પશ્યન્તી/ગઈ સદીની ફ્રેન્ચ કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગઈ સદીની ફ્રેન્ચ કવિતા

સુરેશ જોષી

કોઈક વાર કશીક નાની શી આકસ્મિક ઘટના બને છે અને આપણે એકાએક કોઈ જુદા જ વિશ્વમાં જઈ ચઢીએ છીએ. ઘર બદલ્યા પછી પુસ્તકોની હજી યોગ્ય સ્થાને પ્રતિષ્ઠા થઈ નથી. આથી ફરી ફરી વાંચવી ગમે એવી કેટલીક કવિતાઓ ઝટ દઈને હાથે ચઢતી નથી. આમ છતાં કોઈક વાર, કુતૂહલનો પ્રેર્યો, અભ્યાસખણ્ડમાં જઈ ચઢું છું ને પુસ્તકોના ઢગલામાંથી ગમે તે એક કાઢીને વાંચવા માંડું છું. સદ્ભાગ્યે ઓગણીસમી સદીની ફ્રેન્ચ કવિતાનું પુસ્તક હાથમાં આવ્યું. બેરેન્જર, લામાતિર્ન, વિક્તર ઉગો, ગોતિયેર, બોદ્લેર, રેંબો – મોટો ખજાનો હાથમાં આવી ગયો.

વોલ્તેર અને રૂસોએ ફેલાવેલી ક્રાન્તિની આબોહવામાં આ પૈકીના ઘણા કવિઓ જીવ્યા. કહેવાતો પ્રગતિવાદી કવિ આપણે ત્યાં આજે લખે એવી કવિતા બેરેન્જરે ત્યારે લખેલી તે વાંચીને આશ્ચર્ય થયું. આખી ઉક્તિ રખડુના મુખમાં મૂકી છે : મારી જુવાનીના દિવસમાં હું એક કસબી પાસે ગયો ને કહ્યું, મને કશો કસબ શીખવો. એણે જવાબમાં કહ્યું, ચાલતી પકડ, અમારી પાસે એવું કશું ઝાઝું કામ નથી, જા, જઈને માગી ખા. પૈસાદારોએ મને કહ્યું, કામ કર. મેં એમના ભાણામાંથી કદીક બટકું રોટલો ખાધો છે; એમની પરાળની પથારીમાં હું કદીક સૂતોય છું. આથી મારા જેવો જૈફ રખડુ એમને શાપ શી રીતે આપે? હું ગરીબ આદમી, ચોરીય કરી શક્યો હોત; પણ ના : એના કરતાં તો હાથ પસારવો એ સારું. બહુબહુ તો કદાચ મેં રસ્તા પર ઝૂકેલી ડાળ પરથી એકાદ પાકું સફરજન તફડાવ્યું હશે. પણ એ લોકોએ તો મને રાજાના હુકમથી નહિ નહિ તો વીસેક વાર અંધારી કોટડીમાં પૂરી દીધો હશે! મારી એકની એક મૂડી એ લોકોએ ઝૂંટવી લીધી : સૂરજ તો રખડુની જ મૂડી કહેવાય ને! ગરીબ માણસને કોઈ દેશ હોય ખરો? તમારા અનાજના કોઠાર, ઘી, દૂધ – આ બધાંનો મારે મન શો અર્થ? પરદેશી માટે તમે બારણાં ખુલ્લાં મૂકો, તમારી મહેમાનગીરી માણીને એ તગડો થાય, ને હું મૂરખ જેવો આંસુ સાર્યા કરું! એ પરદેશી તો બુઢ્ઢા રખડુને ખવડાવેય ખરો. તમને હું કોઈ જન્તુ જેવો ઉપદ્રવી લાગ્યો હોઉં તો ભલા, મને કચડી કેમ નહિ નાખ્યો? ના, તમે તો મને બધાંના ભલા માટે કામ કરી છૂટવાની સૂફિયાણી સલાહ આપી. ક્રૂર પવનથી રક્ષણ મળે તો કીડોય પતંગિયું થઈને ઊડી જાય. મેંય તમને ભાઈની જેમ ચાહ્યા હોત. હું તમારો દુશ્મન બનીને હવે જૈફ રખડુની જેમ મોતને ભેટું છું.

