ભારેલો અગ્નિ/૨૨ : પહેલો પડઘો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨ : પહેલો પડઘો


હિંદુસ્તાન દેશ નથી – ખંડ છે. તેના વિસ્તૃત વિભાગો, વિશાળ નદીપ્રવાહો અને ઊંચાં ગિરિશિખરો જાણે સૃષ્ટિની વિશાળતાના પદાર્થપાઠ ન હોય તેમ યોજનોના યોજનોને પોતાનામાં સમાવી દે છે. છતાં સૃષ્ટિને એક બનાવતા કો હાથની માફક, આખા આર્યાવર્તને એક બનાવતો કો સંસ્કાર, આર્યાવર્તના પ્રાંતોને નોખા પડી જતાં અટકાવે છે. કાશ્મીરી પંડિત કન્યાકુમારીનાં દર્શને જતો જરૂર મળી આવશે; એક બંગાળીબાબુ દ્વારકાધીશનાં દર્શને જતો જરૂર મળી આવશે; સ્થળકાળને પી જનારી ફિલસૂફી ઉપજાવતી આર્ય પ્રજાને અંતરો કદી નડયાં નથી. આગગાડીઓ તો આજે થઈ. તે નહોતી ત્યારે પણ લશ્કરીઓ, વ્યાપારીઓ અને યાત્રાળુઓ આખા હિંદમાં ફરી વળતા હતા.

ઘોડા ઉપર બેસનારનું માનસ વિશ્વવિજેતા સરખું બની જાય છે. મંગળ પાંડેને છોડાવવા ઘોડા ઉપર ચહેલો ગૌતમ રોજના સાઠેક ગાઉ કાપતો ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યે જતો હતો. બપોરના વખતે બેત્રણ ઘડી આરામ લેતો હતો અને સવારસાંજ તે મજલ કપાતો હતો. ત્રીજે દિવસે તેણે ઘોડો બદલ્યો. બળવાની યોજના એવી પરિપક્વ બઢતી જતી હતી કે ગૌતમને નવો ઘોડો મળતાં વાર ન લાગી. નવો ઘોડો મળ્યો એટલે રાતમાં પણ મુસાફરી કરવાનો ગૌતમે નિશ્ચય કર્યો. બીજા બે દિવસમાં મંગળ પાંડેને મળી શકાશે એવી ધારણાથી રાત્રે તૈયાર થતાં ગૌતમે મંદિરની ધર્મશાળામાં કોઈને બોલતાં સાંભળ્યો :

‘થઈ રહ્યું! ચોત્રીસમી પલટણ ખલાસ!’

ગામડે ગામડે મંદિરો હતાં અને મંદિરે મંદિરે ધર્મશાળા હતી. બીજું સાધન ન હોય તો મંદિરની એક પડાળી ધર્મશાળાની ગરજ સારતી. મુસાફર ગમે તે વખતે આવી ધર્મશાળામાં આશ્રય મળતો.

ગૌતમના હૃદયમાં ધક્કો વાગ્યો. તેણે પૂછયું :

‘બાવાજી! શું કહ્યું?’

‘ચોત્રીસમી પલટણને સોલ્જરોએ કાપી નાખી.’ આ હકીકત મંદિરનો બાવો બીજા કોઈને કહેતો હતો.

મંગળ પાંડે ચોત્રીસમી પલટનમાં હતો. ગૌતમને પણ પલટનમાં દાખલ થવાનું હતું.

‘તમને કોણે કહ્યું ?’ ગૌતમે પૂછયું.

‘પેલા શેઠ હમણાં જ સાંઢણી ઉપર આવ્યા એ ખબર લાવ્યા.’ બાવાજી બોલ્યા.

ગૌતમે નવા આવનાર વ્યાપારી સરખા મનુષ્યને પાસે બોલાવ્યો અને કૂવા પાસે એકાન્તમાં લઈ જઈ પૂછયું :

‘શું આખી પલટન ખલાસ?’

‘હા.’ તે માણસે ગૌતમની સામે સ્થિરતાથી જોઈ કહ્યું.

‘પલટન સામે પણ ન થઈ?’

નવીન માણસ હસ્યો. તેણે પૂછયું :

‘તમને કેમ ઇન્તેજારી રહે છે?’

‘હું પોતે જ ચોત્રસમી પલટનમાં દાખલ થવા જાઉં છું.’

