પ્રથમ પુરુષ એકવચન/આત્મીયતાની ભરતી
સુરેશ જોષી
કોઈ વાર જગત સમસ્ત માટે હૃદયમાં આત્મીયતાની ભરતી છલકાઈ ઊઠે છે. પથ્થરનું પથ્થરપણું પણ મારી ચેતનામાં ભળી જઈને દ્રવીભૂત થવા માંડે છે. જ્યાં શુષ્ક ઉષર ભૂમિ હતી એવું લાગતું હતું ત્યાં કૂંપળ ફૂટેલી જોઉં છું. જે વિચારોનું અટપટાપણું મૂંઝવતું હતું તે બધું સાવ સહજ અને પારદર્શક થઈને ઊભું રહે છે એવે વખતે ઘણું ઘણું બોલવાનું મન થાય છે. આવી જ ક્ષણે થોડા ભારેખમ શબ્દોને પાંખ આવીને ઉરાડી મૂકી શકાય છે. આવી ક્ષણ ટકે છે ત્યાં સુધી દીનતાનું નામનિશાન રહેતું નથી. આકાશની શૂન્યમયી વ્યાપકતા ત્યારે ઠાલી લાગતી નથી.
પણ આવી ક્ષણો ક્યારેક જ આવે છે. કોઈ વાર બધું જ પ્રસન્નતાભર્યું સહજ સરલ હોય છે ને કોઈ નિકટની વ્યક્તિ કશાક ઊંડા ઘાને ઉખેળે છે. એનો કદાચ સદ્ભાવથી બોલાયેલો એક શબ્દ ખૂબ ઊંડે ઊંડે ખૂંપી જાય છે. ભીરુ મન સંતાતું ફરે છે. કલંકની કાળાશ બધી જ સત્ય પ્રવૃત્તિ પર છવાઈ જાય છે. જીવનમાં એક સામટા હજાર સૂર્યો અસ્ત થઈ જાય છે. મેં નિકટની વ્યક્તિઓ પાસે અસત્યભરી પ્રશંસાની આશા રાખી નથી. કારી ઘા તો નિકટની વ્યક્તિ જ કરી શકે. જેણે સુખ આપ્યું હોય તે દુ:ખ થાય એવું કશુંક આપે તો કાયર બનીને હાથ પાછો ખેંચી નહીં લેવાય.
જે નિકટ છે તે પણ આપણને સમભાવપૂર્વક સમજે છે એવું માની લેવાની ભ્રાન્તિમાંથી એક આંચકા સાથે હું દૂર ફેંકાઈ જઉં છું. સહેજ ઉદ્વિગ્ન ચિત્તે સત્યનો આકરો પ્રકાશ ફેંકનાર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણીથી જોઈ શકું છું. ઘડીભર સમતુલા ડગમગી જાય છે. મેં સૌથી વધુ આઘાતની આશા મિત્રો પાસેથી જ રાખી છે. કારણ કે હું જાણું છું કે જે સત્યને સત્ય તરીકે ઓળખવા છતાં હું જીરવી લઈ શકતો નથી, તે સત્યને સ્વીકારવાનું મારામાં ખમીર આવે એ હેતુથી જ એવું સત્ય સદાશયથી મારી સમક્ષ એઓ ઉચ્ચારતા હોય છે. જુવાન મિત્રો ઘણી વાર મેં જે ઉમંગ ઉત્સાહથી કર્યું હોય તેની ઊણપને તીવ્રતાથી વર્ણવી બતાવે છે. એમની આગળ દયામણા બની જવાનું ટાળવા મથું છું. મને લાગે છે કે જે વિશદ નિર્ભ્રાન્તિ કેળવવાની વાત હું કેમ્યૂ પાસેથી શીખ્યો તે જ મને આવી પરિસ્થિતિમાં બળ આપશે.
કશુંક લખવાનું તો હજી ગમે છે. શબ્દોને રમતા મૂકવા, સહેજ શબ્દોથી દૂર રહી જઈને એમની ક્રીડા જોયા કરવી. એકાન્તમાં ઉછરેલા શબ્દોને સહેજ અળગા કરીએ, એમનું રૂપ નવેસરથી જોવું આ બધું હજી મને ગમે છે. હું પોતે નથી લખતો ત્યારે બીજી કોઈ લખનારની એવી શબ્દલીલાને જોયા કરું છું, લખ્યા પછી એની આજુબાજુ જે પ્રપંચ વિસ્તરે છે તેનાથી હું અકળાઈ જઉં છું. મારી ભાષાના બધા નવા સર્જકોનું પણ હું વાંચતો રહું છું. પણ હવે લેખકો વચ્ચે જઈને બેસતા રૂંધામણ થાય છે. પ્રશંસા અને નિન્દાનો વાવંટોળ ઘેરાયેલો રહે છે તે નથી ગમતું. લખી ચૂક્યા પછી તરત જ હું એનાથી દૂર સરી જાઉં છું. બધું સુખથી નથી લખ્યું. ઘણી ચિન્તા માથે રાખીને, વ્યાધિ સાથે ઝૂઝતાં ઝૂઝતાં લખવું પડે છે. એ બધું અનિવાર્ય જ હતું એમ તો નહિ કહું. પણ ઘણા લેખન સાથે ઊંડી વેદનાના સંસ્કાર સંકળાયેલા છે. મારા શબ્દો ઠાવકા બનીને એ બધું સંતાડે છે.
કાફકાએ ‘ધ કાસલ’ના લેખન દરમિયાન મૅક્સ બ્રોડને લખેલા પત્રમાં જે કહ્યું છે તે મને હંમેશાં યાદ રહ્યું છે. આપણે લખીએ છીએ તે જાણે આપણને મળતું અદ્ભુત અને રુચિર પારિતોષિક છે. પણ એ પારિતોષિક શાને માટે આપવામાં આવે છે? દિવસના અજવાળામાં મઘમઘતી પ્રશંસા વચ્ચે બેઠાં હોઈએ છીએ ત્યારે તો એ નથી સમજાતું પણ ઉન્નિદ્ર રાત્રિના એકાન્તમાં નિશાળિયાઓ સ્પષ્ટ કરીને સમજતા પાઠની જેમ, એ આપણી આગળ સ્પષ્ટ થઈ જાય છે. આ પારિતોષિક તો શેતાન સામે ઝૂઝવા બદલનું હોય છે. લખતાં પહેલાં કેવા અસૂર્યલોકમાં ઠેઠ નીચે ઊતરવું પડે છે, કેટલા બધા પૂરી રાખેલ અસુરોને છૂટો દોર આપવો પડે છે! અત્યારે સુખાસને બેસીને રસળતી કલમે જે આરામથી લખે છે તેને આ કપરા સંઘર્ષોનો કદાચ ખ્યાલ ન આવે. હું બારી પાસે તકિયાને અઢેલીને આરામથી બેઠો બેઠો લખું છું. હજી તો ગઈ રાતે જે દુ:સ્વપ્નો સામે ઝૂઝતો હતો, જે દુશ્ચિન્તાના ટોળાએ મને હંફાવ્યો હતો તેની કેટલીક રેખાઓ મારી આંખ નીચે અંકાયેલી છે. આ ઝૂઝવાનું કોઈ વ્યક્તિગત કારણ હોતું નથી. વાતાવરણમાં જે છે તેને જોયું ન જોયું તો કરી શકાતું નથી અને ટાળી પણ શકાતું નથી. એ જે પડકાર ફેંકે તેને ઝીલવાનો જ રહે છે. આ પછી ખુશનુમા સવારે તો હું સૃષ્ટિના ખીલી ઊઠેલા સૌન્દર્યને એવી જ નાજુક નમણી રેખાઓથી આંકતો બેઠો હોઉં છું. ત્યારે જ આ સર્જક વતી સહન કર્યે જવાનું મારું સાચું વ્યક્તિત્વ, મારો સાચો ‘હું’ દયામણો અને કશા રક્ષણ વિનાનો અસુરોને હાથે કેવો તો ઝૂડાય છે તેનો મને ખ્યાલ છે ખરો? શેતાન એને કેવો ભોંયભેગો કરી દે છે! જાણે એક નહીં અનેક મરણને વેઠી લઈને એ કશીક અકળ હઠીલાઈથી વળી બેઠો થાય છે! ઘરની બહાર નીકળી જનાર ઘર ભાંગી પડ્યાની વેદનાથી શી રીતે ચોંકી ઊઠવાનો હતો? એ ઘર ભાંગી પડ્યું તે શું શું વીત્યું હશે તેને કારણે તે એમાંથી ભાગી છૂટનાર હું ક્યાં જાણતો જ હોઉં છું! આમ હું જાતે જ મારામાંથી હદપાર થઈને ભાગી છૂટ્યો નથી હોતો? મેં પોતે જ મારા ઘરને અસુરોની દયા પર છોડી દીધું નથી હોતું?
