ભારતીયકથાવિશ્વ-૪/પ્રસ્તાવના
સામાન્ય રીતે પ્રજાને સન્માર્ગે ચઢાવવા માટે પ્રાચીન કાળથી ઉપદેશ, બોધનું મહત્ત્વ પૂર્વમાં અને પશ્ચિમમાં સ્વીકારાયું છે. દુનિયાભરના ઉપદેશાત્મક ગ્રંથોમાં બોધ સીધો ને સીધો કદી આવ્યો નથી. કારણ કે પ્રત્યક્ષ નીતિબોધ ભાગ્યે જ અસરકારક નીવડતો હોય છે, તેને કાવ્યાત્મક અર્થાત્ સર્જનાત્મક સ્પર્શ તો મળવો જ જોઈએ. એટલે જ જુઓ, પ્લેટો જેવાએ આદર્શ રાજ્યના સંદર્ભે જે કંઈ ચર્ચા કરી તે બધી કાવ્યાત્મક શૈલીમાં કરી, ત્યાં દૃષ્ટાંતો, રૂપકો ઢગલાબંધ જોવા મળશે. એક વિરોધ એ પણ જોવા મળશે કે આવી શૈલીની આડમાં કવિતાને તે દેશનિકાલ કરવા માગતો હતો. આથી પણ બીજું અચરજ એ વાતનું કે પ્લેટોની સામે કવિતાનો છડેચોક બચાવ કરનાર એરિસ્ટોટલની શૈલી નરી વૈજ્ઞાનિક, શાસ્ત્રીય. આપણા બધા જ પ્રાચીન ગ્રંથોમાં દૃષ્ટાંતકથાઓનો વિપુલ વિનિયોગ કરવામાં આવ્યો છે. ગુજરાતી નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીએ પણ તત્ત્વજ્ઞાન પ્રત્યક્ષ આપવાને બદલે વાર્તા દ્વારા એ બધું આલેખ્યું, પરિણામે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા મનહર અને મનભર બની શકી. આ સંદર્ભમાં ‘પંચતત્ર’નું સ્થાન વિશિષ્ટ છે. પ્રાચીન કાળથી કહેવાતું આવ્યું છે કે જ્ઞાન બધી દિશાએથી પ્રાપ્ત કરો. જેઓ કેળવાયેલી રુચિવાળા હતા તેમણે જાણે ઋગ્વેદનો મંત્ર — દરેક દિશાએથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાઓ — આત્મસાત્ કર્યો હતો. કેટલા બધાએ બીજાઓના ધર્મગ્રંથો આત્મસાત્ કર્યા હતા અને સાધનસગવડ હોય તો પરધર્મના ગ્રંથોના અનુવાદ પણ પોતાની ભાષામાં કરાવ્યા હતા. ભલે ગીતાકાર કહેતા હોય કે પરધર્મો ભયાવહ: પણ એનો સંદર્ભ જુદો છે. બહુ ઉદાર બનીને ઇરાનના રાજા નૌશીરવાંએ ‘પંચતત્ર’નો અનુવાદ પહેલવી ભાષામાં કરાવ્યો. મૂળ અનુવાદ ભલે નષ્ટ થયો હોય પણ એમાંથી બીજી ભાષામાં થયેલો અનુવાદ સચવાઈ રહ્યો. ગુજરાતીમાં ‘પંચતંત્ર’નો અસામાન્ય કક્ષાનો અનુવાદ કરનાર ભોગીલાલ સાંડેસરા કહે છે તેમ ઈ.સ.ની પ્રારંભિક પાંચ સદીઓની વચ્ચે પંચતંત્રની રચના થઈ હોવી જોઈએ. અરબી ભાષામાં અનુવાદ થયા પછી તો દુનિયાની ઘણી બધી ભાષાઓમાં તેનો અનુવાદ થયો.(બીજી વિગતો માટે જુઓ ‘પંચતત્ર’ની પ્રસ્તાવના) મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્યમાં ‘પંચતત્ર’નો ભારે પ્રભાવ જોવા મળશે. જૈન અને જૈનેતર કવિઓએ જે રચનાઓ કરી તેમાં આ બધો પ્રભાવ જોવા મળશે. હજારો વર્ષ પહેલાં રચાયેલી આવી કથાઓની ઉપયોગિતા ત્યારે જેટલી વરતાઈ હશે તેનાથીય વિશેષ આપણા સમયમાં વરતાય છે એ વાત નિ:શંક છે. આપણી બધી જ કથાવાર્તાઓમાં ‘વાર્તામાં વાર્તા’ એ શૈલી તો અતિખ્યાત છે. એક વાર્તા પૂરી થાય અને એમાંનું જ એક પાત્ર બીજી વાર્તા માંડે, ક્યારેક તો મૂળ કથાનક બાજુએ મુકાઈ જાય, ક્યારેક એકનું દુ:ખ હળવું કરવા વધારે દુ:ખી પાત્રોની કથા આવે. આ પ્રકારની આયોજના મૂળ મહાભારતમાં નળદમયંતીની કથામાં જોવા મળશે. ‘પંચતત્ર’માં પ્રાણીપાત્રો છે, અહીં માનવપાત્રો આવતાં હોય તો પણ તે પ્રાણીઓ દ્વારા. વળી અહીં હાથી, વાઘ જેવાં માત્ર મોટાં પાત્રો જ નથી, જૂ, માકણ, મધમાખ જેવાં જંતુઓ પણ જોવા મળશે, એટલે આપણે સ્વીકારવું પડે કે ‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી.’
‘પંચતંત્ર’ જેવો જ બીજો એક ગ્રંથ નારાયણ ભટ્ટ કૃત ‘હિતોપદેશ’ બંગાળમાં કે ગુજરાતમાં ઈ.સ.ની નવમી સદીથી ચૌદમી સદીની વચ્ચે રચાયો હોવો જોઈએ. આ પ્રકારના ગ્રંથોને આજે આપણે પ્રશિષ્ટ તરીકે ઓળખાવી શકીએ. ક્યાંક મરમમાં એવું પણ કહેવાયું છે કે પ્રશિષ્ટ ગ્રંથો વાંચવા માટે નથી, માત્ર સુશોભન માટે છે. પણ રામાયણ, મહાભારત, પંચતંત્ર કે હિતોપદેશ જેવા ગ્રંથો ભારે લોકપ્રિય પણ રહ્યા છે. આવી બધી રચનાઓ પ્રશિષ્ટ અને લોકપ્રિય વચ્ચેના બધા ભેદ ભૂંસી નાખે છે. ‘હિતોપદેશ’ના ગુજરાતી અનુવાદો વીસમી સદીના આરંભે થયા, તેમાં અંબાલાલ બુલાખીરામ જાનીનો અનુવાદ વધુ વંચાયો છે. આ અનુવાદનું સંપાદન વિજય પંડ્યાએ ઈ.સ. ૨૦૧૨માં કર્યું હતું. આમ જોવા જઈએ તો ‘હિતોપદેશ’ ગ્રંથ પંચતંત્રનો જ વિસ્તાર છે. પણ એ શબ્દશ: વિસ્તાર નથી એવું અનુવાદક અને સંપાદકનું માનવું છે. અહીં સદીઓથી ઘડાતી આવતી ભારતીય ચેતના છે. આ ભારતીય સામૂહિક ચેતનાએ પરંપરાને બહુ જ સંકુલ ભૂમિકાએ આત્મસાત્ કરી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવીય વ્યવહારો જોયા પછી કેટલાંક તારણો કાઢ્યાં, આને આપણે સુભાષિત તરીકે ઓળખાવી શકીએ. સુભાષિત રત્નભંડારમાં આમાંથી ઘણાં બધાં સુભાષિતો સંકલિત કરવામાં આવ્યાં છે. આ બધાં જ સુભાષિત ભૂતકાળમાંથી ઝીલાયાં છે અને આવનારી પેઢીએ તે સાચવ્યાં છે. ‘હિતોપદેશ’ તો ગર્વપૂર્વક આત્મપ્રશંસા કરે છે. ‘હિમાલયકન્યા પાર્વતીના પ્રિય ચંદ્રમૌલિ જ્યાં સુધી છે, મેઘ ઉપર વીજળીની પેઠે મુરારિના હૃદય ઉપર લક્ષ્મી જ્યાં સુધી શોભે છે, જેની ઉપર આ સૂર્ય વડવાનળના તણખાની પેઠે શોભે છે તે આ સુવર્ણપર્વત — મેરુ — જ્યાં સુધી છે ત્યાં સુધી નારાયણ પંડિતે રચેલો આ કથાઓનો સંગ્રહ અચલ વર્તો.’ ‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’માં રાજા પોતાના મૂર્ખ પુત્રોને શિક્ષિત કરવા માટે વિષ્ણુશર્માને પુત્રોની સોંપણી કરે છે, અનેક કથાઓમાંથી પસાર થયા પછી દુન્યવી વ્યવહારોની સાચી સમજ પડે છે એમાં કશી શંકા નથી. મૂળમાં તો આવી કથાઓનો આશય ઉપદેશ આપવાનો હતો એટલે તેને માટે નિમિત્તો શોધી કાઢવામાં આવ્યાં. બાળકોમાં ખૂબ જ જાણીતી થયેલી વાર્તા ‘સંહિ અને સસલો’ આ બંને સંચયોમાં છે. અહીં પ્રાણીઓ સંહિને એટલે કે વનરાજને રાજધર્મ શીખવે છે. આ રાજધર્મ જો રાજકુમારો સાંભળે અને તે આત્મસાત્ કરે તો તેમનામાં ડહાપણ આવી શકે. આ વાર્તામાં એક બાજુ અલ્પ શક્તિ ધરાવતો સસલો અને બીજી બાજુ પ્રચંડ શક્તિ ધરાવતો સંહિ, એક બાજુ બુદ્ધિ તો બીજી બાજુ બળ, એક તરફ હંસિકતા છે તો બીજી બાજુ તેનો પ્રતિકાર ચાતુર્યથી, અહંસાિથી કરનાર પ્રાણી છે. આમ પરસ્પર વિરોધ ઉપજાવીને નાટ્યાત્મકતા ઊભી કરવામાં આવી છે. આ કથાનું સાવ જુદી રીતે પુનરાવર્તન ‘ટીટોડો અને સમુદ્ર’ કથા કરાવે છે. આ કથા કથનશૈલી માટે પણ જાણીતી છે. અહીં તો સમગ્ર પંખીજગત ભેગું થાય છે. આ પ્રાણીઓ પાસે પુરાણકથાનાં દૃષ્ટાંતો પણ કહેવડાવ્યાં છે, તે ઉપરાંત મનુસ્મૃતિ અને વરાહમિહિરના ગ્રંથ જેવાથી પણ સર્જક પરિચિત છે. ઘણી બધી કથાઓમાં અંતે ઉપદેશ આવે છે. દા.ત. ‘પંચતંત્ર’ના આરંભે આવતી એક વાર્તા ‘ખીલો ખેંચનાર વાંદરો’ના અંતે કહેવાયું છે, ‘પોતાનું કામ ન હોય એવી બાબતમાં જે માથું મારવા જાય છે તે ખીલો ખેંચનાર વાંદરાની જેમ મરણ પામે છે.’ આવી ઘણી બધી કથાઓમાં આ પ્રકારનું તારણ આરંભે પણ આવી શકે. શ્રોતા તરીકેનું પાત્ર પૂછે કે ‘કેવી રીતે’ એટલે તેના ઉત્તરમાં કથા કહેવામાં આવે. આપણે જોઈ શકીશું કે આ કથાકારોને વ્યવહારજગતનું જ્ઞાન ખાસ્સું હતું, વનસ્પતિ જગતનો પરિચય હતો એમ આંજણી, ખેર જેવાં વૃક્ષોના ઉલ્લેખો પરથી સમજાશે. વળી, કર્તા નિરીક્ષણશક્તિ વિના લખી જ ના શકે કે ‘દુન્દુભિ ઉપર વાયુને કારણે હાલતી વેલીઓની શાખાના અગ્રભાગ અથડાતાં ઉત્પન્ન થતો શબ્દ.’ જેવી રીતે કથારસને અટકાવી કાદંબરીકાર વર્ણન પર ચડી જશે તેવી રીતે અહીં પણ કથાને બાજુ પર મૂકીને બહુ વિગતે બોધ રજૂ કરવામાં આવશે. ક્યારેક આપણને લાગે કે આટલા બધા વિસ્તારથી શા માટે બોધ આપવો જોઈએ? એકબે વાક્ય પણ ચાલે. ક્યારેક એક કથા શરૂ થાય, આપણને એમ લાગે કે એ પૂરી થઈ પણ વળી આગળ ચાલે, આનો નમૂનો ‘પરિવ્રાજક અને ધુતારો’ કથા પૂરો પાડશે. બગલો અને કરચલો જેવી વાર્તામાં ચતુર અને ચાલાક કરચલો છેલ્લી ઘડીએ જ્યારે જાણી જાય છે કે બગલો ધૂર્ત અને બદમાશ છે એટલે તરત જ તેની કોટે વળગીને મારી નાખે છે. ક્યારેક દુષ્ટ પાત્ર પણ બીજાઓનો જીવ બચાવવા પોતાનો જીવ આપી દે છે. દર વખતે કાગડો લુચ્ચાઈ ન પણ કરે. આવી એક વાર્તામાં કાગડો પોતાના મિત્ર હરણને જ્યારે શિયાળે ફસાવી દીધું ત્યારે ચતુરાઈ વાપરીને તેને બચાવી લે છે. પણ ક્યારેય શિયાળે કોઈને બચાવ્યા હોય એવી કથા જોવા મળતી નથી. આ સમાજ ત્યારે પણ પુરુષપ્રધાન હતો એટલે ઘણી બધી સ્ત્રીઓ વ્યભિચારી છે. દશકુમારચરિતની કથાઓમાં તો છેલ્લે પાટલે જઈને બેઠેલી સ્ત્રી પોતાના પતિને મારી નાખવા તૈયાર થઈ અને અપંગ સાથે વ્યભિચાર કરવા તત્પર થઈ. અહીં ઘણી વાર દેવતાઓ કરતાં મનુષ્યો ચઢિયાતા આલેખાયા છે અને તેમાં વારંવાર ઇન્દ્રના વ્યભિચારની કથાઓ તો આવશે જ. અહીં નૈતિક મૂલ્યો પર ખાસ્સો ભાર અપાયો છે. એ રીતે વેદ-પુરાણો-ઇતિહાસનો વિરોધ ન થાય; અપવિત્ર અવસ્થામાં આકાશદર્શન ન થાય; પગ વડે માનવીઓનો સ્પર્શ ન થાય; પાણીની પરબ, બાગ, વાવ, કૂવાતળાવનો નાશ ન કરી શકાય, ખરાબ સંજોગોમાં એકલપેટા ન થવાય; માતાપિતા-ગુરુનો ત્યાગ, કન્યાવધ, ગર્ભપાત, બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા-શિશુહત્યા ન થાય; સૌથી વધારે પાપ કૃતઘ્નતાનું. અહીં કેટલી બધી નદીઓ (લગભગ એંસી જેટલી મુખ્ય નદીઓ) વર્ણવાઈ છે. નૃવંશવિજ્ઞાનનું નામ પાડ્યા વિના ભારતવર્ષના જુદા જુદા વિસ્તારોમાં કઈ કઈ જાતિના લોકો વસે છે તેની યાદી પણ જોવા મળશે. અહીં એ સમયની નીતિરીતિઓ છે. કઈ તિથિઓએ કયાં કાર્ય કરવાં ન કરવાં તેની માહિતી પણ છે. એક જુદા પ્રકારની વાત પણ જોવા મળશે. ‘પારકાની હત્યા કરવા કરતાં આત્મહત્યા કરવી બહુ દુષ્કર છે,’ આને આલેખતી કેટલી બધી કથાઓ જોવા મળે છે. કમળપૂજા કરવા તત્પર થયેલાઓને દેવતાઓ અટકાવી દે છે. બાણ ભટ્ટની ‘કાદંબરી’માં મહાશ્વેતાને અને કાદંબરીને આત્મહત્યા કરતા અટકાવતી દેવવાણી છે. આપણા સમયમાં તો કહેવાયું છે કે પ્રત્યેક હત્યા આત્મહત્યા છે.
બાણ ભટ્ટ તેમની ‘કાદમ્બરી’થી અમર થઈ ગયા એ સર્વસ્વીકૃત હકીકત છે. આપણે ત્યાં આત્મચરિત્ર, જીવનચરિત્ર, ઇતિહાસ વગેરેના અભાવને કારણે ઘણા બધા સર્જકોની સ્થૂળ માહિતી મળી શકતી નથી. આમ છતાં પરોક્ષ-અપરોક્ષ સાધનો દ્વારા અનુમાન કરી શકાય કે બાણ ભટ્ટ ઈ.સ.ના સાતમા સૈકાના પૂર્વાર્ધમાં થઈ ગયા હોવા જોઈએ. કેટલીક વખત કોઈ કવિ એવો આવી ચઢે કે તેના અનુગામીઓને કાવ્યરચના કરવી અઘરી થઈ પડે. બાણ ભટ્ટ આવા એક કવિ હતા. સામાન્ય રીતે કૃતિના આરંભે નાયક-નાયિકાના પ્રવેશ થાય, પણ અહીં કાદમ્બરીની કથા એ રીતે વિકસતી નથી. કથાનો આરંભ શૂદ્રક નામના રાજાના વર્ણનથી થાય છે. અહીં કથનને બદલે વર્ણનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજાના દરબારમાં પોપટ લઈને કોઈ ચાંડાલકન્યા આવે છે અને એ પોપટ પોતાની કથા રાજા આગળ વર્ણવે છે. ત્રીજા પુરુષના કથનકેન્દ્રથી આરંભાતી કથા પોપટના આત્મવૃત્તાંત રૂપે આવે છે. વળી પોપટ કે ચાંડાલકન્યાના મોઢામાં મૂકેલી વાણી કવિવાણી લાગે એ રીતે જોવા મળશે. દા.ત. પોપટ જાબાલિ ઋષિના આશ્રમમાં જઈ મુનિનું કેવું વર્ણન કરે છે? ‘આ મુનિ કરુણારસના પ્રવાહ છે; સંસારસમુદ્રને તરવાના સેતુ છે; ક્ષમા-જલના આધાર છે, તૃષ્ણા રૂપી ઝાડીના પરશુ છે; સંતોષામૃતના સાગર છે; સિદ્ધિમાર્ગના ઉપાસક છે; દુષ્ટ ગ્રહોના અસ્તાચલ છે; શાન્તિ રૂપી વૃક્ષનું મૂળ છે; બુદ્ધિ ચક્રની નાભિ છે.’ આ પોપટનો પૂર્વભવ કયો? તે તો મહાશ્વેતાના શાપથી પોપટ થયો હતો. આ અને બીજી કથાઓમાં ઘણાં બધાં ચરિત્રો શાપ આપવાની ક્ષમતા ધરાવે છે. આ પોપટનો આત્મવૃત્તાંત પૂરો થયા પછી જાબાલિ મુનિ બીજા શ્રોતાઋષિઓની વિનંતીને માન આપીને કથાનો આરંભ કરે છે. હવે મૂળ વાત તો એ છે કે શૂદ્રકને આ આખી કથા વૈશંપાયન સંભળાવે છે. એટલે આપણને કથા ત્રીજા પુરુષના કથનકેન્દ્રમાં કહેવાતી લાગશે. આ પ્રકારની કથારીતિ પ્રાચીન કથાસાહિત્યમાં પ્રચલિત તો હતી. વળી અહીં પરંપરાગત રૂઢિનો ભંગ કરીને સર્જક આપણું ધ્યાન કાદમ્બરી પર જાય તે પહેલાં તેની સખી મહાશ્વેતા પર જાય છે. બંનેના જીવનમાં બનતી ઘટનાઓમાં અમુક સામ્ય વરતાશે. સાથે સાથે ગુણાઢ્યની બૃહત્કથા, તથા તેનો આછોપાતળો આધાર લઈને રચાયેલી વસુદેવહંડીિનાં શૈલી, વસ્તુ, પાત્રનિરૂપણ અદ્ભુત હોવા છતાં કાદમ્બરી અતુલ્ય છે. આટલી બધી ઇન્દ્રિયગોચરતા, અલંકરણપ્રધાન શૈલી બહુ ઓછી કૃતિઓમાં જોવા મળશે.
