ભારતીયકથાવિશ્વ-૩/વિમલસૂરિકૃત પઉમચરિયની કથાઓ/વિશલ્યાકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિશલ્યાકથા

બીજા ઘણા બધા યુદ્ધકુશળ રાક્ષસ કવચ પહેરીને, સજ્જ થઈને વાનર-સૈનિકોની સામે ઊભા રહી ગયા. ઢોલ, નગારાં, ઝાલર, મોટાં ઢોલ, વાદ્ય તથા મૃદંગના પ્રચંડ ધ્વનિથી જાણે આકાશના ટુકડા થઈને પૃથ્વી પર પડી રહ્યા છે એમ લાગતું હતું. એવામાં દેવેન્દ્ર જેવો વૈભવ ધરાવતો મહાત્મા લંકાપતિ રાવણ સેનાને લઈને રણભૂમિ પર જવા નીકળ્યો. હાથમાં વિવિધ શસ્ત્રો લઈને, અનેક પ્રકારનાં વાહનોમાં સવાર થઈને તથા અનેકવિધ ચિહ્નોવાળા યુદ્ધવીરો પણ ત્યાં આવી પહોંચ્યા. બાણ, ઝસર, શક્તિ, સવ્વલ, ભયંકર ભાલા ફેંકનારા તે લોકોએ સ્વચ્છ આકાશને પણ જાણે ગ્રહણ લાગ્યું હોય તેવું કરી મૂક્યું. પછી ઘોડેસવારોની સામે ઘોડેસવારો, સૈનિકોની સામે સૈનિકો, રથારૂઢોની સામે રથારૂઢો યુદ્ધ કરવા લાગ્યા. મદોન્મત્ત હાથી પર બેઠેલાઓની સામે હાથી પર બેઠેલા સૈનિકો યુદ્ધે ચઢ્યા. આમ સરખા બળવાળા સૈનિકો સામસામે યુદ્ધ કરવા લાગ્યા. રાક્ષસોએ પરાજિત કરેલા, વિખેરી નાખેલા વાનરોની સેનાને નીલ વગેરે સૈનિકોએ ધીરજ બંધાવી.

પોતાની સેનાનો પરાજય જોઈને લંકાપતિ રાવણના સામન્ત શત્રુસેનાની સાથે આવીને શસ્ત્રપ્રહાર વડે યુદ્ધ કરવા લાગ્યા. શુક, ચારણ, મારીચિ, ચન્દ્ર, અર્ક, વિદ્યુદ્વહન, જીમૂતનાયક વગેરે યમ જેવા ભયાનક મોંવાળા તથા યુદ્ધવીર સૈનિકોએ યુદ્ધભૂમિ પર વાનરસેનાના કરેલા વિનાશને જોઈ સુગ્રીવના સૈનિકો આગળ આવ્યા. અતિ બળવાન વાનરોએ રાક્ષસોને ભગાડી મૂક્યા. આ જોઈ રાક્ષસપતિએ રથ આગળ આણ્યો. તેણે તરત જ ભારે શસ્ત્રપ્રહારોથી વાનરોને હાંકી કાઢ્યા. આ જોઈ વિભીષણ આગળ આવ્યો. રાક્ષસેન્દ્રે તેને કહ્યું, ‘મારી આંખ સામેથી તું દૂર થઈ જા. યુદ્ધમાં સગા ભાઈને મારી નાખવો યોગ્ય નથી. આ સાંભળી ક્રોધે ભરાયેલા વિભીષણે કહ્યું, ‘બંને સૈન્યોની સામે સ્ત્રીની પેઠે હું યુદ્ધમાં પીઠ નહીં બતાવું.’ રાવણે ફ્રી કહ્યું, ‘અરે દુષ્ટ, તેં પોતાના વંશને ત્યજીને પાદચારી અધમ માનવીઓની સેવા સ્વીકારી છે.’

એટલે સારી રીતે એ વાતનું પ્રતિપાદન કરતાં વિભીષણે કહ્યું, ‘બંને લોકમાં સુખજનક, હિતકારક અને પથ્ય મારું વચન સાંભળ. એટલું થયા પછી પણ જો તારે વિપુલ ધન, રાજ્ય, સમૃદ્ધિ જોઈતી હોય તો રામ સાથે સંધિ કર, સીતાને સોંપી દે. તારું અભિમાન બાજુ પર મૂકીને રામને જલદી પ્રસન્ન કર. એક સ્ત્રીને માટે અપયશના કાદવ વડે તારી જાતને કલંકિત ન કર.’

તેની વાત સાંભળીને રાવણ રાતોપીળો થઈ ગયો. અભિમાની રાવણ આકરાં બાણ વરસાવવા લાગ્યો. પોતાના સ્વામીના હિતચિંતક બીજા સામંતો રથ, હાથી, ઘોડા પર સવાર થઈને, કવચ પહેરીને વાનર સૈનિકો સાથે લડવા લાગ્યા. સગા ભાઈને યુદ્ધમાં આવતો જોઈને વિભીષણે ક્રોધે ભરાઈને અર્ધચંદ્ર બાણ વડે તેની ધજા કાપી નાખી. ક્રોધિત લંકાપતિ રાવણે પણ તેનું ધનુષ છેદી નાખ્યું. તે પછી વિભીષણે મોટા ભાઈના ધનુષના બે ટુકડા કરી નાખ્યા.