અહીં નિખાલસતા છે, પ્રામાણિકતા છે; વેદનાની ચીસ નથી, વ્યંગ છે. સ્વચ્છ પારદર્શકતા છે. આથી આ રખડુની ઉક્તિ આપણને સ્પર્શી જાય છે. જે ભાઈ બનવા ઇચ્છતો હતો તેને દુશ્મન બનીને મરવાનું આવ્યું. આતિથ્ય તો પરદેશીઓ માટે. વળી જેને ઘરબાર નહિ, તેને આ બધા સંસ્કૃતિના ઠાઠ અને દેશાભિમાન શા ખપનાં? એની એક માત્ર મૂડી તે સૂર્ય, તે પણ લોકો ઝૂંટવી લે, રાજા ઝૂંટવી લે. ત્યારે કવિઓ પોતાના આત્માને સમ્બોધીને વાર્તાલાપ કરતાં. બોદ્લેરની આવી ઉક્તિ તો ખૂબ પ્રખ્યાત છે. પણ ક્વયિત્રી માર્સેલિનનીય આવી ઉક્તિ છે. વાતાવરણ પાનખરનું છે; દિવસ પાણ્ડુવર્ણો ને થાક્યોપાક્યો ઢળે છે. તે પોતાના હૃદયને આવા એક દિવસની યાદ અપાવે છે. એ દિવસ વ્યાપેલા વિષાદથી ખિન્ન બનીને વનની વદાય લઈ રહ્યો હતો. ઊડતાં પંખીઓ કશી આશાનો ટહુકો કરતાં નહોતાં; ઠારી નાખે એવું ઝાકળ એમની પાંખોને વીંટળાઈ વળ્યું હતું. પંખીઓ એમના સાથીને સાદ દેતાં, માળામાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યાં હતા. એઓ જે ડાળ પર હતાં તેના પર હવે ફૂલ રહ્યાં નહોતાં. ઘાસિયા મેદાનમાં ખેદપૂર્વક વાળેલાં ધણ માટે જંગલી ઝાંખરાં સિવાય બીજો કશો ચારો નહોતો. ગોવાળીઓ પણ એનું ગીત ભૂલી જઈને એ ખીણમાં વ્યાપી ગયેલી નિ:શબ્દતા અને વિષયમાં સહભાગી થતો હતો. કશું કામણટૂંમણ પ્રકૃતિમાં વ્યાપેલી, કંટાળો ઉપજાવતી એકવિધતાને દૂર કરી શકતું નહોતું. પાંદડાં પરનો સ્મિતની જેમ રેલાઈ જતો રંગ વિલાઈ ગયો હતો; આજુબાજુની ટેકરી લીલાંછમ અલંકારો ખોઈ બેસીને બોડી થઈ ગઈ હતી. બધું જ જાણે આકાશ પાસે ઉષ્માભર્યા એક કિરણની યાચના કરી રહ્યું હતું. આવા વાતાવરણમાં કાવ્યમાંનું પાત્ર કહે છે : હું એકલી આનન્દ કરતા લોકોના ઘોંઘાટથી દૂર સરી ગઈ; તારા દૃષ્ટિપાતથી પણ દૂર ભાગી છૂટી. મેં મારી બુદ્ધિને શોધી; પણ ખેતરોમાં વ્યાપેલી ક્લાન્તિ, એની આકર્ષક ગ્લાનિ – આ બધાંએ ઊલટાનું એનું ઝેર મારા પ્રચ્છન્ન પ્રમાદમાં ભેળવી દીધું. નહિ કશું લક્ષ્ય કે નહિ કશી આશા, કેવળ મારા તરંગોને જ અનુસરતી હું મારાં મન્દ અને ભીરુ પગલાં મને જે તરફ લઈ જાય તે તરફ લઈ જવા લાગ્યાં. પ્રીતિએ તારી પ્રિય છાયાથી મને