બહુરંગી/અબ તો બાત ફૈલ ગઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અબ તો બાત ફૈલ ગઈ

મંજુલા ગાડિત

મુંબઈથી મારી બહેન આવે, બે-ચાર દિવસ રહે તે દરમિયાન તેનું એક વાક્ય, તકિયાકલામ સાંભળવા મળે, ‘કર્મ કર, ફળની આશા ન રાખ’ ક્યાંક કથામાં સાંભળ્યું હશે કે ‘ગીતા’નાં બેચાર પાનાં વાંચ્યાં હશે. પણ મારા મગજમાં આ વાક્ય ઠસતું નહીં. કામ કર્યા પછી તેનું વળતર જ ન મળે તો કામ કરવું શું કામ? મારી બાબતમાં બનતું પણ એમ જ. હું કર્મ કરવાનો પ્રયત્ન કરતી, પણ ફળ સુધી પહોંચી શકતી નહીં. પછી તો મેં શરમ નેવે મૂકીને બીજાનાં કર્મો થકી જ ફળ મેળવ્યાં છે, ને હજી પણ મેળવું છું. બીજાનાં કર્મો જ મને ફળ છે. વાત જાણે એમ છે કે જયંત ગાડિતને લીંબુનું અથાણું બહુ ભાવે. મને કહે, શારદાબા પાસે બરાબર શીખી લે. બા પાસે થિયરેટીકલ જ્ઞાન મેળવું, પણ પ્રેક્ટિક્લી નિષ્ફળ જાઉં. ‘આ શું લીંબુનું અથાણું છે કે શરબત?’ જયંત ગાડિત ઉવાચ. ‘અથાણાનો રસો તો ચાટી શકાય તેવો હોય, આ તો ચમચી વડે પીવો પડે. તું ફરી વાર બાની હાજરીમાં તે બનાવે તે જોઈ લે.’ ફરી વાર પણ એ જ હાલત. પેલી કહેવત છે ને ‘દાળ બગડી તેનો દિવસ બગડ્યો, ને અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું’ આવાં તો અમે ચારેક વરસ બગાડ્યાં. પછી તો શારદાબા જ કંટાળ્યાં. ‘જેંતીલાલ, તમારું અથાણું હવે હું જ બનાવીશ. આણે માત્ર ચોપડાં જ ફાડ્યાં છે, એને પલ્લે નહીં પડે.’ હવે આ ‘ચોપડાં ફાડ્યાં’ એ જરાક મુહાવરા જેવું છે. પહેલાંના જમાનામાં એવું કહેવાતું કે તેં કેટલી ચોપડી ફાડી અર્થાત ક્યાં સુધી ભણ્યા? (ચોપડી ફાડવા સુધી વિદ્યાર્થીઓ વાંચતા એ અત્રે નોંધનીય છે.) એટલે શારદાબાનું આવું સર્ટિફિકેટ મળ્યા બાદ મને એ કર્મમાંથી મુક્તિ મળી. ફળ મળતું જ રહે છે, કારણ કે શારદાબા મારી ભલામણ મારી ભાભીને કરી ગયાં છે. છતાં મારી આ અણઆવડતની છાપ ભૂંસવા હું સદાય તત્પર રહેતી. એટલે એવો મોકો તો હું ઝડપી લેવા માંગતી હતી અને બન્યું પણ એમ જ. મને મોકો મળી ગયો. તે દિવસ જયંત ગાડિત કંઈ ગડમથલમાં લાગ્યા. કંઈક શોધી રહ્યા’તા. ‘શું શોધો છો?’ ‘પુસ્તક.’ ‘હું મદદ કરી શકું?’ ‘એક મદદ કરી શકે. આ આખા કબાટનાં પુસ્તકો કક્કાવારી પ્રમાણે ગોઠવવાનાં છે. ફાવશે? કક્કાવારી એટલે શું ખબર છે?’ ‘અરે, એમાં શી મોટી વાત!’ મેં ચપટી વગાડતાં કહ્યું, ‘ક, ખ, ગ, ઘ, ચ.’ ‘તો ફુરસદ હોય ત્યારે ગોઠવજે. બરાબર કક્કાવારી પ્રમાણે.’ પછી એમના કૉલેજ ગયા બાદ હું મંડી પડી. મારી કામવાળીનેય મદદમાં લીધી. ઘણા દિવસ પછી મને મારી આબરૂ સુધારવાનો મોકો મળ્યો હતો. કામવાળી પાસે કબાટ ખાલી કરાવ્યો. સાફ કરાવ્યો. પુસ્તકોય લૂછીને ગોઠવી દીધાં. સાંજે પાંચેક વાગ્યે ગાડિત આવી ગયા. મને આજે કંઈક કર્યાનો ઉમંગ હતો. હું રસોડામાં ચા મૂકવા ગઈ. હજી ચાની તૈયારી કરું છું, ત્યાં જ મોટી ચીસ સંભળાઈ. હું દોડીને જોઉં તો જયંત ગાડિત માથે હાથ દઈ બેઠેલા. ‘શું થયું? હું તો આજે બપોરે સૂતીય નથી ને કબાટ ગોઠવ્યું.’ ‘તું સૂઈ ગઈ હોત તો મારું કલ્યાણ થાત.’ ‘પણ વાત શી છે?” ‘આ... આ... જો પ્રેમાનંદની સાથે પ્રમોદકુમાર પટેલ ને પન્નાલાલ પટેલને મૂક્યા!’ ‘કેમ ત્રણે ‘પ’ નથી?’ ‘અરે, મારી મા! તને ‘પ’થી આગળ કશું દેખાતું નથી. એક મધ્યકાલીન કવિ છે, બીજા વિવેચક છે, ને ત્રીજા નવલકથાકાર છે.’ ‘તે તેમાં શું થઈ ગયું? એ ત્રણેને વાંધો નથી ને તમને શાનો વાંધો?’ ‘તો તો તેં ‘કાન્ત’ની સાથે કનૈયાલાલ મુનશીને મૂક્યા હશે?’ ‘ઓફકોર્સ, ત્રીજા કિશોરલાલ મશરૂવાળાયે.’ ‘બસ, બસ. હવે આપ સિધાવો તો મને કંઈ સૂઝ પડે.’ આમ જેના હાથમાં જ યશની રેખા જ નથી એવા અમે સવારના પહોરમાં – ‘આવાહન ન જાનામિ, ન જાનામિ તવ અર્ચનમ્ પૂજન ચૈવ ન જાનામિ, પ્રસીદ પરમેશ્વર ગતં પાપં ગતં દુઃખં ગતં દારિદ્રમેવ ચ આગતાં સુખ સંપત્તિ, ધાન્યો અહં તવ દર્શનાત્’ પડોશીને ત્યાંથી માંગી આણેલાં ફૂલ થકી ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરીએ ત્યાં જ ઘરના મુખ્ય ટીકાકાર ઉવાચ : ‘રોટલી! હં! ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ષટ્કોણમાંથી પસાર થયેલી રોટલી કેટલાંય વર્ષો પછી ગોળપદને પામી.’ હવે અતિશયોક્તિ અલંકાર ક્લાસમાં છોકરાંને ભણાવજો. દિવસોને સીધાં વર્ષોમાં કન્વર્ટ કર્યા!’ જોકે અનુભવે મને સમજાયું કે આપણને અણઆવડતનું લેબલ લાગી જાય પછી આપણે નિરાંતવા થઈ જવાનું. હળવાફૂલ થઈ જવાનું. ‘અબ તો બાત ફૈલ ગઈ, જાને સબ કોઈ.’ આપણી ચિંતાનો ભાર બીજા ઉપાડી લે છે. અમારા મહુધાની વાણિયણો મારા બે-ચાર સેમ્પલો જોઈને જાણી ગઈ કે મંજુબહેનને પાપડ, પાપડી બરાબર ફાવતાં (આવડતાં નથી). આથી મારાં પાપડ-પાપડીની ચિંતા એમને વળગી. એમનાં પાપડ-પાપડી વણાઈ જાય એટલે મને પૂછે ‘તમારે ક્યારે કરવાનાં છે?’ જરાય શરમાયા વગર કહી દઉં ‘તમે કહો, ત્યારે’ બસ પછી આપણે મટીરિયલ ભેગું કરવાનું, બાકીનું બધું એમના પર છોડવાનું, હું યથાશક્તિ તેઓની સેવા કરું. જેમ કે બધાંને પાણી પાઉં, ચાનો સમય હોય તો ચા બનાવું. આવું જ દિવાળી સમયે મારાં મઠિયાં-ઘૂઘરાની ચિંતા તેઓને જ. મારી અણઆવડતની નિંદા ન કરે, દયા ખાય. આટલું કૉલેજ સુધી ભણ્યા એટલે બિચારાને શીખવાનો ટાઇમેય ક્યારે મળે! આપણે જ આપણી દયનીય સ્થિતિ ઊભી કરવાની. પછી તો લગ્નપ્રસંગે પણ વેવાઈને આપવાના લાડવા શેકાતા હોય, વડાં-પૂરી તળાતાં હોય, ને ત્યાં ભૂલેચૂકેય આપણી એન્ટ્રી પડે અને મદદ કરવાનો ભૂલેચૂકેય પ્રયત્ન કરીએ તો તરત બેત્રણ બૈરાં બોલી ઊઠશે ‘ના, ના રહેવા દો.’ (આવડતની બાબતમાં આપણી આબરૂ સર્વત્ર ફેલાયેલી). આવડતની બાબતમાં આપણી મથરાવટી મેલી પહેલેથી. જ્યારે મેં પહેલવહેલાં સાડી પહેરવાની શરૂ કરી, ત્યારથી મને નાડાનું મહત્ત્વ સમજાવા લાગ્યું. કારણ કે નાડાને આધારે ચણિયો ને ચણિયાના આધારે સાડી. પણ ત્યારે આપણે બેફિકર હતાં. બા જ અમારા ચણિયાને નાડું નાંખી આપતી. પછી બાનો સાથ છૂટી ગયો, અર્થાત્ અમે સાસરે સિધાવ્યાં પછી નવા ચણિયાને નાડું નાખતાં જોયેલાં. એટલે અમે અમારી સૂઝબૂઝથી નાડું નાંખવા બેઠાં. તે જમાનામાં દાતણ મળતાં હતાં. એટલે મેં દાતણ સાથે નાડું બાંધીને ચણિયાના નેફામાં નાંખવા માંડ્યું. દાતણે તેની ગતિ પ્રાપ્ત કરી લીધેલી. અમે હરખાયાં. પણ બીજે છેડે જ્યારે દાતણ એકલું જ બહાર આવ્યું, ત્યારે જોયું તો નાડાએ દાતણનો સાથ છ-સાત ઇંચમાં જ છોડી દીધેલો! પછી તો ટનલમાં ગાડી દાખલ થાય તો ખરી પણ સામે છેડે એન્જિન એકલું જ બહાર નીકળવા જેવું થયું. આવા પ્રયત્નમાં તે દિવસે અમે દોઢ-બે કલાક ગાળ્યા અને ‘કરતાં જાળ કરોળિયો ભોંય પડી ગભરાયાં’ તેમ અમે પણ ગભરાયાં. અમારી મૂંઝવણ જોઈ અમારી કામવાળી વહારે ધાઈ. ‘બહેન, ચણિયાને નાડું નાંખવું છે? લાવો નાંખી આપું.’ એણે જે રીતે દાતણનો એક ભાગ ચીરી વચ્ચે નાડું બાંધી, દાતણને એકલું ન જવા દેતાં, નાડાને દાતણ સાથે ચાલવું જ પડે એવો પેંતરો કર્યો. બે જ મિનિટમાં મામલો ફિટ. મેં બે કલાક બગાડ્યા. પછી ઘણાં વર્ષો સુધી મારા ચણિયાનું નાડું કામવાળી જ નાખી આપતી. અમે મનોમન જ અમારો બચાવ કરતાં રહ્યાં. આવાં ક્ષુલ્લક કર્મો કરવામાં આપણું મગજ ન વાપરવું. મને બીજાનાં કર્મો જ ફળે છે. સાથે એક સૂત્ર ગોખી રાખ્યું : સાડી ચણિયાના આધારે છે, ચણિયો સાડીના આધારે નથી. એનો જે આધાર છે તે નાડું છે. પછી મનમાં દૃઢીભૂત કરી દીધું : નાણાં વિનાનો નાથિયો ને નાડા વગરનો ચણિયો બેય નકામા. આમ તો દૂરનો ભૂતકાળ ઉખેળવા બેસું તો આપણી ખૂબીઓ અને ખામીઓનો એક ઇતિહાસ રચાઈ જાય. ત્યારે અમે નવો નવો ઘરસંસાર શરૂ કરેલો. એ ઘરસંસાર એટલે ત્રાંબિયાની તોલડી તેર વાનાં માગે. પેલા બાવાજીની લંગોટી જેવું. બજારમાંથી ઘઉં-ચોખાનાં કટ્ટાં આવી ગયાં. એને ચાળવાની ક્રિયા પણ કરવી પડે એવું અમારા ખ્યાલમાં. બાજુમાંથી ચારણો માંગી લાવી. તેણે ત્રણચાર ચારણા આપ્યા. પ્રથમ ચોખા ચાળવા બેઠી. ચોખા ચાળણમાં તેને ગતિમાન કર્યાં. અડધી જ મિનિટમાં બધા ચોખાએ ચાળણાનો સાથ છોડી દીધો. હવે હું મૂંઝાઈ. ચોખામાં જે કચરો હોવો જોઈએ તે ક્યાં ગયો? કદાચ કચરો હશે જ નહીં. મેં અડધા કલાકમાં પૂરું ક્ટ્ટું ચોખા ચાળી નાંખ્યા. ત્યાં જ પડોશણે ડોકિયું કર્યું. ‘ચોખા ચળાઈ ગયા?’ ‘જુઓને સહેજેય કચરો નથી.’ પેલીને જોઈને હસવું આવ્યું. ‘અરે, તમે ઘઉંના ચાળણામાં ચોખા ચાળ્યા. એટલે બધા જ ચોખા નીકળી ગયા, કચરા સહિત.’ ‘એવું થયું?’ હું પેલા ન્યૂટનના રવાડે ચઢી. મોટી બિલાડી માટે મોટું બાકોરું, નાની બિલાડી માટે નાનું બાકોરું. એને ભલે ન સૂઝ્યું હોય. પણ મને સૂઝ્યું, મોટા કાણાવાળા ચાળણાથી બધું જ અનાજ ચાળી શકાય. પણ મારી આ વાહિયાત થિયરી ઘઉં-ચોખામાંથી કચરાને અલગ ન કરી શકી. એટલે તત્કાલ જ મેં મારી થિયરી અભેરાઈ પર ચડાવી દીધી. પેલાં બહેને ત્રણ ચાળણાનો ઉપયોગ કરી ત્રણ વખત ચાળીને નાની મોટી સાઇઝમાં જુદા પાડ્યા. ‘જુઓ આ અડધા છે તે વાટલા, ને આ નાની ટુકડીઓ એ કણકી, ને તેને ચાળતાં જે નીચે ભૂકો પડે તે કૂસકી.’ હું હેબત ખાઈ ગઈ. આ ચોખા સાથે આટલા બધા શબ્દો સંકળાયેલા છે! મારા શબ્દભંડોળમાં આ શબ્દો ક્યારેય આવ્યા નથી. મારી પડોશણે મારા જ્ઞાનમાં વધારો કર્યો. હું તો કૃતકૃત્ય થઈ ગઈ. પગે પડવાનું જ બાકી રાખ્યું. શારદાબા સાચાં જ હતાં. આણે માત્ર ચોપડાં જ ફાડ્યાં છે, પણ એ ફાડેલાં ચોપડાંમાં અત્યાર સુધીમાં કણકી, વાટલા, કૂસકી શબ્દો કેમ આવ્યા નહિ? પણ પછી મારા પલાયનવાદી મગજમાં ફૂટી નીકળેલી ફિલસૂફીએ સફાઈ પેશ કરી. જો ચોખા, વાટલા, કણકીમાં ચોખાતત્ત્વ તો છે જ. પછી માનવી એને જુદા પાડવાની મથામણમાં શા માટે સમય અને શક્તિનો વ્યય કરે છે? નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ જ હોય છે ને? કમનસીબે મારી આ મૌલિક ને પલાયનવાદી વિચારસરણી કોઈને ગળે ઉતારી નથી શકી. મને લાગે છે, જ્યાં સુધી પૃથ્વી ફરતી રહેશે ત્યાં સુધી લોકોના ચાળણા ફરતા રહેશે. મારી આ પલાયનવાદી પ્રકૃતિએ ભૂતકાળમાં મેં ઠીક ઠીક માર ખાધો છે. ન આવડે તે છોડી દેવાનું. મગજ પર બહુ જોર ન આપવું. એમ છોડી દેવાની વૃત્તિએ મેં મૅટ્રિકમાં દશમાંથી છ પ્રશ્નો છોડી દીધેલા. પરિણામે માધ્યમિક શિક્ષણ બોર્ડે મને છોડી દીધેલી એટલે કૉલેજ પ્રતિ ગમન એક વર્ષ પછી બન્યું પણ તેનોય બચાવ મેં શોધી કાઢેલો. એકનું એક ફરી ફરી વાંચવાથી જ્ઞાન ઘટ્ટ બને છે. પેલા સંસ્કૃત શ્લોકમાં આવે છે તેમ ‘ધૃષ્ટં ધૃષ્ટં પુનરપિ પુનઃ ચંદનં ચારુ ગન્ધમ્’ આપણું પણ એવું જ. જ્ઞાન ઘૂંટી ઘૂંટીને મૅટ્રિકમાંથી માંડ નીકળ્યાં. સો વાતની એક વાત - આપણે ગાંઠે બાંધી દીધેલી. છોડવાથી કશું જ નુકસાન નથી એટલે કે જે ન આવડે તે છોડવાનું. એના માટે મગજને બહુ તસ્દી ન આપવી. મારી આ છોડી દેવાની વૃત્તિએ કર્મો છોડ્યાં, પણ બીજાનાં કર્મો થકી મળતા ફળને નથી છોડ્યાં. ‘તેન ત્યક્તેન ભૂંજિયાં’ ત્યાગીને ભોગવવું. અને મારી આ પલાયનવાદી વૃત્તિએ હું ઘણું છોડતાં શીખી (અર્થાત્ કર્મો) પણ તેનાથી મારી કારકિર્દીને જરાય આંચ નથી આવી!

મંજુલા ગાડિત
‘શબ્દસૃષ્ટિ’માંથી