બે દેશ દીપક/ધાર્મિક કસોટી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ધાર્મિક કસોટી

આજે નિર્જળા એકાદશી છે વ્રતનો આદેશ તો છે નિર્જળો ઉપવાસ કરવાનો, પરંતુ વ્રતધારીએાએ તો જળ ત્યજીને દિવસભર તરબૂચ અથવા શરબતનાં પાન આદરી દીધા છે બિમાર પડી જાય એટલી હદ સુધી તરબૂચ આરોગે! કેવી અદભૂત લીલા છે આ ધર્મિષ્ઠોની! આજે મારી ધાર્મિક પરીક્ષાનો દિવસ છે. પિતાજી પોતાના ઈષ્ટદેવની પૂજામાં કદી આળસ ન કરતા, છતાં બીજી બાજુ મુસ્લિમોની કબરોને પૂજનારા અનેક હિન્દુઓને તેમાંથી અટકાવવા તત્પર રહેતા. સેંકડો માણસોને એણે કબ્રસ્તાનમાંથી વાળી લઈ ઠાકોર-પૂજા પર સ્થિર કર્યા હતા. આજ પક્ષાઘાતથી પીડાતા પિતા આખા કુટુંબને હાથે સંકલ્પ કરાવતા હતા. ઘડામાં પાણી ભરેલું ને ઢાંકણી પર અકકેક તરબૂચ અને દક્ષિણા મુકેલ મારા સિવાય સહુ કુટુંબીજનો હાજર થઈ ગયેલ: એમણે સંકલ્પ કરાવવા માટે મને બોલાવવા માણસ મોકલ્યો. મેં ઊંઘવાનો ઢોંગ કર્યો, પણ નોકરે મને ન છોડ્યો. મારે જવું જ પડ્યું. એ દૃશ્ય હું કદી નહિ ભૂલું. રવેશમાં ઘડાએાની લાંબી હાર, અને પ્રત્યેક ઘડાની સામે મારો અક્કેક કુટુંબી બેઠેલો : એક ઘડાનું આસન મારે માટે ખાલી પડેલું. હું જઈ છાનોમાનો ઊભો રહ્યો. પિતાજી બોલ્યા ‘આવ મુન્શીરામ! ક્યાં હતો? બધાએ સંકલ્પ કરી લીધો છે. હવે તું પણ કરી લે. એટલે હું નિવૃત્ત થઈ જાઉં.' સ્પષ્ટ કહેતાં હું ડર્યો મેં ઉડાઉ ઉત્તર દીધો ‘પિતાજી, સંકલ્પનો સંબંધ તો હૃદયની સાથે છે, આપે સંકલ્પ કર્યો છે, તો તે આપનું જ દાન છે. ચાહે તેને દો' હું આર્યસમાજી બન્યો તે ખબર પિતાજીને મળી ચુક્યા હતા. પણ બિમારી દરમ્યાન ભૂલી ગયેલા તે એમને અત્યારે યાદ આવ્યું. દૂભાઈને એ બોલ્યા : ‘કેમ મારું ધન એ તારું નથી? તો પછી એમાંથી દાન દેવાનો તારો અધિકાર કેમ નહિ? સાચું કારણ કેમ કહેતો નથી? શું તને એકાદશી અને બ્રાહ્મણપૂજા પર વિશ્વાસ નથી?' ‘બ્રાહ્મણત્વ પર તો વિશ્વાસ છે, પરંતુ જેઓને આપ આ દાન દેવા માગો છો તેઓ મારી દૃષ્ટિએ બ્રાહ્મણ નથી. અને એકાદશીના દિવસમાં કાંઈ વિશિષ્ઠતા પણ નથી.' સાંભળતાં જ પિતાજી ચકિત થઈ મારી સામે નિહાળી રહ્યા. મારાં નેત્રો નીચાં ઢળ્યાં. પિતાજી બોલી ઊઠ્યાઃ ‘મેં તો મોટી આશાએ તને નોકરી છોડાવી વકીલાત પર વાળેલો. તારી પાસેથી ઘણી મોટી સેવાની મને આશા હતી. એ બધાનું શું આ ફળ મળ્યું? સારું, જાઓ!' બે