ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/પ્રહ્લાદ અને શીલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રહ્લાદ અને શીલ

દૈત્ય હોવા છતાં પ્રહ્લાદે શીલનો આશ્રય લઈને ઇન્દ્રનું રાજ્ય હરી લીધું હતું અને ત્રણે લોકને પોતાના વશમાં કર્યા હતા. ત્યાર પછી મહાપ્રાજ્ઞ ઇન્દ્ર બે હાથ જોડીને બૃહસ્પતિ પાસે ગયા અને બોલ્યા, ‘હું મારા કલ્યાણનો ઉપાય જાણવા માગું છું.’

ત્યારે ભગવાન બૃહસ્પતિએ દેવેન્દ્રને પરમ કલ્યાણ સંબંધી જ્ઞાનની વાતો કરી. બૃહસ્પતિએ મોક્ષને ઉપયોગી જ્ઞાનની કથા કહી ‘આટલાથી જ કલ્યાણ છે.’ કહ્યું. દેવરાજે ફરી પૂછ્યું, ‘આનાથી વધારે કશું કલ્યાણદાયક છે કે નહીં?’

બૃહસ્પતિએ કહ્યું, ‘હે દેવેન્દ્ર, આ વિષયમાં હજુ જે વિશેષ છે તે મહાત્મા શુક્રાચાર્ય જાણે છે. તું તેમની પાસે જઈને આ વિશે પૂછ. તારું કલ્યાણ થાઓ.’

મહા તપસ્વી પરમ તેજસ્વી દેવરાજે પોતાના કલ્યાણ માટે પ્રેમથી ભાર્ગવ (શુક્રાચાર્ય) પાસેથી શ્રેયનું જ્ઞાન મેળવ્યું. મહાત્મા ભાર્ગવે ઉપદેશ આપ્યો તે પછી ઇન્દ્રે ફરી તેમને પૂછ્યું, ‘શું આનાથી વિશેષ છે?’

ધર્મજ્ઞ શુક્રાચાર્યે કહ્યું, ‘મહાનુભાવ પ્રહ્લાદને આ વિશે વધુ જ્ઞાન છે.’ ઇન્દ્ર આ સાંભળી હર્ષ પામ્યા. ત્યાર પછી પાકશાસન (ઇન્દ્ર) બ્રાહ્મણનો વેશ ધારણ કરી પ્રહ્લાદ પાસે જઈને બોલ્યા, ‘હું શ્રેય જાણવા માગું છું.’

‘હે દ્વિજવર, હું ત્રણે લોકના રાજ્યનું શાસન કરવા સદા તત્પર રહું છું, એટલે મને ઘડીની ફુરસદ નથી. હું તમને ઉપદેશ આપવા સમર્થ નથી.’

બ્રાહ્મણે કહ્યું, ‘હે રાજન્, જ્યારે તમને અવસર મળે ત્યારે હું ઉત્તમ આચરણવાળા વિષયનો ઉપદેશ સાંભળવાની ઇચ્છા રાખું છું.’

ત્યારે પ્રહ્લાદ તે બ્રાહ્મણ પર પ્રસન્ન થયા, ‘એમ જ થશે.’ કહી તે શુભ મુહૂર્તમાં તેને જ્ઞાનોપદેશ આપ્યો. બ્રાહ્મણે પણ યથાન્યાય ગુરુ સાથે એવો અત્યંત ભક્તિપૂર્ણ વ્યવહાર કર્યો અને મનથી બધી રીતે તેમની સેવા કરી.

વારંવાર બ્રાહ્મણે પ્રહ્લાદને પૂછ્યું, ‘હે અરિદમન, તમે કેવી રીતે ત્રણે લોકનું ઉત્તમ રાજ્ય મેળવ્યું? તેનું કારણ મને કહો.

પ્રહ્લાદે કહ્યું, ‘હે વિપ્રશ્રેષ્ઠ, હું મારી જાતને રાજા સમજીને ક્યારેય બ્રાહ્મણોની નંદાિ કરતો નથી. શુક્રાચાર્યે રચેલા નીતિશાસ્ત્રની વ્યાખ્યા થતી હોય ત્યારે હું ધ્યાનપૂર્વક તે સાંભળીને હૃદયમાં ઉતારું છું. તેઓ મને વિશ્વાસપૂર્વક ઉપદેશ આપીને નિયમબદ્ધ બનાવે છે. હું શુક્રાચાર્યે ચીંધેલા નીતિમાર્ગમાં સદા પ્રવર્તમાન રહું છું. બ્રાહ્મણોની સેવા કરું છું. તેમની નંદાિ ક્યારેય કરતો નથી. જેવી રીતે મધમાખો હમેશાં મધ એકઠું કરે છે તેવી જ રીતે ઉપદેશ કરનારા બ્રાહ્મણો મને ધર્માત્મા, જિતેન્દ્રિય અને સદા ક્રોધને કેવી રીતે જીતવો એ બધું શાસ્ત્રજ્ઞાન આપતા રહે છે. હું વાઙ્મય શાસ્ત્રોના ભાવાર્થને ગ્રહીને નક્ષત્રોમાં જેમ ચંદ્ર તેમ સ્વજનોની વચ્ચે જીવું છું. શુક્રાચાર્યનાં નીતિવચનો બ્રાહ્મણોને મોઢે સાંભળીને કર્મમાં પ્રવૃત્ત થઉં છું.’

પછી દૈત્યરાજે તે બ્રાહ્મણને કહ્યું, ‘તમે ગુરુ માનીને મારી સાથે વ્યવહાર કર્યો છે, એટલે તમે વર માગો. જે માગશો તે નિ:શંક આપીશ જ.’