ઘણા બધા સૈનિકોના જીવનનો અંત આણનાર દારુણ યુદ્ધ જ્યારે ખેલાઈ રહ્યું હતું ત્યારે પિતાનો પરમ ભક્ત ઇન્દ્રજિતકુમાર સામે આવ્યો. જેવી રીતે ઊછળતા સાગરને પર્વત રોકે તેવી રીતે લક્ષ્મણે તેને અટકાવ્યો. રામે સામે આવી રહેલ કુંભકર્ણને પડકાર્યોે. દુર્મર્પદ્યટોદરિ પર અને ઇન્દ્રાશનિ કાલી પર ક્રુદ્ધ થયો. ચન્દ્રનખની સાથે સ્કંદ અને ભિન્નાંજનની સામે પરાજિત તરત જ લડવા લાગ્યો. ક્રોધે ભરાયેલા મયે અંગદને પડકાર્યો. કુમ્ભકર્ણના પુત્ર કુન્તીની સામે હનુમાન ઊભો રહ્યો. સુગ્રીવ સામે સુમાલી, ભામંડલ કેતુ સામે અને યુદ્ધની ઇચ્છાવાળા દૃઢરથ સામે કાલી યુદ્ધ કરવા લાગ્યા. બીજા પણ સમાન તથા સદૃશ બળવાળા સૈનિકો રણભૂમિ પર આવ્યા અને મત્સર તથા ઉત્સાહપૂર્વક આહ્વાન કરી ચીસો પાડતા યુદ્ધ કરવા લાગ્યા. મારો, કાપો, તોડો, ફેંકો, ઊઠો, જલદી પકડો, પીટો, મારો, ઊલટાવી દો, મારી નાખો — આવી ચીસો સૈનિકો પાડતા હતા.

વાદળ સરખાં શસ્ત્રો વડે અંધકારમય બનેલી દિશાઓ અનેક પ્રકારના વાદ્યોના ધ્વનિથી, સૈનિકોના હુંકારાથી ગરજવા લાગી. શૂરવીરો અને કાયરોની કસોટીનો આ સમય હતો, કારણ કે જે રીતે અન્ન ખવાય છે તે રીતે યુદ્ધમાં લડાતું નથી. હે કાયર, ડરીશ નહીં: જે પરાજિત થાય છે તે દીનને હું મારતો નથી. એટલે સામે ઉત્તર મળતો — આજે તો તારું મરણ જ છે. કોઈ સૈનિક ભાંગી ગયેલા કવચને જોઈને જેવી રીતે સજ્જન લોકો તૂટેલા સ્નેહને જોડે છે તેવી રીતે એ કવચ જોડતા હતા. તલવાર દાંત વડે પકડીને કમરબંધ કસીને સ્વામીના સંતોષ ખાતર કોઈ સૈનિક જરાય વિરતિ વિના લડતો હતો. મદોન્મત્ત હાથીના દાંતથી અલગ તથા કાનરૂપી ચામરોથી ઝુલાવીને કોઈ સૈનિક સ્વામી પ્રત્યેનું કર્તવ્યપાલન કરીને સ્વર્ગે સિધાવ્યો હતો. એકબીજાનાં મસ્તક કાપીને કેટલાય વીર તલવાર વડે લડતા હતા. તલવાર, કનક અને તોમર વડે સૈનિકો એકબીજાને મારતા હતા. આખી સેના જાણે કે રક્તાશોકનું અરણ્ય હોય કે કેસૂડાનાં વૃક્ષોનું ઝુંડ હોય તેવી થઈ ગઈ. શસ્ત્રો નાશ પામ્યાં હોય તેવા કેટલાય સૈનિકો ભારે હુમલાથી નીચે પડી જતા હતા. પાછા ઊભા થતા હતા, કેટલાક જમીન પર સૂઈ જતા હતા. જર્જરિત કાયાવાળા તથા લોહીવાળા તીવ્ર મદજળ છોડતા હાથી વર્ષા ઋતુમાં ગેરુ રંગે રંગેલા પર્વતના જેવા દેખાતા હતા. હાથી અને ઘોડાના પગે ખોદેલી ધરતીના કારણે ઊડેલી ધૂળને કારણે દિશાઓ ધૂંધળી થઈ ગઈ અને સામે બધું સ્પષ્ટ દેખાતું ન હોવાને કારણે સૈનિકો પોતાના જ પક્ષના સૈનિકો સાથે લડવા લાગ્યા.

આવા યુદ્ધમાં સામે આવેલા લક્ષ્મણ પર ઇન્દ્રજિતે બાણવર્ષા કરી. લક્ષ્મણે પણ સામે એવી જ બાણવર્ષા કરી. પછી રાવણપુત્ર ઇન્દ્રજિતે તામસ શસ્ત્ર ફેંક્યું. ક્રોધે ભરાઈને લક્ષ્મણે દિવાકર અસ્ત્ર વડે તેનો નાશ કર્યો. પછી ઇન્દ્રજિતે ભયંકર બાણવર્ષા કરી લક્ષ્મણને બાંધી દીધો. પછી લક્ષ્મણે પવનવેગી વૈનતેય અસ્ત્ર સામે ઉગામ્યું. મોંમાંથી ઝેર ઓકતા સર્પોનું બંધન કાપી નાખ્યું. લાંબો સમય યુદ્ધ કરીને રામના નાના ભાઈ લક્ષ્મણે ઇન્દ્રજિત કુમારને ગાઢ નાગપાશથી બાંધી દીધો. પરાક્રમી રામે દિવાકર અસ્ત્રનો નાશ કરી, રથ ભાંગી નાખી ભાનુકર્ણને નાગપાશથી બાંધી દીધો.

નાગપાશથી બદ્ધ અને નિશ્ચેષ્ટ બનેલાને રામના કહેવાથી ભામંડલે પોતાના રથમાં નાખી દીધો. એવી જ રીતે બાંધેલા ઇન્દ્રજિતને પણ લક્ષ્મણના કહેવાથી વિરાધિતે પોતાના રથમાં નાખ્યો. આમ મેઘવાહન વગેરે સૈનિકો યુદ્ધમાં પકડાઈ ગયા. વાનરો તેમને બાંધીને પોતાની છાવણીમાં લઈ આવ્યા.

