પરકમ્મા/બોખાં મોઢાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બોખાં મોઢાં

વ્રતકથાઓનાં ટાંચણનો ધોધ હવે આવે છે. પેન્સીલ અને શાહીની ગંગા-જમના ગ્રંથાય છે. યાદ આવે છે-અમારા કમ્પોઝીટર બારોટ હીરજીનાં બા ‘ફૈબા’, કપિલ ઠક્કરના બા મોંઘીબા, મારી માતા, બીજા એક બે ડોશીઓ—દાંતવાળાં ને વગરનાં પાંચ છ કરચલિયાળાં મોઢાં તરવરે છે. વૈધવ્યના કાળા વેશ, સંસારની ધમાચકડ, પાવળેપાવળે કરકસર કરીને ઘરવ્યવહાર ચાલતો રાખવાની ચીકણાશ, કૈક ક્ષુદ્રતા લઘુતાઓ, કૈક મનોવૈષમ્યો, મૂર્ખાઈઓ ને મૂંઝવણો, તેની વચ્ચેથી આ ડોશીઓનાં દિલ ‘પ્રાસવો મૂકતાં’, વાણીની ક્ષીરધારાઓ વર્ષતી, જેનાં દોણાં મેં ‘કંકાવટી ખંડ ૧-૨’ રૂપે દોહ્યાં છે. રસોડાં, એકઢાળિયાં અને પીપળાને થડે આવેલા ઓટા પરથી આ દોણાં લઈ પાછા ફરો છો, ત્યાં તો રાજદરબારી કચેરીઓ ગજવતું ગલોફાં-ફાડ ચારણી સાહિત્ય તમને ઉંબરમાં મળે છે. મોં તમારાથી બગાડાશે નહિ. આવડે ન આવડે, સમજ પડે કે ન પડે, છતાં ટપકાવી લ્યો, ચારણ આવ્યો છે. મારવાડથી સૌરાષ્ટ્રે ઊતર્યો છે, રાજસ્થાનને કોઈક શુભ અવસરેથી શીખ લઈને પાછો વળી રસ્તે રાણપુરમાં ઊતરી પડ્યો છે, નામ ઠામ કે ચહેરો મોરો આછાં આછાંયે યાદ નથી, માત્ર શાહીનું ટાંચણ બોલે છે— ઘોર ઘોર આંવે ચંહું ઓર ઓર ઉમ્મટ ઘન, મોર મોર ગ્રવે મોર શોર હૂ મચાયો રી; દોર દોર દામની પ્રકાશ દેત દેશન પર લોર ઝોર ખાય ખાય આંન ઝર લાયો રી; ઈંદ ગજરાજ પે બિરાજત મમ રાજ આજ સાજ સાજ કામ કે સમાજ સર સ્હાયો રી; બિરહ બ્રેહન કો બાસો બિપરીતકો પ્રકાશો મીન કો મેવાસો ચત્ર માસો બન આયો રી. બલુ ચાંપાઉત ઋતુનાં ગાન લલકારી ગયો. ઝમક હતી પણ શબ્દનાં ઠેકાણાં નહિ. પાઠશુદ્ધિની પરવા કર્યા વગર સાંભળે જ જવું પડે. ટપકાવે જ જવું પડે, અક્કલને બે ઘડી દાબડીમાં પૂરી દેવી પડે. બુદ્ધિની બત્તી જરીક વધુ તેજ કરો એટલે હાંઉ! વટકીને ઊભો રહે વાર્તાકાર ને આ સંશોધનના માર્ગમાં તો ‘બસ ત્યારે, આવજો! સાહેબજી!’ એમ કહી માણસને વળાવી ઓફીસનાં બારણાં બીડી દેવાં થોડાં પાલવશે? એમ કર્યું હોત તો નીચેનું ટાંચણ શે સાંપડ્યું હોત એ જ અડબંગની પાસેથી?— આઉવા ગામનો બલુ ચાંપાઉત : જોધપુર મહારાજની બરોબર ઘોડેસ્વારી કરતો : કાઢી મૂક્યો. ઉદેપુર ગયો. ત્યાં એણે સિંહને વણહથિયારે માર્યા. (પણ કંઈક ખટપટ થઈ.) બલુ દિલ્હી ચાલ્યો ગયો. ‘અહીં ઉદેપુરના રાણાએ ઘોડો પાળીને તૈયાર કર્યો : જીન, મોરા, દુમચી, લગામ, પેછુન, હેકલ, બધા શણગાર સજાવ્યા. પછી રાણાએ પૂછ્યું: ‘આ ઘોડા પર અસ્વાર કોણ સારો લાગે? ’ દરબારીઓ કહે કે ‘બલુ.’ તુરત રાણાએ ઘોડો સાજ સાથે દિલ્હી બલુ ચાંપાઉતને મોકલી આપ્યો. બલુએ કહાવ્યું: ‘આ ઘોડાનો બદલો હું દેવારીના ઘાટમાં ચૂકવીશ, જીવીશ તો પણ ને મરીશ તો પણ.’ (પણ બલુનો દેહ પડી ગયો. પાછળથી રાણાજીને દેવારીના ઘાટમાં જોધાણનાથે ઉતારેલ શાહી ફોજ સાથે ઘોર યુદ્ધ થયું.) બલુ સુરાપરમાંથી આવ્યો. રાણાની ફતેહ વર્તી. એનું બિરદ–કથાગીત એ ચારણે ઉતરાવ્યું હતું તેમાં પાઠશુદ્ધિ ન હોવા છતાં, એક અચ્છા મરોડદાર રાજસ્થાની મરસીઆ તરીકે હું એને પિછાની શકું છું, એમાંથી વીરતાનો તરઘાયો ઢોલ સંભળાય છે. પાઠશુદ્ધિને માટે તો કોઈક ચારણ વાચક પાસેથી વાટ જોઈશ— આગમ કથમ જેસહર આખે, પોહ દાખે ધ્રુવ મેર પ્રમાણ; મોંને અસ રીઝ્યાં મોકલીઓ તસ બદલો દેશું દહીવાણ! જુગ પર વચન કહે જોધપર, પતા મૂજને ખતા પરે, દેહેવારી કાંકળવે જાગમ ભાડો અસચો લીધ ભરે. પ્રવાણે ગોપાળવત ઈંસી પર રણ ચઢ ઘણાં મારથી રોધ, ચડિજે દળ ઘાટી ચીતોડાં; સાંકર ભર લીજે ચીતોડ. ભિડ ખુરશાણ રાણદળ ભાગાં, શત્રહાં ઘણાં બજાડે શાર; ઈતરે થકાં અરક–રથ આયો અસ લીધો કમધજ અસવાર. ઘાટ નઘાટ અહાડા ઘડતાં ઝાટ ખગાં રણથાર ગલુ. ભાખ્યા વચન જકા નિરભાયા બસીઆ સુરપર છે બલુ. ભાવાર્થ — રીઝીને તમે મને અશ્વ મોકલ્યો. એનો બદલો, હે દેવાંશી રાણા, આપીશ દેવારીના કાંકળ (ઘાટ)માં. એ અશ્વનું ભાડું રાણાએ વસુલ કરી લીધું. જોધપુરના ઘણા