બહુરંગી/નયા જમાના, નયે તરાને

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નયા જમાના, નયે તરાને

ભારતવર્ષમાં શિક્ષણપ્રથા ખાડે ગઈ છે એ વિશે અદનામાં અદના માણસથી માંડીને ચશ્મિસ્ટ બૌદ્ધિકો સુધી કોઈ બેમત નથી ધરાવતું. આખા દેશની પ્રજાને એકસૂત્રે બાંધી શકે એ સમસ્યા કઈ હશે? અલબત્ત, શિક્ષણ જ! અજાણી વ્યક્તિઓ સાથે વેઇટિંગ રૂમમાં ભરાઈ પડ્યા હો, કે પછી બસની લાંબી કતારમાં ફરજિયાત તપશ્ચર્યા કરી સંતની કોટિએ પહોંચવા માગતા મનુષ્ય તમે હો. કંટાળો ટાળવા અંદરથી બોલવાના ઊભરા થતા હોય ત્યારે છેક અજાણી વ્યક્તિ સાથે તત્કાલ સંબંધ વિકસાવવા તમારી પાસે ખાસમખાસ એક જ વિષય છે : હુકમનું પત્તું. અવાજ ધીરો કરી આંખમાં જરા ઉદાસીની છાયા લાવી, (આ અભિનય અઘરો નથી, ટ્રાય ઇટ. આમ પણ આજકાલ દેશવાસીઓની આંખમાં ઉદાસીની છાયા ક્યારે નથી હોતી?) તમે બોલો, ‘ખરેખર દેશનું શું થવા બેઠું છે? આ શિક્ષણની જ વાત લો...’ અને જુઓ ચમત્કાર. સખત પડળ તોડીનેય પાણીનું ઝરણું વહેવા માંડે એમ અળગાપણાનો ભાવ તરત મટી જાય અને થોડી વારમાં તો સૌ સમદુખિયાં તરીકે કેટલીયે અંતરંગ વાતો કરવા માંડે, “મારી રિંકુ બિચારી સવારે સાત વાગ્યે જાય, અને બપોરે સાડા ચાર-પાંચ વાગે પાછી આવે. એની તો ભૂખ જ મરી ગઈ છે.” “મારા સમીરની સ્કૂલ એટલી દૂર કે સ્કૂલબસમાં રોજ ‘બૉમ્બે દેખો બૉમ્બે દેખો’ કરતો રખડીને આવે ત્યાં હોમવર્કના ઢગલા.” “મારી જૂઈ ફૂલ જેવી છે. એને દસ કિલ્લોનું દફતર!” “આવાં થાકેલાં-હારેલાં બાળકો આવતી કાલના નાગરિકો છે! જે દફતર નથી ઊંચકી શકતાં તે ભવિષ્યમાં કરોડ રૂપિયાની બૅગ ઊંચકી વડા પ્રધાનના નિવાસસ્થાન સુધી કેવી રીતે જઈ શકશે?” આ અને આવી બધી આનુષંગિક ચિંતાઓ, તમને સતાવે છે કે નહીં. તે ખબર નથી, મને જરૂર સતાવે છે. હું લમણે આંગળી મૂકી (નર્મદનો પૉઝ યાદ છે?) એ વિશે રોજ ચિંતા અને ચિંતન કરું છું. પણ જેમ દાઢી વધારવાથી ટાગોર નથી થવાતું, તેમ લમણે માત્ર આંગળી મૂકવાથી નર્મદ નથી થવાતું. તે હું સમજું છું. એટલે મેં આ બાબત કશુંક કરવાનો નિર્ણય કર્યો. મારામાં દેશદાઝ છે, એટલે કે દેશથી દાઝી છું. રોજ સવારે ચાનો એક કપ સરખો પી શકાતો નથી. અખબાર ખોલતાં જ એના એ ભૂવા અને એના એ ડાકલિયાં જેવાં એનાં એ જ મુખારવિંદો પહેલે પાને પ્રગટ થઈ મારી સામે ડોળા તતડાવે છે. બોફોર્સની તોપ અચાનક કોઈ વાર ધણધણી ઊઠે છે. શૅર સર્ટિફિકેટ કાગળના વાઘ બની