‘તમે કોણ?’

‘હું? મને ઓળખી શકશો?’

‘કમળ?’

‘કમળ!’

આ ઢબે કમળના સંકેતથી ક્રાન્તિકારીઓ પરસ્પરને ઓળખતા હતા. ક્રાંતિકારી ન હોય તે પોતાનું ખરું નામ જણાવી પોતે કમળ અભિધાનવાળો નથી એમ જ કહી દે. ક્રાન્તિકારી હોય તે કમળના સંકેતને પારખી કાઢી પોતે તે જાણે છે એમ સ્પષ્ટ સૂચન કરતો.

‘હું જરૂર ઓળખીશ. શું નામ?’

‘ગૌતમ.’

‘ગૌતમ? ત્યારે તને સાચી વાત કહું. પલટનનો આત્મા ખપી ગયો!’

‘એટલે?’

‘મંગળને ફાંસી દીધી.’

‘શું?’ ગૌતમ ગર્જી ઊઠયો.

‘પછી ચોત્રીસમી પલટનમાં રહ્યું શું?’

‘મંગળને ફાંસી? ખરી વાત?’

‘ઉશ્કેરાઈશ નહિ.’

‘હું એ હકીકત સાંભળીને હસું, એમ?’

‘ગૌતમ! મંગળે ભૂલ કરી, અને તું પાછો ભૂલ ન કરજે.’

‘નામર્દોની પલટણ! મંગળ ફાંસીએ ચડે જ કેમ?’

‘ભવાનીનું ખપ્પર પહેલું એણે ભર્યું.’

‘બીજાઓ વાર કેમ લગાડે છે?’

‘મંગળે ઉતાવળ કરી માટે બીજાઓની વાર દેખાય છે. એક ભૂલથી આખી યોજના જોખમાઈ છે; બીજી ભૂલ તું ન કરતો. હું એ જ કહેવા બધે ફરી રહ્યો છું.’

ગૌતમને પૂરી વિગતની ખબર ન હતી. તેણે જાણવા માગણી કરી.

‘મધરાત પછી કહીશ, અત્યારે નહિ.’

‘તમે કોણ છો?’

‘મને ન ઓળખ્યો? હું શું એટલો બધો ફેરવાઈ ગયો છું?’

‘અંધારે બરાબર ઓળખાયા નહિ.’

‘મારો કંઠ તો અંધારામાં નથી ને?’

‘ના. પણ મારું મગજ ત્રણ દિવસથી ફૂદડી ફરે છે. હું મંગલમય બની ગયો છું.’

‘હું સૈયદ.’

‘સૈયદ! ક્યાંથી આવો છો?’

‘મંગળની ચિતા પાસેથી.’ ઘેરા અવાજે સૈયદ કહ્યું.

‘તમે તો છોડાવવા ગયા હતા!’

‘પણ હું બે ઘડી મોડો પડયો.’

‘હવે?’

‘શું બન્યું તે મધરાતે સાંભળી લેજે. પછી આગળ વિચાર.’

મધરાતે બાવાજી, સૈયદ અને ગૌતમ ધૂણી પાસે બેઠા. સૈયદે આખો પ્રસંગ વર્ણવ્યો.

ગાયડુક્કરની ચરબીવાળી એ કમબખ્ત ટોટી! ચોત્રીસમી પલટણને તે આપવાનો ગોરા સેનાધિપતિનો નિશ્ચય થયો. એ ટોટીમાં ગાય કે ડુક્કરની ચરબી નથી લાગેલી એવું કંપની સરકારે જાહેર કર્યું, અને સેનાનાયકોએ પણ જાહેર કર્યું. એ જાહેરાત કરીને તેઓ શાંત રહ્યા હોત તો સૈનિકોની ઉશ્કેરણી ઘટી જાત.પરંતુ એ જાહેરાતની સાથે જ એ ટોટીઓ વાપરવાનો અખતરો ચોત્રીસમી પટલણ ઉપર કરવાનું પણ નક્કી થયું.