મહારથીઓ રણે ચડ્યા, દેવારી ઘાટ રુંધ્યો; ખોરાસાની ( શહેનશાહનાં મુસ્લિમ) સૈન્યો જોધાણનાથ લાવ્યા તેની સાથે લડીને રાણાનાં દળકટક ભાગ્યાં, શત્રુઓ માર દેવા લાગ્યા. તેટલામાં તો અર્ક [સૂર્ય]નો રથ ગગનમાંથી ઊતર્યો, ને લીલા અશ્વ પર દેહધારી અસ્વાર દેખાયો. રણાંગણમાં એણે ખડ્‌ગની ઝીંક મચાવી. વચન બોલ્યો હતો તે નિભાવ્યું. ને પછી બલુ ચાંપાઉત પાછો સુરાપરે જઈ વસ્યો. રાજસ્થાની વાતો, ચારણ-કાવ્યો, મરોડદાર દુહા, રાજસ્થાની સ્ત્રીગીતો, એનો આજે તો પરિચય વધ્યો છે. ’૨૬માં નજીવો હતો. એ સમસ્ત વાણી ગંભીર છે. પાર ન આવે તેટલી છે. રાજસ્થાન એ તો ગુજરાતનું સંસ્કારપિયર છે. આપણા ને એના એક શ્વાસ છે. પણ એક હાથ બધે પહોંચી શકતો નથી. બીજા હાથ નીકળતા નથી. યુનિવર્સિટીમાં કીડિયારાં ઉભરાય છે. શા ખપનાં? લાલજીનો ટુચકો એ મારવાડી ચારણ પરથી પાનાં ફરે છે. બહારવટિયા-ગીતો અને વ્રતકથાઓ : શ્રમજીવી જનતાનું સાહિત્ય સમજી ટાંકતો ગયો ​છું. એક આંખમાં આંસુ ને બીજીમાં હાસ્ય ભરતાં મોંઘીબાનું સુરેખ ચિત્ર આંકતો ‘લાલજી’નો ટૂચકો મારા આ ટાંચણમાં પડ્યો છે. એક હતી કણબણ ને એક હતી બામણી. બેઉ પાડોશી. કણબણ વસ્તારી ને બામણી વિધવા. કણબણના ઘરમાં-દીકરાના દીકરા, દીકરીની દીકરી, દુઝાણું ને વાઝાણું, ખેતર ને પાદર. પણ ધરમમાં જીવ. સવારમાં ઊઠીને નાઈ ધોઈ લ્યે ને કામકાજ કરતી રામરામ કહેતી જાય. એક દાડે બામણી આવી: બેન, બેન, હું જાઉં છું ગામતરે, ને મારા આ લાલજીને ( બાળકૃષ્ણની મૂર્તિને ) તારા ટાંકામાં બેસારતી જાઉં છું. ભલી થઈને મારા લાલજીને રોજ ઘીનો દીવો કરજે, ને સાકરની કટકી ધરાવજે. કણબણે તો સવાર પડ્યું એટલે ટાંકા આગળ જઈને લાલજીને કહ્યું કે ‘લાલિયા! બેટા! મારા છોકરા છે વઢકણ, તું તારે ખાઈ પીને ગોખલામાં ગરી જા. પછી કોઈ તારું નામ ન લ્યે બેટા.’ લાલજી નાના બાળક બની નીચે ઊતરી કણબણને કહ્યે ખાઈ પી લેતા ને પછી ટાંકામાં ચડી છાનામાના બેસી જતા. બામણી ગામતરેથી પાછી વળી. લાલજીની મૂર્તિ પાછી લેવા આવી. પૂછ્યું ‘કાં બેન, સાકર ધરાવતી'તીને?’ કણબણ કહે કે ‘બેન! તારો લાલજી તો બહુ ડાહ્યો. કહ્યા ભેળો રોજ હેઠે ઊતરી ખાઈ કરીને છાનોમાનો ગોખલામાં બેસી રહે. બામણી તો સાંભળીને ઝંખવાણી પડી : કે બાઈ, મારી રંડવાળની મશ્કરી કરછ? કે બાપુ, મશ્કરી શાની? કે ત્યારે શું મારી મૂર્તિ ખાતી’તી? કે રૂડો રૂપાળો પેટ ભરી લે’તો બાપુ. લે બાઈ! ખવરાવ જોઉં! કે’ લાલિયા, બેટા, હેઠો ઊતર ને ખાઈ લે. મૂર્તિ ન ઊતરી. કણબણ ભોંઠી પડી ગઈ. અરે મને જૂઠી પાડી : અલ્યા મહિનો મહિનો ખાછ પીછ, ને આજ મા આવી છે એટલે મરડાછ? ખાછ કે નહિ? નહિ ખા તો માને ખબર શું પડે મેં ખવરાવ્યું’તું કે ભૂ રાખ્યો’તો? ખાઈ લેછ કે નીકર લાકડી લઉં?’ ને લાલજી પ્રત્યક્ષ થયા. બાળ ભગવાને ડાહ્યા ડમરા થઈ જમી લીધું. નાની ને મોટી આવી કથાઓ દ્વારા એક જ સત્ય ઠસાવવા આપણી સંસ્કૃતિ મથી રહી છે, કે સાચી ઈશોપાસના શ્રમજીવન છે, શ્રમીને જ દેવ ત્રૂઠે છે, નર્યા દમીને નહિ. સંસારના ભાર ઉપાડવાની વૃત્તિ હમેશાં ધન્યવાદને પામી છે. દેવને ગમે છે પાર્થિવ જીવનમાં જ રચેલાં પચેલાં સરલહૃદયી શ્રદ્ધાળુ માનવોની વચ્ચે બેસણાં. ભાદો કેમ કુટાય છે? આ વિચારનું જ જાણે સમર્થન કરતું હોય તેમ એક ટાંચણ–પાનું આવી મળે છે. આજે મારા ઘર પાસેની શેરીઓમાં સાંજ પડે છે ને છોકરીઓ દેદો કૂટવાની રમતો રમે છે. મોળાકત વ્રત (અલૂણા વ્રત) નજીક આવી રહ્યું છે. આ દેદા–કૂટણ શું છે? દેદાજી તે કોઈ ક્ષત્રિય વીર થઈ ગયા છે. પણ ભેળો ભાદો ભરવાડ પણ કુટાતો લાગે છે. ટાંચણ બોલે છે કે— ભાદો હતો ભરવાડ. એને ઘણી ગાયો. એક દા'ડો ભાદો ચારીને આવ્યો. ગયો ઝોકમાં. ગ્રામ. વગડામાંથી ગાયું આવીયું, ભૂરાયું થઈયું થયું. ભાદાને કચરી નાખ્યો. જીવ ન જાય, કારણ કે કુંવારો. પરણવામાં જીવ રહી ગયો છે. શું કરીએ? જા ભાદા, જીવને ગતે કરજે. જેટલી કુંવારિયું છે ઈ માતર તને કૂટશે. ભાદાએ ગત પામીને પ્રાણ છોડ્યા.