આ દરમિયાન ક્રોધિત રાવણે વિભીષણને કહ્યું કે જો તને યુદ્ધનો બહુ શોખ હોય તો તું એક પ્રહાર વેઠી લે. ધીરમતિ વિભીષણે કહ્યું, ‘એક પ્રહારથી શું? અપ્રમત્ત બનીને ઇચ્છા થાય એવા પ્રહાર કર.’ એટલે રાવણે યુદ્ધમાં ભાઈ ઉપર શૂળ ફેંક્યું. આવતા શૂળને લક્ષ્મણે બાણો વડે નિવાર્યું. તે શૂળનો નાશ થયેલો જોઈ રાવણે ઉલ્કાની જેમ સળગતી અમોઘવિજયા નામની શકિત સજ્જ કરી. તે સમયે ઘનશ્યામ, ગરુડ ધ્વજાવાળા, વિશાળ છાતી વાળા, લાંબા હાથવાળા લક્ષ્મણને સામે જોયો. રાક્ષસરાજાએ કહ્યું, ‘મેં બીજા માટે શસ્ત્ર ઉગામ્યું છે. મારી સામે ઊભા રહેવાનો તને કયો અધિકાર છે? અરે લક્ષ્મણ, તું આ સંઘર્ષમાં મૃત્યુ પામવા ઇચ્છતો હોય તો સામે ઊભા રહીને મારો શક્તિપ્રવાહ સહન કર.’ એટલે વિભીષણને બાજુ પર હટાવીને દૃઢનિશ્ચયી, નિર્ભય લક્ષ્મણ શત્રુ સામે યુદ્ધ કરવા લાગ્યો. રાવણે જ્વાળા અને તણખાવાળી એક શક્તિ ફંગોળી. લક્ષ્મણની વિશાળ છાતીને તેણે વીંધી. એ પ્રહારને કારણે તીવ્ર વેદનાને કારણે તથા મૂર્ચ્છાને કારણે આંખો બંધ કરેલો લક્ષ્મણ જમીન પર ફસડાઈ પડ્યો. લક્ષ્મણને યુદ્ધમાં જમીન પર પડેલો જોઈ રામ વિદ્યાધરેન્દ્રની સામે લડવા લાગ્યા. તેમણે ધનુષ, ધજા, કવચ, રથનો નાશ કર્યો એટલે અભિમાની રાવણ ભૂમિ પર ઊભો રહી ગયો. બીજા રથમાં બેસીને હાથમાં ધનુષ પકડે તે પહેલાં તો રામે તેનો રથ ભાંગી નાખ્યો. રામનાં ઉત્તમ બાણોથી રાક્ષસ તરત જ બેબાકળો બની ગયો. તે ધનુષ કે બાણ લઈ ન શક્યો. રામનાં બાણોને કારણે રાવણ ભૂમિ પર આવી જતો હતો અને રાવણને છ વાર રથ વિનાનો કરી નાખ્યો, તો પણ અદ્ભુત કર્મવાળો, યુદ્ધવીર વશમાં આવતો ન હતો. વિસ્મિત થઈને રામ બોલ્યા, ‘મારાં બાણોથી ઘવાઈને પણ તારું મૃત્યુ થતું નથી. ખરેખર તો આગલા જનમમાં કરેલા પુણ્ય તને બચાવે છે. હે રાક્ષસરાજ, મારી એક વાત સાંભળ. તેં મારા ભાઈ ઉપર શક્તિપ્રહાર કર્યો છે, હવે નિ:શંક હું તેની પાછળ પાછળ તને યમલોકે મોકલી આપીશ.’ ‘એમ...’ કહી રાવણ લંકામાં પાછો ફર્યો. અભિમાનપૂર્વક તે વિચારતો હતો કે મારો એક શત્રુ તો મરી ગયો. આમ હર્ષ પામતો તે પોતાના મહેલમાં પ્રવેશ્યો. પુત્ર તથા યુદ્ધવીર ભાઈ પકડાઈ ગયાના સમાચાર સાંભળી રાવણ દુઃખી થયો અને રાતે શોક કરતો બેઠો. યુદ્ધમાં પૂર્વકૃત પાપને કારણે ઘણા લોકો નાશ પામે છે. બીજાઓ હતાશ થઈને કેદ થાય છે. બીજા ધીર પુરુષો સુચરિત્રને કારણે જીતે છે અને લોકમાં વિમળ યશ પ્રાપ્ત કરે છે.

ત્યાર પછી વ્યાકુળ મનવાળા તથા શોકસંતપ્ત રામ જ્યાં લક્ષ્મણ હતા ત્યાં આવી ચઢ્યા. શક્તિ વડે ઘવાયેલા અને ભૂમિ પર સૂતેલા લક્ષ્મણને જોઈને અશ્રુપૂર્ણ નેત્રોવાળા રામ મૂર્છા પામ્યા. વીંટળાઈ વળેલા વાનરોએ તેમના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. એટલે રામ ભાનમાં આવી કરુણ સ્વરે વિલાપ કરવા લાગ્યા.

‘અરે વત્સ... અત્યંત દુર્ગમ સમુદ્ર પાર કરીને વિધિના યોગે તું બીજે જતો રહ્યો છે. અરે યશસ્વી, શું માનને કારણે રડી રહેલા મને તું ઉત્તર નથી આપતો? તું જાણે છે કે તારો વિરહ ઘડીભર પણ વેઠી શકતો નથી. વડીલોએ આદરપૂર્વક તને સોંપ્યો હતો. હવે નિર્લજ્જ બનીને હું તેમને કયો ઉત્તર આપીશ? જગતમાં લોકો માટે કામ, અર્થ વગેરે અનેક સંબંધો છે. પણ અહીં માત્ર ભાઈ, માતા-પિતા નથી મળતા. કદાચ મેં પરલોકમાં અતિ ભયંકર પાપ કર્યું હશે. સીતાનિમિત્તે તેનું આ ફળ મને મળ્યું. કેયૂરથી શોભતા મારા આ હાથ પ્રયોજનહીન બનવાને કારણે શરીર માટે બોજરૂપ બની ગયા છે. ુયમે મારા આ પાપી હૃદયને વજ્ર જેવું બનાવ્યું છે, એટલે જ ભાઈનું મૃત્યુ થયું છતાં તે ફાટી પડતું નથી. શત્રુ રાજાએ ફેંકેલી પાંચ શક્તિઓ તે વેળા મેં ઝીલી હતી, પણ આજે એકનેય તું રોકી ન શક્યો એટલે લાગે છે કે આ શક્તિ નિશ્ચિત વજ્રસમૂહ વડે બનાવી હશે. એટલે જ શ્રીવત્સથી વિભૂષિત લક્ષ્મણનું વક્ષસ્થળ તે ભેદી શકી. હે લક્ષ્મીવલ્લભ, તું ઊભો થા, ધનુષ ધારણ કરવામાં વિલંબ ન કર. મારો વધ કરવા આવેલા આ શત્રુઓને તું રોક. દુઃખ ન હોય ત્યાં સુધી આ કુટુંબપરિવાર મનુષ્યની દૃષ્ટિએ રમણ કરે છે. દુઃખના સમયે તે પરાઙ્મુખ થઈ જાય છે. શસ્ત્રોરૂપી દાંતોવાળા સિંહને ન જુએ ત્યાં સુધી જ અનુજીવી લોકો મનોહર વાક્યો બોલે છે. શત્રુઓ વડે ઘેરાયેલો અભિમાની પણ એકાકી માણસ ચારે બાજુ જોઈને સહોદર ભાઈને યાદ કરે છે. અરે વત્સ, તને મૂકીને બીજું કોણ પોતાના હિતનો વિચાર કરી આ મહા વિગ્રહમાં મારી સામે ઊભો રહી શકે? તારા કારણે તો મેં આ દુઃખદ સંકટ ઉઠાવ્યું હતું. હવે હું એકલો કેવી રીતે જીવી શકીશ તે નથી જાણતો.