રહ્યા છે, તો સોનાચાંદીના ભાવ બ્લડપ્રેશર સાથે વધતા-ઘટતા રહે છે, તો કોઈ વાર હવાલા કૌભાંડ દેશ આખાને ચાળી નાખે છે. દિવસની આવી શરૂઆત થાય ત્યાં યુદ્ધનાં ધોરણે બંને બાળકોને સ્કૂલના મોરચે મોકલવાની તૈયારી આદરવી પડે છે. દૂધ, નાસ્તો, બપોરનું લંચ, પાણીનું થરમૉસ ને કરેલા હોમવર્કની ઢગલાબંધ નોટો, યુનિફૉર્મ – બૂટ, મોજાં, બિલ્લો... બંબાવાળાની જેમ અમે બંને દોડાદોડી કરીએ છીએ. અને તોયે માથે તલવાર તો તોળાયેલી જ રહે છે, સ્કૂલબસ જતી રહી તો ટૅક્સીભાડાનો ચાંલ્લો! હજી તો ડૉનેશન માટે લીધેલી લોનના હપતા ભરીએ છીએ ત્યાં ખાતર પર દીવો. બાળકોને રવાના કરી, જંગ જીતી આવ્યા હોય એમ થાકેલાં અમે બંને ગરમ કૉફીનો કપ લઈ ઘડીક બેસીએ છીએ. પંકજને ઑફિસે જવા માટેની દોડાદોડીનો બીજો રાઉન્ડ શરૂ થાય તે પહેલાંની આ થોડીક જ નિરાંતની પળો. જોકે કૉફીના આ એક કપનું સુખ પણ છિનવાતું જાય છે. થાય છે કે બંનેને ભણાવવાની આ જે આકરી તપશ્ચર્યા અમે આદરી છે, તેનાં ફળ બાળકોને મળશે કે નહીં? ડિગ્રીઓનાં લાંબાં પૂંછડાં કરતાંય મોંઘવારી, રાવણના દરબારમાં અદબ વાળીને ઊભેલા હનુમાનના પૂંછડાની જેમ ઝડપથી વધતી જ જાય છે. આ બધી મુશ્કેલીઓનું નિવારણ એક સુંદર સવારે અમને સૂઝી આવ્યું : બાળકોને ભણાવવાં જ નથી. તેથી, શાળા છોડાવી દેવી. છે ને બ્રિલિયન્ટ આઇડિયા? ઍડમિશન માટે ચારે બાજુ દોડાદોડી, ભલામણચિઠ્ઠી માટે પારકાની દાઢીમાં હાથ ઘાલવો, દરદાગીના વેચી ડૉનેશનના પૈસા ઊભા કરવા, દફતર ઊંચકવા મજૂરનો પગાર ચૂકવવો, બજારમાં ન મળતાં પાઠ્યપુસ્તકો વિના ભણવું... કૉલેજમાં પહોંચતાં સુધીમાં તો બાળકો અને મા-બાપ અધમૂઆં થઈ જાય. સો દર્દની એક જ દવા, ભણવું જ નહીં.... આહાહા! જરા કલ્પના કરો, વહેલી સવારથી રાત સુધી ઘરમાં પ્રેમ અને શાંતિનું વાતાવરણ! બિલકુલ ટેન્શન નહીં. ઘરમાં વડીલોને થતી બી.પી. કે હાર્ટટ્રબલની બીમારીમાં નોંધપાત્ર ઘટાડો. એટલે શાળાનું ચીલાચાલુ શિક્ષણ અમે છોડ્યું અને ફિલ્મનું શિક્ષણ શરૂ કર્યું. આજકાલ કીર્તિ, કલદાર અને કારકિર્દી ફિલ્મો અને ટી.વી.માં જ તો છે! ઘેર બેઠાં ગંગા છે આ તો. ચોવીસ કલાક ટી.વી. ચાલે છે. જાતજાતના અનેક પ્રકારના કાર્યક્રમો અને બધામાં કેટલાં બધાં ઇનામો! ઘરવખરીથી માંડીને લક્ઝરી કાર સુધી. તેથી અમે એક સુપ્રભાતે નિર્ણય કર્યો. ચીલાચાલુ શાળાકીય શિક્ષણ બંધ અને ફિલ્મનું શિક્ષણ શરૂ. ઘરમાં એક ટી.વી. તો હતું જ. બીજાં બે ટી.