આજ વર્ષોવર્ષ કુંવારી કન્યાઓ વીર દેદાને અને વાંઢા ભાદાને કૂટે છે. ​

‘ભાઈ દેદા! વોય વોય વોય. ‘કુણુકલા લાડા! વોય વોય વોય. ‘કેસરીઆ લાડા! ” ” ” ‘ગલાલિયા લાડા! ” ” ” ‘કુંવારા લાડા! ” ” ” ‘ઊપરણીની સોડે દેદા! વોય. ‘કાચી કાતળિયે ભાદા! વોય.

ભાદાદેદાના બારમાસી કૂટણને તમે અશિષ્ટ કહો, જંગલી કહો, કૂટનારીઓ પોતે પણ હસતી હસતી, રમૂજ રૂપે કૂટતી રાચે છે; પણ આ મુખ્ય વિચાર મને છોડતો નથી, કે માનવીના જાતીય પ્રશ્નની, આપણને જેવું આવડ્યું તેવે સ્વરૂપે માવજત કરવાનું આપણે ચૂક્યા નથી. કુંવારી દશામાં યુવાનનું અવસાન, એ આપણામાં એના વાસના-જીવનની સમસ્યા મૂકી જતું. સમાજ એનો વિચાર કરતો.

‘ઘોડી અને ઘોડેસ્વાર’ના શિલ્પી ચીતળ ગામ પાસે ચગો છે. (નાગલિયો ને ચગલિયો=પથ્થરની દેરી). આ ચગા પાસેથી જે છોકરા નીકળે તે બબે કાંકરા નાખતાં જાય. એ રીતે પાણાનો ગંજ થયો છે. એકવાર એક કંટ્રાક્ટરે એ પાણા ભરાવ્યા, ને એનું ધર બાંધ્યું. બાંધેલુ ધર થર થર થર કમ્પવા લાગ્યું. એ સ્મારક વીસા ડેરનું છે. ભાવનગરના રાજા આતોભાઈ ચીતળ ઉપર કાઠીઓને જેર કરવા ચડ્યા ત્યારે ભગો ડેર નામનો આયર લડેલો. માથું પડ્યા પછી ધડ રાંપીથી લડ્યું. હાથની આંગળીઓ કપાઈ ગઈ, તો આગળીયું ઊડી ઊડીને શત્રુઓના કપાળમાં લાગેલી. રાંપીની પ્રાછટ બોલતી જાય— એક ઘા ને ઢગલો. એક ઘા ને બીજો ન માગે. એક ઘા ને રામ રામ! એક ઘા ને ફારગતી. ઉપલું ટાંચણ, એ પણ પેલા ચીતળ પાસેના પાણકાના ઢગલાની પઠે, મારા ચારણ સ્નેહી સ્વ. ગગુભાઈ નીલા સનાળીવાળાનો ચગલો છે. મને ભેટ્યા ૧૯૨૫માં; ને તે પણ હડાળા દરબારશ્રી વાજસૂરવાળાના સૌજન્યથી. ગગુભાઈ કાઠી દરબારોની જ કચેરીઓનું કંકણ, બીજે ક્યાંય જાય નહિ. લોકો કહેતા કે મોટો માણસ છે. પણ હડાળાના દરબારગઢમાં મેં ગગુભાઈને સાચા ઓળખ્યા. એક દિવસમાં તો દિલ દઈ દીધું. બેસતાં, સૂતાં, ખાતાં પીતાં, હરતાં ને ફરતાં ગગુભાઈની રસના રેલતી જ રહી. વાતો કહેતાં કહેતાં, વિરામે વિરામે, ‘પછી તો ઝવેરભાઈ!’ એ એમનો પ્રિય ટૌકો. ગળું જાડું, ગાવા જોગ નહિ. જાતે કદી રચતા નહોતા. વાતું કહ્યા જ કરતા. મેઘની ધારાઓ છૂટે તેમ વાગ્ધારા છુટે. શૌર્યની, દાતારવટીની, પ્રેમની, વૈરની, ખાનદાનીની, મારવાડથી માંડી સોરઠના કૂબા–નેહડા લગીની વાતો કહેતા, ને કહેતા કહેતા પોતે રોમાંચિત બનતા. દરબારશ્રી વાજસૂરવાળા તો ડહાપણના દરિયાવ. કહે કે આ ભાઈમાં અને લાઠીરાજ કલાપી પાસે જે એના કાકા સામતભાઈ ગઢવી હતા તેમનામાં મોટો તફાવત. ગગુભાઈ પોતાના કથનની વીર–કરુણ ઊર્મિઓમાં પોતે પણ ઘસડાઈ જાય છે. એ કલાકારની ન્યૂનતા છે. સામતભાઈ વાતો માંડતા ત્યારે પોતાના શ્રોતાઓને વિવિધ રસે ઉલ્લસિત કરતા જતા, રડાવતા, હસાવતા, શૌર્યનો પાનો ચડાવતા, છતાં પોતે તો પૂર્ણ સ્વસ્થતાથી નિરૂપણ કર્યે જતા. ગળામાં રૂદ્રાક્ષના પારાની મોટી એક માળા પહેરતા તેને હાથમાં ઝાલી, અક્કેક પારો ટપ ટપ પડતો મૂકતા જાય ને વાર્તાને આગળ ચલાવતા આવે. એ માળાના પારાની ગતિ સિવાય અન્ય કોઈ પણ ગતિ કે હલનચલન એ સામતભાઈના વાર્તાકથનને ટાણે, કલાક બે કલાક કે ચાર કલાક થાય તે છતાં ય એના દેહમાં, અરે આંખમાંયે ચાલતું નહોતું. એવા પૂરા ને પાવરધા કલાકાર હતા સામતભાઈ કે જેના પરથી કલાપીએ ‘ગોહિલ વીર હમીરજી’ નામના પોતાના કાવ્યમાં ‘ગઢવી’નું પાત્ર આલેખ્યું છે. એ સામતભાઈ, આ ગગુભાઈ, સનાળી ગામનું એ સમસ્ત નીલા શાખાનું ચારણકુળ, એટલે કશીઆભાઈનો વસ્તાર. કશીઆભાઈ એટલે અઝાઝૂડ ચારણ–કવિ. નાનો રઝળુ બાળક હતો ત્યારે નાથજી નામે એક સાધુએ પ્રસાદી રૂપે વિદ્યા આપી અને ઉર–કપાટ ઉઘડી ગયાં એવી એ ઘરની માન્યતા છે. એ કથા