વેદઉપનિષદ વગેરેએ ભારતીય પ્રજાજીવનમાં બહુ મોટો ભાગ ભજવ્યો છે તેની ના નહીં પણ સામાન્ય માનવી નિરાકારને બદલે સાકારની ઉપાસના કરવા ચાહે. તેને શુષ્ક તત્ત્વજ્ઞાનમાં રસ ન પડે એટલે પછી સૂતપુરાણીઓએ ભગવાનનો મહિમા ગાવા માટે પુરાણોની રચના કરી. સંકુલ ભૂમિકાએ તે આપણી સંસ્કૃતિનો વિશેષ મહિમા કરે છે. પુરાણોમાં કથાઓ તો છે જ પણ તે ઉપરાંત નીતિ, તત્ત્વચિંતન, માહિતી પણ છે. જો પ્રજાને સંસ્કારવાનું કાર્ય પુરાણોએ કરવું હોય તો ગૃહસ્થાશ્રમના આચારવિચાર પણ જણાવવા પડે. વળી ગૃહસ્થજીવનમાં ક્યારેક પાપ પણ થતાં થઈ જાય, તો એ પાપનાં કેવાં પ્રાયશ્ચિત્ત કરવાં પડે તે અહીં અવારનવાર આલેખાયાં છે. સમગ્ર વિશ્વમાં મૃત્યુ પછીના જન્મની કથાઓ પ્રચલિત છે. પૂર્વજન્મ-વર્તમાન જન્મ અને ભવિષ્યના જન્મની કથાઓ છેક પ્રાચીન કાળથી ચાલી આવી છે. આદિવાસી સમાજમાં તો આ માન્યતાઓ ખૂબ જ પ્રચલિત છે. વળી આ જન્મનાં સુખદુ:ખના મૂળમાં પૂર્વજન્મનાં કર્મ જવાબદાર, અને એ વાત ધ્યાનમાં રાખીને મૃત્યુુ પછીના જીવનમાં કોઈ યાતનાઓ ભોગવવી ન પડે એટલા માટે આ જન્મમાં સત્કર્મો કરવાની વાત વારે વારે ઠસાવી છે. બૌદ્ધ જાતકકથાઓ આ રીતે ગૌતમ બુદ્ધના પૂર્વજન્મની કથાઓ છે. પણ કેટલાક આધુનિક સર્જકો-ચંતિકોએ આ ભૂમિકા સ્વીકારવાની ના પાડી છે. પ્રશિષ્ટ કવિ મણિશંકર ભટ્ટ ‘કાન્ત’ એક રચનામાં પૂછે છે: અરે એ કોમલાંગીએ કેવાં પાપ કર્યાં હશે? ગયા જનમની વાત કરીને બધું સ્વીકારી લેવું એ એક પ્રકારનો પલાયનવાદ થયો. આ પુરાણોએ સમગ્ર કાળખંડને ચાર વિભાગમાં વિભાજિત કર્યો છે, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર- યુગ અને કળિયુગ. જો આને ચક્રાકાર માનવામાં આવે તો એનો અર્થ એ થયો કે કળિયુગ પછી ફરી સત્યયુગ આવશે. પુરાણોએ કળિયુગનાં જે લક્ષણો વર્ણવ્યાં છે તે તો ભયાનક છે જ. ક્યારેક એમ લાગે કે સેંકડો વર્ષ પહેલાં જે લક્ષણો વર્ણવ્યાં છે તેમાંનાં ઘણાંખરાં તો આજે પણ જોવા મળે છે. ટૂંકમાં જ કહેવું હોય તો કહી શકાય કે સંપૂર્ણ મૂલ્યહ્રાસનો એ સમય ગણાય. ગૌતમ-મહાવીર જેવાઓએ તો પહેલેથી આ મૂલ્યોના સંવર્ધનની વાત કરી હતી. એ રીતે તેમણે આપેલા નીતિનિયમોના નિર્દેશો પુરાણોમાં જોવા મળશે, આમ બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અસ્તેય તથા અપરિગ્રહ જેવાં પાંચ શીલનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ સૂક્ષ્મ રીતે આ વાત આવે જ છે. માનવમાત્રને ચાહવાની વાત વિસ્તરતી જીવમાત્ર પ્રત્યેના પ્રેમ સુધી આવશે- એ રીતે જોઈશું તો ત્રીસીના કવિ ઉમાશંકર જોશીની વાત પૂરેપૂરી સાચી — વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી. નરસિંહ મહેતાએ ‘વૈષ્ણવજન’ રચનામાં પણ શું કહ્યું હતું? અહીં અવારનવાર ભગવાન પ્રત્યેના પ્રેમની વાત કરવામાં આવી છે. ભગવાન-ઈશ્વરનો કોઈ સ્થૂળ અર્થ કરવાનો ન હોય, સામાન્ય માનવીને અમૂર્ત રીતે સમજાવવાથી કશો અર્થ સરતો નથી — એટલે જ દૃષ્ટાંતો, રૂપકો, કથાઓ વડે વિશ્વભરમાં જોવા મળતા સર્જન પાછળ રહેલી કોઈક શક્તિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આદિ કાળના માનવીને પણ પ્રશ્ન તો થયો હતો — હું કોણ? હું ક્યાંથી આવ્યો? ક્યાં જઈશ? મારી આસપાસનું જગત શું છે? અર્વાચીન કાળમાં વિજ્ઞાનીઓએ — ડાવિર્ન જેવા — ઉત્ક્રાંતિવાદની વાતો કરીને જગતને અચરજ પમાડ્યું. પુરાણોમાં આ ઉત્ક્રાંતિ-વિશ્વ ઉત્પત્તિની વાત કરવામાં આવી છે. આકાશ- જળ-તેજ(અગ્નિ)-વાયુ-પૃથ્વી. આને જ આપણી પરંપરાગત ભાષામાં પંચમહાભૂત કહેવામાં આવે છે. ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓને પ્રિયકાન્ત મણિયારની કવિતા ‘માછલી’ — (ક્યાં નદી, ક્યાં સરોવર ને અબ્ધિ ક્યાં) યાદ આવ્યા વિના ન રહે, તેમાંય પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશના સંયોજનમાંથી માછલી — આભાસી તો આભાસી — સર્જાયાની વાત છે.
કેટલાંક પુુરાણ એવાં છે જેમાં કથાવાર્તાઓ જોવા નહીં મળે. ‘અગ્નિપુરાણ’ આવું એક પુરાણ છે. અહીં પણ દશાવતારની કથા સ્વીકારીને ગૌતમ બુદ્ધને વિષ્ણુના નવમા અવતાર તરીકે સ્વીકારી લેવામાં આવ્યા છે. આ પુરાણના વિષયોમાં ખાસ્સું વૈવિધ્ય છે. ઘણા બધાની વંશાવળિઓ, દેવપૂજાની વિવિધ પદ્ધતિઓ, યજ્ઞયાગની વિધિઓ, સ્થળપસંદગીની રીતો, કૂવાવાવનું નિર્માણ કરવાની રીત, વાસ્તુપ્રતિષ્ઠા, તીર્થમહત્તા, કાલગણના, પાપનાં પ્રાયશ્ચિત્ત, અંગશુદ્ધિ, પુષ્પવર્ણન, નરકોની માહિતી, વિવિધ વ્રત, શુભઅશુભ સ્વપ્ન, સ્ત્રીપુરુષનાં લક્ષણો, વ્યવહારજ્ઞાન, હવન કરવાની રીતો, ઉત્પાતોની શાંતિ, શરીરવિજ્ઞાન, રસ, વૃક્ષારોપણ, સંજીવની મંત્ર, આરોગ્ય, રોગનાબૂદી, પ્રાણીલક્ષણો, ચિકિત્સાશાસ્ત્ર, રીતિ, પંગિળશાસ્ત્ર, નાટક, ગીતાસાર, અહંસાિ, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, જેવા પાંચ નિયમ, ગર્ભવિકાસ વગેરેની ચર્ચા જોવા મળશે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેવી રીતે અખા ભગતે કર્મકાંડોની આકરી ટીકા કરી હતી તેની પૂર્વભૂમિકા આવા પુરાણમાં જોવા મળશે. આ પુરાણ સ્પષ્ટ રીતે કહે છે કે કર્મકાંડ વડે બ્રહ્મની પ્રાપ્તિ ન થાય. વળી અર્વાચીન ભારતીય સમાજમાં વિધવાવિવાહનો પ્રશ્ન જોરશોરથી ચર્ચાયો હતો. વેદમાં વિધવાવિવાહને સ્પષ્ટ સમર્થન મળ્યું હતું. અગ્નિપુરાણમાં તો સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પતિ ન હોય, મૃત્યુ પામે, સંન્યાસી હોય, નપુંસક હોય, પાપી હોય તો વિધવાવિવાહ થઈ શકે. બુદ્ધ-મહાવીરની જેમ અહીં પણ પંચશીલને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઉપનિષદમાં કહેવાયું છે કે આત્મવત્ સર્વ ભૂતેષુ- નો ભાવાર્થ થાય કે પ્રાણીમાત્ર પ્રત્યે દયા, અહંસાિને તો શ્રેષ્ઠ પુષ્પ તરીકે ઓળખાવ્યું છે. આ ઉપરાંત પવિત્ર નગરો, તીર્થો, નદીઓ, પાપનાં પ્રાયશ્ચિત્ત, શરીરવિજ્ઞાન, રાજધર્મ, પ્રાણીઓના રોગોપચાર, કાવ્યાદિ લક્ષણ, કાવ્યશાસ્ત્ર — આ બધા પરથી કોઈ કહી શકે કે એવી કોઈ વિદ્યા નથી જેનું અગ્નિપુરાણે વર્ણન ન કર્યું હોય. આવું જ એક પુરાણ છે ‘વાયુપુરાણ.’ આ પુરાણકથાઓમાં જ્યાં જ્યાં અવકાશ મળ્યો ત્યાં ત્યાં વર્ણનશૈલી પણ જોવા મળશે. આનું એક લાક્ષણિક દૃષ્ટાંત ત્રિપુરનિર્માણની કથામાં શંકર ભગવાનના રથનું જે વર્ણન કર્યું છે તે છે: ‘ભગવાને આમ કહ્યું એટલે દેવતાઓએ તેમની વાત સ્વીકારી લીધી. તેઓ એક ઉત્તમ રથના નિર્માણમાં જોડાઈ ગયા. પૃથ્વીને રથ બનાવી રુદ્રના બે સેવકોને, બંને કુબર મેરુ વડે રથનું મસ્તક બનાવ્યું, મંદરની ધુરા બનાવી. સૂર્ય-ચંદ્ર રથના સોનાચાંદીનાં પૈંડાં બની ગયાં. બ્રહ્માએ શુક્લપક્ષ-કૃષ્ણ પક્ષ વડે રથની ધરીઓ બનાવી. દેવતાઓએ કંબલ અને અશ્વતર નામના નાગથી રથ સજાવ્યો. શુક્ર, બૃહસ્પતિ, બુધ, મંગલ, શનૈશ્ચર- બધા દેવ તેના પર બેઠા. ગગનમંડલનો વિનિયોગ પણ કર્યો. સુવર્ણની જેમ ચળકતા ત્રિવેણુ સર્પોથી બંને બાજુનાં પક્ષયંત્ર બનાવ્યાં. ગંગા, સિંધુ, શતદ્રુ, ચંદ્રભાગા, ઇરાવતી, વિતસ્તા, વિપાશા, યમુના, ગંડકી, સરસ્વતી, દેવિકા, સરયૂ — જેવી શ્રેષ્ઠ નદીઓને વેણુસ્થાન પર યોજી. ધૃતરાષ્ટ્રના વંશમાં જન્મેલા નાગ બાંધવા માટેનાં દોરડાં બન્યાં. વાસુકિ, રૈવતના વંશમાં જન્મેલા નાગ દર્પપૂર્ણ અને વેગીલી ગતિવાળા હોવાને કારણે વિવિધ પ્રકારનાં બાણ બનીને ભાથામાં મુકાયા. બધા કરતાં વધુ ઉગ્ર સ્વભાવવાળી સુરસા, દેવશુની, સરમા, કદ્રૂ, વિનતા, શચિ, તૃષા, બુભુક્ષા તથા બધાનું શમન કરનાર મૃત્યુ, બ્રહ્મહત્યા, ગોહત્યા, બાલહત્યા, પ્રજાભય- આ બધાં ગદા અને શક્તિ બન્યાં. કૃતયુગની પણ સહાય લીધી. ચાતુર્હોત્ર યજ્ઞના પ્રયોજક ચારો વર્ણ સ્વર્ણમય કુંડલ થયા. ચારેય વેદ ચાર અશ્વ થયા. અનેક પ્રકારનાં દાન આભૂષણો બન્યાં. પદ્મદ્વય, તક્ષક, કર્કોટક, ધનંજય — નાગ ઘોડાના વાળ બાંધવાનાં દોરડાં બન્યાં. ઓંકારથી જન્મતા મંત્ર, યજ્ઞ-ક્રતુરૂપ ક્રિયાઓ, ઉપદ્રવ અને તેની શાંતિ માટેનાં પ્રાયશ્ચિત્ત, પશુબંધ, યજ્ઞોપવિત જેવા સંસ્કાર અને રથની શોભામાં અભિવૃદ્ધિ કરનાર મણિ, મુક્તા, પરવાળા બન્યા. ઓંકાર ચાબૂક બન્યા, વષટકાર તેનો અગ્રભાગ બન્યા. સિનીવાલી, કુહૂ, રાકા, અનુમતિ અશ્વોને રથમાં જોડાનારાં દોરડાં બન્યાં. તેમાં વાયુવેગી, કાળા-પીળા-શ્વેત-રાતા રંગની પતાકાઓ હતી. છ ઋતુઓના સંવત્સરનું ધનુષ બનાવ્યું હતું, અંબિકા દેવી એ ધનુષની કદી જીર્ણ ન થનારી પણછ બન્યાં, ભગવાન રુદ્ર કાળસ્વરૂપ છે. તેમને સંવત્સર પણ કહેવામાં આવે છે. એટલે જ અંબિકા દેવી કાલરાત્રિ રૂપે તે ધનુષની અમર પ્રત્યંચા બન્યાં. જે બાણથી શંકર ભગવાન ત્રિપુરને ભસ્મ કરવાના હતા તે બાણનું નિર્માણ વિષ્ણુ,સોમ, અગ્નિ — આ ત્રણે દેવના સંયુક્ત તેજ વડે થયું હતું. તે બાણની અણિ અગ્નિ અને બાણના છેડા અંધકારનાશક ચન્દ્રમા હતા. ચક્રધારી વિષ્ણુનું તેજ આખા બાણમાં હતું. તે બાણ પર નાગરાજ વાસુકિએ તેના પરાક્રમની વૃદ્ધિ અને તેજની સ્થિરતા માટે ઉગ્ર વિષ ઠાલવી દીધું હતું.’
‘પદ્મપુરાણ’માં કહેવાયું છે કે પુરાણોમાં શ્લોકોની સંખ્યા સો કરોડ(શતકોટિ પ્રવિસ્તરમ્) હતી, આને અતિશયોક્તિ માનીએ તો પણ આટલી મોટી સંખ્યામાં કોઈ માનવી વાંચે કેવી રીતે? એટલે એવું કહેવાયું કે વ્યાસ ભગવાને એ શ્લોકો વહેંચ્યા એટલે આપણી પાસે અઢાર પુરાણ આવ્યાં. આ પુરાણો કોણે રચ્યાં તેની કોઈ ચોક્કસ જાણકારી નથી. વ્યાસ ભગવાને આ બધાં પુરાણ ભેગાં કર્યાં એટલે તે રચનાકાર નહીં પણ સંગ્રાહક થયા. વળી પુરાણોના સંકલનકાર અને મહાભારતના કર્તા એક જ છે એમ કેવી રીતે માની શકાય? છાંદોગ્ય ઉપનિષદમાં કહેવાયું છે કે ‘ઇતિહાસ પુરાણં પંચમ્ વેદાનાં વેદમ્’ પણ આનો અર્થ એવો ન નીકળે કે ઉપનિષદો પૂર્વે પુરાણો રચાયાં હતાં. આ પુરાણો તો નવાં કહી શકાય. વેદજ્ઞ કરતાં પુરાણજ્ઞનું મહત્ત્વ વિશેષ છે. વેદની રચના સામાન્ય માનવી માટે ન હતી, તેમાં કથનાત્મકતા પ્રમાણમાં ઓછી, જ્યારે પુરાણોમાં ખાસ્સી કથાઓ અને એને કારણે વધુ સંખ્યામાં શ્રોતાઓ સુધી પુરાણોની કથાઓ પુરાણીઓ દ્વારા પહોંચાડવામાં આવી. આ કથાઓ છેક વીસમી સદી સુધી કથાકારો દ્વારા મોટી સંખ્યામાં શ્રોતાઓએ સાંભળી. અને છેક એકવીસમી સદીમાં પણ ગીતા, રામાયણ, મહાભારત, પુરાણો નવા નવા કથાકારો દ્વારા રજૂ થતાં જ રહ્યાં. પુરાણોમાં સાકાર અને નિરાકાર બંનેને ઉચિત સ્થાન મળ્યું છે. ‘પદ્મપુરાણ’ વૈષ્ણવભક્તિનો એક અસામાન્ય આલેખ છે. આમ તો ત્રિદેવની કલ્પના મોટા ભાગના ભારતીયોના મનમાં સ્પષ્ટ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અર્થાત્ રજસ્, સત્ત્વ અને તમસ્. પ્રાચીનોએ આ ત્રણે દેવોમાં ઐક્ય માન્યું છે. ગીતામાં કહ્યું છે કે સર્વ ધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહીં ‘ધર્મ’ શબ્દને સંકુચિત અર્થમાં લેવાનો નથી. જો સંકુચિત અર્થમાં લેવામાં આવે તો તેના સંકેતાર્થો આપણને સાંપ્રદાયિકતા તરફ લઈ જશે. અહીં નદીઓ, પર્વતો, સરોવરોની, વિવિધ વ્રતોની જાણકારી, આપણને મળે છે. આમાંની કેટલી બધી જાણકારી પાછળથી લોકકથાઓમાં જઈ પહોંચી છે. એટલું જ નહીં ઘણી કથાઓની સમાંતર કથાઓ અન્ય પુરાણકથાઓમાં પણ જોવા મળશે. દા,ત. નંદા ગાય અને શાપને કારણે વાઘ બનેલા રાજાની કથા જેવી કથા લોકપ્રચલિત શિવરાત્રિની કથા. ‘પદ્મપુરાણ’ ખૂબ જ પ્રતિષ્ઠિત પુરાણ છે. તે મુખ્યત્વે વૈષ્ણવી પરંપરાનું હોવા છતાં અહીં બ્રહ્માને અને શંકર ભગવાનને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહીંની ઘણી બધી કથાઓ અન્યત્ર આવી ગઈ છે. સમુદ્રમંથન વેળાએ લક્ષ્મીનો ઉદ્ભવ, દક્ષપુત્રી સતીનું આત્મવિલોપન, પૃથુ-વેન, વામન અવતાર, માર્કણ્ડેય મુનિની કથા, દંડકારણ્યની ઉત્પત્તિની કથા, ધર્મવ્યાધને મળતા આવે એવા તુલાધારની કથા, યયાતિની વૃદ્ધાવસ્થા, રુક્માંગદ, સુકન્યા, ચ્યવન, સીતા પર આક્ષેપ કરનારા ધોબીના પૂર્વજન્મની કથા, લવકુશની યુદ્ધકથા, ગોકર્ણની કથા, રામકથા, શ્રીકૃષ્ણ કથા જેવી ખૂબ જ જાણીતી કથાઓ અહીં છે. આ ઉપરાંત વૃક્ષારોપણ, વૃક્ષપૂજા, રુદ્રાક્ષ-આમળાંનું મહત્ત્વ, આદિ સૃષ્ટિનો ક્રમ, તીર્થમહિમા, ચાર આશ્રમ અને દરેક આશ્રમનો મહિમા, વિવિધ મહિનાઓની મહત્તા, ગીતામાહાત્મ્ય, નદી-સરોવરોનાં મહત્ત્વ પણ ચર્ચાયાં છે.
આમ તો એવું કહેવાયું છે કે મોટા ભાગનાં પુરાણો મહષિર્ વ્યાસે રચ્યાં છે. પણ આ તો કહેવાની એક રીત થઈ. રચનાકારોને સર્જનનું એવું કોઈ મમત્વ ન હતું એટલે પોતાની બધી રચનાઓનું શ્રેય તેમણે વ્યાસ ભગવાનને આપી દીધું. વળી આની પાછળ એક એવો પણ આશય હોય કે વ્યાસ ભગવાનનું નામ હોય તો બધા એ સાંભળે કે વાંચે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ નરસંહિ, મીરાંના નામે કેટલી બધી રચનાઓ ચઢી છે. મોટા ભાગનાં પુરાણો વૈષ્ણવોએ રચ્યાં છે એટલે સ્વાભાવિક રીતે તેમાં વિષ્ણુ ભગવાનને લગતી કથાઓનું પ્રમાણ સવિશેષ જોવા મળે, તેમાંય શ્રીમદ્ ભાગવતનું સ્થાન તો અસામાન્ય રહ્યું. ‘વિષ્ણુપુરાણ’ નામ સૂચવે છે તે પ્રમાણે વિષ્ણુકથાનું મહત્ત્વ ગાશે. પરંતુ અહીં માત્ર કથાઓ જોવા નહીં મળે. વેદાંતનો પ્રભાવ ઝીલીને રચાયેલાં આવાં પુરાણ અવારનવાર તત્ત્વચર્ચા કરશે. બ્રહ્માંડ, જગત, માનવીય સંસ્કૃતિની ઉત્પત્તિ અને તેની વિકાસરેખા જોવા મળશે. ભારતીય પ્રજાને જાણીતી તથા કેટલીક ઓછી જાણીતી કથાઓ જોવા મળશે. દુર્વાસાનો ઇન્દ્રને શાપ, ધ્રુવ, વેન-પૃથુ, હિરણ્યકશિપુ, પ્રહ્લાદ, દક્ષ, જુદા જુદા વંશોની કથાઓ, કંસનો વધ કરનાર શ્રીકૃષ્ણનાં અન્ય પરાક્રમોની કથાઓ અહીં જોવા મળશે. જો કે આમાંની ઘણીબધી કથાઓ અન્ય પુરાણોમાં વત્તેઓછે અંશે આવી જ ગઈ છે. આ કથાઓ માત્ર મનોરંજનાત્મક નથી. બધી કથાઓને આવરીને રહ્યું છે સત્ય. એવું કહેવાયું છે કે એક પલ્લામાં હજારો અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મૂકો અને બીજા પલ્લામાં સત્ય મૂકો તો સત્યનું પલ્લું નમી જશે. આ સત્યની વાત તો છેક અર્વાચીન કાળ સુધી ચાલી આવી છે. અંગ્રેજ કવિ શૅલીએ, મહાત્મા ગાંધીએ આપણા સમયમાં સત્યની પ્રતિષ્ઠા કરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. અહીં ઇતિહાસ, ભૂગોળની સમાંતરે પરંપરાથી ચાલી આવેલી વર્ણવ્યવસ્થાની વિગતે ચર્ચા જોવા મળે છે. આ અને અન્ય પુરાણોમાં અજ્ઞાનને ઘોર અંધકાર તરીકે ઓળખાવવામાં આવ્યો છે. એટલે જ તમસો મા જ્યોતિર્ગમય અને એને આધારે રચાયેલી એક કૃતિમાં કવિ ન્હાનાલાલ કહે છે: ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આ તમસલોકમાંથી તેજસલોકમાં જવાય કેવી રીતે? જ્ઞાન વડે. અથર્વવેદનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે — વિદ્યા બે પ્રકારની : પરા અને અપરા, પરા વિદ્યાથી અક્ષરબ્રહ્મની પ્રાપ્તિ થાય અને અપરા વિદ્યા વેદત્રયી રૂપા છે.