ઢાંકી દીધી અને વર્ષની આ પાનખર ચાલતી હોવા છતાં હવા જાણે મને દઝાડવા લાગી. મારાથી મારી જાતને બચાવી લેવાનો મેં છેલ્લો મિથ્યા પ્રયત્ન કરી જોયો; તારાથી બચવાનો મિથ્યા પ્રયત્ન કરી જોયો. ધરતી પર મંડાયેલી મારી અશ્રુધૂસર આંખોને જાણે કશાક અજેય મન્ત્રના બળે ત્યાંથી કોઈએ ઉતરડી નાખી. ધુમ્મસમાંથી દેખાતી નાજુક છબિએ મારા હૃદયને મૃદુતા અને ભયથી થડકાવી મૂક્યું. સૂર્ય ફરીથી દેખાયો, એણે બધું આવરી લઈને પ્રકાશિત કરી દીધું. સૂર્યે જાણે અર્ધું આકાશ ઉઘાડી આપ્યું… તું મારી આગળ પ્રગટ છે તે જાણવા છતાં તારી જોડે કશું બોલવાની મારી હિમ્મત ન ચાલી; હું સહેજ હેબતાઈ ગઈ હતી અને વિચારમગ્ન હતી; આ મોહક વિભ્રમની સ્થિતિમાં વિવશ બનીને હું પુલકિત થઈ ઊઠી હતી; આથી હું તારી જોડે કશું બોલી શકતી નહોતી છતાં હું સુખી હતી; તારા આત્માની મને ઝાંખી થતી હતી અને હું વિશ્રબ્ધપણે મારા હૃદયને સાંભળ્યા કરતી હતી. પણ જ્યારે તારી હથેળી મારા ધ્રૂજતા હાથ સાથે દબાઈ, સહેજ સરખા કમ્પથી જ્યારે મારું આખું શરીર ધ્રૂજી ઊઠ્યું અને મારા કપાળ પર મને દઝાડતી લજ્જા છવાઈ ગઈ ત્યારે મને શુંનું શું થઈ ગયું! ત્યારે તારાથી ભાગી છૂટવાનું હું ભૂલી ગઈ; તારાથી ભયભીત થવાનુંય હું ભૂલી ગઈ; પહેલી વાર તારું મુખ ઉપાલમ્ભ આપી શક્યું, મારી વેદના તારી વેદના આગળ પ્રગટ થઈ અને મારો આત્મા તારી તરફ ઉચ્છ્વસિત થવાની અણી પર આવી ગયો. મને યાદ છે! હે મારા જીવન, તને એ મધુરી યાતનાનું સ્મરણ છે ખરું, તારા વિષાદમાંથી ઉતરડી કાઢેલા એ શબ્દોનું તને સ્મરણ છે ખરું : ‘જો હું વેદના સહું તો એમને પણ સ્વર્ગમાં વેદના ભોગવવી પડશે!’ એ અરણ્યમાં વ્યાપેલી નિ:શબ્દતાનો આ સિવાયના બીજા કશા એકરારે વિક્ષુબ્ધ કરી નહિ. આપણા સહુ દિવસોમાં એ દિવસ સૌથી સુન્દર અને મધુર દિવસ હતો; અસ્ત થવાની અણી પર છતાં એ ઘડી થમ્ભી ગયો અને એનું ચાલ્યા જવું મારા હ્યદયને તારી અનુપસ્થિતિના ઓળાથી છાઈ ગયું : જગતના આત્માએ આપણા પ્રેમને અજવાળી દીધો; વાદળની નીચે એની છેલ્લી દ્યુતિને શમી જતી મેં જોઈ; હવે તો માત્ર એની છબિ જ, હંમેશને માટે છૂટાં પડી ગયેલાં આપણાં ભગ્ન હૃદયમાં સચવાઈ રહી છે.