ત્રણ દિવસ સુધી તો પિતાજીએ મારી સાથે અબોલા રાખ્યા. હું પણ તેમની સન્મુખ જતાં શરમાયો, પરંતુ મારા ઉપરના એમના વાત્સલયની સામે આ અબોલા ટકી ન શક્યા. નિર્જળા એકાદશીનો પ્રસંગ તો જોતજોતામાં વિસારે પડી ગયો. મારી રજાઓ પણ પિતાજીની સારવારમાં તેમજ ઋગવેદ ઈત્યાદિના વાચનમાં ખલાસ થઈ ગઈ અને મારી વિદાય વેળાએ કસોટીનો બીજો અવાજ આવી પહોંચ્યો. એ અવાજ વધુ ઘોર હતો. નાઘોરી બળદ જોડાવીને અમારી માંઝોલી મને લાહોર લઈ જવા તૈયાર રખાવી હતી અને હું પિતાજીને પ્રણામ કરવા ગયો. મારા નમેલા મસ્તક પર બિમાર પિતાજીએ પોતાનો હાથ મૂકી મને આશીર્વાદ દીધા પણ હું ચાલતો થાઉ ત્યાં તો પિતાજીએ કહ્યું ‘બેસ જરા વાર.' નોકરને ઈસારત કરવામાં આવી. તુરત એક થાળીમાં મીઠાઈ અને મીઠાઈ ઉપર એક આઠ આની હાજર થયાં. ‘જા બેટા, પિતાજી બોલ્યા, ‘ઠાકોરજીને આ થાળી ધરી માથું નમાવી, પછી વિદાય થઈ જા. હનુમાનજી તારી રક્ષા કરશે.' સાંભળીને હું તો સ્તબ્ધ બની રહ્યો. કાપો તો લોહી ન નીકળે! મેાંમાંથી જવાબ પણ નીકળી શક્યો નહિ. ચૂપચાપ બનીને હું થંભી રહ્યો. ‘ભીમા,' પિતાજીએ નોકરને આજ્ઞા દીધી, “આ આઠઆનીને બદલે રૂપિયો મૂક તો!' પિતાજીએ મારા સદાના ઉદાર સ્વભાવ પરથી મારી ચુપકીદીનો એવો અર્થ બેસારી દીધો કે દીકરાને કદાચ આઠઆની જેટલી ક્ષુદ્ર રકમથી લજજા આવતી હશે! રૂપિયો હાજર થયો. પિતાજીએ મારી સામે જોઈને કહ્યું ‘લે બેટા, જા હવે બસ થયું ને? જા, થાળી ધરાવી આવ.' ‘ના પિતાજી!' મેં આખરે ભ્રમણા ભેદી; ‘એ કારણ નથી, પરંતુ હું મારા સિદ્ધાંતની વિરૂદ્ધ વર્તન તો શી રીતે કરી શકું? હા, સાંસારિક વ્યવહારમાં આપ જે આજ્ઞા આપો તે ઉઠાવવા હાજર છું.” એટલું કહીને હું ચુપ થઈ ગયો. ‘શું!!!' પિતાજીએ રોષથી તપી જઈને હાકલ દીધી શું તું મારા ઠાકોરજીને પત્થર સમજે છે?' ‘મારે માટે તો પરમાત્માથી બીજે દરjજે આપ જ મારા આરાધ્ય દેવતા છો. પરંતુ આપ શું એમ ચાહો છો પિતાજી, કે આપનું સંતાન પાખંડી બની જાય?' ‘કયો બાપ પોતાના સંતાનને પાખંડી બનાવવા ચાહે?' લડથડતી જીભે પિતાજીએ હુંકાર્યું. ‘તો પછી મારે મન તો આ મૂર્તિઓ પાખંડ સિવાય બીજું કશું જ નથી.' ‘હાય રે ભગવાન!' પિતૃદેવનું અંતર ભેદાતું હોય એમ નિઃશ્વાસ સરી પડ્યો. ‘મને હવે ભરોસો નથી, કે મરતી વેળા મારા મોંમાં કોઈ પાણી મૂકનાર પણ રહેવાનો. ઠીક પ્રભુ! જેવી તારી ઈચ્છા!' જાણે કે