ના, આ કશો કલ્પનાનો વિષાદ નથી. જ્યાં સાન્ત્વનના બે શબ્દ બોલવા જોઈતા હતા ત્યાં બોલી શકાયા નથી અને જ્યાં મૌન સેવવાનું ઉચિત હતું ત્યાં મોટો વિવાદ છેડી બેઠો છું! ભયના માર્યા પ્રેમનો એક શબ્દ હોઠે આવેલો ગળી ગયો છું. કોઈને કહેલા એક કટુ શબ્દને નિદ્રાને ભોગે મેં પંપાળ્યા કર્યો છે. જે સાહિત્યને નામે કરું છું તેથી જીવન પર, મારી સામાન્યતા પર, કેવો જુલમ ગુજારવો પડે છે. બોલવું એવી રીતે કે એનો તરંગ વાતાવરણની નિ:સ્તબ્ધતાને ક્ષુબ્ધ ન કરે એવી ઇચ્છા છે. પણ કોણ જાણે ક્યાંથી ઉગ્ર શબ્દોનું ટોળું ધસી આવે છે ને હું મારા જ શબ્દો આગળ ભોંઠો પડી જાઉં છું.
કશાક સંકોચથી મારું નવું છપાયેલું પુસ્તક બધાંની દૃષ્ટિથી દૂર રાખું છું. કોઈ મારા કશાક લખાણથી વાત કરે છે તો હું તરત શૂન્યમનસ્ક થઈ જાઉં છું. આ કે તે મેળવવાની ગણતરી રાખી નથી. છતાં જે કરવા ગયો છું તે ઋષિમુનિની સ્વસ્થતાથી નથી કર્યું. ભારે અભિનિવેશપૂર્વક કર્યું છે. આથી જાણે હું કશુંક પામવા માટે ઝૂઝ્યો હોઉં એવી છાપ પડે છે. પણ મારું મન આસક્તિના કરતાં વિરક્તિને માણે છે તે હું જાણું છું. એ જે કરે છે તેમાંથી તરત બહાર નીકળી જઈને જ હાશ અનુભવે છે. કોઈ મિત્રભાવે પણ મને સમજ્યા વિના વ્યંગમિશ્રિત કશું તીર જેવું મારા તરફ તાકીને બોલવા જાય છે ત્યારે એનું શૂરાતન મારા પર વેડફાયા બદલ મને અફસોસ થાય છે.
ના, હું કશાનો અફસોસ કરતો નથી. અજાણ્યું ઓચિંતું હજીય વિષાદનું કટક મારા પર તૂટી પડે છે. એથી મારી સમજને ધાર ચઢે છે. શબ્દો ઉછાંછળાપણું છોડે છે પણ ગમ્ભીરતા મને કદી ઝાઝી સદી નથી. વિષાદ છતાં હું હળવાપણું અનુભવું છું. મમત્વને કારણે મમત કરવાનું છોડ્યું છે ને એકી સાથે બધાં સ્થાન ખાલી કરીને હું ઊભો થઈ ગયો છું પણ મારેય કોઈ સ્વપ્નની મરણવેળાની ઇચ્છા સાચવવી પડી છે. મેં માનવસહજ નિર્બળતાને ઉશેટીને એકદમ ફેંકી દીધી નથી. હવે હિસાબવહીના પાનામાં હું કશો આંકડો પાડતો નથી છતાં કોઈ કશાક હિસાબમાં સંડોવીને કશુંક આપવા જાય અથવા લેણું કાઢે ત્યારે મતિ મુંઝાઈ જાય છે. રાવજી કહે છે તેવી સજીવી હળવાશ હજી દૂર છે.
23-1-81