હે મિત્ર વાનરરાજ, તમે તમારી સેના સાથે કુલોચિત દેશમાં નિવિર્ઘ્ને જતા રહો. હે ભામંડલ, તમે પણ નીકળી પડો. હે વિભીષણ, નિષ્ફળ નીવડવાને કારણે મારું આખું હૃદય સળગી રહ્યું છે. એના દુઃખ આગળ સીતાવિયોગનું દુઃખ કશી વિસાતમાં નથી. સુગ્રીવ વગેરે તો પોતપોતાનાં નગરોમા જશે, પણ વિભીષણ તમે કયા દેશમાં જશો? આ લોકમાં ઉત્તમ પુરુષો પહેલેથી ઉપાય કરે છે, મધ્યમ પુરુષ પાછળથી કરે છે, પરંતુ અધમ પુરુષ તો બંનેમાં અસમર્થ રહે છે. હે સુગ્રીવ, હે ભામંડલ, મારા માટે ચિતા તૈયાર કરો, વિલંબ ન કરો. હું પરલોક સિધાવીશ. તમે પણ યથેચ્છ કરો.’

આમ મૃત્યુ માટે કૃતનિશ્ચય થયેલા રામને જોઈને જામ્બવાને કહ્યું, ‘સ્વામી, તમે ધીરજ રાખો, આવો શોક ન કરો. વિદ્યાશસ્ત્ર વડે ઘવાયેલા લક્ષ્મણ બેસુધ થયા છે. હે સ્વામી, તમારો ભાઈ જીવશે, એમાં શંકા નથી. રાત્રિના સમય દરમિયાન કોઈ ઉપાય કરો, નહીંતર સૂર્યોદય સુધીમાં લક્ષ્મણ મૃત્યુ પામશે.’ ત્યારે ભયભીત કપિસૈનિકોએ વિદ્યા વડે નગરના ત્રણ ગોપુર અને સાત પ્રાકાર બનાવ્યા. રથ, હાથીઘોડા, કવચવાળા સૈનિકોની સાથે નીલ હાથમાં ધનુષ લઈને પહેલા દરવાજે ઊભો. ભયંકર હાથી પર સવાર થઈને નલ બીજા દરવાજે, ત્રિશૂલપાણિ અને વિભીષણ ત્રીજા દરવાજે ઊભા. ચોથા દરવાજે કવચ પહેરેલા અને તુણીર બાંધેલ કુમુદ તથા પાંચમા દરવાજે સુષેણ ભાલો લઈને, ભિન્દિપાલ નામનું શસ્ત્ર લઈને સુગ્રીવ છઠ્ઠા દરવાજે ઊભા અને સાતમા દરવાજે હાથમાં તલવાર લઈને જનકપુત્ર ભામંડલ ઊભો રહ્યો. સિંહની ધ્વજાવાળો અને યુદ્ધ કરવામાં અતિકુશળ શરભ પૂર્વ દ્વારે ઊભા તથા પશ્ચિમ દરવાજે અંગદકુમાર ઊભા રહ્યા. જે પોતાના સામર્થ્ય વડે યમને પણ જીતી લે એવા કઠોર દર્પવાળા ચન્દ્રરશ્મિ નામના વાલિપુત્ર ઉત્તર દ્વારની રક્ષા કરતો ઊભો. આમ બળ, શક્તિ અને કીર્તિ ધરાવતા બીજા સૈનિકો તૈયાર થઈને, કવચ બાંધીને દક્ષિણ દિશામાં ઊભા રહ્યા. આમ ખેચર રાજાઓએ આખો સન્નિવેશ ઊભો કર્યો. પોતાની ઉજ્જ્વળ કાન્તિથી આ સન્નિવેશ આકાશમાં નક્ષત્રની જેમ શોભતો હતો.

લક્ષ્મણની મરણાવસ્થા જાણીને રાવણ કેદ કરેલા સહોદર ભાઈ તથા પુત્રો માટે મનમાં શોક કરવા લાગ્યો. ‘અરે ભાનુકર્ણ, તું હમેશા મારા કલ્યાણ માટે તત્પર રહેતો હતો. ભાગ્યવશાત્, તું યુદ્ધમાં પકડાયો કેવી રીતે? અરે પુત્ર ઇન્દ્રજિત, પુત્ર મેઘવાહન- સુકુમાર અને કોમળ શરીરવાળા તમે ભારે દુઃખ અને બંધનાવસ્થામાં કેવી રીતે રહેતા હશો? લક્ષ્મણના મૃત્યુને કારણે શોકપીડિત શત્રુઓ બંધનાવસ્થાવાળા અને શરણ વિનાના મારા પુત્રો સાથે કેવો વર્તાવ કરશે? અરે હૃદયવલ્લભ, તમારા દુઃખે અને પકડાઈ જવાથી સવિશેષ તો હું પકડાઈ ગયો છું એમાં શંકા નથી.’

