બહુરંગી/આધાશીશી : મારી પારાશીશી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આધાશીશી : મારી પારાશીશી

અરુણા જાડેજા

ત્યારે બારેક વર્ષની હોઈશ, આઠમા ધોરણનું ઉનાળુ વૅકેશન હતું. મામાને ત્યાં ગઈ હતી. એક દિવસ વહેલી સવારથી મોડી સાંજ સુધી ડાબી બાજુનું અડધું માથું સતત અને સતત દુઃખતું રહ્યું. મામીએ ઓળખાણ કરાવી : ‘આધાશીશી’. બીજે દિવસે વહેલી સવારે મામીએ બજારમાંથી મંગાવી રાખેલ જલેબી ખવડાવી. જલેબીનો સ્વાદ ચાખી ગયેલી આ નવીસવી બહેનપણી તો બીજે દિવસે પાછી આવી પહોંચી. પછી તો કંટાળેલાં મામી ગોળનું દડબું, પાણીનો ગ્લાસ અને એલાર્મ પર પાંચનો કાંટો પકડીને જતાં રહેલાં. રોજ કોણ જફા કરે? બસ, ત્યારથી મારે અને એને બહેનપણાં! ઘરે આવી તો મા મને ડૉક્ટર પાસે લઈ ગઈ. એમણે દવા આપી, ‘દીકરી હવે કિશોરી થઈ રહી છે, ધીમે ધીમે મટી જશે.’ જોકે પછી પણ આ બહેનબા તો બેચાર મહિને ઊડતી મુલાકાતે આવી જ જતાં. શરૂશરૂમાં તો સવાર સવારથી દુખવાનું શરૂ થાય તે સાંજ થતાં થતાં શમી જતું, જેને ‘સૂર્યાવર્ત’ કહેવાય. પણ આ તો મને હવે અધરાતે મધરાતે પણ ઉઠાડવા લાગી. માથાના ડાબા ભાગમાં અસહ્ય પીડા, ફાટફાટ થતી નસો, ડાબી આંખ, કાન, લમણું, ગરદન બધું જ લબકારા મારે. દાદરો ઊતરતાં દરેક પગથિયે માથામાં હથોડા મરાતા હોય એવા સણકા વાગે. માથાના ભાંગીને જાણે કકડા હાથમાં આવી જાય, પણ બલા કેમેય કરી હાથમાં ન આવે! મારી આ સહિયર મને આવાં દુઃખ દેવા અવારનવાર અચૂક આવવા માંડી. એની ઊડતી મુલાકાત ધીરે ધીરે લાંબી થવા માંડી. હું કૉલેજમાં આવી તોય ઠેઠ સુધી આ તો મારી સહપાઠિની જ રહી. હવે ડૉક્ટરો નિદાન સાથે આશ્વાસનની પડીકી પણ બાંધી આપતા : ‘લગ્ન પછી આપોઆપ મટી જશે.’ રોજરોજ નવાં નવાં આશ્વાસનના બળે નવી નવી આશાતરફ મીટ માંડીને બેઠે બેઠે પગ ઉપાડતી. લગ્ન પણ થઈ ગયાં. આશ્ચર્યની વાત તો એ કે આ મારા ભેગી વડારણ (દાસી) થઈને આવીને જ જંપી. પહેલાં પહેલાં તો સાસરીમાં બધાં એની સારી એવી સરભરા કરતાં પણ ધીરે ધીરે બધાંએ એને પડતી મૂકી. રોજ મરે એને કોણ રડે? હવે આ તો પાક્કે પાયે પેંધી પડી ગઈ. એક વાર લોહી ચાખી ગયેલી વાઘણ હવે શાની છોડે? નિયમિત મારું લોહી પીવા તરાપ મારતી રહેતી. બાળાથી માંડીને કિશોરી, યુવતી અને હવે પ્રૌઢા સુધીના જુદા જુદા તબક્કા દરમિયાન એ મને જળોની જેમ ચોંટી જ રહી. એને ઉખાડવાના કેટ-કેટલાયે ઉપાયો કર્યા, અછોવાનાં