ગગુભાઈ નીચે મુજબ કહેતા– તુલસીનાથજી ત્રૂઠ્યા આશરે બસો વર્ષ ઉપર તુલશીનાથજી જેતપુરમાં આવ્યા હતા. કાનફટા નાથ નામથી ઓળખાતા પંથના એ મહાત્મા હતા. મૂળ પંજાબના રહીશ, પંજાબમાંથી જોધપૂરમાં થોડો સમય રહી ગોંડલ આવ્યા, ત્યાંથી જેતપુર આવી દરબાર કાંથડવાળાના દરબારગઢ પાસેના એક ઓટા પર રહેવા લાગ્યા. થોડે દિવસે એમની પાસે લોકો જમા થવા લાગ્યા. દરબાર કાંથડવાળા પણ સાંજરે સાંજરે આવતા. તુલશીનાથજીને વાર્તા સાંભળવાનો શોખ સારો હોવાથી આપા કાંથડવાળા પાસે રહેતા વરસોભાઈ ગઢવી ક્યારેક ક્યારેક વાર્તા પણ સંભળાવે.' વરસોભાઈ મૂળ ખુમાણ પંથકમાં રહેતા. પણ ભાઈઓની તકરારથી જેતપુરમાં આવી વસ્યા. એને ત્રણ દીકરા હતા. પણ પૂરા તેફાની ને રખડુ. આખો દિવસ ભાદર નદીમાં રખડ્યા કરે. ગળપણના બહુ શોખીન તેથી ભૂખ લાગે ત્યારે સ્મશાનમાંના લાડવા લઈ ખાય, એ ન મળે તોજ ઘેર આવે. રાતે પણ ઘેર આવે કે બીજે ક્યાંક પડ્યા રહે, આ છોકરાઓનું શું થશે તેની બાપને ફિકર રહેતી હતી. એક દિવસની સાંજે એ ઓટા પર મળેલ ડાયરામાં વરસાભાઈએ વાર્તા માંડી. મોરલી પર નાગ ડોલે એમ નાથજી વાર્તામાં લીન થવા લાગ્યા. ખરો રસ જામ્યો ત્યારે નાથજીએ પ્રસન્ન થઈ વરસાભાઈ ચારણના વાંસા માથે હાથ મૂકી ‘જીતા રહે વરસડા, જીતા રહે.’ એમ કહેવા માંડ્યું. બે ત્રણ વાર આમ વાંસો થાબાડ્યો, ત્યારે વરસાભાઈ વાત બંધ રાખીને બોલ્યા : “બાવાજી, જીતા રહે, જીતા રહે કરો છો, પણ કોઈ અમર છે? બ્રહ્માનો પણ કોઈ કાળે અંત છે. તો હું અમર ક્યાંથી થાઉં? અને આવી સ્થિતિમાં અમર થાઉં તો પણ શું! બીજું કાંઈ કહેતા નથી ને જીતા રહે જીતા રહે કહો છો, એમાં મારું શું વળ્યું!” ‘ક્યું વરસડા! તેરે કુછ ઈચ્છા હે? હો તો કહે દે.’ વરસોભાઈ મુંઝાણાં. એને ત્રણે રખડુ ને ઉખડેલ દીકરા યાદ આવ્યા. એણે કહ્યું. ‘મારા પર તો દરબારની કૃપા છે. મારે તો જે એક બે પછેડી ફાડવી હશે એ સુખમાં ફાડીશ પણ આ મારા છોકરાનું શું થશે? તેનું કાંઈક કરો.’ ‘યું વરસડા? તેરી ઈચ્છા એસી હે? તો લે આવ લડકે કો.’ વરસોભાઈ તો દોડી નીકળ્યા. ઘેર તો છોકરા હોય શાના? પૂછતાં પૂછતાં ભાદરકાંઠે હોવાના વાવડ મળ્યા. વરસોભાઈ હાંફતા હાંફતા ત્યાં પહોંચ્યા. એને જોઈ બે છોકરા તો ભાગી ગયા. સૌથી મોટા લાખણશી દૂર ઉભા રહ્યા. બાપે કહ્યું ‘આ લે, સાકર આપું.’ ગળપણનો શોખીન બાળક પાસે આવ્યો એટલે બાપે ફાળીઆને વળ દઈ ગાળીઓ કરી રાખેલ તે લાખણશીની ડોકમાં નાખી દીધે. દીકરાએ ગાળો દેવા માંડી, પાટુ મારવા માંડી. અનેક તોફાન કરવાનું આદર્યું. ગળામાં પડેલી પછેડી ફાડી નાખી, છૂટવા બહુ મથ્યો પણ ફાવ્યો નહિ. છોકરાને ઘસડતા ઘસડતા વરસોભાઈ તુલસીનાથજી પાસે લઈ ગયા. પોતે તૈયાર કરાવી રાખી હતી તે ભાંગની અંજલી ભરીને નાથજીએ લાખણશી સામે જોઈ કહ્યું, ‘લે બેટા, પી જા.’ જવાબમાં લાખણશીએ નાથજીને ગાળો સંભળાવવા માંડી. નાથજીએ કહ્યું, ‘વરસડા, ઉસ્કા શિર પકડકે યું ભાંગ મેં ડૂબે દે.’ વરસાભાઈએ લાખણશીનું માથું પકડી પરાણે નાથજીની અંજલીમાં એનું મોઢું બોળ્યું. હોઠ અડતાં ગળ્યું લાગ્યું. એથી લાખણશી પી ગયો. ભાંગ પેટમાં જતાં જ બાળક આપોઆપ નાથજીની સામે જોઈ બોલી ઊઠ્યોઃ નીલા લાખણસીંહને, ત્રૂઠા તુલસીનાથ, માને સારી મેદની, હાકમ જોડે હાથ, નાગજીએ ભાંગની બીજી અંજલી ભરી ‘લે બચ્ચા!’ કહેતા લાખણશી પી ગયો અને આપોઆપ બોલી ઊઠ્યો. આભ જમી વચ એક તું, સો વાતાં સમરાથ, થલ ભુરારા ઠાકરા, નામું તુલશીનાથ! પછી ત્રીજી અંજલી લેતાં તો બાળક હાથ જોડીને બોલી ઊઠ્યો, પ્રેમે ભજિયા રિયા નવેં નિધ પામી, ‘ધારાવર કવલાશો ધામી હુકમ કરો જો અંતરજામી ગજા સંપત હું કરું ગુલામી જાવા સંશય મનસા જાડા, આવે મોજ ફરે કોણ આડા લાયક વર દેતા હર લાડા દેવાસરે દેવ જગ ડાડા. પરચા તણા વેણ સત પલશી ચારણ લખો કહે ના ચલશી, મૂજ તણે ધન માલજ મલીસી તૂજ તણે પરતાપે તલશી! વરસોભાઈ નાથજીના પગમાં પડી ગયા. ‘બાપુ, આ છોકરાનું તો કામ થઈ ગયું પણ જે બે નથી હાથ આવ્યા તેનું શું?’ ‘ક્યું વરસડા, તેને દેખા નહિ તીન અંજલી ઈનકો પિલાઈ હે. ફિકર ક્યું કરતા! વો દોભી એસે હી હોગે…!’ એમજ થયું. સૌથી નાના કશિયાભાઈ તો બહુ પ્રખ્યાત કવિ થઈ ગયા. ઘણાં માનપાન પામ્યા, લાંબું ને સુખી જીવન ગાળ્યું, અને જોરદાર દુહા ગીત રચ્યાં તે જાણીતાં છે. ગગુભાઈનો ને મારો સંપર્ક પાંચ-સાત વર્ષ ટક્યો. રાત્રિ અને દિવસ અમે ભેળા રહ્યા, ભેળાં ખાધાં ને પીધાં. રસધારની કૈક વાતો, કૈક ટુચકા, બહારવટિયાના કૈક કિસ્સા એ ગગુભાઈની પ્રસાદી છે. હું તો જોડાજોડ લોકગીતો ને ભજનો પણ ભેગાં કરતો. ઝમકદાર ડિંગળ-વાણીના ઉપાસક ચારણોને સુકુમાર સ્ત્રીગીતો લોકગીતો પ્રત્યે જે હાંસીભર્યો અણગમો હોય છે તે ગગુભાઈમાં ન મળે. હું કોઈક સ્ત્રી–ગીતને વિશે પૂછું, પોતાને આવડે નહિ, એટલે દીકરાને બોલાવે : ‘કાનજી, આમ જો, ઝવેરભાઈને ફલાણું ગીત જોવે છે. હવેથી આપણે રસ્તે જે કોઈ મળે તેને, ઢેઢ મળે તો ઢેઢને ય, ઊભો રાખી પૂછવું કે એલા ફલાણું ગીત બોલ. એ બોલે એટલે આપણે લખી લેવું. સમજ્યો ને કાનજી? સમજાણું કરણ? ઢેઢ મળે તો ઢેઢને પણ પૂછવું ને આ ઝવેરભાઈને માટે ગીતો કઢાવવાં.’ શેણીના ગામમાં [૧] * શેણી–વિજાણંદની વાત મેળવવા અને એ પ્રેમકથાની લીલાભૂમિ ​ગોરવીઆળી ગામ જોવા ગગુભાઈ મને સાથે લઈ ગયેલા. ત્યાં અમે ઓજત નદીનું નાનું ઝરણું જોયું–જે ઓજતને શેણીએ વીનવેલી કે ચડ ટીંબા, ચડ ટીંબડી ચડ ગુંદાળી ધાર; ઓજત! ઉછાળો લઈ વિજાણંદ પાછો વાળ. ગુંદાળી ધાર તો મારા બાળપણાની પરિચિત. ગુંદાળી ધાર પર એક વાર નેસડું ઊભું હશે. આજે એ ધારીગુંદાળા ગામડું બન્યું છે. માસીને ઘેર મહી-માખણનો ધરવ કરવા માટે શહેરનો છોકરો રજાએ રજાએ જતો. ગુંદાળી ધારની ઓથે ઊભેલો કોઠો હજુ યાદ છે. દીઠેલાં એ અર્થહીન સ્થળો શેણી-વિજાણંદની વાર્તા સાંપડ્યા પછી પ્રણયનો મર્મ ધારણ કરીને અંતરમાં ગોઠવાઈ ગયાં છે. ગોરવીઆળીમાં જેને ઘેર ગયા હતા તે ચારણ શેણીના બાપઘરનો વંશજ હતો. એના મનથી તો ‘શેણી આઈ’ એ કોઈ દેવી બની ગઈ હતી. ને દેવીસ્થાને પ્રતિષ્ઠા પામેલ ‘શેણી આઈ’ એ તે કદી પ્રણયિની હોઈ શકે! શેણી ને વિજાણંદની પ્રણય-ઘટનાનો તો એણે સોઈ ઝાટકીને ઈન્કાર કર્યો. ‘આઈ’ અને પ્રણય, એ બે વચ્ચે એના મનમાં કોઈ સુસંગતિ નહોતી. એમાં એને કુળપ્રતિષ્ઠાની હાનિ લાગતી હતી. બાજરાના પોંકનો દૂધમાં ડોયેલો ભૂંકા એ મારું ત્યાંની રાતનું વાળુ હતું. વળતાં માર્ગે માંજોલીમાં બેઠાં બેઠાં ગગુભાઈએ એની ચિત્રાત્મક બાનીમાં, વિગતપૂર્ણ ચિતાર ખડો કરીને, અંતર પર સદાને માટે છાપી નાખે તેવી શૈલીમાં, જે એક કિસ્સો કહ્યો તે 'ઘોડી અને ઘોડેસ્વાર' નામની વાર્તારૂપે 'રસધાર' ખંડ ત્રીજામાં અગ્રપદે છે ને મારી યાદદાસ્તમાં સાંગોપાંગ સમાઈ બેઠેલ છે. મેં જાણે નજરોનજર, સગી આંખે નિહાળેલ હોય તેવું છે એ શત્રુજીને આરા પરનું દૃશ્ય: એ પૂરના ઘૂઘવાટ, એ ઘોડીનો યુવાન અસ્વાર, એ માફાળા ગાડામાંથી બાળક સોતી ઊતરતી, વાયે લહેરાતાં મલીરે શોભતી કાઠીઆણી, એ ત્રાપો, ત્રાપા પર કાઠીઆણીનું બેસવું, ત્રાપાનું નદી-પુરમાં ખેંચાવું, મધવહેને એ ત્રાપાની રસી પર ચડી ચાલ્યો આવતો નાગ, નિરાધાર ત્રાપાનું પૂરમાં ઘસડાવું, ઘોડીના અસ્વારનું પૂરમાં ઘોડી સહિત ખાબકવું, બાઈ–બાળકને બેલાડે લઈ લેવાની બહાદૂરી, અને છેલ્લે ત્રીજી તળપે કાંઠા પર ચડી ગયેલી ઘોડીનું કમોતઃ રડતા અસ્વારે ઘોડીના શબ ઉપર પોતાને રેટો ઢાંક્યો હશે તે પણ નજરે તરવરે છે. ગગુભાઈની કથનશૈલીનો એ પ્રભાવ હતો. સૂથો વાળંદ સાચા અને જૂઠા શૌર્યને સાથે વણીને ગગુભાઈ જે બનેલા બનાવો વર્ણવતા એ પણ લાક્ષણિક હતા. ટાંચણ-પાનું એ એક કિસ્સો સંધરી રહ્યું છે:–

