પુરાતન જ્યોત/૧. હું સૌ માંયલો નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧. હું સૌ માંયલો નથી


રણને કાંઠે સવાર પડતું હતું. ઊડી ઊડીને થાકેલી રેત હજુ જાણે કે પડી હાંફતી હતી. સવારનાં કિરણો એ રણ-રેતની કણીઓને સોનાનો રસ પાતાં હતાં. નગરઠઠાના માર્ગ માથે એ એક ગામ હતું. પાદરમાં મસીદ હતી. મિનારા પરથી બાંગ પુકારાતી હતી. હોજને કાંઠે કઈ મુસ્લિમ વજૂ કરતો હતો. કોઈ હાથપગ ધોઈને નમાજ પઢતો હતો. મુસ્લિમોને કાને અવાજ પડ્યોઃ જી નામ! જી નામ! જી નામ! સૌની આંખો દરવાજા સેંસરી ગઈ. પડખે થઈને એક ધોરી માર્ગ જતો હતો. તે મારગે કોઈ મુસાફર જી નામ! જી નામ! જપતો પંથ કાપતો હતો. "ખડે રહે એ હેઈ મુસાફર!” વજુ કરતા મુસ્લિમોએ બહાર નીકળીને હાક મારી. વટેમાર્ગુએ ઊભા રહીને પાછળ જોયું. એના અંગ પર ભદ્રભેખ હતો. એને દાઢી નહોતી. એના માથા પર કાપડી સાધુઓ ઢાંકે છે તેવો ઊંચો ટોપ હતો. શરીરે હરમિયા રંગની કફની હતી. ખંભે તુંબડાંની કાવડ હતી. ગળામાં માળી હતી. એણે અવાજ દીધો : “જી નામ!” "કોન છો?” "વાટમારગુ છું.” “નૂગરો છો? તારા માથે કોઈ મુર્શદ, કોઈ ગુરુ, કોઈ ઉસ્તાદ નથી? અને ભેખ પહેર્યો છે?" "કેમ ભાઈ? ગરમ કેમ બનો છો? કાંઈ પૂછતા નથી, ગાછતા નથી, ફોડ પાડીને સમજાવતા નથી. છે શું આવડું બધું?” "ઊભો કેમ નથી રે'તો?" "જેને પંથ કાપવો છે એને ઊભા રહેવાનું કારણ?” "આ બાંગ સાંભળતો નથી? બે'રો છે બાવા?" “સાંભળું છું અને આંહીંથી મારો પણ શબદ મિલાવું છું. જી નામ!” “એ શબદ ન મિલાવાય. ને હિન્દુ-મુસલ મીનના હરકોઈ ભેખધારીએ આ જાતનો અવાજ સાંભળીને ઊભા રહી અદબ કરવી જોઈએ.” "એવો રિવાજ છે?" “રિવાજ જ નહીં, ફર્જ છે.” "એવી ફરજ સૌને પાડો છો?" "બેશક.” "ત્યારે હું એ સૌ માંયલો નથી.” મુસાફર સાધુએ રમૂજ અને તુચ્છકારથી મોં મલકાવ્યું. "તું શું ટીલું લાવ્યો છે!” કહેતા મુસલમાનો મુસાફરની નજીક ગયા. "ત્યારે તમારી આ બાંગ શું ટીલું લાવી છે?” પ્રવાસીઓ વિશેષ મોઢું મલકાવ્યું. પચાસ-સો મુસ્લિમોના ધગધગતા મિજાજની એના મન પર કોઈ અસર નહોતી. "મોં સમાલ સાધુ!” “જુઓ ભાઈ, તમે જાડા જણ છો, તોય મારે મારું મોં સંભાળવાની જરૂર નથી. મારું મોં એની જાતે જ પોતાને સંભાળી લ્યે છે. પણ હું તમને પૂછુંઃ તમે બાંગ પુકારો છે ને હુંય ધણીનું ‘જી નામ' જપું છું. હું તમને મારા જાપ વખતે ઊભા રહી અદબ કરવા કહેતો નથી. અંતરમાં અદબ તો આપોઆપ ઊઠે છે, જ્યાં જ્યાં માલિકની ભક્તિના સાદ ઊઠે છે ત્યાં. પણ તમારી બાંગને માટે જો તમારો ખાસ દાવો હોય તો સાબિત કરી બતાવો.” "શી સાબિતી?” “સાબિતી એ, કે બાંગ સાંભળતાં ગાને ધાવતાં વાછરું મોંમાંથી આંચળ છોડી દ્યે ને પાણીના વહેતા ધારિયા થંભી જાય, એવી કોઈ તાકાત બતાવો, તો ડરીને ઊભો રહું. બાકી તમે દમદાટી દઈને ઊભો રાખો એવો પાણી વગરનો સાધુ હું નથી. લ્યો, જી નામ!” "એ ઊભો રહે." પાછળ હાકલા થયા ને દોટાદોટ સંભળાઈ. “મિયાં સાહેબો!” મુસાફરે પાછા ફરીને ચમકતાં નેત્રો નોંધ્યાં: "એમ ગામડે ગામડે બાંગો સાંભળીને અટકતો જાઉં તો મેં નાની(હિંગળાજ) કબ પોગું? આશાપરાનો મઠ હજી વેગળો છે. એકલો નીકળ્યો છું તે સમજીને નીકળ્યો છું. આ ભેખ ભાળો છો ને, એ તે મારો પોશાક છે. મારાં કાંડાં છે ભટી રજપૂતનાં.” "તારું નામ?” જવાબમાં સાધુ લલકારી ઊઠ્યો:

