ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્ય અને કાવ્યતત્ત્વ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કાવ્ય અને કાવ્યતત્ત્વ

जयन्ति ते सुकृतिनः रससिद्धा: कवीश्वराः ।
नास्ति येषां यशःकाये जरामरणजं भयम् ।।
– भर्तृहरि

કવિનું યશઃશરીર અક્ષય છે, કેમકે એનું વાણીરૂપ સર્જન – એની કવિતા અમર છે. કવિતા તો માનવજીવનનું સારતત્ત્વ છે; માનવજીવનની ઊર્મિઓ, અભિલાષાઓ, મહેચ્છાઓ ને નિરાશાઓની એ આહ્લાદક ને પ્રેરક ગાથા છે; કેટલીક વાર તો એના નાના મુખમાં વિરાટ વિશ્વનુંયે જાણે દર્શન થતું હોય છે. સઘળી માનવવિદ્યાઓનો પરિમલ તે કવિતા, એ રીતે કવિતા તત્ત્વદર્શન પણ છે, કેમ કે આ દૃશ્ય જગતમાં આપણને બધું અસ્પષ્ટ, ધૂંધળું, મેળ વિનાનું દેખાય છે; જ્યારે કવિને કોઈક વિરલ ક્ષણે સમગ્ર જગતનું નહિ, તોયે એના કોઈક ખંડનું અલૌકિક દર્શન–સંવેદન–થાય છે. એની સમક્ષ એ જગત સ્પષ્ટ, સાકાર, સચેતન અને મુદ્દાપ્રેરક રૂપે વિલસી રહે છે. કવિ જગતના અક્ષરતત્ત્વનું– ઊજળા અક્ષરનું–દર્શન કરે છે. આપણે ત્યાં કવિને ઋષિ કહેલો છે, કેમ કે જગતના રહસ્યનું દર્શન કરનાર ઋષિ કહેવાય છે. એટલે કોઈ સાચો કવિ એવો નથી, જે ઋષિ ન કહેવાય. પણ દરેક ઋષિ કવિ છે એમ નથી. માત્ર દર્શનથી કવિપદ મળતું નથી. એ દર્શનને - એ અનુભવને - એ સાક્ષાત્કૃતિને શબ્દરૂપ આપે, એને વર્ણબદ્ધ કરે, એનું વર્ણન કરે એ જ કવિ. આદિકવિ વાલ્મીકિને જગતનું આવું નિત્ય, સ્વચ્છ દર્શન થયેલું; પણ જ્યાં સુધી દર્શનનું વર્ણન ન થયું હોય, ત્યાં સુધી કવિતાનો ઉદય જગતમાં થયો ન ગણાય.[1] આમ, કવિતાનાં મુખ્ય બે તત્ત્વો આપણને હાથ આવે છે; દર્શન અને વર્ણન. કાવ્યતત્ત્વની મીમાંસા કરનારા શાસ્ત્રે એ બંને તત્ત્વોનું સૂક્ષ્મ પૃથ્થકરણ કરવું જોઈએ. આમાંથી દર્શનનું તત્ત્વ કેવળ કવિગત છે; આપણને સીધી રીતે એ પ્રત્યક્ષ નથી; એની વર્ણન પરથી જ આપણને એ પ્રત્યક્ષ થાય છે.

दर्शनादवर्णानाच्चाथ रूढा लोके कविश्रुतिः ।.
तथा हि दर्शने स्वच्छे, नित्येऽप्यादिकवेर्मुनेः ।
नोदिता कविता लोके यावज्जाता न वर्णाना ।।
-भट्ट तौत

કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિથી વિલક્ષણ છે અને કવિને જીવનનો ઊંડો ને વ્યાપક અનુભવ આવશ્યક છે, છતાં પ્રતિભા વિના તો કાવ્ય સર્જાય જ નહિ, એમ કહીને ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ કવિની દર્શનશક્તિનું ઉચિત ગૌરવ કર્યું છે. વર્ણનતત્ત્વનો વિચાર ભારતીય કાવ્યશાસ્ત્રે ઝીણવટથી કર્યો છે. કવિનું માધ્યમ છે શબ્દ. એ શબ્દ લૌકિક વસ્તુ છે; લોકો રોજબરોજના વ્યવહારમાં એનો ઉપયોગ કરતા હોય છે. એ લૌકિક શબ્દ દ્વારા કવિએ એનું અલૌકિક દર્શન રજૂ કરવાનું છે. આ કેમ થઈ શકે? આથી જ તો ભાષાને – શબ્દને વિશિષ્ટ રીતે પ્રયોજવાની શક્તિ કવિને માટે અનિવાર્ય બની રહે છે. તો ભાષા એ કવિનું સાચામાં સાચું બળ છે. જીવનના અમર્યાદિત અનુભવો એણે ભાષાના મર્યાદિત સાધન દ્વારા પ્રગટ કરવાના છે. આથી ભાષાની વ્યંજનાશક્તિ–Suggestive power– નો આશ્રય એને લેવો પડે છે. ભાષાના દરેક શબ્દનો કોઈ ચોક્કસ અર્થ હોય છે એમ આપણે માનીએ છીએ. પણ શબ્દ જે ભાવ કે પદાર્થને અનુલક્ષતો હોય છે, તેનું સ્વરૂપ સાદુંસીધું નથી હોતું. કવિ એ પરિસ્થિતિનો લાભ ઉઠાવે છે; શબ્દને વળગેલી સૂક્ષ્મ અર્થચ્છાયાનો એ ઉપયોગ કરી લે છે. પાંદડાં પરનાં ઝાકળબિન્દુઓનું અલૌકિક દર્શન ‘માણિક્યોથી ગ્રથિત સરખાં રમ્ય જ્યાં થાય પર્ણ’ એમ કહીને જ વ્યક્ત કરી શકાય. ‘માણિક્ય’ શબ્દ તો કોઈ નિશ્ચિત પદાર્થને અનુલક્ષે છે; પણ કવિએ એ પદાર્થના ધર્મ – વૃત્તાકાર અને તરલ તેજસ્વિતા -ની સૂક્ષ્મ અર્થચ્છાયાનો લાભ ઉઠાવ્યો. એ જ રીતે વાક્યની સંઘટના પણ સૂક્ષ્મ અર્થોને અવકાશ આપે. ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ શબ્દશક્તિનો આ મહિમા પિછાન્યો છે અને એના અનેકવિધ આવિર્ભાવોની નોંધ લીધી છે, એનું વર્ગીકરણ પણ કર્યું છે. અભિધા, લક્ષણા ને વ્યંજના એ ત્રણ શબ્દશક્તિઓના નિરૂપણ ઉપરાંત ઉપમાદિ અર્થાલંકારોમાં એમનું આ વિષયનું પૃથક્કરણ જોવા મળે છે. દરેક શબ્દને પોતાનું વિશિષ્ટ સંગીત હોય છે. શબ્દોના વિશિષ્ટ પ્રકારના સંયોજનમાંથી પણ વિશિષ્ટ સંગીત ઉપજાવી શકાય, અને એનો લાભ કવિ પોતાના વિષયને તાદૃશ કરવા લઈ શકે. ‘વધે પગ, પડે કઠોર પડઘા પદાઘાતના’ એ પંક્તિમાંના શબ્દો દૃઢ પગલાં પડવાની ક્રિયાનો સાક્ષાત્કાર કરાવવામાં સહાયભૂત થાય છે. ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ શબ્દની આ સંગીતશક્તિનો વિચાર અનુપ્રાસાદિ શબ્દાલંકારો ને વર્ણોથી વ્યંજિત થતા માધુર્ય, પ્રસાદ ને ઓજસ્ એ ગુણોના નિરૂપણમાં કર્યો છે. શબ્દનો-ભાષાનો-આટલી બધી ઝીણવટથી વિચાર કરવાનું પરિણામ કદાચ કાવ્યના એ પાસાનું ઐકાન્તિક મહત્ત્વ કરવા તરફનું આવે. ભારતીય કાવ્યશાસ્ત્રના આરંભકાળમાં વિવેચકોની દૃષ્ટિ કંઈક એવી રહી પણ છે. ‘काव्यं ग्राह्यमलंकारात्’, ‘रीतिरात्मा काव्यस्य’, આદિ વ્યાખ્યાઓ જુઓ. પણ ભારતીય કાવ્યશાસ્ત્ર એમાં જ નથી અટવાઈ રહ્યાં. શબ્દથી વ્યક્ત થતા અર્થ અને સંવેદનનો એણે વિચાર કર્યો જ છે. ‘काव्यस्यात्मा ध्वनि’ એમ કહ્યા પછી કાવ્યશાસ્ત્રીઓ એ ધ્વનિવાદને વટાવીને રસસિદ્ધાંત સુધી પહોંચે છે. કાવ્યનું ખરું તત્ત્વ તો ભાવ નિરૂપવવામાં ને એનો સાક્ષાત્કાર કરાવવામાં છે. ‘કાવ્યનો અર્થ સહૃદયના હૃદયમાં થાય છે’ એમ પાશ્ચાત્ય વિવેચકો કહે છે, તે વાત ભારતીય કાવ્યશાસ્ત્રીઓ ઘણાં વર્ષો પહેલાં રસસિદ્ધાંત દ્વારા કહી ગયા છે. આ રસસિદ્ધાંત ભાવકલક્ષી છે; અને એ દ્વારા કાવ્યવર્ણિત વસ્તુની ભાવકના ચિત્ત પર કેવી રીતે અસર થાય છે એનો સૂક્ષ્મ અને મનોવૈજ્ઞાનિક ખુલાસો કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. રસસિદ્ધાંત ભારતીય કાવ્યમીમાંસાનું અત્યંત ઉજ્જવળ પ્રકરણ છે. એ ખરી વાત છે કે આ કે તે એક તત્ત્વરૂપે કાવ્યના આત્માને ઓળખાવી શકાય નહિ; એ જાતનો પ્રયત્ન એકપક્ષી સિદ્ધાંત બાંધવામાં જ પરિણમે. કાવ્ય એક અખંડ પુદ્ગલ છે. વળી, કાવ્યના આત્માની જ વાત કરવાથી આખું કાવ્યસ્વરૂપ સમજાતું નથી. આથી ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ ઘણી વાર કાવ્યની વ્યાખ્યા આપતી વખતે બધાં કાવ્યતત્ત્વોનો એમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. મમ્મટની કાવ્યની વ્યાખ્યા ‘तददोषौ शब्दार्थौ सगुणावनलंकृती पुनः क्वापि ।’ – આવી જ વૃત્તિનું પરિણામ છે. કાવ્યની વ્યાખ્યા આપવામાં ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ જેમ વ્યવહાર બુદ્ધિ બતાવી છે, તેમ કાવ્યના પ્રયોજનોની ચર્ચામાં પણ બતાવી છે. આથી જ સર્જકપક્ષે યશ, ધન આદિને કાવ્યપ્રયોજન તરીકે ગણાવવામાં આવ્યાં છે ને ! આજના ‘કલા ખાતર કલા’ના વાદનો પડઘો ‘સકલપ્રયોજનમૌલિકભૂત’ પ્રયોજન તો પરમ આનંદ છે એવા વિચારમાં જોઈ શકાય; પણ ભારતીય કાવ્યશાસ્ત્રીઓ તરત જ ‘કાન્તાસંમિત’ ઉપદેશને પણ કાવ્યના પ્રયોજન તરીકે બેસાડી દે છે. કાવ્યાનુભવની જીવન પર અસર પડવાની. તો એ કેવી અસર પાડે છે અને કેવી અસર એણે પાડવી જોઈએ, એ જાતની વિચારણામાંથી કેટલાંક કાવ્યપ્રયોજનો ઉદ્ભવે છે. આમ, ભારતીય કાવ્યશાસ્ત્રીઓની પર્યેષક દૃષ્ટિ કાવ્યનાં ઘણાં ખરાં મહત્ત્વનાં તત્ત્વો પર ફરી વળી છે. ભારતીય કાવ્યશાસ્ત્રીઓમાં મમ્મટનું સ્થાન વિશિષ્ટ છે. પુરોગામી કાવ્યશાસ્ત્રીઓના કાર્યનો ઉપયોગ કરી લઈને એમણે પોતાના ગ્રન્થ ‘કાવ્યપ્રકાશ’માં કાવ્યતત્ત્વોની સમર્થ ચર્ચા કરી છે. એ દિશામાં એમની મહત્તા એક મૌલિક વિચારક તરીકેની નહિ એટલી સમન્વયકાર તરીકેની ગણાઈ છે. એટલે ભારતીય કાવ્યશાસ્ત્રના સર્વાંગી પરિચય માટે એમનો ગ્રન્થ વધારે ઉપયોગી મનાયો છે. હવે પછીનાં પાનાંઓમાં મુખ્યત્વે મમ્મટના ગ્રન્થને લક્ષમાં રાખીને, ઉપર જેનો નિર્દેશ કર્યો તે કાવ્યતત્ત્વોની ચર્ચા કરી છે. આરંભમંગલ બ્રહ્માની સૃષ્ટિથી વિલક્ષણ અને અદ્ભુત સૃષ્ટિ ખડી કરનાર કવિની વાણી – भारतीને એ નિમિત્તે એની અધિષ્ઠાતા દેવતા સરસ્વતીને મમ્મટ આ પ્રમાણે અભિવાદન કરે છે

नियतिकृतनियमरहितां ह्लादैकमयीमनन्यपरतन्त्राम् ।
नवरसरुचिरां निर्मितिमादधती भारती कवेर्जयति ।।


  1. विचित्रभावधमशिंतत्त्वप्रख्या च दर्शनम् ।।
    स तत्वदशनादेव शास्त्रेषु पठितः कविः ।