મધુસૂદન ઢાંકી સાથે એક દીર્ઘ મુલાકાત/પ્રાસ્તાવિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

પ્રાસ્તાવિક

ઢાંકીસાહેબ ‘એન્સાઈક્લોપીડિયા ઑફ ઇન્ડિયન ટેમ્પલ આર્કિટેક્ચર'ની ગ્રંથ- શ્રેણીના પ્રધાન સંપાદક, દેવાલય સ્થાપત્યવિદ, પ્રાચ્યવિદ્યાવિદ, કળાઇતિહાસ મર્મજ્ઞ, ઉઘાન વિદ્યાવિદ્ (હોર્ટિકલ્ચરિસ્ટ), રત્નવિદ્યાના જ્ઞાતા, સંગીતજ્ઞ, જૈન-ઇતિહાસ, આગમદર્શનના અભ્યાસી... એવું બહુમુખી બહુઆયામી ઢાંકીસાહેબનું વ્યક્તિત્વ, ફ્રાંસિસ બેકનની જેમ "All knowledge is my province" ઉક્તિને ઢાંકીસાહેબે આત્મસાત્ કરી છે. અનેક ક્ષેત્રોનું તલગ્રાહી જ્ઞાન. તેમનો જન્મ ૧૯૨૭માં જુલાઈની ૩૧મી તારીખે. ગઈ જુલાઈમાં ૮૬મું બેઠું. બાંધો એકવડિયો પણ શક્તિ અને શ્રુતિ આ ઉંમરેય ભારોભાર. મૂળ વિજ્ઞાનશાખાના માણસ. પૂના ફર્ગ્યુસન કૉલેજમાંથી જીયોલૉજી - ભૂસ્તરશાસ્ત્રમાં ડિગ્રી મેળવી. વધુ અભ્યાસ માટે પરદેશ ન જવાયું તો થોડો વખત બૅન્કમાં નોકરી કરી. તબિયતે નોકરી છોડાવી. પિતાનો વારસો હોર્ટિકલ્ચર – બાગાયતનો. એ વારસા અને અભ્યાસથી કૃષિ સંશોધનક્ષેત્રે નોકરી કરી. ઘઉં-કપાસની જાતો વિકસાવી. કેરીની જાતોના રાષ્ટ્રીય પ્રદર્શનમાં ભાગ લઈ પુરસ્કાર લઈ આવ્યા. નાનપણથી જ પુરાતત્ત્વમાં રસ. પોરબંદર પુરાતત્ત્વ સંશોધન મંડળમાં ગુરુ મણિભાઈ વોરાના માર્ગદર્શન સાથે સૌરાષ્ટ્રનાં પ્રાચીન સ્થળોનાં સ્થાપત્યોના પ્રવાસ કરી પ્રમાણ-અભ્યાસ આધારિત લેખો લખ્યા. આ રસને લીધે જ કૃષિ સંશોધન ક્ષેત્રમાંથી સરકારના પુરાતત્ત્વ વિભાગમાં જોડાયા. જામનગર જૂનાગઢ મ્યુઝિયમના ક્યુરેટર થયા પણ આગળ વિકાસ સાધવામાં જ્ઞાન કરતાંય ડિગ્રી આધારિત આપણી રૂઢ પ્રણાલીમાં ફિટ ન થયા. પશ્ચિમમાં એવું નથી. ત્યાં જ્ઞાનનો પાટલો પહેલો પડે. અહીંથી અમેરિકન એકેડેમી ઑફ બનારસમાં જોડાઈ ગુજરાતને વરમી વિદાય આપી. વચ્ચે થોડો સમય એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજીમાં જોડાયા ને ફરી બનારસ. અહીં ગુજરાતમાં હતા ત્યારે સૌરાષ્ટ્રના મોતીકામ, ભરતકામ વિશે અંગ્રેજીમાં પુસ્તક આપ્યું. ગુજરાતીમાં તેમની કલમ ઘડવામાં ‘કુમાર’નું, વિશેષ કરીને બચુભાઈનું યોગદાન. બનારસની એ સંસ્થા પછીથી અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયન સ્ટડીઝ તરીકે વિકસી. અહીં દશકાઓ રહ્યા અને ડાયરેક્ટર એમેરિટસ સુધી પહોંચ્યા. દેવાલય સ્થાપત્યના શોધ-સંશોધન નિમિત્તે શ્રીલંકા, ઈન્ડોનેશિયાના પ્રવાસો કર્યા. અનેક આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં ભાગ લેવા ઈંગ્લૅન્ડ, અમેરિકા, ફ્રાંસ, જર્મની, સ્વિટ્ઝરલૅન્ડના પ્રવાસો કર્યા. ભારતીય દેવાલય સ્થાપત્યની બૃહદ ગ્રંથાવલિ એન્સાઈક્લોપીડિયાના પ્રધાન સંપાદક ઢાંકીસાહેબ જેવા વ્યુત્પન્નમતિ વિદ્વાનના હાથ નીચે ૧૨ ખંડો પ્રકાશિત થયા