પ્રવીણસિંહ ચાવડા/૧૦. અડધી રજા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૦. અડધી રજા

હેડલાઇટ બંધ હતી તેથી કાર પ્રભાતના રતુંબડા પ્રકાશમાં તરતી હોય એમ આવી. રેલવે-ક્રોસિંગ આવીને એ ઊભી રહી ત્યારે બત્તીના થાંભલા પાછળ અંધારામાં એક પથ્થર ઉપર બેઠેલો પુરુષ ઊભો થયો અને માથું નમાવીને ધીમેથી સ્ત્રીની બાજુની સીટ ઉપર બેસી ગયો. એ ક્ષણેે બંનેએ એકબીજાની સામે જોઈ લીધું. આ ક્રિયાઓ અવાજ વગર, સ્વપ્નમાં ભજવાતા દૃશ્યની જેમ થઈ. એ પછી કાર રેલવે-લાઇનને સમાંતર સાંકડા રસ્તા ઉપર ધીમેધીમે ગબડવા લાગી. રસ્તો તૂટેલો હતો તેથી વારંવાર બ્રેક મારવી પડતી હતી. સ્ત્રીએ ગિયર બદલતાં કહ્યું, ‘બધા રોડ નવા થયા પણ આવા ખૂણાના થોડા ટુકડા રહી ગયા છે. કૉર્પોરેશન બિચારું કરી કરીને કેટલું કરે?’ પુરુષની નજર રેલવેના પાટા ઉપર હતી અને એને બાળપણના પ્રવાસોની વ્હિસલો સંભળાતી હતી. નાક પથ્થરિયા કોલસાના ધુમાડાની સુગંધ પકડતું હતું. નજર હટાવ્યા વગર એણે પૂછ્યું. ‘આ પાટા સુકાઈ ગયા છે કે હજુ એમની ઉપર ટ્રેનો દોડે છે?’ ‘બધી બંધ થઈ ગઈ. બસ જેવો એક ભૂતિયો ડબો આવે છે દિવસમાં બે વાર પણ એની સામેય કોઈ જોતું નથી. બધાની વાંહે ભૂત પડ્યું છે. ઊંઘ આવી હતી?’ ‘હા.’ ‘રિક્ષામાં આવ્યા? હોટલ ગલીની અંદર છે, નહીં? સ્ટેશનની પાસે સંકડાશમાં એવી જગ્યાએ તમારાથી ઉતરાય નહીં. આ બાજુ પણ હવે તો ઘણી સારી હોટલો થઈ છે.’ પુરુષ બોલવા ગયો પણ ફાવ્યું નહીં એટલે થોડી વાર માથું ધુણાવતો બેસી રહ્યો. પછી સ્ત્રીના બધા પ્રશ્નો ભેગા કરી એણે જવાબ આપ્યો, ‘કંઈ ફેર પડતો નથી. વહેલો જાગી ગયો હતો. ચાલતો આવ્યો, ચાલવાની ઇચ્છા હતી.’ અજાણ્યા શહેરના અંધારામાં કલાકથી પથ્થર ઉપર બેઠો હતો તે કહ્યું નહીં. ‘રસ્તો મળ્યો.’ ‘વટેમાર્ગુને રસ્તો બતાવતા ફકીરો, બાવા અને ચાની કીટલીઓવાળા છોકરા અંધારામાં થોડેથોડે અંતરે ગોઠવાયેલા હતા, ગેબી કારસ્તાન જેવું લાગ્યું.’ આટલાં વર્ષે મળવાનું થયું ત્યારે શરૂઆતમાં જ શહેરના રસ્તાઓ અને રેલવેલાઇનની અવદશા જેવા છપાળા વિષયો નીકળ્યા તે સ્ત્રીને ઠીક લાગ્યું નહીં હોય. સમતોલન માટે એણે નવો વિષય કાઢ્યો, ‘તમે એકલા પડી ગયા.’ બે રાત હોટલની સાંકડી રૂમમાં કાઢી હતી. પાસે સરનામું નહોતું. ટેલિફોન નંબર નહોતો. ભૂતકાળની તાકાત ઉપર એક માણસને શોધવાનું હતું. ટેલિફોન-ડિરેક્ટરીનો અભ્યાસ કર્યો. એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પતિનું આધુનિક વિશેષ નામ તો ભુલાઈ ગયું હતું પણ અટક આવડતી હતી. બે-ચાર રોંગ નંબર પછી આગલી સાંજે સંપર્ક સધાયો હતો. એનો સ્વર સાંભળીને સ્ત્રીએ આશ્ચર્ય બતાવ્યું નહોતું. એટલે કે દૂર રહ્યે રહ્યે પણ પિયરમાં બનતી જન્મ અને મરણ જેવી મહત્ત્વની ઘટનાઓની માહિતી રાખતી હતી. એણે કહ્યું હતું, ‘મને સમાચાર મળ્યા, ફોન કરવાનો વિચાર આવ્યો પણ પછી થયું આટલાં વર્ષે –’ ‘તારા ગામમાં આવ્યો છું.’ ‘પણ મારે ઘેર તો–’ ‘હું સમજું છું.’ ‘હોટલ ઉપર પણ મારાથી–’ ‘એ પણ સમજું છું.’ એ પછી મુલાકાત માટે તટસ્થ સમય અને સ્થળ નક્કી થયાં હતાં. પંખાના ખખડાટમાં મોડે સુધી ઊંઘ આવી નહીં અને આવી ત્યારે દવાઓ અને ઇન્જેક્શનોની વાસ ઓઢીને પત્ની એ સાંકડી ઓરડીમાં હાજર થયાં. કાળાં ચશ્માં પહેર્યાં હતાં અને હાંફતાં હતાં. લાવો માથું દાબી દઉં, જુઓને શરીર કરી નાખ્યું છે – એવું બોલ્યાં, પણ પાંસળીઓને પસવારતી આંગળીઓમાં ઠપકો હતો. છેવટે એના વગર ચાલ્યું નહીં ને! ચશ્માંના કાચમાં પાતળું હાસ્ય પણ હતું. ‘રાત્રે વરસાદ આવ્યો હતો.’ પુરુષને વરસાદની સ્મૃતિ નહોતી. પાસાં ફેરવ્યાં પણ એ તરફ ધ્યાન ગયું નહોતું. ઘસડાતા પગે અને શ્વાસની ધમણ સાથે કદાચ એ ભળી ગયો હતો. અથવા આ શહેરનો વરસાદ વરસાદ નહોતો. ‘વરસાદ આવે ત્યારે કંઈ ને કંઈ કૉમેડી હોય. પોતે ઊભા થવું નહીં અને અડધી ઊંઘમાં મને ઠોંસા મારે – ગાડીનો કાચ ઉઘાડો રહી ગયો હશે? પલળતાં જઈને એ ચૅક કર્યું. પછી પથારીમાં પડવાનું મન થાય? બારણા વચ્ચે ખુરશી મૂકીને હું તો બેસી રહી. આજે, તમારો ફોન આવ્યો તેથી હશે. ભાઈ-મમ્મી ખૂબ યાદ આવ્યાં. અમે ઊંઘતાં હોઈએ અને આખી રાત એ બંને ગળતાં નળિયાં નીચે ચૂવા મૂક્યા કરે. તપેલીઓ ને ડોલો ખૂટે પછી વાડકીઓનો વારો આવે.’ ‘એ સમયે નળિયાંવાળાં છાપરાં એટલે ઘેરઘેર એ મજા હતી.’ આખું ઘર, શરીર અને આંખો પલળે નહીં ત્યાં સુધી વરસાદ વરસ્યો ગણાય નહીં.’ પુરુષે કહ્યું, ‘તું એવી ને એવી રહી.’ – આપણે બંને વરસાદ વડે જોડાયેલાં છીએ. – કરેક્ટ. – વચ્ચે ચંદ્રને મૂકી આપણે ગૂંથી દીધાં છે. – ત્રીજા શાના વડે શું થયાં છીએ? – આંખોના લૂણથી પલળીને આપણે એકરસ થયાં છીએ.

