મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૩૬)
Jump to navigation
Jump to search
પદ (૩૬)
દયારામ
માડી! નંદનો કુંવર મારી કેડે પડ્યો રે! માડી!
મુજ મુખ દેખી વ્હાલા! નેન નચાવે,
મિશેમિશે આવે મારે અંગે અડ્યો. માડી!
મુને પણ એ વિના બીજો જોવો ગમે નહીં,
નિશદિન આવે મારે કાળજે ચડ્યો. માડી!
મને એમ સૂઝે માડી! એને વરું તો
જોડું શોભે જાણે મણિ કુંદને જડ્યો! માડી!
દયાપ્રીતમ તો મારી પ્રીત પૂરવ જાણે,
ઓ માડી! એ વર વિધાતાએ મારે માટે ઘડ્યો. માડી!