વી. ખરીદી લાવ્યા અને વી.સી.આર. વેલ, શરૂઆતમાં આટલું રોકાણ જરૂરી છે જ. પણ તમે બાળકોની આખીય શિક્ષણ કારકિર્દીમાં જેટલો ખર્ચ કરો છો તેનો પા ભાગનો ખર્ચો પણ આ નથી. બધાં અખબારો બંધ કરી દીધાં અને ફિલ્મ સામયિકો આપી જવાનું ફેરિયાને કહી દીધું. તમે જ કહો, આમ પણ અખબારમાં હોય છે શું? આજે આ કૌભાંડ અને કાલે પેલું. રાજકારણીઓના નામમાં જ ફેર, બાકી બધું સરખું. સ્વાતંત્ર્ય મળ્યું ત્યારથી તમે આ લેખ વાંચશો તે તારીખ સુધીમાં હજાર કૌભાંડ થયાં ને હજાર હોબાળા થયા, પણ લાલકિલ્લાની એક કાંકરીયે ખરી છે ખરી? અને ખરું પૂછો તો રોજેરોજ બળાત્કાર, પાણીની સમસ્યા, ખૂન, અપહરણ એ બધું વાંચીને જીવ બાળવાનો અર્થ ખરો? પણ જ્યારથી અમે ફિલ્મ સામયિકો મંગાવવાં, વાંચવાં શરૂ કર્યાં ત્યારથી ખરેખર ઘરમાં આનંદમંગળ વરતાઈ રહ્યાં છે. આ પ્રકાશનો આમ પણ દેખાવમાં એટલાં રૂપકડાં, રંગરંગીન લાગે કે મન પ્રસન્ન થઈ જાય. હાથનો સ્પર્શ થતાં જ રોમહર્ષણનો અદ્ભુત અનુભવ થાય. અને ખોલીને વાંચો કે જાણે ‘ખૂલ જા સીમસીમ’ની જેમ એક તિલસ્માતી દુનિયામાં પ્રવેશ કરો! અત્યાર સુધી અવગણાયેલા (છતાં કેટલા લોકપ્રિય) નિંદારસમાં તમે ડૂબકી માર્યા જ કરો. બહાર નીકળવાનું મન જ ન થાય ને! જે હોમવર્ક માટે અમારે બાળકોને વઢવું પડતું હતું, મારે ઉજાગરા કરવા પડતા હતા અને પંકજને તો ખાસ માતાપિતા માટે ચાલતા ખાનગી વર્ગોમાં ભણવા જવું પડતું હતું એ બધું ફિલ્મોની જાદુઈ છડી ફરતાંની સાથે બંધ થઈ ગયું. અમી અને તનુ અમારી બંને દીકરીઓ એટલી હોંશે હોંશે ફિલ્મ સામયિકોનો ઢગલો કરી વાંચવા બેસે છે કે ઊંઘ, ભૂખ, તરસ, થાક બધું જ ભૂલી જાય છે. બાળકો તલ્લીન થઈ વાંચતાં હોય. મ્યુઝિક સિસ્ટમ પરથી ફિલ્મી ગીતોની કૅસેટ વાગી રહી હોય.... કેટલું સુંદર દૃશ્ય છે! બાળકોની આ નવી કારકિર્દી માટે અમે છ મહિનાની સઘન તાલીમનો અભ્યાસક્રમ ઘડી કાઢ્યો. દિવસભર ફિલ્મ સામયિકોનું વાચન, મનન, ચિંતન, જૂનાં-નવાં ફિલ્મી ગીતોનું શ્રવણ અને વીડિયો પર ફિલ્મોનો સતત મારો. રાત્રે અમે સૌ જુદા જુદા ટી.વી. સામે નોટ અને પેન લઈને બેસી જઈએ. કેવા પ્રકારના કાર્યક્રમો આવે છે? તેની લોકપ્રિયતાનો આંક શો? કયા કાર્યક્રમમાં સારાં ઇનામ મળે છે? કયો પ્રોગ્રામ કઈ ચૅનલ પર, કેટલા વાગ્યે આવે છે? દરેક કાર્યક્રમમાં અંતે પુછાતા પ્રશ્નનું માળખું કયા પ્રકારનું હોય છે? આવાં અસંખ્ય મથાળાં તૈયાર કરી જુદા જુદા મોટા