હું ધરતીમાં ખૂંચી ગયો. દસ મીનીટ સુધી મને શુદ્ધિ ન રહી. પિતાજી પણ પ્રતિમાવત ચુપ થઈ ગયા. આખરે એણે મને ધીરેથી કહ્યું: ‘ઠીક, હવે રસ્તે પડો. મોડું થાય છે.' ચુપચાપ પ્રણામ કરીને હું માંઝોલીમાં ચડી બેઠો. માંઝોલી લાહોરને માર્ગે પડી. રસ્તામાં મને વિચાર ઉપડ્યા : જો હું પિતાજીની માન્યતાઓની સાથે સંમત નથી, જો હું એમની સ્વર્ગ-પ્રાપ્તિનું સાધન નથી બની શકતો, જો એમની પાછળ શ્રાદ્ધ, તર્પણ ઈત્યાદિ વહેમી ક્રિયાઓ આચરવા હું તૈયાર નથી, તો મને શો અધિકાર છે કે એમની કમાણીનો હું ભાગીદાર બનું? ખરચીના જે રૂપિયા પચાસ મેં ચાલતી વેળા પિતાજી પાસેથી લીધેલા તેનું પડીકું બાંધીને મેં પાદરમાંથી જ એક પિછાનવાળા માણસ જોડે પિતાજીને પાછા મોકલી દીધા. અને સાથે એક ટૂંકો પત્ર લખ્યો કે “આપની માન્યતા વિરુદ્ધ વર્તનાર પુત્રને આપશ્રીનાં અન્ય સુપાત્ર સંતાનોના વારસામાં જરી પણ ભાગ પડાવવાનો અધિકાર નથી રહ્યો. બાકી તો પ્રભુ આપણ બન્નેને જીવતા રાખશે તો મારી પુત્રભેટ આપના ચરણમાં ધરતો જ રહીશ.” માંઝોલી અરધો ગાઉ તો માંડ ગઈ હશે ત્યાં તો પાછળ ઘોડેસવાર આવતો દેખાયો. માંઝોલી ઊભી રાખી. આવીને એણે મને રૂપિયાનું પડીકું પાછું સોંપ્યું અને પિતૃદેવનો મોઢાનો સંદેશો સંભળાવ્યો કે ‘તું પ્રતિજ્ઞા કરીને ગયો છે કે મારી સાંસારિક આજ્ઞાઓ નહિ ઉથાપે. મારી સાંસારિક આજ્ઞા છે કે આ રૂપિયા લઈ જા અને બીજા રૂપિયા બરાબર નિયમિત મંગાવતો રહેજે.' જાલંધરમાં પિતાજી પેન્શન લેવા આવ્યા. હું એ વખતે આર્યસમાજના ઉત્સવના સપ્તાહમાં રોકાયો હતો. પિતાજી આવ્યાના ખબર મળતાં જ મંદિરમાંથી દોડી એમને નમસ્કાર કરી ચરણસ્પર્શ લીધો, પિતાજીએ પૂછ્યું “શું અધિવેશન સમાપ્ત થઈ ગયું?” મેં સંકોચાઈને કહ્યું “ભોજન અને આરતી બાકી છે.” પિતાજીએ પ્રેમભરપૂર શબ્દે કહ્યું “ત્યારે શા માટે ઉતાવળ કરી? અધિવેશન સમાપ્ત થયા પછી જ આવવું હતું ને!” સાંભળી હું વિસ્મય પામ્યો. તલવનમાં તે દિવસ મૂર્તિ પાસે થાળ મૂકવાની ના પાડતી વેળાનો રોષ કયાં! ને આજનો આ પ્રેમ ક્યાંથી! સમજાયું નહિ. પણ વળતે દિવસે બધો ભેદ ખુલ્લો થયો. બનેલું એવું કે જાલંધર જતી વેળા ‘સત્યાર્થ પ્રકાશ' અને ‘પંચ મહાયજ્ઞવિધિ' નામના મારા બે ગ્રંથો ઘેર પડ્યા રહ્યા હતા. પિતાજીએ આ પુસ્તકો દેખીને પંડિત કાશીરામજીને કહ્યું ‘વાંચી સંભળાવો તો! પણ જોજો હો નિંદાથી ભરપૂર