જેવી રીતે મહા બળવાન હાથી પકડાઈ જવાને કારણે પોતાના જૂથમાં દુઃખી થાય તેવી રીતે શોકસંતપ્ત રાવણ પોતાના બાંધવજનોમાં દુઃખી થયો. બીજી બાજુ, શક્તિ વડે ઘવાયેલા લક્ષ્મણ વિશે જાણીને શોકાકુલ સીતા રડવા લાગી, ‘હે ભદ્ર લક્ષ્મણ, હે મહાયશ, આ સમુદ્રને પાર કરીને તું આવ્યો અને મારે કારણે તારી આ અવસ્થા થઈ. હે સુપુરુષ, બાંધવોને મૂકીને પોતાના મોટા ભાઈની સેવા કરનારો તું રાક્ષસદ્વીપમાં કેવી રીતે મૃત્યુ પામ્યો? દુઃખનું કારણ એવી પાપિણી હું બાળપણમાં જ કેમ મૃત્યુ ન પામી? મારે કારણે જ ગુણના ધામ એવા લક્ષ્મણનો વધ થયો. હે લક્ષ્મણ, તારા પ્રાણોની રક્ષા બધા દેવ કરે, મારા વચનથી તું તરત જ શલ્યહીન થઈ જા.’

આમ પોતાના દિયરના ગુણોને યાદ કરીને રડતી સીતાને ખેચર સ્ત્રીઓએ અનેક ઉપદેશ દ્વારા શાંત કરી. ‘અરે ભદ્ર, હજુ તારા દિયરનું મરણ થયું છે કે નહીં એ ચોક્કસ નથી. તું વિલાપ કરીને તે વીરનું અમંગલ ન કર.’

વિદ્યાધરીઓની વાતોથી સીતા જ્યારે થોડી સ્વસ્થ થઈ ત્યારે ત્યાં એક બનાવ જોવા મળ્યો. તે સમયે એક વિદ્યાધર દુર્ગના દ્વાર પાસે આવ્યો. અજાણ્યા આચારવાળો હોવાથી ભામંડલે તેને પ્રવેશ કરતાં અટકાવ્યો. તે વિદ્યાધરે કહ્યું, ‘જો તમે કુમારને જીવતો જોવા માગતા હો તો મને રામ પાસે લઈ જાઓ. હંુ તેમને ઉપાય કહીશ.’ આમ કહેવાથી તુષ્ટ થયેલા અને લક્ષ્મણ માટે ઉત્સાહી ભામંડલ તેને રામ પાસે લઈ ગયો. ત્યાં જઈને તેણે રામની ચરણવંદના કરીેને કહ્યું, ‘હે સ્વામી, તમે મારી વાત સાંભળો. હે પ્રભુ, વિદ્યાધર દ્વારા ઘવાયેલો કુમાર જીવિત છે. હું ચંદ્રમંડલ, શશિમંડલનો પુત્ર છું, મારી માતા સુપ્રભાદેવી અને સુરગ્રીવનો હું પુરોહિત છું. ગગનતલમાં વિહાર કરતી વેળા વેલાયક્ષના પુત્ર સહવિજય શત્રુએ મને જોયો. સાળીના વેરને યાદ કરીને તેણે દારુણ યુદ્ધ કર્યું, ખૂબ જ ક્રોધે ભરાઈને તેણે ચંડરવા શક્તિ વડે મારા પર પ્રહાર કર્યો. દૃઢ શક્તિ દ્વારા હું ઘવાયો અને આકાશમાંથી મહેન્દ્રોદય નામના સંુદર ઉદ્યાનમાં પડ્યો. ત્યાં સાધુપુરુષ ભરતે મને જોયો. કરુણાવાળા ભરતે ચંદનજળ છાંટ્યું. એટલે શલ્યરહિત થયો અને ભારે બળવાન તથા કાન્તિવાળો થયો. ગભરાયેલા રામે તે વિદ્વાનને પૂછ્યું, ‘એ જળ વિશે તમે જે જાણતા હો તે મને કહો.’

તેણે કહ્યું, ‘તો દેવ, તમે સાંભળો, હું એ જળની ઉત્પત્તિ વિશે જાણું છું. મેં પૂછ્યું હતું એટલે ભરત રાજાએ મને બધી વાત કરી હતી. જો આખું નગર કે આખો પ્રદેશ ઉપદ્રવ, તાવ, ફોલ્લા, બળતરા, અરુચિ, શૂળથી વગેરે રોગોથી પિડાતા હોય તો તે જળ વડે નીરોગી થઈ શકે છે.’

આ નગરમાં દ્રોણમેઘ નામનો રાજા હતો. તે પશુ, મંત્રી, સ્વજન, પરિચિતોની સાથે નીરોગી થઈ ગયો ત્યારે તેને બોલાવવામાં આવ્યો. તેને પૂછયું, ‘તમે નીરોગી કેવી રીતે થયા? મને સ્પષ્ટ જણાવો. મને બહુ નવાઈ લાગે છે.’ તેણે કહ્યું, ‘લોકમાં વિશેષ ગુણગાન એવી મારી પુત્રી વિશલ્યા છે. તે મારી પત્નીના ઉદરમાં આવી એટલે મારી પત્ની નીરોગી થઈ ગઈ. તે જિનશાસનમાં અનુરક્ત છે અને પૂજા માટે હમેશા ઉત્સુક રહે છે. બાંધવજનો અને સ્વજનો દ્વારા તે દેવીની જેમ પૂજાય છે. હે દેવ! મારા સ્વજનોના દેખતાં તેણે સુગંધિત જળથી સ્નાન કરાવ્યું. તેનાથી હું નીરોગી થઈ ગયો.’ વિદ્યાધર પાસેથી આ વાત સાંભળી એ ઉત્તમ ઉદ્યાનમાં રહેતા સત્ત્વમય શ્રમણને વિશલ્યા વિશે પૂછ્યું. એટલે મેઘસમાન ગંભીર સ્વરવાળા ચતુર્જ્ઞાની મુનિએ મને કહ્યું,

