ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/કટ્ઠહારી જાતક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કટ્ઠહારી જાતક

પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા મોટો ઉત્સવ મનાવતો એક ઉદ્યાનમાં ગયો. ત્યાં ફળફૂલને જોતો માણતો ભમી રહ્યો હતો. તે વેળાએ ઉદ્યાનના એક ભાગમાં ગીત ગાતાં ગાતાં ઇંધણ વીણતી એક સ્ત્રીને જોઈ, તેના પર તે આસક્ત થયો અને તેની સાથે સહવાસ કર્યો. તે જ વેળાએ બોધિસત્ત્વે તેના ઉદરમાં પ્રવેશ કર્યો. તેનું ઉદર જાણે વજ્રથી ભરાયું હોય તેમ ભારે થઈ ગયું. પોતે સગર્ભા થઈ છે તે જાણીને તેણે કહ્યું, ‘દેવ, મને ગર્ભ રહ્યો છે.’ રાજાએ આંગળી પરથી વીંટી કાઢીને આપી અને કહ્યું, ‘જો દીકરી જન્મે તો વીંટી ફેંકી દેજે અને એ દીકરીનું પાલન કરજે. અને જો દીકરો જન્મે તો આ વીંટીની સાથે એને લઈને આવજે.’ એમ કહીને તે ચાલ્યો ગયો. પૂરા દિવસે તેણે બોધિસત્ત્વને જન્મ આપ્યો. બોધિસત્ત્વ આમ તેમ દોડાદોડી કરીને મેદાનમાં રમતો હોય ત્યારે કોઈ કોઈ બાળક બોલતાં, ‘પેલા નબાપાએ મને માર્યો.’ આ સાંભળીને બોધિસત્ત્વે માતા પાસે જઈને પૂછ્યું, ‘મા, મારા પિતા કોણ છે?’ ‘તાત, તું વારાણસીના રાજાનો દીકરો છે.’ ‘મા, આનું કોઈ પ્રમાણ છે?’ ‘તેમણે જતી વેળાએ કહેલું, ‘જો દીકરી જન્મે તો વીંટી ફેંકી દેજે અને દીકરીનું પાલન કરજે. અને જો દીકરો જન્મે તો આ વીંટીની સાથે એને લઈને આવજે.’ એમ કહી તે મને વીંટી આપીને ગયા છે.’ ‘મા, જો આમ હોય તો તું મને પિતા પાસે કેમ નથી લઈ જતી?’ તેણે પોતાના પુત્રની વાત જાણી. એટલે રાજદ્વારે જઈ રાજાને સંદેશો મોકલ્યો અને રાજાએ બોલાવી એટલે તેમને પ્રણામ કરીને તે બોલી, ‘દેવ, આ તમારો પુત્ર છે.’ રાજાએ તેને ઓળખી છતાં સભામાં લજ્જિત થઈને કહ્યું, ‘આ મારો પુત્ર નથી.’ ‘દેવ, આ તમારી વીંટી છે, એ ઓળખો તો.’ ‘આ વીંટી પણ મારી નથી.’ ‘દેવ, તો હવે આ સિવાય મારી પાસે કોઈ પ્રમાણ નથી. જો આ બાળક તમારું હશે તો આકાશમાં અધ્ધર રહેશે, નહીંતર ભૂમિ પર પડીને મૃત્યુ પામશે.’ એમ કહી તેણે બોધિસત્ત્વના પગ પકડી આકાશમાં ફંગોળ્યો. બોધિસત્ત્વે આકાશમાં પલાંઠી મારી અને તે બેઠો રહ્યો, મધુર સ્વરમાં બોલ્યો, ‘મહારાજ, હું તમારો પુત્ર છું, તમે મારું પાલન કરો. તમે તો પ્રજાનું પાલન કરો છો, તો તમારા પુત્રની વાત જ શી?’ બોધિસત્ત્વને આમ આકાશમાં બેસીને અને બોલતો સાંભળીને હાથ ફેલાવીને રાજાએ કહ્યું, ‘તાત, આવતો રહે, હું તારું પાલન કરીશ. હું જ તારું પાલન કરીશ.’ બીજા લોકોએ પણ હાથ લંબાવ્યા. બોધિસત્ત્વ કોઈના હાથમાં જવાને બદલે સીધો રાજાના હાથમાં ઝીલાયો અને પછી તેમના ખોળામાં બેઠો. રાજાએ તેને યુવરાજ બનાવ્યો અને તેની માતાને પટરાણી બનાવી. તેના પિતાના મૃત્યુ પછી તે કાષ્ઠવાન રાજાના નામે ધર્મપૂર્વક રાજ કરીને તે કર્માનુસાર પરલોક સિધાવ્યો.