છે અને ત્રણ દાયકાથી આરંભાયેલું આ કામ હજી ચાલું જ છે. તેમની સંસ્થાનું બનારસથી બારેક વર્ષથી દિલ્હી નજીક ગુડગાંવ – હરિયાણામાં સ્થળાંતર થયું છે. પાંચેક વર્ષ પહેલાં પૂર્ણ રીતે નિવૃત્ત થયા. આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા પ્રકાશિત ગુજરાત અને રાજસ્થાનનાં જૈન તીર્થોના સ્થાપત્ય ઇતિહાસને ઉજાગર કરતી સચિત્ર પુસ્તિકાનો સંપુટ તેમની દેન છે. દેવાલય સ્થાપત્ય કે જૈનદર્શન તેમનું એક પાસું. બીજું પાસું સંગીતજ્ઞ તરીકેનું. હિન્દુસ્તાન અને કર્ણાટક સંગીતની ખૂબીઓ સમજવા બંને શૈલીની તાલીમ લીધી. ગાયક બનવા કરતાંય વધારે તો તુલનાત્મક અભ્યાસ માટે અને રસિકભાવક બનવા. સંગીત વિશે મૌલિક સંશોધન કરી લેખો લખ્યા. થોડાં વરસો ઉપર પ્રકાશિત તેમનું સંગીતવિષયક લેખોનું પુસ્તક ‘સપ્તક’ આ ક્ષેત્રમાં આપણા દારિદ્રને એક ઝળહળતા રત્નથી ફિટાવી દે તેવું. તેમની સાથેની સાહજિક વાતોમાં અનેક વિષયો ઊખળતા જાય ને તેમના વ્યક્તિત્વનાં અનેક પાસાંઓ ઊઘડતાં જાય. તમે કેટલું ઝીલો? પ્રસ્તુત મુલાકાતમાં પણ તેમના વ્યક્તિત્વના કેટલાક અંશો ઝિલાયા છે. રત્નશાસ્ત્ર પર પણ તેવું જ જ્ઞાન. આ વિષયનો રસ પોષવામાં ભૂસ્તરશાસ્ત્રનું જ્ઞાન ખપમાં લાગ્યું હશે. પ્રતીતિ થાય કે શીખેલું કશું નકામું નથી જતું. પુરાતત્ત્વ, દેવાલય સ્થાપત્ય, ભારતીય દર્શનશાસ્ત્ર, રસશાસ્ત્ર, જૈનદર્શન ઇતિહાસ, સંગીત, રત્નશાસ્ત્ર, ચિત્રકળા જેવાં કેટકેટલાં અલગ અલગ ક્ષેત્રોના જ્ઞાનને એકસૂત્રે બાંધનારા ઊર્ણનાભ જેવા ઢાંકીસાહેબ આ બધામાંય ક્યાંય ફસાતા નથી. આમ ભાવુક ભક્તજન જેવા તો કુશાગ્ર બૌદ્ધિક વૈજ્ઞાનિક જેવાં – આસ્થા, અનુમાનો કરતાં તથ્ય પ્રમાણનો જ આધાર લેનારા. તેમને મળીએ ત્યારે આટઆટલાં ક્ષેત્રના જ્ઞાતા, દેશવિદેશમાં તેમના કામથી આદરભર્યું સ્થાન પામનાર વિદ્વાન, કેમ્પબેલ, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ કે હેમચંદ્રાચાર્ય અને છેલ્લે પદ્મભૂષણ અને રણજીતરામ સુવર્ણ ચંદ્રક જેવા એવોર્ડથી સન્માનિત, અનેક ગ્રંથોના લખનાર ભારેખમ વિદ્વાનને મળીએ છીએ તેવો ભાર ન લાગે. ખુલ્લા દિલે ઉંમરને ઓગાળી વાતો કરે, ભેટે, ઠાવકા રહી હાસ્યના પ્રસંગો કહી વાતાવરણને હળવું બનાવી દે. ગંભીર ચર્ચામાં પરોવાય ને આપણાં નસીબ ને તેમનો મૂડ હોય તો સુરીલી હલકથી હિન્દુસ્તાની કે કર્ણાટક સંગીતની કોઈ ચીજ ગાય પણ ખરા. ભારતમાં તો ઠીક વિદેશોમાંય તેમના જેવા બહુ ઓછા વિદ્વાનો હશે. ગુજરાતને હજી તેની પૂરી ઓળખ નથી. ગુજરાતને કોઈએ અમસ્તું જ ‘ગાંડી ગુજરાત’ નહીં કહ્યું હોય. તેમની સાથેની દરેક મુલાકાત કશોક નવો જ ઉઘાડ રચી આપતી હોય. આવા આ સાચા અર્થમાં બહુઆયામી ઢાંકીસાહેબના મહાલય જેવા વ્યક્તિત્વના કેટલાક ઓરડાઓ ખૂલે અને તેની જણસની આપણને જાણ થાય તેટલો જ છે આ મુલાકાતનો હેતુ.

***