પોતે સ્ત્રીના ચહેરા સામે એકધારું જોઈ રહ્યો હતો એ ખ્યાલ આવ્યો અને તરત એણે નજર ખસેડી લીધી. ‘આપણે ક્યાં જઈએ છીએ! તારી કૉલેજનું –’ સ્ત્રી એક કૉલેજમાં ભણાવતી હતી. પાછળની સીટ ઉપર એના વ્યવસાયની સાબિતી જેવી થોેડી ચોપડીઓ પડી હતી. ઘેરથી તો નાહીને તાજી નોકરીએ જવા નીકળી હશે. ‘હાઈવે ઉપર ક્યાંક દૂર જવું છે, નજર રાખતા રહેજો. ટેલિફોન બુથ દેખાય તો પ્રિન્સિપાલને ફોન કરી દઈશ.’ અહીં સ્ત્રીએ છણકો કર્યો, ‘પ્રિન્સિપાલ શાની? ગિરા તો મારાથી એક ટર્મ જુનિયર. આપણે પોલિટિક્સમાં પડવું નહોતું, મને તો ઘેરથી પણ ના હતી કે આપણે એવી જવાબદારી લેવી નથી. શાંતિથી બે પિરિયડ લો અને ઘર સંભાળો.’ ‘તું પ્રોફેસર બની ગઈ!’ ‘હસવું આવે છે? ઘરડી થવા આવી. છોકરી જર્મની ભણે છે.’ ‘એ તો બધું હશે. જીવન અટકતું નથી.’ એ ગાડી ચલાવતી હોય અને પોતે સંકોચાતો, બે ઢીંચણની વચ્ચે હાથ દાબી રાખીને પાસેની સીટ ઉપર બેઠો હોય એવું કલ્પ્યું નહોતું. સ્ત્રીનું શરીર ભરાયું હતું પણ ચહેરાની રેખાઓ વધારે સ્પષ્ટ બની હતી. એને થયું, પોતે ગરવી મધ્યમાને જોતો હતો. એમ એ ડાબી બાજુની સીટ ઉપર કોને જોતી હશે? ગાલે ખાડા, પહેરણમાંથી ઊપસતાં ખભાનાં હાડકાં – એક અજાણ્યો વૃદ્ધ. ‘અહીં તો બંધ ખેતરો હતાં’, હાથ ફેલાવી સ્ત્રીએ બે બાજુનાં મકાનો બતાવ્યાં, ‘કૂવા હતા, ખેડૂતો કોસ ચલાવતા. આટલામાં જ ક્યાંક એક નાનું મંદિર હતું. ખૂબ નાનું, દેરી જ કહેવાય.’ ‘ત્યારે અહીં દેવતાઓ વસતા હશે.’ સ્ત્રીના સ્વરમાં કૃતજ્ઞતા આવી ગઈ. ‘એસ્તો! એક વાર અમે આવ્યાં હતાં. શરૂઆતમાં, મેરેજના એક-બે મહિનામાં જ. પાસે થોડાં છાપરાં હતાં. ત્યારે આ પાકો રોડ નહીં. સાવ અજાણ્યાં માણસો, એમને શું સ્વાર્થ. પણ એક બહેને બિચારાંએ કપરકાબી ઉજાળીને આખા દૂધની ચા પાઈ હતી. આવાં શઉકાર માણસો અમ જેવાને આંગણે ક્યાંથી – એવા લહેકા સાથે. આ હજુ એને યાદ કરે છે, ‘શઉકાર’ શબ્દ ત્યારથી અમારા ઘરમાં દાખલ થઈ ગયો. મને વારંવાર પૂછે છે કે આપણે શઉકાર શાના?’ ‘બહુ સમજુ માણસ ગણાય.’ ‘કોણે?’ ‘તારા – હસબંડ.’ ‘અરે, એમની તો વાત જ ન થાય. મને કહે છે, તું આ કામવાળી બાઈઓ, શાકવાળી બાઈઓને જો. એમની ભાષામાં કેવું અમી હોય છે! ચાલમાં, હાવભાવમાં કેવી ગરવાઈ હોય છે!’ ગલીઓ પૂરી થઈ અને કાર પશ્ચિમ તરફ દોડવા લાગી. રસ્તાની બે બાજુ છૂટક છૂટક ચાલતાં માણસો દેખાતાં હતાં. સ્ત્રીએ ઝડપથી બારીનો કાચ ચડાવી દીધો. ‘ફૂલીને ફુગ્ગો થયું તોય ગામડું તે ગામડું જ રહ્યું. જ્યાં જાઓ ત્યાં ઓળખીતા સામે જ ભટકાય.’ ‘ચાલવાનું નિયમિત રાખવું જોઈએ.’ ‘સલાહ બહુ સારી છે. પણ પછી કૉલેજમાં અર્થશાસ્ત્ર ભણાવવા તમે જશો મારી જગ્યાએ?’

