ભારતીય કાવ્યસિદ્ધાંત/રસાસ્વાદના પ્રકારો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રસાસ્વાદના પ્રકારો :

અમુક વિભાવાદિ અમુક એક જ રસના અને બીજા રસના બીજા એવું નથી; એટલે કે રસ અને વિભાવાદિનો સંબંધ ઐકાન્તિક નથી. જેમ કે, વાઘ વગેરે વિભાવો જેમ ભયાનક રસના છે, તેમ વીર, અદ્ભુત અને રોદ્રના છે; અશ્રુપાત વગેરે અનુભાવો જેમ શૃંગારના, તેમ કરુણ અને ભયાનકના પણ છે; ચિંતા વગેરે વ્યભિચારી ભાવો શૃંગારના, તેમ વીર, કરુણ અને ભયાનકના પણ છે. આથી સામાન્ય રીતે રસનિર્ણય માટે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોનું સંયોજન જરૂરી બની રહે છે,૧ [1]નહિ તો કયા રસના વિભાવ, અનુભાવ કે વ્યભિચારી ભાવ કવિ આલેખી રહ્યા છે તેની કેટલીક વાર સમજ ન પડે. છતાં વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ એ બધાનું કાવ્યમાં નિરૂપણ થવું જ જોઈએ એવો જડ નિયમ નથી. એવું પણ બને કે કાવ્યમાં માત્ર વિભાવ, અનુભાવ કે વ્યભિચારી ભાવનું જ આલેખન હોય, પણ તે એવા અસાધારણ હોય કે બાકીના બેનું આક્ષેપથી સૂચન થઈ જાય અને એ અનૈકાન્તિક ન રહેતાં કોઈ ચોક્કસ રસને વ્યંજિત કરે.૨[2] પણ વિભાવાદિ સામગ્રીનું સંયોજન કે એમાંનું કોઈ એક તત્ત્વ જ ચમત્કારહેતુ હોય, ત્યારે આસ્વાદમાં ફેર પડવાનો. જ્યાં ભાવક વિભાવાદિ સામગ્રીના સંયોજનથી જાગતા સ્થાયીની પ્રતીતિ કરે છે અને એ સ્થાયીની ચર્વણા દ્વારા આસ્વાદપ્રકર્ષ પામે છે ત્યાં જ કાવ્યશાસ્ત્રીઓ ‘રસ’ કે ‘રસધ્વનિકાવ્ય’ની સંજ્ઞા આપે છે.૩[3] ઉદાહરણ તરીકે,

शून्यं वासगृहं विलोक्य शयनादुत्थाय किञ्चच्छनै
निंद्राव्याजमुपागतस्य सुचिरं निर्वर्ण्य पत्युर्मुखम् ।
विस्त्रब्धं परिचुम्ब्य जातपुलकामालोक्य गण्डस्थलीं
लज्जानब्रमुखी प्रियेण हसता बाला चिरं चुम्बिता ।।