‘દેવી ભાગવત’ને મહાપુરાણ ગણવું કે ઉપપુરાણ તેના વિશે ભારે ચર્ચા ચાલી છે. આપણે એ બધી શાસ્ત્રીય ચર્ચા કે વાદવિવાદમાં ન ઊતરીએ અને તેને પણ એક મહત્ત્વના પુરાણ તરીકે ઓળખીએ. જેવી રીતે શ્રીમદ્ ભાગવતમાં સગુણ ભક્તિનો મોટો મહિમા છે તેવી રીતે અહીં પણ શક્તિ, મહાચેતના, પરાચેતનાનો મહિમા છે. શરીરવિજ્ઞાનની દૃષ્ટિએ પણ જાણકારો પુરુષની કાયાને અપૂર્ણ અને સ્ત્રીની કાયાને પૂર્ણ તરીકે ઓળખાવે છે અને એટલે જ કદાચ શંકર ભગવાનને પોતાની કાયા અપૂર્ણ લાગી હશે ત્યારે પાર્વતીની અડધી કાયા સ્વીકારીને અર્ધનારીશ્વર તરીકે તે ત્રિલોકમાં વિખ્યાત થયા, શક્તિ રૂપે પાર્વતીનું મહત્ત્વ સ્વીકારી લીધું. આવો આદિમ પુરુષ પાર્વતીનું કેશસંમાર્જન પણ કરી આપે. ગાયત્રીનું મહત્ત્વ તો છેક પ્રાચીન કાળથી સ્વીકારાયું છે, ગાયત્રીના વર્ણના ઋષિઓ, ચોવીસ અક્ષરોના છંદો, તેના પ્રત્યેક અક્ષરના દેવો, ગાયત્રી વર્ણોની શક્તિઓ, ગાયત્રીના અક્ષરોના રંગો — આ બધી ચર્ચા દેવી ભાગવતમાં કરવામાં આવી છે. સામાન્ય રીતે તો નારાયણને સર્વોપરી માનવામાં આવે છે(જો કે વૈદિક સાહિત્યમાં ઇન્દ્ર મુખ્ય દેવ અને તેમની નીચે ઉપેન્દ્ર રૂપે વિષ્ણુ આવે છે) પણ અહીં જગન્માતા, આદિશક્તિનું વિશેષ મહત્ત્વ છે. વળી નિરંજન ભગતે ગાયત્રી વિશે એક રચના કરી છે. જેવી રીતે વિષ્ણુસહનામ છે તેવી રીતે ગાયત્રીનાં પણ સહ નામ વર્ણવવામાં આવ્યાં છે. ભલે પુરાણો પાછળથી રચાયાં હોય પણ દેવી ભાગવતમાં કેન ઉપનિષદની કથા આવરી લેવામાં આવી છે. દેવદાનવ યુદ્ધ પછી જ્યારે દેવો અભિમાની બની ગયા ત્યારે તેમનો ગર્વ હણવા જગદંબા યક્ષ રૂપે પ્રગટ થયાં. કોઈ પણ યુદ્ધમાં એક પક્ષ હારે અને બીજો પક્ષ જીતે. જે હારે તે ઘણી વખત હતોત્સાહી થઈ જાય અને જે જીતે તે અભિમાની થઈ જાય. હતોત્સાહી થવા કરતાં અભિમાની થઈ જવામાં જોખમો વિશેષ છે. એ અભિમાન તો દૂર થવું જ જોઈએ, જો આપોઆપ દૂર ન થાય તો કોઈએ દૂર કરવું પડે. લંકાવિજય પછી રામને અભિમાની થતા વાલ્મીકિએ બતાવ્યા નથી. એટલે જગદંબા દેવોની શક્તિ પર વજ્રપ્રહાર કરે છે. અગ્નિ, વાયુ કે વરુણ એક તૃણને પણ પરાજિત ન કરી શક્યા. તૃણમાં જગદંબાની શક્તિ જ પ્રગટી હતી. આ રીતે જોઈએ તો છેક ઉપનિષદ કાળથી સ્ત્રીશક્તિનો આવો મોટો મહિમા કરવામાં આવ્યો છે. પુરાણોની સામે ઘણા આક્ષેપો થયા છે. પુરાણોમાં ભારોભાર અસત્ય છે, બ્રાહ્મણોએ સ્વાર્થ ખાતર તેમની રચના કરી છે. — આવી વાતોથી સામાન્ય પ્રજા ભડકી શકે. હા, તેમાં અતિશયોક્તિઓ છે, સગર રાજાને સાઠ હજાર પુત્રો હતા, બ્રાહ્મણોને કરોડોની સંખ્યામાં ગોદાન આપાતું હતું. આવી અતિશયોક્તિઓ રામાયણ કે મહાભારતમાં પણ ક્યાં ન હતી? પરંતુ ધ્યાનથી જોતાં લાગશે કે આવી અસંગતિ કે અતિશયોક્તિઓને બાજુ પર મૂકીને કથનના હાર્દ પર ધ્યાન આપવું જોઈએ. પંડિતયુગના મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ‘સિદ્ધાંતસાર’માં પુરાણોના લાભ બુદ્ધિપૂર્વક વર્ણવી બતાવ્યા છે. સૌથી મોટું કાર્ય પુરાણોએ ભારતીય પ્રજાને ધર્મભ્રષ્ટ થતી અટકાવવાનું કર્યું છે. પુરાણોના અભાવે ‘આપણે ગમે તેવાં દીનતા કે હીનતાએ પહોંચ્યા છતાં પણ ધર્મપરાયણતારૂપ મહાનિયમ અને તેનાં ફળ જે સાચવી રહ્યાં છીએ, તે સચવાયાં ન હોત. જે જે પ્રજા પોતાની પ્રાચીન મહત્તાથી ભ્રષ્ટ થતાં તે મહત્તાને વીસરી જઈ પોતાની દીનતા સ્વીકારતી ચાલે છે, તે તે પ્રજા નિરંતર અધોગતિ પામતી જાય છે, એવું ઇતિહાસમાં અનેક દૃષ્ટાંતોથી સિદ્ધ થાય છે. આવાં સર્વ અનિષ્ટ પરિણામથી ઉગારનાર પુરાણો છે.’ પરંપરાનો આંખો મીંચીને સ્વીકાર ન થાય, તેની શુદ્ધિવૃદ્ધિ કરવી પડે. એક જમાનામાં મનુસ્મૃતિનું મહત્ત્વ હતું પણ આજે એનો અક્ષરશ: સ્વીકાર કરી ન શકાય. પુરાણોની બધી કથાઓ સ્વીકૃતિ પામે એવી નથી. જીવનભર પાપ કરનાર દુષ્ટ માનવી છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લે તેથી કંઈ તેનાં પાપ ધોવાઈ ન જાય. વામનપુરાણમાં તો એમ પણ કહેવાયું છે કે એક તીર્થમાં ક્ષૌરકર્મ કરાવવાથી માનવી પાપમુક્ત બની જાય! મધ્યકાલીન ગુજરાતી અને ભારતીય સાહિત્યમાં ભક્તિ અને જ્ઞાન — આ બંનેને પરસ્પરવિરોધી માન્યા નથી. એ બંને વચ્ચે એકરૂપતા છે એમ અવારનવાર કહેવામાં આવ્યું છે. પુરાણો પૂર્વેના સાહિત્યમાં જે તત્ત્વજ્ઞાન આકારિત થયું છે તેને સુબોધ રૂપે, કથાઓની મદદથી પુરાણોએ આલેખ્યું છે. હા, કેટલીક વખત પુરાણોમાં આઘાતજનક વર્ણનો આવશે ખરાં. શાક્ત સંપ્રદાય, વામમાર્ગ વગેરેએ પ્રસારેલો અપમાર્ગ કોઈ રીતે સ્વીકૃત થાય એવો નથી. તે માર્ગોએ પોતાના સ્વાર્થ ખાતર, પોતાની હીન વૃત્તિઓને સાધવા માટે કેટલાંક પુરાણની સહાય લીધી પણ છે. કેટલીક વાર એક સંપ્રદાય બીજા સંપ્રદાયની નિંદા પણ કરશે. શૈવધર્મી કથાકારોએ વૈષ્ણવધર્મીઓની કેટલી બધી ટીકા કરી છે અને એ જ રીતે વૈષ્ણવધર્મીઓએ શૈવધર્મીઓની ટીકા કરી છે. ઇતિહાસકારો, ચંતિકો જ નહીં ભલભલા સારા કવિઓ પણ વિપથગામી થઈ ગયા છે. દા.ત. દયારામ. ભક્તિમાર્ગ ન સ્વીકારાઓને તેમણે વણમતિ, કાણા, પુંશ્ચલીતન(વેશ્યાસંતાનો)તરીકે ઓળખાવી પોતાની સંકુચિત મનોદશા જ સૂચવી છે. જો ઈશાવાસ્ય ઉપનિષદને બરાબર સમજીને આત્મસાત્ કરવામાં આવે તો પ્રત્યેક સંસ્કૃતિમાં સમાનતા, પ્રેમ, બંધુભાવ પ્રસરે. મૂળ વાત તો સાવ સાદી છે — આત્મવત્ સર્વ ભૂતેષુ — જીવમાત્રમાં પોતાની જાત જુઓ, સોઅહં, તત્ત્વમસિને સ્વીકારી લઈએ તો સાચા અર્થમાં પંચશીલની સ્થાપના થઈ શકે. પુરાણની વિભાવના જરા જુદી રીતે ‘દેવી ભાગવત’માં આપવામાં આવી છે. ‘સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતરો તથા વંશનું ચરિત્ર’ આ પાંચ લક્ષણોવાળું પુરાણ કહેવાય. હવે પ્રશ્ન થાય કે સર્ગ, પ્રતિસર્ગ એટલે શું? આ બધાની સમજૂતીઓ આપવામાં આવી છે. વળી આપણને પુરાણો-ઉપપુરાણોની સવિસ્તર માહિતી આપવામાં આવી છે. એની વિગતો જોઈએ: મત્સ્યપુરાણ બ્રહ્મવૈવર્તપુરાણ નારદપુરાણ માર્કણ્ડેયપુરાણ વામનપુરાણ પદ્મપુરાણ ભવિષ્યપુરાણ વાયુપુરાણ લંગિપુરાણ ભાગવતપુરાણ વિષ્ણુપુરાણ ગરુડપુરાણ બ્રહ્મપુરાણ વરાહપુરાણ કૂર્મપુરાણ બ્રહ્માંડપુરાણ અગ્નિપુરાણ સ્કંદપુરાણ
આ જ રીતે ઉપપુરાણોની યાદી પણ છે.
સનત્કુમારપુરાણ મનુપુરાણ સૂર્યપુરાણ નૃસંહિપુરાણ શુક્રપુરાણ પરાશરપુરાણ નારદીયપુરાણ વરુણપુરાણ આદિત્યપુરાણ શિવપુરાણ કાલિકાપુરાણ મહેશ્વરપુરાણ દુર્વાસાપુરાણ સાંબપુરાણ ભાગવતપુરાણ કપિલપુરાણ સુંદરનંદિપુરાણ વસિષ્ઠપુરાણ
આ ઉપરાંત અહીં એક બીજી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્ત્રીઓ, શૂદ્રો અને હલકા દ્વિજોને વેદનો અધિકાર નથી એટલે તેમના લાભાર્થે પુરાણોની રચના થઈ છે. વળી અહીં વ્યાસ મુનિને સંતાનોના સંદર્ભે પ્રશ્ન થાય છે કે જન્મનાર સંતાન વિધિ પ્રમાણે નીલ પરણાવશે? અહીં આપણે ઉમેરીએ કે ગાંધીયુગમાં રામનારાયણ પાઠકે અને આધુનિકયુગમાં કિરીટ દૂધાતે પોતાની વાર્તાઓમાં નીલ પરણાવવાનો સંદર્ભ લીધો છે. ‘દેવી ભાગવત’માં મહાભારતની કથાઓનું પુન:કથન પણ થાય છે. એ રીતે મત્સ્યગંધાથી માંડીને જરત્કારુપુત્ર આસ્તીકની કથા જોવા મળે છે, સુદર્શનકથા પણ છે. નવરાત્રિના ઉત્સવની વાત આવે છે. એથી આગળ જઈને રામાયણનો સંદર્ભ છે અને સીતાના અપહરણપૂર્વે સીતાએ લક્ષ્મણને આપેલો ઠપકો પણ રામાયણને અનુસરીને આપવામાં આવ્યો છે. સીતાના મોઢામાં જે શબ્દો મૂકવામાં આવ્યા છે તે સીતાના વ્યક્તિત્વને ન શોભે તેવા છે. જાણે લક્ષ્મણ સીતાને ચાહે છે, તે પોતાને અધમ નથી કહેતી એટલું જ નહીં રામ મૃત્યુ પામે તો પણ હું લક્ષ્મણને ન જ પરણું. ધારો કે વાલ્મીકિએ રામાયણમાં સીતાના મોઢામાં આવા શબ્દો મૂક્યા પણ અનુગામી કવિઓ એવી ભૂલો સુધારી ન શકે? દા.ત. ઐતરેય ઉપનિષદમાં રાજા હરિશ્ચન્દ્રનું પાત્ર નકારાત્મક રીતે આલેખાયું હતું પણ અનુગામી કવિઓએ આ રાજાની જે ગૌરવાન્વિત અભિવ્યક્તિ કરી તેને કારણે ઐતરેય ઉપનિષદના હરિશ્ચન્દ્રને કોઈ યાદ કરતું નથી. જો કે ‘દેવી ભાગવત’માં હરિશ્ચન્દ્ર પુત્રને માટે વરુણ દેવ આગળ જે જે બહાનાં કાઢે છે તે બધાં સચવાયાં છે! નારદ રામને દેવી મહિમાનો બોધ આપી નવરાત્રિવ્રત કરવા કહે છે, પરિણામે તેમને દેવીના આશીર્વાદ મળે છે. વાલ્મીકિ રામાયણમાં રામના આવા કોઈ વ્રતના કશા નિર્દેશો નથી. અહીં જીવનની સ્વાભાવિક ગતિવિધિની પણ નિંદા કરવામાં આવી છે. દા.ત. ઉચ્ચ કક્ષાના ઋષિઓ ગર્ભવાસનાં દુ:ખ જાણીને સ્ત્રીના ઉદરમાં નવ માસ રહેવા માગતા નથી. હવે પ્રશ્ન એ થાય કે તો પછી રામ, કૃષ્ણ જેવાઓએ ગર્ભવાસનાં દુ:ખ શા માટે વેઠ્યાં? કશ્યપને વરુણદેવની ગાય પાછી ન સોંપી એટલે મુનિને શાપ મળ્યો, પરિણામે તેમને શ્રીકૃષ્ણ તરીકે જન્મવું પડ્યું. આવી કથા બીજે જોવા મળતી નથી. લોભ, ઈર્ષ્યા સામાન્ય માનવીઓને જ નહીં પણ દેવાંશી માનવીઓને પણ કેવાં પાપ કરાવે છે તે જોવા મળશે. કશ્યપપત્ની દિતિને ઇન્દ્ર જેવો પુત્ર જન્મશે એવું જાણીને કશ્યપની બીજી પત્ની અદિતિએ દિતિના ગર્ભનો નાશ કોઈ પણ રીતે કરવા ઇન્દ્રને કહ્યું. પરિણામે ઇન્દ્રે દિતિના ઉદરમાં પ્રવેશીને તેના ગર્ભના સાત અને તે પછી દરેક ટુકડાના બીજા સાત ટુકડા કરી નાખ્યા! અને આ રીતે ઓગણપચાસ મરુતો સર્જાયા. દિતિએ અદિતિને શાપ આપ્યો કે તારા પુત્રો પણ જન્મી જન્મીને નાશ પામશે. પરિણામે અદિતિ દેવકી રૂપે જન્મી! જો કે એક અન્ય કથા પ્રમાણે પોતાના પુત્રનો ઇન્દ્રે વધ કર્યો એટલા માટે દિતિએ ઇન્દ્ર જેવો બળવાન, તેજસ્વી પુત્ર પોતાના પતિ કશ્યપ પાસે માગ્યો. પતિએ હા પાડી અને વ્રતભંગ ન કરવા સૂચના આપી. પણ એક દિવસ દિતિથી વ્રતભંગ થયો અને ઇન્દ્રે તેના ઉદરમાં પ્રવેશી દિતિના ગર્ભના ટુકડા કરી નાખ્યા. પણ અહીં દિતિ કોઈ શાપ આપતી નથી. મોટે ભાગે અન્યત્ર જોવા ન મળતી કેટલીક વિગતો અહીં જોવા મળશે. દા.ત. નારાયણને મોહિત કરવા આવેલી અપ્સરાઓને તેમણે વરદાન આપ્યું કે બીજા જન્મમાં તમે મારી પત્નીઓ થશો! એક કથા પ્રમાણે આકાશવાણી સાંભળીને જ્યારે કંસ પોતાની બહેન દેવકીનો વધ કરવા તૈયાર થયો ત્યારે વસુદેવે તેને સમજાવી પટાવી, દેવકીને જે પુત્રો જન્મશે તે આપી દેવાનું વચન આપ્યું અને દેવકીને છોડાવી હતી. દેવી ભાગવતમાં વસુદેવના સૈનિકો અને કંસના સૈનિકો વચ્ચે ઘોર યુદ્ધ થયાની વાત છે, છેવટે વસુદેવ સમાધાન કરી લે છે. કોઈને પ્રશ્ન થાય કે દેવકીના પેટે જન્મેલા પુત્રો કોણ હતા? એક કથા આવી છે. મરીચિ ઋષિને ઊર્ણા નામની પત્નીથી છ પુત્રો જન્મ્યા હતા. બ્રહ્મા જ્યારે પોતાની પુત્રી સાથે શરીરસંબંધ બાંધવા તૈયાર થાય છે ત્યારે આ પુત્રો હસ્યા, પરિણામે બ્રહ્માએ તેમને શાપ આપ્યો (વાસ્તવમાં શાપ બ્રહ્માને મળવો જોઈતો હતો). બીજા જન્મે તેઓ કાલનેમિના પુત્રો થયા, પછી હિરણ્યકશિપુના પુત્રો થયા. બ્રહ્માએ તેમને વરદાન આપ્યંુ એટલે તેમના પિતાએ શાપ આપીને ષડગર્ભ તરીકે જન્મવા કહ્યું, બીજા જન્મે કાલનેમિ કંસ થશે અને તેમને જન્મતાં વેંત મારી નાખશે. કૃષ્ણાવતારમાં કોણ કોણ કેવા રૂપે જન્મ્યા તેની કેટલીક વિગતો અહીં આપી છે. વસુદેવ રૂપે કશ્યપ, દેવકી રૂપે અદિતિ, બળરામ રૂપે શેષનાગ, શ્રીકૃષ્ણ રૂપે નારાયણ, અર્જુન રૂપે નર, (અન્ય પાંડવોની વાતો બહુ જાણીતી છે) દ્રોણાચાર્ય બૃહસ્પતિ રૂપે, અશ્વત્થામા શિવ રૂપે, શાંતનુ સમુદ્ર રૂપે, તેમની પત્ની રૂપે ગંગા, ભીષ્મ રૂપે વસુ, વિરાટ રૂપે મરુત્ગણ, ધૃતરાષ્ટ્ર રૂપે અરિષ્ટનેમિપુત્ર હંસ, દુર્યોધન રૂપે કલિયુગ, શકુનિ રૂપે દ્વાપર, ધૃષ્ટદ્યુમ્ન રૂપે અગ્નિ, પ્રદ્યુમ્ન રૂપે સનત્કુમાર, દ્રૌપદી રૂપે લક્ષ્મી, કુંતી રૂપે સિદ્ધિ, માદ્રી રૂપે ધૃતિ, ગાંધારી રૂપે મતિ, શિશુપાલ રૂપે હિરણ્યકશિપુ, જરાસંધ રૂપે વિપ્રચિત નામનો દાનવ, પૂતના રૂપે બલિરાજાની પુત્રી. દેવો પ્રત્યે દાનવોને સનાતન વેર હતું. ઈશ્વરવિમુખ રાક્ષસ મહિષાસુર જેવા બીજા પણ હશે, તેમની દૃષ્ટિએ પણ વિષ્ણુનું આલેખન કરવામાં આવ્યું છે. ‘વિષ્ણુ કપટી, સોગંદભંડાર, નિર્બળ સામે શક્તિ બતાવનાર, ઢોંગી, ભૂંડ બનીને હિરણ્યાક્ષનો વધ કરનાર, નરસંહિ બનીને હિરણ્યકશિપુનો વધ કરનાર...’ એટલે જ કેટલીક કથાઓમાં શ્રીકૃષ્ણને ગાળો અપાઈ છે. કેટલીક વાસ્તવિકતાઓનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. જ્યાં ધર્મ ત્યાં જય, સત્યમેવ જયતે જેવાં સૂત્રોની સામે સાવ જુદા પ્રકારની અભિવ્યક્તિ પણ જોવા મળશે. ‘બળવાન માનવી દુ:ખી થાય છે અને શક્તિહીન સુખી, બુદ્ધિમાનને ખાવા ધાન નથી અને બુદ્ધિહીનને છપ્પન ભોગ, કાયર વિજયી થાય અને વીર પરાજય પામે.’