ચીતળની ગોહિલો-કાઠીઓ વચ્ચેની લડાઈ વખતે એક કાઠીનો વાળંદ હતો. નામ સૂથો જામ. યુદ્ધની આગલી રાતે કાઠીઓ પંગતમાં વાળુ કરવા બેઠા. સુથો વાળંદ તબડી ફેરવતો દૂધ પીરસે છે. કાઠીએ એને કહે છે કે 'ભણેં રેડ્યને! રેડ્યને દૂધ! લીલાછમ માથાં લઈને આદા છયેં, ખબર છે ને?” (લીલાં માથા લઈને મરવા આવ્યા છીએ.)

'હા બાપ! લ્યો દૂધ. લ્યો વધુ.' એમ કહેતો સૂથો ખૂબ દૂધ પીરસે છે. પણ પછી લડાઈ થઈ તેમાં- 'તગડ ઘોડે રોઝ ત્રાઠા 'કુંપડો કે','જુઓ કાઠા 'નોખ નોખા જાય નાઠા.' ​(કાઠીઓએ ઘોડાં ઘરભણી એવાં તગડાવી મૂક્યાં કે રોઝડાં જેવા અબુધ પ્રાણી પણ બીને ભાગ્યાં. કાઠીએાને આગેવાન કૂંપોવાળો કહે છે કે જોઈ લેજો આ કાઠીઓ! વેરવિખેર નાઠા છે.) નાસતા કાઠીઓની આડે સૂથો વાળંદ તાંબડી લઈને ઊભો રહ્યો, કહે છે કે લ્યો બાપ, પીતા જાવ દૂધ! લીલુડાં માથાં લઉને આદા'તા! ખિજાયેલા કાઠીઓ કહે કે 'એલા તું શી ફિશિયારી મારછ! તું શું મરવાનો છો!' કહે છે કે 'હા, હા, હું કાઠિયો વાળંદ છું. હું કપાઈ મરીશ.' એમ કહી તરવાર ખેંચી. જુદ્ધમાં ઝિંકાણો. ચીતળની બજારમાં લડ્યો ને મુઓ. ભાષાનો ભંડાર ગગુભાઈ વિધવિધ સરદારના દાયરામાં બેસનાર, અને સ્વભાવે સારગ્રાહી, એટલે કૈક તુક્કા કિસ્સા ભેગા કરે. કાદુ મકરાણીના બહારવટામાં શામિલ ચૌદ વર્ષના છોકરા ગુલમહમદ જમાદારની ભાળ એમણે મને આપેલી. કહેતા કે 'ઝવેરભાઈ! ગુલાબના ગોટા જેવો છે હો!' ને નીકળ્યું પણ ગુલાબ જ. વાઘેરોના બહારવટામાં 'હમ નૈ હટેગા!' એવી હાકલ કરીને ઊભા રહેનાર આરબ જુવાનની વાત પણ એણે કરેલી. ( જુઓ ‘સોરઠી બહારવટીઆ : ભા-૨’ ) વર્ણને પણ એના લાક્ષણિક હતાં, સિંહને આમ વર્ણવે :- 'ભૂહરી લટાળો, પોણા પોણા હાથની ઝાડું, થાળી થાળી જેવડા પંજા, સાડા અગિયાર હાથ લાબો, ગોળા જેવડું માથું, ગેંડાની ઢાલ જેવડી છાતી, કોળીમાં આવે એવડી કડ. દોઢ વાભનું પૂંછડું, એનો ઝંડો માથે લઈને આવે ત્યારે વીશેક ભેંસુની છાશ ફરતી હોય તેવી છાતી પોણા ગાઉ માથેથી વગડતી આવે છે, ગળું ધુમવટા ખાતું આવે છે. પોણા પોણા શેરનો પાણો મોઢા આગળ ત્રણ ત્રણ નાડાવા ચણેણાટ કરતો આવે છે, ને જેની ઘડીએ પગની ખડતાલ મારે છે તેની ઘડીએ ત્રણ ગાડાં ધૂડ ઊડે છે. ઘે! ઘે! ઘે! કરતા ધખીને આવ્યો. એક લા નાખી, બીજી લા, ને ત્રીજી લાએ તે ભુક્કા!' સાંઢિયાને ગગુભાઈ વર્ણવે ત્યારે– ‘જમીં પર લા બબતી જતી હોય એવા છબ્યા ન છબ્યા પગ માંડતો, ડીલને નિંડોળીને પંદરેક હાથ માથે ઝફ કરતો, ડોક અસ્વારના ખોળામાં નાખી દેતા, ત્રણેક ગાઉ માથે જાતો ને કણકે, તાળવું કાઢતો આવે……’ એક વાર આ વર્ણન મેં એક બહારવટિયાની વાર્તામાં ઉત્સાહભેર વાપર્યું. વાત લઈ ગયો દરબારશ્રી વાજસૂરવાળા પાસે વંચાવવા. વાંચીને એ કહે કે ‘ભાઈ, બહારવટિયાનો સાંઢિયો કણકે નહિ. એ જો અવાજ કરે તો તે થઈ રહ્યું ના! મોત જ આવે ના! મારી સાન ઠેકાણે આવી. ભભકદાર વર્ણનને તો એના યથાસ્થાને જ મૂકી શકાય એ ભાન થયું. ગગુભાઈની વાતચીતમાં થોકબંધ ભાવપ્રતીકોવાળાં વાક્યો આવતાં તેનું હું ભણતર ભણતો. કોઈ અનુચિત કર્મ કરનારને માટે— ‘અરે ભાઈ, કબરમાં કાંટા શું કામ નાખછ?’ એટલે કે મૂત્યુને અગાઉથી શીદ બગાડે છે? એની સમજાવટ કરતા પાછા કિસ્સો કહે કે ‘જુનાગઢના નવાબ મોહબ્બતખાનજી રોજ પોતાની પોતાને માટે તૈયાર રખાયેલી કબર પાસે જઈને કહેતા કે ‘માઈ! મેં જબ આઉં તબ મેરી નજર રખનાં હો!’ એકલિયા બહારવટિયા માટે કહે કે '‘એકલિયો તો કાઢેલી તરવાર હતો.’ કોઈક વાર્તા પાત્ર વિશે કહે કે— ‘મારા ધણીના મારનારનું માથું ન મળે ત્યાં સુધી મારે અગન્યની આંઘોળી છે.’ અર્થાત ત્યાં સુધી હું અગ્નિનાં જ અંઘોળ [સ્નાન] કરતી હોઉં તેવી યાતના ભોગવીશ. ‘આંહીં તો ભાઈ! રાઈનો કણ સરખો છે.’ એટલે કે અહીં તો આપણે સૌ સરખા છીએ, કોઈ નાનું કે મોટું નથી. કૈક ચારણો મારાથી દિલ ચોરતા ને એવી શંકા સેવતા કે આ તો આપણી વાતું લઈ જઈ આપણો ધંધો ભાંગી નાખે છે, ત્યારે ગગુભાઈ કહેતા કે ‘આમણે તો સ્મશાનો સજીવન કર્યાં છે. જેમનો પતો ન જડ્યો હોત તેવા નાના વીરનરોને પુનર્જીવન આપ્યું છે, ને ઉલટાની આપણને ય ખબર નહોતી એવી વાતો લાવીને રજૂ કરી છે, વાતો માંડ્યા જ કરીએ, કદી ખૂટે નહિ.’ મારા ભોગ લાગ્યા તે એક વાર આ મુલાયમ માનવીને એક શ્રીમંત સ્નેહીની જાનમાં તેડી ગયો. એ શિક્ષિત અમીર-પુત્રે પોતે જ કહ્યું હતું કે કોઈક ચારણને લાવજો, પણ લગ્નની ધમાલ એવી રહી કે ગગુભાઈ ખીલ્યા નહિ. ઘણો પ્રયત્ન કર્યા છતાં જીહ્વા જામી નહિ અને ખાસ નિમંત્રાવીને તેડાવેલા આ મોભાદાર ચારણને કંઈ પુરસ્કાર આપવો તો દૂર રહ્યો, એનું રેલભાડું યે અપાયું નહિ. હું લાજી મર્યો. ગગુભાઈ કહે ‘અરે ઝવેરભાઈ, કંઈ નહિ. એ તે થયા કરે.’ તે દિવસથી ચારણ સ્નેહીઓને હું બહાર લઈ જઈ શ્રીમંતોને આશરે રજૂ કરતો અટક્યો છું. ગગુભાઈને છેલ્લા દીઠેલા જેતપુરની એક દરબાર–ડેલીએ. મોંમાં દાતણ હતું, મળવા નક્કી કર્યું પણ ડોકાયા નહિ. મને ઘણીઘણી વિમાસણ થઈ, કે શું કારણ હશે! પણ ખરી ખબર ઘણા વર્ષો પછી પડી. ૧૯૩૩ માં મુંબઈ હતો ત્યાં એમના મૃત્યુની જાણ થઈ. પાછો કાઠિયાવાડ આવ્યો ત્યારે ખબર પડી કે એમને કંઈક વિચારવાયુ થયો હતો, ને શંકા ઊપડેલી કે ‘મને કોઈક જમવામાં ઝેર દઈ રહેલ છે!’ ગગુભાઈને વિશે મારાથી સંકોચ પામતે પામતે પણ ટકોર કરનારા કેટલાક સ્નેહીઓ મળ્યા હતા : કાઠી દરબારોના કેફ નશાખોરી પર ગગુભાઈની છાપ સારી નથી, દારૂમાં ચકચૂર બનતા નપાવટ દરબારોનું રંજન કરીને એ પોતે વસતીને પીડનકર્તા થઈ પડે તેવાં ઈનામો મેળવે છે. ફલાણા દરબારનું નિકંદન નીકળી ગયું, ફલાણાને પણ સારી સલાહ ન મળી વગેરે. હું જાણું છું કે આ રાજ્યાશ્રિત ચારણોમાંના કેટલાકની કથા ઠપકાને પાત્ર છે. મારા વળના બીજા કેટલાક ચારણો વિશે પણ નબળી વાતો સાંભળું છું. વ્યસનીઓ અને મૂર્ખોના આશ્રયે આ ચારણો એક નાનકડી દુનિયામાં પુરાઈ જાય છે ને અહોરાતના રાજસંગને પરિણામે વિશાળ લોકજીવનનો સંપર્ક તો ગુમાવે છે પણ સાથે મુલ્યાંકનશકિત યે ખૂએ છે. રાજાઓ પાસે બેસીને લોકોને ભોગે સુગલ કરાવતા ચારણોની પણ મને જાણ છે. વિદ્યા કેવલ વિલાસની બાંદી બની રહે છે. અધિકારશાહીની સૃષ્ટિની જેમને બહુ મધલાળ લાગેલી છે તેમનું પણ એમ છે, અને આ નવા જમાનાએ નવા સરજાવેલા દરબાર-વર્ગનો, એટલે કે મિલપતિ પૂંજીપતિ શેઠીઆઓનો આશરો પણ તે ચારણ ભાઈઓની મૂળ દશાનું પુનરાવર્તન જ કરાવી રહ્યો છે. ઈલાજ શું? વિદ્યાપોષક સંસ્થાઓ ને વ્યકિતઓ તેમને સંધરી શકે તેમ છે? નહિ. કાં તો ચારણો ચારણો જ રહે ને કાં ધંધાધાપામાં પડી જાય. ચારણો રહેશે તો મૂળ જે સંજોગોમાં ખીલતા તેને મળતા સંજોગોમાં જ, રૂપાન્તરે, તેઓને રહેવું ફાવશે. આ ગંભીર અને ગ્લાનિકર વિચાર સાથે મારી પહેલી ટાંચણપોથી પૂરી કરું છું અને ગગુભાઈએ કહેલ એક હાસ્યરસિક ટુચકાનું ટાંચણ ટપકાવી તેમની સ્મૃતિને, મારી જોડેના તેમના પૂર્ણ નિઃસ્વાર્થી, પૂર્ણ સંસ્કારશીલ, શુદ્ધ સાહિત્યલક્ષી, મનની માયામહોબ્બતે અંકિત સમાગમની રમૃતિને