કર્યાં, લાડ-મનામણાં, દોરા-ધાગા, મંત્ર-તંત્ર, દવા-દારૂ બધું જ. મા બિચારી પરોઢિયે ઊઠીને ગરમાગરમ જલેબી બનાવીને ખવડાવતી. ક્યારેક બદામનો શીરો પણ હોય! આવાં આવાં પાંચપકવાન ખાઈ ખાઈને શરીરની જાડાઈ વધવા માંડી, પણ આ તો જરાયે ઘટી જ નહીં. જે ઘટે જ નહીં તે હટે શાની? ક્યારેક ભરમળસ્કામાં ઊંઘરેટી એવી મને પરાણે ખેંચીને કોઈ તાંત્રિક પાસે લઈ જવાતી. તાંત્રિક અષ્ટમ્પષ્ટમ્ મંતરીને મારી ડાબી ભમ્મર પર રાખોડી ચોળતો. રાખોડી ભૂંસાઈ જતી પણ આ તો ત્યાં જ ચોંટી રહેતી! રાખ ચોળી ચોળીને હું તો જોગણ થવા બેઠી (હોમિયોપેથીવાળા ડૉ. સેનસાહેબ મને ‘જૂના જોગી’ કહીને બોલાવતા). ચૈત્રની ધગધગતી ભરબપોરે એટલે કે મધ્યાહ્ને બાર વાગે ગામના ભરબજારમાં, ચૌટા વચ્ચોવચ્ચ કોઈ તાંત્રિક અગડમ્બગડમ્ બબડતો. મારી ડાબી આંખ પર બિલોરી કાચ ફેરવતો જાય. મારું મોં સૂર્ય સામે ફેરવેલું હોય. મોં આખુંયે તલસાંકળીના તલની જેમ તડ તડ તતડી ઊઠે, આંખમાંથી ઊના ઊના ઝરા વહી રહે. આમ, છતાં બધું જ સહ્યું તોયે આને ભગાડવું અશક્ય થઈ રહેતું. દિવેલ અને તે પણ ઘાંચીની ઘાણીએ જ પિલાવેલું હોવું જોઈએ. તાળવામાં ઘસી ઘસીને માથાના વાળ જાણે સમૂળાય ઘસાઈ રહ્યા. કૉલેજની એક બહેનપણીએ ઘડિયાળ ઉતરાવીને ડાબા હાથે લોખંડનું વજનદાર કડું પહેરાવ્યું, માથા સાથે હાથ પણ દુખવા લાગ્યો! અધ્યાપિકા હતી, ત્યારે એ કૉલેજના દયાળુ પટાવાળાએ કાનની બુટ્ટી ઉતરાવી, મંત્રેલો કાળો દોરો લટકાવ્યો. મુસલમાન કામવાળીએ દરગાહથી લાવેલું તાવીજ કાળા દોરામાં પરોવી ગળામાં પહેરાવ્યું (ભરયુવાનીમાં આના માટે થઈને ફૅશનની ઐસી તૈસી કરી તોયે આ ગુંદરિયણ મને બમણા જોશથી વળગી જ રહી). એક વૈદરાજે કાનપટ્ટી પાસે લસણની લૂગદી મૂકી રાખવાની વાત કરી. મૂકવાની વાત ક્યાં, લગાડતાંની વારમાં જ ઍસિડની બળતરા અને પ્રતિક્ષિપ્ત ક્રિયામાં મારું તાંડવ! અઠવાડિયા સુધી એ કાનપટ્ટી હવા પણ સહન ન કરી શકી. કોઈએ નાકમાં કેસર નાખવા કહ્યું. સાફ ચોખ્ખું જ. હા, ભઈ હા, સ્પેન, અમેરિકા, કાશ્મીર બધુંયે નાકમાં જવા દીધું. ખાદ્ય પછી પેય. ગાયનું ઘી અને તે પણ પાછું શુદ્ધ જ. ગામડે જઈને જાતે જ ઘી તાવી તાવીને રેડ્યા કર્યું. કેસર ખાઈ ખાઈને, ઘી પી પીને નસકોરાંના વાળ પેલા પઠાણની જેમ લાલ અને લાંબા થઈને ડોકિયાં કરશે તો? એવી બીક પછી એવું બધું પડતું મૂક્યું. કોઈએ આદુનો રસ નાખવા કહ્યું અને જલદનો અર્થ તે દિવસે જ સમજાયો! પેલા લાલ ને લાંબા પઠાણી વાળ બળીને ખરી