છેવટે તો આ દેવી ભાગવત છે એટલે શક્તિની વિશેષ પ્રતિષ્ઠા થવી જોઈએ. મહિષાસુર સામે દેવો હારી ગયા, દાનવોને ન શંકર ભગવાન જીતી શકે કે કોઈ દેવો. કારણ કે તેને વરદાન હતું કે સ્ત્રી સિવાય તેને કોઈ જીતી ન શકે. એટલે દેવો પ્રાર્થના કરીને દેવીને પ્રસન્ન કરે છે, મહિષાસુર અને ભગવતી વચ્ચે યુદ્ધ થાય છે અને દેવી વિજયી થાય છે. સ્ત્રીશક્તિ વડે જ અનિષ્ટનો નાશ થાય એ ગૃહીત પણ આમાંથી પ્રગટે છે. આ બધાં પુરાણો બ્રાહ્મણોએ રચ્યાં એ તો હકીકત છે. ‘ક્ષત્રિય કે વૈશ્ય તપશ્ચર્યા કરીને સો કરોડ કલ્પે પણ બ્રાહ્મણ થઈ શકતા નથી.’ એમ સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે. અહીં શૂદ્રનો તો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.
આપણે આગળ જોઈ ગયા કે કેટલાંક પુરાણ શૈવધર્મી રચિત તો કેટલાંક વૈષ્ણવધર્મી. પરિણામે કોઈ પુરાણ શ્રીકૃષ્ણ, વિષ્ણુનો મહિમા કરે તો કોઈ પુરાણ શંકર ભગવાનનો, તો વળી કોઈ મહામાયાનો. ‘બ્રહ્મવૈવર્તપુરાણ’ વૈષ્ણવધર્મી દ્વારા રચાયું હોવાને કારણે શ્રીકૃષ્ણનો અને વિષ્ણુનો મહિમા અપરંપાર છે. એટલું જ નહીં પ્રકૃતિ, બ્રહ્મા, વિષ્ણુ તથા શિવનો ઉદ્ભવ પણ શ્રીકૃષ્ણ દ્વારા થયો એવું અહીં કહેવાયું છે. ‘બ્રહ્મવૈવર્તપુરાણ’ના આરંભે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે શ્રીકૃષ્ણ દ્વારા જ સૃષ્ટિનો આરંભ થયો અને નારાયણ, બ્રહ્મા, મહાદેવ, ધર્મ, સરસ્વતી, મહાલક્ષ્મી, પ્રકૃતિ, દુર્ગા અર્થાત્ દુર્ગતિનાશિનીનો પણ આવિર્ભાવ થયો. કામદેવનું સર્જન પણ શ્રીકૃષ્ણમાંથી થયું. કામદેવના પાંચ બાણ એટલે મારણ, સ્તંભન, જૃમ્ભન, શોષણ, ઉન્માદન. આમ તો રાધાને પરકીયા માનવામાં આવી છે, આ પુરાણમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે શ્રીકૃષ્ણના ડાબા પક્ષમાંથી રાધા પ્રગટી. સામાન્ય રીતે દેવો પર જ્યારે કશી આપત્તિ આવે ત્યારે બ્રહ્મા બધા દેવોને લઈને વિષ્ણુ ભગવાન પાસે જાય, દશાવતારની કથામાં તો વિષ્ણુભગવાન રામ કે કૃષ્ણ જેવાનો અવતાર લઈ પૃથ્વી પરનો ભાર ઉતારતા એમ કહેવાયું છે. અહીં આયુર્વેદને સ્થાન આપીને વિવિધ રોગ, આદર્શ ખાનપાનની રીતો, રોગ થવાનાં કારણોની અને ન થવાનાં કારણોની ચર્ચા કરી છે. વળી બ્રહ્માના પુત્રોના નામના અર્થ જાણવા જેવા છે. જે પુત્ર ચેતસ્માંથી પ્રગટ્યો તે પ્રચેતા, બધાં કર્મોમાં નિપુણ એટલે દક્ષ, બ્રહ્માના કર્દમ(છાયા)માંથી પ્રગટ્યો તે કર્દમ, તેજસ્વી રૂપે પ્રગટ થનાર મરીચિ, જેણે યજ્ઞસમૂહનું સંપાદન કર્યું તે ક્રતુ, જે બ્રહ્માના પ્રમુખ અંગ મુખમાંથી પ્રગટ્યા તે અંગિરા, તેજસ્વી તે ભૃગુ, ઉચ્ચ તપને કારણે પ્રજ્વલિત થનાર અરુણ, વિધાતાનો પ્રીતિપાત્ર વસિષ્ઠ, પુલ એટલે તપ અને હ એટલે સમૂહ, પરિણામે પુલહ, ત્રિ એટલે ત્રિગુણમય પ્રકૃતિ અને અ એટલે વિષ્ણુ — આ બેનો સમન્વય એટલે અત્રિ, જેના માથે પાંચ જટા તે પંચશિખ, બ્રહ્માના ક્રોધમાંથી પ્રગટેલા અગિયાર રુદ્ર રડતા હતા એટલે રુદ્ર. મહાદેવે પોતાના જ શરીરમાંથી નીલલોહિત નામના બાળકને જન્મ આપ્યો. જન્મતાં વેંત તે બાળકે રડવા માંડ્યું, તેને પોતાનું નામ જોઈતું હતું. એટલે બ્રહ્માએ તેનું નામ રુદ્ર પાડ્યું. ફરી તે રડ્યો એટલે તેનું બીજું નામ ભવ; ફરી રડ્યો એટલે બીજાં નામ પાડ્યાં: શર્વ, ઈશાન, પશુપતિ, ભીમ, ઉગ્ર અને મહાદેવ. પછી બાળકે પોતાના માટે નિવાસસ્થાન માગ્યું. એટલે રુદ્રને સૂર્ય, ભવને જળ, શર્વને પૃથ્વી, ઈશાનને વાયુ, પશુપતિને અગ્નિ, ભીમને આકાશ, ઉગ્રને બ્રાહ્મણ, મહાદેવને ચંદ્ર. આ ઉપરાંત દરેકની પત્ની જુદી, દરેકની સંતતિ જુદી. આ ઉપરાંત પ્રકૃતિથી માંડીને દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી, ગાયત્રી વગેરેની સાથે શ્રીકૃષ્ણની વિશેષ પ્રિયા રાધાનું વિગતે વર્ણન જોવા મળશે. તે ઉપરાંત ગંગા ઉપર ક્રોધે ભરાતી રાધાને કારણે શ્રીકૃષ્ણના ચરણોમાં ગંગાને છુપાઈને રહેવું પડે છે તેવી કથા પણ છે. સૂત્રાત્મક રીતે અહીં કહેવાયું છે કે સ્ત્રીનું અપમાન એટલે પ્રકૃતિનું અપમાન. સીતા અને દ્રૌપદીના પૂર્વજન્મની કથાઓ રસપ્રદ રીતે આલેખાઈ છે. આપણે વર્તમાન સમયમાં ગણેશમહિમા વિશેષ કરીએ છીએ, પણ પ્રશ્ન થાય કે ગણેશ એક દંત શા માટે? અહીં પરશુરામ અને ગણેશ વચ્ચેના યુદ્ધની વાત છે અને પરશુરામે પોતાની કુહાડી વડે ગણેશ પર કરેલા પ્રહારને કારણે તેમનો એક દાંત તૂટી ગયો એટલે પાર્વતીપુત્ર એકદંત કહેવાયા. બહુ જાણીતી કથાઓમાં શ્રીકૃષ્ણની જન્મકથા, કૃષ્ણ દ્વારા થતા અસુરસંહારની કથાઓ, શિવપાર્વતીવિવાહનો સમાસ થાય છે. મત્સ્યપુરાણમાં પણ કેટલી બધી કથાઓ પુનરાવતિર્ત થાય છે. વિષ્ણુભગવાને મત્સ્યનો અવતાર લઈ મનુને બોધ આપ્યાની કથા તો ખૂબ જ જાણીતી છે. વળી બ્રહ્મા પોતાની પુત્રી પર મોહ પામ્યા અને છતાં તે દૂષિત ન થયા તેનો જે બચાવ કરવામાં આવ્યો છે તે આજે બહુ ગળે ઊતરે તેવો નથી. અહીં એવું કહેવાયું છે કે બ્રહ્માના અર્ધાંગમાંથી ગાયત્રી ઊપજી. શતરૂપાના પેટે રતિ, મન, તપ, મહાન, દિક્, સંભ્રમ એમ સાત સંતાનો જન્મ્યાં. દિતિ દ્વારા જન્મેલા ઓગણપચાસ મરુતોની કથા સાથે સગર્ભા સ્ત્રીઓએ પાળવાના નિયમો પણ અહીં આપ્યા છે. આ પુરાણમાં પણ કથાઓ બહુ ઓછી છે. જાણીતી કથાઓમાં કચ-દેવયાની-યયાતિ, ત્રિપુરનિર્માણ અને તેના વિનાશની કથા, તારકાસુર કથા, સત્યવાનસાવિત્રી, સમુદ્રમંથન છે. શ્રાદ્ધ, વિવિધ રાજવંશ, વૃક્ષારોપણ, વિવિધ વ્રત, વિવિધ દાન, તીર્થવર્ણનો, નર્મદા જેવી નદીઓનાં કાંઠે આવેલાં તીર્થો, રાજકર્મચારીઓના ધર્મ, રાજનીતિ, વિવિધ ઉત્પાતો, શુભાશુભ સ્વપ્ન-શુકન, ગૃહનિર્માણ, વાસ્તુચક્ર વગેરેની વિગતવાર માહિતી છે. નારદપુરાણ નારદ દ્વારા રજૂ કરવામાં આવેલું હોઈ તેને નારદીય પુરાણ કહેવામાં આવ્યું છે. બધાં જ પુરાણોમાં જીવનના, જગતના મૂળભૂત નીતિનિયમોને નવી રીતે આલેખ્યા હોઈ તેમને નિરુક્તમાં પુરા+નવમ્ કહેવામાં આવ્યા છે. આમેય ઘણાં બધાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે આમાં કશું અપૂર્વ નથી. સંસ્કૃત કાવ્યાચાર્ય અભિનવગુપ્તે પણ કહ્યું કે અહીં કશું અપૂર્વ નથી. સમય-સમાજ-સંજોગોમાં આવતાં પરિવર્તનોને કારણે પરંપરાઓને નવેસરથી અવલોકવામાં આવે છે. એમનાં નવાં અર્થઘટનો કરી પરંપરાઓને વિસ્તારવામાં આવે છે, અને એટલે જ પ્રખ્યાત સાહિત્યવિવેચક ટી.એસ. એલિયટે પરંપરાનો બહુ મહિમા કર્યો હતો. આજે પણ ઘણા બધા માને છે કે ભૂતકાળને આત્મસાત્ કરીને આપણે વર્તમાનને સારી રીતે સમજી શકીએ છીએ. બીજા શબ્દોમાં ભૂતકાળને વર્તમાન સંદર્ભમાં અને વર્તમાનને ભૂતકાળના સંદર્ભમાં જોવાનો બહુમૂલ્ય પ્રસંગ પ્રાપ્ત થાય છે.વળી, ભૂતકાળ અને વર્તમાન ભેગાં મળીને આપણને ભવિષ્ય માટે સજ્જ કરે છે. નારદપુરાણ એક રીતે બહુ વિશિષ્ટ છે. તેમાં જ્યોતિષ, ગણિત, છંદશાસ્ત્રની વિગતે ચર્ચા કરવામાં આવી છે. વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળની ચર્ચા ગણિતશાસ્ત્ર ભણતા-ભણાવનારાઓએ જોવા જેવી છે. શુકન, અપશુકન, યાત્રા, ઋતુપરિવર્તનો અને તેનાં કારણોની વિગતે ચર્ચા કરવામાં આવી છે. એવી જ રીતે છંદની ચર્ચા વિગતે જોવા મળશે. અહીં એકથી છવીસ અક્ષરો સુધીના છંદો દૃષ્ટાંતો સાથે સમજાવવામાં આવ્યાં છે. ક્યારેક સુભાષિત પ્રકારની ઉક્તિઓ પણ જોવા મળશે. દા.ત. વિદ્યા સમાન કોઈ નયન નથી, સત્ય જેવું તપ નથી, રાગ જેવું કોઈ દુ:ખ નથી, ત્યાગ જેવું કોઈ સુખ નથી. તેન વ્યક્તેન ભુંજી થા: યાદ આવે. ઘણી બધી પ્રાચીન કથાઓમાં સ્ત્રી જાતિની ભારે નિંદા કરવામાં આવી છે. પણ કેટલાંક પુરાણમાં સ્ત્રીઓની ભારે પ્રશંસા કરવામાં આવી છે. સ્ત્રી વિના કોઈ વિધિ સંપન્ન થતો નથી એટલે જ રામાયણમાં અશ્વમેધ કરતા રામે સીતાને વનવાસ આપ્યો હતો, પણ તેમણે સીતાના વિકલ્પે પુનર્લગ્ન કરવાને બદલે સીતાની સુવર્ણપ્રતિમાનું આયોજન કર્યું હતું. બ્રહ્મવૈવર્તપુરાણમાં સ્ત્રીઓને પ્રકૃતિની કળાના અંશરૂપ માનવામાં આવી, એટલે સ્ત્રીઓનું અપમાન એટલે પ્રકૃતિનું અપમાન. નારદપુરાણમાં કેટલીક ખૂબ જ જાણીતી કથાઓ જોવા મળશે. દા.ત. સગર, ભગીરથ, રામાયણકથા, જડભરતકથા, કૃષ્ણકથા. આ ઉપરાંત સૃષ્ટિક્રમ, વિવિધ વ્રત, ગૃહસ્થના શિષ્ટાચાર, વિશ્વની ઉત્પત્તિ, ગણિત, વ્યાકરણ, છંદશાસ્ત્ર, વિવિધ મંત્રોનાં વિધિવિધાન, અપરાધીઓને થતી શિક્ષાઓ ક્યાંક વિસ્તારથી, ક્યાંક સંક્ષેપમાં આપવામાં આવ્યાં છે. વળી અન્ય પુરાણોની જેમ અહીં પણ તીર્થવર્ણનો છે. આ બધાં તીર્થોની વાત વારંવાર પુરાણોમાં આવતી હોવાને કારણે આજદિન સુધી તીર્થમહિમા ભારતીય પ્રજાના મનમાં ઘર કરી ગયો છે. નારદપુરાણમાં ‘રુક્માંગદ આખ્યાન’ થોડું વિશિષ્ટ પ્રકારનું છે. જેવી રીતે અંબરીષ રાજા એકાદશી વ્રત કરતા હતા તેવી રીતે રુક્માંગદ પણ એકાદશી વ્રત કરતા હતા અને કરાવતા હતા. જે કોઈ આ વ્રત ન કરે તેને સજા કરવામાં આવતી હતી. એ રીતે જોઈએ તો આ રાજા આપખુદ ગણાય. પણ આનું પરિણામ અસંગતિપ્રધાન કૃતિઓમાં આવે એવું આવ્યું. બધા લોકો મૃત્યુ પછી વિષ્ણુલોકમાં જ જતા થયા. પરિણામે યમ પાસે કોઈ કામગીરી રહી નહીં. એબ્સર્ડ નાટકોમાં જોવા મળે એવી પરિસ્થિતિ સર્જાઈ. બ્રહ્મા પાસે કોઈ ઉપાય ન રહ્યો એટલે છેવટે રુક્માંગદને લલચાવવા એક મોહિની નામની અદ્ભુત સુંદરી સર્જવામાં આવી. રાજા તેની સાથે લગ્ન કરવા તૈયાર થયો. મોહિનીએ તેને વચનથી બાંધી દીધો. રાજાએ પોતાના રાજમાં ઢંઢેરો બહાર પાડીને વિષ્ણુ સિવાય કોઈ દેવની પૂજા નહીં કરવી વગેરે નિયમો કર્યા. મોહિનીએ વચનપાલન કરવા કહ્યું, એકાદશીએ ભોજન કરો અથવા પુત્રહત્યા કરો. રાજા આગળ ધર્મસંકટ ઊભું થયું. છેવટે રાજા પુત્રવધ કરવા તૈયાર થયા અને ત્યાં વિષ્ણુ ભગવાન આવ્યા અને રાજારાણીપુત્ર વિષ્ણુલોકમાં ગયા. બીજી બાજુ મોહિની બધેથી તિરસ્કૃત થઈ. પુત્રમહિમાનો પ્રસાર કરતી એક કથા ઊર્વ મુનિની પણ છે. આ કથામાં અન્ય કથાઓની જેમ અતિપ્રાકૃત તત્ત્વો છે. પૃથુનું સર્જન તેના પિતાના શબને મથીને કરવામાં આવ્યું હતું. અહીં પણ ઊર્વ મુનિ પોતાની સાથળમાં અગ્નિ નાખી સ્ત્રી વિના જ પુત્રને જન્મ આપે છે અને તે ઔર્વ. સ્વાભાવિક રીતે અહીં વિવિધ તીર્થોનું ફળ ચર્ચાયાં છે. મધ્યકાલીન કવિ અખા ભગતે સ્થૂળ ક્રિયાકાંડની આકરી ટીકા કરી પણ તીર્થયાત્રા હૃદયને વિશાળ બનાવે, આપણી સંવેદનાને ઉત્કટ બનાવે — એટલે જ રાજેન્દ્ર શાહે કહ્યું, ઘર તજી જનારને મળતી વિશ્વતણી વિશાળતા.
જેવી રીતે પંગિળશાસ્ત્રમાં બધા ગણને યાદ રાખવા માટે , સમજવા માટે યમાતારાજભાનસલગા સૂત્ર છે તેવી રીતે આ અઢાર પુરાણોને યાદ રાખવા એક સૂત્ર આપવામાં આવ્યું છે. મદ્વવયં, ભદ્વવ્યં, ચૈવ, બ્રગયં, વ ચતુષ્ટયં, અ, ના, પ, લંગિ, ગ, કૂ, સ્કાનિ પુરાણાનિ પૃથક્પૃથક્ મ વાળાં બે પુરાણ : મત્સ્યપુરાણ અને માર્કણ્ડેયપુરાણ; ભવાળાં બે પુરાણ : ભવિષ્યપુરાણ અને ભાગવત્; બ્રવાળાં ત્રણ પુરાણ : બ્રહ્મ, બ્રહ્મવૈવર્તપુરાણ અને બ્રહ્માંડપુરાણ; વકારાદિવાળાં ચાર પુરાણ: વાયુપુરાણ, વિષ્ણુપુરાણ, વામનપુરાણ અને વરાહપુરાણ. આ પછી અગ્નિપુરાણ, નારદપુરાણ, પદ્મપુરાણ, લંગિપુરાણ, ગરુડપુરાણ, કૂર્મપુરાણ અને સ્કંદપુરાણ. પૃથ્વી પરના દરેક માનવીને કેટલાક મૂળભૂત પ્રશ્નો થયા છે : હું કોણ છું? શા માટે મારું અસ્તિત્વ છે? આ સામે જે જગત છે તે કોણે સર્જ્યું? આપણે ક્યાં જઈ રહ્યા છીએ? પ્રત્યેક સંસ્કૃતિએ, પ્રત્યેક સમયે આ પ્રશ્નો ઊભા કરીને તેના ઉત્તરો શોધવાનો પ્રયત્ન કર્યો છે. જેવી રીતે પંચતંત્રમાં પ્રજાને નીતિમત્તાના પાઠ શીખવાડવામાં આવ્યા છે તેવી રીતે અહીં પુરાણોમાં ગં્રથસ્થ થયેલી કથાઓનો એક આશય તો આવો હોવો હશે. વળી પ્રજા જો સન્માર્ગે ન જતી હોય તો તેને મૃત્યુ પછી નરકયાતના ભોગવવી પડે. એટલે પુરાણોમાં વિવિધ નરકયાતનાઓનાં વર્ણન જોવા મળશે. એવું નથી કે ઋષિમુનિઓ જ તાત્ત્વિક પ્રશ્નોની ચર્ચા કરતા હતા. રાક્ષસો પણ બુદ્ધિશાળીઓની જેમ વિચારી શકતા હતા. મધુકૈટભની કથામાં આ બંને ભાઈઓ ઋષિમુનિઓની જેમ વિચારે છે: ‘કારણ વિના કોઈ કાર્ય થતું નથી. આધાર વિના કશું ટકી શકતું નથી. તો આ અગાધ જળ શાના આધારે છે? કોણે તેનું સર્જન કર્યું? આપણે આ જળમાં કેવી રીતે આવ્યા? આપણે કેવી રીતે ઉત્પન્ન થયા? આપણને કોણે જન્મ આપ્યો? આપણને કશાની જાણ નથી.’ આ જાણવાના અનેક પ્રયત્ન કર્યા તો પણ તેઓ એ જાણી ન શક્યા. કૈટભ પોતાના ભાઈ મધુને કહેવા લાગ્યો, ‘આ જળમાં આપણને ટકાવનારી શક્તિ ભગવતી છે. તે શક્તિ વડે જ આ જળ છે, તેમને કારણે જ આપણી ઉત્પત્તિ થઈ છે.’
