ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/વસન્તતિલકાનું પુનર્મિલન
એક વાર વિદ્યુન્મતીએ પરિહાસપૂર્વક વિમલાને કહ્યું, ‘હે વિમલા! ઈર્ષ્યાથી રોષ પામીને તેં આર્યપુત્રને લાત મારી એ શું યોગ્ય હતું? એટલે વિમલાએ કહ્યું, ‘સખિ વિદ્યુન્મતી! બીજી સ્ત્રીનું નામ લે એને લાત મારવી શું યોગ્ય નથી?’ વિદ્યુન્મતી બોલી, ‘સુખદ એવાં પોતાનાં વહાલાંનું નામ લેવું એ યોગ્ય જ છે, માટે લાત મારવારૂપ શિક્ષા તને કરવી જોઈએ.’ આ સાંભળી વિમલાએ હસીને કહ્યું, ‘સખિ વિદ્યુન્મતી! જો મેં આર્યપુત્રને લાત ન મારી હોત તો આર્યપુત્ર સાથેના રતિરસનું પાન તમે ક્યાંથી પામત? માટે તમે સર્વે મારો પૂજા-સત્કાર કરો.’ આ સાંભળી તેઓ સર્વે હસીને ચૂપ થઈ. આ પ્રમાણે પરિહાસ પૂરો થતાં વિદ્યુન્મતીએ ધમ્મિલ્લને પૂછ્યું, ‘આર્યપુત્ર! તે વસન્તતિલકા કોણ છે?’ એટલે ધમ્મિલ્લે ઉત્તર આપ્યો, ‘વિદ્યુન્મતી! તેનું નામ લેતાં પણ હું ડરું છું, કારણ કે અહીં રિસાળ માણસો વસે છે!’ આ સાંભળી વિમલા બોલી, ‘બહુ ડરપોક લાગો છો! સુભગ જનથી કોઈ વાર અપરાધ પણ થઈ જાય, માટે ડરશો નહીં. તમને અભય છે. નિશ્ચિન્તપણે કહો.’ આ પછી ધમ્મિલ્લે વિદ્યુન્મતીને કહ્યું, ‘કુશાગ્રપુરમાં અમિત્રદમન રાજાની ગણિકા વસન્તસેના નામે છે. વસન્તતિલકા નામે તેની પુત્રી રૂપ, લાવણ્ય અને કામવિજ્ઞાનના ઉપચારોપૂર્વક સર્વ પ્રકારના કામભોગ અને રતિવિશેષોને જાણે છે.’ વિદ્યુન્મતીએ કહ્યું, ‘જો આર્યપુત્રને રુચતું હોય તો એ આર્યાના સમાચાર લાવવા માટે હું જાઉં.’ ધમ્મિલ્લે કહ્યું, ‘રિસાળ માણસોને પૂછવું જોઈએ.’ એ સાંભળીને વિમલા બોલી, ‘શું પ્રભાત સૂપડાથી ઢંકાવાનું હતું?’
