ભારતીય કથાવિશ્વ૧/ઋતુઓએ માગેલો ભાગ
ઋતુઓએ દેવો પાસે ભાગ માગ્યો. ‘યજ્ઞમાં અમને ભાગ આપો. યજ્ઞમાંથી અમને કાઢો નહીં. અમારો પણ યજ્ઞમાં ભાગ હોય.’
દેવોએ ના પાડી. દેવો ન માન્યા એટલે ઋતુઓ અપ્રિય, દેવોના શત્રુ અને અહિતકારી એવા અસુરો પાસે ગઈ.
તેમણે જે વિકાસ કર્યો તે દેવતાઓએ પણ જાણ્યું. અસુરો આગળ વાવતા જતા અને પાછળથી બીજા અસુરો લણણી કરતા હતા. તેમને માટે જાણે વગર વાવે જ ઔષધિઓ પક્વ થઈ જતી હતી.
એટલે દેવોને ચિંતા થઈ કે આ રીતે શત્રુ શત્રુનું નુકસાન કરે એ તો સામાન્ય વાત પણ એની હદ ન રહી. આવું ન થાય એ માટે કોઈ ઉપાય કરવો જોઈએ.
દેવતાઓ બોલ્યા, ‘પહેલાં ઋતુઓને બોલાવો.’
‘કેવી રીતે?’
‘પહેલાં એમને યજ્ઞમાં ભાગ આપો.’
અગ્નિએ કહ્યું, ‘તમે તો પહેલાં આહુતિ મને આપો છો. હવે હું ક્યાં જઈશ?’
દેવોએ કહ્યું, ‘તારું સ્થાન યથાવત્ રહેશે.’
ઋતુઓને બોલાવવા અગ્નિને એના સ્થાને રાખી મૂક્યા એટલે અગ્નિ અચ્યુત. જે પુરુષ જાણે છે કે અગ્નિ અચ્યુત છે તે પોતાના સ્થાનેથી ભ્રષ્ટ નહીં થાય.
દેવોએ અગ્નિને કહ્યું, ‘જાઓ અને એમને અહીં બોલાવી લાવો.’
અગ્નિ એમની પાસે ગયો અને બોલ્યો, ‘હે ઋતુઓ, મેં તમારા માટે યજ્ઞમાં ભાગ માગી લીધો.’
તેમણે કહ્યું, ‘તમે કેવી રીતે અમારો ભાગ માગ્યો?’
અગ્નિએ કહ્યું, ‘એ પહેલાં તમારે માટે આહુતિ આપવી પડશે.’
ઋતુઓએ અગ્નિને કહ્યું, ‘અમે તમને યજ્ઞમાં સાથે જ ભાગ આપીશું. કારણ કે તમે અમને દેવો પાસેથી ભાગ અપાવ્યો છે.’
અગ્નિને ઋતુઓ સાથે આહુતિ મળી એટલે કહેવાય છે કે સમિધોઅગ્નિ, ઇડોઅગ્નિ, બહિર્અગ્ને. સ્વાહાગ્નિમ્.
(શતપથ બ્રાહ્મણ ૧.૬.૧)