આ શ્લોકમાં નાયકનાયિકા પરસ્પર આલંબનવિભાવ છે, શૂન્ય વાસગૃહ ઉદ્દીપનવિભાવ છે; પતિનું મુખ જોવું, ચુંબન કરવું, મોં નીચું ઢાળી દેવું આદિ નાયિકાના, તો ઊંઘના બહાને પડ્યા રહેવું, રોમાંચ થવો, સ્મિત, ચુંબન, વગેરે નાયકના અનુભાવો છે; ઔત્સુક્ય, લજ્જા નાયિકાના અને હર્ષ નાયકનો વ્યભિચારી ભાવ છે. આ બધાનો એવો રાસાયણિક સંયોગ થાય છે કે એમાંથી સ્થાયી ભાવ રતિ વ્યંજિત થાય છે અને ભાવક શૃંગાર રસનો આસ્વાદ કરે છે. આ જાતનો ‘આસ્વાદપ્રકર્ષ’ જ્યાં નથી હોતો ત્યાં ‘રસધ્વનિ’નું ઉદાહરણ છે એમ ન કહી શકાય. ત્યાં આસ્વાદ્યતા તો હોય, સ્થાયી ભાવ પણ વ્યંજિત થતો હોય, પણ કાં તો એ સ્થાયી ભાવ એવા વિષય પ્રત્યેનો હોય જ્યાં આસ્વાદપ્રકર્ષને સ્થાન ન રહે, અથવા સ્થાયી ભાવ ચમત્કારહેતુ ન હોતાં વ્યભિચારી ભાવ ચમત્કારહેતુ હોય. આ જાતના કાવ્યને આલંકારિકો ‘ભાવધ્વનિકાવ્ય’ કહે છે. મમ્મટ દેવ, મુનિ, ગુરુ, રાજા, પુત્ર-આદિવિષયક રતિના આસ્વાદને રસધ્વનિ ન કહેતાં ભાવધ્વનિ કહે છે. તદુપરાંત જ્યાં વ્યભિચારી વ્યંજિત હોય અને ચમત્કાર હેતુ હોય, ત્યાં પણ ભાવધ્વનિકાવ્ય જ ગણાય છે. ઉદાહરણ તરીકે,

तिष्ठेत्कोपवशात्प्रभावपिहिता दीर्धं न सा कूप्यति
स्वर्गायोत्पतिता भवेन्मयि पुनर्भावार्द्र मस्या मनः ।
तां हर्तुं विबुधद्विषोऽपि न च मे शक्ता: पुरोवतनीं
सा चात्यन्तमगोचरं नयनयोर्यातेति कोऽयं विधिः ।।1[4]
(विक्रमोर्वशीयम्)

આચાર્ય અભિનવગુપ્ત કહે છે તેમ, અહીં વિપ્રલંભ શૃંગાર રહેલો હોવા છતાં, આસ્વાદની જે વિશેષતા છે તે તો ‘વિતર્ક’ નામના વ્યભિચારીના ચમત્કારને કારણે છે. આમ, આ શ્લોક ભાવધ્વનિનું ઉદાહરણ બને છે.


  1. 1. व्याध्रादयो विभावा भयानकस्येव वीराद्भुतरौद्राणाम्, अश्रुपातादयोऽनुभावा शृङ्गारस्येव करुणभयानकयोः, चिन्तादयो व्यभिचारिणः शृङ्गारस्येव वीरकरुणभयानकानामिति पृथगनैकान्तिकत्वात् सूत्रे मिलिता निर्दिष्टाः। (काव्याप्रकाश, 4)
  2. 2. यधपि विभावानामनुभावानाम्... च व्याभिचारिणां केवलानामात्र स्थितिः तथाप्येतेषामसाधारणत्वमित्यन्यतमद्वद्याक्षेपकत्वे सति नानैकान्तिकत्वमिति । (काव्यप्रकाश)
  3. 3. रसध्वनिस्तु स एव योऽत्र मुख्यतया विभावानुभावव्यभिचारिसंयोजनोदितस्थायिप्रतिपत्तिकस्य प्रतिपत्तुः स्थाय्यंश चर्वणाप्रयुक्त एवास्वादप्रकर्षः। (ध्वन्यालोकलोचन)
  4. ૧. ઉર્વશી અદૃશ્ય થઈ જતાં પુરુરવા ભિન્ન ભિન્ન તર્કો કરે છે : ‘ગુસ્સે થઈ એ પોતાના પ્રભાવથી છુપાઈ ને ઊભી હોય – પણ એનો ક્રોધ લાંબો ટકતો નથી; કદાચ સ્વર્ગમાં ઊડી ગઈ હોય – પણ મારા પ્રત્યે તો એનું મન ભાવભીનું છે; વળી મારી સમક્ષ હોય ત્યારે એને ઉપાડી જવાની હિંમત રાક્ષસોમાં પણ નથી; આમ, આંખોથી અત્યંત દૂર દૂર એ ચાલી ગઈ છે એ તે કેવું નસીબ!’ આ તર્કો અને એનું સમાધાન એ જ આ શ્લોકની રમણીયતા છે.