય રચનાત્મક કાર્યોમાં જોતરાઈ જવું – સ્ત્રીઓ ઘરની ચાર દીવાલોમાંથી મુક્તિ મેળવવા લાગી. સૌથી વધુ તો એ જેલોમાં પણ જતી થઈ. અમારાં એક અશિક્ષિત પણ ઉત્સાહી કાકી ત્રણથી ચાર વાર દરેક વખતે ત્રણથી ચાર મહિનાની કેદ ભોગવી આવ્યા હતા. રોજ સાંજે ઘરમાં જમવાની વ્યવસ્થા કરી બીજી બહેનો સાથે ખાદીભંડારમાં ખાદી વેચવાનો એમનો નિત્યક્રમ હતો. આ પછી વધુ આધુનિક ગાળો આવ્યો. વધુ ને વધુ કન્યાઓ ખાસ કરીને મોટાં શહેરોમાં શાળા-કૉલેજોનું ભણતર મેળવવા લાગી. ઠીક પ્રમાણમાં છોકરીઓ માબાપનો વિરોધ કરીને પણ જ્ઞાતિ બહાર પરણવા લાગી; કોઈ ને કોઈ વ્યવસાય કે નોકરીઓમાં જોતરાવા લાગી. આર્થિક જરૂરિયાત અને ઘર બહાર કામ કરવાની એક ભૂખ ઊભી થતાં લગ્ન પછી પણ નોકરી અને ઘર બન્નેની સંભાળ સ્ત્રીઓ રાખવા લાગી. ટૂંકમાં દેશોમાં વધતા જતા ઉદ્યોગો, ઉગ્ર રાષ્ટ્રવાદ અને અન્ય વિચારસરણીઓની વિવિધ ચળવળો અને એ બધાને પ્રતિસાદ આપતી નારીઓ – આ બધા કારણે સ્ત્રીમુક્તિની આગેકૂચ ચાલી રહી. આ પશ્ચાદ્ભૂમાં સાતમા દાયકા પછી નારીવાદ એક ઝુંબેશરૂપે બહાર આવ્યો. હંમેશાં એક વસ્તુના વિરોધમાં કંઈ ઊભું થાય છે ત્યારે શરૂઆતમાં એ આત્યંતિક જ હોય છે કારણ કે માર્ગ કાઢવા માટે પ્રસ્થાપિતની – જૂનાની તોડફોડ કરવી અત્યંત જરૂરી હોય છે. પણ આ જ અભિગમ જો કાયમ રહે તો પ્રશ્નોના ઉકેલ કરતા પ્રશ્નોની ગૂંચવણો વધી જાય છે. ઠરીઠામ થતા બૃહદ્પરિપ્રેક્ષ્યની જરૂર હોય છે. સ્ત્રીઓ સામે સામાજિક સ્તરો ઉપર થતા અન્યાયો, શોષણ એ તો લડી લેવાના જ હોય છે – જેમ કે દહેજ, સ્ત્રીઓને બાળી મૂકવાના પ્રસંગો, રાજ્યસ્તરે થતા કાનૂની અન્યાયો અને આજે પણ કેટલેક સ્થળે કેટલીક – ખાસ કરીને ક્ષત્રિય જ્ઞાતિમાં સતી થવાની ફરજ પાડતી અકલ્પ્ય ભયાનક પ્રથાને તો કોઈ પણ ઉપાયે ચલાવી લેવાનું વિચારી પણ ન શકાય. સ્પષ્ટ જ છે કે આ બધાંનો કડક અને સક્રિય વિરોધ થવો જ જોઈએ. પણ સામાન્યપણે લોકો કશા એવા અણઘટતા સામાજિક પરિમાણ ધરાવનારા બનાવો વગરની રૂટિન ઘરેલૂ જિંદગી જીવતા હોય છે. પિતૃસત્તાક મૂલ્યો પુરુષોએ અને વધતેઓછે અંશે સ્ત્રીઓએ અપનાવ્યાં હોય છે. સ્ત્રીઓએ લડવાનું હોય છે તો એ પણ નીરવ પટેલ કહે છે એમ પોતાના પ્રિયજનો સામે જ હક્કો માટે લડવાનું હોય છે. સ્ત્રી