ચોપડાઓ અમે તૈયાર કર્યા. બે મહિના તો અમને આમાં જ લાગી ગયા. પણ એવી ઉતાવળ પણ ક્યાં હતી? વર્ષો સુધી ભણીને પછી નોકરી-ધંધામાં કરિયર બનાવવાની મહેનત કરવાની હતી એને બદલે આ તો થોડાક મહિનામાં અમને સીધું ફળ જ મળવાનું હતું. ઇન્સ્ટન્ટ કૉફી, સૂપ, વાનગી બને, તો ઇન્સ્ટન્ટ સફળતા કેમ નહીં? આમ પણ સંઘર્ષ, મહેનત, લગન આ બધા શબ્દો ચલણમાં છે જ ક્યાં? આમ, નિરીક્ષણ, વર્ગીકરણ બાદ હવે ફિલ્મોનો અભ્યાસ શરૂ થયો હતો. ફિલ્મી અંતાક્ષરી માટે આખાં ગીતો જ મોઢે કરવાં પડતાં. કાર્યક્રમમાં મુખડું વાગે તો અંતરો ગાવાનો અથવા આરંભનું જરાક સંગીત વાગે કે ગીત ગાવાનું. વિઝ્યુઅલ રાઉન્ડમાં મૂક દૃશ્ય બતાવે અને એના પછી આવતું ગીત ગાવાનું હોય, જુદી જુદી સિચ્યુએશનનાં ગીત યાદ રાખવાની પણ તાલીમ લેવાની હતી. સંગીતના એક કાર્યક્રમમાં તો હોસ્ટ કૂદકો મારી તમારી પર હુમલો કરતો હોય એમ ધસી આવે અને ચપટી વગાડે. ભજન તત્ક્ષણ ગાવા માંડવાનું. હજી લીટી પૂરી ન થાય ત્યાં ફરી ચપટી વગાડી, તમારી બાજુ ધસી આવે, ‘મુજરાકા ગાના ગાઓ.’ તમે પડી જશો કે પેલાનો હાથ વાગશે એ ડરને દબાવી તમે ‘પાકીઝા’નું ઇન્હી લોગોંને આલાપવા જાઓ, ત્યાં હોસ્ટ ઠેકડો મારી તમારા ડાબા પડખામાં માઇકનો ઠોંસો મારતો હોય એમ ડોળા તતડાવતો બરાડે, ‘ઉદાસીકા દુ: ખકા ગાના ગાઓ.’ આમ અમારે બંને પુત્રીઓને તાલીમ તો આપવાની હતી. સાથે સાથે ચીસો પાડતી, હીહી કરીને ભયાનક રીતે હસતી હોસ્ટેસથી અને અંગભંગી કરી, સ્ટીમરોલરની જેમ તમારી પર હિંસક રીતે ધસી આવતા હોસ્ટથી બચવાની, મક્કમ મનોબળ ધરાવવાની પણ તાલીમ આપવાની હતી. ફિલ્મ આધારિત પ્રશ્નાવલિ કાર્યક્રમો માટે અમારે ખૂબ ઝીણવટથી નોંધ તૈયાર કરવી પડતી. દા.ત., ‘ગંગા જમુના’ ફિલ્મમાં વૈજ્યંતીમાલા દિલીપ સાથે ગીત ગાય છે, ‘ઢૂંઢો ઢૂંઢો રે સાજના ઢૂંઢો મેરે કાન કા બાલા.’ એના એક કાનમાંથી કાનની વાળી પડી જાય છે, એટલે એ ગીત ગાય છે. હવે પ્રશ્ન એ છે કે ડાબા કાનમાંથી વાળી પડી ગઈ હોય છે કે જમણા કાનમાંથી? મિ. ઇન્ડિયા’માં અમરીશપુરી પેલું પ્રસિદ્ધ વાક્ય બોલે છે : ‘મોગેમ્બો ખુશ હુઆ’, ત્યારે એ - વાક્ય કેટલી વાર બોલાય છે? ‘ડર’માં શાહરૂખ ખાન ‘ક...ક..