ચોત્રીસમી પલટણ એટલે તો ક્રાન્તિ માટે તલપી રહેલી સેનાક્રાન્તિના શપથ લઈ ચૂકેલી સેના! હિંદને વશ રાખવા માટે આવી પલટણો આખા હિંદભરમાં વેરાયેલી પડી હતી. થોડે થોડે અંતરે લશ્કરી થાણાં તો ખરાં જ. નવી ઢબની કવાયત અને નવી ઢબની ગોલંદાજીથી સજ્જ થયેલી દેશી સૈનિકોની આ સૈન્યમાળાના મુખ્ય નાયકો તો પાછા તો ગોરા જ! અને જાણે દેશી ટુકડીઓ ઉપર અવિશ્વાસ હોય તેમ થોડી થોડી દેશી ટુકડીઓ ઉપર નજર રાખવાને એકાદ ગોરી પલટણ પણ હોય જ!

ગોરાઓનો તિરસ્કાર, ઉપરીઓની હાડછેડ. લાયકાત માટેનું બેકદરપણું. ગોરાકાળાનો ઉઘાડો ભેદ. કંપનીના આખા સૈન્યને બેદિલ બનાવી મૂકતાં હતાં. કેટલીક વખતે તોછડાઈને મર્દાઈ તરીકે માનવામાં આવે છે; અપમાન કરવાની આવડત એટલે બંદોબસ્ત જાળવવાની મહાશક્તિ એમ માનવામાં આવે છે. કડવું વેણ એટલે સામર્થ્યનો ભંડાર એમ ધારી લેવામાં આવે છે. આ તોછડાઈ, અપમાન અને કડવાં વેણ સામા માણસના હૃદયને કોરનારાં વજ્રબાણ થઈ પડે છે એનો ભાગ્યે વિચાર આવે છે. સૈનિકો પ્રત્યેની ગોરાઓની તોછડાઈએ સૈનિકોનાં હૃદયને વીંધ્યાં હતાં.

તેમાં ગાયડુક્કરની ચરબીવાળા કારતૂસો મોંમાં નખાવી હિંદુ-મુસ્લિમ સૈનિકોને કિરસ્તાન બનાવવાની યોજના કંપની સરકાર કરી રહી છે, એવો વહેમ પડતાં સૈનિકોની બેદિલી વધી પડી. જ્યાં સુધી ધર્મ એ સંસ્કારનો આત્મા મનાય છે ત્યાં લગી ધર્મને માટે મરવાને તત્પર મનુષ્યો મળી આવે છે. રાજ્યરહિત બનેલા મહારાજા, નવાબ અને જાગીરદારોનો અસંતોષ પ્રજળી રહ્યો જ હતો; કંપની સરકાર ધર્મને સ્પર્શવા ધારે છે એવી માન્યતાઓ સૈનિકોને પણ બેદિલ કરી દીધા. કવાયતી પલટણો ક્રાન્તિમાં દાખલ થઈ. ક્રાન્તિના દિવસને વાર હતી. એવામાં જ ચોત્રીસમી પલટણે કારતૂસો વાપરતાં શીખવું એવું ફરમાન થયું.

પલટણના એકએક સિપાઈએ કારતૂસને અડવાની ના પાડી.

ગોરા ઉપરીઓના ગુસ્સાનો પાર ન રહ્યો. સૈનિકોને હુકમનું અપમાન કરવા માટે શિક્ષાની ધમકી મળી. સૈન્યમાં હુકમનું અપમાન મોત સુધીની શિક્ષાને પાત્ર ગણાય છે. તાજો દાખલો થયેલો અને જાણીતો માથા ફરેલ યોદ્ધો મંગળ ચોત્રીસમી પલટણમાં જોડાયો હતો. તેણે ઉપરીને ઉદ્ધત્તાઈથી જણાવ્યું. :

‘સાહેબ! જાન જશે તો બહેતર, પણ એ ભ્રષ્ટ કરતી કારતૂસો કોઈ હાથમાં નહિ પકડે.’

‘મંગળ! તું આવ્યો ત્યારથી જણાયો!’

‘હું તો બધાની વતી બોલું છું.’

‘તમે ચાર આગેવાનો મને એકલાને મળો!’ સાહેબે કહ્યું, અને ભેગા થયેલા સૈન્યને દિવસે કારતૂસો આપવાનું મુલતવી રહ્યું.

મંગળ અને બીજા ત્રણ આગેવાનો સાહેબને બંગલે ગયા. ગોરા સાહેબો બંગલા વગર રહી શકતા નથી. પછી ભલે ને તેઓ ગવર્નર બનીને આવે કે રેલવેમાં ગાર્ડ બનીને આવે! ગોરા સૈનિકોનો પહેરો ત્યાં લાગી ગયો હતો.