શંકરાચાર્યે કેવલાદ્વૈતનો સિદ્ધાંત આપ્યો અને બહુ નાની ઉમરે ભારતભરમાં જ્ઞાનમાર્ગી ભૂમિકાનો પ્રસાર કર્યો. પણ ભારતીય પ્રજા નિર્ગુણ ઉપાસનાનો સ્વીકાર કરી ન શકી. કોઈ રીતે બ્રહ્મ સત્ય જગત મિથ્યાની વાત તેમની બુદ્ધિમાં ઊતરતી ન હતી. બીજી બાજુ પરદેશીઓનાં ધાડાં વાયવ્ય સરહદેથી આવે જ જતાં હતાં. આ સંજોગોમાં પોતાની ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાનું કામ બહુ અઘરું હતું. પ્રજા કોઈ જુદા જ માર્ગની શોધમાં હતી અને તે તેને મળ્યો શ્રીમદ્ ભાગવત દ્વારા. આ પુરાણમાં મુખ્યત્વે કૃષ્ણચરિત્રનો મહિમા વિશેષ છે. જેવી રીતે શ્રીકૃષ્ણે ગીતામાં ભક્તિયોગનો મહિમા ગાયો હતો તેવી જ રીતે શ્રીમદ્ ભાગવત્માં પણ તેઓ કહે છે: સૃષ્ટિસર્જન પહેલાં માત્ર હું જ હતો. મારા સિવાય કશું સ્થૂળ, સૂક્ષ્મ ન હતું. જ્યાં આ સૃષ્ટિ નથી ત્યાં પણ હું જ છું. સામાન્ય માનવીને સગુણ ભક્તિ વધુ અનુકૂળ આવી ગઈ. પરમાત્માની સ્તુતિ કરવા માટે સામાન્ય માનવીને કોઈ મૂતિર્ની અનિવાર્યતા હતી. ભારતીય પ્રજાએ રામને મર્યાદાપુરુષોત્તમ તરીકે ઓળખાવ્યા અને શ્રીકૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઓળખાવ્યા. ભગવાન રામને માટે અઢળક આદર હોવા છતાં શ્રીકૃષ્ણ માટે ભારતવાસી વધુ શ્રદ્ધાળુ બન્યા. વળી, બધી લલિત કળાઓમાં, પ્રસ્તુુતિ પ્રધાન કળાઓમાં શ્રીકૃષ્ણ ઉત્તરદક્ષિણ-પૂર્વપશ્ચિમમાં છવાઈ ગયા. એવી જ રીતે ગૌતમ બુદ્ધ ભારતમાં અને ભારત બહાર છવાઈ ગયા. શ્રીમદ્ભાગવતને શ્રુતિઓના સાર તરીકે ઓળખાવવામાં આવ્યું છે. આમ તો પ્રાણીમાત્ર, જીવમાત્ર માટે પ્રેમ હોવો ભક્તનું પરમ લક્ષણ મનાય છે. અંગ્રેજ કવિ ઓડેને એટલે જ કહ્યું કે ‘વી મસ્ટ લવ ઇચ અધર ઓર ડાય.’ સર્વ પ્રત્યે પ્રેમ રાખનારી વ્યક્તિને જ વૈષ્ણવ કહી શકાય. એટલે જ મધ્યકાલીન કવિ નરસંહિ મહેતાએ ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ પદમાં ભક્તિનો, ભક્તનો મહિમા સારી રીતે વર્ણવી બતાવ્યો છે. આમ તો શૌનક વગેરે ઋષિમુનિઓએ નૈમિષારણ્યમાં સૂતપુરાણીને અમૃતમય કથા માટે આગ્રહ કર્યો હતો. અહીં ક્યાંય પણ ભક્તિ અને જ્ઞાનનો વિરોધ કલ્પવામાં આવ્યો નથી. જેઓ અનુદાર છે, સંકુચિત મનોદશા ધરાવે છે તેઓ જ ભક્તિ અને જ્ઞાન વચ્ચે વિરોધ કરે છે. બધાં જ પુરાણોમાં આગવું મહત્ત્વ ધરાવતા શ્રીમદ્ભાગવતપુરાણમાં ભક્તિનો મહિમા વિશેષ છે અને એટલે જ આરંભે ગોકર્ણની કથા દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ગમે તેવાં પાપમાંથી શ્રીમદ્ભાગવતનું પારાયણ મુક્તિ અપાવે છે. વળી નારદમુનિના મોઢે પણ આ ભક્તિનો મહિમા કરાવવામાં આવ્યો છે. કળિયુગનાં લક્ષણોથી ત્રસ્ત બનેલા નારદમુનિને એક યુવતીનો ભેટો થાય છે, તેની પાસે બે વૃદ્ધ પુરુષ બેસુધ અવસ્થામાં પડેલા છે. તેને પૂછવાથી તે યુવતી નારદમુનિને કહે છે, ‘મારું નામ ભક્તિ છે, આ જ્ઞાન અને વૈરાગ્ય મારા પુત્રો છે, મારી આસપાસ ગંગા જેવી નદીઓ છે. હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં વિકસી, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાં સમ્માનિત થઈ પણ ગુજરાતમાં વૃદ્ધાવસ્થાએ મને ઘેરી લીધી. હું હવે બીજે ક્યાંક જવા માગું છું. હું યુવાન અને મારા પુત્રો વૃદ્ધ કેમ?’ ત્યારે નારદમુનિ તેને કળિયુગનો પ્રભાવ વર્ણવી બતાવે છે. પરીક્ષિતે કળિયુગનો વધ એટલા માટે ન કર્યો કે તપસ્યા, યોગ, સમાધિથી જે પુણ્ય ન મળે તે કીર્તનથી મળે છે અને એટલે જ અહીં સંપાદિત અજામિલ કથામાં જીવનભર પાપ કરનારો અજામિલ મૃત્યુ વેળા પોતાના નારાયણ નામના પુત્રને બોલાવે છે એટલે નારાયણના દૂત આવીને તેને વૈકુંઠમાં લઈ જાય છે. અહીં આપણને પ્રશ્ન થાય કે જીવનભર પાપ કરનારો માત્ર એક જ વાર નારાયણનું નામ લેવાથી પાપમુક્ત કેવી રીતે થઈ જાય? વળી કળિયુગમાં બ્રાહ્મણો ધનની લાલચે કથા કહેતા થયા. આ સિલસિલો તો છેક આજની તારીખ સુધી ચાલુ જ રહ્યો છે. પ્રાચીન ગ્રીક સમાજે પણ ધન લઈને ભણાવતા શિક્ષકોની આકરી ફરિયાદ કરી હતી. ધન લઈને ભણાવનારા હૃદયસંવાદ કરી શકતા નથી. પંડિતો કામાવેગથી પીડાય છે અને સંતાનોત્પત્તિમાં જ રચ્યાપચ્યા રહે છે. સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય વડે મુક્તિ પ્રાપ્ત થતી હતી પણ કળિયુગમાં તો માત્ર ને માત્ર ભક્તિ જ મહત્ત્વની. નારદમુનિ ભક્તિને ધીરજ બંધાવે છે અને પ્રત્યેક માનવીમાં ભક્તિની સ્થાપના કરવાનું વચન આપે છે. અહીં જે કથાઓ સંપાદિત થઈ છે તે ભક્તિમહિમા માટે જ. દુર્વાસા જેવા જ્ઞાની મુનિને ભક્તિનો વિરોધ કરવાને કારણે કેટલું બધું કષ્ટ ઉઠાવવું પડ્યું હતું તે અંબરીષ જેવા કૃષ્ણભક્તની કથા દ્વારા મૂર્ત કરી બતાવ્યું છે. એટલે ભક્તિના જે બે પુત્રો જર્જરિત થઈ ગયા છે તેઓ માત્ર શ્રીમદ્ભાગવતકથાનું શ્રવણ કરીને જ ચૈતન્ય પામશે. આરંભે ગોકર્ણની કથા દ્વારા પણ આ જ વાત ઘૂંટવામાં આવી છે. ધુન્ધુકાર જેવો પાપી મર્યા પછી જ્યારે અવગતિયો થાય છે અને બીજી કોઈ રીતે તેને મુક્તિ મળતી નથી ત્યારે સૂર્યભગવાન ગોકર્ણને શ્રીમદ્ભાગવતકથાનું પારાયણ કરી તેને મુક્તિ અપાવવા કહે છે. જ્યારે નારદમુનિ જે ગંગાતટ પર જાય છે ત્યાં બધા ઋષિઓમુનિઓ પોતાના પરિવાર સમેત જઈ પહોંચ્યા. વેદ-વેદાંત, પુરાણો પણ મૂતિર્મંત થઈને આવ્યા. ગંગા જેવી નદીઓ, પુષ્કર જેવાં સરોવર, દંડક જેવાં વન, હિમાલય જેવા પર્વત, દેવ-ગંધર્વ-દાનવ પણ જઈ પહોંચ્યા. ભૂતકાળમાં ગુણાઢ્યની બૃહદ્કથા સાંભળવા માટે પશુપંખી, માનવો જઈ જ પહોંચેલા ને! શ્રીમદ્ભાગવતની પૂજા પૂરી થયા પછી સનક ઋષિઓ નારદમુનિને શ્રીમદ્ભાગવતમહિમા સંભળાવે છે. મુક્તિ માટે એક માત્ર ઉપાય શ્રીમદ્ભાગવતકથા જ છે. જેવી રીતે સંહિની ગર્જના સાંભળીને વરુ ભાગી જાય છે તેવી રીતે શ્રીમદ્ભાગવતકથા નામ પડતાં વેંત કળિયુગના બધા દોષ નિર્મૂળ થઈ જાય છે. શ્રીમદ્ભાગવત તો વેદવેદાંતનો સાર છે. જેવી રીતે વૃક્ષના મૂળમાંથી માંડીને રસ છેક ટોચ સુધી વ્યાપેલો હોય છે પણ તેનો આસ્વાદ એ રીતે લઈ શકાતો નથી. જ્યારે કોઈ વૃક્ષના ફળનો સ્વાદ લે છે ત્યારે જ બધાને તે ભાવે છે. સાકર શેરડીના છોડમાં છે પણ જ્યારે તેમાંથી સાકર બને છે ત્યારે જ તેનો આસ્વાદ લઈ શકાય છે. જેણે પોતાના જીવનમાં શ્રીમદ્ભાગવતની કથા સાંભળી નથી તેણે પોતાનું જીવન વ્યર્થ ગુમાવ્યું છે. મનની વ્યગ્રતા, અલ્પાયુષ, રોગોની બહુલતા: આવાં કારણોને લઈને શ્રીમદ્ભાગવતની કથાનું શ્રવણ એક સપ્તાહ માટે પણ કરી શકાય. છેક અત્યાર સુધી નગરોમાં, ગામડાંમાં સપ્તાહ માટે આ કથાનું પારાયણ કરવામાં આવતું હતું. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ આ ધરતી ત્યજી નિત્યધામમાં જઈ રહ્યા હતા ત્યારે ઉદ્ધવે તેમને પ્રશ્ન કર્યો હતો : ‘ઘોર કળિયુગમાં અનેક અનિષ્ટ જન્મશે અને ત્યારે ઘણા સજ્જનો પણ ઉગ્ર પ્રકૃતિના થઈ જશે તો એમના ભારથી ત્રસ્ત પૃથ્વી કોના શરણે જશે? એટલે હે ભગવાન, તમે અહીંથી ન જાઓ.’ આ સાંભળી ભગવાન પોતાની બધી શક્તિ શ્રીમદ્ભાગવતમાં મૂકી પોતે અંતર્ધાન થઈ ગયા. એટલે આ કથાનું પારાયણ એક સપ્તાહ માટે કરવાથી બધાં દુ:ખમાંથી છૂટી શકાય છે. જે સમયે સનક મુનિઓ આ કથાની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે ભક્તિના બંને પુત્ર તરુણ થઈ ગયા. તે દેવી શ્રીમદ્ભાગવતના અર્થમાંથી પુત્રો સમેત પ્રગટ થઈ અને મુનિઓના કહેવાથી તે ભક્તોના હૃદયમાં વસતી થઈ. સૃષ્ટિનિર્માણ કરવાનો આરંભ ભગવાને પોતાની યોગનિદ્રાનો વિસ્તાર કર્યો અને તેમની નાભિમાંથી એક કમળ પ્રગટ્યું અને તેમાંથી પ્રજાપતિ બ્રહ્મા પ્રગટ્યા. ભગવાને પોતાનું જે વિરાટ રૂપ પ્રગટાવ્યું તેમાં અનેક અવતારો જોવા મળ્યા. સામાન્ય રીતે દશાવતારની કથા ભારતમાં પ્રચલિત છે પણ શ્રીમદ્ભાગવતમાં બીજા અવતાર પણ કહ્યા છે. આરંભે ભગવાને સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર — એમ ચાર બ્રાહ્મણ રૂપે અવતાર લીધો. પછી રસાતલમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા વરાહ રૂપે અવતાર લીધો. ત્રીજો અવતાર નારદમુનિ રૂપે લીધો. ધર્મપત્ની મૂતિર્ દ્વારા ચોથો અવતાર નરનારાયણ રૂપે લીધો. પાંચમા અવતારે કપિલમુનિ થયા. છઠ્ઠો અવતાર અનસૂયાને આપેલા વરદાન પ્રમાણે દત્તાત્રેય થયા. સાતમા અવતારે રુચિ-પ્રજાપતિની આકૃતિ નામની પત્ની વડે યજ્ઞ રૂપે અવતાર લીધો. આઠમા અવતારમાં રાજા નાભિની પત્ની મેરુદેવીના પેટે ઋષભદેવ થયા. નવમા અવતારે રાજા પૃથુ થયા. દસમા અવતારે મત્સ્ય રૂપે અવતરી પૃથ્વીને વિનાશમાંથી ઉગારી. સમુદ્રમંથન વખતે અગિયારમો અવતાર લઈ કચ્છપ થયા અને પોતાની પીઠ પર મંદરાચલને ધારણ કર્યો. બારમા અવતારે ધન્વંતરિ રૂપે અમૃતકળશ લઈને પ્રગટ થયા. તેરમા અવતારે મોહિની રૂપે પ્રગટીને દેવતાઓને અમૃતપાન કરાવ્યું. ચૌદમા અવતારે નરસંહિ રૂપે પ્રગટ્યા અને હિરણ્યકશિપુનો વધ કર્યો. પંદરમા અવતારે વામન અવતાર લઈ બલિ રાજા પાસે ત્રણ પગલાં પૃથ્વી માગી. સોળમા અવતારે પરશુરામ તરીકે જન્મીને બ્રાહ્મણદ્રોહી રાજાઓનો વધ કર્યો. સત્તરમા અવતારે સત્યવતીના પેટે પરાશર વડે વ્યાસ રૂપે પ્રગટ્યા. અઢારમા અવતારે રાજા રામ રૂપે જન્મ્યા અને રાવણ જેવા અનેક રાક્ષસોનો નાશ કર્યો. ઓગણીસમા અને વીસમા અવતારે તેઓ બલરામ અને શ્રીકૃષ્ણ રૂપે પ્રગટ્યા. એકવીસમા અવતારે તે બુદ્ધ રૂપે પ્રગટ્યા અને બાવીસમા અવતારે કલ્કિ રૂપે પ્રગટશે. આ પહેલાં વ્યાસ ભગવાને એક જ વેદના ચાર વિભાગ કર્યા : ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. પછી તો શિષ્યપરંપરાને કારણે એ વેદોની શાખાઓનો વિસ્તાર થયો. પણ સ્ત્રી, શૂદ્ર અને પતિત બ્રાહ્મણોને વેદશ્રવણનો અધિકાર નથી એમ જણાવ્યું. ભારતીય સંસ્કૃતિનું આ એક મોટું કલંક ગણાય. ત્યારથી ઉચ્ચ વર્ણના લોકોએ શૂદ્રોનો અને સ્ત્રીઓનો તિરસ્કાર કરવા માંડ્યો. બધાનું કલ્યાણ કરવા વ્યાસ મુનિએ મહાભારતની રચના કરી અને તો પણ તેમને સંતોષ ન થયો એટલે નારદમુનિએ પોતાનો ઇતિહાસ જણાવી ભાગવતની રચના તેમને માટે પ્રેર્યા.
ભાગવત્ના આરંભે મહાભારતની કથા આવે છે. મહાભારતના યુદ્ધમાં કૌરવોની હાર થઈ અને અશ્વત્થામાએ દુર્યોધનને વહાલા થવા પાંચાલીના પાંચે પુત્રોનો રાતે વધ કર્યો. કદાચ દુર્યોધનને પણ આ ઘટના ગમી નહીં હોય. દુ:ખી દ્રૌપદીને ધીરજ બંધાવતા અર્જુને તેને કહ્યું કે હું અશ્વત્થામાનું મસ્તક કાપીને તને ભેટ આપીશ. પછી શ્રીકૃષ્ણને લઈને તે ગુરુપુત્રની પાછળ નીકળી પડ્યો. અશ્વત્થામાએ અર્જુનને જોઈને વધુ ઝડપે ભાગવાનો પ્રયત્ન કર્યો. પણ તેનો કોઈ ઉપાય ન ચાલ્યો અને અર્જુને તેેને પકડી પાડ્યો. ભગવાને તો તેને મારી નાખવા કહ્યું પણ અર્જુનના મનમાં તેને મારી નાખવાનું મન ન થયું એટલે તેને દ્રૌપદીના હવાલે કરી દીધો, પાંચાલીનું હૃદય પણ દયાવાન હતું એટલે છેવટે અશ્વત્થામાના મસ્તક પરનો મણિ લઈ લીધો, ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતનું શ્રીકૃષ્ણે રક્ષણ કર્યું. આમ હંસાિની સમાંતરે અહંસાિની ભાવના પણ જોવા મળે છે. શુકદેવ મુનિ અનુસાર શ્રીમદ્ભાગવત પુરાણમાં સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઊતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય એવા દસ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમ કરતાં કરતાં કથાઓ આવતી જાય છે. જયવિજયને મળેલો શાપ, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના ભગવાને કરેલા વધની કથા જાણીતી છે. એક વિરાટ પુરુષની પણ કલ્પના કરવામાં આવી છે અને તેને જાગ્રત કરવામાં જ્યારે બધા નિષ્ફળ થયા ત્યારે ચિત્તના અધિષ્ઠાતાએ તેના હૃદયમાં પ્રવેશ કર્યો ત્યારે તે પુરુષ ઊભો થયો. બીજે કહેવામાં આવ્યું છે તેમ અહીં પણ સ્ત્રીનિંદા છે. જે પુરુષ યોગી થવા માગતો હોય તેણે કદી પણ સ્ત્રીસંગ નહીં કરવા જણાવ્યું છે. સતીનો અગ્નિપ્રવેશ, ધ્રુવની તપસ્યા, પુરંજનકથા, વૃત્રાસુર-ઇંદ્ર યુદ્ધકથા જાણીતી છે. શુકદેવ દ્વારા યુધિષ્ઠિરને ધર્મનાં ત્રીસ લક્ષણ કહ્યાં હતાં તેમાં મુખ્ય આટલાં : સત્ય, દયા, તપસ્યા, શૌચ, તિતિક્ષા, ઉચિતઅનુચિતનો વિવેક, મન-ઇંદ્રિયો પર સંયમ, અહંસાિ, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, સરલતા, સંતોષ, સમદર્શી, મહાત્માઓની સેવા...