ક..... કિરણ બોલે છે ત્યારે કિરણ પહેલાંનો ક કેટલી વાર બોલે છે? સૈફ અલીખાનના વાળની લંબાઈ કેટલી? દેવાનંદની ઉંમર કરતાં તેનાં ફ્લોપ ચિત્રોની સંખ્યા વધુ કે ઓછી? તમે જોયું? કેટલા અઘરા પ્રશ્નો છે? કોઈ પણ ઉચ્ચ ડિગ્રીધારી સ્નાતક થવા જેટલી તૈયારીની જરૂર પડે તેટલી જ, બલકે વધુ તૈયારીની જરૂર આ નવી કારકિર્દી માટે પડે છે. તાલીમગાળો પૂરો થતાં અમારી દીકરીઓ (સાથે અમે પણ) પૂરી સજ્જધજ્જ થઈ ગઈ. હસતાં રમતાં, કશાય ટેન્શન વિના અમારી દીકરીઓ ભણી હતી એનો અમને આનંદ હતો. સૂતાં, બેસતાં, જમતાં, નાહતાં, અમે સૌ એકબીજાની પરીક્ષા લઈ લેતાં. દા.ત., તન્વી રોટલી-શાકનો કોળિયો મોંમાં મૂકવા જાય કે અમી ચપટી વગાડે, ‘દીવાર’માં અમિતાભ-શશીની માનો રોલ કોણે કર્યો હતો? તન્વી એવી રીતે અમી સામે જુએ - બસ પૂછી પૂછીને આવો સરળ પ્રશ્ન પૂછ્યો? અમી શરમાઈ જાય. આ આખી ક્રિયા બે કે ત્રણ સેકન્ડ જેટલી જ હોય, એટલા સમયમાં મારી બાઈ સાવિત્રી ઝાડુ કાઢતાં બોલે, નિરૂપારૉય. પછી બબડે, આવું પૂછવાનું? હું પણ અમીને બે શબ્દ શિખામણના કહું, ‘તમે બંને ભવિષ્યની હોસ્ટેસ છો. ખાલી કાર્યક્રમમાં ભાગ લઈ ઇનામો જીત્યા કરવાં આપણું લક્ષ્ય નથી. આગળ ને આગળ વધવાનું, શું સમજ્યાં? હિન્દી ફિલ્મોમાં ફ્લોપ હીરો-હીરોઇન હોય એ જ ટી.વી. ક્ષેત્રમાં સુપર ટી.વી.સ્ટાર બને છે. એ વાતને આપણે ખોટી પાડવાની છે. એટલે એનીય તૈયારી કરવી પડશે.’ એક દિવસ શુભ મુહૂર્ત જોઈ અમે જુદી જુદી પોસ્ટ ઑફિસેથી ઢગલાબંધ પોસ્ટકાર્ડ ખરીદી લાવ્યા. દરેક કાર્યક્રમને અંતે પુછાતા પ્રશ્નોના ઉત્તર લખી પોસ્ટ કરવા માંડ્યા. જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજીઓ કરવા માંડી અને આમ અમારી પુત્રીઓની અનોખી કારકિર્દીના શ્રીગણેશ મંડાયા. થોડી ધીરજને અંતે, ધીમે ધીમે શરૂઆત થવા લાગી. હજાર-બે હજારની સાડીઓ, શૂઝ, પ્રેશકૂકર, ઘડિયાળો, નાની-મોટી ચીજવસ્તુઓનાં ભેટનાં પાર્સલ આવતાં ગયાં. અવારનવાર મારી પુત્રીઓનાં નામ ટચૂકડે પરદે ચમકવા લાગ્યાં. અને અમે જેની આતુરતાથી રાહ જોતાં હતાં, તેવું આમંત્રણ અંતાક્ષરીમાં ભાગ લેવાનું આવી પહોંચ્યું. ફરી ફરીને ગીતો સાંભળ્યાં, પ્રૅક્ટિસ કરી, મેં અને પંકજે, હાથમાં વેલણ લઈ માઇકની જેમ પકડી અને બધાં રાઉન્ડનાં રિહર્સલ કરાવ્યાં. આખરે એ શુભ દિવસ આવી પહોંચ્યો. હું અને પંકજ વહેલી સાંજથી ટી.વી. સામે ગોઠવાઈ ગયાં. પરીક્ષા આપવા ગયેલાં સંતાનોનાં માબાપ જેવી જ અમારી દશા હતી. આજ સુધી અમે આ આખી વાત મિત્રો-સગાંવહાલાંથી છુપાવી હતી. સફળતાને જ બોલવા દેવી, બીજું શું? અને અમારો આ આખો નાવીન્યપૂર્ણ અદ્ભુત વિચાર ચોરાઈ જાય એનો પણ ડર તો ખરો જ ને! પહેલેથી પબ્લિસિટી કરીએ તો સમાજમાં ક્રાન્તિ આણવાનું અમારું સપનું ધૂળમાં જ મળી જાય ને! ટી.