નાસ્તિકતાનો ગ્રંથ હોય તો તે મારે નથી સાંભળવો.” પંડિત કાશિરામ ચતુર હતો. એણે પહેલો પ્રથમ બ્રહ્મયજ્ઞનો પાઠ સંભળાવ્યો. પિતાજી સાંભળતા ગયા તેમ તેમ શ્રદ્ધા વધતી ગઈ, પછી સત્યાર્થપ્રકાશનો પ્રથમ સમુલ્લાસ સંભળાવ્યો. સાંભળીને પિતાજી બોલ્યા, “પંડિતજી! હું તો આજ સુધી અવિદ્યામાં જ પડ્યો રહ્યો. મારો મોક્ષ શી રીતે થશે? આજ સુધી તો મેં નકામી ક્રિયાઓ કરી! હવે તો હું વેદની જ સંધ્યા કરીશ.” પિતાજીએ વેદમંત્રો ને અર્થો કંઠે કરવા માંડ્યા. અને ફરીવાર મને જાલંધરમાં જોયો ત્યારે મારા પરની એમની નારાજી પ્યાર રૂપે પલટી ગઈ. પિતાજીનું અસીમ વાત્સલ્ય ફરીવાર પ્રગટ થયું. એમની ફરીવારની બિમારીને કારણે હું ઘેર ગયેલો હતો. અને એને મંત્રથી ઉપચાર કરવાનો ઢોંગ આચરનાર એક સાધુને મેં ઉઘાડો પાડ્યો હતો. સાધુજીને રવાના કરી પિતાજીએ મને એકાન્તે બોલાવ્યો. નોકરને ઈસારત કરતાં જ નેાકરે એક કાગળનું પરબીડિયું હાજર કર્યું. “એને ખોલ તો બેટા!” પિતાએ આજ્ઞા કરી. મેં એ ખેાલ્યું. અંદર જોઉં તો એક તામ્રલેખનું પતરું અને એક કાગળ પર લખેલું વસિયતનામું દીઠું. વસિયતનામાની અંદર વાંચું તો ત્રણે મોટેરા ભાઈઓના નામ પર કેવળ મકાન ને જમીન: અને તમામ રોકડ દ્રવ્ય તેમજ આભૂષણો મારા નામ પર! વિશેષમાં બધાં ધર્મ-કાર્યો પણ મને જ ભળાવવામાં આવેલાં! મારા શિર ઉપર કોઈ આફત ઊતરી હોય તેવો ગમગીન બનીને હું બેઠો રહ્યો, પિતાએ પૂછ્યું: ‘કેમ રે મુન્શીરામ! ચુપ કાં થઈ ગયો?' ‘મારા વ્યાજબી હિસ્સા ઉપરવટનો લગાર પણ વારસો સ્વીકારવા હું તૈયાર નથી.' મેં નરમાશથી કહ્યું. ‘બેટા!' ઉભરાતા પ્યાર સાથે પિતા બોલ્યા, “તારા આર્યસમાજમાં જોડાવાથી મને જેટલો રોષ થયો હતો તેટલો બલકે તેથી પણ વિશેષ સંતોષ મને આજે તારા પ્રતિ થઈ ચુક્યો છે, ને મારી ખાત્રી થઈ છે કે મારી ધાર્મિક આશાઓ પણ તું જ પૂરી કરવાનો.' ‘પ્રથમ મને એક કોલ આપો.' ‘માગી લે, મારો કોલ છે.' ‘જો આપ વસિયતનામું કરશો, તો હું મારો વ્યાજબી હિસ્સો પણ સ્વીકારવાની ના પાડું છું, ને જો વસિયતનામું ફાડી નાખવાની રજા આપશો, તો હું પ્રતિજ્ઞા કરું છું કે જે ધર્મ-કાર્યો મારી પાસે કરાવવાના આપના સંકલ્પ છે, તેને પાર ઉતારવા હું મારું જીવન અર્પી દઈશ.' ‘આ તામ્રલેખ તથા વસિયતનામું તો હવે તારી જ માલિકીની વસ્તુ છે; તેને તું ચાહે તે કરી શકે છે.' પિતાજીની આજ્ઞા મળતાં મેં