ગામ ખોંભડી ગરુ ગાંગોજી
ભટિયા કુળરા ભાણ હુવા:
નેણલે નરખો! હેતે હરખો!
સતગરૂકા મેં પંજા લિયા.

મુસાફરે ગાન કર્યું. અજાનના સૂરોમાં એ ગાનના વાણાતાણા વણાયા. "કોણ મેકણ કાપડી તે નહીં?” એક બુઢ્ઢા સંધીએ નામ પિછાન્યું. “મેકણ નહીં, મેકો. ને હું નૂગરો નથી. મારો મુર્શદ પણ તમારા – અરે આપણા સૌનું પૂજવા ઠેકાણું જમિયલશા જોગીનો ગિરનારી ગોઠિયો છે દાતા દત્તાત્રેય.

દાતા મેરે દતાતરી
ને મેકો મંગણહાર.”

"જાવ, જાવ બાપુ.” જઈફ મુસ્લિમે બીજા સર્વની સામે ઈશારત કરી કે ચૂપ રહો. "ઊભા રો', ઊભા રો', સાંભળતા જાવ!” એમ કહીને મુસાફરે બુલંદ ગળે ચાબખો માર્યોઃ “હું તો તમને–અમને બેઉને સંભળાવું છું:

ઠાકર તે ઠુકાયો,
મુલ્લાં ડિનીતે બાંગ,
ઉન માલક જે ઘરજો
છે નકોં તાંગ.”

ઠાકર-મંદિરમાં આરતી ઠોકાય છે અને મસ્જિદમાં મુલ્લાં બાંગો દઈ બોલાવે છે. પણ એ માલિકના ઘરનો તમને ક્યાંય પત્તો નથી મળતો. અને વળી–

ઊંચો થિયે નીચો થિયે,
હથ દો કિયા હીં;
ફોકી ધેાઈ ફૂટરો થ્યો
અલા મિલેંદો ઈં!

એમ અલા મળશે? ઊઠબેઠ કરવાથી ને હાથ ઊંચાનીચા કરવાથી? પૂંઠ ધોવાથી ને રૂપાળા થવાથી?” મુસ્લિમો ગામડિયા હતા. સાફ દિલના હતા. એ દિલ પર આ શબ્દચાબુક પડ્યા. કોઈએ કહ્યું : “સાચા શબ્દ છે.” "પતંગશા પીર શું કરે છે? તમારા ભાઈ?” જાણકારે કુશળ ખબર પૂછ્યા. મેકરણે જવાબ દીધો -

'પીર' ‘પીર' કુરો કર્યો,
નાંય પીરેંજી ખાણ;
પંચ ઇંદ્રિયું વસ કર્યો
(ત) પીર થિંદા પાણ.

"અરે દોસ્તો! પીર પીર શું કરો છો? જેટલાએ લીલી કફની ધરી તે તમામ શું પીર? પીરોની તે શું ખાણ છે? પાંચ ઈન્દ્રિયોને વશ કરીએ તો આપણે પણ પીર બનીએ. મારો ભાઈ પંડે ઈસ્લામધરમી બન્યો છે. પતોજી હતો તે મટીને પતંગશા થયો છે. મને એનો અણગમો નથી. એની બેઠક બેતો અને કાફીઓ વચ્ચે હતી. એના બાળપણના એ સંસ્કાર. એનોય પંથ છે પ્રભુનો. એ તો હજી ખોજ કરે છે, એને પીર ન કહો. અને સાંભળો —

પીર પેગંબર ઓલિયા
મિડે વેઆ મરી.
ચોંણ ઉડાંજ્યું ગાલિયું
નાવો કોય વરી.

"પીરો, પેગમ્બરો ને ઓલિયા, મણ્યેય (તમામ) મરી ખૂટ્યા, તેમની મૃત્યુ પછીની વાતો કહેનારો કોઈ મોતને સામે કાંઠેથી હજુ પાછા નથી આવ્યો.” "આને હવે ઝાઝો વતાવા જેવું નથી. આ તો અહીં ઊભો કંઈક આપજોડિયા ચાબખા સંભળાવશે. માટે જવા દ્યો એને હવે.” ગામલોકએ આપસઆપસમાં સંતલસ કરીને કહ્યું. “ઠીક મેકાજી! પધારો હવે. મોડું થાય છે આપને.” “લ્યો ત્યારે, જી નામ!” "જી નામ!” એવી સામસામી સલામ થઈ ગઈ, ને મુસાફર પોતાને માર્ગે પડ્યો.