પડ્યા. એવી જ રીતે વાવડિંગ અને કાળા તલની ભૂકી સૂંઘવાની હતી. પહેલવહેલી વાર ચપટી લઈને હજી તો સૂંઘવા જેવું કર્યું, ત્યાં તો મેં મારા નવાસવા પાડોશીને મારાં પગથિયાં ચઢતા જોયા. હું છીંકણી સૂંઘું છું એવો એમને વહેમ પડ્યો. મને બજરની બંધાણી સમજી, આવ્યા એવા જ ઊતરેલા ચહેરા સાથે પગથિયાં ઊતરી ગયા. આજે પણ મારા માટેનું માન એમના ચહેરા પર પાછું ચઢી શક્યું નથી. પિતા અને પતિ બંને સરકારી નોકરીમાં. આથી, જેટલાં ગામ બદલાય એટલા ડૉક્ટર, વૈદ્ય પણ. આ બધું દર વખતે કંઈ ને કંઈ ઈલાજ બતાવતા અને વખાની મારી વળી પાછી હું લલચાઈ જતી. અમારા એમના કોઈ સિંહ નામધારી મિત્રે ટાઇગર બામ ઘસવાની સૂચના કરી. ટાઇગર જેવો ટાઇગર પણ આ દર્દ સામે ઢીલોઢફ થઈ ગયો. પછી મને થયું, લાવ અમૃતનું અંજન કરું. હુમલાના શરૂઆતના તબક્કામાં અમૃતાંજનથી મને ક્યારેક ક્યારેક રાહત રહી ખરી. દર મહિને નિયમિત આવતા કરિયાણાના સામાન સાથે બાજુની દવાની દુકાનમાંથી બામની બાટલીઓ પણ આવવા માંડી. અમેરિકાના પરફ્યુમ્સ મને ખાસ માફક નથી આવતાં. મારું માથું તો બામથી જ મઘમઘતું હોય. કૉલેજના મારા અંધ વિદ્યાર્થીઓ પણ બામની ગંધ માત્રથી, દૂરથી જ મને ઓળખી જાય. બામ મારી એક ઓળખ બની રહ્યો. ક્યાંક વાંચ્યું કે આવું માથું દુખે એટલે તરત જ ઓરડામાં અંધારું કરી પડી રહેવું. મારે તો સવારથી જ પીડા ઊપડી હોય. દરેક ગૃહિણીની દરેક સવાર જાણે લગનવાળા ઘરની ધમાલ જેવી જ હોય. હવે સવાર સવારના ક્યાં અંધારું કરવું? તો તો ઘરમાં બીજે બધે અંધારું થઈ જાય! કોઈ લખેશરીએ સૂચવ્યું છે કે માથું દુઃખે ત્યારે એસીમાં સૂવાથી સારું લાગશે. જૂના જમાનાની તાસીરવાળા, ખોટા ખર્ચના તદ્દન વિરોધી એવા નિવૃત્ત પિતાશ્રીએ મને-કમને રજા આપી. નિવૃત્ત માણસ માટે આવી હિંમત બતાવવાનું સહેલું નહોતું. પણ અહીં તો ‘સાહેબ’ વળી રાજપૂત ખરા ને? કહ્યું, ‘તમતમારે એસીમાં પડી રહો. ભલેને ‘બિલ’ આવતું! પણ આપણે તો બામણભાઈ, આપણું એ કામ નહીં. ‘બિલ’ની બીકે આ બીકણબિલાડીએ કાયમી મુકામ એસીને બદલે ઠંડા ભોંયરામાં જ રાખ્યો. ડૉક્ટર મિત્રો કહેતા : પૂર્ણતાનો આગ્રહ છોડો. થોડાંક હળવાં થાવ. તનાવથી દૂર રહો. નાનપણથી જ ગમા અણગમા અત્યંત તીવ્ર. સુગ્રાસ રસોઈ અને ચોખ્ખું ચણાક રસોડું. સાઈબંધ પથારી અને ઝકાસ (ઝળહળતું) દીવાનખાનું, ઊંડા અને લાંબા નિસાસા પર નિસાસા નાંખી નાંખીને ‘ભાગલા’ વખતના નિરાશ્રિતની જેમ એક પછી એક બધાંયે ભારે હૈયે