સાહેબે ચિરૂટ પીતે પીતે સૈનિકોની સલામ ઝીલી. તેમને સામે ઊભા રાખી તેમણે થોડી વાર ચિરૂટને ધ્રૂમસ્વાદ લીધા કર્યો. કેટલીક ક્ષણો બાદ તેમણે કહ્યું :

‘કેમ મંગળ!’

‘જી!’

‘તું એક વખત બચી ગયો એટલે મિજાજમાં આવ્યો છે, ખરું?’

‘એ તો સાહેબબહાદુરને લાગે તે ખરું.’

‘તું ફિતૂર ફેલાવે છે એ હું જાણું છું.’

‘એમ સાબિત થાય તો આપ સજા કરવા મુખત્યાર છો.’

‘સાબિત? મને તું કાયદો બતાવી ડરાવવા માગે છે?’

‘હું ડરાવવા પણ માગતો નથી અને ડરવા પણ માગતો નથી. કાયદો તો કંપની સરકારનું ખરું જોર છે. કાયદો બધાય માટે છે.’

‘બકવાદ મૂક અને હું કહું તે સાંભળ.’

‘શું?’

‘તું નાયક છે; તારી જોડે આવેલા પણ નાયકો છે. તમારે ડહાપણ વાપરવું જોઈએ; સરકારને મદદ કરવી જોઈએ.’

‘સાહેબ! સરકાર માટે જાનની પણ પરવા કરી નથી.’

‘તે હું જાણું છું. માટે કહું છું. કારતૂસોમાં ગાય કે ડુક્કરની ચરબી નથી એમ સરકાર જો જાહેર કરે છે, તો પછી તમે વાંધો કેમ લ્યો છો?’

‘સાહેબ! મારી વિનંતી છે. આ ધર્મનો પ્રશ્ન છે. પંડિતો અને મૌલવીઓને ખાતરી કરાવી આપો. પછી અમે કારતૂસો લઈશું.’

‘સરકાર તમારા પંડિતો અને મૌલવીને ખોળવા જાય? સરકાર કહે એ જૂઠું?’

‘એમ નહિ.’

‘તો બીજું શું? સરકાર કરતાં તમારા સાધુઓ ચડિયાતા?’

‘હા, જી. સરકાર ધર્મવિરુદ્ધ કાર્ય કરે ત્યારે અહીંની પ્રજા સાધુનું શરણ ખોળે છે.’

‘એ કાંઈ બને નહિ. તમને જાહેર કર્યું કે કારતૂસો ધર્મભંગ માટે નથી એ સ્વીકારી લ્યો; નહિ તો હું આખી પલટણને વિખેરી નાખીશ.’

મંગળનો હાથ તલવાર તરફ ગયો. તેની આંખમાં તેજ ચમક્યું, તેના સાથીદારે તે જોયું, મંગળને બાજુએ ખસેડી તે બોલ્યો :

‘સાહેબ! સૈનિકોને પૂછી જોઈએ.’

‘એમાં શું પૂછવાનું છે?’ મંગળ ત્રાડ પાડી બોલ્યો :

‘એક રાતનો વખત આપું છું. તમે પૂછો; સમજાવો, ચાહે તે કરો.’

‘પૂછવાની જરૂર નથી. હું જ જવાબ આપું છું. કારતૂસમાં ચરબી નથી એમ સાબિત થાય તો પણ અમે તે સ્વીકારીશું નહિ.’

‘કારણ?’

‘એ અમારી બેઈજ્જતી છે – અપમાન છે – ખાતરી વગર અમારે માથે નખાતું કલંક છે – ચોત્રીસમી પલટણ તો તે કારતૂસ નહિ જ લે.’ મંગળ બોલી ઊઠયો.

‘તો કાલે સવારે ચોત્રીસમી પલટણ જ નહિ હોય.’ સાહેબે કહ્યું.

‘એનો વિચાર કરીશું, સાહેબ!’ કહી મંગળ પાંડેને ખેંચી તેના સાથીદારો તેને ઘસડી ગયા.

મંગળ હસ્યો. તેના હાસ્યમાં વીજળીની કઠોરતા હતી.