ભજનરસ/ઉપાડી ગાંસડી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઉપાડી ગાંસડી

ઉપાડી ગાંસડી વેઠની રે, કેમ નાખી દેવાય?

નબળાની હોય તો નાખી રે દઈએ,
આ તો વેવારિયા શેઠની રે,
કેમ નાખી દેવાય?-

અણતોળી ગાંસડી ને અડવાણા ચાલવું,
એની નજર રાખવી ઠેઠની રે,
કેમ નાખી દેવાય?-
 
ઝીણી ઝીણી રેતી તપે છે.
લૂ તો ઝરે છે માસ જેઠની રે,
કેમ નાખી દેવાય?-

મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
દાઝ્યું ઓલાય મારા પેટની રે,
કેમ નાખી દેવાય?-

પ્રેમને માર્ગે ગમે તેટલો બોજો અને મુસીબતો આવે પણ ભક્તને મન એ ફૂલની પાંખડી અને મૌજની રમત બની જાય છે. વેઠ કહેતાં જ આપણા મનમાં બળજબરી, ત્રાસ, પરાણે ઢસરડો એવા ભાવ જાગે પણ આ ભજન વેઠ શબ્દનાં કઠણ છોતરાં-ફોતરાં ઊખેડી નાખી અંદરના આનંદરસનું પાન કરાવે છે. મીરાંની આત્મમસ્તીનો ટહુકો આ ભજનમાં પદે પદે સંભળાય છે.

ઉપાડી ગાંસડી... વેવારિયા શેઠની રે

ભજનના ઉપાડથી જ આપણી સામે એક ચિત્ર ખડું થાય છે. કોઈ પરગજુ, દયાળુ જીવ મીરાંને પૂછે છે : અરે, બાઈ! શા માટે આવડી મોટી વેઠની ગાંસડી માથે ઉપાડી જાય છે? મેલને પડતી. તારે શું કામ આવો બોજો વેઠવો જોઈએ? જવાબમાં જાણે મીરાંના મોં પર મલકાટ ને બેએક વેણ સરી પડતાં દેખાય છે. કહે છે : ખરી વાત. આ ગાંસડી નાખી જ દઉં. કોઈ નિર્માલ્ય અને નાદાન માણસની એ સોંપણી હોત તો નાખી જ દીધી હોત. પણ શું કરું? આ તો આખા વિશ્વનો કારભાર ચલાવતા સબળ ધણીની સોંપણી છે. એ તો તલેતલ ને રજેરજનો જવાબ માગે. અમારે તો મૂળથી એ વેરિયા શેઠ સાથે નામનો વેવાર. અમે એનાં વાણોતર : નરસિંહની સાખે :

અમે રે વેવારિયા શ્રી રામનામના,
વેપારી આવે છે સહુ ગામ ગામના.

કહો, આ ‘નામ ગઠરિયાં’ ક્યાંથી નાખી દેવાય? એટલે તો ભાઈ, બાંધ ગઠરિયાં હૈં તો ચલી.’

અણતોળી ગાંસડી... ઠેઠની રે

પણ દયાળુ જીવ એમ મીરાંને છોડે તેમ નથી. એ વળી પૂછે છે : તેં આ ગાંસડીનું તોલમાપ તો કરાવ્યું છે ને? કે બસ એમ જ ઉપાડી લીધી? કાંઈ લખ્યું જોખ્યું છે તારી પાસે? આ તો વેઠનો વારો. ભલે મજૂરી કે મહેનતાણું ન મળે. પણ આટલા કામના બદલામાં કાંઈ ઈનામ, બક્ષિસ, માન-અકરામ ખરું કે નહીં? વળી મીરાંના મોં પર મલકાટ ને જવાબ : ના રે બાપુ, શું માપ કે શું જોખ? ગાંસડી તો અણતોળી જ ઉપાડી લીધી છે. ન શિરની ફિકર, ન પગની પરવા.મારી નજર તો એની રખવાળીમાં છે. મારે તો ઠેઠ, માલિકના ધામ સુધી પહોંચાડવી એ જ લગન છે મનમાં. મારો શ્વાસ તૂટે પણ એનું સોંપેલું કામ વચ્ચે ન અટકે ન બટકે. મારી સુરતા તો ગાતી જાય છે :

મેરો મન લાગો હરિજી સૂં
અબ ન રહૂંગી અટકી.