છોડતી આવી પણ... આણે મને છોડી નહીં. ઘેર મળવા આવનાર પરિચિત પહેલાં મારી આ ખાસમખાસ બહેનપણીની ખબર પૂછે પછી જ અંદર પ્રવેશે. આ પીડાની પધરામણી થઈ હોય, ત્યારે દીવાનખાનામાં બેઠેલા મહેમાનો સાથે મારા તરફથી કટાણું મોં કરી ઊભા થઈ જાય અને મારા જ ઘરની વંડી બહાર ઊભા રહીને ગુસપુસ કરી લે, ‘કોણ જાણે શાની રાઈ ભરાઈ બેઠી છે, આના માથામાં!’ અરે, મારા હિતેચ્છુઓ, મારા માથામાં રાઈ’ નહીં ‘બાઈ’ ભરાઈ બેઠી છે. દુનિયાને કોઈ પણ ખૂણે આધાશીશીની વાત નીકળે એટલે ‘હિટલિસ્ટમાં’ ‘ટૉપ’ પર મારું જ નામ હોય. કેટલીયે મેડિકલ જરનલ ઉથલાવી, કેટલાંયે વૈદકીય થોથાં ગોખી નાંખ્યાં, સગાંસબંધીઓ, મિત્રો રોજબરોજ ઉપરાછાપરી છપાતાં આ વિશેનાં લખાણો, કતરણો, અવતરણો, પુસ્તકો, સાહિત્ય બધું જ મારા હાથમાં પકડાવી જાય. આધાશીશી મારો પર્યાય બની ચૂકી. જાણતલ એવા જમાઈઓ મને જમપુરીમાંથી પાછી લાવવા પ્રયત્નો કરી રહેતા. નાના જમાઈ હિમાલયની પહાડીમાંથી કોઈ સાધુ પાસેથી જડીબુટ્ટી લાવેલા, સાથે એક્યુપંક્ચર થાય એવી અણીદાર ખાંચાખૂંચીવાળી નાનકડી લાકડી જેવું કાંક લાવેલા જે હાથમાં પકડી રાખી-રાખીને મારા હાથની નસો ખેંચાઈ આવી, પણ આધાશીશી ખેંચાઈને કાંઈ બહાર ન નીકળી. વળી, અમારા મોટા જમાઈએ તો સાસુને ડામ દીધો, લવિંગ કેરી લાકડીનો. કાઠિયાવાડમાં એમણે લવિંગના ડામથી ઘણાંની આ આફત દૂર કરેલી; પરંતુ ધ્રૂજતા હાથે દીધેલો તેમનો ડામ મારા પર ધારી અસર કરી શક્યો નહીં. આથી, સુપાત્ર એવા પતિદેવને મેં કહ્યું, ‘જિંદગીભરની બાકી રહી હોય તેટલી ભાર્યાદાઝ કાઢીને મને ડામ દ્યો.’ એમણે તો લવિંગને લાલચોળ ગરમ કરીને બરાબર હોઠ ભીડીને મારી ડાબી ભમ્મરના વેદનાબિંદુ પર પૂરેપૂરા જોરથી દબાવ્યું. વેદનાની તો વાત જ ન કરો ભાઈસા’બ! લવિંગનો ચોકડી જેવો ડાઘ જતાં અને ભમરના બળેલા વાળ પાછા આવતાં મહિના વીતી ગયા, તોય આધાશીશીનો તો એકેય વાળ વાંકો ન થયો. સાસુને ડામ દીધાની હોહા થતાં જ મોટા ભાઈ સાહેબ તો અમેરિકા જતા રહ્યા. જોકે ત્યાં રહે રહે લવિંગ તો અચૂક મોકલે જ. અમેરિકાથી દીકરી નિતનવીન દવાઓ લાવતી રહે અને હું મથ્યા કરું, પણ કાંઈ નવનીત ન નીકળે. જ્યારે સૌથી નાની દીકરી પણ અમેરિકા જતી રહી અને હું એકલી પડી એટલે આ સોનેરી તક ફટ્ દઈને આ નાચણે ઝડપી લીધી, મારા માથા પર થનથન નાચી રહી; એણે મહિનાઓ સુધી મારા પર વર્ચસ્વ જમાવી લીધું. એના હકની ભાગીદારી જતાં એ હવે સર્વેસર્વાં બની રહેવા માગતી