વી. પર અંતાક્ષરી કાર્યક્રમ શરૂ થયો. બબ્બેની જોડીમાં જુવાનિયાંઓ ગોઠવાઈ ગયાં હતાં. અને રેસમાં બંદૂક ફૂટવાની રાહ જોઈને ઊભેલા અશ્વોની જેમ થનગની રહ્યાં હતાં. અમી અને તન્વી ખાસ આ પ્રસંગ માટે સિવડાવેલા પોશાકોમાં શોભી રહી હતી. અમારી છાતી ધક્ ધક્ થતી હતી. અમે લીધેલો નિર્ણય સાચો છે કે ખોટો એ પળભરમાં સાબિત થઈ જવાનું હતું. હોસ્ટ અને હોસ્ટેસે કાર્યક્રમની શરૂઆત યુગલગાનથી કરી અને પ્રોગ્રામનો આરંભ થયો. પહેલી જ ક્ષણથી. આખો કાર્યક્રમ અમારી દીકરીઓ અમી અને તન્વીનો હતો. અરે ત્યાં સુધી કે બઝર રાઉન્ડમાં કોઈનો ચાન્સ જ ન લાગે! અમી અને તન્વી, ધાણી ફૂટે એમ ટપાટપ એક સેકન્ડના વિલંબ વગર ગાવા લાગ્યાં. પ્રેક્ષકોએ તાળીઓ પાડીપાડીને બંને બહેનોને વધાવી. હોસ્ટ અને હોસ્ટેસ તો પાણીપાણી થઈ ગયાં! આજ દિન સુધી કોઈને આટલા માર્ક મળ્યા ન હતા. ગર્વ અનુભવતાં અમે બંને હર્ષાશ્રુ વડે ગદ્ગદિત થઈ ગયાં. અમારો પ્રયોગ સફળ થયો હતો. અમી અને તન્વી ઢગલોએક ઇનામો લઈને ઘેર આવ્યાં, ત્યારે અમે તેમની આરતી ઉતારી સ્વાગત કર્યું, પડોશીઓએ ચોમેરથી ફૂલડાં વરસાવ્યાં. મોડી રાત સુધી ફોન રણકતો રહ્યો. અભિનંદનનો ધોધ વહ્યો, એક જ વાત સૌ કહેતાં હતાં. ‘આહાહા! તન્વી અને અમી આટલાં હોશિયાર હતાં તેની આજ દિન સુધી ખબર ન હતી.’ અમી અને તન્વી ત્યાર પછી તો એક પછી એક ક્વીઝ પ્રોગ્રામ, પ્રશ્નોત્તરી જીતતી ચાલી. મારા ઘરનાં કબાટો, અભરાઈઓ જાતજાતની ચીજોથી છલકાવાં લાગ્યાં. અમારા ઘરના કમ્પાઉન્ડનું ગેરેજ અમે ભાડે લીધું. અને ત્યાં અમે શો રૂમ ખોલ્યો. દર મહિને અમારે ક્યાંક ને ક્યાંક તો જવાનું જ હોય, દો દિન, દો રાત કા મુફ્ત નિવાસ. કદીક પ્લેનની ટિકિટો, તો વળી ક્યારેક સોનાનો સેટ, તો ક્યારેક સ્કૂટર, વૉટર કૂલર અને હજી “સિતારે” નામના કાર્યક્રમની ફાઇનલમાં તો અમી કોન્ટેસા પણ જીતી લાવી. અમી અને તન્વીની કીર્તિ ચોતરફ ફેલાઈ ગઈ. અખબારોમાં ફોટા, ઇન્ટરવ્યૂ અને ‘કલાકાર’ સંસ્થા તરફથી તેમનું બહુમાન થયું. નાતજાતમાં અમારું નામ થઈ ગયું. મને ઘણી વાર અફસોસ થતો. આજે મારા પિતા જીવંત હોત તો એમની છાતી ગૌરવથી ફૂલી જાત. મારા દાદાએ ગાંધીજી સાથે કામ કરેલું! કેટલીયે વાર જેલમાં ગયેલા, મારા પિતા તો આશ્રમમાં ગાંધીજી-કસ્તુરબાની છત્રછાયા નીચે રહેલા. કેટલાયે