‘પુંડરિક વિજયમાં ચક્રધ્વજ નામનું એક નગર છે. ત્યાં ધીર અને ત્રણે લોકને આનંદ આપનાર અનંગશર નામનો ચક્રવર્તી રાજા થઈ ગયો. તેની એક ગુણવાન પુત્રી હતી. એક દિવસ ભયંકર તૃષ્ણાવાળા થઈને, સુપ્રતિષ્ઠાના રાજા પુનર્વસુએ તે કન્યાનું અપહરણ કર્યું. ચક્રવર્તીની આજ્ઞાથી વિદ્યાધરોએ તેની સાથે અસ્ત્રશસ્ત્રવાળું ભયાનક યુદ્ધ કર્યું. તે સમયે ક્રોધે ભરાયેલા ખેચરોએ તેનું ઉત્તમ વિમાન તોડી પાડ્યું. શરશ્ચન્દ્રની શોભા જેવી તે તેમાંથી નીચે પડી. પુનર્વસુ દ્વારા પ્રયોજાયેલી વિદ્યાને કારણે, પુણ્ય ઓછા હોવાને કારણે જંગલી પ્રાણીઓના પ્રચંડ ધ્વનિવાળા ઘોર વનમાં જઈ પડી. તે જંગલમાં વિવિધ પ્રકારનાં ઊગેલાં વૃક્ષો હતાં, વાંસના ઝુંડ એકબીજામાં પરોવાઈ ગયાં હતાં. ત્યાં વિષમ પર્વતોને કારણે પ્રવેશ બહુ મુશ્કેલ હતો, સેંકડો જંગલી જાનવરો ત્યાં હતાં. મધુર વાણી ધરાવતી તેણે એક જ દૃષ્ટિપાતમાં દશે દિશાઓ માપી લીધી. બાંધવોનો પ્રેમ યાદ કરીને તે પ્રલાપ કરવા લાગી. ‘હે તાત, તમે પરાક્રમ કરીને શત્રુઓને જીતો છો, આખા લોકનું પાલન કરો છો, આ વનમાં તમે મારા જેવી પાપી પર દયા કેમ કરતા નથી? અરે માતા, અતિશય ભારે ઉદરદુઃખ વેઠીને ભયવિહ્વળ, ઉદ્વેગવાળી તું મને કેમ યાદ કરતી નથી? એ બંધુઓ, મારા જેવી પાપિણી પર વાત્સલ્ય બતાવતા હતા, તો હવે એ કેમ નથી વરસાવતા?’ આમ ગદ્ગદ કંઠે પ્રલાપ કરીને દુઃખી તથા હતાશ કન્યા એ ભયાનક વનમાં રહેવા લાગી.

ભૂખતરસથી રિબાતી તે પત્ર ફળનો આહાર કરતી, આઠમ-દસમના ઉપવાસ કરતી, એક જ વાર આહાર કરતી હતી. અગ્નિના તાપ વિના, મકાનમાં ન રહેવાથી તેણે શિયાળો ભારે ઠંડી વેઠીને વીતાવ્યો. ત્યાર પછી અનેક પુષ્પોની સુવાસથી સમૃદ્ધ વસંતઋતુ આવી. ત્યાર પછી પ્રાણીઓને પીડનારી ગ્રીષ્મ ઋતુ આવી. વાદ્યો વાગતાં હોય એવી, વાદળોની ગર્જનાવાળી, વરસાદની ધારા પડવાને કારણે તડતડ અવાજ કરતી, ચંચળ વીજળીઓની કાન્તિવાળી વર્ષા ઋતુ આવી ગઈ. આમ તે અનંગશરાએ ત્રણ હજાર વર્ષ સુધી તપ કર્યું. પછી તેણે સંવેગયુક્ત સંલેખનાનો નિશ્ચય કર્યો. ચતુવિર્ધ આહાર, શરીર આ બધાંનું પ્રત્યાખ્યાન કરીને તે બોલી, ‘અહીંથી સો હાથથી આગળ નહીં જઉં.’

નિયમધારણનો છઠ્ઠો દિવસ વીત્યો ત્યારે લબ્ધિદાસ નામનો એક ખેચર મેરુને પ્રણામ કરી પાછો ફરી રહ્યો હતો. તે કન્યાને જોઈ તે નીચે ઊતર્યો. પિતાની પાસે લઈ જવા રોકાયેલા તેણે કહ્યું, ‘તારું અહીં શું કામ છે? તું તારે દેશ જા.’ લબ્ધિદાસ તરત જ ચક્રવર્તી પાસે ગયો અને તેને લઈને યોગયુક્ત અનંગશરા જ્યાં હતી ત્યાં આવ્યો. ચક્રવર્તી નીચે ઊતર્યો અને અજગર દ્વારા આહાર કરાતી તે કન્યાને જોઈ. રડીકકળીને તે તરત જ પોતાના નગરમાં જતો રહ્યો. તીવ્ર વૈરાગ્ય પ્રગટવાથી ત્રિભુવનાનંદ ચક્રવર્તીએ બાવીસ હજાર પુત્રો સાથે શ્રમણત્વ પ્રાપ્ત કર્યું. અજગર દ્વારા ભોગ બનેલી તે કન્યા મંત્ર જાણતી હોવા છતાં કૃપાવશ થઈને તે પાપી અજગરને તેણે ન માર્યો. ધર્મધ્યાનમાં લીન બનેલી તે પુણ્યશાળી કન્યા મૃત્યુ પામીને દેવલોકમાં જન્મી અને દિવ્ય રૂપવાળી દેવી થઈ. ખેચરોન્દ્રોને જીતીને પુનર્વસુએ તેના વિરહથી દુઃખી થઈને દ્રુમસેન મુનિ પાસે દીક્ષા લીધી. તપનો આચાર પામીને મૃત્યુ પછી તે દેવ થયો. ત્યાંથી પતન પામીને તે દશરથપુત્ર લક્ષ્મણ તરીકે જન્મ્યો. તે અનંગશરા પણ દેવલોકમાંથી પતન પામીને દ્રોણવન રાજાની વિશલ્યા નામે પુત્રી રૂપે જન્મી છે. આગલા જન્મે ઉપસર્ગ સાથે તપ કર્યું હતું એટલે આ વિશલ્યા ઘણા રોગનો નાશ કરનારી બની છે.