વસિયતનામાના ટુકડા કર્યા. એમના ચરણોમાં શિર નમાવીને હું ચાલ્યો આવ્યો. ત્યાર પછીના મારા જીવનમાં જે કાંઈ શુભ કાર્યો મારાથી બની શક્યાં છે, તે બધાં પિતૃદેવ પાસેથી તે દિવસ કરેલી પ્રતિજ્ઞાનાં જ ફળો છે. એ ઘટનાના સ્મરણમાત્રથી પણ હું અનેક ઊંડી ખાઈઓમાં ગબડતો બચ્યો છું. કામ ક્રોધ ઈત્યાદિ શત્રુઓના હુમલામાંથી પણ પિતાજીની એ દિવસની કરૂણાભરી દૃષ્ટિનાં સ્મરણોએ જ મને ઉગારી લીધો છે. માતાના મૃત્યુ પછી પિતાજીએ જ મને માતૃપ્રેમથી અપનાવ્યો હતો. જનેતાના હેતનો અભાવ મને એણે જણાવા દીધો નહોતો. અને આજે ય જો મારા અંતરમાં પણ મારાં પુત્રપુત્રીઓને માટે કદી જનેતાની વહાલપ જાગતી હોય, તો તેનું પ્રેરક હૃદય મારા પિતાજીનું જ છે. ફરીવાર પિતાજીની હાલત ગંભીર હોવાના સમાચાર આવ્યા ને હું તલવન જવા ચાલી નીકળ્યો. મને દેખતાં જ એમનો જર્જરિત હાથ ઊંચો થયો ને મને એમણે આશીર્વાદ દીધા. મેં જોયું કે મોટાભાઈ પ્યાલામાં કાંઈક પીવાનો પદાર્થ લઈને ઊભા છે, તુરત પિતાજીએ કહ્યું : ‘જો મુન્શીરામ કહે કે આમાં માંસ નથી, તો હું પી જઈશ. મને જીવાડવા ખાતર પણ એ જૂઠું નહિ બોલે” હું ચક્તિ થયો. ભાઈને અલગ લઈ જઈને મેં ભેદ પૂછ્યો. ખબર પડી કે કોઈ એક હકીમે મુરઘીનાં બચ્ચાંનો શોરબો અનુપાન તરીકે બતાવ્યો, તે પરથી ભાઈએ એ બનાવી, ચણાનો ક્ષાર કહીને પિતાજીને પાયો. પીતાંની વાર જ પિતાજીએ થૂંકી નાખ્યું અને તે પછી અઢાર કલાક થયાં કાંઈ પણ ખાવાપીવાનું લીધું નથી. તેથી જ અત્યારે સાચા ચણાના ક્ષારમાં પણ તેમને માંસનો ભેળ હોવાની શંકા પડી છે! મેં જઈને પ્યાલો ધર્યો, પિતાજીએ પૂછ્યું કે ‘પી લઉં?' મેં કહ્યું ‘હા!' એટલું કહેતાં જ એ ઉતારી ગયા. પણ એમનો અંત નજીક આવી પહોંચ્યો હતો. દવાની કારી ફાવી નહિ, મને પાસે બેસારીને ઉપનિષદનો પાઠ કરવા કહ્યું. હું રટવા લાગ્યો. પણ હેડકી જોરથી ઉપડેલી તેથી સંભળાતું નહોતું. પિતાની છેલ્લી આજ્ઞા થઈ કે ‘હવન કરાવો!' ‘ભજન બોલો!' અમારા મુન્શી કૃષ્ણભજન કરવા લાગ્યા એટલે પોતે બોલ્યા કે ‘કોઈ નિર્વાણ-પદ બોલો.' તુરત સૂરદાસજીનું પદ ઉપડ્યું. જાલંધરથી હવનની સામગ્રી આવી પહોંચી. સાંજે હું વેદનું ગુંજન કરવા લાગ્યો. મારા કાકાએ ગીતાનો પાઠ ઉપાડ્યો. સાંભળતાં સાંભળતાં જ પિતૃદેવની નાડી બંધ પડી ગઈ. ‘મારાં ધર્મકાર્યો તું જ પાર ઉતારજે!' એ પિતૃ-સંદેશ મારા અંતરમાં ગુંજી રહ્યો.