ભારતીયકથાવિશ્વ-૨/રામાયણની કથાઓ/કબંધકથા
(સીતાહરણ પછી રામલક્ષ્મણ સીતાની શોધ્ માટે વનમાં ભટકે છે ત્યારે કબંધ નામનો રાક્ષસ તેમને મળે છે, અને તેમને ખાઈ જવાની વાત કરે છે. રામલક્ષ્મણ તેના બંને હાથ છેદી નાખે છે ત્યારે કબંધ પોતાનો ભૂતકાળ જણાવે છે.)
એક જમાનામાં હું બહુ પરાક્રમી હતો, મહાબાહુ હતો, ત્રણે લોકમાં મારું રૂપ અનુપમ હતું. ચંદ્ર, ઇન્દ્ર, સૂર્યની કાંતિ મારામાં હતી. રૂપના અભિમાનને કારણે હું પ્રજાને રાક્ષસ વેશે ખૂબ ત્રાસ આપવા લાગ્યો. વનમાં જઈને ઋષિઓને પણ ત્રાસ આપતો હતો. એક વખત સ્થૂલશિરા નામના ઋષિને મેં ત્રાસ આપ્યો, એટલે તે મારા પર ક્રોધે ભરાયા. તેમણે મને શાપ આપ્યો. ‘જા, તારું આ રૂપ કાયમી રહેશે.’
પછી મેં ઋષિને બહુ વિનંતી કરી, તેમની ક્ષમા માગી ત્યારે તેમણે કહ્યું,‘ જ્યારે રામ વનમાં આવી તારી ભુજાઓ છેદશે ત્યારે તને મુક્તિ મળશે.’
‘હે લક્ષ્મણ, હું દનુનો પુત્ર છું. ઇન્દ્ર સામે હું યુદ્ધે ચડ્યો અને ઇન્દ્રના શાપથી મારી આ હાલત થઈ છે. પિતામહે તો મને દીર્ઘ આયુષ્યનું વરદાન આપ્યું છે તો પછી ઇન્દ્ર કઈ રીતે મારો વાળ પણ વાંકો કરી શકશે એમ વિચારી મેં ઇન્દ્ર સાથે યુદ્ધ માંડ્યું. ઇન્દ્રે મારા પર વજ્ર ઉગામ્યું એટલે મારા પગ અને મસ્તક મારા શરીરમાં પેસી ગયા. મેં ઇન્દ્રને મારા પર કૃપા કરવા કહ્યું. પિતામહનું વરદાન તો સાચું પડવું જોઈએ. ‘હું આહાર વિના કેવી રીતે જીવી શકીશ? તમે તો વજ્ર વડે મારું શરીર વિકૃત કરી નાખ્યું.’ એટલે ઇન્દ્રે મારા બંને હાથ લાંબા કર્યા. એક સો યોજન જેટલા લાંબા મારા હાથ થઈ ગયા, મારું મોં તીક્ષ્ણ દાઢોવાળું બની ગયું. એટલે આ વનમાં ઘણા લાંબા સમયથી રહું છું. સિંહ, હાથી, હરણ, વાઘ અને બીજાં પ્રાણીઓને મારીને ખાઈ જઉં છું. ઇન્દ્રે પણ મને કહ્યું કે રામલક્ષ્મણ આવીને જ્યારે તારા બંને હાથ છેદી નાખશે ત્યારે તુું સ્વર્ગ પામીશ. એટલે રાજા, હું તમારી રાહ જોઈને બેઠો હતો. તમારા વિના કોઈનાથી મારો પરાભવ થવાનો ન હતો. મહર્ષિએ પણ એવી જ વાત કરી હતી. હવે તમારા હાથે મારો અગ્નિદાહ થશે એટલે હું મારા ભૂતકાલીન રૂપને પામીશ.’
પછી રામે તે દાનવને કહ્યું, ‘રાવણ મારી પત્ની સીતાને હરી ગયો છે. હું માત્ર તેનું નામ જ જાણું છું, તેના નિવાસસ્થાનની મને જાણ કર.’
પણ કબંધ રાક્ષસપણું પામ્યો હોવાને કારણે હવે તેને દિવ્ય જ્ઞાન ન હતું.
રામ લક્ષ્મણે તેનો અગ્નિસંસ્કાર કર્યો એટલે તે દિવ્ય રૂપ પામ્યો અને તેણે સુગ્રીવની મૈત્રી કરવા રામને જણાવ્યું.
(અરણ્યકાંડ, ૬૭-૬૮)