એક વેળા અનેક રોગોને જન્માવનારી અતિ ભયાનક હવા ફેલાઈ. પૂછવાથી મુનિએ તેની ઉત્પત્તિ વિશે કહ્યું. ગજપુર નામના નગરમાં રહેતો વિંધ્ય નામનો અતિસંપન્ન વેપારી ભેંસો પર વેચવાની ચીજવસ્તુઓ લાદીને સંકેતપુરીમાં ગયો. ત્યાં તે વેચાણ માટે એક મહિનો રોકાયો. એ દરમિયાન એક ઉત્તમ પાડો વધુ ભારને કારણે પડી ગયો. કર્મની નિર્જરાને કારણે મૃત્યુ પછી તે પવનાસુર રૂપે જન્મ્યો અને પવનાવર્તના નામે શ્રેયસ્કરપુર નામના નગરનો સ્વામી થયો. અવધિજ્ઞાનથી તેણે પોતાના પૂર્વજન્મની કથા જાણી લીધી. ખૂબ જ ક્રોધે ભરાઈને તે લોકોના વિનાશનો વિચાર કરવા લાગ્યો. જનપદના લોકો મારા માથા પર પગ મૂકીને જતા હતા, તે લોકોનો હું નિશ્ચિત દંડ કરીશ. એમ વિચારી દેશ અને નગર પર ક્રોધે ભરાયેલા તે દેવે અનેક રોગ જન્માવનારી હવા ફેલાવી. ઘણા રોગોને જન્માવનાર પવનને વિશલ્યાએ તત્ક્ષણ સ્નાનજળથી નષ્ટ કરી નાખ્યો.

હે પ્રભુ, સર્વભૂતશરણ મુનિએ ભરતને અને ભરતે મને જે કહ્યું હતું તે બધું મેં તમને સંભળાવ્યું. ત્યાં જઈને તરત જ અભિષેકજળ મંગાવો. તેમાંથી કુમાર જીવતો થશે, બીજી કોઈ રીતે નહીં થાય...’

તેની આ વાત સાંભળીને અત્યંત સંતુષ્ટ થયેલા રામ જવા માટે વિદ્યાધરોની સાથે વિચારવિમર્શ કરવા લાગ્યા. જાંબૂનદ વગેરે મંત્રીઓએ રામને કહ્યું કે આ અંગદ, હનુમાન તથા જનકપુત્રને પાણી લેવા મોકલો. રામે ભામંડલ, હનુમાન તથા વાલીપુત્ર અંગદને પાણી લેવા સાકેતપુરી જવા કહ્યું. આજ્ઞા માથે ચઢાવીને તેઓ ક્ષણાર્ધમાં સાકેતપુરી પહોંચી ગયા અને રાજભવનમાં ઊતર્યા. સંગીત દ્વારા ગુણગાન થતાં ભરત તરત જ ઊભો થયો. સંતુષ્ટ થઈને ભવનમાંથી નીચે ઊતર્યો અને ખેચરોને પૂછ્યું, સીતાહરણને કારણે લક્ષ્મણ શક્તિ વડે ઘવાયો છે એ વાત તેમણે ભરતને કરી અને બધી વાર્તા ટૂંકમાં કહી. આ સાંભળી ક્રોધે ભરાયેલા ભરતે મહાભેરી વગડાવી અને તરત જ હાથી, ઘોડા, રથ સાથે તૈયાર થઈ ગયો. ભેરી સાંભળીને સાકેતપુરીના નિવાસીઓ ‘શું છે? શું થયું?’ એમ કહી ભયથી વિહ્વળ અને વ્યાકુળ થઈ ગયા. લોકો કહેવા લાગ્યા કે શું સર્વદા વિરોધ કરનાર અને ભરતના દોષ જોઈ ઘાત કરનાર અતિવીર્યનો પુત્ર રાતે અહીં આવી ચડ્યો છે? મણિ, સોનંુ, ચાંદી, પ્રવાલ, ઘણાંબધાં વસ્ત્રાભરણ — લઈ ભોંયરામાં સંતાડી દો. રથ, હાથી, ઘોડા પર સવાર થઈને શત્રુઘ્ન વગેરે સૈનિકો તૈયાર થઈને, કવચ પહેરીને ભરતના નિવાસે આવ્યા. યુદ્ધ માટે અત્યંત ઉત્સાહ તથા જવા માટે તૈયાર થયેલા જનકપુત્ર ભામંડલે કહ્યું, ‘હું તમને જે કહું છું તે ધ્યાનથી સાંભળો.’

‘હે રાજા, લવણસમુદ્રની વચ્ચે લંકાનગરી આવી છે. તે સમુદ્ર ભયંકર છે, ખૂબ વિશાળ છે. પગે ચાલનાર તમે એને ઓળંગશો કેવી રીતે?’ આ સાંભળી ભરતે કહ્યું, ‘તો પછી અહીં શું કરી શકાય? તે મને તરત કહો, જે કહેશો તે બધું અહીં લાવું.’

એટલે ભામંડલે કહ્યું, ‘હે મહાયશસ્વી, વિશલ્યાનું સ્નાનોદક તમે મને આપો. એમાં તમે વિલંબ ન કરો. એનો છંટકાવ થશે એટલે લક્ષ્મણ તરત બેઠો થશે. એટલે અમે તરત નીકળી જઈએ. સૂર્યોદય થશે ત્યારે તો તે મૃત્યુ પામશે.’

ભરતે કહ્યું, ‘એ જળ તો શું, દ્રોણમેઘની પુત્રી વિશલ્યા જાતે જ ત્યાં જાય. મુનિએ કહ્યું છે કે આ મહિલારત્ન તેની પટરાણી થશે, બીજા કોઈની નહીં.’ ભરતે દ્રોણમેઘને ત્યાં દૂત મોકલ્યો. પુત્ર તથા સેના સાથે તૈયાર દ્રોણે વિશલ્યા ન મોકલી. કૈકેયીએ જઈને તેને મીઠી વાણીમાં બધું સમજાવ્યું, પછી પ્રસન્ન થઈને દ્રોણે પુત્રીને મોકલી. પછી ભામંડલે રાજાઓની એક હજાર કન્યાઓને પોતાના ઉત્તમ વિમાનમાં બેસાડી. ઊડીને તેઓ તરત જ યુદ્ધભૂમિ પર પહોંચી ગયા. ઉત્તમ વિમાનોની અર્ઘ્ય વગેરેથી પૂજા કરીને તેઓ નીચે ઊતર્યા. જેવી રીતે સુંદર ચામર ઢોળાય તેવી રીતે હંસની ગતિથી ચાલતી વિશલ્યા લક્ષ્મણ પાસે પહોંચી. તેના સ્પર્શથી તે શક્તિ વક્ષસ્થલમાંથી બહાર નીકળી. તે સમયે કામી પુરુષના ઘરમાંથી નીકળતી દુષ્ટ મહિલા જેવી દેખાતી હતી. આકાશમાર્ગેથી જનારી તે વિસ્ફુરિત અગ્નિસમૂહવાળી શક્તિને અતિ વેગીલા હનુમાને કૂદીને પકડી લીધી.

તે શક્તિ ક્ષણવારમાં દિવ્ય રૂપથી સમૃદ્ધ એક સુંદરી બની ગઈ. પછી તેણે હનુમાનને કહ્યું, ‘મને છોડી દો. આમાં મારો દોષ નથી. હું ત્રિલોકમાં વિખ્યાત અમોઘવિજયા નામની શકિત છું. સંતુષ્ટ નાગરાજે મારી સોંપણી રાવણને કરી હતી. જ્યારે વાલી કૈલાસ પર્વત પર યોગારૂઢ હતો ત્યારે રાવણે હાથ ચીરીને વીણા બનાવી હતી. ચૈત્યગૃહો આગળ જિનચરિતનું ગાન કરનારા રાવણને પ્રસન્ન ધરણેન્દ્ર દેવે મારી સોંપણી કરી હતી. હે પ્રભુ, દુસ્સહ તેજવાળી તથા ગુણસમુદ્ર વિશલ્યા સિવાય હું ત્રિભુવનમાં કોઈ વ્યક્તિથી પરાજિત થઈ નથી. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, શારીરિક વેદના સહન કરનારી તેણે પૂર્વજન્મમાં ઘોર તપ કરીને કર્મપ્રાપ્તિ કરી હતી. હે સુપુરુષ, સમ્યક્ રીતે જિનવરના તપનું માહાત્મ્ય જુઓ, એનાથી બીજા જનમમાં આવાં કાર્ય સિદ્ધ થાય છે. અથવા આ લોકમાં સાધિત કાર્ય માટે વિસ્મય કેવું, કારણ કે આનાથી તો જીવ કર્મક્ષય કરીને મોક્ષસુખ પણ મેળવે છે. તેના તપથી હું પરાજિત થઈ છું. હું પરાયત્ત છું, મને છોડી દો. હું મારા સ્થાને જઈશ. હે સ્વામી, મારાં દુશ્ચરિતને ક્ષમા કરો.’ આવું સંભાષણ કરનારી તે શક્તિદેવીને ભયે ફફડતા હનુમાને છોડી મૂકી. તે પોતાના સ્થાને જતી રહી.

દ્રોણમેઘની વિનયી પુત્રી વિશલ્યા રામને નમસ્કાર કરીને લક્ષ્મણ પાસે જઈને બેઠી. તે મુગ્ધાએ કમળ જેવા કોમળ હાથ વડે લક્ષ્મણને ઢંઢોળ્યો અને ગૌશીર્ષચંદન વડે તેના અંગપ્રત્યંગ પર લેપ કર્યો. આરામથી સૂતેલા, સહેજ રાતા નયનોવાળા, જેના હાથ સહેજ સહેજ સળવળ્યા હતા તથા જેનો શ્વાસોચ્છ્વાસ ચાલવા લાગ્યો હતો તેવા લક્ષ્મણનો જાણે બીજો જન્મ થયો. સંગીત વડે થતા ગુણગાન સાંભળીને તે એકાએક ઊભો થઈ ગયો. ક્રોધિત લક્ષ્મણ ચારે બાજુ જોઈને પૂછવા લાગ્યો, ‘ક્યાં છે રાવણ?’ રોમાંચને કારણે કર્કશ અને સ્મિતપૂર્ણ મોંવાળા રામ નાના ભાઈને ભેટી પડ્યા અને કહ્યું, ‘એ શત્રુ નાશ પામ્યો છે. શક્તિના પ્રહારની વાત તથા બીજું બધું કહ્યું અને મન્દર વગેરે સૈનિકોએ ઉત્સવ મનાવ્યો. રામના કહેવાથી વિશલ્યાએ તે ચંદન દિવ્ય શસ્ત્રોથી ઘવાયેલા ઇન્દ્રજિત વગેરે સૈનિકોને લગાવ્યું. ચંદનજલના અભિષેકથી તે ખેચર શલ્યરહિત થઈ ગયા અને પરમ આનંદપૂર્વક તરત ચાલ્યા ગયા.

સુંદર રૂપ અને લાવણ્યવાળી, ચંદ્રમુખી દ્રોણપુત્રી વિશલ્યા લક્ષ્મણની જોડે ઇન્દ્રની દેવી જેવી શોભતી હતી. બધાં કાર્ય સારી રીતે સંપન્ન થયાં એટલે રામના કહેવાથી અતિશય ધૈર્યવાળા લક્ષ્મણે ધામધૂમથી વિશલ્યા સાથે લગ્ન કર્યું. આમ માનવી પૂર્વભવમાં કરેલાં ધર્મકાર્યોને કારણે દુઃખમુક્ત થાય છે, યથેચ્છ દિવ્ય પદાર્થ મેળવે છે અને લોકમાં તેમને વિમળ યશ પ્રાપ્ત થાય છે.