ભારતીય કથાવિશ્વ૧/પરિશિષ્ટ/સવિતાસૂક્ત
અમે આરંભે અગ્નિનું આવાહન કલ્યાણ માટે કરીએ છીએ, અમે રક્ષણ માટે મિત્ર અને અરુણને બોલાવીએ છીએ. જગતને સુરક્ષિત રાખનારી રાત્રિને બોલાવીએ છીએ, રક્ષણ માટે પ્રગટ થતા સવિતાદેવને બોલાવીએ છીએ. જે સવિતાદેવ અંધકારગ્રસ્ત માર્ગે ગતિ કરી આગળ વધે છે. આ દેવ દેવોને, માનવીઓને પોતાનાં સ્થાનોમાં વ્યવસ્થિત રાખે છે. આ દેવ સુવર્ણમય રથમાં બધા આગળ આવે છે. આ સવિતાદેવ નિમ્ન માર્ગે, ઊર્ધ્વ માર્ગે ગતિ કરે છે. યજ્ઞમાં તેમની પૂજા કરીએ છીએ, તે શ્વેત અશ્વો પર સવાર થઈને આવે છે, વિશ્વનાં બધાં પાપ દૂર કરે છે. તેમનો રથ સુવર્ણે, રત્નોએ મઢેલો છે, અનેક રૂપે શોભે છે. સોનાના ખીલાથી જડાયેલો છે. યજ્ઞમાં પૂજનીય એવા આ દેવ રથમાં બેસે છે, અંધારા પ્રદેશો પરથી જઈને લોકોને અંધકારથી મુક્ત કરે છે. સવિતાદેવના અશ્વો વિશિષ્ટ છે, શ્વેત રંગના આ અશ્વો બધાને પ્રકાશિત કરે છે. તે અશ્વોએ સવિતાદેવના રથને ધારણ કર્યો છે. દિવ્ય ગુણોવાળા સવિતાદેવની પાસે પ્રજાજનો, નિરન્તર વસે છે. આ બ્રહ્માંડમાં ત્રણ પ્રકાશિત લોક છે, દેવલોક અને મૃત્યુલોક દેવની નજીક અને ત્રીજો લોક યમના ભુવનમાં, ત્યાં વીર પુરુષો ગતિ કરે છે. જેમ રથની ધરીનાં છિદ્રોના ખીલા પર રથ ટકે છે તેવી રીતે બધા અમર પદાર્થો દેવના આધારે ટકે છે, જે આને જાણે છે તે જ આ વાત સારી રીતે કહી શકે છે. સૂર્યના અધિષ્ઠાતા દેવ સુવર્ણમય પાંખવાળા, તે અંતરીક્ષ સમેત બધા લોકને પ્રગટ કરે છે. તેમનું કથન અત્યંત ગંભીર છે, બધાને તે પ્રાણ આપે છે, સમ્યક્ માર્ગે લઈ જાય છે. તે રાત્રે ક્યાં હશે? તેમનાં કિરણો કોને પ્રકાશિત કરે છે તે કોણ જાણે છે? એ સૂર્યે પૃથ્વીની આઠે દિશાને પ્રકાશિત કરી છે, જલરહિત ત્રણે લોકને, સાત સરિતાઓને પ્રકાશિત કરી દીધા. તેમનાં નેત્ર સુવર્ણ સમાન તેજસ્વી છે, યજ્ઞમાં હવિ આપનાર યજમાનને પોતાનું શ્રેષ્ઠ આપે છે. તેમના હાથમાં હિરણ્ય છે, પ્રાણોના રક્ષક છે, ઉત્તમ નાયક છે. સૌને સાત્ત્વિક સુખ આપનારા, ધનધાન્યથી સમૃદ્ધ દેવ અમારી સામે પ્રગટો, બળવાન અને યાતનાદાયક તત્ત્વોનો વિનાશ કરનારા દેવ પ્રત્યેક સાંજે હાજર રહે છે. અંતરીક્ષના તમારા માર્ગો પૂર્વના અનેક ઋષિઓએ સિદ્ધ કરેલા છે, સારી રીતે સમજ્યા છે. આજે સરલતાથી આવી શકાય એવા છે, તે માર્ગે આવી અમારું રક્ષણ કરો. જે કહેવું હોય તે કહો.