ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/પરપુરંજયની કથા
(બ્રાહ્મણોની મહાનતા જાણવા પાંડવો માર્કંડેય ઋષિને પ્રશ્ન પૂછે છે ત્યારે તેઓ તેમને આ કથા કહે છે)
હૈહયવંશના એક રાજકુમાર પરપુરંજય શિકાર કરવા નીકળી પડ્યા. વૃક્ષો અને તણખલાંથી ભરેલા એક વનમાં ઘૂમતાં ઘૂમતાં રાજકુમારે કાળા હરણનું ચામડું ઓઢીને બેઠેલા એક મુનિને જોયા. રાજાએ હરણ માનીને તેનો શિકાર કર્યો. પછી જ્યારે ખબર પડી ત્યારે રાજાને બહુ પશ્ચાત્તાપ થયો, તે આકળવિકળ થઈ ગયા. પછી તે રાજાએ હૈહયવંશી રાજાઓ પાસે જઈને બધી વાત કરી. તે રાજાઓએ પણ ફળમૂળ ખાનારા મુનિના મૃત્યુની વાત જાણીને તથા રાજાને દુઃખી જોઈને બહુ શોક કર્યો. ‘આ મુનિપુત્ર કોણ છે?’ એમ પૂછીને તે ચારે બાજુ તેની શોધ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં તેઓ અરિષ્ટનેમી મુનિના આશ્રમમાં જઈ પહોંચ્યા. બધા ઋષિને વંદન કરીને તેમની પાસે બેઠા. મુનિ તે બધાનો સત્કાર કરવા માગતા હતા. પરંતુ તે બધાએ ઋષિને કહ્યું, ‘અમે તમારી પાસેથી સત્કાર પામવા યોગ્ય નથી, અમારાથી એક બ્રાહ્મણનો વધ થઈ ગયો છે. અમારા જ કર્મદોષનું આ ફળ છે.’
તેમની વાત સાંભળીને મુનિ બોલ્યા, ‘તમે કયા બ્રાહ્મણનો ક્યાં વધ કર્યો છે? તમે બધા આ બધું વિગતે કહો અને મારા તપનું ફળ જુઓ.’
પછી તેમણે બધી વાત કહી. જ્યાં તેનો વધ થયો હતો ત્યાં ગયા પણ કોઈ શબ ન જોયું, એટલે તેને શોધવા લાગ્યા પણ કશું ન મળ્યું એટલે ખૂબ સંકોચ પામ્યા અને પછી અરિષ્ટનેમી પાસે આવ્યા. પછી તે ઋષિએ કહ્યું, ‘તમે જે મુનિનો વધ કર્યો છે તે મારો જ પુત્ર હતો, તપ અને વિદ્યાથી તે સમૃદ્ધ હતો. શું આ એ જ છે?’
એ મૃત પુત્રને સજીવન જોઈ રાજાઓને બહુ અચરજ થયું. ‘આ મરેલો બ્રાહ્મણ કેવી રીતે જીવતો થયો? આ શું કોઈ તપનું ફળ છે?’
મુનિએ કહ્યું, ‘અમારી ઉપર મૃત્યુનું સામર્થ્ય કદી ચાલી શકતું નથી. એનું કારણ સાંભળો. અમે સદા સત્યપાલન કરીએ છીએ. અમે કદી અસત્ય બોલતા નથી. અમે ધર્મપાલન કરીએ છીએ. જે બ્રાહ્મણોને માટે સુખદ કર્મ છે તે જ પાળીએ છીએ. પાપની વાત જીભે આણતા નથી એટલે જ અમને મૃત્યુનો ભય નથી. અમે અન્ન-જળ આપીને અતિથિપૂજા કરીએ છીએ, નોકરચાકરોને અન્ન આપીને પ્રસન્ન કરીએ છીએ. પવિત્ર-તેજસ્વી સ્થળે યોગસિદ્ધ મહાપુરુષોના સહવાસમાં રહીએ છીએ એટલે અમને મૃત્યુનો ભય નથી. હે રાજાઓ, હવે તમે નિરભિમાની થઈને નીકળો, હિંસાના પાપનો ડર રાખ્યા વિના.