નેતાઓ સાથેનાં સંસ્મરણોનું પુસ્તક લખ્યું હતું. (હજીયે ક્યાંક માળિયા પર એકાદી કૉપી પડી હશે.) એ સમયે સ્વાતંત્ર્ય માટે નેતાઓ જેલમાં જતા, આજકાલ કૌભાંડો માટે જાય છે! એટલે જેલ જવાની કોઈ ગ્લેમર રહી નથી, ને પુસ્તકો વળી વાંચે છે કોણ? એટલે વારસદારોએ સાચે જ નામ કાઢ્યું તેથી એમનો આત્મા કેટલો હરખાતો હશે! અમી અને તન્વીની ફિલ્મના જ્ઞાનની બ્રિલિયન્ટ કરિયરમાં એક વાર વિઘ્ન આવેલું. અમારે બંનેની સાઇકાટ્રિસ્ટ પાસે ટ્રીટમેન્ટ કરાવવી પડેલી. “ફિલ્મી સિલસિલા" કાર્યક્રમમાં બંને બહેનોની જોડી ભાગ લેતી હતી. કાર્યક્રમનો હોસ્ટ ફિલ્મનો પંડિત હતો અને એ કાર્યક્રમ જીતે તો ખરેખર બંનેનાં નામને ચાર ચાંદ લાગી જાય એમ હતું. આ ફિલ્મી પંડિત ભવાં ચડાવીને જ પ્રશ્નો બંદૂકની ગોળીની જેમ મારતો. ભાગ લેનારને મગતરાં જ સમજતો. શરૂઆતમાં તો ઠીક ચાલ્યું, અમી અને તન્વી પહેલો રાઉન્ડ જીતી ગઈ. બીજો રાઉન્ડ તડાફડીનો હતો. પ્રશ્નકર્તા ઝડપથી એક જ વાક્યનો પ્રશ્ન પૂછે અને બેકગ્રાઉન્ડમાં મોટેથી ટીકટીક ઘડિયાળનો અવાજ સંભળાય અને જવાબ આપનારે ફટ દઈને વિચારવા માટે રોકાયા વિના જ જવાબનો વળતો ફટકો મારવાનો. બીજો રાઉન્ડ શરૂ થયો. અમી-તનુની ચબરાકીથી માહિતગાર હોસ્ટ નજીક આવ્યો. ત્રાટક કર્યું, ફટ દઈને પ્રશ્ન પૂછ્યો, “દીવાર” મેં અમીતજીને ગોડાઉન કી ફાઈટવાલે સીન મેં જો શર્ટ પહના થા - ઉસકા કલર કૈસા થા? અમી-તનુ એકમેકને જોઈ રહ્યાં. ખલ્લાસ. જવાબની પળ વીતી ગઈ. એન્ડ ટાઇમ ઇઝ અપ - પેલાએ સિંહડણક જેવી ગગનભેદી બૂમ પાડી. ખંજરની જેમ સોંસરવી એ બૂમ બેયનાં કાળજાં વીંધી ગઈ હોય તેમ મોંએ શાહી ઢળી ગઈ. હોસ્ટ નજીક આવ્યો અને તુચ્છકારથી બોલ્યો, ‘આપ ક્યા ઈતના ભી નહીં જાનતી?’ બંનેએ ક્ષણભર આંખો ઊંચકી, પછી ઝુકાવી દીધી. અહા! હું માતા તરીકે તેમનાં હૃદયનું દુઃખ પારખી શકી. પી.ટી. ઉષા શેરીમાં પકડદાવ રમતાં નાનાં બાળકોને હાથે પકડાઈ જાય અને શરમની મારી જે ઇન્ફીરિયોરિટી કૉમ્પ્લેક્સ અનુભવે તેવી લાગણી આ ક્ષણે તેઓ અનુભવી રહ્યાં હતાં. (અને અમે પણ!) હોસ્ટ વિજયના સ્મિતનો ટંકાર કર્યો. હુતુતુ રમતો રમતવીર, સામેના પક્ષમાં ઘૂસી તેને આઉટ કરી પોતાના પટમાં પાછો ફરે તેમ ફરી તેની જગ્યાએ જતાં તેણે ગર્વથી ગરદન ટટ્ટાર કરી અને છેલ્લી નજર બંને પર નાખી. નજરના ડંખની પીડાથી બંને તરફડી ઊઠી! હું તરત ઊઠી. કારની ચાવી લીધી. બાજુમાં નજર જતાં હું આઘાતથી સ્તબ્ધ થઈ ગઈ. પતિદેવ ઝોકાં ખાઈ રહ્યા હતા. ઓહ દુર્દેવ! પુત્રીઓના પરાજયની ક્ષણે પિતા ઊંઘી રહ્યા હતા! “મેરી આંખે તેરે સપને”માં અસ્સલ આવી જ સિચ્યુએશન હતી. પણ સમય બગાડવો પોષાય તેમ નહોતો. મેં ઝટપટ સાડી બદલી. (જે તનુને “દામ ઔર માલ” કાર્યક્રમમાં ભેટ મળેલી). ચંપલ પહેર્યા (જે અમીએ શૂઝ કે ઢાઈ હજાર કે ગિફ્ટ વાઉચર પરથી ખરીદ્યાં હતાં) અને ગાડી ભગાવી મૂકી. એ રાત્રે તેમને ઘેર તો લાવી પણ બંને બહુ દુઃખી અને ઉદાસ રહેવા લાગી. પરીક્ષામાં નાપાસ થતાં ઘરેથી ભાગી ગયેલાં કે આપઘાત કરતાં અનેક બાળકોના કિસ્સા મને યાદ આવ્યા. આખરે અમે બંનેને સાઇકાટ્રિસ્ટ પાસે લઈ ગયાં. એણે અમી-તનુને ખૂબ સમજાવ્યાં. આગળ દોડવા જનારે બે ડગ પાછળ જવું પડે છે, તેમ સતત વિજય કરનારે એકાદ પરાજ્ય ખમી ખાવો પડે છે, પરદેશની મોંઘી દવાઓ લખી આપી ત્યારે પાછું માંડ બંનેનું થાળે પડ્યું. મારાં કાકીજીએ તો ઘેર આવીને બંને પરથી નજર પણ ઉતારી! અમે ફરી સઘન તાલીમ ને રિફ્રેશર કોર્સ દીકરીઓ માટે શરૂ કર્યો. કારણ કે હરીફાઈ વધી રહી છે. અને આ અનોખી કારકિર્દી માટે તેજસ્વી બાળકો આગળ આવી રહ્યાં છે. અમી હોસ્ટેસ બનવાની તૈયારી કરી રહી છે. અમારો દાણાવાળો ધમાકા સાથે નવી ચૅનલ લોન્ચ કરી રહ્યો છે. અને આવતે મહિને અમીનો ઇન્ટરવ્યૂ તે લેશે. તનુ અભિનયના પાઠ શીખી રહી છે. તે સિરિયલમાં પોતાનું સ્થાન જમાવવા માગે છે. ન્યૂયૉર્કમાં ‘મિસળ’ નામનું ધમધમતું રેસ્ટોરાં ચલાવતા મિ. પટેલ એક એન.આર.આઈ. સોફ્ટવેર કંપની સ્થાપી રહ્યા છે. તેઓ જૂની ક્લાસિકલ ફિલ્મોનાં નામ પરથી કમાલની કૉમેડી સિરિયલ બનાવી રહ્યા છે. અનારકલી પરથી અનાર અને કલી નામની બે બહેનો જે જાતજાતનાં પરાક્રમો કરે છે તેની સિરિયલ છે. તેમાં અનારના રોલ માટે તનુ સ્ક્રીનટેસ્ટમાં પાસ થઈ ગઈ છે. એના પછીના પ્રોજેક્ટમાં ‘પાથેર અને પાંચાલી’ નામનું દંપતી જાતજાતના ગોટાળા કરે છે, તેની વાત છે. પંકજે નોકરી છોડી દીધી છે. ભલેને એન્જિનિયર થયો હતો, પણ જિંદગીમાં મેળવ્યું શું? હવે એણે બિઝનેસ શરૂ કર્યો છે, ટી.વી.ના કાર્યક્રમોમાં ઓડિયન્સ સપ્લાય કરવાનો. તેમનેય અઠવાડિયું તાલીમ તો આપવી પડે છે. ક્યારે, કઈ રીતે કેટલી તાળીઓ પાડવી. જૂહુ પર એક ફ્લૅટ અમે બૂક કર્યો છે. ફિલ્મની કથા જે વાંચે, નિત્ય શ્રવણ કરે તેનાં સર્વ દુઃખો દૂર થાય છે. આ મારો જાત અનુભવ છે. પ્રયોગ કરી જોજો. બેસ્ટ લક.

વર્ષા અડાલજા
‘નવનીત-સમર્પણ’માંથી