આ પછી વિદ્યુન્મતી ત્યાં આકાશમાર્ગે ઊડીને ગઈ, અને એ જ રીતે પાછી આવીને ધમ્મિલ્લને કહેવા લાગી -
‘યૌવન વડે દર્શનીય, બહોળા વૈભવવાળું, ગણિકાને યોગ્ય એવું યુવાન રાજાનું રૂપ ધારણ કરીને હું, આર્યપુત્રની ઇચ્છાનુસાર, વસન્તતિલકાના ભવનમાં ગઈ. સર્વ આભરણોનો જેણે ત્યાગ કર્યો છે એવી, પ્રિયવિરહ વડે દુર્બલ અંગોવાળી, મેલાં અને જીર્ણ વસ્ત્રોવાળી, જેણે તંબોલનો ત્યાગ કર્યો છે એવી, અશ્રુપૂર્ણ નયનવાળી, સુકાઈ ગયેલા ગાલવાળી, ફિક્કા વદનવાળી, ઘરડા નાગ જેવા એક જ વેણીમાં બાંધેલા ચોટલાવાળી, તથા માત્ર મંગલ નિમિત્તે જમણા હાથમાં ઝીણો ચૂડો પહેરીને બેઠેલી વસન્તતિલકાને મેં ત્યાં જોઈ. મેં તેને કહ્યું, ‘તું સુખી છે?’ પણ તે તો ચિત્રમાં આલેખેલી યક્ષપ્રતિમાની જેમ એકચિત્તે બેસી રહી. ‘આર્યપુત્રમાં આસક્ત હૃદયવાળી આ બિચારી અન્ય પુરુષની વાત પણ સાંભળતી નથી’ એમ વિચારીને મેં પુરુષવેશનો ત્યાગ કરી સ્ત્રીવેશ ધારણ કરી ફરી વાર તેને કહ્યું, ‘વસન્તતિલકે! સુન્દરિ! ધમ્મિલ્લ તારા ક્ષેમકુશળના સમાચાર પુછાવે છે.’ આ સાંભળીને જેનાં રોમાંચ ઊભાં થયાં છે એવી, કંપતાં ગાત્રવાળી, તથા હર્ષનાં આંસુથી ઊભરાતી આંખોવાળી તે તમારું જ ચિન્તન કરતી સહસા ઊભી થઈ, અને ગદ્ગદ કંઠે ‘હે પ્રિયતમ!’ એમ બોલતી દોડીને, મને ગાઢ આલિંગન દઈને એવું રડી, જેથી મારું પણ હૃદય કંપી ઊઠ્યું. આ પ્રમાણે ખૂબ રડીને હર્ષ પામેલી તેણે મને પૂછ્યું, ‘લોકોનાં હૃદયોનું હરણ કરનાર અને અતિ સૌભાગ્યશાળી આર્યપુત્ર ક્યાં છે?’ મેં કહ્યું, ‘ચંપાપુરીમાં રહે છે.’ આ પછી તેણે આર્યપુત્રના વિયોગથી પોતાને થયેલું દુઃખ મને કહ્યું.
વિદ્યુન્મતીનાં આ વચન સાંભળીને ધમ્મિલ્લ વસન્તતિલકાને મળવા માટે ઉત્સુક થયો. પછી વિદ્યુન્મતીએ તેનું ઉત્સુક હૃદય જાણીને કહ્યું, ‘આર્યપુત્ર! કુશાગ્રપુર જવાને આતુર થયા હો એમ જણાય છે.’ ધમ્મિલ્લે કહ્યું, ‘સુન્દરિ! તું જો પ્રસન્ન હોય તો મારું મન એમ જ છે.’ પોતાની વિદ્યાર્થી વિકુર્વેલા વિમાનમાં સર્વ પ્રિયાઓ અને પરિજન અને સર્વ સેવકો સહિત ધમ્મિલ્લને વિદ્યુન્મતી મુહૂર્ત માત્રમાં કુશાગ્રપુર લઈ ગઈ, અને વસન્તતિલકાના ભવનમાં તેનો પ્રવેશ કરાવ્યો. રાજા અમિત્રદમને બધી વાત સાંભળી. સંતુષ્ટ થયેલા રાજાએ રાજ્યનો ત્રીજો ભાગ ધમ્મિલ્લને આપ્યો. સર્વ વૈભવ સહિત ભવન કરાવ્યું, અને વૈભવ અનુસાર યાન-વાહન અને પરિજન આપ્યાં. સર્વ પ્રિયાઓ સહિત ધમ્મિલ્લ ભવનમાં પ્રવેશ્યો. ધનવસુ સાર્થવાહ ધમ્મિલ્લના આગમનથી હર્ષ પામ્યો, અને તે પણ પોતાની પુત્રી યશોમતીને ધમ્મિલ્લ પાસે લાવ્યો. પછી તે ધમ્મિલ્લ સર્વ પ્રિયાઓ સહિત આયંબિલ તપનું ફળ આ લોકમાં જ અનુભવતો, દેવભવનમાં દેવ-યુવાનની જેમ, રહેવા લાગ્યો.