જેમ દીકરીની મા છે તેમ દીકરાની પણ મા છે. પતિ પત્ની ઉપર પોતાનું સ્વામીત્વપણું દાખવતો હોય છે તો એના ઉપર પ્રેમ પણ, અને પ્રેમ શબ્દ પસંદ ન હોય તો આસક્તિ પણ રાખતો હોય છે. બાપ પણ પોતાનાં બાળકોને ચાહતો હોય છે. એટલે કે કામદારોની કારખાનાંના માલિકો સામેની લડત કે દલિતોની સવર્ણો સામેની લડત કરતાં સ્ત્રીઓની પુરુષો વિરુદ્ધની લડતનું પારિવારિક સ્વરૂપ ભિન્ન રહેવાનું. કેટલીક પાટીદાર જેવી જ્ઞાતિઓમાં સામાન્યતઃ સ્ત્રીઓ ઉપર ખૂબ કડક દોરદમામ રહેતો હોય છે તો કેટલીક વણિક જ્ઞાતિઓમાં પુરુષોમાં નરમાશ અને સ્ત્રીઓ પ્રત્યે ખૂબ આદર રખાય છે. પણ સ્ત્રીએ તો પુરુષઅભિગમ-નિરપેક્ષ પોતાના વ્યક્તિત્વની પ્રસ્થાપના કરવાની છે. પોતે જાતે પિતૃસત્તાક મૂલ્યોમાંથી મુક્ત થવાનું છે, અને એ દૃષ્ટિથી બીજી સ્ત્રીઓની પોતે ટીકા-નિંદા કરતી આવી છે એમાંથી દૂર હઠવાનું છે. પોતાની પાસે સ્પષ્ટ પરિપ્રેક્ષ્ય હશે તો પરિવારમાં પોતાના વ્યક્તિત્વને અનુરૂપ પોતાનું સ્થાન સમભાવથી છતાં દૃઢતાપૂર્વક અને ક્યારેક લડીને પણ જાળવી શકાશે. બાકી તો જીવનના વિકટ પ્રશ્નો, સંસારના દ્વન્દ્વાત્મક સ્વરૂપને કારણે એમાંથી ઉત્પન્ન થતાં દુઃખો અને પીડાઓ પુરુષ અને સ્ત્રી બન્નેને લાગુ પડે છે. બધું જ દુઃખ સ્ત્રી-અસમાનતાને કારણે સ્ત્રીઓ ઉપર પડતું નથી. પુરુષ કોઈ સ્વતંત્ર વ્યક્તિ નથી કે એને માત્ર થાળીમાં સ્ત્રીને સ્વતંત્રતા ધરી દેવાની છે. સ્ત્રી જેટલો જ એ પણ પ્રકૃતિનો ગુલામ છે, અને પ્રકૃતિમાંથી ઊભી થતી વેદનાઓ બન્નેને સમાન છે. એક વ્યક્તિ તરીકે નારીને પણ વિશ્વપ્રશ્નો, અસ્તિત્વના પ્રશ્નો અને રાષ્ટ્રીય પ્રશ્નો સાથે ગાઢ નિસબત છે. એક વ્યક્તિ તરીકે મુખ્ય ધારામાં ભળી ક્રાન્તિકારી સમાજવ્યવસ્થા માટે એને ઝઝૂમવાનું છે કે સ્વપ્નાં સેવવાનાં છે. બ્રહ્માંડના અગાધને તાગવાનું સાહસ કરવાનુ છે. અલ્પસંખ્યામાં પણ સ્ત્રીઓ આજે અનેક ક્ષેત્રોએ પોતાની કારકિર્દીઓ જ્વલંતપણે ઉજાળી રહી છે. હજારો વર્ષની સહનશીલતા અને શ્રમનો વારસો એને મળ્યો છે અને એ બુદ્ધિમતિ બની છે. પણ સ્ત્રી માટે આત્મનિરીક્ષણનો સમય પણ હવે પાકી ગયો છે. જોસેફ મેકવાન સ્ટાઇનબેકને ટાંકીને કહે છે એમ અમારી જાંઘ ઉઘાડી કરવાનું ક્રૂર કર્મ આખરે અમારે