શ્રીમદ્ ભાગવતમાં કથાઓ તો પુષ્કળ છે, સાથે સાથે તત્ત્વચર્ચા પણ એટલી જ છે. ક્યારેક આપણને માહિતી પણ આપવામાં આવે છે. ધરતીની નીચે પાતાલ તો છે પણ તેમની વાત અહીં જરા જુદી રીતે મૂકવામાં આવી છે. વિરાટ પુરુષના તળિયા એટલે પાતાલ, તેમની એડીઓ અને પંજા એટલે રસાતલ, એડી ઉપરની ગાંઠો એટલે મહાતલ, પગની પંડીિઓ એટલે તલાતલ, બંને ઘૂંટણ એટલે સુતલ, સાથળ એટલે વિતલ, પેઢું એટલે ભૂતલ. વળી શરીરના બીજા ભાગને પણ આવરી લીધા. નાભિ રૂપી સરોવર એટલે આકાશ, છાતી એટલે સ્વર્ગલોક, ગળું એટલે મહર્લોક, મુખ એટલે જનલોક, લલાટ એટલે તપોલોક, મસ્તક એટલે સત્યલોક, ભુજાઓ એટલે ઇન્દ્ર વગેરે દેવ, કાન એટલે દિશાઓ, નાસિકાનાં છિદ્રો એટલે અશ્વિનીકુમારો, નેત્ર એટલે અંતરીક્ષ, દૃષ્ટિશક્તિ એટલે સૂર્ય, પલક એટલે દિવસ...રાત વગેરે. અહીં શ્રીકૃષ્ણભક્તિનો મહિમા વિશેષ કરવામાં આવ્યો છે. જે જીભ ભગવાનનું સ્તવન ન કરે તે દેડકાની જીભ જેવી, જે હાથ ભગવાનની સેવા ન કરે તે સુવર્ણમંડિત હોવા છતાં શબના હાથ, જે મસ્તક શ્રીકૃષ્ણના ચરણે પડે નહીં તે માત્ર ભારરૂપ, જે આંખો મૂતિર્, તીર્થ, નદીનાં દર્શન ન કરે તે મયૂરપંખની આંખો જેવી. આ રીતે સામાન્ય માનવીને કૃષ્ણભક્તિ તરફ વાળવાનો આશય હતો. આમેય ગીતામાં કહેવાયું છે — ન મે ભક્ત પ્રણશ્યતિ. વળી ભાગવત પૂર્વે કહેવાયું હતું, એકોઅહમ્ બહુસ્યામ્. ઉપનિષદો વગેરેમાં વર્ણવેલી વાતો ફરી કહેવામાં આવી છે. દા.ત. તમસ જ્યારે અંધકારમાં વિકાર પામે ત્યારે આકાશ જન્મે, આકાશનો ગુણ શબ્દ અને શબ્દ દ્વારા દ્રષ્ટા અને દૃશ્યનું જ્ઞાન થાય. આકાશ વિકાર પામીને વાયુ બને અને તેનો ગુણ સ્પર્શ. વાયુમાં વિકાર થાય એટલે તેજ પ્રગટે, એનો ગુણ રૂપ. તેજના વિકારથી જળ પ્રગટ્યું, જળના વિકારમાંથી પૃથ્વી પ્રગટી. વિકારજન્ય અહંકારથી મન અને ઇન્દ્રિયોના દસ અધિષ્ઠાતૃ દેવતાઓ પ્રગટ્યા. તેજસ અંધકારના વિકારથી કાન, ત્વચા, નેત્ર, જિહ્વા, પ્રાણ — આ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને વાક્, હસ્ત, પગ, ગુદા, જનનેન્દ્રિય — આ કર્મેન્દ્રિયો થઈ. વિરાટ પુરુષના મુખમાંથી વાણી અને તેમના દેવ અગ્નિ પ્રગટ્યા. તેમની સપ્ત ધાતુમાંથી સાત છંદ(ગાયત્રી, ત્રિષ્ટુભ, અનુષ્ટુભ, ઉષ્ણિક, બૃહતી, પંક્તિ અને જગતી) પ્રગટ્યા. આપણી બધી રસેન્દ્રિયોના આધાર વરુણ તેમની જીભમાંથી પ્રગટ્યા. ટૂંકમાં જગતમાં જે કંઈ છે તે બધું આ વિરાટ પુરુષમાંથી સર્જાયું છે. આ ઉપરાંત ભગવાનના વિવિધ અવતારોની વાત ટૂંકમાં કરવામાં આવી છે. આ ઉપરાંત આ પુરાણમાં દસ વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ દસ વિષય એટલે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઊતિર્, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ, આશ્રય. પંચ મહાભૂત, શબ્દ વગેરે તન્માત્રા, ઇન્દ્રિયો, અહંકાર, મહત્ તત્ત્વની ઉત્પત્તિ એટલે સર્ગ. વિભિન્ન ચરાચર સૃષ્ટિઓનું નિર્માણ એટલે વિસર્ગ. નાશવંત સૃષ્ટિને મર્યાદામાં રાખનારી શક્તિ એટલે સ્થાન. ભક્તો ઉપર થતી કૃપા એટલે પોષણ. શુદ્ધ ધર્મનું અનુષ્ઠાન એટલે મન્વંતર. જીવોની વાસના એટલે ઊતિર્. આખ્યાનોયુક્ત ગાથા એટલે ઇશકથા. યોગનિદ્રામાં શયન કરીને લીન થવું એટલે નિરોધ. પરમાત્મામાં સ્થિર થવું એટલે મુક્તિ. પરમ બ્રહ્મ એટલે આશ્રય. વિરાટ પુરુષે પોતાને રહેવા માટે પવિત્ર જળ પ્રગટાવ્યું, તે નરમાંથી પ્રગટ્યું એટલે નાર, નારમાં તે પુરુષ હજાર વર્ષ રહ્યો એટલે તે નારાયણ.
જાતિપરિવર્તનનાં કથાઘટકો પ્રાચીન કાળથી ચાલતાં આવ્યાં છે. ભાગવત્માં શંકર ભગવાનના શાપને કારણે અમુક વિસ્તારમાં જે પ્રવેશે તે પુરુષ સ્ત્રી થઈ જાય એવી કથા છે. આવા વિસ્તારમાં પ્રવેશતો સુદ્યુમ્ન પુરુષમાંથી સ્ત્રી થઈ જાય છે અને બુધ સ્ત્રી બનેલીને જોઈ તેના પ્રેમમાં પડે છે. રામાયણમાં પણ આવી એક કથા છે. એક વાનર સરોવરમાં કૂદકો મારીને જ્યારે બહાર આવે છે ત્યારે તે સ્ત્રી થઈ જાય છે અને પછી વાલી તથા સુગ્રીવને જન્મ આપે છે. અહીં ચ્યવન-સુકન્યાની કથા ઉપરાંત રામાયણસાર પણ જોવા મળશે. અંબરીષના કથાનક દ્વારા કૃષ્ણભક્તિનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. કેટલીક ખૂબ જ જાણીતી કથાઓ અહીં ગ્રંથસ્થ થઈ છે. દા.ત. ત્રિશંકુ, હરિશ્ચંદ્ર, સગર, ભગીરથ, યયાતિ, સૌદાસ વગેરે. આમાં સૌદાસની શાપકથા પાંડુની શાપકથાની સમાંતરે છે. સૌદાસ પાછળથી કલ્માષપાદ નામે ઓળખાઈને પશુઓને, માણસોને મારી નાખતો હતો. ક્રીડા કરી રહેલા બ્રાહ્મણદંપતીમાંથી પુરુષને પકડીને, બ્રાહ્મણપત્નીની અનેક વિનવણી છતાં તે ખાઈ ગયો. બ્રાહ્મણીએ તેને શાપ આપ્યો, તું જ્યારે સ્ત્રીનો સહવાસ કરવા જઈશ ત્યારે તારું મૃત્યુ થશે. પાંડુના શાપની કથા ખૂબ જ જાણીતી થઈ પણ સૌદાસકથા જાણીતી ન થઈ. પાછળથી સૌદાસની રાણી મદયન્તીના કહેવાથી તેણે સ્ત્રીસંગ જ ત્યજી દીધો. છેવટે વસિષ્ઠ ઋષિ દ્વારા મદયન્તીએ પુત્રને જન્મ આપ્યો. ભાગવતનો સૌથી જાણીતો ખંડ છે દશમસ્કંધ. પ્રેમાનંદ જેવાએ આ ખંડને કેન્દ્રમાં રાખીને રચના કરી છે. કૃષ્ણાવતારમાં અને રામાવતારમાં ઘણી ભિન્નતા છે. રામ કૃષ્ણની જેમ શિશુઅવસ્થામાં કોઈ પરાક્રમ કરતા નથી. જે કંઈ સાહસકર્મ થયાં તે તો વિશ્વામિત્ર ઋષિની સહયાત્રામાં. જ્યારે શ્રીકૃષ્ણ તો છેક નાનપણથી એક પછી એક રાક્ષસનો સંહાર કરતા રહેલા. એ રાક્ષસો મોટે ભાગે મનુષ્ય રૂપે નહીં પણ પશુ રૂપે, સરિસૃપ રૂપે આવતા હતા. આને કારણે આ કથાઓ ખૂબ જ લોકપ્રિય બની. આ ઉપરાંત ગોપીઓ શ્રીકૃષ્ણ પ્રત્યે આકર્ષાઈ, એને કારણે સ્ત્રીપુરુષનો પ્રેમ કેન્દ્રમાં રહ્યો. આમ વાત્સલ્યથી માંડીને શૃંગાર સુધીનાં બધાં જ રૂપ આલેખાયાં અને એ રૂપ પ્રસ્તુતિપ્રધાન કળાઓમાં પણ આલેખાયા. રામાયણ કથાઓ છેક અગ્નિએશિયા સુધી, બુદ્ધભગવાનની કથાઓ સમગ્ર વિશાળ ભારતમાં સ્થાન પામી. પણ આ બધી કથાઓ મોટે ભાગે દૃશ્યકળાઓ પૂરતી જ મર્યાદિત રહી. ભાગવતે ભક્તિમાર્ગી પરંપરાઓને મોટા પાયે વિકસાવી અને તે જો સમગ્ર સમાજમાં ઓતપ્રોત કરવી હોય તો પ્રસ્તુુતિ પ્રધાન કળાઓની સહાય લેવી પડે. શંકરાચાર્યે ભલે કેવલાદ્વૈત દ્વારા જ્ઞાનમાર્ગી ધારાનો સમગ્ર ભારતમાં પ્રચાર-પ્રસાર કર્યો પણ આગળ જોઈ ગયા તે પ્રમાણે સામાન્ય માનવીને જ્ઞાનમાર્ગી ધારા કરતાં ભક્તિમાર્ગી ધારા વધારે અનુકૂલ આવી. કૃષ્ણકથામાં રહેલા અપાર વૈવિધ્યે સામાન્ય માનવીને આકર્ષ્યો અને ભક્તિમાર્ગી ધારામાં સ્ત્રીઓએ મોટો ભાગ ભજવ્યો. (વધુ વિગતવાર ચર્ચા માટે જુઓ ગો.મા.ત્રિપાઠીકૃત ‘ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત’) અહીં કૃષ્ણ સાથેના સંબંધો આપણી કૌટુંબિક ભૂમિકા પર આધાર રાખે છે. ધીરે ધીરે આ ભૂમિકા વિસ્તરવા માંડે છે. યદા યદા હિ ધર્મસ્ય : આ ગીતાવાક્ય શ્રીકૃષ્ણના જન્મથી માંડીને તેમના નિર્વાણ સુધીના પ્રસંગોમાં જોવા મળે છે. દરેક વયની વ્યક્તિને, પછી તે સ્ત્રી હોય કે પુરુષ, શ્રીકૃષ્ણ ખૂબ જ નિકટના સ્વજન લાગે છે. ભારતીય પ્રજાએ શ્રીકૃષ્ણ સાથે અપૂર્વ સેતુબંધ ઊભો કર્યો. ભાગવતનો એક મહત્ત્વનો પ્રસંગ ગોવર્ધનધારણનો છે. આ ઘટના અનેક સંકેતો ધરાવનારી છે. દેવસત્તાનો અસ્વીકાર કરીને પ્રકૃતિસત્તાના સ્વીકાર પાછળ અનેક પ્રકારની સમૃદ્ધ વ્યંજનાઓ પડી છે. એ પ્રસંગ ભલે ભૂતકાળનો હોય, આપણે તેની સાથે કોઈ પણ સ્થળના વર્તમાન સંદર્ભો સાંકળી શકીએ છીએ. પુરાણોએ ભલે ઇન્દ્રને દેવેન્દ્ર તરીકે ઓળખાવ્યો પણ તે ઈર્ષ્યાળુ, વ્યભિચારી, અભિમાની દેવ પુરવાર થયો છે. વેદની ઋચાઓએ ભલે વિષ્ણુને ઉપેન્દ્ર તરીકે ઓળખાવ્યો પણ ભાગવતકારે વિષ્ણુનો બહુ મોટો મહિમા સ્થાપી આપ્યો. ગીતામાં કહ્યું છે : સર્વ ધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ, ન મે ભક્ત પ્રણશ્યતિ. ભાગવતમાં પણ દૃષ્ટાંત આપીને કહેવામાં આવ્યું છે કે જેવી રીતે વિવાહિત પતિનો ત્યાગ કરીને પરપુરુષને ચાહનારી સ્ત્રીને હૃદયની શાંતિ નથી મળતી, તેવી રીતે જે માનવી પોતાની આજીવિકા ચલાવનાર એક દેવનો ત્યાગ કરીને બીજા દેવનું શરણ સ્વીકારે છે તેને ક્યારેય સુખશાંતિ મળતાં નથી. આ રીતે જોઈએ તો કદાચ આપણે આ દિશામાં આગળ વધતાં સાંપ્રદાયિક ઝનૂન સુધી પહોંચી શકીએ. દરેક ધર્મઅનુયાયી પોતાના ધર્મને શ્રેષ્ઠ માનીને ધર્માંતર કરાવવા આતુર, હઠાગ્રહી, જુલમી થઈ જાય. ભાગવત્માં પુરોગામી પ્રશિષ્ટ કૃતિઓનો પ્રભાવ પણ વાંચી શકાય છે. દા.ત. જ્યારે ગોપીઓ શ્રીકૃષ્ણને જોતી નથી ત્યારે તેઓ વનસ્પતિ પરિવારને પૂછે છે...અરે પીપળા, અરે વડ શું તમે તેમને જોયા છે?... કુરબક, અશોક, નાગકેસર, પુન્નાગ, ચંપક તમે કોઈએ બળરામના નાના ભાઈ શ્રીકૃષ્ણને જોયા છે? અહીં આપણને કાલિદાસના વિક્રમોર્વશીયની સ્મૃતિ થાય. આ ઉપરાંત પ્રાચીન કથાવર્ણનોની પરંપરા પ્રમાણે શ્રીકૃષ્ણને શોધતી ગોપીઓ પોતાની બુદ્ધિમત્તા, નિરીક્ષણશક્તિનો જે પરિચય કરાવે છે તે પણ જોવા જેવો છે: ‘અહીં શ્રીકૃષ્ણ પોતાની પ્રિયતમા સાથે ફરવા તો નીકળ્યા હતા પણ હવે ગોપીના પગ દેખાતા નથી. એવું લાગે છે કે પોતાની પ્રિયતમાના કોમળ ચરણોમાં ઘાસની અણીઓ ખૂંચેલી જોઈ શ્રીકૃષ્ણે ગોપીને પોતાના ખભા પર બેસાડી દીધી હશે... એટલે જ અહીં શ્રીકૃષ્ણના પગ ધરતીમાં ઊંડા ખૂંપી ગયા છે. એનો અર્થ એ થયો કે શ્રીકૃષ્ણ કોઈ વજનદાર ચીજને ઊંચકીને ચાલી રહ્યા છે... અને જુઓ જુઓ અહીં સુંદર પુષ્પો જોઈ એ ચૂંટવા માટે પ્રિયતમાને ખભેથી નીચે ઉતારી હશે. પછી તેઓ ફૂલ ચૂંટે છે. ઊંચા થઈને ફૂલ ચૂંટતા હશે એટલે તેમના પગના પંજા ધરતીમાં ખૂંપેલા દેખાય છે અને એડીઓ દેખાતી જ નથી. કામી પુરુષની જેમ શ્રીકૃષ્ણે પ્રિયાના કેશ ગૂંથ્યા છે અને અહીં પ્રિયાના કેશકલાપમાં ફૂલ પરોવતા શ્રીકૃષ્ણ બેઠા છે.’ આવી અસામાન્ય નિરીક્ષણશક્તિ ધરાવતાં પાત્રો આપણી લોકકથાઓમાં પણ છે. એક માન્યતા પ્રમાણે સમગ્ર વિશ્વ સ્ત્રીશકિતમાંથી સર્જાયું- અને વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે આખું વિશ્વ શ્રીકૃષ્ણમાંથી સર્જાયું. ‘બ્રહ્મવૈવર્તપુરાણ’ વૈષ્ણવપુરાણ છે. આ પુરાણમાં કહેવાયું છે. ભગવાને જોયું કે સંપૂર્ણ જગત શૂન્યમય છે, ક્યાંય જીવ નથી, જળ નથી, વાયુ નથી, ચારે બાજુ અંધકાર છે. કશું ન હોવાથી વિકૃતિ છે. એટલે કોઈની સહાય વિના ભગવાને પોતાની કાયામાંથી જ ધીમે ધીમે સર્જન કરવા માંડ્યું. એમનામાંથી જ શંખ-ચક્ર-ગદા-પદ્મવાળા નારાયણ, પંચમુખી મહાદેવ, પોતાના નાભિમંડળમાંથી બ્રહ્મા, ધર્મ, મૂતિર્, સરસ્વતી, મહાલક્ષ્મી, દુુર્ગા, વેદમાતા સાવિત્રી, કામદેવ, રતિ, અગ્નિ, જળ, વાયુ, વસુંધરા પ્રગટ્યા. વળી શ્રીકૃષ્ણના વામપાર્શ્વમાંથી રાધા પ્રગટ્યાં. અને એમ કરતાં કરતાં બ્રહ્મા દ્વારા વૈવિધ્યસભર જગત સર્જાયું. વળી આપણા ભારતીય સમાજમાં જોવા મળતા વિવિધ સંબંધોનાં નામકરણ પણ વર્ણવ્યાં. આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ વિવિધ સંબંધોનાં જેવાં નામકરણ થયાં છે તેવાં બહુ ઓછે સ્થળે જોવા મળશે. આપણે આગળ જોઈ ગયા કે અહીં માત્ર કથાઓ નથી પણ વ્યવહારજગતનું-ખાણીપીણીનું પણ વર્ણન જોવા મળશે. શું ખાવું-શું ન ખાવું- કેવી સ્ત્રીઓ સાથે સંબંધ ન રાખવો, કેવી સ્ત્રીઓના હાથની રસોઈ ન ખાવી; સ્નાન ક્યારે કરવું-ક્યારે ન કરવું, કફવર્ધક વસ્તુઓ કઈ કઈ છે, વાતપ્રકોપ શાનાથી થાય છે? તેની વિગતે ચર્ચા કરવામાં આવી છે. ક્યારેક તો શબ્દના અર્થ પણ સમજાવ્યા છે(નાર એટલે જળ; નારદ એટલે જળ આપનાર) એવી જ રીતે બ્રહ્માના પુત્રોના નામની વ્યુત્પત્તિ, અપાઈ છે. આપણી સંસ્કૃતિએ ચાર આશ્રમની વાત કરી, તેમાં ગૃહસ્થાશ્રમને ઉત્તમ માન્યો છે, એટલે જ બ્રહ્માએ નારદને ગૃહસ્થાશ્રમ અપનાવવા કહ્યું. આ જ પુરાણમાં બ્રાહ્મણનો વેશ લઈને રામ પાસે આવેલા અગ્નિએ સીતાહરણની સંભાવના વ્યક્ત કરીને છાયાસીતા આપવાની કરી તે પ્રસંગ આવે છે. આ પ્રકારનાં કથાઘટક ગ્રીક ટ્રેજેડીમાં હેલન સંદર્ભે જોવા મળશે, સરણ્યૂની કથાસંદર્ભે પણ જોવા મળશે. અહીં તુલસી-શંખચૂડનો જાણીતો પ્રસંગ આવે છે, પણ શંખચૂડનો વધ કરવામાં અંતરાય હતો તુલસીના પાતિવ્રત્યનો. એ સ્ત્રીની પવિત્રતા એ દાનવને બચાવી લેતી હતી, એટલે બીજો કોઈ ઉપાય ન મળ્યો એટલે વિષ્ણુએ શંખચૂડનું રૂપ લઈને એના સતીત્વનો ભંગ કર્યો. (સરખાવો કંસના જન્મની રહસ્યકથા) આ વાત આપણને ખૂંચે ખરી. લોકોને પાપ કરતાં અટકાવવા અનેક નરકો અને તેમાં ભોગવવી પડતી યાતનાઓનાં ભીષણ વર્ણનો છે. આમ કરવાનો એક માત્ર આશય લોકોને સન્માર્ગે વાળવાનો. મહાભારતમાં જરત્કારુ દંપતીના આસ્તીક પુત્રની વાત આવે છે. તેણે જનમેજયનો સર્પયજ્ઞ અટકાવ્યો હતો. અહીં એને આધારે કથા આલેખાઈ છે. ભગવાન શંકરને લગતી કથાઓ પણ ખાસ્સી છે. આપણી ઘણી બધી કથાઓ — પ્રાચીન કે લોકકથાઓમાં શંકરને ઘરમાં દાખલ થતા રોકનાર ગણેશનું મસ્તક ભગવાને ત્રિશૂળથી વાઢી નાખ્યું હતું. આ પુરાણમાં થોડી જુદી કથા છે. શનૈશ્ચરે પોતાની પત્નીનો ઋતુકાળ નિષ્ફળ કર્યો એટલે તેની પત્નીએ શાપ આપ્યો, ‘હવે તમે જેની સામે જોશો તે મૃત્યુ પામશે.’ તેમણે પાર્વતી અને બીજાઓની આગળ આ વાત કરી એટલે બધાએ મજાક ઉડાવી. પાર્વતી પણ હસ્યાં. પાર્વતીએ કહ્યું, તમે મારી સામે, બાળક સામે જુઓ. શનૈશ્ચરે બહુ વિચારીને પાર્વતી સામે ન જોયું પણ બાળક સામે જોયું એટલે બાળકનું મસ્તક કપાઈ ગયું. બધા આઘાત પામ્યા, ત્યારે શ્રી વિષ્ણુભગવાન ગરુડ પર બેસીને ફર્યા, તેમણે એક હાથી જોયો અને તેનું મસ્તક કાપી નાખ્યું, પછી હાથણીનો વિલાપ સાંભળીને ભગવાને બીજા હાથીનું મસ્તક કાપીને મસ્તકહીન હાથીના ધડ સાથે જોડી દીધું. પછી ભગવાને બાળકના ધડ પર હાથીનું મસ્તક જોડી દીધું. જો કે પાછળથી પાર્વતીએ શનૈશ્ચરને શાપ આપીને અંગ વિનાના કરી નાખ્યા, અહીં જમદગ્નિ-રેણુકા-પરશુરામ-કાર્તવીર્યની દીર્ઘ કથા પણ છે. કનૈયાલાલ મુનશીએ આના પરથી ‘ભગવાન પરશુરામ’ નવલકથા રચી હતી. આ પુરાણમાં ભાગવતના પગલે પગલે શ્રીકૃષ્ણની કથા જોવા મળશે. રામાયણની સમીક્ષિત વાચનામાં ગૌતમ ઋષિના શાપથી અહલ્યા શિલા થઈ અને પછી રામના ચરણસ્પર્શથી શિલા બનેલી અહલ્યા વળી સ્ત્રી થઈ ગઈ એવી કથા નથી. ત્યાં તો અહલ્યા અદૃશ્ય જ થાય છે. પણ પુરાણમાં શિલા થઈને રહેલી અહલ્યા રામના સ્પર્શે ફરી સ્ત્રી થાય છે એવી લોકપ્રસિદ્ધ કથા છે. આગળ જેવી રીતે કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ આપવામાં આવી છે એવી રીતે અહીં ‘રામ’ની વ્યુત્પત્તિ આપી છે. રા એટલે વિશ્વવ્યાપી (Omnipresent) ‘મ’ એટલે ઈશ્વર. જે લોકોના ઈશ્વર છે એટલે તે રામ. વળી જે રમા સાથે રમણ કરે છે તે રામ. જેનો ક્યાંય છેડો નથી તે અનંત, મધુ દૈત્યનો નાશ કર્યો એટલે મધુસૂદન, એવી જ રીતે મુર રાક્ષસનો નાશ કર્યો એટલે મુરારિ. ‘હરિવંશ’ માં પૌણ્ડ્રક પોતાને વાસુદેવ માની બેઠો હતો તેની વાત આવે છે. આ પુરાણમાં શૃગાલ નામનો રાજા પણ એવી જ રીતે પોતાને વાસુદેવ માની બેઠો હતો તેની વાત છે. પણ આ કથામાં તો તે બહુ નમ્ર બનીને પોતાનો વધ કરવાની વિનંતી કરે છે. જો હું વાસુદેવ છું એવો દાવો કર્યો ન હોત તો શ્રીકૃષ્ણ તેની સામે આવત જ નહીં — એટલે તેને મન મહિમા કૃષ્ણદર્શનનો હતો. અહીં પુરાણોની શ્લોકસંખ્યા જોઈ લઈએ. બ્રહ્મપુરાણ ૧૦૦૦૦ પદ્મપુરાણ ૫૫૦૦૦ વિષ્ણુપુરાણ ૨૩૦૦૦ શિવપુરાણ ૨૪૦૦૦ ભાગવતપુરાણ ૧૮૦૦૦ વારાહપુરાણ ૨૪૦૦૦ સ્કન્દપુરાણ ૮૧૧૭૦ મત્સ્યપુરાણ ૧૪૦૦૦ ગરુડપુરાણ ૧૯૦૦૦ નારદપુરાણ ૨૫૦૦૦ માર્કણ્ડેયપુરાણ ૦૯૦૦૦ અગ્નિપુરાણ ૧૫૦૦૦ ભવિષ્યપુરાણ ૧૪૫૦૦ બ્રહ્મવૈવર્તપુરાણ ૧૮૦૦૦ લિંગપુરાણ ૧૧૦૦૦ વામનપુરાણ ૧૭૭૦૦ કૂર્મપુરાણ ૧૭૦૦૦ બ્રહ્માંડપુરાણ ૧૨૦૦૦ જાતીય સ્ખલનોના સંદર્ભે બ્રહ્માની ખાસ્સી નિંદા થઈ છે, અને પુત્રી પર જાતીય આક્રમણ કરતા જોઈને દેવતાઓએ પ્રગટાવેલા રુદ્રે તેમનો વધ કરવા બાણ ઉગામ્યું હતું. મત્સ્યપુરાણમાં બ્રહ્માનો બચાવ કરવામાં આવ્યો છે, એક પુરાણમાં તો પરણવા બેઠેલી પાર્વતીને જોઈને બ્રહ્મા કામવિહ્વળ થઈ ગયા હતા તેની વાત પણ આવે છે. એવો સંભવ છે કે બ્રહ્માની નિંદા કરવાના આશયથી આવી બધી કથાઓ ઉપજાવી કાઢી હશે. અહીં એમ કહેવામાં આવ્યું છે કે ગાયત્રી બ્રહ્માના અંગમાંથી પ્રગટેલી, એટલે જ્યાં જ્યાં ગાયત્રી રૂપી સરસ્વતી ત્યાં ત્યાં બ્રહ્મા. એટલે બ્રહ્માએ સાવિત્રી કે સરસ્વતી પર દૃષ્ટિ નાખી એવું ન કહેવાય. મકરંદ દવેએ પણ બ્રહ્માનો જરા જુદી રીતે બચાવ કર્યો છે. અને છતાં બ્રહ્મા પોતે જ લજ્જિત થયા અને કામદેવને શાપ આપ્યો- ભગવાન રુદ્ર તને ભસ્મ કરી નાખશે. કામદેવે ક્ષમા માગી ત્યારે કામદેવ શ્રીકૃષ્ણના પુત્ર (પ્રદ્યુમ્ન) રૂપે પ્રગટશે એનું આશ્વાસન આપ્યું. આધુનિક કાળમાં સિગ્મંડ ફ્રોઇડે પિતાપુત્રી અને માતાપુત્ર વચ્ચેના જાતીય આકર્ષણની વાત કરી, તેમને સોફોક્લીઝના નાટક ‘ઇડિપસ રેક્સ’નું દૃષ્ટાંત મળી ગયું. ભારતીય સંસ્કૃતિમાં પણ એકલોહિયા જનો વચ્ચેના સંબંધોની વાતો ઘણી વાર આવી છે. તેમાં યમયમીની કથા બહુ જાણીતી છે. શિવપુરાણમાં સંધ્યાની જે કથા છે તે જરા જુદા પ્રકારની છે. બ્રહ્મા પોતે કહે છે તે પ્રમાણે સંધ્યા તેમના મનમાંથી જન્મેલી પુત્રી હતી. તેને જોઈને તેમના મનમાં કામવાસના જાગી હતી, પણ શંકર ભગવાનના ભયથી તેને ત્યજી દીધી હતી. સાથે સાથે સંધ્યાનું મન પણ ડગી ગયું હતું, એટલું જ નહીં મુનિઓને જોઈને તે પણ કામાંધ બની હતી. પિતા અને ભાઈઓને જોઈને તે પણ વાસનાનો શિકાર બની હતી, છેવટે પાપનું પ્રાયશ્ચિત્ત કરવા તે તપ કરવા ગઈ, તે પોતે સંસારમાં એક બીજી મર્યાદા પણ લાદવા માગતી હતી. પ્રાણીઓ વયમાં આવે પછી જ તેમનામાં કામભાવ પ્રગટવો જોઈએ. શંકર ભગવાનને પ્રસન્ન કરીને પણ તેણે આવું વરદાન મેળવ્યું, પોતાનો પતિ પણ મિત્ર થવો જોઈએ, કામી નહીં. પછી સંધ્યા મેધાતિથિના યજ્ઞ પ્રસંગે અગ્નિમાં પડીને અરુંધતી નામે વિખ્યાત થઈ અને તેનું લગ્ન વસિષ્ઠ સાથે થયું. દરેક સ્ત્રીને ચંતાિ હોય છે કે મારી ગેરહાજરીમાં મારો પતિ લંપટ ન થઈ જાય. એટલે જ શંકર ભગવાન સાથે ઝઘડો કરીને નીકળેલી પાર્વતી વીરકને સૂચના આપીને જાય છે કે મારી ગેરહાજરીમાં કોઈ સ્ત્રી અહીં પ્રવેશવી ન જોઈએ.
અહીં એવું પણ કહેવાયું છે કે દક્ષ પૂર્વે લોકો સંકલ્પ, દર્શનથી જન્મતાં હતાં પણ દક્ષ પછી સ્ત્રીપુરુષના મિલનથી ઉદ્ભવતી સૃષ્ટિ રચાઈ. કારણ કે પહેલાં રચાયેલી સૃષ્ટિથી જીવલોકનો વિસ્તાર ન થયો. અહીં આરંભે બધા મન્વંતરોની કથાઓ આલેખાઈ છે. માદ્રી દેવીની ૧૦૮ નામની યાદી પણ છે. શ્રાદ્ધની વિધિ- ચન્દ્રની ઉત્પત્તિ, ચન્દ્ર તારા વડે બુધની ઉત્પત્તિ, બુધનો પુત્ર પુરૂરવા. કચદેવયાની કથામાં પરસ્પરને શાપ અને પછી દેવયાની-શમિર્ષ્ઠા યયાતિની કથા-કાર્તવીર્ય અર્જુનની કથા વિગતે જોવા મળશે. શુક્રાચાર્યની માતા ઇન્દ્ર અને વિષ્ણુને શાપ આપી ભસ્મ કરવા જાય છે ત્યાં વિષ્ણુ ચક્ર વડે શુક્રમાતાનો વધ કરે છે. એટલે પછી ભૃગુએ પોતાની પત્નીના હત્યારાને શાપ આપે છે — સાત વેળા મનુષ્ય તરીકે જન્મવું પડશે. અહીં પણ પુરાણોની નામાવલિ આપી છે. આગળ આપણે જોયું કે આ પુરાણો માત્ર કથાસંચયો નથી. અહીં એ સમયે પણ પર્યાવરણજાગૃતિની વાત જરા જુદી રીતે પણ જોવા મળશે. વૃક્ષારોપણને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે
મહાભારતમાં યુધિષ્ઠિર અવારનવાર ઋષિઓ પાસેથી કથાવાર્તાઓ સાંભળે છે. રામાયણમાં રામ વિશ્વામિત્ર પાસેથી અનેક કથાઓ સાંભળે છે. શ્રોતાનું (આપણા સમયમાં વાચકનું) ભારે મહત્ત્વ છે. બુદ્ધદેવ બસુ એટલે જ ‘મહાભારત’ નામના તેમના વિખ્યાત પુસ્તકમાં મહાભારતના નાયક તરીકે અર્જુન, ભીમ કે શ્રીકૃષ્ણ નહીં પણ યુધિષ્ઠિરને ગણાવે છે. આનો અર્થ એ કે જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે બધા કથા સાંભળવા સૂતપુરાણી પાસે જતા હતા, અને જે ન જતા હોય તેમણે જવું જોઈએ. પદ્મપુરાણના આરંભે જ એકઠા થયેલા બ્રાહ્મણોને પુરાણ વિષયક જ્ઞાન જોઈતું હતું. એવી માન્યતા છે કે ધર્મ, અર્થ, કામની સિદ્ધિ પુરાણો દ્વારા થાય છે. કહેવાયું છે કે સો કરોડ શ્લોકમાં પુરાણોની રચના થઈ હતી. આ અતિશયોક્તિ છે એ તો બધા સ્વીકારશે, પણ આટલું પઠન અસંભવિત એટલે જાણે પ્રત્યેક દ્વાપર યુગમાં ભગવાન વ્યાસ રૂપે અવતરે છે અને બધા પુરાણોને અઢાર ભાગમાં વહેંચી કાઢે છે. પદ્મપુરાણમાં પાંચ ખંડ છે, સૃષ્ટિખંડ, ભૂમિખંડ, સ્વર્ગખંડ, પાતાલખંડ અને ઉત્તર ખંડ. ભગવાનની નાભિમાંથી જે પદ્મ પ્રગટ્યું, તેમાંથી જગતની ઉત્પત્તિ થઈ, એનો જ આશ્રય લઈને આ પુરાણ પ્રગટ્યું એટલે તેનું નામ પદ્મપુરાણ પડ્યું. અહીં વિષ્ણુ ભગવાનની મહત્તા વિશેષ રૂપે કથાપિત થઈ. વેદને સમજવા માટે આ પુરાણોનું જ્ઞાન અનિવાર્ય છે. પુરાણોનો સંબંધ વેદ સાથે જોડી શકાય એમ વાસુદેવશરણ અગ્રવાલ માનતા હતા. (જુઓ તેમનો ગ્રંથ રચનાસંચયન ૨) બીજી રીતે જોઈએ તો વેદને સમજવા માટે પુરાણોની જાણકારી અનિવાર્ય છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહેલી ભાવના પુરાણો સુધી વિસ્તરી છે. દા.ત. માર્કણ્ડેય પુરાણમાં કહેવાયું છે: બધાં પ્રાણીઓ આનંદ પામે, બીજાઓ પ્રત્યે સ્નેહ દાખવે, બધાંનું કલ્યાણ થાય, બધાં આધિવ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થાય, બધાં પ્રેમમય થાય. આ વાત આમ જોવા જઈએ તો છેક અર્વાચીન-આધુનિક કાળ સુધી ચાલી આવી છે. સાવ સાદી ભાષામાં ડબલ્યુ. એચ. ઓડેને કહ્યું, We must love each other or die. બર્ટ્રાન્ડ રસેલે પોતાની રીતે લખ્યું, World Government or Annihilation. જો વિશ્વ સરકાર હોય તો દેશાભિમાનને અવકાશ ઓછો રહેશે. ઘણા બધા માને છે કે વિદેશી સંસ્કૃતિ કરતાં ભારતીય સંસ્કૃતિ ચડિયાતી છે. ગૌતમ મહાવીર જે ભૂમિ પર જન્મ્યા હોય તેને વિશેષ મહત્ત્વ મળવું જોઈએ. ઇકબાલે ગાયું : સારે જહાંસે અચ્છા હંદોિસ્તાં હમારા. આને આત્મરતિ કહી શકાય. પરંતુ વ્યાપક ભૂમિકાએ સ્વર્ગ કરતાં પૃથ્વી ચઢિયાતી છે એમ માની શકાય. મહાભારતના આરણ્યક પર્વમાં (જુઓ ભાગ ૨, પૃ.૩૦૧-૩૦૩) મુદ્ગલને સ્વર્ગના દેવદૂત સ્વર્ગે લઈ જવાની વાત કરે છે ત્યારે તે સ્વર્ગને બદલે પૃથ્વી પસંદ કરે છે. સ્વર્ગમાંથી પતન થઈ શકે. ‘હું તો જ્યાં લોકો શોક ન કરતા હોય, વ્યથા ન અનુભવતા હોય, ભ્રષ્ટ ન થતા હોય એવા જ શાશ્વત સુખના પ્રદેશમાં હું તો જવા માગું છું.’
અહીં જે કેટલીક કથાઓ છે તેમાં ખૂબ જાણીતી કથાઓ સરસ્વતીનું નામ નંદા કેમ પડ્યું તેની કથા છે. આ કથામાં નંદા નામની ગાય શાપગ્રસ્ત વાઘ પાસે જઈ ચઢે છે અને તેને વચન આપીને તે સ્વજનોને મળીને પાછી આવે છે. આ કથા શિકારીને વચન આપીને પાછી ફરતી હરણીની કથાની યાદ અપાવશે. આ વૈષ્ણવી પુરાણ હોવા છતાં શિવને લગતી જાણીતી કથાઓ અહીં છે. દા.ત. તારકાસુરનો વધ કરનાર કાતિર્કેયને જન્મ આપનાર પાર્વતીનો શિવ સાથે વિવાહ કેવી રીતે થયો તેની કથા વિગતે આલેખાઈ છે. મહાભારતમાં ધર્મવ્યાધની કથા આવે છે. તેને મળતી બ્રાહ્મણ નરોત્તમની કથા છે. મૃત્યુકન્યા સુનીથાને શાપને કારણે વેન નામનો દુષ્ટ પુત્ર જન્મે છે તેની જાણીતી કથા છે. આ કથા બીજા પુરાણોમાં પણ વિસ્તરી છે. ખાસ તો પૃથુ પૃથ્વીનું દોહન કેવી રીતે કરે છે તે કથા અહીં છે. પદ્મપુરાણમાં સુકલાની એક અદ્ભુત કથા છે. સુકલાને કહ્યા વિના તીર્થયાત્રાએ નીકળી પડેલા પતિ માટે સુકલા ઝૂરે છે અને આવી અદ્ભુત સુંદરીને દૂષિત કરવા ઇન્દ્ર-કામદેવની સહાય લે છે. પણ સુકલાની પવિત્રતા આગળ બધા હારી જાય છે. અહીં આપણે જોઈશું કે સુકલાને પરાજિત કરવા સ્ત્રીઓ પણ બનતા પ્રયત્નો કરે છે. આપણને પ્રશ્ન થાય કે કોઈ સ્ત્રી બીજી સ્ત્રીનો બચાવ કરે કે તેને પતિત કરવામાં સહાયભૂત થાય? એક બીજી હકીકત પણ નોંધપાત્ર છે. તીર્થયાત્રા કરીને આવેલા સુકલાના પતિને આ યાત્રાનું કોઈ ફળ મળતું નથી કારણ કે તે યાત્રામાં સ્ત્રી જોડાયેલી ન હતી. આમ અહીં ગૃહસ્થાશ્રમના પ્રત્યેક કાર્યમાં જો સ્ત્રી જોડાયેલી નથી હોતી તો પુરુષને તે કાર્યનું કોઈ ફળ મળતું નથી. પદ્મપુરાણમાં એક રસપ્રદકથા અયોધ્યાના ધોબીના પૂર્વજન્મની છે. સીતા પર અયોધ્યાના ધોબીએ અપવાદ મૂકયો તે કથા તો જાણીતી છે પણ તેના મૂળમાં આ ધોબીના પૂર્વજન્મની કથા ઓછી જાણીતી છે અને આ ધોબી પૂર્વજન્મમાં એક પોપટ હતો, તે પોપટ-પોપટીને સીતાએ કેદ કર્યા, પરિણામે સગર્ભા પોપટી મૃત્યુ પામી, મરતાં મરતાં તેણે અને પછીથી પોપટે સીતાને શાપ આપ્યા એટલે પાછળથી સગર્ભા સીતાને વનવાસ વેઠવાનો વારો આવ્યો. પુરાણકથાનો સર્જક આ નિમિત્તે આપણા જીવનમાં જાણ્યે-અજાણ્યે થઈ જતી ભૂલોનો ભોગ બનવું પડે છે એ વાત સૂચવવા માગે છે. બીજા શબ્દોમાં આપણા જીવનમાં બનતી ઘટનાઓ માટે આપણે જ જવાબદાર છીએ એવી અસ્તિત્વવાદી ભૂમિકા સુધી આપણે પહોંચી જઈએ છીએ. અહીં રામાયણકથા કૃષ્ણકથા પણ સંક્ષેપમાં આપવામાં આવી છે. સંક્રાંતિકાળમાં દાનમહિમા, બ્રહ્મચારીઓના આચાર, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યસ્તાશ્રમ, તુલસીદલમહિમા, સ્વર્ગમાં કે નરકમાં મનુષ્યને કયાં કર્મો લઈ જાય છે તેની જાણકારી છે. વળી કારતક-માગશરથી માંડીને બધા મહિનાઓનો મહિમા છે. તે ઉપરાંત બીજા કોઈ પુરાણોમાં જોવા ન મળે એવું શ્રીમદ્ભગવદ્ગીતાના અઢારે અધ્યાયોનું મહિમાગાન છે. મહાભારતના આદિપર્વની અનુક્રમણિકામાં મહાભારતને વ્યાસચરિત સો પર્વવાળો ગં્રથ કહેવામાં આવ્યો છે.
હરિવંશસ્તત: પર્વ પુરાણં ખિલ-સંજ્ઞિતમ્ વિષ્ણુપર્વં શિશોશ્ચર્યા વિષ્ણો: કંસવધસ્તથા ભવિષ્યપર્વ ચાપ્યુકતં ખિલેષ્વેવાદ્ભુતં મહત્ એતત્ પર્વશંતં પૂર્ણં વ્યાસેનોક્તં મહાત્મના
મહાભારતનું સંપૂર્ણ પઠન ન થાય એવી પણ એક માન્યતા છે. નાનપણમાં મેં જે માણભટ્ટ પાસે મહાભારત સાંભળ્યું હતું તેમાં પણ પુરાણીએ મહાભારત યુદ્ધના છેલ્લા દિવસ સુધીની જ કથા કરી હતી. હા, રામાયણ સાથે આવી કશી વાત સંકળાયેલી નથી એટલે એ સમયે (૧૯૫૬-૫૭) ઉત્તરપ્રદેશના કળાકારો દ્વારા જે રામલીલા ભજવાતી હતી તેમાં છેક અંત સુધી (સ્ત્રીપાત્રોના વેશ પુરુષોએ ભજવ્યા હતા) રામાયણની કથા આવરી લેવામાં આવી હતી. એવું પણ કહેવાય છે કે પુત્રપ્રાપ્તિ માટે પણ હરિવંશની કથા સાંભળવી જોઈએ, આ વાતને બાજુ પર રાખીએ તો પણ મહાભારતને પૂરેપૂરી રીતે પામવું હોય તો હરિવંશનું પઠન-શ્રવણ કરવું જોઈએ. એટલે જ અઢાર પુરાણોના શ્રવણથી જે ફળ મળે તે માત્ર હરિવંશના વાચનથી મળે છે.