ઘડીભર કશાક જાદુથી પાનખરના એ વિષાદપૂર્ણ દિવસને બદલી નાખતા પ્રેમના વિશ્વમાં આપણે ફરી આવ્યા. આ કવિતાના વાતાવરણને શ્વસતા કશીક આનન્દસમાધિમાં બેસી રહેવાનું આપણને પ્રલોભન થાય છે. મૂળ ફ્રેન્ચમાં તો એનો આગવો લય અને એનું માધુર્ય પણ ઉમેરાયાં છે. ઘણી વાર મારા જ ઘરમાં વસતાં પણ જેમનું હજી સુધી હું સ્વાગત નથી કરી શક્યો એવા કેટલાય કવિઓનો મને ખ્યાલ આવે છે ને ત્યારે મારી થોડી ક્ષણો એમને માટે જ હું ન્યોછાવર કરી દઉં છું.

એક બીજી રમ્ય છબિ જોવાનો લોભ જતો નથી કરી શકતો. એ છબિ આલેખી છે થિયોફિલ ગોતિયેરે. ગુલાબી વસ્ત્રમાં શોભતી એક સુન્દરીની એ છબિ છે. કવિ કહે છે : તને ઉત્તમ રીતે નિર્વસ્ત્ર કરનાર તારી એ વેશભૂષા મને કેટલી બધી ગમે છે! તારાં સુડોળ સ્તન એમાંથી ઊપસી આવે છે, તારા નગ્ન બાહુનો કેવો રમણીય પ્રસાર એમાંથી હું જોઉં છું! મધમાખીની પાંખ જેવું નાજુક, ગુલાબના હૃદય જેવું શીતળ, એ વસ્ત્ર તારા સૌન્દર્યની આજુબાજુ ઊડાઊડ કરીને એને ગુલાબી સ્પર્શથી પંપાળી રહું છું. તારી ત્વચાથી તે રેશમી વસ્ત્ર સુધી રૂપેરી સળનાં મોજાં ઊછળ્યાં કરે છે અને આ વસ્ત્ર એમાં પ્રતિબિમ્બિત થતા ગુલાબી રંગની ઝાંયથી તારી કાયાને ઉજ્જ્વળ કરી મૂકે છે. જાણે તારી જ સુન્દર કાયામાંથી રચ્યો હોય એવો આ વેશ તું ક્યાંથી પામી? એનો જીવનથી ધબકતો તાણો તારી ત્વચા સાથે એકરૂપ થઈને કેવી મોહક ભાત ઉપસાવે છે! આ રહસ્યમય રંગને પ્રભાતની અરુણાઈમાંથી તું લઈ આવી છે, વીનસની રૂપેરી છીપમાંથી એ લાવી છે કે તસતસતા તારા સ્તનાગ્રમાંથી એ રંગ લીધો છે? કે પછી તારી લજ્જાનમ્રતાના ગુલાબી રંગે તેં આ વસ્ત્રને રંગ્યું છે? ના, કેટલીય વાર રંગથી ચિત્રરૂપે અંકાયા પછી, શિલ્પરૂપે કંડારાયા પછી તારી સૌષ્ઠવપૂર્ણ કાયા અને ઐશ્વર્યથી સુપરિચિત થઈ ચૂકી છે.

ઘડીભર આ લાવણ્યમૂતિર્ આગળ આપણે સ્તબ્ધ થઈને ઊભા રહી જઈએ છીએ. આ કાવ્યમાં મૂર્ત થયેલી નારી તે બોદ્લેરની પ્રિયતમા માદામ સાબાતિયેર છે. મેં એની છબિ જોઈ છે. પણ કવિઓ, ચિત્રકારો અને શિલ્પીઓએ આંકેલી મૂતિર્માંનું લાવણ્ય કશુંક જુદું જ છે. એથી જ તો જગતના સૌન્દર્યને કવિકલ્પનાનો સ્પર્શ થાય પછી એ આપણે માટે મોહક બને છે.

ભાદ્રપદની અરોચક ઉત્તાપભરી આ મધ્યાહ્નની વેળાએ આ કવિઓએ રચેલા સૌન્દર્યલોકમાં સ્વેચ્છાએ લટાર મારવાનું મારું આ સુખ કોઈ ઝૂંટવી લઈ કોઈ સોગિયા જીવ નાકનું ટેરવું ચઢાવશે, કોઈ આને ભાગેડુ વૃત્તિ કહેશે. જમાને જમાને એવી ગાળો તો વરસ્યા જ કરશે. પણ તેથી આ સૌન્દર્યલોક કલંકિત થતો નથી, થશે પણ નહિ. ગત પિતૃઓની વિષાદભરી સ્મૃતિથી ધૂસર એવા શ્રાદ્ધ પક્ષના દિવસોમાં મારા શ્વાસ તો રૂંધાયેલા જ રહે છે. તેથી કરીને મારા ઘરના વાડામાં ફૂલોની મબલખ બિછાત પાથરીને નર્યું સુગન્ધભર્યું ઐશ્વર્ય લૂંટાવી દેનાર પારિજાતની હું અવજ્ઞા નથી કરતો. એની સાથે તુલસીની તીખી વાસ ભળે છે. આંગણામાં ખીલેલી ગુલછડીની આછી મધુર વાસ પણ અહીં સુધી વહી આવે છે. આમ છતાં ચારે તરફ સુખ જ સુખ છે એવું નથી. નર્યા સુખનું સ્વર્ગ તો આપણને કદાચ સદે પણ નહિ. આ સંસારના વિષ વચ્ચે જ શ્વાસ લઈને બોદ્લેરે વિષપુષ્પોનો આપણને પરિચય કરાવ્યો. એના અભિશપ્ત જીવનને ઘડીભર રમ્ય અને આહ્લાદમય બનાવી ગયેલી આ નારી તે પણ આ વિષ વચ્ચેથી જ પ્રગટેલું રમ્ય પુષ્પ નથી?

23-9-81