જ હાથે કરવાનું છે. નારીવાદી ચળવળનો મોટો લાભ શહેરી ઉચ્ચ મધ્યમવર્ગીય મહિલાઓ વધુ મેળવે છે; દરેક ચળવળનું બને છે એમ લાભ જ્યાં પહોંચવો જોઈએ ત્યાં નહિવત્ પહોંચે છે. અહીં શહેરોમાં મોટી મધ્યમવર્ગીય સ્ત્રીઓની સંખ્યા છે જે ઘર અને નોકરી સાથે સંભાળતી હોય છે; એની સામે એક નાનો પણ એવો પ્રમાદી ઉચ્ચ મધ્યમવર્ગીય મહિલાઓનો ઝમેલો છે જેમને બહાર તો કામ કરવાનું હોતું જ નથી પણ ન ઘર, ન બાળકો કે પતિની પણ સંભાળ રાખવાની એને તમા છે. પોતાનાં રૂપ અને ચબરાકીપણા ઉપર એ મુસ્તાક છે અને પતિની આવક ઉપર મોજ-મજામાં રચીપચી રહેતી કુટુંબની ઘોર ખોદી નાખે છે. કોઈક એમ દલીલ કરે કે આ સંખ્યા તો નાની છે. એની શી વાત કરવાની? આમ જુઓ તો સતીપ્રથા પણ મુખ્યત્વે તો ક્ષત્રિય જ્ઞાતિ પૂરતી જ સીમિત છે. નીચલી જાતિઓને એની સાથે કશું લાગતું-વળગતું નથી. તો શું આવી ભયાનક પ્રથા એ અલ્પસંખ્ય હોવાને કારણે એક ક્ષણ પણ સહન કરી શકાય? નાની ક્ષતિ હોય કે મોટી – એના ઉપર કઠોર વિચારણા થવી જોઈએ, નહીં તો ભવિષ્યમાં એક પ્રશ્ન હલ કરતા બીજા અસંખ્ય પ્રશ્નો ઊભા થશે. સ્ત્રી-સ્વતંત્રતાનો અર્થ આખરે તો ખરા અર્થમાં સુખી સમાજનું નિર્માણ થાય એ છે. સંગ્રામ ખેલતાં, કઠોર આત્મનિરીક્ષણ કરતાં કરતાં આખરે આપણે સમથળ ભૂમિ ઉપર આવવાનું છે. સાહિત્યની વાત કરીએ તો કૃતિ માત્ર નારીવાદી હોય એ કારણે એને ઉતારી પાડવી ન જોઈએ એ ખરું; કલાકીય ધોરણે એને તપાસવી જોઈએ. પણ એ પણ શું એટલું જ સાચું નથી કે આપણે બધું સાહિત્ય-સર્જન નારીવાદી અભિગમની એરણે ન મૂલવવું જોઈએ? મૂળ તો કૃતિની અંતર્ગત તાર્કિકતા સાથે આપણને નિસબત છે – એના ઉપર વાર્તાનો રસાસ્વાદ નિર્ભર છે. અને જો રસાસ્વાદ મળતો હોય તો અનારીવાદ કે નારીવાદનાં ચશ્માં પહેરી હોબાળો ન મચાવવો જોઈએ. આ જ ‘પરબ’ના અંકમાં ઇલાબહેન પાઠક એમના લેખમાં લખે છે કે ‘અત્યારે તો જે દેખાય છે તે સ્ત્રીપાત્ર અભણ હોય કે વિદૂષી, તેને નાયકો મારઝૂડ કરતા જણાય છે. દા.ત., રાધેશ્યામ શર્માની ‘ફેરો’માં પત્નીને તમાચો ચોડી કાઢતો પતિ, રઘુવીર ચૌધરીની ‘અમૃતા’માં અમૃતા ઉપર આક્રમણ કરતો ઉદયન.’ રાધેશ્યામ શર્માની નવલકથા ‘ફેરો’માં નાયક નવલકથાકાર હોય તોપણ એ પારંપરિક અને રૂઢિચુસ્ત છે. નાયકનો દીકરો એકાએક ગુમ થઈ ગયો છે. એ એવી પળ છે કે આવેગનો માર્યો પતિ પત્નીને તમાચો ચોડી કાઢે છે. આખા સંદર્ભમાં આ ખૂબ સ્વાભાવિક કૃત્ય છે. આની સાથે પતિએ પત્નીને તમાચો ન મારવો જોઈએ એવી આપણી ભાવનાને ભેળવી દેવાથી શું વળે? ‘અમૃતા’માં ઉદયન એવી જાતનું પાત્ર છે જેના ચારિત્ર્યમાં એક પ્રકારની આક્રમકતા છે. તપાસવાનું એ છે કે એનું કૃત્ય એના આંતરવિરોધી ચારિત્ર્ય સાથે બંધબેસતું થાય છે કે નહીં? હા, ઘણાબધા મધ્યમ કક્ષાના પુરુષલેખકોમાં અને ખાસ કરીને ઘણીબધી ચાલુ હિંદી ફિલ્મોમાં જ્યાં હમેશાં નાયિકાને અંતે પતિદેવ સર્વને શરણે જતી દેખાડી હોય છે એમાં રૂઢિચુસ્ત શોષક પુરુષનું માનસ છતું થાય છે એની ના નથી. પણ દરેક સારા સર્જનનો એનો પોતાનો આંતરિક વિકાસ છે; એમાંની એકાદ ઘટના સંદર્ભ વિના લઈ વિશ્લેષણ કરવું ગેરમાર્ગે દોરનારું ઠરે. બીજું, પાત્ર બોલે તે લેખકના જ વિચારો હોય એવી રીતે ટીકા કરવી કેટલે અંશે યુક્ત કરે? એક રીતે જોઈએ તો કોઈ નાયક પત્નીને તમાચો મારે જ નહીં, પતિનું વર્તન પત્નીના સંદર્ભે સાહિત્યકૃતિઓમાં આદર્શયુક્ત જ બતાવવામાં આવે તો સમાજની સાચી છબિ હોય? તો તો આપણું સાહિત્ય વાંચી કોઈ એમ જ માને કે આપણો સમાજ ખૂબ તંદુરસ્ત હશે. બીજું, સતત શું એવું જ બન્યું છે કે ‘સાત પગલાં આકાશમાં’ માત્ર નારીવાદી અભિગમવાળી છે માટે જ એને સારી નવલકથા ગણવામાં નથી આવી? એવું જરૂર બન્યું છે કે એને નિરપેક્ષ સાહિત્યિક ધોરણે તપાસવામાં આવી છે, અને એ સ્તરે એ ઊણી ઊતરી છે. બાકી તો કોઈકને ક્યાંક પોતાના અનુભવનો તાળો ત્યાં મળી જતો લાગે એથી એ સારી નવલકથા નથી બની જતી. નારીવાદી કે કોઈ પણ અભિગમથી એ લખાઈ હોય એનો વાંધો નથી. પણ સર્જન એવું બન્યું હોવું જોઈએ, સાધારણીકરણ એમાં એવું થયું હોવું જોઈએ કે અનુભવ-નિરપેક્ષ તમને વિચલિત કરી મૂકે. છેવટે ઇલાબહેનની ચન્દ્રકાન્ત બક્ષીની ‘પેરેલિસિસ’ માટેની પ્રતિક્રિયાથી તો આશ્ચર્યની સીમા જ નથી. ઇલાબહેન લખે છે, “સ્ત્રીને વ્યક્તિવિશેષ ન સમજતા હોવા છતાં સ્ત્રીપાત્ર શિક્ષિત છે એવું ચિત્રણ લેખક કરે પણ શિક્ષણને લીધે તે સ્ત્રીપાત્રનો મનોવિકાસ થાય એવું ન સ્વીકારે. જેમ કે ‘પેરેલિસિસ’માં ચન્દ્રકાન્ત બક્ષીનો નાયક આરામ તેની પુત્રી મારીશાને ભણાવે છે, પણ ભણતાં ભણતાં તે દીકરી લગ્નવિષયક પસંદગી કરી લાવે છે તે સ્વીકારી શકતો નથી. મારીશાને પતિ સાથે ઘર્ષણ થાય ત્યારે નાયક કે લેખક તેનું દૃષ્ટિબિંદુ સાંભળવા તૈયાર નથી. છેવટે તે દીકરી આત્મહત્યા કરે છે.’ બાપને કારણે દીકરી આત્મહત્યા કરે છે એવું તો ઇલાબહેનને અભિપ્રેત નથી ને? ૧૮ વર્ષની એકની એક મા વગરની દીકરી ઓગણત્રીસ વર્ષના ક્રિશ્ચિયન યુવકને પરણવા તૈયાર થાય અને બાપને ચિંતા થાય તો એ અસ્વાભાવિક નથી લાગતું. આપણે જોઈએ છીએ કે ભવિષ્યમાં બાપની બધી આશંકાઓ સાચી પડે છે. છતાં આ બાપ લગ્ન માટે પોતાની દીકરીને સમ્મતિ આપે છે. નાયક આરામ શાહ કહે છે, ‘મારીશા બેટા! આ ઘરમાંથી તારે ભાગવું પડે એવી સ્થિતિ... મેં કોઈ દિવસ રાખી છે તારે માટે? ભવિષ્યમાં કદાચ પાછા આવવું પડે તોપણ આ તારું જ ઘર છે...’ વળી ઇલાબહેન ‘નાયક કે લેખક’ એવા શબ્દો પ્રયોજે છે. એમને મન નાયક અને લેખક એક જ છે? નાયક આરામ શાહ તો પોતાની દીકરી પ્રત્યે ખૂબ સમજદાર અને ઉદાર દેખાય છે. ચન્દ્રકાન્ત બક્ષી એવા છે કે નહીં એ શોધનો વિષય છે. ઇલાબહેન આ આખી વાતનું આ રીતે કેમ કરીને અર્થઘટન કરી શક્યા છે? ‘પરબ’ના આ નારીવાદ વિશેષાંકમાં બે લેખિકાઓનો સમાવેશ થયો હોત તો વધુ પ્રતિનિધિત્વ ધારણ કર્યું હોત એમ મને લાગે છે. સોનલ શુક્લને નારીવાદથી છુટ્ટા પાડી શકાય એમ જ નથી. એ પોતે માત્ર નારીવાદી જ છે એવો કમ-સે-કમ અખબારની કોલમ પૂરતો તો એ પોઝ લઈને બેસી ગયા છે. પણ એમની સાહિત્યિક સજગતા કોઈ રીતે ઓછી ઊતરે એમ નથી. બીજા છે સરૂપ ધ્રુવ. એમને તો મેં કદી સાંભળ્યા નથી. પણ ઊડતી ઊડતી વાતોએ ખબર પડી છે કે આવા પ્રશ્નો ઉપર એમની કંઈક મૌલિક જોવાની રીત છે. બનવાજોગ છે બન્નેને નિમંત્રણ ગયું હોય અને એમણે ન લખ્યું હોય. મને તો આ અંકથી એક મોટો લાભ થયો છે. દેરિદા અને ઝાક લકાંના પ્રદાન વિશે અને એ બન્ને નારીવાદના પ્રેરણાસ્રોત છે એની મને ખબર નહોતી. દેરિદાનો એક મુશ્કેલ લેખક તરીકે મારા મનમાં એટલો મોટો હાઉ છે કે જે નારીવાદ ઝુંબેશનો પ્રેરણાસ્રોત બની શકે એ પ્રજા કેવી હોય? આ ‘પરબ’ નારીવાદ વિશેષાંક ચન્દ્રકાન્તભાઈએ કાઢ્યો એથી મારે માટે વિચારવાની અને આપલે કરવાની તક ઊભી થઈ એ કબૂલ કરવું જ ઘટે.

[ઑગસ્ટ, ૧૯૯૦