ભારતીય કાવ્યસિદ્ધાંત/કવિઓ નિરંકુશ છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિઓ નિરંકુશ છે?

કવિઓને નિયતિનું બંધન નથી, એનો અર્થ એવો નથી કે કવિઓ કેવળ નિરંકુશ છે. કાવ્યકલાના નિયમો તો કવિએ પાળવાના જ હોય છે. એ ખરું છે કે કવિપ્રતિભા ઘણી વાર પોતાના જ નિયમો ઊભા કરી લે છે. પણ એની સૃષ્ટિમાં કોઈ જાતનું નિયમન, કોઈક તંત્ર, કોઈક વ્યવસ્થા તો હોય જ છે. ત્યાં બધું ફાવે તેમ નથી બનતું. કોઈક કાર્યકારણતત્ત્વ એમાંયે વ્યાપ્ત હોય જ છે. પણ જગતમાં વ્યાપ્ત એવા કાર્યકારણતત્ત્વની કવિ હંમેશા અને સદંતર ઉપેક્ષા કરી શકે છે એમ માનવું બરાબર નથી. પ્રકૃતિના નિયમો કવિને ક્યાં નથી પાળવા પડતા? બ્રહ્મા કમળને પાણીમાં જ ઉગાડી શકે છે, પર્વત પર નહિ, જ્યારે કવિ તો પ્રિયતમને પ્રિયતમાના વદનમાં પણ કમળ બતાવી શકે છે – એવી દલીલ કંઈક બાલિશ લાગે છે ; તર્કસંગત પણ એ નથી જ. જો બ્રહ્મા નહિ, તો કવિ પણ પર્વત પર કમળ નથી ઉગાડી શકતો; અને બ્રહ્માની સૃષ્ટિમાં પણ પ્રિયતમને પ્રિયતમાના વદનમાં કમલ ક્યાં નથી દેખાતાં? એટલે કળાને જીવન સાથે કશો સંબંધ નથી એમ કહી શકાશે નહિ. મમ્મટે પણ કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ – કળા અને જીવનના ભેદની આ વાતો કવિના કલ્પનાવ્યાપારને મહત્ત્વ આપવા માટે જ કદાચ કરી હોય. કાવ્યસર્જન પાછળ જીવનના જે વિપુલ અનુભવની એ આવશ્યકતા જુએ છે, તે જ બતાવી આપે છે કે જીવન જ કાવ્યપુષ્પ પ્રગટવા માટેની ધરતી બનવાનું છે. સંસ્કૃત આલંકારિકોમાં કુન્તક આ વાત બહુ સુંદર રીતે કરે છે. તે કહે છે કે કવિઓ જે પદાર્થો વર્ણવે છે તે ક્યાંય અસ્તિત્વમાં નથી હોતા એમ નહિ, પણ માત્ર અસ્તિત્વ ધરાવતા પદાર્થોને એ કોઈક એવો તો અતિશય અર્પે છે, જેથી તે સહૃદયના મનને હરી લે તેવી રમણીયતા ધારણ કરે છે. આ અતિશય એટલે શું? તો કુન્તક સમજાવે છે કે પદાર્થો અનેકવિધ ધર્મો ધરાવે છે તેમાંથી સહૃદયને આહલાદ આપનાર ધર્મ કવિ પ્રગટ કરે છે, અને પરસ્પર અન્વયાદિ સંબંધથી એનું નવીન પ્રકારે નિબન્ધન કરે છે. કવિની પ્રતિભા સમક્ષ આવતું વસ્તુ તો વણઘડ્યા પાષાણખંડરૂપે રહેલા મણિ જેવું હોય છે. શાણ ઉપર ચઢાવતાં જેમ એ પાષાણખંડ મણિની મનોહરતા પ્રાપ્ત કરે છે તેમ એ વસ્તુ પણ વિશિષ્ટ કવિવાણીમાં નિરૂપાતાં આહ્લાદક કાવ્યતાને પામે છે. આનંદવર્ધન પણ કહે છે કે પહેલાં જોયેલા પદાર્થો પણ કાવ્યમાં રસપરિગ્રહને કારણે નવા જેવા ભાસે છે – જેમ મધુમાસમાં સર્વ વૃક્ષો નવાં જેવાં ભાસે છે તેમ. આમાંથી તાત્પર્ય એ નીકળે કે નિયતિના નિયમોને અવગણવામાં જ કંઈ કવિકર્મ રહેલું નથી. કવિ જગતના પદાર્થોને, એના સંચલનને પોતાના રસસંવેદનનો વિષય બનાવે છે અને આપણા દૈનંદિન જીવનમાં પદાર્થોનું જે રસસ્વરૂપ આપણે જોઈ શકતા નથી તે પ્રગટ કરે છે. આમાં જ એનું કવિકર્મ રહેલું છે. એટલે કાવ્યસૃષ્ટિની વિશેષતા બ્રહ્માની સૃષ્ટિનું જ રસરહસ્ય પ્રગટ કરવામાં રહેલી છે. આ રીતે જોઈએ તો કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિને કોઈ વિરોધમાં મૂકવાની જરૂર રહેતી નથી. હા, જગત પ્રત્યેની વિજ્ઞાનની જે દૃષ્ટિ હોય છે – કાવ્યકારણના નિયમોરૂપે એને જોવાની, તેના કરતાં કાવ્યની દૃષ્ટિ જુદી હોય છે – એને કલ્પનાના વિષય તરીકે જોવાની. એટલે વિજ્ઞાન અને કાવ્યને વિરોધમાં મૂકી શકાય. મમ્મટ આ બે દૃષ્ટિઓને જ વિરોધાવી રહ્યા હોય એવું લાગે છે. એ રીતે એમણે દર્શાવેલી કાવ્યસૃષ્ટિની વિલક્ષણતા એના વિશિષ્ટ સ્વરૂપને પ્રગટ કરી આપે છે એમ કહેવું જોઈએ.