હતી. મને ન્યુરોલૉજિસ્ટ પાસે લઈ જવામાં આવી. એમણે ખાસી મોટી ફી પડાવીને નાનકડું અમથું નજરાણુંયે ન ધર્યું. ઍલૉપથી, નેચરોપથી, હોમિયોપથી, એક્યુપ્રેશર-પંક્ચર, આયુર્વેદ, ઘરગથ્થુ ઉપચાર તો વરસ આખુંયે ચાલતા જ રહે. આ નડતરને દૂર કરવા કેટલીયે ફાકી, ચૂર્ણ, કેપ્સૂલ્સ, ગોળીઓ પેટમાં પધરાવી હશે, તોયે ટસની મસ ના થઈ. અંગ્રેજીમાં ‘માયગ્રેન’ કહેવાય પણ મારા માટે તો ‘માય પેઇન’ જ બનીને રહ્યું છે. કૅન્સર, ડાયાબિટીસ, હાર્ટટ્રબલ, હાઈ બીપી, કિડની જેવા રોગને તો કાંઈ ‘સ્ટેટસ’ હોય, ઇજ્જત કે માનમરતબો હોય, પણ આવા આલતુફાલતુને કોણ પૂછે? ઠીક મારા ભઈ કહીને લોકો ચાલવા માંડે : મેરા દર્દ ન જાને કોઈ! જ્યારથી આ મુસીબત મારા માથે લખાઈ છે, ત્યારથી ‘ડાબા’ શબ્દે મારા પર મારો કર્યો છે. લૌકિક માન્યતા એવી કે સ્ત્રીની ડાબી આંખ ફરકે તો શુકન થાય પણ મારે તો અપશુકનના એંધાણ વરતાય. મારા માટે તો ડાબા માથાનો દરેક ખેલ અઘરો. શરીરનાં બીજાં બધાં અંગો એકબીજા સાથે હળીમળીને રહેતાં હોય ત્યારે આ ડાબું (માથું) જ સાવ ડાબું (અળખામણું) બની રહેતું. જ્યારે આ બેગમની સવારી થાય ત્યારે એની શેહમાં આ ડાબા સિવાય બીજે બધે જ સૂનકાર રહેતો. વેદના, પીડા, દુઃખ, દર્દ, કષ્ટ – આ બધાંનો સરવાળો એક જ હતો. - વેઠવું, વેઠવું, વેઠવું. લગ્ન વખતે પિયરથી નીકળતી વખતે માએ આપેલ શીખ પ્રમાણે બધી જ મુશ્કેલીઓનો હિંમતભેર સામનો કર્યો છે, પણ રોજ ચઢેલા મોંવાળી વહુનો સંસાર કેવો હોય? એવું જ મારું. રોજનું જ ચઢેલું માથું. મારા કુટુંબના સભ્યોને ધન્ય છે. આધાશીશી મારી પારાશીશી બની રહે છે. જેમાં મારી એકલીની જ નહીં, ઘરના સર્વેની વેદના રોજેરોજ મપાય છે. એના ચઢતા-ઊતરતા પારા, મેં તો ઠીક પણ આ લોકોએ પણ સામી છાતીએ ઝીલ્યા છે. દીકરી તો કંટાળીને અમેરિકા પણ ભાગી જાય પણ સાત ફેરાના અતૂટ બંધને બંધાયેલા પતિદેવ ક્યાં જાય? એ તો બચારા ભલા જીવ! ‘માથું દુખે છે?’ એવું પૂછવાની હામ પણ ન ભીડે, રખેને જવાબ હકારમાં આવે! પહેલાં તો બેચાર દિવસે બધું થાળે પડતું એટલે હું જ સબ સલામતની લીલી ઝંડી ફરકાવતી. બધાં રાહતનો દમ લેતાં પણ હવે તો ‘ન્યૂઝ ચેનલ’ની જેમ કલાકે કલાકે મારે જ સમાચાર આપી દેવા રહ્યા. એવું પણ બને કે હું સાવ નિરાંતે બેઠી હોઉં, મારા બાગનાં ફૂલડાં, છોડવા, ઝાડવાં સાથે રમતી હોઉં. સારાં પુસ્તકો આવ્યાં હોય, સુમધુર સંગીત માણતી હોઉં, સ્ત્રીસુલભ સાડી કે દાગીના મળ્યાં હોય, આવા અતિશય સુખમાં પણ વહુની જેમ મને પણ શેતાન સાસુની બીક રહ્યા કરે અને એ બીક સાચી પણ પડે. સાસુની શેતાનિયત એકાએક શરૂ થઈ જાય! વળી, ક્યારેક આ બેનબા દિવસો સુધી ન દેખાય તો મને ફાળ પડે કે આ બીજે કશે તો મહેમાનગતિ નહીં માણતી હોય ને? ‘જા, તને આધાશીશી થાય.’ એવું તો સપનામાંય પણ કોઈને ન કહેવાય! આનું પાછું એક કૌતુક. મહેમાન આપણે ત્યાં આવે તો નાનું બાળક આપણા ખોળામાં તરત ચઢી બેસે અને બધાંનું ધ્યાન પોતાના તરફ દોરે. એવું જ આનું. જ્યારે મારે ત્યાં કોઈ બીજા અતિથિ રોગની પધરામણી થઈ હોય પછી તે તાવ, શરદી, સળેખમ જેવા સાધારણ હોય કે ‘સ્લિપડિસ્ક’ જેવા સમસાધારણ હોય પણ આ માતાજી તો સાક્ષાત્ હાજરાહજૂર. જિંદગીના સારામાઠા પ્રસંગોએ આ તો વેશ કાઢીને જ બેઠી હોય. પતિમહાશયને મારા માટે પૂર્ણપણે સહાનુભૂતિ તો ખરી જ. એમને ‘ટૂર’ પર જવાનું રહેતું. એટલે ‘ઇમરજન્સી’ માટે એમણે મને ‘ટ્વેલબૉર’ (બંદૂક) ચલાવતાં પણ શિખવાડેલ; પરંતુ આ રણચંડીને ભોંયભેગી કરવા માટે આપણા મૂછાળા મરદને પણ હથિયાર હેઠાં મૂકવાં પડ્યાં અને ઉપરથી ‘ખાટી દ્રાક્ષ’વાળું મોં બનાવીને કહેવું પડ્યું : ‘સ્ત્રી સામે શસ્ત્ર નહીં!’ પતિદેવને હું રોજ ચીડવતી ‘સાઠે નાઠી’. પણ મારે તો પચાસે જ ડહાપણ જવા બેઠું. ડહાપણની દાઢ કઢાવી. મને થયું, જેણે પચાસ વર્ષ સુધી મને ડાહ્યા માણસમાં ખપાવી, એનું ભલેને ‘અર્લી રિટાયરમેન્ટ’ થઈ રહ્યું છે; થોડું લાલનપાલન કરું, શીરો એવું કાંઈ ખવડાવું, પ્રેમ-આદરથી વિદાય આપું, પણ ઈર્ષાળુને તરત જ વાંધો પડ્યો. પહેલાં મારી સામું જુઓ, બીજાં બધાંમાં મૂકો પૂળો. હવે વીસપચીસ વર્ષ પછી ફરીથી લખવા લીધું તો આ બહેન કહે : ‘પહેલાં માથું પકડ, પછી પેન પકડ.’ છેલ્લે એક આશા પર મીટ માંડીને બેઠી છું. લોકોક્તિ, વૈદ્યોક્તિ, ડૉક્ટરોક્તિ, મિત્રોક્તિ, શાસ્ત્રોક્તિ, બધાંના કહેવા મુજબ પ્રૌઢત્વ ઊતરતાં તો આ બધો ખેલ ખતમ થવો જોઈએ. આમ થાય તો એમના મોંમાં શુદ્ધ સાકર-ઘી!! કહે છે કે સ્ત્રીજાતિને ઉંમર વધે તે ન ગમે. મનેય ન જ ગમે. પણ પ્રૌઢત્વ ઊતરે, વાર્ધક્યમાં પ્રવેશું ને જો આ આધાશીશીમાંથી છુટાતું હોય તો પ્રભુ પાસે રાતદિવસ બસ એક જ વરદાન માગું : ‘હે પ્રભુ! કેલેન્ડરનું પાનું ભલે રોજ એક જ ફાટે છે, પણ મારી ઉંમરમાં જ રોજ એકસામટું અઠવાડિયું વધે એવું કંઈક કરો! મારા માટે, હે વાચકો! તમેય પ્રાર્થના કરજો. કરશો ને?’

અરુણા જાડેજા
‘અખંડઆનંદ’ સામયિકમાંથી