આપણને પણ પ્રશ્ન થાય. ભક્તોને જીવનનો બોજો કે થાક કેમ નહીં લાગતો હોય? સંસારનાં સંકટો વચ્ચે આંતરિક સાધનાનો તાર એ કેમ કરી જાળવી રાખતા હશે? એનો જવાબ રવીન્દ્રનાથના એક મુક્તકમાં છે. એ કહે છેઃ

‘તુમિ જત ભાર દિયેછો પ્રભુ,
દિયેછો કરિ સોજા,
આમિ જત ભાર જમિયે તુલેછિ
સકલિ હોયે છિ બોજા.

પ્રભુ તમે જેટલો ભાર આપો છો એ તો હળવો કરીને આપો છો, પણ હું જે કાંઈ ભાર ભેળો કરી રાખું છું એ તમામ બોજો બની જાય છે.’

તો આ રહસ્ય છે. જે આપે છે એ તો હળવે હાથે, હળવું કરીને આપે છે. પણ આપણે ભૂત અને ભાવિની વ્યથાઓ-ચિંતાઓ-આશા-નિરાશાઓનો જે ગંજ ખડકીએ છીએ એ જ બોજો બની જાય છે. એક સંતે આ વાત વર્તમાનની ટચલી આંગળી પર ઉપાડીને કહી છે :

બીતત સો ચિંતત નહીં, આગે કરે નહીં આસ,
આઈ સો સિર પર ધરી, જાન હરિ કા દાસ.

મીરાં માત્ર હિરની દાસી નથી, હિરની લાડલી છે, એટલે આ વાત વધુ સારી રીતે સમજી શકે ને?

ઝીણી ઝીણી... માસ જેઠની-

મીરાંનાં પગલાં હળવાં પડતાં હશે પણ પેલાં ગાંસડી જોનારને હૈયે મ નહીં હોય. એ વળી પૂછતા જણાય છે : ચાલો, ગાંસડી ભલે અણતોળી રહી, ભલે પગરખાં ન પહેર્યાં પણ તારો રસ્તો કેવોક છે? એ તો મોટા ધણીનો મારગ એટલે ફૂલથી ભરેલ ને ઘટાદાર છાયાથી છવાયેલો જ હશે ને! એમાં કાંઈ કહેવાનું હોય? મીરાંના જવાબમાં ત્રણ વસ્તુઓ આંખો સામે તરવરી રહે છે ઃ ઊની ઊની અને ઝીણી હોવાથી ઊડતી રણની રેતી, જેઠ મહિનાનો આકરો તાપ અને લૂ-ઝરતા વાયરા. પણ પેલી ધ્રુવપંક્તિ એ સર્વને હસી કાઢી, સામે જ પૂછે છે : કેમ નાખી દેવાય? —ઉપાડી ગાંસડી વેઠની.

મીરાં કે પ્રભુ... પેટની રે-

ભક્તિનો મારગ ખાંડાની ધાર છે, પ્રેમનો પંથ પાવકની જવાલા છે પણ ભક્ત એના પર આનંદથી પસાર થાય છે, કારણ કે એના અંતરમાં આથી પણ વધુ ભીષણ આગના ભડકા ઊઠે છે. દાવાનળની લાલ અગ્નિશિખાઓમાં જાણે નરી શ્વેત આગનું અનલપંખી ઊડતું જાય છે. પ્રિયતમના મિલન વિના એને વિરામ ક્યાં? વિશ્રામ ક્યાં? મીરાં કહે છે, આ પંથ કરતાં તો મારા પંડમાં વિરહની આગ ક્યાંય વધારે છે. એને ઠારવા માટે મેં આ પંથ લીધો છે, આ ગાંસડી ઉપાડી છે. હવે તો આ માર્ગ મૂકવા માગું તોયે મૂકી શકું એમ નથી. મીરાંની વાણી :

હરિવર મૂક્યો કેમ જાય?
હવે મુજથી હરિવર મૂક્યો કેમ જાય?
નંદકુંવર સાથે નેડલો બંધાણો
પ્રાણ ગયે ન છુટાય.

આવી પ્રાણથીયે વધુ પ્રબળ ઝંખના માટે કહેવાયું હશે :

હરિ ન વિસરે, તેને હરિ ન વિસારે.