અષ્ટાદશ પુરાણાંશ્રવણાદ્ યત્ફ્લં લભેત્
તત્ફ્લં સમવાપ્નોતિ વૈષ્ણવો નાત્ર સંશય:
(ઉદ્ધૃત-હરિવંશ પ્રસ્તાવના)
કથાશ્રવણાતુર જનમેજય મહાભારતની કથા સાંભળ્યા પછી પણ વધુ વિસ્તારથી આદિસૃષ્ટિના સર્જન વિશે જાણવા માગે છે એટલે હરિવંશના આરંભે મનુ, દક્ષ દ્વારા થયેલા સૃષ્ટિના આરંભ-વિસ્તારની વાત જોવા મળશે. વળી ધામિર્કમાંથી અધામિર્ક બનતા વેનની કથા એક રીતે જૈન સંપ્રદાયની ટીકા રૂપ પણ કહેવાય, કારણ કે પોતાની જાતને જૈન તરીકે ઓળખાવતા પાખંડીએ જ વેનમાં પાપબુદ્ધિનો પ્રસાર કર્યો હતો; છેવટે ઋષિમુનિઓએ આ અત્યાચારી વેનનો વધ કરીને પછી પૃથુ જેવા મહાત્માનું સર્જન કર્યું હતું, એ પૃથુએ આ પૃથ્વીને ફરી ફળદ્રુપ (વસુંધરા) બનાવી. અને જૈન સંપ્રદાય સામેનો આક્રોશ તો અર્વાચીન ગુજરાતમાં છેક કનૈયાલાલ મુનશીની ‘પાટણની પ્રભુતા’ સુધી વિસ્તર્યો છે.
અહીં પિતૃઓનો બહુ મોટો મહિમા કરવામાં આવ્યો છે, આની જ ઉપપત્તિ રૂપે પુત્રોના પિંડદાન વિના પિતૃઓનો ઉદ્ધાર થતો નથી એ વાત જોવા મળશે, પછી તો પુત્ર પામવા માટેના પ્રયત્નો છેક આધુનિક કાળ સુધી વિસ્તરેલા છે. અને એ માટે મહાભારતના આસ્તીક પર્વમાં જરત્કારુ પિતૃઓના મોક્ષ માટે જ લગ્ન કરવાનો નિર્ણય કરે છે, એને પરિણામે જન્મેલા આસ્તીકે જનમેજયનો સર્પયજ્ઞ બંધ કરાવ્યો. અહીં કહેવામાં આવ્યું છે કે શન્તનુ પોતાના શ્રાદ્ધ વખતે પોતાનો હાથ લંબાવીને ભીષ્મ પાસે પિંડદાન માગે છે!
કેટલીક કથાઓ આજે આપણને કઠશે, દા.ત. હરિવંશની એક કથા પ્રમાણે શંકર ભગવાનની આજ્ઞાથી ગણેશ્વર નિકુંભે શંકરપાર્વતીના નિવાસ માટે આખી વારાણસી નગરીને જનશૂન્ય બનાવી દીધી! આવી જ રીતે રામાયણમાં દંડ રાજાની સમૃદ્ધ નગરી દંડકારણ્યમાં કેવી રીતે રૂપાંતરિત થઈ તેની કથા છે. શુક્રાચાર્યની પુત્રી અરજા પર દંડ રાજાએ બળાત્કાર કર્યો અને એની શિક્ષા રૂપે ઋષિએ સાત યોજનના વિસ્તારમાં કોઈ કરતાં કોઈ જીવ નહીં રહે એવો શાપ આપ્યો! દંડ રાજાના વાંકે સમગ્ર જીવસૃષ્ટિનો વિનાશ કરવો એ વાત ઈશોપનિષદનું સર્જન જે સંસ્કૃતિએ કર્યર્ંુ તે સંસ્કૃતિએ દંડકારણ્ય સર્જ્યું!
એવી જ રીતે ત્રિપુરવિનાશની કથામાં શંકર ભગવાન બધા રાક્ષસોનો વધ કરે છે પણ પોતાના ભક્ત મયદાનવને બચાવી લે છે, તે સમયે આખા ત્રિપુરને ભસ્મીભૂત કરી નાખે છે. ત્રિપુરવિનાશનું ચિત્ર ભયાનક છે:
‘સુમેરુ, કૈલાસ અને મંદરાચલના અગ્રભાગ જેવા દેખાતાં ગૃહો સુમેરુ, કૈલાસ મંદરાચલના આગલા ભાગ જેવા ઘણાં ગૃહોનું નિર્માણ કર્યું હતું. એ ગૃહોમાં વિશાળ કમાડ, ઝરૂખા હતા, છજાં સુંદર રીતે શોભતાં હતાં. સુંદર મહેલ, ઉત્કૃષ્ટ કૂટાગાર (ઉપલી છતના ખંડ) જલવેદિકાઓ અને બારીઓ તે ગૃહોમાં હતા. ત્યાં સુવર્ણના અને રજતના દંડ વડે ધ્વજ-પતાકાઓ લહેરાતા હતા. આ હજારો ગૃહમાં આગ લાગી ગઈ. મહેલના ઉપલા ભાગમાં બેઠેલી ઝરૂખામાં બેસી આસપાસ જોતી, ધરતી પર અને વન-ઉપવનમાં ઘૂમતી દાનવસ્ત્રીઓ અગ્નિથી સળગતી હતી. પતિની આંખો સામે જ બળીને ભસ્મ થઈ રહી હતી, કોઈ કમલનયની સ્ત્રી અશ્રુપૂર્ણ નેત્રે કહેતી હતી, ‘હું બીજાની પત્ની છું. તમે તો ત્રિલોકના ધર્મસાક્ષી છો, એટલે મારો સ્પર્શ કરવો અનુચિત છે.’ ‘શિવસમાન અગ્નિદેવ, મેં પતિવ્રતાએ આ ગૃહમાં મારા પતિને સૂવાડ્યા છે. એમને મૂકીને તમે બીજે જતા રહો.’ એક દાનવપત્ની બાળકને ખોળામાં લઈ અગ્નિ પાસે જઈને કહેવા લાગી, ‘સ્વામી કાતિર્કના પ્રિય અગ્નિ, આ બાળક મને બહુ કઠિનતાથી પ્રાપ્ત છે. એને તમારા ખોળામાં લેવું યોગ્ય નથી. આ મને બહુ વહાલું છે.’ કેટલીક દાનવપત્નીઓ પતિઓને મૂકીને સમુદ્રમાં કૂદી રહી હતી. તેમનાં આભૂષણોનો ધ્વનિ સંભળાતો હતો. ત્રિપુરમાં અગ્નિજ્વાળાઓથી ગભરાઈને ચીસો પાડતી હતી- અરે પિતા — અરે પુત્ર, ઓ માતા- ઓ મા... કહી વ્યાકુળ બનીને કરુણ રુદન કરી રહી હતી. જેવી રીતે દાવાગ્નિ કમળસરોવરને બાળીને ભસ્મ કરી દે તેવી રીતે અગ્નિદેવ ત્રિપુરસ્ત્રીઓના મુખકમલને સળગાવી રહ્યા હતા.
જેવી રીતે શિયાળમાં ઝાકળ સરોવરોમાં કમળનો નાશ કરે એવી રીતે અગ્નિદેવ ત્રિપુર-નારીઓના મુખ અને નેત્ર રૂપી કમળને સળગાવી રહ્યા હતા. ત્રિપુરમાં બાણાગ્નિ પડવાથી ભયભીત થઈને ભાગી રહેલી સુકોમળ અસુર નારીઓના કંદોરા, ઝાંઝરના ધ્વનિ આક્રંદના ધ્વનિ સાથે ભળી જઈને ભયંકર લાગતો હતો. આ અગ્નિકાંડમાં અર્ધચંદ્રથી શોભતી વેદિકાઓ, તોરણોવાળી અગાસીઓ પણ સળગીને નાશ પામી હતી. બચી જવા માટે જાણે કૂદી પડતા ન હોય એવી રીતે તે બધાં ગૃહ સળગી સળગીને સમુદ્રમાં પડી રહ્યાં હતાં.’
હરિવંશમાં આપણા પુરાણપ્રસિદ્ધ ચરિત્રોની કથાઓ પણ સંક્ષેપમાં જોવા મળશે- એટલું જ નહીં પણ હંસ-ચકલી જેવાં પક્ષીઓને આવરી લઈને કેટલીક કથાઓ છે.
જેવી રીતે મહાભારતમાં યુધિષ્ઠિરને એક પછી એક કથાઓ કહેવામાં આવે છે, રામને વિશ્વામિત્ર અનેક કથાઓ કહી સંભળાવે છે તેવી રીતે અહીં જનમેજયને પણ અનેક કથાઓ કહેવામાં આવે છે અને એ રીતે આપણને નહુષ, યયાતિ, કાર્તવીર્ય જેવી વ્યક્તિઓની વંશપરંપરાઓની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત વિષ્ણુ ભગવાનના વિવિધ અવતારો વિશેની જાણકારી આપવામાં આવે છે, પછી તો શ્રીકૃષ્ણના જન્મથી માંડીને તેમના જીવનમાં બનેલા એકેએક પ્રસંગની કથા અહીં છે. આમ જોવા જઈએ તો હરિવંશનો પ્રભાવ શ્રીમદ્ભાગવત પર પડ્યો હોવાની શક્યતા નકારી ન શકાય. જો કે કૃષ્ણકથા છેક ઈ.સ.ના આરંભથી જાણીતી હોવી જોઈએ- ગોવર્ધનપર્વતના વિષયને આલેખતાં કેટલાંક શિલ્પો જોવા મળે છે. (જુઓ શિરીષ પંચાલની ‘ગોવર્ધનમહોત્સવ’ની પુસ્તિકાની શિલ્પછબિઓ)
પણ અહીં સત્યભામાને શોક્ય રુક્મિની પ્રત્યેની ઈર્ષ્યા અને એને મનાવવા માટે શ્રીકૃષ્ણ સ્વર્ગમાંથી પારિજાત લાવવા માટે ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે તેની કથા પણ વિગતે આલેખાઈ છે. અસુર વજ્રનાભ અને તેની પુત્રી પ્રભાવતીની એક અદ્ભુત કથા છે. જેવી રીતે મહાભારતમાં દમયંતી અને નળ વચ્ચે અનુરાગ પ્રગટાવવામાં હંસ નિમિત્ત બને છે તેવી રીતે અહીં પણ પ્રભાવતીના મનમાં પ્રદ્યુમ્ન પ્રત્યે હંસ પ્રણયભાવના પ્રગટાવે છે. પ્રદ્યુમ્ન કેવી રીતે વજ્રનાભ અસુરને પરાજિત કરવા મથે છે તેની આખી કથા આજે આપણને આપણી અર્વાચીન પ્રેમકથાઓ વર્ણવતી સાહિત્યિક કૃતિઓ અને ફિલ્મોની યાદ અપાવી જાય.
આ ઉપરાંત અહીં હંસ-ડિંભક તથા પોતાની જાતને વાસુદેવ માનતા-મનાવતા પૌણ્ડ્રકની કથાઓ અર્વાચીન સાહસકથાઓને ઝાંખી પાડે એ રીતે વર્ણવાઈ છે. અહીં સ્ત્રીપુરુષોના દોષોનું વર્ણન અને તેમાંથી હરિવંશશ્રવણ દ્વારા કેવી રીતે મુક્તિ મળે તેની પણ સંક્ષિપ્ત ચર્ચા છે. કેટલીક સ્ત્રીઓના પાંચ દોષ અહીં વર્ણવ્યા છે. અપુષ્પા (રજોદર્શનવિહીન), મૃતવત્સા (મરેલાં બાળકોને જન્મ આપનાર), કન્યાપ્રજા (માત્ર કન્યાઓને જન્મ આપનારી), કાકવંધ્યા (એક જ સંતાનને જન્મ આપનાર), ાવયુક્ત (ગર્ભપાત થઈ જાય તેવી) સ્ત્રીઓના આ બધા દોષ પણ હરિવંશશ્રવણ દૂર કરે છે.
સ્કન્દપુરાણ નામ સૂચવે છે તે પ્રમાણે આ પુરાણના કેન્દ્રમાં શિવ-પાર્વતી-સ્કન્દ (કાતિર્કેય) છે, દક્ષ પ્રજાપતિની એક કન્યા સતીએ શિવની પસંદગી કરી ત્યારે દક્ષે શિવને પોતાના યજ્ઞમાં આમંત્રણ ન આપ્યું. એક રીતે જોવા જઈએ તો દક્ષ જેનું પ્રતિનિધિત્વ કરે છે તે બ્રહ્મસત્તા આદિમ સત્તાને સ્વીકૃતિ આપતી નથી, પરિણામે આદિમ સત્તા બ્રહ્મસત્તાનો ભારે વિરોધ કરે છે, નારાજ થઈને સતી અગ્નિમાં ઝંપલાવે છે. ત્યાં શિવ પોતાના ગણ વીરભદ્રને દક્ષયજ્ઞનો વિધ્વંસ કરવાની આજ્ઞા આપે છે. યજ્ઞ, યાગાદિ સામે આ ખુલ્લો વિદ્રોહ હતો. અહીં બીજાં પુરાણોમાં જોવા મળતી ઘણી બધી કથાઓ છે, એટલે માત્ર શિવ કે કાતિર્કેય સાથે સંકળાયેલી કથાઓ જોવા નહીં મળે.એ રીતે અહીં સ્વર્ગમાં નહુષનો અભિષેક અને પછી થયેલું પતન, વામન અવતાર કથા, તારકાસુર કથા, ઘટોત્કચ અને તેના પુત્રની કથા, વિષ્ણુ અને પદ્માવતીનું લગ્ન, રામનામ જપથી કવિ બનેલા વાલ્મીકિની કથા, ભારતભરમાં ખૂબ જ જાણીતી થયેલી સત્યનારાયણકથા (જો કે આ કથાનો પૂજનવિધિ જ દૃષ્ટાંતો સહિત આપવામાં આવ્યો છે, મૂળ કથા તો છે જ નહીં), બ્રહ્મષિર્ બનેલા વિશ્વામિત્રની કથા, બ્રાહ્મણકન્યા-રાજકન્યા વચ્ચેની પ્રગાઢ મૈત્રીની કથા છે(આ કથામાં રાજકન્યા શૂદ્ર જાતિની છે, આ બે વચ્ચેના અદ્ભુત પ્રેમની વાત કરીને એ સમયે જાતિદ્વેષનું પ્રમાણ ક્યાંક ઓછું હતું એ સૂચવાયું છે).
આ ઉપરાંત સાત પાતાલ, એકવીસ નરક, વિવિધ તીર્થોનો મહિમા અને એ તીર્થો સાથે સંકળાયેલી કથાઓ, કારતકથી માંડીને બધા મહિનાઓની મહત્તા, ગંગા જેવી નદીઓમાં કરાતા સ્નાનનો મહિમા, કાશી જેવી નગરીઓનું મહત્ત્વ, વિવિધ શિવલિંગોનો મહિમા જેવા વિષયો અહીં આલેખાયા છે.
આ બધાં પુરાણોને આધારે કહી શકાય કે જે કોઈએ આનું સર્જન કર્યું હશે તેને ભારતની ભૂગોળનો ખાસ્સો પરિચય હોવો જોઈએ. ત્યારથી ભારતના લોકો યાત્રા કરતા આવ્યા છે, મહત્ત્વનાં યાત્રાસ્થળોએ ઊભાં થયેલાં મંદિરોના શિલ્પ-સ્થાપત્ય-ચિત્ર જગવિખ્યાત થયાં છે. છેક મધ્યકાલના અંતે દયારામે ત્રણ વેળા પદયાત્રા કરી હતી એવા નિર્દેશ મળે છે અને આપણા અર્વાચીન કાળમાં સ્વામી આનંદ અને કાકાસાહેબ કાલેલકરે માત્ર પ્રવાસો ન કર્યા, પ્રવાસો વિશે લખીને પ્રવાસસાહિત્ય, ગુુજરાતી ગદ્યને અનેકગણું સમૃદ્ધ કર્યું છે.
મોટે ભાગે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ આ ત્રણ દેવો પરસ્પર સંકળાયેલા હોવાની વાતો તો પ્રસિદ્ધ છે, ભલે તેમને રજસ, સત્ત્વ અને તમસ્ ગુણ સાથે સાંક્ળ્યા. આ ત્રણે ગુણમાં સત્ત્વનો દરજ્જો ઊંચો અને એટલે જ્યારે ભૃગુ ઋષિએ કયા દેવ ચઢે એની પરીક્ષા લીધી ત્યારે સત્ત્વગુણ ધરાવતા વિષ્ણુ શ્રેષ્ઠ પુરવાર થયા. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે થયેલા યુદ્ધમાં બ્રહ્માએ કરેલા અસત્ય ભાષણથી શંકર નારાજ થયા અને તેમની આજ્ઞાથી બ્રહ્માનો વધ કરવા તત્પર થયેલા ભૈરવને રોકવા વિષ્ણુ ભગવાને શંકરને પ્રાર્થના કરી, કાલાવાલા કર્યા ત્યારે શંકરે ભૈરવને રોકયા પણ તેમણે બ્રહ્માને કહ્યું, તમે લુચ્ચાઈ કરી એટલે લોકો તમારો સત્કાર નહીં કરે, તમારી પ્રતિજ્ઞા નહીં કરે. ભારતભરમાં બ્રહ્માની પૂજા સામાન્ય રીતે નથી થતી તેના મૂળમાં કદાચ આ પુરાણનો પ્રસાર જવાબદાર હશે. વળી બ્રહ્માની જૂઠી વાતમાં સાહેદી પૂરનાર કેવડાને પણ શાપ આપ્યો કે મારી પૂજામાં લોકો તને નહીં સ્વીકારે. આપણે આજે પણ જોઈએ છીએ કે શંકરના શિવાલયમાં કેવડાને સ્થાન નથી.
બ્રહ્માંડપુરાણમાં એક કથા જરા જુદા પ્રકારની છે. નૈમિષારણ્યમાં બાર વર્ષનો યજ્ઞ શરૂ થયો. ત્યારે રાજા પુરૂરવા હતા. તેઓ મૃગયા માટે નીકળ્યા અને તેમની નજરે યજ્ઞ માટેની વિપુલ સુવર્ણરાશિ પડી. લોભી થઈને એ સુવર્ણ લેવાનું મન થયું. ઋષિઓના રોકવા છતાં તે ન માન્યા ત્યારે ઋષિઓએ તીક્ષ્ણ કુશ વડે તેમની હત્યા કરી. આ વાત જાણીને રાજાનો પુત્ર સેના લઈને યજ્ઞનો વિધ્વંસ કરવા આવ્યો પણ ઋષિઓએ તેને સમજાવીને પાછો કાઢ્યો.
બ્રહ્મપુરાણમાં ભાગવતકથિત અનેક કથાઓ પુનરાવતિર્ત થાય છે. સામાન્ય રીતે પુરાણોમાં કથાઓ વિશેષ હોય પણ આ પુરાણમાં ‘કોણાદિત્ય’ શીર્ષક હેઠળ કોણાર્કના સૂર્યમંદિરનો પરિચય આપ્યો છે. આ મંદિર તેરમી સદીમાં બંધાયું હતું, આનો અર્થ એ થયો કે બ્રહ્મપુરાણ ત્યાર પછી રચાયું?
કેટલાયને મૂંઝવતો પ્રશ્ન છે કે પુરાણો રચાયાં ક્યારે? મત્સ્યપુરાણ એમ કહેશે કે પહેલાં બ્રહ્માએ રચ્યાં અને પછી તેમના મોઢામાંથી વેદ પ્રગટ્યા. આ વાત વિવાદાસ્પદ તો છે જ. સામાન્ય રીતે પુરાણો બ્રહ્મા પાસેથી વસિષ્ઠ પાસે અને ત્યાર પછી જૈમિની, સુમન્તુ, વૈશમ્પાયન, પૈલવ અને લોકહર્ષણ જેવા શિષ્યો સુધી આ પરંપરા વિકસી. વાસ્તવમાં આ બધું સર્જન દેવો દ્વારા નહીં પણ માનવીઓ દ્વારા જ થયું હતું. ઈશ્વરરચિત કહેવાનો આશય એટલો જ કે જેથી બધા માનવીઓ શ્રદ્ધાપૂર્વક તેમની પાસે જાય. જેવી રીતે મહાકાવ્યોનો વિસ્તાર સમયની સાથે સાથે થતો ગયો તેમ તેમ પુરાણોનો વિસ્તાર પણ થતો ગયો અને બધાનું કર્તૃત્વ વ્યાસ ભગવાનને આપી દીધું. વળી દરેક પ્રદેશમાં સ્થળોને સર્વોચ્ચ માનવાની રૂઢિ પણ જોવા મળી. દા.ત. શિવપુરાણ વારાણસીને શ્રેષ્ઠ માને.
સાથે સાથે આ પુરાણો આપણને તત્કાલીન ભારતીય સંસ્કૃતિની એક ઝલક આપે છે.