દરેક વાત ભૂતકાળ તરફ લથડતી હતી. – જીવનમાં જે સારું છે, શુભ છે, તે સામે ચાલીને આપણે આંગણે ન પણ આવે. એવા સંજોગોમાં આપણે એની પાસે જવું જોઈએ. – આટલો બધો ઉપદેશ આપો છો તે તમે મારા પિતાજી છો? – હા. એક અર્થમાં તારો બાપ પણ છું. છોકરીના હોઠ ઉપર હાસ્ય રહ્યું પણ એમાંથી રમૂજ ઊડી ગઈ, એણે તરત કહ્યું – સાચું. – તું સૌંદર્યો માટે સર્જાયેલી છે પણ પોતે એ જાણતી નથી કારણ કે થોડી મૂર્ખ છે. ખૂબ સાચવવું પડશે. એક પગ ઉપર ઊભા રહીને તમે નહીં કરે તો ગબડી પડીશ અને તણાઈ જઈશ. – તમે પાસે હશો ને. બીજા પગ તપ કરતા, ખભો સહેજ મારી તરફ ધરીને? – હું હથેળીમાં રાખીશ એવા ભ્રમમાં રહેતી નહીં. તને તો દોડાવીશ, તપાવીશ, રડાવીશ. – અદ્‌ભુત માણસો રડાવે જ. એમને બીજું આવડે પણ શું?

‘અત્યારે શોધવા જઈએ તો મળે?’ સ્ત્રીએ પૂછ્યું, શાની વાત થતી હતી. કઈ વસ્તુની સ્મૃતિ પણ ખોવાઈ ગઈ હતી તે પુરુષને સમજાયું નહીં. એણે પૂછ્યું, ‘શું?’ ‘આવડી અમથી હતી. આમ નમીએ ત્યારે માંડ મૂર્તિ દેખાય.’ પુરુષને થયું, મંદિર પાછળ પાછળ ઢસડાય છે. ‘ટિટોડીઓ બહુ હતી. એ બધી બિચારી ક્યાં ગઈ હશે?’ ‘નગરનિયોજકોએ ખેતરો ઉપર નકશો ગોઠવી ખીલા ઠોકી દીધા. એની નીચે સંગીત દબાઈ ગયું.’ ‘એવું ન બોલો. એમ તો આ પણ કૉર્પોરેટર હતા, પૂરી બે ટર્મ માટે. તેમને એવી બાબતમાં રસ ન હોય, બાકી આ નો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ થયા હતા.’ ‘ઓ હો! તો તો ટિટોડીઓ વિશે બોલ્યો એ પાછું ખેંચવું પડશે.’ ‘કંટાળીને એ બધું મૂકી દીધું. ગાંઠના પૈસા અને ટાઇમ ખરચીએ પણ જમાનામાં જશ મળતો નથી.’