જુહારું છું— નવે નાકે દીવાળી વાણિયો હતો અને પદમિયો વાળંદ હતો. બેયની બાઈડિયું પાણીશેરડે મળી. વાળંદની બાયડીના પાણીના છાંટા વાણિયાણ્યને બેડે ઊડ્યા. વાણિયાણ્ય કોચવાણી. બે શબ્દ સંભળાવ્યા. સામે પદમિયાની વાળંદીઆણીએ પચાસ સંભળાવ્યા. કારણ કે પદમિયો તો દરબારી વાળંદ હતો. વાણિયાણ્યે આવી વાણિયાને વાત કરી. વાણિયો કહે કે 'ફકર્ય નહિ, આપણે તો વાણિયા. વાળંદ કરતાં સાડી સાત વાર નીચા.' પણ વાણિયે વેર મનમાં સંઘર્યું. દીવાળી લગી વાટ જોઈ. દીવાળી આવી. દીવાળીની સાંજે વાણિયો વાળંદ પાસે જઈને કહેઃ “પદમાભાઈ, બાપા, એક સજૈયો (અસ્તરો) દેશો? રાતની રાત જ કામ છે. વાળંદને કુતૂહલ પ્રગટ્યું. વાણિયાએ વિશેષ કહ્યું: 'પણ એવો દેજો કે એક જ લબરકે ફારગતી થઈ જાય.' પદમિયો ન રહી શક્યો. અસ્તરો દીધો, પણ વાંસે વાંસે વાણિયાને હાટે ગયો, 'શેઠ, પેટની વાત કહો. અસ્તરાની આજ રાતે શી જરૂર પડી?' દીકરાને વાણિયો કહે, 'કપુરચંદ, તું આઘો ખસી જા. વાડ્ય સાંભળે, વાડ્યનો કાંટો સાંભળે.' પછી વાણિયો વાળંદને કહે “પદમાભાઈ, તમને જ કહું છું. આ જ રાતે અમે ઘરમાં બેસી, અમારાં સૌનાં નાક કાપશું.' વાળંદ તો ધ્રૂજી ઊઠ્યોઃ 'કાં?' કે 'ભાઈ, દર દીવાળીએ કાપીએ છયેં.' 'હેં!' 'હા. રાતે કાપીને હડફામાં મેલી દયેં, તે સવારે નવાં નાક પાછાં આવે. પણ નવાં કેવાં આવે પદમાભાઈ! કે કોઈનું નાક અખડાબખડ હોય, કોઈનું બેઠલ હોય, કોઈનું ગોળી જેવું હોય, તો સવારે દીવાની શગ્ય જેવું થઈ જાય. ને ઓલ્યાં જૂનાં નાક જે કાપીને હડફામાં મેલ્યાં હોય તે તમામ સોસેનાનાં થઈ ગયાં હોય.' હાંઉ, પછી કાંઈ પદમિયો મણા રાખે! દીવાળીની રાતે, પોતાનું ને બાયડીનું, બેયનાં નાક કાપ્યાં. વધુ સોનાની લાલચે ઠેઠ કપાળેથી અસ્તરો ચલાવ્યો, ને પછી આખી રાત જાગતાં બેઠાં. નવા વરસનું પરોડ થયું. સવાર પડ્યું. પણ ન તો નવાં નાક આવે, કે ન જૂનાં કાપેલ સોનાનાં બને! મોં માથે લુગડું વીંટીને પદમો લપાતો લપાતો વાણિયા પાસે ગયો. “શેઠ, ઓરા આવજો તો! આ અમારાં નાક તો નવાં ન આવ્યાં.” 'અરર! પદમાભાઈ! તમે મને પૂછતા'તા તયેં શી ખબર કે તમારે પણ નવે નાકે દીવાળી કરવી હશે! મને કહેવું'તું તો ખરું! કાપતી વખત મંતર ભણવાના હોય છે! મને પૂછ્યું તો હતું! હવે શું થાય!' પછી વાણિયે વાણિયણને કહ્યું: 'હવે કૂવાકાંઠે પદમાભાઈ વાળંદની વહુ તને છાંટા નહિ ઉડાડે. બાકી આપણે તો વાળંદથી ઊતરતાં, અરે ઢેઢથી યે ઊતરતાં. ગમે તેમ તોય ઈ દરબારી વાળંદ! ને આપણે વાણિયાં.'

1 *આ વાર્તા ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભા. ૫ માં છે : ગોરવીઆળી ગામના ચારણ વેદાની દીકરી શેણીને વિજાણંદ નામના ચારણ જુવાન પર છુપો પ્રેમ જન્મ્યો. વિજાણંદ જંતર નામે વાદ્ય અત્યંત સુંદર રીતે બજાવતો. જંતર બજાવી વેદાને પ્રસન્ન કરી એણે શેણી માગી. વેદો કહે કે એકસો એક નવ ચાદરી ભેંસો લઈ આવ તો શેણી પરણાવું. વિજાણંદ એ શર્ત પૂરી કરવા માટે ઊપડી જાય છે. પણ મુદતસર ન આવતાં શેણી હિમાલયમાં ગળવા ચાલી જાય છે. હિમાલયમાં એ અરધી ગળી ગઈ ત્યારે વિજાણંદ ત્યાં પહોંચે છે. એનું અંતર સાંભળતી સાંભળતી શેણી પ્રાણ ત્યજે છે. વિજાણંદનું જંતર તૂટે છે. એકલો પાછો વળીને એ પામર જેવો જીવન પૂરું કરે છે. બંદૂકો આવી ને બહાદુરો રડ્યા બીજી પોથી ઉઘાડું છું અને ચક્ષુ સમીપ ખડો થાય છે એક કદાવર આદમીઃ વાને નાગર જેવો ઊજળો, ભરાવદાર કાળી મૂછ દાઢી, અંબાઈ લીલા રંગની સુરવાળ અને પહેરણ. મુખમુદ્રા પર કુમાશ છતાં ધંધો કરડાઈનો, વ્યવસાય જોતાં ગળું ત્રાડો પાડતું હોવું જોઈએ. છતાં મારી યાદદાસ્તમાં એક મુલાયમ કંઠ સંઘરાયો છે.