તે બ્રાહ્મણે કહ્યું, ‘તમે મારી જિજ્ઞાસા સંતોષી દીધી.’

પ્રહ્લાદે ફરી કોઈ વર માગવા કહ્યું.

એટલે તે બ્રાહ્મણે કહ્યું, ‘જો તમે પ્રસન્ન થઈને મારી ઇચ્છા પૂરી કરવા માગતા હો તો તમારા શીલની મને ઇચ્છા છે.’

આ સાંભળી દૈત્યરાજ પ્રસન્ન તો થયા પણ તેમને બીક લાગી. આ કોઈ તેજસ્વી બ્રાહ્મણ નથી એવું વિચારવા લાગ્યા. છેવટે ‘ભલે એમ થશે.’ એમ કહી તે બ્રાહ્મણને વરદાન આપ્યું અને ખૂબ દુઃખી થયા. વરદાન મળ્યું એટલે તે બ્રાહ્મણ વિદાય થયા. પછી પ્રહ્લાદને બહુ ચંતાિ થઈ; તે કોઈ નિર્ણય કરી ન શક્યા. તેઓ જ્યારે આવી ચંતાિ કરી રહ્યા હતા ત્યારે તેમના શરીરમાંથી એક વિરાટકાય ને તેજસ્વી છાયામૂતિર્ નીકળી.

તેમણે તે મહાકાયને પૂછ્યું, ‘તમે કોણ છો?’

તેણે કહ્યું, ‘હે રાજન્, હું શીલ છું, તમે મારો ત્યાગ કર્યો છે એટલે જઉં છું. રાજન્, જે શિષ્ય થઈને તમારી સાથે સાવધાનીપૂર્વક હતા તે અનિંદિત દ્વિજવરની કાયામાં નિવાસ કરીશ, હે પ્રભુ.’ એમ કહીને તેજોમય શીલ અંતર્ધાન થઈ ઇન્દ્રના શરીરમાં સમાઈ ગયું. શીલ સ્વરૂપ તેજની વિદાય પછી એક બીજી તેજાકૃતિ પ્રહ્લાદના શરીરમાંથી નીકળી, તેમણે પૂછ્યું, ‘તમે કોણ છો?’

તેણે કહ્યું, ‘હે પ્રહ્લાદ, હું ધર્મ છું, જે સ્થળે તે દ્વિજશ્રેષ્ઠ છે ત્યાં હું જઈશ. હે દૈત્યરાજ, જ્યાં શીલ હોય છે ત્યાં જ હું પણ વસું છું.’

ત્યાર પછી તેજથી પ્રજ્વલિત એક બીજી મૂર્તિ મહાત્મા પ્રહ્લાદના શરીરમાંથી બહાર નીકળી. તેમણે પૂછ્યું, ‘તમે કોણ છો?’ પ્રહ્લાદે એવું પૂછ્યું એટલે તે મહાતેજસ્વી મૂર્તિ બોલી, ‘હું સત્ય છું. હું ધર્મને અનુસરીશ.’

આમ કહી સત્ય ધર્મની પાછળ ગયું. ત્યાર પછી બીજી એક વ્યક્તિ પ્રહ્લાદના શરીરમાંથી નીકળી અને તે મહાત્માએ પ્રહ્લાદે પૂછ્યું એટલે કહ્યું, ‘હે પ્રહ્લાદ, હું સદાચાર છું, જ્યાં સત્ય રહે છે ત્યાં હું પણ રહું છું.’

તેના ગયા પછી મહાન પ્રકાશવાન પુરુષ પ્રહ્લાદના શરીરમાંથી નીકળ્યો અને પ્રહ્લાદે પૂછ્યું એટલે કહ્યું, ‘હું બળ છું જ્યાં સદાચાર ત્યાં હું.’ એમ કહીને જ્યાં સદાચાર હતો ત્યાં તે ગયો.

ત્યાર પછી તેમની કાયામાંથી એક પ્રભામયી દેવી પ્રગટી, દૈત્યરાજ પ્રહ્લાદે પૂછ્યું એટલે તેણે કહ્યું, ‘હું લક્ષ્મી છું. હે સત્ય પરાક્રમી, હું તારા શરીરમાં નિરાંતે વસતી હતી, અત્યારે તને ત્યજીને જઉં છું. હું બળની અનુગામિની થતી હોઉં છું.’

ત્યાર પછી પ્રહ્લાદના અંતરમાં ભય પેદા થયો. તેમણે તેને ફરી પૂછ્યું, ‘હે કમલા, તું ક્યાં જાય છે? તું સત્યવ્રત ધારિણી લોકની પરમેશ્વરી દેવી છે, આ દ્વિજવર કોણ હતા? હું તે વાત યથાર્થરૂપે જાણવા માગું છું.’

લક્ષ્મીએ કહ્યું, ‘હે પ્રભુ,તમે જેમને ઉપદેશ આપ્યો હતો તે બ્રહ્મચારીના વેશે ઇન્દ્ર હતા. ત્રણે લોકમાં તમારું જે ઐશ્વર્ય હતું તેને કારણે જ આ બધાનું હરણ થયું છે. હે ધર્મજ્ઞ, તમે શીલની સહાયથી ત્રણે લોક ઉપર વિજય મેળવ્યો હતો, સુરરાજે એ વાત જાણીને તમારા શીલનું હરણ કર્યું છે. હે મહાબુદ્ધિમાન, ધર્મ, સત્ય, સદાચાર, બળ અને હું — અમારા બધાનું મૂળ શીલ છે એમાં તો કશો સંશય નથી.’

આમ કહીને લક્ષ્મી અને શીલ વગેરે ઇન્દ્રની પાસે જતા રહ્યા.


(શાંતિપર્વ, ૧૨૪)