ભૂતકાળ અતાર્કિક હતો. છોકરીના લગ્ન લેવાયાં એ દિવસોની ઘણી સ્મૃતિઓ પરસ્પર વિરોધી હતી. ભવિષ્યમાં મળવું નહીં, એકબીજાની દિશામાં જોવું પણ નહીં એવી પ્રતિજ્ઞા લીધી હતી. તો પછી આ દૃશ્યને ક્યાં ગોઠવવું? બગીચામાં ઊતરતી સંધ્યા સાથે નાનાં ભૂખરાં પક્ષીઓ ચીસો નાખતાં હતાં. હાથ પકડી પુરુષને બાંકડે બેસાડી છોકરી એના પગ પાસે બેઠી હતી. – એક વાર તો આ પગ ધોઈને પીવા પડશે. – કેમ આટલું બધું? સ્વર રૂંધાતો હતો છતાં છોકરીએ ગરદન ઊંચી કરીને રુઆબ સાથે કહ્યું – બસ, મારા મનની મુનસફી. – સંબંધોમાં મેં તેને એવી ગુલામી તો નથી આપી, કબૂતર. ધીમે ધીમે. જળની પાતળી ધારે ધોતી હોય એમ. એ પગ ઉપર હાથ ફેરવતી હતી. – આને ગુલામી કહેવાય? – પણ – – તમને ખબર ન પડે. આમ માનતી કે બધી ખબર એમને જ પડે છતાં અનેક પ્રસંગે નાની નાની વાતોમાં સંભળાવતી, તમને ખબર ન પડે. – અને ચરણ પખાળવાનો વિધિ અનિવાર્ય હોય તો તે તારે જ કરવો એવું શા માટે માની લીધું? – તમે બોલી રહ્યા? હવે હું કહું એ સાંભળો. છૂટાં પડીએ છીએ એ તો સંજોગોની વાત છે, પણ તમારી ઉપરનો કુલ હક જતો કરું છું એમ ન માનતા. તમે વચનથી બંધાયેલા, પણ હું છુટ્ટી. બધાથી પરવારો, નોકરી અને સંસારમાંથી, છોકરાં મોટાં થાય. એક એક કરીને સહુુ દૂર જાય, ઘડપણ આવે. કોઈ તમારામાં ભાગ પડાવવા તૈયાર ન હોય, ત્યારે મને ચાકરીનાં પાકાં દસ વર્ષ આપવાં પડશે. સાંભળનારનું મૌન છોકરીએ સ્વીકાર્યું નહોતું. શરીર ખેંચીને એ ગર્વથી વધારે ટટ્ટાર થઈ – મને ઓળખો છો ને? – ઊભી થા. મારાં ચરણ થાકી ગયાં. – કંજૂસાઈ કરો છો? મેં વધારે પડતું માંગી લીધું?

કાર ધીમી પડી અને અનિશ્ચિતતાથી ખોટકાતી રસ્તાની બાજુએ ગબડવા લાગી. ‘તડકો ચડી ગયો.’ ‘હા’, પુરુષે કહ્યું. ‘પાંચેક કિલોમીટર ઉપર એક ગામ આવે છે. એને વટાવીએ પછી થોડે જ દૂર ટેકરીઓની વચ્ચે હમણાં વીસ એકર જમીન લીધી. હજુ નક્કી નથી કર્યું. ફાર્મ હાઉસ કરવું કે પછી યોગ-સેન્ટર જેવું કંઈક. મને હતું, તમે આવ્યા છો તો બતાવી દઉં.’ ‘તડકો ચડી ગયો. તારે મોડું થતું હશે.’ સ્ફૂર્તિથી કિચુડાટ સાથે ફરીને કાર સામેની બાજુ રસ્તાની સહેજ દૂર એક ઝાડ નીચે ઊભી રહી. સ્ત્રી સ્ટિઅરિંગ વ્હીલ ઉપર હાથ રાખીને બેસી રહી. ‘તું તો એક્સપર્ટ ડ્રાઇવર બની ગઈ.’ ‘મને સમાચાર મળ્યા હતા.’ આગલી સાંજે પણ ફોન ઉપર આ શબ્દો બોલાયા હતા. અજાણ્યા નહોતું થયું છતાં પુરુષથી પુછાઈ ગયું, ‘શાના સમાચાર?’ સમાચાર તો ઘણા હતા, વૈવિધ્યવાળા હતા. ‘તમારા પત્નીના’ ધીમે ધીમે, કંઈક દૂર કરતો હોય એમ પુરુષ હવામાં હાથ હલાવતો બેસી રહ્યો. ‘તું થાકેલી લાગે છે.’ ‘વાત બદલો નહીં.’ ‘વાત નથી બદલતો.’ ‘ઉજાગરાની અસર હશે.’ ‘હું એની વાત નથી કરતો.’ ‘સાંભળો–’ આવેશથી ઘૂમરી લઈને સ્ત્રી એની સામે ફરી, હાથ ઊંચો કર્યો, કંઈક બોલવા ગઈ, પછી હોઠ ધ્રૂજીને બંધ થઈ ગયા. પુરુષ બોલ્યા વગર બેસી રહ્યો. ઊભરાઈને જે શમી ગયું એ વિશે એણે પ્રશ્ન કર્યો નહીં. એક ઊભરો એના મનમાં પણ આવ્યો હતો. સાંભળ, તું બોલીશ નહીં. મને બોલવા દે. તારે કંઈ કહેવાની જરૂર નથી. સાંભળ, હું એમ કહું છું કે હું તને કોઈ પ્રતિજ્ઞા યાદ કરાવવા નથી આવ્યો – બે ક્રિયાઓ એકસાથે થઈ. સ્ત્રીએ ઇગ્નિશન કી તરફ હાથ લંબાવ્યો. પુરુષે કહ્યું, ‘નીકળીએ.’ કાર રસ્તા ઉપર આવી ત્યારે આંખો આડે હાથ ધરવો પડ્યો. સૂર્ય સામે હતો. ‘સહેજ ધીમે –’ સ્ત્રીએ એક્સિલરેટર ઉપરથી પગ લઈ લીધો. ‘હુંયે અમથી. એવી કોઈ ઉતાવળ નથી. જમવાનું શું કરો છો?’ ‘દૂધ-બ્રેડ-ચા’ ‘હોટલનું નથી પૂછતી. કાયમ ઘેર શું ખાઓ છો એ પૂછું છું.’ ‘દૂધ-બ્રેડ-ચા’ ‘રોજ તો ઘાસથી પેટ ભરાય નહીં. રસોઇયો રાખી લો.’ ‘પડોશીઓ દયાળુ છે. સ્વજનો –’ ‘સ્વમાન નથી?’ ‘પુરુષે બારીની બહાર જોતાં કહ્યું, ‘છે ને.’ ‘ખીચડી ભાખરી શાક જાતે બનાવી લો એવું મારાથી તમને કહેવાય?’ પુરુષને હસવું આવ્યું, ‘તારાથી તો મને બધું જ કહેવાય.’ ‘હાશ. હસો છો ત્યારે વીસ વર્ષ નાના લાગો છો.’ એણે ડાબો હાથ સ્ટિઅરિંગ વ્હીલ ઉપરથી લઈ લીધો. ‘કશું અઘરું નથી. તેલ કે ઘીનો વઘાર મૂકવાનો, તમારે આ ઉંમરે તો ઘી જ સારું, ડૉક્ટરો ગમે તે કહે.’ ‘ડૉક્ટરો ખૂબ માયાળુ છે. કંઈ નથી કહેતા.’ ‘વચ્ચે કોઈનો ફોન આવે અને પૂછે કે શું કરો છો તો આટાવાળા હાથ સંતાડતાં કહેવાનું, કેમ વળી, ચોપડી વાંચું છું.’ ‘એવું કહીશ.’ ‘રાઈ, પછી સહેજ જીરુું, પછી આટલી અમથી હિંગ, આમ જુઓ મારી સામે –’ પુરુષે આજ્ઞાંકિતપણે જોયું. અંગૂઠો અને પહેલી આંગળી ભેગાં કરી સ્ત્રી માપ બતાવતી હતી. ‘હજુ નવ પણ નહીં થયા હોય અડધો દિવસ કૉલેજ ભરી શકાય.’ ‘જોઈએ, એવી કોઈ ઉતાવળ નથી. આમેય ટાઈમટેબલમાં આજે પહેલા બે પિરિયડ તો છે નહીં.’ ‘તારી બહેનપણી પ્રિન્સિપાલ, ગિરાબહેન કહ્યાં કે શું –’ ‘જોઈએ.’ ‘તારે મોડું થશે. મને અહીં ગમે ત્યાં ઉતારી દે. ચાલવાનું જ છે.’ ‘આ તમારું રેલવે ક્રોસિંગ આવી ગયું.’ ‘એટલી વારમાં?’ ‘ટૂંકે રસ્તે આવ્યાં.’ ‘વાહ, તારી શહેરની પરકમ્મા થઈ ગઈ.’